Devendra Patel

Journalist and Author

Author: Devendra Patel (Page 7 of 43)

જીવાત્માનું પરમાત્મા સાથેનું મિલન તે યોગ છે

રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

‘યોગ’ શબ્દ ૫૦૦૦ વર્ષ પુરાણો છે. આ શબ્દનો સૌથી પહેલો પ્રયોગ ભગવાન શ્રીકૃષ્ણે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધના સમયે અર્જુનને આપેલા ઉપદેશ વખતે કર્યાે હતો. વિષાદ પામેલા અર્જુનને ભગવાન શ્રીકૃષ્ણે કર્મયોગ, જ્ઞાાનયોગ, ભક્તિયોગ તથા સાંખ્યયોગનું ઉત્કૃષ્ટ જ્ઞાાન આપ્યું હતું.

શ્રીમદ્ ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે, “જે સાધક આ મનુષ્ય શરીરમાં દેહનો નાશ થયા પહેલાં જ કામ-ક્રોધમાંથી ઉદ્ભવતા વેગને સહેવા સમર્થ બની જાય છે, એ જ માણસ યોગી છે અને એ જ સુખી છે. બહારના વિષયભોગોનું ચિંતન કર્યા વિના તેમને બહાર જ ત્યજીને અને આંખોની દૃષ્ટિને ભ્રમરોની મધ્યમાં સ્થાપીને તથા નાસિકામાં વિચરતા પ્રાણ અને અપાન વાયુને સમ કરીને જેણે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિને જીત્યાં છે, એવો મોક્ષ પરાયણ મુનિ ઇચ્છા, ભય અને ક્રોધ વિનાનો થઈ ગયો છે, તે સદા મુક્ત છે. (મુનિ એટલે પરામાત્માનું સતત ચિંતન કરનાર) યોગમાં આદૃઢ થવા ઇચ્છુક મનનશીલ માણસ માટે નિષ્કામ ભાવે કર્મ કરવું તે જ યોગની પ્રાપ્તિમાં હેતુ કહેવાય છે.”

ભગવાન શ્રીકૃષ્ણ કહે છેઃ “જે વ્યક્તિ ઇન્દ્રિયોના ભોગોમાં અને કર્મમાં આસક્ત થતી નથી, તે સઘળા સંકલ્પોને ત્યાગી યોગરૂઢ થઈ કહેવાય છે. મનને તથા ઇન્દ્રિયો સહિત શરીરને વશમાં રાખનાર, કશાયની ખેવના ના રાખનાર અને સંગ્રહ રહિત યોગી એકલો જ એકાંત સ્થળે સ્થિત થઈ આત્માને નિરંતર પરમાત્મા જોડે, પવિત્ર ભૂમિ પર દર્ભ, મૃગચર્મ અને વસ્ત્ર પાથરીને ના ઘણા ઊંચા કે ના ઘણા નીચા એવા પોતાના આસનને સ્થિરરૂપે સ્થાપીને તેની પર બેસી, ચિત્ત અને ઇન્દ્રિયોની ક્રિયાને વશમાં રાખીને, મનને એકાગ્ર કરીને, માનવી અંતઃકરણની શુદ્ધિ માટે યોગનો અભ્યાસ કરે. કાયા, મસ્તક અને ડોકને સીધાં તેમજ ટટ્ટાર ધારણ કરીને, સ્થિર થઈને, પોતાની નાસિકાના અગ્રભાગે દૃષ્ટિ ટેકવીને, અન્ય દિશામાં ના જોતો બ્રહ્મચારી વ્રતમાં સ્થિત, નિર્ભય તથા સમ્યક રીતે શાંત અંતઃકરણનો સાવધાન યોગી મનને સંયત કરી મારામાં ચિત્ત જોડી મારા પરાયણ થઈ ધ્યાનમાં બેસે. વશ કરેલા મનનો યોગી આ રીતે આત્માને નિરંતર મુજ પરમેશ્વરના સ્વરૂપમાં જોડતો મારામાં રહેલી પરમ આનંદની પરાકાષ્ઠા સ્વરૂપ શાંતિને પામે છે.”

શ્રીકૃષ્ણ કહે છેઃ “આ યોગ ખૂબ ખાનારને સિદ્ધ થતો નથી તથા બિલકુલ ના ખાનારને પણ સિદ્ધ થતો નથી. તે જ રીતે ખૂબ ઊંઘનારને પણ સિદ્ધ થતો નથી અને હંમેશાં જાગનારનેય સિદ્ધ થતો નથી. દુઃખનો નાશ કરનાર યોગ તો યથાયોગ્ય આહાર-વિહાર કરનારાને, કર્મોમાં યથાયોગ્ય ચેષ્ટા કરનારને તથા યથાયોગ્ય ઊંઘનાર તથા જાગનારને સિદ્ધ થાય છે. સંપૂર્ણ રીતે વશમાં કરેલું ચિત્ત જે વખતે પરમાત્મામાં જ સમ્યક રીતે સ્થિત થઈ જાય છે, એ વખતે સમસ્ત ભોગોથી નિસ્પૃહ થયેલો માણસ યોગયુક્ત કહેવાય છે.

જે રીતે વાયુ વિનાના સ્થાનમાં રહેલા દીવાની જ્યોત ડોલતી નથી, એવી જ ઉપમા પરમાત્માના ધ્યાનમાં લાગેલા યોગીના જિતાયેલા ચિત્તની કહેવાઈ છે.”

શ્રીમદ્ ભગવદ્ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છેઃ “પરમાત્માની પ્રાપ્તિરૂપી જે લાભ પામીને એનાથી વધુ બીજા કશા લાભને માનતો નથી અને પરમાત્મા પ્રાપ્તિ સ્વરૂપ જે અવસ્થામાં રહેલો યોગી ઘણાં દુઃખથી પણ વિચલિત થતો નથી. જન્મ-મરણનાં દુઃખરૂપ સંસાર સાથેના સંયોગથી જે રહિત છે તથા જેનું નામ યોગ છે તેને જાણવો જોઈએ. જેનું મન શાંત છે, નિષ્પાપ છે, જેનો રજોગુણ શાંત થઈ ગયો છે, એવા સચ્ચિદાનંદ ધન બ્રહ્મની સાથે એકાત્મકતા પામેલા આ યોગીને ઉત્તમ આનંદ પ્રાપ્ત થાય છે. હે અર્જુન, જે યોગીની જેમ સઘળાં ભૂતોમાં સમ જુએ છે તેમજ સુખ અને દુઃખ પણ સમ જુએ છે, તે યોગી પરમ શ્રેષ્ઠ મનાયો છે.”

યોગનો આધ્યાત્મિક અર્થ સમજાવતાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છેઃ “યોગભ્રષ્ટ માણસ પુણ્યશાળીઓના લોકને એટલે કે સ્વર્ગને પામે છે. ત્યાં ઘણાં વર્ષો સુધી નિવાસ કર્યા બાદ શુદ્ધ આચરણશીલ ધનવાનોના ઘેર જન્મ લે છે. આ સિવાયના વૈરાગ્યવાન યોગભ્રષ્ટ માણસો એ લોકમાં ના જતાં જ્ઞાાનવાન યોગીઓના કુળમાં જન્મ લે છે. ત્યાં તેઓ પૂર્વજન્મના શરીરમાં સંઘરેલા બુદ્ધિ સંયોગ-સંસ્કારોને પામે છે તથા જે શ્રીમંતોના ઘેર જન્મ લેનાર યોગભ્રષ્ટ છે તે પરાધીન હોવા છતાં પૂર્વજન્મના અભ્યાસના બળે ભગવાન પ્રત્યે આકર્ષાય છે, પરંતુ પ્રયત્નપૂર્વક અભ્યાસ કરનાર યોગી તો પાછલા અનેક જન્મોના સંસ્કારના બળે આ જન્મે જ સિદ્ધ થઈ સમગ્ર પાપોથી રહિત થયા બાદ તત્કાળ પરમ ગતિને પામે છે. યોગી તપસ્વીઓ કરતાં શ્રેષ્ઠ છે, શાસ્ત્રોથીયે શ્રેષ્ઠ છે અને સકામ કર્મ કરનારાથીયે શ્રેષ્ઠ છે, માટે હે અર્જુન, તું યોગી થા? સઘળા યોગીઓમાં પણ જે શ્રદ્ધાવાન યોગી મારામાં જોડાયેલા અંતરાત્માંથી મને ભજે છે, તે યોગી મને સૌથી શ્રેષ્ઠ માન્ય છે.”

યોગનો આ તો ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા અપાયેલો આધ્યાત્મિક સંદેશ છે. ‘રામાયણ’, ‘મહાભારત’ અને ‘શ્રીમદ્ ભગવદ્ગીતા’ આ દેશની પ્રાચીન ધરોહર છે. ભારતમાં યોગને એક આધ્યાત્મિક પ્રક્રિયા કહે છે જેમાં શરીર, મન અને આત્માને એકસાથે લાવવા (યોગ)નું કામ થાય છે. આ શબ્દ, પ્રક્રિયા અને હિન્દુ ધર્મ,બૌદ્ધ, જૈન ધર્મમાં ધ્યાનની પ્રક્રિયા સાથે સંબંધિત છે. યોગ શબ્દ ભારતથી બૌદ્ધ ધર્મની સાથે ચીન, જાપાન, તિબેટ, દક્ષિણ પૂર્વ એશિયા અને શ્રીલંકામાં પણ ફેલાઈ ગયો.

યોગની બાબતમાં શ્રીમદ્ ભગવદ્ગીતામાં આજથી ૫૦૦૦ વર્ષ પહેલાં આ શબ્દનો પ્રયોગ થયેલો છે. તેમાં ક્યારેક તે એકલો, તો ક્યારેક વિશેષણ જેમ કે બુદ્ધિયોગ, સંન્યાસ યોગ, કર્મયોગ તરીકે વપરાયો છે. વેદોત્તર કાળમાં તે ભક્તિયોગ અને હઠયોગના નામથી પ્રચલિત છે. મહાત્મા ગાંધીએ અનાસક્તિ યોગનો વ્યવહાર કર્યો. પાતંજલ યોગદર્શનમાં ક્રિયાયોગ શબ્દ જોવામાં આવે છે. એ સિવાય પાશુપત યોગ અને માહેશ્વર યોગ જેવા શબ્દો પણ ચર્ચામાં આવ્યા છે. ઘણા વિદ્વાનો યોગ શબ્દનો અર્થ કરવામાં ગૂંચવણમાં પડી ગયેલા જોવા મળે છે. કેટલીક વાર તે જુદાં જુદાં સ્થળો પર તેનો જે અર્થ કરવામાં આવ્યો છે તે એકબીજાના વિરોધી જેવો લાગે. તેથી ઘણાને યોગની પરિભાષા કરવી કઠિન લાગે છે. આમ છતાં ભગવાન શ્રીકૃષ્ણે કરેલું યોગનું અર્થઘટન શ્રેષ્ઠ અને માન્ય છે. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે કે ‘યોગઃ કર્મસુ કૌશલમ. (અર્થાત્ કર્મોમાં કુશળતાને યોગ કહે છે) કેટલાંક વિદ્વાનોનું કહેવું છે કે, જીવાત્મા અને પરમાત્માના ઐક્યને યોગ કહે છે.

