ગુજરાતના મુખ્યમંત્રી તરીકે એક દાયકાથીયે વધુ સમય માટે એકધારી સેવાઓ આપ્યા બાદ દેશના વડાપ્રધાનપદે નિયુક્ત થવા જઈ રહેલા નરેન્દ્ર મોદીને વિદાય આપવા માટે બુધવારે ગુજરાત વિધાનસભાનું એક વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું. આ સત્રમાં ગુજરાતના ઉદ્યોગજગતના શ્રેષ્ઠીઓ, અખબાર જગતના માલિકો, લેખકો- સાહિત્યકારો, કલાજગતની હસ્તીઓ અને અગ્રગણ્ય નાગરિકોને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું. પૂરા બે કલાક સુધી જેમણે પહેલી જ વાર વિધાનસભાની કાર્યવાહી નિહાળી તેનો સૌ એક ચિરંજીવ યાદ લઈને ગયા.આખોયે કાર્યક્રમ લાગણી સભર હતો. ”નરેન્દ્ર મોદીએ ‘ગુજરાતને ગુડબાય’ કહેતાં કહ્યું કે ગુજરાત વિધાનસભા મારી પાઠશાળા હતી. ખબર નથી હવે અહીં ક્યારે પાછો આવીશ.”
સામાન્ય રીતે વિધાનસભામાં શરૃઆતનો કાળ પ્રશ્નોત્તરીનો હોય છે. પ્રશ્નો અને જવાબમાં થ્રિલ હોય છે, બાકીની પ્રક્રિયા ઘણાને નિરસ લાગે. પરંતુ બુધવારના સત્રનો એજન્ડા અલગ હોઈ અને કેન્દ્ર સ્થાને નરેન્દ્ર મોદી હોઈ એ સત્ર સ્વયં એક નાનકડા પર્વ જેવું બની ગયું. વિધાનસભાનું સત્ર બરાબર ૧૧ વાગે શરૃ થયું ત્યારે બહાર ૪૩ ડિગ્રી તાપમાન હતું જ્યારે વિધાનસભા ગૃહના એરકન્ડિશનર્સને ૨૦ ડિગ્રી તાપમાન પર સેટ કરવામાં આવ્યા હતા. આખું યે ગૃહ ખૂબ જ પ્રકાશ આપતી લાઈટથી દૈદિપ્યમાન હતું. ગૃહને સુંદર ફુલોથી સજાવવામાં આવ્યું હતું. ક્ષણે ક્ષણના લાઈવ કવરેજ માટે આઠ જેટલા વીડિયો કેમેરાઝ ગોઠવી દેવાયા હતા. તમામ સ્થાનિક અને રાષ્ટ્રીય ચેનલ્સને બહારથી જ જોડાણ આપી દેવાયા હતા. ગૃહની કાર્યવાહી ગુજરાતીમાં ચાલી હોવા છતાં ચેનલોના પત્રકારોએ હિન્દી કે અંગ્રેજી ભાષાંતર સાથે કામગીરીનું જીવંત પ્રસારણ કર્યું. નરેન્દ્ર મોદીની હાજરી માત્ર જ ન્યૂઝ ચેનલ્સ માટે એક ‘ઈવેન્ટ’ બની રહે છે.
