અમેરિકાના પ્રેસિડેન્ટ બરાક ઓબામા તેમના પૂરોગામીઓની જેમ ફરી રેમ્બો બનવા થનગની રહ્યા છે. આખા વિશ્વમાં સહુથી વધુ આધુનિક અને સભ્ય ગણાતો દેશ વિશ્વના ઇતિહાસમાં સહુથી વધુ યુદ્ધખોર રહ્યો છે. બીજા વિશ્વયુદ્ધ વખતે જાપાનના હીરોશીમા અને નાગાસાકી પર અણુબોમ્બ ફેંકી લાખોને મોતને ઘાટ ઉતારનારો દેશ પણ અમેરિકા હતો. તે પછી તેણે ક્યૂબા પર હૂમલો કર્યો તે વખતે ફરી અણુયુદ્ધ ફાટી નીકળવાની સંભાવના ઉભી થઈ હતી. તે પછી તેણે આખા વિશ્વના મતની પરવા કર્યા વિના વિયેતનામ પર આક્રમણ કર્યું અને બોમ્બ ઝીંક્યા હતા. તે પછી તેણે રશિયનોને ખદેડવા અફઘાનિસ્તાન પર મિસાઈલો ત્રાટકી. તે પછી બે વખત ઇરાક પર હૂમલો કરી સદ્દામ હુસેનને ફાંસીએ લટકાવ્યો. હવે તેણે સીરિયાનો વારો કાઢયો છે. એ જાણી લેવું જોઈએ કે અમેરિકાનું અર્થતંત્ર જ યુદ્ધ આધારિત છે. તેને તેનો શસ્ત્ર સંરજામ વેચવા માટે દર થોડા થોડા વર્ષે વિશ્વમાં ક્યાંક ને ક્યાંક યુદ્ધની જરૂરિયાત રહે જ છે. એ જ રીતે એનો ડોલર મજબૂત રહે અને તેલ પેદા કરતાં રાષ્ટ્રો તેની નીતિને અનુસરે તે એની કૂટનીતિ છે.
સીરિયામાં છેલ્લા કેટલાક સમયથી આંતરીક ગૃહ યુદ્ધ ચાલી રહ્યું છે. સીરિયાના રાષ્ટ્રપતિ તરીકે બશર અલ અસદ છે. તેમની સામે એક જૂથ બળવો કરી રહ્યું છે. તેઓ સુધારાવાદી ગણાય છે. પરંતુ ત્યાં પણ શિયા અને સુન્નીઓને ઝગડો છે. વિદ્રોહીઓને દબાવવા માટે તાજેતરમાં સીરિયાની સરકારે યુદ્ધ વિમાનો મારફતે કેમીકલ બોમ્બ ઝીંક્યા હોવાનો આક્ષેપ છે. આ રાસાયણિક શસ્ત્રોથી ૧૪૦૦ થી વધુ લોકોના મોત થયા. છેલ્લા બે વર્ષથી ચાલતા આ આંતરિક ગૃહયુદ્ધમાં સીરિયાના ૧,૧૦,૦૦૦ લોકો માર્યા ગયા છે. તેમાનાં મોટા ભાગના તો નાગરીકો જ છે. એ બધામાં જે બાળકો મૃત્યુ પામ્યા છે તેમની સંખ્યા ૫૮૩૩ જેટલી છે. અમેરિકા ગમે ત્યારે યુદ્ધ કરશે એ દહેશતથી સીરિયન નાગરિકો દેશ છોડી આસપાસના દેશોમાં ભાગી રહ્યા છે.
અમેરિકાના પ્રેસીડેન્ટ બરાક ઓબામાએ સીરિયા પર હુમલો અનિવાર્ય છે તેવો સંકેત આપ્યો છે. તેમણે એમ પણ કહ્યુ છે કે સાથી દેશોની મદદ વિના પણ અમે હુમલો કરીશું. પરંતુ તે મર્યાદિત હશે. સીરિયા પર કોઈપણ લશ્કરી કાર્યવાહી કરવામાં આવશે તો તેનો સહુથી વધુ બોઝ અમેરિકા પર રહેશે. અલબત્ત, અમેરિકાના પ્રેસીડેન્ટ આ હૂમલા માટે તેમના દેશની સંસદની અનુમતી માંગી રહ્યા છે. સંસદ લીલી ઝંડીના આપે તો એ બરાક ઓબામા માટે પીછેહઠ હશે. અમેરિકાનું મીડિયા માને છે કે હાઉસ ઓફ રિપબ્લીકન્સ અને સેનેટ હાલ સ્થગીત હોઈ તા. ૯મી સપ્ટેમ્બર પછી જ આ બંને સદન તેમની કાર્યવાહી કરશે. અલબત્ત, આ વાતને દુનિયા જુદી દૃષ્ટિએ જોઈ રહી છે. નિષ્ણાતો માને છે કે અમેરિકાની સીરિયા પર હૂમલો કરવાની નીતિ પર પ્રેસીડેન્ટ અને તેમનું પ્રશાસન અમેરિકા પ્રજા અને વિશ્વની પ્રજાનો મત જાણી લેવા માંગે છે.