બીજી બાજુ પતંજલિએ ‘યોગદર્શન’માં કહ્યું છેઃ “પૂર્ણપણે થંભી જવાનું નામ યોગ છે.” આ વાક્યના બે અર્થ છેઃ ચિત્તવૃત્તિઓના નિરોધની અવસ્થાનું નામ યોગ છે અથવા આ અવસ્થા લાવવાના ઉપાયને યોગ કહે છે.

યોગના અનેક પ્રકાર હોવાનું કહેવાયું છે. યોગની ઉચ્ચ અવસ્થા સમાધિ, મોક્ષ, કૈવલ્ય સુધી પહોંચવા અનેક સાધકોએ જે સાધનોનો ઉપયોગ કર્યો તેનું વર્ણન જુદાં જુદાં ધર્મશાસ્ત્રોમાં જોવા મળે છે. યોગના જે વિવિધ પ્રકારો છે તેમાં ૧. મંત્રયોગ ૨. હઠયોગ ૩. લયયોગ અને ૪. રાજયોગ જાણીતા છે. મનની ચંચળતાને રોકવી તે મંત્રયોગ છે. મંત્રથી ધ્વનિ તરંગો પેદા થાય છે. મંત્ર શરીર અને મન બેઉ પર પ્રતાપ નાખે છે. હઠયોગમાં હઠ દ્વારા કોઈ કાર્ય કરવું તેવો મતલબ છે.’હ’નો અર્થ સૂર્ય તથા ‘ઠ’નો અર્થ ચંદ્ર છે. સૂર્ય અને ચંદ્રની સમાન અવસ્થા તે હઠયોગ છે. શરીરમાં હજારો નાડીઓ છે. તેમાંથી ત્રણ પ્રમુખ નાડીનું વર્ણન આ પ્રમાણે છેઃ સૂર્યનાડી અર્થાત્ પીંગળા જમણા સ્વરનું પ્રતીક છે. ચંદ્રનાડી અર્થાત્ ઇડા તે ડાબા સ્વરનું પ્રતીક છે. આ બંનેની વચ્ચે એક ત્રીજી નાડી છે સુષુમ્ના. આ રીતે હઠયોગ તે પ્રક્રિયા છે જેમાં પીંગળા અને ઇડાના સહારે પ્રાણને સુષુમ્ના નાડીમાં પ્રવેશ કરાવીને બ્રહ્મરંધ્રમાં સમાધિસ્થ કરવી. હઠયોગમાં ચાર અંગોનું વર્ણન છે, જેમાં આસન, પ્રાણાયામ, મુદ્રા, બન્ધ અને નાદાસુધાનનો સમાવેશ થાય છે.

લયયોગમાં સાધક જ્યારે ચાલતાં, બેસતાં, સૂતાં, ભોજન કરતાં હર સમયે બ્રહ્મમાં ધ્યાન રહે તેને લયયોગ કહે છે. જ્યારે રાજયોગ બધા યોગોનો રાજા કહેવાય છે. તેમાં બધા જ પ્રકારના યોગની કોઈ ને કોઈ સામગ્રી અવશ્ય મળે છે. રાજયોગનો વિષય ચિત્તવૃત્તિઓનો નિરોધ કરવો તે છે. મહર્ષિ પતંજલિ કહે છે કે, સમાહિત ચિત્તવાળાઓ માટે અભ્યાસ તથા વૈરાગ્ય તથા વિક્ષિપ્ત ચિત્તવાળાઓ માટે ક્રિયાયોગનો સહારો લઈ આગળ વધવાનો રસ્તો તેમાં દર્શાવ્યો છે. આ યોગથી ક્લેશનો નાશ થાય છે, ચિત્ત પ્રસન્ન થઈ જ્ઞાાનનો પ્રકાશ ફેલાય છે અને વિવેક પ્રાપ્ત થાય છે.

શ્રીમદ્ ભગવદ્ગીતામાં જ્ઞાાનયોગ, કર્મયોગ અને સાંખ્યયોગનું વર્ણન છે. કર્મયોગમાં વ્યક્તિ પોતાની સ્થિતિ અનુસાર ઉચિત અને કર્તવ્યો અનુસાર કર્મોનો શ્રદ્ધાપૂર્વક નિર્વાહ કરે છે. ભક્તિયોગ એ ભક્તિનો યોગ છે. તેમાં ભગવદ કીર્તન, શ્રવણ જેવી ક્રિયાઓનો અનુરોધ છે. જ્ઞાાનયોગમાં જ્ઞાાન દ્વારા પરમેશ્વરને જાણવા અને જ્ઞાાનસર્જન કરવું તેમ કહેવાયું છે.

યોગ એ ગહન વિષય છે. યોગ એ જ્ઞાાન, વિજ્ઞાાન અને આધ્યાત્મના સંકલન દ્વારા મનની, શરીરની અને હૃદયની શાંતિ પ્રાપ્ત કરવાની પદ્ધતિઓની સમગ્ર વિશ્વને ભારત દ્વારા અપાયેલી ભવ્ય ભેટ છે.

જ્યારે એક બાળકને ત્રણ વર્ષની વયે પૈસા પ્રત્યે અનાસક્તિ થઈ

જશન.

આ નામના એક બાળકનો જન્મ તા. ૨ ઓગસ્ટ, ૧૯૧૮ના રોજ હાલ પાકિસ્તાનમાં આવેલા હૈદરાબાદમાં થયો હતો. માતાનું નામ ક્રિશ્નાદેવી અને પિતાનું નામ પહલાજરાય. નવજાત શિશુનો રડવાનો અવાજ સાંભળી પિતા અંદરના ખંડમાં ગયા. એમણે બાળકને હાથમાં લીધું. ક્રિશ્નાદેવી ધીમેથી બોલ્યાં : “આ આપણો નાનકડો જશન (સેલિબ્રેશન) છે.” પિતાએ ઈશ્વરનો આભાર માન્યો. છ દિવસ પછી નામકરણ વિધિ માટે બ્રાહ્મણને બોલાવવામાં આવ્યા. તેમણે જન્મકુંડળી તૈયાર કરી બાળકનું નામ પાડયું ‘વીરુ’, પરંતુ પરિવારે બાળકને ઘરમાં જશન કહીને જ બોલાવવાનું ચાલુ રાખ્યું.

નાનકડા જશનને બે બહેનો પણ હતી. એક દિવસ પડોશમાં દુર્ગાષ્ટમીની પૂજા થઈ રહી હતી. આસપાસમાં રહેતી નાની કુંવારિકાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. બીજી કન્યાઓને કહેવામાં આવ્યું હતું કે, પૂજા પછી પ્રત્યેક કુમારિકાને બે આના (તે વખતનું ચલણ) આપવામાં આવશે. જશનની બે બહેનો શકુંતલા અને હરિને થયું કે તેમના નાનકડા ભાઈ જશનને પણ બે આના મળવા જોઈએ. એ હેતુથી તેમણે તેમના ત્રણ વર્ષની વયના નાનકડા ભાઈ જશનને છોકરીનાં વસ્ત્રો પહેરાવ્યા. સ્કર્ટ અને બ્લાઉઝમાં જશન પણ સુંદર કન્યા જેવો લાગતો હતો. બધા પૂજામાં ગયા. પૂજા પછી બધી કુમારિકાઓ બે આનાના સિક્કા લેવા લાઈનમાં ઊભી રહી ગઈ. જશનને સૌથી આગળ લાઈનમાં ઊભો રાખ્યો. તેના હાથમાં બે આનાનો સિક્કો મૂકવામાં આવ્યો, પરંતુ તેની પાછળ ઊભી રહેલી બે બહેનોથી હસવું ખાળી શકાયું નહીં. આ કારણે પૈસા વહેંચી રહેલા પુરુષને શંકા ગઈ. તેમણે ધારીને જોયું અને ખ્યાલ આવી ગયો કે છોકરો છોકરીનાં કપડાં પહેરીને આવ્યો છે. તેને ખખડાવી નાખવામાં આવ્યો : “શું તું અમને મૂર્ખ સમજે છે ? તેં છોકરીનાં વસ્ત્રો પહેરીને આવવાની હિંમત કેવી રીતે કરી ? આ છેતરપિંડી છે.” એમ કહી તેના હાથમાંથી બે આનાનો સિક્કો પાછો લઈ લીધો. એટલું જ નહીં, પણ તે માણસે નાનકડા જશનને એક તમાચ પણ ફટકારી દીધી.

ત્રણ વર્ષના જશનને આ અપમાન લાગ્યું. તે ક્ષોભ અનુભવતાં રડવા લાગ્યો. તેની બહેનો પણ હવે નિઃસહાય હતી, પરંતુ એ નાનકડા બાળકે એ ઉંમરે અને એ જ ક્ષણે પૈસાથી એક અંતર રાખવાનું નક્કી કરી નાખ્યું. નાની વયના બાળકના દિલોદિમાગ પર આ ક્ષોભજનક સ્થિતિની જબરદસ્ત અસર થઈ.

પિતા કરાંચીની મ્યુનિસિપલ પ્રાઈમરી સ્કૂલના સુપરવાઈઝર હોઈ ત્રણ વર્ષના જશનને ખાસ કેસ તરીકે ટી. સી. સિંધી મીડિયમ સ્કૂલમાં પ્રવેશ મળ્યો. પ્રાથમિક શિક્ષણનો પાંચ વર્ષનો કોર્સ એણે ત્રણ વર્ષમાં પૂરો કરી નાખ્યો. આઠ વર્ષની વયે બાળકને સેન્ટ પેટ્રિક હાઈસ્કૂલમાં પ્રવેશ મળ્યો. એક વાર આ નાનકડા બાળકે એને સહાધ્યાયીઓને પૂછયું : “તમે કદી એ વિચાર્યું છે કે, તમે દુઃખી, અસંતુષ્ટ અને હતાશ કેમ થાવ છો ?”

”ના, તું જ કહે.” બીજાં બાળકોએ પૂછયું.

