રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દીપાવલી કાશ્મીરના પૂરપીડિતો સાથે મનાવી. આજ સુધી કોઈ વડાપ્રધાને આમ કર્યું નથી. કાશ્મીરે પાછલાં ૧૦૦ વર્ષમાં ન જોઈ હોય તેવી તબાહી અનુભવી છે. શિયાળાનો આરંભ થઈ રહ્યો છે. હજી હજારો કાશ્મીરીઓ શ્રીનગરની આસપાસ ખુલ્લા ટેન્ટમાં રાત વિતાવી રહ્યા છે. નાનાં બાળકો કહે છે, “અમને માત્ર એક ઓરડો આપો. રાતની ઠંડી અમારાથી સહન થતી નથી. અમે એક જ ઓરડામાં પડી રહીશું.” ગરીબ કાશ્મીરીઓનું દર્દ હૃદયદ્રાવક છે. વડાપ્રધાનની આ મુલાકાત તકલીફો વેઠી રહેલા પૂરપીડિતો માટે એક પ્રકારની રાહત હશે. વિપક્ષોના મતે વડાપ્રધાનની આ મુલાકાત જમ્મુ-કાશ્મીરમાં આવી રહેલી ચૂંટણીમાં ફાયદો લેવા માટે છે. એમ હોય તોપણ આજ સુધી દેશના એક પણ વડાપ્રધાનને આવા ‘હિલિંગ ટચ’ની સદ્ભાવના અને રાજનીતિ કરવાનું સૂઝ્યું નથી, તે પણ એક હકીકત છે.

અલબત્ત, હવે કાશ્મીરીઓની તકલીફની વાત જ નીકળી છે ત્યારે એ વાત પણ અહીં નોંધવી જોઈશે કે આજે કાશ્મીરમાં રહેતા મુસલમાનોની જે તકલીફ છે, તે કરતાં અલગ પ્રકારની તકલીફો કાશ્મીરી પંડિતોની પણ રહી છે. એક જમાનામાં કાશ્મીરમાં હિન્દુ રાજા હતા. એક સમયે કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો-બ્રાહ્મણોની ઘણી મોટી વસ્તી હતી. સદીઓથી કાશ્મીરમાં રહેતા કાશ્મીરી પંડિતોને ૧૯૯૦માં આતંકવાદીઓને કારણે ઘરબાર, જમીન-જાયદાદ એ બધું જ છોડીને કાશ્મીર છોડવું પડયું છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે કાશ્મીરી પંડિતોને કાશ્મીરમાંથી તગેડી મૂકવામાં આવ્યા છે. આતંકવાદીઓએ કાશ્મીરી પંડિતોની બેરહમીથી હત્યાઓ કરી છે. તેમની સ્ત્રીઓ, દીકરીઓ અને બહેનો પર બળાત્કાર કરવામાં આવ્યા છે. કેટલાક કાશ્મીરી પંડિત કન્યાઓની જબરજસ્તીથી મુસ્લિમ યુવકો સાથે નિકાહ કરી દેવામાં આવ્યા. આ અત્યાચાર વર્ષો સુધી ચાલ્યો, પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કાશ્મીરી પંડિતોના પરિવારોને સુરક્ષા પ્રદાન કરવામાં કદી રુચિ દાખવી નથી. આજે પણ અનેક કાશ્મીરી પંડિત પરિવારો જમ્મુ અને દિલ્હીની આસપાસ શરણાર્થી શિબિરોમાં બદહાલ અવસ્થામાં જીવી રહ્યા છે. દુઃખની વાત એ છે કે કાશ્મીરી પંડિતો પોતાના જ દેશમાં શરણાર્થી બની ગયા છે. સરકારો એમની સમસ્યાઓ બાબતે મૌન છે.

