એ કહે છે : ”બસ, થોડા દિવસ પહેલાં જ મેં મારો ૧૮મો જન્મદિવસ મનાવ્યો. આ દિવસોમાં હું હોંગકોંગ ઓપન યુનિર્વિસટીમાં સ્નાતકનો અભ્યાસ કરી રહ્યો છું. મારો જન્મ એક મધ્યમ વર્ગના પરિવારમાં થયો છે. મારા પિતા ર્ધાિમક વૃત્તિના છે. બચપણમાં તેઓ અવારનવાર મારી સાથે ગરીબ અને બેસહારા લોકોની મુશ્કેલીઓની બાબતમાં ચર્ચા કરતા હતા. તેઓ ઈચ્છતા હતા કે હું બીજાઓની મદદ કરું અને સમાજ પ્રત્યેની જવાબદારી અદા કરું.
આજકાલ હું હોંગકોંગમાં લોકતંત્રની માગણીસર આંદોલન કરી રહ્યો છું. ૧૯૯૬ સુધી હોંગકોંગ પર બ્રિટનનો કબજો હતો. તે પછી હોંગકોંગ ચીનનું સ્વાયત્તશાસિત ક્ષેત્ર બની ગયું. દિલચશ્પ વાત એ છે કે, મારો જન્મ પણ ૧૯૯૬માં જ થયો. જ્યારે હું પંદર વર્ષનો થયો ત્યારે જ મારા મનમાં સરકારની શિક્ષણનીતિ માટે નફરત પેદા થઈ ગઈ. એ ચીન સર્મિથત શિક્ષણ પ્રણાલી અને કાર્યક્રમ હતો. અમને લાગતું હતું કે સરકાર કારણ વગર આ ચીન તરફી શિક્ષણ અમારા માથા પર ઠોકી રહી છે.
મેં અને મારા કેટલાક મિત્રોએ ‘સ્કાલરિજમ’ નામનું સંગઠન બનાવ્યું. આ સંગઠન વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાચા આપવા માટે હતું. હજારો વિદ્યાર્થીઓ ‘સ્કાલરિજમ’ના બેનર નીચે એકત્ર થયા અને અમે ચીને ઠોકી બેસાડેલા શિક્ષણ અભ્યાસક્રમનો સખ્ત વિરોધ કર્યો. કોઈ એમ પૂછે કે વિદ્યાર્થીઓને રાજનીતિ સાથે શું સંબંધ ? પણ સાચી વાત એ છે કે, સરકારની નીતિઓની અસર અમારી પર થતી જ હોય છે.
શિક્ષણમાં બદલાવ લાવવા માટેના અમારા આંદોલનની શરૂઆત ૨૦૧૨થી થઈ. અમે એક મોટી રેલીનું આયોજન કર્યું. રેલીમાં લગભગ ૧,૨૦,૦૦૦ વિદ્યાર્થીઓ- વિર્દ્યાિથનીઓ સામેલ થયા. અમે ચીન સર્મિથત શિક્ષણનો જબરદસ્ત વિરોધ કર્યો. આંદોલનકારી વિદ્યાર્થીઓએ સરકારની મોટાભાગની કચેરીઓનો કબજો લઈ લીધો. દેશભરના યુવક-યુવતીઓ સડક પર ઊતરી આવ્યા. હોંગકોંગે પહેલી જ વાર આવું આંદોલન નિહાળ્યું. સરકાર સ્તબ્ધ થઈ !
કોઈને વિશ્વાસ નહોતો બેસતો કે, હોંગકોંગના યુવાનો આટલા જાગૃત હોઈ શકે છે! અમારા કાર્યક્રમની જબરદસ્ત અસર પડી. ચીનની સરકારે હોંગકોંગની શૈક્ષણિક સંસ્થાઓ પર ઠોકી બેસાડેલો ચીન સમર્થક શૈક્ષણિક અભ્યાસક્રમ પાછો ખેંચી લેવો પડયો. આ અમારી પહેલી જીત હતી. અમને પણ પહેલી જ વાર યુવાઓની તાકાતનો અહેસાસ થયો.