નાનકડા જશને કહ્યું : “આપણે દુઃખી છીએ, કારણ કે આપણે આ જીવન જેવું છે તેવું સ્વીકારી શકતા નથી. આપણી પાસે જે છે તેનો આપણને સંતોષ નથી. આપણે ભૂતકાળમાં જીવીએ છીએ. ભવિષ્યની કલ્પનામાં રાચીએ છીએ. કોઈ પરિવર્તન આવે તો આપણે તેનો પ્રતિકાર કરીએ છીએ. આપણે આપણી આસપાસની પરિસ્થિતિને બદલવાનો પ્રયાસ કરીએ છીએ તેથી દુઃખી થઈએ છીએ.”

નાનકડો જશન થિયોસોફિકલ સોસાયટીમાં એણે જે સાંભળ્યું હતું તે તેના મિત્રોને કહી રહ્યો હતો. પિતાના અવસાન પછી તે દરિયા કિનારે જઈ વિચારવા લાગ્યો. કરાંચીનો દરિયા કિનારો એને ગમતો હતો. એ દૂર દૂરથી આવતા મોજાંને જોઈ રહેતો. એ મોજાં દરિયા કિનારે વિખરાઈ જતાં. કોઈ વાર તે ગાંધી ગાર્ડન જતો. અહીં એક નાનકડું ઝરણું હતું. ઝરણા પર એક જૂનો સસ્પેન્શન બ્રિજ હતો. તે ગમે ત્યારે પડી જાય તેવો હતો. તેનું સમારકામ કરવું જરૂરી હોઈ એક દિવસ બ્રિજની આગળ એક બેરીકેડ મૂકી સૂચના લખવામાં આવી હતી કે, “આ બ્રિજ ભયજનક છે. કોઈએ તેની પરથી પસાર થવું નહીં.” નાનકડા જશને બ્રિજ પાસે જઈ આ બોર્ડ વાંચ્યું. એણે જોયું તે બ્રિજની નીચેના ભાગમાં એક પક્ષીએ એક માળો બાંધ્યો હતો. તેમાં તેનાં નાનાં બચ્ચાં પણ હતાં. જશનને પક્ષીઓ માટે બહુ જ લગાવ હતો. તે માળા પાસે ગયો અને ધીમેથી બોલ્યો : “ઓ નાનકડાં પક્ષી, તને ખબર છે કે, આ બ્રિજ ગમે ત્યારે તૂટી પડશે ? તારું જીવન ભયમાં છે.”

થોડી વાર પછી બાળકને લાગ્યું કે અંદરથી પક્ષી જાણે કે બોલી રહ્યું છે : “ભય ? શાનો ભય ? બ્રિજ તૂટી પડવા જેવું લાગશે તો અમે અમારી પાંખો પ્રસારી ઊડી જઈશું.”

કેવું આશ્ચર્ય ! એ ક્ષણે જશનને લાગ્યું કે, મારે પણ આવી જ શ્રદ્ધા અને વિશ્વાસથી જીવવું જોઈએ. શું આપણા બધાની સંભાળ રાખવા આપણાથી ઉપર ભગવાન નથી ? આખરે આપણે એમનું તો સર્જન છીએ ? આ વિચારની સાથે જ નાનકડા જશનને પોતાની પાંખો પ્રસારી ઊડી જવાનું મન થયું.

પિતાના મૃત્યુ બાદ જશનને એક બીજો આંચકો લાગ્યો. તેના ૩૦ વિદ્યાર્થીઓના વર્ગમાં તે હંમેશાં પહેલા નંબરે પાસ થતો હતો, પરંતુ આ વખતે તે પ્રથમ નંબર ચૂકી ગયો અને બીજા નંબરે પાસ થયો. નિરાશ જશન ફરી દરિયા કિનારે ચાલ્યો ગયો. એવામાં તેના જ વર્ગનો એક વિદ્યાર્થી હાથમાં મીઠાઈ લઈને ખુશ થતો તેની પાસે આવ્યો. એણે કહ્યું, “જશન ! લે આ મીઠાઈ ખા. હું તો મારી સફળતાને ઊજવી રહ્યો છું.”

જશને પૂછયું : “તું તો છેક છેલ્લા નંબરની નજીક ૨૯મા નંબરે આવ્યો છે. તેમાં સફળતા શું ?”

એના મિત્રએ હસતાં હસતાં કહ્યું : “હું તો પાસ થઈ ગયો તેનો જ મને આનંદ છે. મને તો હતું કે હું નાપાસ જ થવાનો છું. હું નાપાસ થયો હોત તો મારું એક વર્ષ બગડત. બોલ, હવે તને નથી લાગતું કે હું નસીબદાર છું ?”

“હા… હા…” જશને કહ્યું અને એણે મીઠાઈ લીધી. તે પછી જશન બીચ પર ગયો. બેઠા બેઠા તે વિચારવા લાગ્યો કે, કોઈ પણ પરિસ્થિતિને તમે કઈ નજરથી જુઓ છો તે જ મહત્ત્વનું છે. મને પ્રથમ નંબરના બદલે બીજો નંબર મળ્યો તેથી હું દુઃખી હતો અને મારો સહાધ્યાયી માત્ર પાસ જ થઈ ગયો તેના કારણે આનંદમાં હતો. એને એથી વધુ કાંઈ ખપતું જ નહોતું. જશનને આત્મજ્ઞાાન લાદ્યું કે, બહારના સંજોગો તમારું સુખ નથી કરતાં, પરંતુ તે સંજોગોને નિહાળવાનો દૃષ્ટિકોણ જ તમારું સુખ નક્કી કરે છે.

આવો નાનકડો જશન એક વાર તેના ઘરની બહાર પસાર થઈ રહ્યો હતો. તેના બે મિત્રો તેને જોઈ રહ્યા હતા. રસ્તામાં ખૂણા પર એક મોટી વયના સજ્જન વ્યક્તિ ઊભા હતા. જશન અચાનક નીચે નમ્યો અને રસ્તા પરથી કોઈ ચીજ લઈ એણે મુઠ્ઠીમાં મૂકી દીધી. મોટી વયના એક વ્યક્તિ તેની પાસે આવ્યા અને કડકાઈથી કહ્યું : “છોકરા ! તારી મુઠ્ઠી ખોલ.”

જશને મુઠ્ઠી ખોલી નહીં.

પુખ્ત વયના પુરુષે તેને ખખડાવ્યો : “જો છોકરા ! તેં રસ્તા પર પડેલા કોઈના પૈસા લઈ લીધા છે ને ?તારે કોઈના એ પૈસા ના લેવા જોઈએ જે તારા નથી. આ એક પ્રકારની ચોરી છે. તું સારા ઘરનો છોકરો લાગે છે. તેં આમ કેમ કર્યું ?”

જશને કહ્યું : “મારી મુઠ્ઠીમાં એવું કંઈ નથી.”
“નહીં તારે તારી મુઠ્ઠી ખોલવી જ પડશે.” પુરુષે સખ્તાઈથી કહ્યું.

બાળકે સસંકોચ મુઠ્ઠી ખોલી. તેની મુઠ્ઠીમાં તીક્ષ્ણ કાચનો એક તૂટેલો ટુકડો હતો.

“કાચ ?” પેલા માણસે પૂછયું : “તેં આ કાચનો ટુકડો કેમ લીધો ?”

જશને કહ્યું : “સર, જેના પગમાં જૂતાં નહીં હોય એવો કોઈ ગરીબ માણસ અહીંથી પસાર થાત તો એના પગમાં આ કાચ વાગી ના જાય એટલે મેં એને ઉઠાવી લીધો.” આ કહેતી વખતે બાળકની આંખમાં આંસુ હતા. રસ્તામાં ઊભેલા તેના મિત્રો અને તેને ઠપકો આપનાર પુરુષ મૌન થઈ ગયા.

આ બાળક એક મોટો થઈ અને એક દિવસ મહાન સંતના રૂપમાં પરિવર્તિત થયો અને તેમનું નામ દાદા જે. પી. વાસવાણી.

તેઓ માત્ર ૧૭ વર્ષની વયે બી.એસસી. થયા હતા. માસ્ટર ડિગ્રી માટે તેમણે ‘ધી સ્કેટરિંગ ઓફ એક્સ-રે બાય સોલિડ્સ’ વિષય પર થિસીસ લખી હતી જેનું મૂલ્યાંકન નોબલ પ્રાઈઝ વિજેતા સી. વી. રમને કર્યું હતું. તેઓ કરાંચીની ડી. જે. સિંધી કોલેજના ફેલો તરીકે પણ રહ્યા. તે પછી તેઓ તેમના કાકા અને સંત સાધુ વાસવાણીના અનુયાયી બન્યા. દાદા જે. પી. વાસવાણી આજે ચિંતક, દર્શક અને ધર્મગુરુ તરીકે આખા વિશ્વમાં નામના પામ્યા છે. તેઓ લંડનના હાઉસ ઓફ કોમન્સ (પાર્લામેન્ટ)ને અને ઓક્સફર્ડમાં પણ પ્રવચન આપી ચૂક્યા છે. શિકાગોમાં યોજાયેલી વિશ્વના ધર્મો અને આધ્યાત્મિક વડાઓની પરિષદને પણ સંબોધી ચૂક્યા છે. ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં પણ પ્રવચન આપી ચૂક્યા છે. તેમણે ૭૫ જેટલાં પુસ્તકો લખ્યાં છે અને તેમને ‘યુ થાન્ત’ પિસ એવોર્ડ પણ મળી ચૂક્યો છે. તેઓ હાલ ૯૭ વર્ષની વયના છે. દેશ અને દુનિયાભરમાં ચાલતી અનેક સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓને તેઓ માર્ગદર્શન આપે છે. અમદાવાદમાં સરદારનગર ખાતે ચાલી રહેલી સાધુ વાસવાણી હાયર સેકન્ડરી સ્કૂલનું સંચાલન પણ તેમના કુશળ માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે.

તેમનો એક જ જીવનમંત્ર છે અને સંદેશ છે : ‘ટર્ન બેક ટુ ગોડ.’ તેઓ કહે છે : “આપણે ભગવાનને શાળાઓમાંથી અને ઘરમાંથી બહાર ફેંકી દીધા છે. ભગવાનને સ્કૂલોમાં, ઘરમાં અને તમારા જીવનમાં પાછા લાવો.”

– દેવેન્દ્ર પટેલ

વધુ ને વધુ ધન કમાવાની ધૂન સંતોષ આપશે નહીં

વોરેન બફેટ.