આ સત્ર એક ખાસ બાબત માટે ઐતિહાસિક બની રહેશે. જેમને વિધાનસભાની અંદરની કાર્યવાહી નિહાળવવાનો જેમને અનુભવે છે તેમને ખબર છે કે ગૃહની કામગીરી દરમિયાન વિપક્ષના સભ્યો સરકાર પર આકરા પ્રહારો કરતા હોય છે. આક્ષેપો અને પ્રતિ આક્ષેપો કરતા હોય છે. વિપક્ષનું કામ જ હોય છે વિરોધ કરવાનું, પરંતુ બુધવારે ગુજરાત વિધાનસભા ગૃહમાં નરેન્દ્ર મોદીને વિદાય અને શુભેચ્છા આપવા ભાજપા અને કોંગ્રેસ એમ બેઉ પક્ષોએ ભેગા મળી આ સત્રનું આયોજન કર્યું. ગૃહના અધ્યક્ષ વજુભાઈ વાળાએ ગૃહ બોલાવતા પહેલા પ્રતિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા અને દંડક બળવંતસિંહ રાજપૂત સમક્ષ નરેન્દ્ર મોદીને શુભેચ્છા આપવા ખાસ સત્ર બોલાવવાની વાત કરી અને વિપક્ષના નેતાઓએ તરત જ એ પ્રસ્તાવ સ્વીકારી લીધો, એ પછી આ ઐતિહાસિક સત્ર બોલાવવામાં આવ્યું. ગુજરાતે દેશને સ્વતંત્રતા અપાવવાથી માંડીને બીજી અનેક બાબતોમાં નેતૃત્વ આપેલું છે. ગુજરાતની એક પ્રતિભા સંપન્ન વ્યક્તિ દેશનું નેતૃત્વ સંભાળવા જઈ રહ્યા છે ત્યારે ગુજરાત વિધાનસભામાં સત્તાધારી પક્ષ અને વિપક્ષે પરસ્પદનો રાજકીય વિરોધ, હરીફાઈ, કાપાકાપી કે ગાળાગાળી ભૂલીને નરેન્દ્ર મોદીને શુભેચ્છા આપવા એકબીજાની સાથે ભાવનાત્મક સૂર પૂરાવ્યો, એ ઘટના ભારતની લોકશાહીના ઈતિહાસમાં એક ઐતિહાસિક અને અસાધારણ ઘટના બની રહેશે. દેશના બીજાં રાજ્યોની વિધાનસભાઓએ પણ ગુજરાત વિધાનસભાએ શરૃ કરેલી આ શ્રેષ્ઠ લોકતાંત્રિક પ્રણાલીને અનુસરવાની પ્રેરણા લેવાની રહેશે. સત્તાધારી પક્ષ અને વિપક્ષ એક થઈને એક ગુજરાતી નેતાને વિદાય શુભેચ્છા પાઠવે તેવું આ પહેલું ઉદાહરણ છે.
અલબત્ત ગૃહમાં બેઠેલા સહુકોઈ પ્રેક્ષકોને બે જૂના મિત્રો અને રાજકીય શત્રુઓનો પ્રેમ અને મીઠા ચાબખા પણ જોવા- સાંભળવા મળ્યા. ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ પદનામિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભેટીને રેશમી ખેસ પહેરાવ્યો અને શુભેચ્છા આપતા આપતા ચૂંટણીમાં આપેલા વચનો પણ યાદ અપાવરાવ્યાં. તેના જવાબમાં મોદીએ પણ મર્માળો કટાક્ષ કરતાં કહ્યું કે ”ઓહોહો… પાછલી સરકાર આટલી બધી સમસ્યાઓ ઉકેલવાની બાકી રાખીને ગઈ છે ? ” એજ રીતે મોદીએ ભૂતકાળમાં તેઓ શંકરસિંહ વાઘેલાની મોટરબાઈક પર બેઉ સાથે ઘૂમતા હતા તે યાદ પણ તાજી કરી. શંકરસિંહ વાઘેલાએ પણ નરેન્દ્ર મોદીને તેમની એકલતા દૂર કરવા ક્યારેક સમય મળે તો હીરાબાના ખોળામાં માથું મૂકી આંસુ સારવાની શીખ આપી. નરેન્દ્ર મોદી અને બાપુ એ બેઉ આરએસએસની નીપજ છે. બેઉ ભાજપામાં જ ઉછેર્યા છે. બંનેના જીવન પર આરએસએસના એ વખતના ગુજરાતના વડા લક્ષ્મણરાવ ઈનામદારનો પ્રભાવ છે. તેમ છતાં બંને મિત્રો મટી રાજકીય હરીફો થયા હતા પરંતુ બુધવારની બેઠકમાં મીઠા વાક્બાણ વચ્ચે જૂની ભાવનાત્મક લાગણીઓની ટશરો પણ ફૂટતી હતી અને એ પ્રભાવના કારણે જ બાપુ કોંગ્રેસના નેતા હોવા છતાં તેમણે નરેન્દ્ર મોદીને બંધારણની મર્યાદામાં રહી રામમંદિરનું કામ પૂરું કરવા સલાહ આપી. નરેન્દ્ર મોદીએ કહ્યુંઃ”હવે વડાપ્રધાનના નિવાસસ્થાને ગુજરાતીમાં વાત થતી હશે અને ખમણ-ઢોકળાં પણ બનશે.” અલબત્ત, બાપુ એ ખમણ-ઢોકળાં ખાવા જશે કે કેમ એની ખબર નથી.
