રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ

જેમ્સ બોન્ડની શ્રેણીની એક આખી ફિલ્મ મીડિયાના પાવર પર આધારિત હતી. મીડિયા હીરોને ઝીરો અને ઝીરોને હીરો બનાવી શકે છે. મીડિયા પાવરને કારણે અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ નિક્સને સત્તા ગુમાવવી પડી હતી. યાદ કરો, વોટરગેટ સ્કેન્ડલ. મીડિયાએ અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન અને મોનિકા લેવેન્સ્કિના સેક્સસંબંધોનો પર્દાફાશ કર્યો હતો. મીડિયાને કારણે દિલ્હી ગેંગરેપના કિસ્સામાં ફાસ્ટટ્રેક કોર્ટની રચના થઈ હતી અને ઝડપથી ચુકાદો આપી દેવાયો હતો. હવે પાકિસ્તાનમાં રહેતા ભારતના દુશ્મન નંબર -વન ડોન દાઉદ ઇબ્રાહિમને આ સમજાયું છે. ડોન પાસે બધું જ છે, પણ મીડિયા પાવર નથી. પાકિસ્તાનમાં BOL Channel નેટવર્ક જાણીતું છે. તેના માલિકો એક મીડિયા ગ્રૂપ છે. કહેવાય છે કે ડોન દાઉદ ઇબ્રાહિમ તેને ખરીદી રહ્યો છે.

દાઉદ TV કે ISI ટીવી?

ફેન્ટાસ્ટિક ઓફર્સ

BOLChannel આ વર્ષના અંત સુધીમાં તેનું પ્રસારણ શરૂ કરી દેશે. એણે સ્ટાફની ભરતી શરૂ કરી દીધી છે. અત્યાર સુધીમાં ૪૦,૦૦૦ અરજીઓ આવી ચૂકી છે. પાકિસ્તાનમાં અત્યારે ૪૦ જેટલી ન્યૂઝ ચેનલો છે. તે બધી જ દર્શકોને ખેંચી લાવવા સંઘર્ષ કરી રહી છે ત્યારે તેમાં હવે એકનો વધારો થશે. પાકિસ્તાનની ત્રણ ન્યૂઝ ચેનલો બંધ થવાની તૈયારીમાં છે ત્યારે BOL Channel તેના સ્ટાફને અત્યંત ઊંચાં વેતન ઓફર કરી રહી છે. માત્ર વેતન જ નહીં, રહેવા માટે લક્ઝુરિયસ ઘર અને લક્ઝરી મોટર કાર્સની પણ ઓફર કરી રહી છે. હાઈ પ્રોફાઇલ એન્કર્સ અને ટીવી શોના હોસ્ટસને બોડીગાર્ડ્સ પણ આપવામાં આવશે. પાકિસ્તાનના જિયો ટીવી ન્યૂઝ ચેનલના વડાને મહિને એક કરોડ રૂપિયાના વેતનથી રોકી લેવામાં આવ્યા છે, જે ભારતના ૬૦ લાખ રૂપિયા થાય. પાકિસ્તાનમાં ‘આજ કામરાન ખાન કે સાથ’ નામનો લોકપ્રિય શો ચલાવતા જિયો ટીવીના હોસ્ટ કામરાન ખાન જે માગે તે વેતન આપવા BOL Channel તૈયાર છે.

કોણ છે માલિકો?