વિશ્વના બીજા નંબરના ધનવાન વ્યક્તિ ગણાય છે. તાજેતરમાં જ તેમણે બર્કશર હૈથવે ઇંકના ૨.૪૮ બિલિયન ડોલર એટલે કે રૂ. ૧૮ હજાર કરોડના સ્ટોકનું દાન આપી દીધું. અત્યાર સુધીમાં તેમણે આપેલા તમામ ધનની કુલ રકમ ૨૧.૫ અબજ ડોલર જેટલી થાય છે. ઉપરોક્ત રકમ તેમણે બિલ ગેટ્સ ફાઉન્ડેશનને માનવ કલ્યાણ માટે વાપરવા આપ્યું છે. હજી તેઓ પોતાની તમામ સંપત્તિ દાનમાં આપી દેવાની મહેચ્છા ધરાવે છે. બિલ ગેટ્સ ફાઉન્ડેશન શિક્ષણ અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં તથા ગરીબી નિર્મૂળ કરવાના ક્ષેત્રમાં કામ કરે છે.

દુનિયાભરના જે લોકો પૈસામાં જ સુખ શોધે છે તેમણે વોરેન બફેટની જિંદગીની કહાણી અને તેમના વિચારોમાં ડોકિયું કરવા જેવું છે. સ્કૂલના દિવસોમાં તેઓ અખબાર વેચતા હતા. ૧૧ વર્ષની વયે તેમણે પહેલું મૂડીરોકાણ કર્યું. શેરના ભાવોમાં ચઢાવ-ઉતારની રમત તેમને પસંદ આવી ગઈ. ભણતાં ભણતાં તેઓ બિઝનેસ પણ કરી લેતા હતા. જોતજોતામાં તેઓ વિશ્વના સૌથી અમર વ્યક્તિ બની ગયા.

વોરેન બફેટનો જન્મ તા. ૩૦ ઓગસ્ટ, ૧૯૩૦ના રોજ અમેરિકાના નેબ્રાસ્કા પ્રાંતમાં થયો હતો. પરિવારમાં ત્રણ ભાઈ-બહેન હતાં. એમના પિતા હોવાર્ડ બફેટ સ્ટોક બ્રોકર હતા. આસાનીથી ઘર ચાલતું હતું, પરંતુ વોરેન બફેટ શરૂઆતથી જ સ્વાવલંબી હતા. તેઓ પોતાનો ખર્ચ પિતા પર પડે તેવું ઇચ્છતા નહોતા. એટલે જ સ્કૂલના દિવસોમાં સ્કૂલે જતા પહેલાં સવારમાં અખબાર વેચવા લાગ્યા હતા. એ કારણે તેમનું ખિસ્સાખર્ચ આસાનીથી નીકળી જતું હતું. તેમની માતા લીલા સ્ટાફલ બફેટ ઘર સંભાળતી હતી. તેમને પુત્રના પાર્ટ ટાઈમ જોબ સામે કોઈ વાંધો નહોતો.

એક દિવસ વોરેન બફેટ તેમના પિતાની સાથે શેરબજારમાં ગયા. શેરબજારમાં પહેલી જ વાર નાનકડા કિશોરે શેરબજારની ઉત્તેજના નિહાળી. શેરોના ઊંચકાતા અને ગગડતા ભાવો પર શેર દલાલોના ચહેરા પર દેખાતા રોમાંચથી તેઓ અભિભૂત થઈ ગયા. એમને આ ધંધો દિલચશ્પ લાગ્યો. તે પછી તેઓ અવારનવાર પિતાની સાથે શેરબજાર જવા લાગ્યો.

વોરેન બફેટે ૧૧ વર્ષની ઉંમરે પહેલો શેર ખરીદ્યો. એક શેરની કિંમત ૩૮ ડોલર હતી. ખરીદીના બીજા જ દિવસે તે શેરનો ભાવ ઘટીને ૨૭ ડોલર થઈ ગયો. વોરેન ઉદાસ થઈ ગયો. પિતાએ થોડા દિવસો સુધી ઇંતજાર કરવા કહ્યું. કેટલાક દિવસો બાદ એ શેરની કિંમત ૪૦ ડોલર થઈ ગઈ. નાનકડા વોરેને તે શેર ઝડપથી વેચી દીધો. કેટલાક દિવસો બાદ એ જ શેરનો ભાવ ૨૦૦ ડોલર થઈ ગયો. હવે વોરેનને શેરબજારની ખૂબીઓ જાણવામાં રસ પડયો. ભણતાં ભણતાં તેણે શેરબજારમાં રસ લેવા માંડયો. વોરેન પહેલેથી જ હિસાબ-કિતાબમાં હોેશિયાર હતા. ગણિત પર તેમનો જબરદસ્ત કાબૂ હતો. નફા-નુકસાનને તેઓ બરાબર સમજતા હતા.

અલબત્ત, જીવનમાં જરૂરિયાતને તેઓ બહુ જ મહત્ત્વ આપતા હતા. બિઝનેસની સાથેસાથે ભણવાનું ચાલુ રાખ્યું. ૨૦ વર્ષની વયે વોરેને કોલંબિયા સ્કૂલ ઓફ બિઝનેસમાં પ્રવેશ મેળવ્યો. અહીં તેમની મુલાકાત બેન્ઝામિન ગ્રેહામ સાથે થઈ. બેન્ઝામિન ગ્રેહામ અર્થતંત્રના જાણીતા વિશ્લેષક હતા. તેમની પાસેથી વોરેન ઘણું શીખ્યા.

એ દરમિયાન ૨૨ વર્ષની ઉંમરે ૧૯૫૨માં વોરેને સુસૈન થોમસન સાથે લગ્ન કરી લીધું. બે વર્ષ બાદ બેન્ઝામિન ગ્રેહામે વોરેનને પોતાની કંપનીમાં નોકરી આપી. અહીં તેમને પ્રતિવર્ષ ૧૨,૦૦૦ ડોલરનું વેતન મળતું હતું. ૧૯૫૬માં બેન્ઝામિન ગ્રેહામ નિવૃત્ત થઈ ગયા. તે પછી વોરેન પોતાના વતન વતન ઓમાહા પાછા આવ્યા. અહીં તેમણે બફેટ પાર્ટનરશિપ લિમિટેડ નામની કંપની ઊભી કરી. ૩૨ વર્ષની વયે તેઓ કરોડપતિ બની ગયા. ૧૯૬૫માં તેમણે બર્કશાયર હૈથવે કંપની લઈ લીધી. તે વખતે તેમની વય ૩૫ વર્ષની હતી. તે પછી તેઓ એક પછી એક એમ મોટું મૂડીરોકાણ કરતાં ગયાં. વોરેને એ પછી કદી પાછું વળીને જોયું નહીં.

વોરેન પોતાના મિત્રો અને સલાહકારોની બાબતમાં ખૂબ જ સજાગ રહેતા. વોરેન હંમેશાં કહેતા કે, “તમે કેવા પ્રકારના માનવી છો તે તમારા મિત્રોથી નક્કી થાય છે. તમારી પ્રગતિ અને બરબાદીમાં તમારી આસપાસના લોકોની જ મુખ્ય ભૂમિકા હોય છે.”

વોરેન બફેટ કમાતા જ રહ્યા. ૨૦૦૮માં તેમની સંપત્તિ ૬૨ અબજ ડોલરની થઈ ગઈ. ‘ફોર્બ્ઝ’ મેગેઝિને વોરેન બફેટને વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ તરીકે જાહેર કર્યા. આજે તેઓ બર્કશાયર કંપનીના સીઈઓ છે, પરંતુ વોરેન બફેટે પોતાની સફળતા અને સંપત્તિ પર કદી અભિમાન કર્યું નહીં. તેમને પૈસાનો દેખાડો બિલકુલ પસંદ નથી. આજે પણ વોરેન બફેટ એ જ સામાન્ય ઘરમાં રહે છે જે તેમણે ૧૯૫૮માં ઓમાહામાં ૩૧,૫૦૦ ડોલરમાં ખરીદ્યું હતું. આ ઘરમાં માત્ર ત્રણ જ બેડરૂમ છે. જેટ વિમાન કંપનીના માલિક હોવા છતાં તેઓ કદી પ્રાઈવેટ જેટ વિમાનમાં મુસાફરી કરતા નથી. તેમના ઘરની બહાર કોઈ ઊંચી તારની વાડ નથી. ઘરમાં જરૂર કરતાં એક પણ ચીજ વધારાની ઉપલબ્ધ નથી. તેઓ જાતે જ પોતાની મોટરકાર ચલાવે છે. ડ્રાઈવર રાખતા નથી. મોટા મેળાવડાઓ કે હાઈ સોસાયટીની પાર્ટીઓમાં કદી જતા નથી. તેઓ કોઈ સેલફોન રાખતા નથી. તેમના ટેબલ પર કોમ્પ્યુટર રાખતા નથી. ક્રેડિટ કાર્ડ રાખતા નથી. તેઓ કદીયે બેંકમાંથી લોન લેતા નથી. બ્રાન્ડેડ વસ્ત્રો, જૂતાં કે ચશ્મા ખરીદતાં નથી.

તેઓ કહે છે : “બર્કશાયર હૈથવે નામની મારી પેઢી ૬૩ કંપનીઓનો સમૂહ છે. મારી તમામ કંપનીના વડાઓને વર્ષમાં એક જ વાર મિટિંગમાં બોલાવી તેમને લક્ષ્યાંક આપી દઉં છું. યોગ્ય વ્યક્તિને યોગ્ય કામ આપું છું. મારી દરેક કંપનીના સીઈઓને બે નિયમો આપું છું. નિયમ નંબર એક : શેર હોલ્ડરોનાં નાણાં ડૂબવા જોઈએ નહીં અને નિયમ નંબર બે : પહેલા નંબરના નિયમનો ભંગ કરવો નહીં.”

તેઓ કહે છે : “પૈસો માનવીનું સર્જન કરતો નથી, પણ માનવી જ પૈસાનું સર્જન કરે છે. બીજાઓ જે કરે છે તેમ ના કરો. બીજાઓ જે કહે છે તે સાંભળો અને તે પછી તમને જે યોગ્ય લાગે તેમ કરો. ખુશ રહેવા માટે બહુ જ ધન હોવું જરૂરી નથી. કેટલીક સાધારણ ક્ષણો તમને બેસુમાર ખુશીઓ આપી શકે છે. દા.ત. કોફી શોપમાં બેસીને આવતા જતા લોકોને નિહાળવામાં મને ઘણો આનંદ આવે છે. જેમ કે મને ઢળતા સૂરજની સંધ્યાએ ઉઘાડા પગે સમુદ્રના કિનારે ચાલવાનું બહુ જ ગમે છે. ભીની રેતી અને સુંદર હવા મને ઘણો આનંદ આપે છે જે કીમતી મોટરકારો અને મોંઘાદાટ વસ્ત્રો આપી શકતાં નથી.”

