રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ

યુપીએ -૨ સરકારે કેટલાક ભ્રષ્ટ રાજકારણીઓને બચાવવા માટે તૈયાર કરેલો વટહુકમ પાછો ખેંચાવવા માટે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ‘ગેઇમ ચેઇન્જર’ સાબિત થયા. યુપીએ -૨ સરકારના પોતાના જ સાથી લાલુ પ્રસાદના ટેકાની કે પોતાની સરકારના અસ્તિત્વની પરવા કર્યા વિના રાહુલ ગાંધીએ દિલ્હી પ્રેસ ક્લબમાં જઈ જે ટૂંકું પણ ક્રાંતિકારી વક્તવ્ય આપ્યું તેથી આખી બાજી બદલાઈ ગઈ. પરિણામે લાલુ આજે જેલમાં છે અને તેમનું સંસદસભ્ય પદ હવે સમાપ્તિના આરે છે.

ગેઇમ ચેન્જર, રિબેલ્યન એન્ડ 'ધ બોસ'

નિખાલસ રાજકારણી એ પછી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ બાદ રાષ્ટ્રીય કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પહેલી જ વાર ગુજરાતમાં આવ્યા. ગુજરાતના વરિષ્ઠ પત્રકારો, તંત્રીઓ અને અખબારોના માલિકો સાથે નિર્ધારિત થયેલી કુલ ૪૦ મિનિટને બદલે પોણા બે કલાક સુધી ખુલ્લા દિલે વાતો કરી. વિદાય લેતી વખતે તમામ પત્રકારો સાથે હાથ મિલાવ્યા. રાહુલ ગાંધીએ આજ સુધી દિલ્હીમાં પણ જે કર્યું નથી તે તેમણે ગુજરાતમાં કર્યું. શરૂઆતમાં બહુ થોડું જ વક્તવ્ય રજૂ કરી સામેથી જ બોલ્યા, “તમે જ પ્રશ્નો પૂછો.” ઘણાંને એમ હતું કે, રાહુલ ગાંધી એક રિલક્ટંટ પોલિટિશિયન છે. એટલે કે ઇચ્છા વગર રાજનીતિમાં આવેલા રાજકારણી છે, પણ તેઓ જે કંઈ બોલ્યા તે પરથી જે પ્રતિક્રિયા આવી તે પરથી એમ લાગ્યું કે (૧) રાહુલ ગાંધી ટિપિકલ અને રિલક્ટંટ રાજકારણી પણ નથી.

(૨) સત્તાપ્રાપ્તિની તેમને કોઈ જ ઉતાવળ નથી. (૩) વડાપ્રધાન પદ હાંસલ કરવું એ જ એમનું લક્ષ્ય નથી. (૪) વ્યંગ કે નિમ્ન કક્ષાની ભાષાનો પ્રયોગ કરતા નથી. (૫) કોઈનીયે પર વ્યક્તિગત આક્ષેપો કરતા નથી. (૬) ખાદીનાં વસ્ત્રોની સાદગી દેખાવ માટે નહીં પણ સાચુકલી છે. (૭) કોઈ પણ પ્રશ્નના જવાબમાં હૃદયની લાગણી છુપાવતા નથી. તેઓ જેવા છે તેવા જ પ્રગટ થાય છે. (૮) લાંબું ભાષણ કરવામાં માનતા નથી. (૯) પોતાના પ્રવચન કરતાં બીજાઓને સાંભળવામાં તેમને વધુ રસ છે. (૧૦) પબ્લિસિટીની ઘેલછા નથી. તેમની સાથેના સંવાદ બાદ અમદાવાદના એક અંગ્રેજી અખબારે રાષ્ટ્રીય કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ માટે હેડિંગ કર્યું , THE WISE PRESIDENT રાહુલ ગાંધીને નજીકથી મળ્યા બાદ મીડિયાનો અભિપ્રાય જ બદલાઈ ગયો. ન કોઈ ગુમાન, ન કોઈ ઘમંડ.