કહેવાય છે કે BOL Channel ની પાછળ બે મુખ્ય પાર્ટીઓ છે. એક તો ગેંગસ્ટર ડોન દાઉદ ઇબ્રાહિમ અને બીજી છે પાકિસ્તાનની નોટોરિયસ ગુપ્તચર સંસ્થા- આઈએસઆઈ. આઈએસઆઈનું આખું નામ ‘ઇન્ટર સર્વિસીસ ઇન્ટેલિજન્સ’ છે. જાણકાર વર્તુળો માને છે કે પાકિસ્તાનની હાલની પ્રાઇવેટ ન્યૂઝ ચેનલો હવે વધુ પડતી સ્વતંત્રતા ભોગવતી હોઈ સરકારી તંત્રની વધુ ને વધુ ટીકા કરતી થઈ ગઈ છે અને ખાસ કરીને પ્રશાસનમાં આઈએસઆઈની તે ખૂબ ટીકા કરે છે. આ કારણે તે પ્રાઇવેટ ચેનલોનો સામનો કરવા એક વધુ રોનકદાર ન્યૂઝ ચેનલ ચાલુ કરવી જોઈએ જે આઈએસઆઈની ટીકા ન કરે અને બીજી ન્યૂઝ ચેનલોને હંફાવી દે.BOLChannel અધિકૃત સ્પોન્સર કરાંચીસ્થિત એક્ઝેક્ટ ગ્રૂપના માલિકો છે. આ ગ્રૂપના સ્થાપક અને માલિકનું નામ શોએબ શેખ છે. આ કંપની આમ તો વાઇબ્રન્ટ સોફ્ટવેર હાઉસ સાથે સંકળાયેલ છે. ૫૦૦૦ જેટલા લોકો તેમાં કામ કરે છે. હવે એ કંપનીને ફાઇનાન્સ કરવા માટે ડોન દાઉદ ઇબ્રાહિમ આગળ આવ્યો છે. એ કંપનીને જરૂરી નાણાકીય સહાયતા કરવાનું કામ દાઉદ ઇબ્રાહિમે છોટા શકીલને સોંપ્યું છે.

શોએબ શેખ કોણ છે?

એક બ્રિટિશ ન્યૂઝપેપરના અહેવાલ અનુસાર એક્ઝેક્ટ ગ્રૂપનો માલિક શોએબ શેખ મોટો કૌભાંડિયો છે, તેની કંપની વર્ષોથી ખોટાં કામો જ કરે છે. તેની સોફ્ટવેર કંપની ગેરકાયદે પોર્ન સાઇટ્સ ચલાવતી હોવાના આક્ષેપ થયેલા છે. યુવાનોને બનાવટી ડિગ્રી ર્સિટફિકેટ્સ પણ બનાવી આપતો હોવાના આક્ષેપ થયેલા છે. પાકિસ્તાનના મોટા ભાગનાં સોફ્ટવેર હાઉસીસ તેનાથી દૂર રહે છે,પરંતુ શોએબ શેખની કંપની કરાંચીમાં ઘણી મોટી વગ ધરાવે છે. તેની કંપની ‘એક્ઝેક્ટ’ પાકિસ્તાનની સલામતી સંસ્થાઓ સાથે પણ સંકળાયેલી છે. તેની સોફ્ટવેર લિંક પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી સાથે જોડાયેલી છે. એ કારણે જ આઈએસઆઈ શોએબ શેખનો ઉપયોગ ન્યૂઝ ચેનલ ચાલુ કરવા માટે કરી રહી છે. એકઝેક્ટ તો કંપનીનું નામ છે, પરંતુ તેની ટર્ફ પર આઈએસઆઈ રમશે અને જરૂરી તમામ નાણાં ડોન દાઉદ ઇબ્રાહિમ પૂરાં પાડશે. કહેવાય છે કે શોએબ શેખની ‘એક્ઝેક્ટ’ કંપની આઈએસઆઈની સાયબર પ્રવૃત્તિ પણ ચલાવે છે. એ કંપની પાકિસ્તાનની ડિફેન્સ ઇન્ડસ્ટ્રી માટે પણ કામ કરે છે. એ કંપનીએ ડિફેન્સ હાઉસિંગ સોસાયટી પણ બાંધી આપી છે. આ વાત એક્ઝેક્ટ કંપનીએ ગૌરવપૂર્વક પોતાની વેબસાઇટ પર મૂકી છે.