વોરેન બફેટ કહે છે : “કામ એવું પસંદ કરો કે સવાર થતાં જ તમને ફટાફટ ઓફિસે પહોંચી જવાનું મન થાય. ગમે તેટલા પૈસા હોય પણ સામાન્ય માનવી જેવું જ જીવન જીવો. પૈસાથી ખુશીઓ ખરીદી શકાતી નથી. બીજાઓની સાથે સરખામણી કરીને વધુ ને વધુ કમાવાની ધૂન તમને કદી સંતુષ્ટ કરી શકશે નહીં.”

આટઆટલી સંપત્તિ હોવા છતાં સામાન્ય વ્યક્તિ જેવું જીવન જીવતા વોરેન બફેટ વિશ્વના જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનું બીડું પણ ઉપાડયું છે. વિશ્વના મોટા દાનદાતાઓમાં વોરેન બફેટનું નામ ટોચ પર છે. ૨૦૦૬માં તેમણે પોતાની સંપત્તિનું દાન આપવાની જાહેરાત કરી હતી. તેમણે પોતાની ૮૩ ટકા સંપત્તિ બિલ એન્ડ મિલિંડા ગેટ્સ ફાઉન્ડેશનને આપવાની જાહેરાત કરી છે. ‘ટાઈમ’ મેગેઝિને તેમને વિશ્વના ૧૦૦ પ્રભાવશાળી વ્યક્તિઓમાં સામેલ કર્યા હતા. ૨૦૧૨ એપ્રિલમાં મેડિકલ ટેસ્ટમાં તેમને માલૂમ પડયું કે તેમને કેન્સર છે. પાંચ મહિનાના સફળ ઇલાજ બાદ તેઓ કેન્સર સામેનો જંગ જીતી ગયા. ૮૩ વર્ષની વયે આજે તેઓ પોતાની જાતને ઓફિસ અને સામાજિક કાર્યોમાં વ્યસ્ત રાખે છે.

– દેવેન્દ્ર પટેલ

મને લાગ્યું કે મારો હસબન્ડ પતિ નહીં પણ ‘પ્લે બોય’ છે

સર, હું મારું નામ નહીં કહું પરંતુ તમે મને કંગના કહી શકો છો.’

લંડનથી આવેલી એક આકર્ષક યુવતી અત્યંત સુંદર ગુજરાતી અને વચ્ચે વચ્ચે અસ્ખલિત અંગ્રેજીમાં વાત શરૂ કરે છે.

તે કહે છેઃ ‘હું બ્રિટિશ નાગરિક છું. મારી મા ગુજરાતી છે. પિતા પંજાબી છે. હું લંડનમાં જ જન્મી છું. અમે વેમ્બલીમાં રહીએ છીએ. હું ગુજરાતી, હિંદી, પંજાબી અને અંગ્રેજી એમ ચાર ભાષાઓ જાણું છું. મારી ઉંમર ૨૬ વર્ષની છે. હું લંડનમાં જ ભણી છું. હું સ્કૂલના અંતિમ વર્ષોમાં હતી ત્યારે નિશાંત નામનો છોકરો મને ગમતો હતો. તે બહુ ઓછું બોલતો. મને તેના માટે લગાવ હતો, પરંતુ કોલેજમાં ગયા બાદ હું અને નિશાંત અલગ થઈ ગયા. તે ક્યાં ભણવા ગયો તેની મને ખબર નહોતી.’ અત્યંત માઈલ્ડ પરફ્યૂમનો મઘમઘાટ ધરાવતી કંગના આગળ ઉમેરે છેઃ ‘સર, એક વાત કહું? મારું અસલી નામ તો બીજું છે પણ નિશાંત ગમે તે કારણસર મને કંગના કહી ક્યારેક બોલાવતો હતો. એ નામથી આજ સુધી મને હજુ કોઈએ બોલાવી નથી. થોડાક જ સમયમાં બધંુ જ ભુલાઈ ગયું. મને માર્કસ એન્ડ સ્પેન્સરમાં એક સારી એક્ઝિક્યુટિવ જોબ મળી. ખૂબ સારો પગાર હતો. એ કંપનીમાં મારી સાથે જ કનિષ્ક નામનો એક અત્યંત રૂપાળો પંજાબી યુવાન પણ જોબ કરતો હતો. મારા ડેડ પણ પંજાબી હોઈ મને પંજાબી યુવાન તરફ આકર્ષણ થયું. કનિષ્કનું વ્યક્તિત્વ ગજબનું હતું. કોઈ પણ યુવતીને ગમી જાય તેવું તેનું શરીર સૌષ્ઠવ હતું. લુકમાં જ તે સેક્સી લાગતો હતો.

જરાયે ક્ષોભ અનુભવ્યા વગર કંગના વાત કરતી હતી. એ બોલીઃ ”મને પણ કનિષ્ક ગમવા લાગ્યો. અમે ડેટિંગ કરવા લાગ્યા. તે બિયરનો શોખીન હતો. બારમાં આવતી છોકરીઓ તેને જોઈ રહેતી. એ પણ છોકરીઓને જોઈ રહેતો, હું તેેને કહેતીઃ ”કની, એ છોકરીઓે કરતાં હું વધુ રૂપાળી છું. એમની સામે જોવાના બદલે મારી સામે જો.” અને તે હસી પડતો.

સમય વહેતા અમારો પ્રેમ પ્રગાઢ બન્યો. લગ્ન પહેલાં પણ અમે એકબીજાની વધુ નજીક આવ્યા. મોમ અને ડેડની સંમતિથી અમે લગ્ન કરી લીધા. લગ્ન પછી અમે હનીમૂન માટે પેરિસ ગયા. મારી મમ્મી અમદાવાદની છે એટલે લગ્નના બીજા જ વર્ષે અમે અમદાવાદ પણ આવ્યા. મને ખબર હતી કે કનિષ્કને પહેલેથી જ સ્વરૂપવાન છોકરીઓ બહુ ગમતી. મને હતું કે મારી સાથે લગ્ન કર્યા બાદ તેનું અન્ય સ્ત્રીઓ પ્રત્યેનું આકર્ષણ ઘટી જશે.તમે જોઈ શકો છો આઈ એમ બ્યુટીફૂલ ટુ. મારી હાજરીમાં અન્ય યુવતીઓ સાથે તે વધુ છૂટછાટ લેતો. તેમના શરીરના અંગોના વખાણ કરતો. મારે એક વાર તેને કહેવું પડેલું: ”કની, યુ આર મેરીડ નાઉ.”

અમારી વચ્ચે વાદ-વિવાદ થતો. દલીલો થતી. તે કહેતોઃ ‘ઈટસ ટ્રુ ઘેટ યુ આર માય વાઈફ બટ ધે આર માય ફ્રેન્ડસ એઝ વેલ. શું કોઈ પુરુષને સ્ત્રી-મિત્ર ના હોઈ શકે?’

હું કહેતી : ‘હોઈ શકે પણ એક મર્યાદામાં.’

ફરી ઉગ્ર દલીલો થતી, શરૂમાં મને મારા હેન્ડસમ હસબન્ડ માટે ગૌરવ થતું. બીજી છોકરીઓ તેની સામે જોઈ રહેતે જોઈને હું ગર્વ અનુભવતી કે અનેક છોકરીઓને પસંદ છે એવો કનિષ્ક મારો હસબન્ડ છે, પરંતુ હવે મને ચિંતા થવા લાગી કે કોઈ મારા હસબન્ડને પડાવી જશે તો ?”

અને મારી ચિંતા સાચી પડી. એક દિવસ કનિષ્ક બાથરૂમમાં હતો. રાતનો સમય હતો. મારા હસબન્ડના મોબાઈલ ફોનની રિંગ વાગી. એક વાર વાગી, બે વાર વાગી, ત્રણ વાર સતત ફોન આવતા રહ્યા. મને લાગ્યું કે મારે જવાબ આપવો જોઈએ કે કનિષ્ક બાથરૂમમાં છે. મેં ફોન ઉપાડયો. સામેથી છોકરી બોલી રહી હતીઃ ‘યુ સ્ટુપીડ, ફોન કેમ નથી ઉપાડતો? કેમ આજે મને મળ્યો નહીં? મેં તને કહ્યું તો હતું કે, આજે મારા મમ્મી-પપ્પા માન્ચેસ્ટર ગયા છે. ઘેર હું એકલી છું… આઈ એમ વેઈટિંગ ફોર યુ.’

હું એ વાત સાંભળી સ્તબ્ધ થઈ ગઈ. એ છોકરીને ખબર જ નહોતી કે, મારા હસબન્ડનો ફોન મેં ઉપાડયો હતો. મેં હિંમતથી પૂછયું:”હુ આર યુ?”

– અને મારો અવાજ સાંભળી ‘ટુ હેલ વીથ યુ’ કહી એણે ફોન કાપી નાખ્યો. મને લાગ્યું કે એ છોકરી પીધેલી હતી. કનિષ્ક બાથરૂમમાંથી બહાર આવ્યા. એમણે મારો લાલઘૂમ ચહેરો જોયો. એમણે પૂછયું: ”શું થયું?”

મેં કહ્યું: ”સમ બડી ઈસ વેઈટિંગ ફોર યુ.’ ફરી સખ્ત ઝઘડો થયો. એમણે કહ્યું: ‘ર્ડાિંલગ, હું એ છોકરીને જાણતો નથી. કોઈ મને રાતના સમયે ફોન કરે તો હું શું કરું?’ હું જાણતી હતી કે તેઓ જુઠ્ઠુ બોલે છે. એ રાત્રે હું પડખું ફેરવીને સૂઈ ગઈ. તેમણે મને મનાવવા ઘણી કોશિશ કરી. પણ હું હર્ટ થઈ હતી. મને હતું કે લગ્ન બાદ મારો હસબન્ડ સુધરી જશે પણ તેમ થયું નહીં. બીજા દિવસે સવારે કનિષ્કે ખૂબ જ નમ્રતાથી મારી માફી માગી. તેઓ બોલ્યા, ”ર્ડાિંલગ, હવે ફરીથી હું આવી ભૂલ નહીં કરું. હવે હું આ બધું બંધ કરી દઈશ. હું કસમ ખાઉં છું. આટલી વખત તું મને માફ કરી દે. આઈ લવ યુ. તારા વગર હું મારી જિંદગીની કલ્પના પણ કરી શકતો નથી.” મેં કનિષ્ક પર વિશ્વાસ મૂક્યો. મેં તેના ચહેરા પર ભારોભાર દુઃખ અને પસ્તાવાની લકીરો જોઈ અને મારો હસબન્ડ આમેય મને બહુ જ ગમતો હતો. તે સ્વીટ હતો. મેં એને માફ કરી દીધો અને પછી અમે ફરી એકવાર રોમ ગયા. થોડા દિવસ રહી અમે નવી તાજગી લઈ પાછા આવ્યા. ફરી જીવન રાબેતા મુજબનું થઈ ગયું.

