રાજકુમાર વર્ધમાન

મારો આ જન્મ મેં પૂર્વજન્મમાં કરેલી હિંસાનું પ્રાયશ્ચિત કરવા જ થયો છે

તા.૩૦ માર્ચ, ઈ.સ. પૂર્વે ૫૬૬.

આજથી અઢી હજાર વર્ષ પૂર્વેની વાત છે. વિદેહ નામના વિસ્તારનું એક નગર- ”ક્ષત્રિયકુંડ”. મંદ મંદ વાસંતી પવન વહી રહ્યો હતો. ઉપવન પુષ્પોથી છળકી રહ્યા હતા. જળાશય પ્રસન્ન હતાં. ક્ષત્રિયકુંડના શાસક મહારાજા સિદ્ધાર્થના પત્ની ત્રિશલાએ એક નવજાત શિશુને જન્મ આપ્યો. નગરમાં ખુશી છવાઈ ગઈ. કેદીઓને મુક્ત કરી દેવાયા. કેટલોક સમય વીત્યા બાદ બાળકના નામકરણનો પ્રસંગ આવ્યો. અતિથિઓ અને સંબંધીઓને બાળકના માતા-પિતાએ કહ્યું :”જે દિવસથી શિશુ ગર્ભમાં આવ્યો તે દિવસથી અમારા રાજ્યના ધન-ધાન્ય, સોનું- ચાંદી, મણિ- મુક્તા, કોશ- કોષ્ઠાગાર અને બળ-વાહનમાં વધારો થયો છે, તેથી અમે ઈચ્છીએ છીએ કે આ શિશુનું નામ વર્ધમાન રાખવામાં આવે.”

'માતા-પિતાના જીવનકાળ દરમિયાન મુનિ નહીં બનું'

 ઉપસ્થિત સહુ લોકોએ એ પ્રસ્તાવ વધાવી લીધો.

કુમાર વર્ધમાનનું અધ્યયન શરૂ થયું. વર્ધમાન પ્રારંભથી જ પ્રતિભાસંપન્ન હતા. તેમને અતિન્દ્રિયજ્ઞાન પણ પ્રાપ્ત હતું. એ સમયે ભારતના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં બે મુખ્ય ધાર્મિક પરંપરાઓ ચાલતી હતી- એક શ્રમણ પરંપરા અને બીજી બ્રાહ્મણ પરંપરા. વર્ધમાનના પિતા સિદ્ધાર્થ અને ત્રિશલા શ્રમણ પરંપરાના અનુયાયી હતા. તેઓ ભગવાન ‘પાર્ર્શ્વના શિષ્યોને પોતાના ધર્માચાર્ય માનતા હતા. વર્ધમાનના પિતાનાં ત્રણ નામ હતાં- સિદ્ધાર્થ, શ્રેયાંસ અને યશસ્વી. તેમનું ગોત્ર કશ્યપ હતું. વર્ધમાનની માતા ત્રિશલાનાં પણ ત્રણ નામ હતાં- ત્રિશલા, વિદેહ દત્તા અને પ્રિયકારિણી. તેમનું ગોત્ર હતું- વશિષ્ઠ. વર્ધમાનના મોટાભાઈનું નામ નંદિવર્ધન અને ભાભીનું નામ જયેષ્ઠા. મોટી બહેનનું નામ સુદર્શના હતું. કુમાર વર્ધમાન વયસ્ક થતાં રાજકુમારી યશોદાના પિતા તરફથી લગ્ન માટે પ્રસ્તાવ આવ્યો. દિગંબર પરંપરા અનુસાર કુમાર વર્ધમાને એનો સવિનય અસ્વિકાર કર્યો. તેઓ બચપણથી જ અનાસક્ત હતા. તેઓ સદા બ્રહ્મચારી રહેવા માંગતા હતા. માતા-પિતાએ આ વિવાહ પ્રસ્તાવ સ્વીકારી લેવા બહુ જ આગ્રહ કર્યો પરંતુ વર્ધમાન એટલું જ બોલ્યાઃ ”માતા-પિતાના જીવનકાળ દરમિયાન હું મુનિ નહીં બનું.” અને તેઓ બ્રહ્મચારી રહ્યાં.

પરંતુ શ્વેતામ્બર પરંપરા અનુસાર વિવાહ પ્રસ્તાવ અંગે કુમાર વર્ધમાન માતા-પિતાના સ્નેહ આગળ ઝૂકી ગયા અને તેમણે લગ્ન કરી લીધું.