અકીલ કરીમ ધેડી

આમ, પાકિસ્તાનમાં આવી રહેલી નવી ન્યૂઝ ચેનલનું બહારનું મહોરું એક્ટેક્ટ કંપનીનું છે, પરંતુ તેનો અસલી માલિક ડોન દાઉદ ઇબ્રાહિમ અને તેનું અસલી ભેજું આઈએસઆઈ હશે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે દાઉદ ઇબ્રાહિમનું હાર્ડવેર હશે અને આઈએસઆઈનું સોફ્ટવેર હશે. દાઉદ ઇબ્રાહિમ અત્યારે આઈએસઆઈની મદદ અને સલાહથી દુબઈમાં છે. અમેરિકાની બીકથી તેને દુબઈ મોકલી દેવામાં આવ્યો છે, પરંતુ તેનો પાકિસ્તાનમાં બિઝનેસ યથાવત્ છે. પાકિસ્તાનમાં તેનો કારોબાર અકીલ કરીમ ધેડી સંભાળી રહ્યો છે. અકીલ કરીમ કરાંચી સ્ટોક એક્સચેન્જનો મુખ્ય ખેલાડી ગણાય છે. દાઉદ ઇબ્રાહિમ દુબઈમાં હોઈ તેનું કરાંચીમાં ક્લિફટન એરિયા ખાતેનું ભવ્ય નિવાસસ્થાન હાલ ખાલી છે. અલબત્ત, તેથી દાઉદનો ધંધો અટકતો નથી. એથી ઊલટું દાઉદના ખાસ માણસ અકીલ કરીમે તાજેતરમાં જ એક લક્ઝુરિયસ હાઉસિંગ પ્રોજેક્ટ કરાંચીમાં હાથ ધર્યો છે. અકીલ કરીમ ધેડી આ અગાઉ પાકિસ્તાનમાં સન બિઝ ટીવી ચેનલ પણ ચલાવી ચૂક્યો છે. તેમાં એણે ઘણું નુકસાન કર્યું હતું.

BOL Channel નો લક્ષ્યાંક

દાઉદ ઇબ્રાહિમ અને આઈએસઆઈની નવી ન્યૂઝ ચેનલ BOL Channel નો લક્ષ્યાંક GEOTV છે. તે GEOTV ને પછાડવા માગે છે. પાકિસ્તાનમાં આજકાલ GEO TV ની ન્યૂઝ ચેનલ લોકપ્રિય છે. તેની માલિકી જંગ ગ્રૂપની છે. આ ગ્રૂપ શરૂઆતમાં પાકિસ્તાન સરકારની તરફેણ કરતું હતું, પણ હવે તે પાકિસ્તાનના લશ્કર અને ગુપ્તચર એજન્સીઓનું ટીકાકાર બની ગયું છે. તેને પછાડવા શરૂ થઈ રહેલી નવી ચેનલ BOL સહુથી પહેલાં ન્યૂઝ અને એન્ટરટેઇનમેન્ટ ચેનલ શરૂ કરશે. એ પછી સ્પોર્ટ્સ ચેનલ શરૂ કરશે. એ પછી BOL ગ્રૂપ પ્રિન્ટ મીડિયામાં પણ આવવા માગે છે. BOL ગ્રૂપનો પ્લાન અંગ્રેજી અને ઉર્દૂ એમ બંને ભાષામાં અખબારો શરૂ કરવાનો છે. અલબત્ત, BOL નો આ હાઈ પ્રોફાઇલ પ્રોજેક્ટ નાણાકીય દૃષ્ટિએ કેટલો ફાયદાકારક છે તે એક પ્રશ્ન છે. ઘણાંને લાગે છે કે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ ટીવી મીડિયામાં સ્પર્ધા એટલી હદે છે કે તેને પૂરતું વળતર મળવાની શક્યતા ઘણી ઓછી છે. ઘણાંને લાગે છે કે BOL TV Channel એક દિવસ દેવાળું ફૂંકશે. તેને બચાવવા BOL ટીવીએ સરકારી જાહેરાતો પર જ નિર્ભર રહેવું પડશે. BOL ટીવી ચેનલ અંગે ભારતના નિષ્ણાતો માને છે કે આ ટીવી ચેનલ પર આઈએસઆઈનો પ્રભાવ હશે, તેથી તે પત્રકારોને ખરીદશે. પોતાને ગમતા કાર્યક્રમો પ્રદર્શિત કરાવશે. આ કામ તે ભૂતકાળમાં કરી ચૂકી છે.

www.devendrapatel.in