કંગના થોડીવાર થોભે છે. એક લાંબો શ્વાસ લઈ પાણી મંગાવે છે. પાણી પી લીધા બાદ તે કહે છેઃ ‘ આ વાતને એક વર્ષ વીત્યું. એક દિવસ કનિષ્ક એરપોર્ટ પર એક મિત્રને લેવા હિથરો ગયા હતા. તેઓ તેમનો મોબાઈલ ફોન ઘેર ભૂલી ગયા હતા. કોણ જાણે કેમ પણ મને તેમનો મોબાઈલ ફોન ચેક કરવાનું મન થયું. મેં મેસેજ બોક્સમાં જઈ જોયું તો ૧૦ વધુ મેસેજિસ જુદી જુદી છોકરીઓના હતા. દરેક મેસેજિસમાં સેક્સની વાતો હતી. ક્યાંક મળ્યાની વાત હતી. ક્યાંક કોઈ છોકરીએ ‘થેંકસ ફોર એવરીથિંગ’લખ્યું હતું. ક્યાંક ના મળ્યા બદલે ઠપકો હતો. મને લાગ્યું કે મારો હસબન્ડ ‘હસબન્ડ’ નહીં પરંતુ ‘પ્લે બોય’ છે. મને અત્યંત ક્રોધ થયો. મારો ગુસ્સો હવે બેકાબૂ હતો. મારા હસબન્ડ સુધરવાને બદલે વધુ ખરાબ થઈ ગયો હતો. એણે માફી માંગ્યા બાદ પણ મારી સાથે દગો કર્યો હતો. આજે તે એરપોર્ટથી આવે તે પછી મોટો ઝઘડો થવાનો હતો. હું તેને આજે કહી દેવાની હતી કે, ‘આપણે ડિવોર્સ લઈ લઈએ.’

મેં પાણી પીધું.

થોડીક ક્ષણો સુધી હું આંખો બંધ કરી પડી રહી. અચાનક મને બીજો વિચાર આવ્યો મારે એનો બદલો એની જ રીતે લેવો જોઈએ. એણે મારી સાથે દગો કર્યો છે, મેં એની સાથે દગો કરવા વિચાર્યું. એણે મારી સાથે બેવફાઈ કરી હતી. મેં એની સાથે બેવફાઈ કરવા વિચાર્યું. મને એમ જ કરવું યોગ્ય લાગ્યું. રાત્રે તે ઘેર આવ્યો. મેં એને કાંઈ જ ના કહ્યું. તેની સાથે તેનો એક ફ્રેન્ડ અમારો ગેસ્ટ હતો. જાણે કાંઈ જ નથી બન્યું એવો સુંદર વ્યવહાર મેં એની સાથે દાખવ્યો. એણે મને પૂછયું: ‘હું મોબાઈલ ઘેર ભૂલી ગયો હતો. કોઈનો ફોન હતો?”

મેં કહ્યું : ‘ના… મને તો ખબર જ નથી કે તમે સેલફોન ઘેર ભૂલી ગયા છો.’ એણે હાશ અનુભવી. એના મિત્ર સાથે ડ્રિંકસ લઈ જમીને એ સૂઈ ગયો પરંતુ હું જાગતી હતી. મેં એક નિર્ણય લઈ લીધો હતો. મેં મારા માટે બીજો યોગ્ય યુવાન શોધી કાઢવા દિમાગ કામે લગાવ્યું. અચાનક જ ઝબકારો થયો. નિશાંત મને યાદ આવી ગયો કે જે મારી સાથે સ્કૂલમાં ભણતો હતો અને મને બહુ જ ગમતો હતો.

બીજા જ દિવસે ફોન ડિરેક્ટરીમાંથી મેં નિશાંતનો ફોન નંબર શોધી કાઢયો. મારા હસબન્ડની ગેરહાજરીમાં મેં નિશાંતને ફોન કર્યો. હા, આ એ જ નિશાંત હતો જે મારો સ્કૂલ ફ્રેન્ડ હતો. હું નિશાંતને મળી તે પણ સારું કમાતો હતો. તે હજુ અપરિણીત હતો. હું જ તેેને બારમાં લઈ ગઈ. ડ્રીંક્સ પછી મેં એને કહ્યું: ‘નિશાંત, આઈ લવ યુ.’

તે હજુ સરસ લાગતો હતો. મેં એની સાવ નજીક જવાનો મોકો શોધી કાઢયો. તે એકલો જ રહેતો હતો. મારા હસબન્ડ સાથે બદલો લેવા મેં નિશાંત સાથે સંબંધ બાંધવાનું નક્કી કર્યું. હું તેના બેડરૂમ સુધી પહોંચી ગઈ.

એક જબરદસ્ત આંધી આવી અને શમી ગઈ. હું ઘેર આવી. બીજા દિવસે સવારે ડ્રીંક્સનો નશો ઊતરી ગયો. હું એક બોજ અનુભવવા માંડી. એ ઘટના પછી મારા મનને શાંતિ પ્રાપ્ત થવાના બદલે મને સાવ ઊંધી લાગણી થઈ. હું વધુ તનાવમાં આવી ગઈ. મને મારું એ કૃત્ય બહુ જ ખરાબ લાગ્યું. મને મારું આત્મસન્માન ઘવાયું હોય તેમ લાગ્યું. મેં મારું પરિણીત સ્ટેટસ ગુમાવ્યું હોય તેમ લાગ્યું. ‘આઈ ફેલ્ટ આઈ હેવ લોસ્ટ માય સેલ્ફ રિસ્પેક્ટ ઈન્સ્ટેડ ઓફ પેવિંગ હીમ બેક, આઈ ફીલ મિઝરેબલ એન્ડ ડર્ટી.’

અને કંગનાની આંખો ભીંજાઈ હતી. તેનો સ્વર ભીંજાયો હતો. તે પૂછી રહી હતીઃ ‘ એક પરિણીત સ્ત્રી તરીકેની વફાદારી અને આત્મસન્માન ગૂમાવ્યા બાદ હવે હું કેવી રીતે જીવીશ? મારે શું કરવું જોઈએે? મારે મારા હસબન્ડ આગળ મારી બેવફાઈની કબૂલાત કરી લેવી જોઈએ. અને તેમ કરી લઉં તો તે પછી મારી સાથે શું થશે? આઈ હેવ ચીટેડ હીમ. એણે મારી સાથે જે કર્યું તે કર્યું પરંતુ મેં મારા હસબન્ડ સાથે દગો કર્યો તે હું સહન કરી શકતી નથી… પ્લીઝ ટેલ મી, વ્હોટ ટુ ડુ?’

– અને કંગના એ પ્રશ્ન સાથે એની વાત થંભાવી દે છે.
– દેવેન્દ્ર પટેલ

ગર્લ્સ, ના ભૂલો કે તમારી મમ્મીઓ મારી ફેન હતી !

અ સલ નામઃ મીશેલ ડિમીટ્રી કેલહુબ.

જન્મઃ તા. ૧૦ એપ્રિલ, ૧૯૩૨

જન્મ સ્થળઃ કૈરો, ઈજિપ્ત.

મૃત્યુ તાઃ ૧૦ જુલાઈ, ૨૦૧૫

– આ વ્યક્તિને દુનિયા ઓમર શરીફ તરીકે ઓળખે છે. એક વાર લંડનની એક રેસ્ટોરાંમાં તેઓ બેઠેલા હતા ત્યારે ગોરી યુવતીઓ તેમને જોતા જ તેમની પાસે દોડી ગઈ. તેમને સ્પર્શવા લાગી ત્યારે એમણે કહ્યું: ‘ગર્લ્સ! એ ના ભૂલો કે તમારી મમ્મીઓ મારી ફેન હતી.’

હોલિવુડના આ લેજન્ડરી અભિનેતાએ પોતાની આગવી અદાકારીથી એમના જમાનાના મશહૂર એક્ટર્સની વચ્ચે પણ તેમનું આગવું સ્થાન ઊભું કર્યું હતું. ગ્રેગરી પેક અને પીટર ઓ’ટુલેે જેવા કલાકારો પણ તેમની આગળ ઝાંખા પડતા હતા. ઓમર શરીફે ‘લોરેન્સ ઓફ અરેબિયા’, ડોક્ટર ઝિવાગો, ધી બ્લેમિંગ સન, મેકેન્નાઝ ગોલ્ડ,ધી ફેબ્યુલસ એડવાન્ચર્સ ઓફ માર્કો પોલો, ફનીગર્લ, ચંગીઝખાન અને ધી સ્લીપિંગ પ્રિન્સ જેવી અનેક ફિલ્મોમાં અભિનય કર્યો હતો. કાળી ચમકીલી આંખો, કાળા કર્લી હેર, ઉઠાવ આપતી મૂછો, ઓઈલ પેઈન્ટ સ્મિત અને રિફાઈન્ડ ફીચર્સના કારણે વિશ્વની લાખ્ખો સ્ત્રીઓ તેમની ચાહક હતી.

ઈજિપ્તની રાષ્ટ્રીયતા ધરાવતા ઓમર શરીફે એલેક્ઝાન્ડ્રીયાની વિકટોરિયા કોલેજમાં ગણિત અને ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. તેઓ કેરો યુનિર્વિસટી દ્વારા ગ્રેજ્યુએટ થયા હતા. તેઓ એક શ્રીમંત વેપારીના પિતાના પુત્ર હતા. તેમના પિતાના પૂર્વજો લેબિનિજ- સિરિયન હતા. ઓમર શરીફે ઈસ્લામ અપનાવ્યો તે પહેલાં ગ્રીક કેથલિક ફેમિલીનો વારસો ધરાવતા હતા. શરૂઆતનાં પાંચ વર્ષ સુધી પિતાના ધંધામાં કામ કર્યા બાદ તેમના પરિવારના એક મિત્ર કે જેઓ ઈજિપ્શિયન ફિલ્મો બનાવતા હતા. તેમણે તેમને એક ફિલ્મમાં કામ કરવાની ઓફર કરી હતી. ઈજિપ્શિયન ફિલ્મોમાં કામ કરતાં કરતાં તેઓ એમના સમયની મશહૂર ઈજિપ્શિયન અભિનેત્રી ફાતેન હમામા સાથે પ્રેમમાં પડયા હતા અને ૧૯૫૫માં તેની સાથે લગ્ન પણ કરી લીધું હતું. તે પછી તેમણે કુલ ૨૩ એરેબિક ફિલ્મોમાં કામ કર્યું હતું. એ પછી તેમણે ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો અને મિશેલ ડીમિટ્રી નામ બદલીને પોતાનું નામ ઓમર અલ શરીફ રાખ્યું હતું. તે પછી તેઓ ઓમર શરીફ તરીકે જાણીતા બન્યા.