અલબત, સીરિયાને ડરાવવા માટે અમેરિકાએ યુએસએસ નિમિત્ઝ એર ક્રાફ્ટ કેરિયર અને બીજા ચાર યુદ્ધ જહાજોને રાતા સમુદ્રમાં મોકલી આપ્યા છે. આ સીરિયા પર હૂમલો કરવા ના યુદ્ધ અગાઉનું આયોજન છે. અલબત્ત, હજુ તેણે ભૂમધ્ય મહાસાગરમાં પ્રવેશવાના આદેશો મળ્યા નથી. અલબત્ત, ભૂમધ્ય મહાસાગરમાં ક્રુઝ મિસાઈલો ધરાવતા પાંચ ડસ્ટ્રોયર્સ અગાઉથી મોજૂદ છે. ક્રુઝ મિસાઈલ્સ અને એફ ૧૬ વિમાનો અમેરિકાના સહુથી વધુ સંહારક સાધનો છે. ક્રૂઝ મિસાઈલ જમીનથી બહુ ઊંચે નહીં એ રીતે ઉડે છે. તે પર્વત આવે તો આપોઆપ ઉપર જતી રહે છે અને ઢોળાવ આવે તો નીચે ઉડે છે. ક્રૂઝ મિસાઈલ્સ ને રડાર પકડી શકતું નથી એ જ રીતે એફ ૧૬ વિમાનો ન્યુક્લિઅર મિસાઈલ લઈને પણ ઉડી શકે છે. રાતના અંધારામાં પણ તે પ્રહાર કરી શકે છે. સીરિયા તરફ રવાના કરવામાં આવેલ નિમિત્ઝ એરક્રાફ્ટ કેરિયર ન્યુક્લિઅર પાવરથીસજ્જ છે. તેનીસાથે પિઉસરના નામનું એક બીજું યુદ્ધ જહાજ પણ કંપની આપી રહ્યું છે. બીજા જે ડિસ્ટ્રોયર જહાજો તેની સાથે છે તેમનાં નામ (૧) ધી વિલિયમ પી. લોરેન્સ (૨) સ્ટોકડેલ અને (૩) શાઉપ છે. અલબત્ત, અમેરિકાની કોંગ્રે મંજૂરી આપશે તો જ પ્રેસીડેન્ટ આ યુદ્ધ જહાજોને પ્રહાર કરવા હુકમ કરી શકશે.
અમેરિકાના પ્રેસીડેનટના આ યુદ્ધ ઉન્માદ સામે રશિયાનો વિરોધ છે. સીરિયા વર્ષોથી રશિયાનું સાથી રહ્યું છે. સીરિયા પાસે જે યુદ્ધ વિમાનો અને શસ્ત્ર સરંજામ છે તે પણ રશિયા અને ચીનથી આવેલા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે સીરિયા પર હૂમલો કરતાં પહેલા અમેરિકાએ એ વાત પૂરવાર કરવી પડશે કે સીરિયન સરકારે ખરેખર રાસાયણિક શસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો કે કેમ? અન જો રાસાયણિક શસ્ત્રોનો ઉપયોગ થયો હતો તો તે માટે જવાબદાર સીરિયાની સરકાર છે કે અન્ય કોઈ? તેથી અમેરિકા સીરિયાની સરકાર જ રાસાયણિક શસ્ત્રો માટે જવાબદાર છે તેવાં પૂરાવા સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતીને આપવા જોઈએ.