હકીકત એ છે કે ભારત સાથે સીધું યુદ્ધ ન કરી શકનાર પાકિસ્તાને કાશ્મીરની ખીણમાં છદ્મ યુદ્ધ છેડયું છે. પાકિસ્તાન સર્મિપત આતંકવાદીઓ દ્વારા કાશ્મીરમાં અનેક આતંકી ઘટનાઓ ઘટી છે. આ આતંકવાદીઓને કારણે લાખ્ખો કાશ્મીરી પંડિતો નિર્વાસિત તરીકે શિબિરોમાં જીવન ગુજારી રહ્યા છે.

જરા ઇતિહાસ પર નજર નાખીએ. તા.૨૪ ઓક્ટોબર, ૧૯૪૭ની વાત છે. પાકિસ્તાને પઠાણ જાતિઓનેે કાશ્મીર પર આક્રમણ કરવા ઉશ્કેરી હતી. એ વખતે કાશ્મીરના મહારાજા તરીકે મહારાજા હરિસિંહ હતા. તેમણે ભારતની મદદ માગી. એ વખતે નેશનલ કોન્ફરન્સ કાશ્મીરમાં લોકપ્રિય સંગઠન હતું. જમ્મુ-કાશ્મીરના હાલના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાના દાદા શેખ અબ્દુલ્લા તેના પ્રમુખ હતા. તેમણે પણ કાશ્મીરની રક્ષા કરવા ભારત સરકારને અપીલ કરી, પરંતુ એ વખતનાં કેટલાંક અલગતાવાદી સંગઠનોએ કાશ્મીરના પંડિતોને ભારત સરકાર વિરુદ્ધ વિદ્રોહ કરવા કહ્યું. કાશ્મીરી પંડિતોએ એમ કરવા ઇન્કાર કરતાં અલગતાવાદી સંગઠનોએ કાશ્મીરી પંડિતોનો સંહાર કરવાનો આરંભ કર્યો. બસ, ત્યારથી કાશ્મીરી પંડિતોની અવદશા ચાલુ થઈ. તા. ૪ જાન્યુઆરી, ૧૯૯૦ના રોજ કાશ્મીરમાં રહેતા દરેક હિન્દુ ઘર પર એક પત્રિકા ચોંટાડવામાં આવી. તેમાં લખ્યું હતું, “કાશ્મીર છોડો,નહીંતર માર્યા જશો.” એ પછી હિન્દુ નેતાઓની હત્યાઓ શરૂ થઈ. તે પછી ઉચ્ચ અધિકારીઓની હત્યાઓ થઈ. તે પછી હિન્દુ સ્ત્રીઓ પર સામૂહિક દુષ્કર્મ શરૂ થયાં. કેટલીયે હિન્દુ સ્ત્રીઓને જીવતી સળગાવી દીધી. કેટલીક હિન્દુ સ્ત્રીઓને નિર્વસ્ત્ર કરી ઝાડ પર ઊલટી લટકાવવામાં આવી. બાળકોને ફટકારવામાં આવ્યાં. આ ખૌફનાક દૃશ્યો જોઈને કાશ્મીરમાંથી ૩.૫ લાખ હિન્દુ કાશ્મીરમાંથી પલાયન થઈ ગયા. આ ભયંકર કરતૂતો દેશની નજર સામે બનતાં હોવા છતાં દેશની પાર્લામેન્ટ, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, અધિકારીઓ, લેખકો, બુદ્ધિજીવીઓ, સમાજસેવકો અને નાગરિક અધિકાર સંગઠનો ચૂપ હતાં. કાશ્મીરી પંડિતો પર જુલ્મ થતા રહ્યા અને પોલીસ તથા આખું રાષ્ટ્ર માત્ર નિહાળતું જ રહ્યું.