ઓમર શરીફ અરેબિક, અંગ્રેજી, ગ્રીક, ફ્રેન્ચ, સ્પેનિશ અને ઈટાલિયન ભાષા બોલી શકતા હતા. ઈજિપ્તમાં જમાલ અબ્દુલ નાસરના શાસન દરમિયાન ઈજિપ્તના નાગરિકો પર વિદેશ પ્રવાસ પર નિયંત્રણો આવતા તેઓ સ્વેચ્છાએ યુરોપમાં દેશ-નિકાલ જેવી પરિસ્થિતિમાં રહ્યા હતા. આ કારણે તેમની અને તેમના પત્ની ફાતેન હમામા વચ્ચે અંતર ઊભું થયું હતું અને છૂટાછેડા લીધા હતા. નોંધપાત્ર વાત એ છે કે ફાતેન હમામા સાથે લગ્ન કરવા જ તેમણે ફાતેનની લાગણીને માન આપવા ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો. તલાક પહેલાં તેઓ તારેક અલ શરીફ નામના પુત્રના પિતા પણ બન્યા હતા.

ઓમર શરીફને ઈંગ્લિશ ફિલ્મ ‘લોરેન્સ ઓફ અરેબિયા’ માં કામ કરવાની ઓફર ડેવીડ લીને ૧૯૬૨માં કરી હતી. આ ફિલ્મના કારણે તેમને શ્રેષ્ઠ સહાયક અભિનેતા તરીકેનો ઓસ્કાર અને ગોલ્ડન ગ્લોબ એવોર્ડસ પ્રાપ્ત થયા હતા. તે પછી હોલિવુડમાં અનેક ફિલ્મોમાં તેમની સહાયક અભિનેતા તરીકેની માગ વધી હતી. તેમના બિન અમેરિકન અને બિન યુરોપિયન ચહેરાના કારણે હોલિવુડની ફિલ્મોેમાં વિદેશીની ભૂમિકાઓ તેમના મળવા લાગી હતી. તેમણે યુગોસ્લોવ વોરટાઈમ પેટ્રીયટ તરીકે ફિલ્મ ‘ધી યલો રોલ્સ રોઈસ’ (૧૯૬૪) તથા જર્મન મિલિટરી ઓફિસર તરીકે ‘નાઈટ ઓફ ધી જનરલ્સ’ (૧૯૬૭)માં કામ કર્યું.

૧૯૬૫માં ડેવિડ લીન રશિયન નવલકથા ‘ડોક્ટર ઝિવાગો’ ફિલ્મ માટે તેમને ફરી પસંદ કર્યો. ૧૯૫૭માં બોરિસ પાસ્તારનાક લિખિત આ રશિયન નવલકથાકાર રશિયામાં જ પ્રતિબંધ હતો. રશિયાની લોહીલુહાણ ક્રાંતિની ભીતર ખીલી ઊઠેલી એક પ્રણય કથાના ભગ્ન પતિ અને ભગ્ન પ્રેમી ડોક્ટર ઝિવાગો તરીકે ઓમર શરીફે યાદગાર અભિનય આપ્યો. માઈનસ ૪૦ ડિગ્રીવાળા બર્ફીલા વિસ્તારોમાં આ ફિલ્મનું શૂટિંગ થયું. ડોક્ટર ઝિવાગોના પાત્રમાં ઓમર શરીફે આંખોમાં દર્દ અને નરી વાસ્તવિક્તા ભરી દીધાં. ડેવીડ લીન એ જમાનાના મશહૂર દિગ્દર્શક હતા. આ ફિલ્મમાં કરેલા રોલના કારણે શ્રેષ્ઠ અભિનેતા તરીકે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ પ્રાપ્ત થયો. આશ્ચર્યની વાત એ હતી કે ડોક્ટર ઝિવાગો ફિલ્મના ૧૦ એકેડેમી એવોર્ડ માટે નોમિનેશન મળ્યા હતા પરંતુ ઓમર શરીફને શ્રેષ્ઠ એક્ટરની કેટેગરીમાં નોમિનેટ જ કરવામાં આવ્યા નહીં. અલબત્ત તેમણે ડોક્ટર ઝિવાગોના રોલ દ્વારા આખા વિશ્વના પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા.

તે પછી તેમણે એ જમાનાની પ્રખ્યાત હીરોઈન બાર્બરા સ્ટ્રીસાન્ડ સાથે ૧૯૬૮માં ‘ફની ગર્લ’ ફિલ્મમાં કામ કર્યું. તેમણે ફિલ્મમાં બાર્બરા સ્ટ્રીસાન્ડ અભિનીત ફેની બ્રાઈસના પતિ તરીકેનો રોલ કર્યો. અહીં એક મુશ્કેલી ઊભી થઈ. બાર્બરા સ્ટ્રીસાન્ડનું યુદ્ધના સમયે આરબ વિરોધી ઈઝરાયેલની ચળવળને સમર્થન આપતી હોઈ તેની સાથે કામ કરવા બદલ ઈજિપ્ત સરકાર ઓમર શરીફ પર ક્રોધે ભરાઈ. ઈજિપ્તે એ ફિલ્મનો વિરોધ કર્યો અને બીજા આરબ દેશોએ પણ એ ફિલ્મ પર પ્રતિબંધ મૂકી દીધો. અલબત્ત, આ રાજકીય ગરમાગરમીમાં પણ ઓમર શરીફ અને બાર્બરા સ્ટ્રીસાન્ડ વચ્ચે પ્રણયની વસંત ખીલી ઊઠી. પાછળથી ઓમર શરીફે કબૂલ કર્યું હતું કે શરૂઆતમાં મને બાર્બરા સ્ટ્રીસાન્ડ બહુ આકર્ષક લાગતી નહોતી પરંતુ પાછળથી તે મારા હૃદયમાં છવાઈ ગઈ હતી. હું પાગલની જેમ તેને ચાહવા લાગ્યો હતો. મેં મારા જીવનમાં આવી ર્ગોિજયસ સ્ત્રી કદી જોઈ નથી. તે પછી મને તે શરીરની દૃષ્ટિએ પણ સુંદર લાગતી હતી અને હું તેની પાછળ કામુક થઈ ગયો હતો.

ઓમર શરીફની બીજી યાદગાર ફિલ્મોમાં એક છે ‘મેકેન્નાઝ ગોલ્ડ’ જેમાં તેમણે હોલિવુડના મશહુર અભિનેતા ગ્રેગરી પેક સામે એક બદમાશ લૂંટારાનો લાજવાબ રોલ કર્યો. ફિલ્મી કથા પણ અદ્ભુત છે જેમાં પર્વતોની ખીણમાં દૈવી અને શાપીત સોનાની ખોજમાં અનેક ટુકડીઓ જાય છે અને મોતને ભેટતી રહે છે. ગ્રેગરી પેકના દિમાગમાં એ સોના સુધી પહોંચવાનો નકશો છે અને ઓેમર શરીફ તેને બંદીવાન બનાવી પર્વતો સુધી લઈ જવામાં સફળ થાય છે પરંતુ એ બંને વચ્ચેની ફાઈટ તથા ભૂકંપના દૃશ્યોથી એ ફિલ્મ સ્પેક્ટેક્યુલર બની હતી. ગ્રેગરી પેક કરતાં પણ કેટલાકને ઓેમર શરીફનો રોલ અને આઉટ લો તરીકેનું એનું મેનરિઝમ ઘણાંને વધુ પસંદ આવ્યાં હતાં.

ઓમર શરીફ એક શ્રેષ્ઠ એક્ટર હોવા ઉપરાંત શ્રેષ્ઠ બ્રિજ પ્લેયર હતા. તેઓ લાઈફલોંગ ગેમ્બલર હતા. વિશ્વના શ્રેષ્ઠ ૫૦ બ્રિજ પ્લેયર્સમાં તેમનો સમાવેશ થાય છે. તેઓ ઈરાનના શાહ સમક્ષ ચાર્લ્સ ગોરેનની સામે એક પ્રદર્શન મેચ પણ ખેલ્યા હતા. તેઓ બ્રિજ અંગે ‘શિકાગો ટ્રીબ્યુન’ અને બીજાં અખબારો માટે કોલમ પણ લખતા હતા. બ્રિજની રમત અંગે તેમણે પુસ્તકો પણ લખ્યાં. ઓમર શરીફ ફ્રાન્સના કેસિનોમાં નિયમિત જુગાર રમતા દેખાતા. અલબત્ત, ૨૦૦૬માં તેમણે જાહેર કર્યું હતું કે મેં હવે બ્રિજ રમવાનું છોડી દીધું છે?

એક નોંધપાત્ર ઘટના જાણવા જેવી છે. ૧૯૫૪માં ઓમર શરીફે ઈજિપ્તમાં ‘સ્ટ્રગલ ઈન વેલી’ ફિલ્મમાં પહેલી જ વાર ઈજિપ્શીયન અભિનેત્રી ફાતેન હમામા સાથે કામ કર્યું ત્યારે એક દૃશ્યમાં તેમણે ફાતેનને ચુંબન કરવાનું હતું. શરૂઆતમાં ફાતેને સ્ક્રીન પર ચુંબન દૃશ્ય આપવા ઈન્કાર કર્યો પણ પાછળથી તે બંનેએ કેમેરા સામે ચુંબન કર્યું હતું. બેઉ એકબીજાના પ્રેમમાં પડયા અને ફાતેન સાથે લગ્ન કરવા જ તેમણે ધર્મ બદલ્યો. લગ્ન બાદ એક પુત્ર થયો તેનું નામ તારેક અલ શરાફ, જેણે પણ ડોક્ટર ઝિવાગો ફિલ્મમાં નાનકડા બાળક યુરી ઝિવાગો તરીકે આઠ વર્ષની વયે રોલ કર્યો હતો. ૧૯૬૬માં ઓમર શરીફ અને ફાતેનના છૂટાછેડા થયા તે પછી તેઓે કદી પરણ્યા નહીં. ઈજિપ્તની નાસર સરકારના અનેક પ્રતિબંધોના કારણે પત્ની કેરોમાં જ રહી ગઈ અને ઓમર શરીફ યુરોપની હોટલોમાં જ એકાકિ જીવન બસર કરતા રહ્યા. એકવાર તેમણે કહ્યું હતું: ”ફિલ્મોેએ મને ગ્લોરી અને લોકપ્રિયતા બક્ષી પણ એણે મને એકલવાયાપણું પણ આપ્યું. મને મારી માતૃભૂમિની યાદ સદા સતાવતી રહી. મને મારા દેશવાસીઓની અને મારા દેશની યાદ સદા સતાવતી રહી.”