સુપ્રસિદ્ધ મુનિ શ્રી નથમલે વર્ણવેલી કથા અનુસાર એક દિવસ કુમાર વર્ધમાન આત્મ- ચિંતનમાં લીન હતા. એમનું નિર્મળ ચિત્ત અંતરના ઊંડાણમાં નિમગ્ન થઈ રહ્યું. તેઓ સૂક્ષ્મ લોકમાં ચાલ્યા ગયા. તેમને પુનર્જન્મની સ્મૃતિ થઈ. તેમની આંખો સમક્ષ અતીત ઉભરી આવ્યોઃ ”હું તો પૂર્વજન્મમાં ત્રિપુષ્ઠ નામનો વાસુદેવ હતો. એક રાત્રે રંગશાળામાં નૃત્ય-વાદ્યના સમારોહનું આયોજન થયું હતું. તેમાં મારા સભાસદો પણ ઉપસ્થિત હતા. મેં મારા અંગરક્ષકને કહ્યું : ”મને નિદ્રા ના આવે ત્યાં સુધી નૃત્ય- વાદ્ય ચાલુ રખાવજે. હું નિદ્રાધીન થઈ જાઉં તે પછી બંધ કરાવી દેજે.” હું થાકેલો હતો. તેથી મને રંગશાળામાં જ નિદ્રા આવી ગઈ. બાકીના સભ્યો મનોહર નૃત્ય અને વાદ્ય સંગીત માણતા રહ્યા. લાંબી નિદ્રા બાદ હું જાગ્યો અને મેં જોયું તો નૃત્ય-ગીત સમારોહ હજુ ચાલુ જ હતા. મારા જાગવાની સાથે મારો અહમ્ પણ જાગી ગયો. મેં મારા અંગરક્ષકને ક્રોધથી કહ્યું : ”હું ઊંઘી જાઉં તે પછી આયોજન બંધ કરી દેવાની મારી આજ્ઞાનું પાલન કેમ ના કર્યું ?” હકીકતમાં હું ક્યારે સૂઈ ગયો અને ક્યારે જાગ્યો તેનં ભાન જ નહોતું. મારી આજ્ઞાની અવગણના થતા મારો ક્રોધ સીમાપાર કરી ગયો. મેં તેના કાનમાં ઉકળતું સીસું રેડાવરાવ્યું. અંગરક્ષક મૃત્યુ પામ્યો. મારી હિંસા એનાં પ્રાણ લઈને જ શાંત થઈ.”

પૂર્વજન્મની આ સ્મૃતિથી રાજકુમાર વર્ધમાન હચમચી ગયા. તેમને લાગ્યું કે, ”મારો જન્મ મેં પૂર્વજન્મમાં કરેલી હિંસાનું પ્રાયશ્ચિત કરવા જ થયો છે. મારે બધી જ રૂચિ, બધી જ શ્રદ્ધા અને બધી જ ભાવના અહિંસાની આરાધનામાં જ લાગી રહી છે તેવી મને અનુભૂતિ થઈ રહી છે. હું ઈચ્છું છું કે જલદી એ દિવસ આવી જાય કે હું અહિંસાથી અભિન્ન થઈ જાઉં, કોઈ પણ જીવને કષ્ટ ના પહોંચાડું. મારે હવે દરેક આત્મા સાથે આત્મીય સંબંધ સ્થાપિત કરવો પડશે. સમતાની વેદી પર મારે અહમ્નું વિસર્જન કરવું પડશે.”

અને કુમાર વર્ધમાન ઉદાસ થઈ ગયા. એ રાત્રે તેઓ માતા-પિતાના કક્ષમાં ગયા. પિતા સિદ્ધાર્થે કહ્યું : ”પુત્ર! હવે અમારી ઉંમર થઈ ગઈ છે. હવે મૃત્યુ અમને બોલાવે તે પહેલાં અમે શ્રમણ પરંપરા અનુસાર મૃત્યુને નિમંત્રણ આપવા ઈચ્છીએ છીએ. ભગવાન પાર્ર્શ્વએ અમને મૃત્યુની તૈયારીના પાઠ ભણાવ્યા છે. અમે હવે એ અવસરની રાહ જોઈએ છીએ.”