આ વાતને ૨૩ વર્ષ પસાર થઈ ગયાં. ૨૩ વર્ષથી તેઓ પોતાના વતન કાશ્મીરમાં પાછા ફરવા વિવશ છે. આજે વિસ્થાપિત કાશ્મીરી પંડિતોની સંખ્યા વધીને ૪થી ૭ લાખ વચ્ચેની હોવાનું મનાય છે. એક આખી પેઢી બરબાદ થઈ ચૂકી છે. ૧૯૪૭માં પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાંથી ભગાડી મૂકેલા કાશ્મીરી પંડિતો જમ્મુમાં રહે છે. તેમને આજ સુધી ભારતીય નાગરિકતા મળી નથી. ૧૯૮૯ પહેલાં કાશ્મીરી પંડિતો બહુસંખ્યક હતા. કાશ્મીરમાં તેમની પાસે સુંદર મકાનો, બાગ-બગીચા, બોટહાઉસ, નાવ વગેરે હતાં. હવે તેઓ દેશના કેટલાયે ભાગોમાં શરણાર્થી શિબિરોમાં રહે છે. એ બધાને મદદ કરવાના રાજ્ય સરકારોના દાવા ખોખલા છે. કેટલાંયે પેકેજો જાહેર કરવામાં આવ્યાં, પરંતુ તે પેકેજોને કારણે કાશ્મીરી પંડિતોની જિંદગીમાં કોઈ નોંધપાત્ર સુધારો થયો નથી. કાશ્મીરની રાજનીતિમાં પણ હવે તેમની કોઈ જ નિર્ણાયક ભૂમિકા રહી નથી. વિસ્થાપિત કાશ્મીરી પંડિતોના સંગઠનના નેતા ડો. અજય ચુરંગનું કહેવું છે કે, “અમને બધાને સુનિયોજિત રૂપે હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા છે.”

સાચી વાત એ છે કે, કાશ્મીરી પંડિતોને કાશ્મીરની ખીણમાં પુનર્વસન માટે જે વાતાવરણની જરૂર છે તે કરવા કોઈ તૈયાર નથી. કાશ્મીરી પંડિતોની વાપસીમાં અગાઉ જે પેકેજ જાહેર કરવામાં આવ્યાં હતાં તે પણ સરકારની અમલદારશાહીમાં ફસાયેલાં છે. ડોે. અજય ચુરંગ કહે છે, “બેરોજગારી અને મુફલીસીમાં ફસાયેલા કાશ્મીરી પંડિતોના પરિવારો પહેલાં તેમના જીવ બચાવશે કે તેમના અધિકારો માટે લડશે?”

વિસ્થાપિત કાશ્મીરી પંડિતોનું એક સંગઠન ‘પનુન કાશ્મીર’ પણ છે. તેની સ્થાપના મે-૧૯૯૦માં થઈ હતી. આ સંગઠનની માગણી છે કે, કાશ્મીરી હિન્દુઓ માટે કાશ્મીરની ઘાટીમાં એક અલગ રાજ્યની સ્થાપના થવી જોઈએ. ‘પનુન કાશ્મીર’નો અર્થ છે ‘અમારું પોતાનું કાશ્મીર.’ એ કાશ્મીર જે અમે ગુમાવી દીધું છે અને તે અમે ફરી હાંસલ કરવા માગીએ છીએ. પનુન કાશ્મીર કાશ્મીરનો જ એક હિસ્સો છે, જ્યાં ઘનીભૂત રીતે કાશ્મીરી પંડિતો રહેતા હતા. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે ‘પનુન કાશ્મીરી યુથ સંગઠન’ એક રીતે અલગતાવાદી સંગઠન છે, જે સાત લાખ વિસ્થાપિત કાશ્મીરીઓના હક્ક માટે સંઘર્ષ કરી રહ્યું છે.

કાશ્મીરી પંડિતોને કાશ્મીરમાં અલગ રાજ્ય આપવું તો અશક્ય હોઈ શકે છે, પરંતુ વતનથી બેદખલ થઈ ગયેલા કાશ્મીરી પંડિતોને તેમના જ વતનમાં પુનઃ સ્થાપિત કરવા માટે માહોલ પણ બનાવવો પડશે અને કેન્દ્ર તથા રાજ્ય સરકારેે સક્રિય પ્રયાસ પણ કરવો પડશે. કાશ્મીરના પૂરપીડિતોને જેટલી સહાનુભૂતિની જરૂર છે એટલી જ સહાનુભૂતિની જરૂર કાશ્મીરના વિસ્થાપિત હિન્દુ પંડિતોને પણ જરૂર છે.

www. devendrapatel.in