એ ઘટનાના બે વર્ષ બાદ ફરી એક વાર આજે હોંગકોંગના યુવાનો સડક પર છે. હું મારા પ્રિય દેશમાં લોકશાહી ઈચ્છું છે. અમે એવી વ્યવસ્થા ઈચ્છીએ છીએ જ્યાં અમને અમારી સરકાર પસંદ કરવાની આઝાદી હોય. ચીનની સરકારે મને ‘અલગતાવાદી’એટલે કે સેપરેટિસ્ટ કહ્યો છે. કેટલાક લોકો મને રાષ્ટ્રવિરોધી પણ કહી રહ્યા છે. અમારી સામાજિક ક્રાંતિ એમના માટે મજાકનો વિષય બની ગઈ છે. એ લોકો મને જોકર કહે છે. એમની નજરમાં હોંગકોંગમાં લોકતંત્રની માગ કરવી તે બેવકૂફી છે. પણ મારો સવાલ એ છે કે, આખરે લોકો પોતાની જ સરકારથી ડરે શા માટે ? ડરવું જ હોય તો સરકાર જનતાથી ડરે અને તે ત્યારે જ સંભવ છે કે જ્યારે હોંગકોંગમાં લોકોની પસંદગીની સરકાર હોય. નેતાઓને જ એ વાતનો ડર હોવો જોઈએ કે જો તેઓ લોકોની ઉમ્મીદો પૂરી નહીં કરતાં લોકો જ તેમને ઘર ભેગા કરી દેશે.
ચીનની સરકાર કહે છે કે, ચૂંટણીમાં અમને ઉમેદવારને ચૂંટી કાઢવાનો અધિકાર મળી ગયો છે, પરંતુ આ માત્ર દેખાડો છે. ૨૦૦૭માં ચીને હોંગકોંગને વચન આપ્યું હતું કે અહીં રહેતી પ્રજાને મત આપવાનો અધિકાર રહેશે, પરંતુ ચીન કહી રહ્યું છે કે,ઉમેદવારોની પસંદગી તો બૈજિંગ જ કરશે. એનો મતલબ એ કે ચીન સમર્થક ઉમેદવાર જ ચૂંટણી લડી શકશે. ચીનનો તર્ક છે કે,ઉમેદવાર પસંદ કરવાની આઝાદી હોંગકોંગમાં અરાજક્તા પેદા કરશે. હોંગકોંગની જનતા ચીનની આ મનસ્વી નીતિનો વિરોધ કરી રહી છે. ચીનની આ નીતિ અમને સ્વીકાર્ય નથી.
આ કેવું લોકતંત્ર કે જ્યાં અમે વોટ આપી શકીએ છીએ, પણ ચૂંટણીમાં કોને ઊભો રાખવો તે અમે નક્કી કરી શકતા નથી. સાચું લોકતંત્ર એ છે કે વોટ આપવાનો અને કયો ઉમેદવાર ઊભો રાખવો તે બંનેની આઝાદી હોવી જોઈએ. અમને અડધું-અધૂરું લોકતંત્ર જોઈતું નથી. અમે હોંગકોંગમાં પૂર્ણ લોકશાહી માટે સંઘર્ષ કરી રહ્યા છીએ. મેં હોંગકોંગના યુવાનોને આ આંદોલનમાં જોડાવા આહ્વાન કર્યું છે. યુવાશક્તિ જ દેશનું ભવિષ્ય છે. હું ઈચ્છું છું કે, વિશ્વના તમામ દેશોમાં યુવાનો તેમના દેશની રાજનીતિમાં રસ લે જેથી તેઓ તેમના દેશની હાલત બદલી શકે.
હું આંદોલનના પક્ષમાં છું, પરંતુ હિંસાના પક્ષમાં નથી. હિંસાનો હું વિરોધી છું. હિંસાથી કોઈ પણ સમસ્યા હલ થઈ શકતી નથી. અમે હોંગકોંગમાં શાંતિપૂર્ણ આંદોલન કરી રહ્યા છીએ. હા, ક્યારેક અમારોે અવાજ બુલંદ કરવા માટે સરકારના ફરમાનનો વિરોધ કરવો પડે છે. એથી જ આજકાલ અમે સડકો પર આંદોલન કરી રહ્યા છીએ.