મુઠ્ઠીભર લોકો પાસે સત્તા

રાહુલ ગાંધી કહે છે કે, Sorry. I am not the reluctant politician you would want to portray me as. હું બળવાખોર છું અને ફાઇટ આપીશ. પછી ભલે મારે મારી જ પાર્ટી સામે બળવો કરવો પડે. મને મારો અભિપ્રાય ઉચ્ચારવાનો અધિકાર છે જે અધિકાર દેશમાં બીજાઓને પણ છે. આપણને બધાને પરિવર્તન જોઈએ છે અને તેની શરૂઆત હું મારી જાતથી અને મારી પાર્ટીથી જ કરીશ.

ભ્રષ્ટ રાજકારણીઓને બચાવી શકાય તેવા યુપીએ -૨ સરકારે જ તૈયાર કરેલા વટહુકમને ફાડીને ફેંકી દેવાની તેમની વાત એ તેમની જ સરકાર સામેનો પહેલો બળવો હતો. દિલ્હી પ્રેસ ક્લબના એ હાઈ વોલ્ટેજ એપિસોડ બાદ રાહુલ ગાંધીએ પહેલી જ વાર ગુજરાતનાં મીડિયાને સંબોધતાં જે પહેલું વાક્ય ઉચ્ચાર્યું તે એથી વધુ ગંભીર હતું. તેઓ બોલ્યા, “વર્ષોથી આ દેશની સરકાર અને વિધાનસભા મુઠ્ઠીભર માણસો ચલાવે છે. રાજકીય પક્ષોનું સંચાલન પણ મુઠ્ઠીભર માણસોના હાથમાં છે. તેમાં કોંગ્રેસ અને ભાજપ બેઉ આવી ગયાં. બહુજન સમાજપાર્ટી (માયાવતીની પાર્ટી) તો એક જ વ્યક્તિ ચલાવે છે. સત્તાનું કેન્દ્રીકરણ થયેલું છે. હું આ પદ્ધતિ તોડવા માગું છું. પક્ષ કે સરકારની સત્તા છેલ્લામાં છેલ્લા માણસ-સરપંચ સુધી પહોંચાડવા માગું છું.” રાહુલ ગાંધીનું આ વિધાન આશ્ચર્યજનક એટલા માટે હતું કે આ દેશમાં ૫૦ કરતાં વધુ વર્ષ તો એકંદરે કોંગ્રેસે જ રાજ કર્યું છે અને તેમ છતાં તેમણે હિંમતપૂર્વક કહ્યું કે, “આ દેશ થોડા માણસો જ ચલાવે છે.”

હું યુવાન છું માટે

ભ્રષ્ટ રાજકારણીઓનું રાજકારણ બચાવે તેવા પોલા વટહુકમને ફાડી નાંખવાની અને એ વટહુકમને બકવાસ કહેવાની વાતનો તેમને કોઈ અફસોસ નથી. તેઓ બોલ્યા, “મારી માતાએ મને કહ્યું હતું કે મારા શબ્દો કઠોર હતા, એ વાત સાચી પણ મારી લાગણીઓ સાચી હતી. હું યુવાન છું. મને જ્યારે પણ જે લાગણીઓ જન્મે છે તેને અભિવ્યક્ત કરી દેવામાં માનું છું. મોટા ભાગના કોંગ્રેસીઓ પણ આ વાત સાથે સંમત થશે.” ઘણાંને લાગતું હતું કે રાહુલ ગાંધી સ્વયં દ્વિધાથી ભરેલું વ્યક્તિત્વ છે, પરંતુ પોણા બે કલાકના એ બ્રેન ર્સ્ટોર્ષિંમગ સેશન બાદ એ સ્પષ્ટ થઈ ગયું કે તેઓ તેમની વિચારધારામાં સ્પષ્ટ છે. યુવાનો માટે તેમણે કહ્યું, “બીજા અનેક યુવાનોની જેમ હું પણ આ દેશને ભ્રષ્ટાચારથી મુક્ત બનાવવા માગું છું. ૧૨૦ કરોડ ભારતીયોનું ભવિષ્ય ૫૦૦ મુઠ્ઠીભર માણસોના હાથમાં સોંપી શકાય નહીં. આ કામ હું મારી પાર્ટીમાં સુધારા લાવીને શરૂ કરીશ.”