નરેન્દ્ર મોદીનો જવાબ અને પ્રતિભાવ સાંભળવા સહુ કોઈ આતુર હતા. આગલા દિવસે નવી દિલ્હી ખાતે પાર્લામેન્ટમાં પ્રવેશ કરતાં પહેલા અને તે પછી પાર્લામેન્ટરી બોર્ડને સંબોધતી વખતે નીપજેલા ઈમોશનલ દૃશ્યો બાદ બુધવારના સત્રમાં મોદી પ્રમાણમાં વધુ સ્વસ્થ અને ઔપચારિક હતા. ભૂલી જવું અને માફી આપવી કે માગવી એ તેમની ડિક્ષનેરીમાં નથી, પરંતુ વિધાનસભાના સત્રમાં વિદાય લેતી વખતે તેઓ પહેલી જ વાર બોલ્યાઃ ”૧૨ વર્ષના મારા કાર્યકાળ દરમિયાન મારી કોઈ ઉણપ રહી ગઈ હોય, મારા વ્યવહારમાં કોઈ દોષ રહી ગયો હોય, કોઈને ઠેસ પહોંચાડી હોય તો આ પળ ‘મિચ્છામી દુક્કડમ’ની છે. આ શબ્દો તેમણે અત્યંત ભાવપૂર્વક ઉચ્ચાર્યા હતા. લાગતું હતું કે નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વમાં એક પરિવર્તન પણ આવી રહ્યું છે. તેઓ એક રાજ્યના પોલિટિશિયનમાંથી પરિર્વિતત થઈને રાષ્ટ્રીય ફલક પર ”ધી સ્ટેટસમેન”નો રોલ ભજવવા જઈ રહ્યા છે. રાજનીતિમાં ‘ધી સ્ટેટસમેન’ શબ્દ રાષ્ટ્રીય કક્ષાના ગૌરવપૂર્ણ રાજનેતાઓ માટે વપરાય છે. મોરારજી દેસાઈ પછી વર્ષો બાદ એક ગરીમાપૂર્ણ ગુજરાતી દેશનું નેતૃત્વ કરશે અને જે રીતે તેમણે ચૂંટણીમાં રાજનીતિનાં સમીકરણો અને રાજનીતિના રૃલ્સ બદલી નાખ્યા તે રીતે ૧૨૫ કરોડની વસ્તીવાળા દેશના પ્રશાસનમાં પણ તેઓ ક્રાંતિકારી બદલાવ લાવશે. દેશની સમસ્યાઓ દૂર કરવા હવે પ્રોફેશનલ અભિગમની જરૃર છે. જ્ઞાાતિ-જાતિના ચીલાચાલુ રાજકારણની નહીં, અને નરેન્દ્ર મોદી પાસે એ પ્રોફેશનલ- અભિગમ છે.
દેશના લોકતંત્રના ઈતિહાસમાં ગુજરાત વિધાનસભાએ શ્રેષ્ઠ ઉદારણ પૂરું પાડયું

Comments are closed.