અમે સરકાર સમક્ષ અમારી માગણીઓ મૂકી છે. ‘પહેલી જ વાર અમે ચીનની સરકારના હુકમો માનવાના બદલે સવાલો કરી રહ્યા છીએ. સત્તા પર બેઠેલા લોકોને આ બધું અજીબ લાગે છે. અમે ખુશ છીએ કે વધુ ને વધુ લોક અમારા આંદોલનમાં જોડાઈ રહ્યા છે. અમારી અપીલની જબરદસ્ત અસર દેખાઈ રહી છે. ચીનની સરકારે અમને દેશની સુરક્ષા માટે ખતરારૂપ બતાવ્યા છે. થોડા દિવસો પૂર્વે સરકારે અમારામાંથી ઘણા લોકોની ધરપકડ કરી હતી. હું પણ તેમાં એક હતો. કોઈ પણ જાતના આરોપ વિના ૪૦ કલાક અમને હિરાસતમાં રાખવામાં આવ્યા હતા. તેમણે અમારી ધરપકડને વાજબી ઠેરવી હતી અને એવી ચેતવણી આપી હતી કે,હવે બીજી વાર તેઓ મને પકડીને કાયમ માટે જેલમાં પૂરી દેશે. પરંતુ હું તો એ માટે પણ તૈયાર છું. હું જેલમાં જઈશ તો પણ આંદોલન અટકવાનું નથી.
મને ખબર છે કે અમારું આંદોલન કચડી નાંખવા માટે ચીનની સરકાર કોઈ પણ પગલું ભરી શકે તેમ છે. આંદોલનમાં સહુથી મહત્ત્વનું માધ્યમ છે સંદેશાવ્યવહાર અને ટેલિફોન- મોબાઈલ દ્વારા જ એકબીજાનો સંપર્ક કરીએ છીએ. અમને ડર છે કે સરકાર અમને એકબીજાનો સંપર્ક કરતાં રોકવા માટે ટેલિફોનનું નેટવર્ક બંધ કરી દઈ શકે છે. એથી મેં અમારા સમર્થકોને ફાયરચેટ નામનું એક એપ ડાઉનલોડ કરવા કહ્યું છે, જેથી નેટવર્ક બંધ થઈ જાય તો પણ અમે એકબીજાના સંપર્કમાં રહી શકીએ. આ એક પ્રકારની ઈન્ટરનેટ ચેટ સિસ્ટમ છે. હોંગકોંગમાં અત્યાર સુધી એક લાખ લોકો આ સિસ્ટમ ડાઉનલોડ કરી ચુક્યા છે. દરેક હોંગકોંગવાસી લોકોના મનમાં વાસ્તવિક લોકતંત્રની ઉમ્મીદ જાગી ચૂકી છે. તેઓ પોતાનો હક મેળવીને જ જંપશે.”
અને હોંગકોંગના આ યુવા આંદોલનકારી જોશુઆ વાંગ તેની વાત પૂરી કરે છે. યાદ રહે કે તે માત્ર ૧૮ વર્ષની વયનો જ છે. જે ચીનની તાકાતવર સરકારની સામે મેદાને પડયો છે, અલબત્ત, ગાંધીગીરી દ્વારા. ગાંધીજીનું નામ લીધા વિના જ તેણે હોંગકોંગમાં લોકશાહી માટે અહિંસક માર્ગ અખત્યાર કર્યો છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ કે જેઓ ગુજરાત આવી હિંચકે ઝૂલી ગયા અને ૧૫૦ ભારતીય વાનગીઓ ચાખી ગયા બાદ સરહદે ઘૂસણખોરી કરતા ગયા એ જ ચીનના રાષ્ટ્રપતિના શાસન સામે આ ટીન-એજ યુવાન ઝઝૂમી રહ્યો છે.
What readers say
Narendra Patel
"Really nice story, "
pinal
"heart touch story. "
pinal
"very nice and heart touch story sir. "
purvi
"હૃદયસ્પર્શી વાત. ઘણા સમય પછી એક સુંદર વાર્તા વાંચી. "
nilehs pandya
"shri dongreji maharaj nijay "