કુમાર વર્ધમાન આ વાત સાંભળી દ્રવિત થઈ ગયા. તેમનાથી માતા-પિતાનો વિયોગ સહન થાય તેમ નહોતો. તેઓ બોલ્યાઃ”પિતાજી! હું તો તમારા મૃત્યુનું નામ પણ સાંભળવા માંગતો નથી ત્યારે એની તૈયારીનો પરામર્શ કેવી રીતે કરી શકું?”

પિતાએ કહ્યું : ”પુત્ર! તું તત્ત્વદર્શી છે. સત્યનો પૂજારી છે, અભય છે, પણ પિતૃસ્નેહ અને માતૃસ્નેહથી મુક્ત નથી. શું આ દુર્બલતામાંથી બહાર આવવાની હિંમત નથી?”

”પિતાજી! હું આપ અને માતાના પ્રેમથી અભિભૂત છું. તેને દુર્બળતા જ સમજો કે જે કાંઈ સમજો.”

પિતાએ કહ્યું : ”પુત્ર! તું શું નથી ઈચ્છતો કે અમારું સમાધિ-મૃત્યુ થાય.”
”એ કેવી રીતે થાય?”
પિતાએ કહ્યું : ”તે માટે અમારે શરીર અને મનને પૂર્ણ રીતથી તૈયાર ના કરવું જોઈએ?”
કુમાર વર્ધમાને કહ્યું : ”કરવું જોઈએ!”
”એ તૈયારીમાં તું અમને સહયોગ આપીશ?”

વર્ધમાને કહ્યું : ”પિતાજી! જે કામ માટે આપની પ્રબળ ઈચ્છા છે તે કામ મારે કરવું જ જોઈએ.”

રાજા સિદ્ધાર્થે મોટા પુત્ર નંદિવર્ધન અને વડીલ સુપાર્ર્શ્વ સાથે પરામર્શ કર્યો અને સમાધિ- મૃત્યુની તૈયારીઓ થવા લાગી. સિદ્ધાર્થ અને ત્રિશલાએ ભોજનની માત્રા ઘટાડી નાંખી. અલ્પાહાર અને ઉપવાસ દ્વારા શરીરને સાધી લીધું. અનાસક્તિ, વૈરાગ્ય અને આત્મદર્શન દ્વારા મનને સંયમમાં કરી લીધું. એમણે મૃત્યુને એટલા શાંત ભાવથી વરી લીધું કે, મૃત્યુને પણ ખબર ના પડી કે તે ક્યારે આવી ગયું.

કુમાર વર્ધમાન તેમના માતા-પિતાને બહુ જ પ્રેમ કરતા હતા અને માતા-પિતા પણ વર્ધમાનને એટલો જ પ્રેમ કરતા હતા. પૂરા અઠ્ઠાવીસ વર્ષ સુધી તેઓ માતા-પિતાની છત્રછાયામાં રહ્યા. હવે તેમના મનમાં પ્રશ્ન ઊઠયો કે શું ખરેખર તે વાદળની છાયા હતી?માતાપિતાના સ્વર્ગવાસથી તેઓ વ્યથિત થઈ ગયા. જીવનની નશ્વરતાનો સિદ્ધાંત વ્યવહારમાં ઉતરી આવ્યો. સંયોગનો અંત છેવટે તો વિયોગમાં હોય છે. આ સત્ય તેમને સમજાઈ ગયું. તેઓ સ્નેહના એ ચરમબિંદુ પર પહોંચી ગયા હતા જ્યાં અનુરાગ વિરાગના સિંહાસન પર બિરાજમાન હોય છે. તેમના મનમાં વૈરાગ્યનું બીજ વવાઈ ચુક્યું હતું : પરિવારના સભ્યોએ એમને શાસન ધૂરા સંભાળવા કહ્યું પરંતુ તેમણે કહ્યું : ”હિંસા અને વિષમતાના વાતાવરણમાં કામ કરવા મારા મનમાં ઉત્સાહ

નથી.”

એક દિવસ સેવકો સાથે તેઓ ઉધાનમાં ફરવા ગયા. ત્યારે તેમણે કોઈનું કરુણ આક્રંદ સાંભળ્યું. કુમાર વર્ધમાને પૂછયું : ”આ કોની કરુણ ચીસો છે?”

સેવકે કહ્યું :”એક માલિક તેના દાસને મારી રહ્યો છે. દાસ એનો ખરીદેલો માણસ છે.”
કુમાર વર્ધમાને કહ્યું : ”આવો અધિકાર તેને કોણે આપ્યો?”