આ દરમિયાન રશિયાએ પણ અમેરિકાના સંભવિત હુમલા પહેલા એક જાસૂસી જહાજ ભૂમધ્ય મહાસાગરમાં ચૂપચાપ રવાના કરી દીધું છે. આ જહાજ રશિયાના યુક્રેઈન બ્લેક સી પોર્ટ ખાતેના નેવલ બેઝથી રવાના કરવામાં આવ્યું છે. આ જહાજનું નામ SSv201 PRIaizovye છે. આ સિવાય પણ રશિયાએ કેટલાક યુદ્ધ જહાજ ભૂમધ્ય મહાસાગરમાં રવાના કર્યા હોવાનુંમનાય છે.
અમેરિકાના સંભવિત હુમલાનો સામનો કરવા સીરિયાએ પણ ઘરઆંગણે તૈયારીઓ કરી લીધી છે. સીરિયાના વડાપ્રધાન વાસેલ અલ હાલકીએ સરાકરી ટેલીવિઝન પર બોલતા કહ્યું છે કે અમારી સેનાઓ તૈનાત છે. અને અમે કોઈપણ હુમલાનો સામનો કરવા સજ્જ છીએ. પ્રાપ્ત થતી માહિતી મુજબ સીરિયાનું લશ્કર તેના શસ્ત્ર સરંજામમાં પરિવર્તન લાવી રહ્યું છે. સંભવિત હૂમલાના સંદર્ભમાં શસ્ત્રોને નાગરિકોના રહેઠાણ વિસ્તારોમાં અને મસ્જીદો તથા સ્કૂલોમાં ખસેડવા માં આવી રહ્યા છે. સીરિયામાં સરકાર વિરોધી આંદોલનનું સમર્થન કરી રહેલા દમાસ્કસ સ્થિત સેન્ટર ફોર સ્ટ્રેટેજિક ……….. આસમ અબૂ અબ્દુલ્લાનું કહેવું છે કે અમેરિકાએ હૂમલો કરતાં પહેલા બાકીના વિશ્વને પણ વિશ્વાસમાં લેવું જોઈએ.
સીરિયા પર હુમલાનો વિરોધ કરવામાં રશિયા મોખરે છે. ચીન પણ વિરોધ કરી રહ્યું છે. ભારત પણ વિરોધ કરી રહ્યું છે. જ્યારે તેની સામે સાઉદી અરેબિયા અમેરિકાના સંભવિત હૂમલાનું સમર્થન કરી રહ્યું છે. યૂરોપના દેશોને લાગે વળગે છે ત્યાં સુધી ફ્રાન્સ જોરશોરથી અમેરિકાના સંભવિત હૂમલાને સમર્થન આપી રહ્યું છે. સીરિયા પર હૂમલો કરવા માટે ફ્રાન્સે તેનાં સાત જેટલા મિરાજ ૨૦૦૦ યુદ્ધ વિમાન તૈયાર રાખ્યા છે.
સીરિયાના પડોશી દેશ તુર્કીએ પણ કમર કસી લીધી છે. તુર્કી પાસે પાંચ લાખ જેટલા સૈનિકો છે. અને ૩૫૪ યુદ્ધ વિમાનો છે. દક્ષિણ તુર્કીમાં મિસાઈલ વિરોધી પેટ્રીયર મિસાઈલો તૈનાત કરી દીધીછે. તેની જવાબદારી અમેરિકી, જર્મન તથા નેધરલેન્ડના સૈનિકો સંભાળશે. ગલ્ફના દેશો અમેરિકાના સમર્થનમાં સૈનિકો નહી આપે પણ અમેરિકી અને ફ્રાન્સીસ સૈનિકો માટે જગા ઉપલબ્ધ કરી આપશે. ઇઝરાયેલ પણ સીરિયાનો પડોશી દેશ છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુઅએ કહ્યું છે કે અમે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ છીએ.
ટૂંકમં દુનિયા ફરી યુદ્ધના જ્વાળામુખી પર બેસી છે, પરંતુ એ બધુ હવે અમેરિકાની કોંગ્રેસના ડહાપણ અને વિવેકબુદ્ધિ પર નિર્ભર છે. દુનિયાનું જે થવાનું હોય તે થાય પણ આ યુદ્ધ થશે તો રૂપિયો વધુ ગગડશે. અને પેટ્રોલ ડિઝલના ભાવ આસમાને પહોંચશે. આ યુદ્ધની જરૂર અમેરિકાને હોઈ શકે છે. વિશ્વને તેની જરૂર નથી.

Leave a Reply