નો પોલરાઇઝેશન તમારા જાહેરજીવનની પ્રથમ અગ્રતા કઈ છે? એ પ્રશ્ન અંગે પણ તેમનો મત સ્પષ્ટ હતો, “મને સૌથી મોટી ચિંતા આ દેશને બહુમતી અને લઘુમતીમાં વહેંચી દેવાનો પ્રયાસ થઈ રહ્યો છે તે છે. જ્યારે જ્યારે આ દેશને હિન્દુ અને મુસલમાનોની વચ્ચે વહેંચી દેવાનો પ્રયાસ થયો છે ત્યારે ત્યારે પાકિસ્તાન મજબૂત થયું છે. ભારતનો હિન્દુ અને મુસલમાનોને અલગ કરવાનો પ્રયાસ આ દેશની એકતા અને એખલાસના મૂળ હાર્દને ભારે નુકસાન પહોંચાડે છે. પાકિસ્તાન સરહદ પારથી શસ્ત્રો, આતંકવાદીઓ અને ડ્રગ્સ ભારતમાં મોકલી શકે છે. હું તેમ કરી શકું તેમ નથી. આપણે જો એક રહીશું તો પાકિસ્તાનને હરાવી શકીશું. ભારતે તેની સૌથી વધુ શક્તિશાળી તાકાતનું પ્રદર્શન સ્વતંત્રતાના સંગ્રામ વખતે કર્યું. તેની સફળતાનું રહસ્ય એક જ હતું અને તે આપણી વિવિધતામાં એકતા.”

ભ્રષ્ટાચાર અંગે

દેશમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવાની બાબતમાં અણ્ણા હજારેની ફોર્મ્યુલા સાથે તેઓ સ્પષ્ટ રીતે અસહમત છે. તેઓ કહે છે, “અણ્ણાની સૂઝ સરકાર પર સુપર મોનિટર (લોકપાલ) મૂકવાની વાત કરે છે, પણ તેથી કોઈ સ્વચ્છતા નહીં આવે. એમ કરવાથી તો સુપર મોનિટર પોતે જ વધુ ભ્રષ્ટ થઈ જશે. એક જમાનામાં ટેલિફોનનું જોડાણ લેવા માટે પણ લાંચ આપવી પડતી હતી અથવા એમપીના કોટામાંથી ફોન લેવા સાંસદ પાસે જવું પડતું હતું, પરંતુ અમે જ્યારે અનેક પબ્લિક ટેલિકોમ બુથ ખોલી આખી સિસ્ટમને જ ઉઘાડી કરી દીધી છે અને મોબાઇલ લાવી દીધા. હવે કોઈએ ફોન માટે લાંચ આપવી પડતી નથી. પોલિટિકલ સિસ્ટમ વર્ષો પહેલાંની ટેલિકોમ સિસ્ટમ જેવી છે. હવે તમારે મુઠ્ઠીભર માણસોનો કંટ્રોલ જવા દઈ વધુ ને વધુ માણસોને પોલિટિકલ સિસ્ટમમાં જોડવા જોઈએ. હું નથી કહેતો કે એમ કરવાથી બધું સ્વચ્છ થઈ જશે, પરંતુ પરિસ્થિતિમાં સુધારો તો જરૂર થશે.”

ગાંધીજીમાં વિશ્વાસ

મોટા ગજાના નેતાઓ હાથમાં મોબાઇલ રાખવામાં નાનમ અનુભવે છે. તેમના મોબાઇલ તેમના અંગત સચિવો પાસે હોય છે,પરંતુ રાહુલ ગાંધી મીડિયાના તંત્રીઓ, માલિકો અને પત્રકારો સામે પોતાનો મોબાઇલ લઈને જ આવ્યા. તેમના જીવનની અગ્રતા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે પોતાનો મોબાઇલ ખોલી ગાંધીજીના સાબરમતી આશ્રમમાં તેમણે જ લીધેલી એક તસવીર દર્શાવતાં કહ્યું, “જુઓ, આ સર્કલના કેન્દ્રમાં સત્ય અને અહિંસા છે. તેની આસપાસ જ્ઞાન, અન્ન, શક્તિ અને પ્રેમ છે. આમ તો આ એક પુરાણું મોડલ છે, પરંતુ મને તે રસપ્રદ લાગ્યું.”