સેવકે કહ્યું : ”આપણા જ શાસને માત્ર કોઈને ખરીદવાનો જ નહીં પરંતુ ખરીદેલા દાસને મારવાનો પણ અધિકાર આપેલો છે.”

રાજકુમાર ઉત્પીડિત થઈ ગયા. તેઓ ઉદ્યાનમાંથી સીધા પાછા ફરી ગયા. તેમનું મન એક જ વાત વિચારતું હતું : ”આ કેવું શાસન જે એક મનુષ્યને મારવાનો બીજા માણસને અધિકાર આપે ?” એમનું મત શાસન પ્રતિ વિદ્રોહ કરી બેઠું. એમનું મન એવું જીવન જીવવા તડપી ઊઠયું જ્યાં શાસન જ ના હોય. એમણે શાસનની પરંપરાઓથી અને વિધિ-વિધાનોથી દૂર રહી એકલા જ જીવન જીવવાનો નિશ્ચય કર્યો. રાજ્ય શાસનમાં રસ લેવા તેમના ભાઈ નંદિવર્ધને તેમને બહુ સમજાવ્યા પરંતુ તેમણે કહ્યું : ” મને હવે સત્તાનું કોઈ આકર્ષણ નથી, જેમાં માનવીની દુર્દશતાને જ અવકાશ છે. મારું મન હવે સ્વતંત્રતા માટે તડપે છે. મને મારા ધ્યેય-પથ પર આગળ વધવાની આજ્ઞા આપો.”

કુમાર વર્ધમાનને સમજાવવા બહુ જ પ્રયાસો થયા પરંતુ તેઓ પોતાના લક્ષ્ય તરફ જવા મક્કમ હતા. છેવટે મોટાભાઈ નંદિવર્ધને કહ્યું : ”ભાઈ! હું તમને રોકવા માંગુ છું પણ કાયમ માટે નહીં.”

”તો ક્યાં સુધી?”

”માતા-પિતાના મૃત્યુનો શોક સમાપ્ત થઈ જાય ત્યાં સુધી તે પછી તમે અભિનિષ્ક્રમણ કરજો.”

”શોક ક્યાં સુધી મનાવવામાં આવશે?”
”બે વર્ષ સુધી.”
રાજકુમાર વર્ધમાને કહ્યું : ”અવધિ લાંબી છે પરંતુ મારી પણ એક શરત છે.”
”શું ?”

”હું ભલે ઘરમાં રહીશ પરંતુ એક સાધકનું જીવન જીવીશ. મને સાધકનું જીવન જીવવાની સ્વતંત્રતા હોય તો જ હું અહીં બે વર્ષ સુધી રહી શકીશ.”

રાજકુમાર વર્ધમાનની શરત માન્ય રાખવામાં આવી. એ પછી તેઓ ઘરની અંદર રહીને પણ જીવનના અર્થની ખોજમાં ચિંતન કરવા લાગ્યા. તેમણે સ્વતંત્રતાની સાધનાના ત્રણ આયામ ખોલી દીધા- એક અહિંસા, બીજું સત્ય અને ત્રીજું બ્રહ્મચર્ય, અહિંસાની સાધના માટે તેમણે સુક્ષ્મ જીવોની પણ હિંસા ના થઈ જાય એટલા માટે ના તો તેઓ સજીવ અન્ન ખાતા, ના તો સજીવ પાણી પીતા કે ના તો રાત્રી ભોજન કરતા. સત્યની સાધના માટે તેઓ ધ્યાન અને ભાવનાનો અભ્યાસ કરવા લાગ્યા. ‘હું એકલો જ છું’- એ ભાવના દ્વારા તેમણે અનાસક્તિની સાધના કરી અને એ દ્વારા આત્માની ઉપલબ્ધિના દ્વાર ખોલ્યાં. બ્રહ્મચર્યની સાધના માટે તેમણે અસ્વાદનો અભ્યાસ કર્યો. નીરસ ભોજન જ ગ્રહણ કરવા માંડયા.

અને બે વર્ષની અવધિ પૂરી થતાં કુમાર વર્ધમાને ઘર છોડી દીધું. પરંતુ બોધિજ્ઞાન પ્રાપ્ત કરવાનું હજુ બાકી હતું.

જૈનોના પર્યુષણ પર્વ પ્રસંગે ભગવાન મહાવીરની જીવનકથાના અંશ સૌ જૈન ભાઈ-બહેનોને અર્પણ છે.

(ક્રમશઃ)
– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in