બળવાખોર પરિવાર

ગુજરાતનાં સમગ્ર મીડિયાને લાગ્યું કે, રાહુલ ગાંધીને સત્તાપ્રાપ્તિની દોડ કરતાં દેશની સરકારની અને પોતાની જ પાર્ટીની સિસ્ટમમાં આમૂલ પરિવર્તનની ચિંતા છે. તેઓ મેનિપ્યુલેટર નહીં, પરંતુ વિચારશીલ રાજકારણી છે. વાતચીત, વાણી અને વ્યવહારમાં નહેરુ ગાંધીમાં પરિવર્તનની ગરિમા છલકે છે. હા, બળવાખોર પ્રકૃતિ જરૂર છે જે તેમને વારસામાંથી મળેલી છે. તેમના ગ્રેટ ગ્રાન્ડ ફાધર જવાહરલાલ નહેરુ વર્ષો પહેલાં અમદાવાદમાં એક ઇમારતના શિલારોપણ માટે આવેલા હતા. ખાતમુહૂર્ત પહેલાં એક બ્રાહ્મણે લાંબા લાંબા શ્લોક બોલવાનું શરૂ કરતાં જવાહરલાલ નહેરુએ તેમને રોકતાં કહ્યું હતું, “વડાપ્રધાનનો સમય આ રીતે વેડફવા માટે નથી. શ્લોકો બંધ કરી દો.” જવાહરલાલ નહેરુને એક વખત તેમના જ મતવિસ્તારનું એક પ્રતિનિધિમંડળ મળવા આવ્યું ત્યારે તે પ્રતિનિધિમંડળને મળવાનો ઇન્કાર કરી દેતાં તેમણે કહ્યું હતું, “હું આ દેશનો વડાપ્રધાન છું. બીજા ૫૦૦ સાંસદો પૈકીનો એક નથી કે જેણે પોતાના જ મત વિસ્તારની ચિંતા કરવાની હોય.”

રાહુલ ગાંધીના પિતા રાજીવ ગાંધી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે તેમણે પત્રકાર પરિષદ વખતે જ વિદેશ સચિવને પાણીચું આપી દીધું હતું. તેમનાં દાદી ઇન્દિરા ગાંધીએ રાષ્ટ્રપતિની ચૂંટણી વખતે કોંગ્રેસના અધિકૃત ઉમેદવાર નીલમ સંજીવ રેડ્ડી સામે બળવો કરી વી.વી. ગીરીને મેદાનમાં ઉતાર્યા હતા અને વી.વી.ગીરીને જિતાડી દીધા હતા. તેમનાં માતા સોનિયા ગાંધીએ કોંગ્રેસના પ્રમુખ સીતારામ કેસરીને હટાવી કોંગ્રેસની કમાન સંભાળી લીધી હતી. હવે રાહુલ ગાંધી પણ એ જ માર્ગે છે. ડો. મનમોહનસિંહની કેબિનેટે પસાર કરેલા વટહુકમને પાછો ખેંચવાની ફરજ પાડી રાહુલ ગાંધીએ એ વાત પણ સાબિત કરી દીધી છે કે, ‘I am the boss, of course rebellion Boss. રાહુલ ગાંધી પાસે હજુ આવા અનેક બળવાઓની અપેક્ષા છે. જૂથબંધી એ કોંગ્રેસનું કેન્સર છે. મોંઘવારી આ દેશની સમસ્યા છે. ગરીબી આ દેશમાં અભિશાપ છે. ભ્રષ્ટાચાર આ દેશના લોહીમાં વણાઈ ગયો છે. કોમવાદ એ રાજકારણીઓની ભેટ છે. ત્રાસવાદીઓથી જનતા આતંકિત છે. કેટલાક અપરાધીઓથી લોકસભા અને વિધાનસભાઓ ભરેલી છે. રાજકારણ એક ધંધો છે. રાજનીતિ કાવાદાવાઓથી ભરેલી છે. આ બધી વિટંબણાઓનો અંત ક્યારે, એંગ્રી યંગમેન?