 ફાતેન સાથે છૂટાછેડા બાદ ઓમર શરીફના બાર્બરા સ્ટ્રીસાન્ડ સાથેનો અફેર ઈજિપ્તના અખબારોમાં છપાયા બાદ ઈજિપ્તની સરકારે બાર્બરાના ઈઝરાયેલ પ્રત્યેના ખુલ્લા સમર્થનના કારણે ઓમર શરીફનું નાગરિકત્વ લગભગ ખૂંચવી જ લીધું હતું.

રાજનીતિ કેવી ક્રૂર હોય છે જે પતિ- પત્નીને પણ અલગ કરી શકે છે અને પ્રણયના બદલામાં નાગરિકત્વ પણ ખતમ કરી  શકે છે, પરંતુ ઈજિપ્ત સરકારને એ વાતની ખબર નથી કે ઓમર શરીફ માત્ર એક્ટર જ નહોતા પરંતુ શ્રેષ્ઠ બ્રિજ પ્લેયર અને શ્રેષ્ઠ માનવી પણ હતા. તેમની ટેલેન્ટને કોઈ સરહદો નહોતી.

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

પત્ની અને પ્રેયસી વચ્ચે હિજરાતો એક માનવી

પત્ની અને પ્રેયસી વચ્ચે હિજરાતો એક માનવી !રશિયન ક્રાંતિના સમયે ડો. યુરી ઝિવાગો તોન્યા નામની યુવતી સાથે પરણ્યા હતા. ક્રાંતિકારીઓ દ્વારા ડો. ઝિવાગોને બળજબરીથી એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. આ કારણે પત્નીથી છૂટા પડી ગયા બાદ તેઓ એક હોસ્પિટલમાં લારા નામની એક નર્સના પ્રેમમાં પડયા હતા. ક્રાંતિ બાદ રાજકીય પરિવર્તન આવ્યા બાદ તેઓ પત્ની તોન્યા પાસે પાછા ફર્યા. જો કે સામ્યવાદી સરકારને ડો. ઝિવાગો કે જેઓ કવિતાઓ પણ લખતા હતા તે પસંદ નહોતી. તેમને ચેતવણી અપાઈ કે, તમે જે કવિતાઓ લખો છો તે સામ્યવાદી સરકારને પસંદ નથી.

આ ચેતવણી આપનાર અધિકારી ડોક્ટર ઝિવાગોનો ભાઈ જ હતો. એણે સરકારની ભાવિ પરેશાનીથી બચવા ડોક્ટર ઝિવાગો, તેની પત્ની તોન્યા, પુત્ર સાશા અને તેના કાકા એલેકઝાન્ડરને મોસ્કોથી દૂર જતા રહેવા સલાહ આપી. જરૂરી પાસ અને દસ્તાવેજો પણ બનાવી આપ્યા.

યુરી ઝિવાગો તેના પરિવાર સાથે પશુઓ માટેની ટ્રેનમાં બેસી બદતર હાલતમાં દસ દિવસ બાદ રશિયાની યુરલ પર્વતમાળાઓ પાસે વેટિકિનો ખાતે આવેલા ગ્રોમેકો એસ્ટેટ જવા નીકળ્યા. રસ્તામાં ટ્રેન ઊભી રહી. ડોક્ટર ઝિવાગો ટ્રેનની બહાર નીકળ્યા. એક ટેકરીની પેલે પાર લાલ ધ્વજવાળી એક વીઆઈપી ટ્રેન આવીને ઊભી રહી. કુતૂહલવશ ડોક્ટર ઝિવાગો તે ટ્રેન જોવા નજીક સરક્યા ત્યાં જ સૈનિકોએ તેની ધરપકડ કરી. એ વીઆઈપી ટ્રેન હતી. ડોક્ટર ઝિવાગો કોઈ કાવતરા માટે એ ટ્રેનની નજીક પહોંચ્યો હોવાની શંકાથી આખી ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એકમાત્ર બોલ્શેવિક કમાન્ડર સ્ટ્રેલનિકોવ સમક્ષ રજૂ કરવામાં આવ્યા. ડોક્ટર ઝિવાગો સ્ટ્રેલનિકોવનેજોતાં જ ઓળખી ગયા કે કમાન્ડર સ્ટ્રેલનિકોવ બીજો કોઈ નહીં, પરંતુ લારાનો પતિ પાશા છે. સ્ટ્રેલનિકોવ ઉર્ફે પાશાએ કડકાઈથી પૂછપરછ કરી, પણ ડોક્ટર ઝિવાગો નિર્દોષ હતા. છેલ્લે તેમને ચાલ્યા જવાની અનુમતિ આપતાં કમાન્ડર સ્ટ્રેલનિકોવ ઉર્ફે પાશાએ કહ્યું : “હવે અમારે કોઈ અંગત જીવન નથી. લારા જીવે છે અને યુરિઆતીન નામના શહેરમાં રહે છે.”

ડોક્ટર ઝિવાગો સ્ટ્રેલનિકોવના ગુસ્સાથી બચી તેમની ટ્રેન તરફ દોડયા અને ઝડપથી કેટલ ટ્રેનમાં ચડી ગયા. કેટલાક કલાકોની મુસાફરી બાદ ટ્રેન એક સ્થળે ઊભી રહી. દૂરના એક ખેતરના નાનકડા ઘરમાં પરિવાર રહેવા લાગ્યો. તોન્યા ફરીવાર સગર્ભા બની. તે દરમિયાન નજીકમાં જ આવેલા યુરિઆતીન નામના શહેરમાં ડોક્ટર ઝિવાગોએ લારાની ખોજ આદરી. લારા મળી આવી. તે તેની દીકરી સાથે એક ઘરમાં રહેતી હતી. ફરી એક વાર લારા અને ડોક્ટર ઝિવાગો એકબીજાને ચાહવા લાગ્યા. ડોક્ટર જીવાગો લારાને મળીને જ્યારે પણ ઘરે આવે ત્યારે પત્ની તોન્યા પણ અપલક નજરે પતિને જોઈ રહેતી. અલબત્ત, તે પત્ની તોન્યાને પણ એટલું જ ચાહતો હતો.

એક દિવસ ડોક્ટર ઝિવાગો લારાને મળી તેના ખેતરના ઘરે પાછા આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં જ બોલ્શેવિક ગેરિલા સ્ક્વોડના સૈનિકોએ તેમનું અપહરણ કરી લીધું. ડોક્ટર ઝિવાગોને જંગલમાં લઈ જતાં કહ્યું : “યુદ્ધભૂમિ પર અમારે ડોક્ટરની જરૂર છે.”

ડોક્ટર ઝિવાગોએ ગેરિલા સૈનિકોને કહ્યું : “મારી પત્ની ગર્ભવતી છે. તેને મારી સખત જરૂર છે.”

પણ કોઈએ તેની વાત સાંભળી નહીં. રશિયાની કાતિલ ઠંડીમાં અને બરફના તોફાનમાં ગેરિલા સૈનિકો નાનાં નાનાં બાળકોને મારતા રહ્યા. બીજી બાજુ બરફથી છવાયેલા રણમાં સૈનિકો પણ મરવા લાગ્યા. એક દિવસ ડોક્ટર ઝિવાગોએ હતાશા અને થાકી ગયેલા સૈનિકોનો સાથ છોડી દીધો. બરફથી છવાયેલ વિરાટ ભૂમિ પર ફાટેલા કોટ સાથે તેઓ તોન્યા-તોન્યા પોકારતા ઘરે આવવા નીકળ્યા. ઘર છોડયાને, પત્નીને જોયાને હવે બે વર્ષ થઈ ગયા હતા. ખેતરના ઘરમાં કોઈ નહોતું. હા, યુરિઆતીનમાં રહેતી લારા ડોક્ટર ઝિવાગોને મળી. પૂરા છ મહિના પછી લારાએ એક પત્ર બતાવતાં કહ્યું : “તમારા અપહરણ બાદ એક દિવસ તમારી પત્ની તોન્યાનો મારી પર પત્ર આવ્યો હતો. તોન્યા, તમારી દીકરી અને તોન્યાના પિતાને દેશનિકાલ કરવામાં આવ્યાં છે. તેઓ પેરિસ ચાલ્યાં ગયાં છે. તોન્યા તમને શોધવા અહીં આવી હતી, પણ હવે તે રશિયામાં નથી.”

આ વાત સાંભળી ડોક્ટર ઝિવાગો દુઃખી થઈ ગયા. તે હવે લારા સાથે જ રહેવા લાગ્યા. એવામાં એક રાત્રે અગાઉ લારા પર બળાત્કાર કરનાર અને લારાની માતા સાથે પણ સંબંધ રાખનાર વિક્ટર કોમારોવલસ્કી લારાના ઘરે આવી પહોંચ્યો. તે હવે તેની રાજકીય વગથી સોવિયત રશિયાના સાઈબીરિયા સ્ટેટનો મિનિસ્ટર ઓફ જસ્ટિસ બની ગયો હતો. એણે લારા અને ડોક્ટર ઝિવાગોને કહ્યું : “ડોક્ટર ઝિવાગો ક્રાંતિકારીઓની વિરુદ્ધ કવિતાઓ લખતા હોઈ તમારા બંને પર સામ્યવાદી સરકારની નજર છે. બહેતર છે કે, તમે બંને રશિયા છોડી દો. હું તમને મદદ કરીશ.”

લારા અને યુરી ઝિવાગોએ રશિયા છોડી દેવા ઇનકાર કર્યો, પરંતુ એમણે એ શહેર છોડી દીધું અને ભયંકર બરફથી છવાયેલા નિર્જન વેરિઆન્કો એસ્ટેટમાં બનેલા એક જૂના મકાનમાં રહેવા જતાં રહ્યાં. કાતિલ ઠંડીમાં જંગલી વરુઓ સિવાય આસપાસ કોઈ નહોતું. બરફથી ઢંકાઈ ગયેલા એ મકાનને સાફ કર્યું અને લારા, ડોક્ટર ઝિવાગો અને લારાની પુત્રી ત્યાં રહેવા લાગ્યાં. ડોક્ટર ઝિવાગોએ અહીં પણ લારા-કાવ્યો લખવા માંડયાં. જે ભવિષ્યમાં તેને પ્રસિદ્ધ તો બનાવી શકે તેમ હતા, પણ સામ્યવાદી સરકારને નારાજ પણ કરી દે તેવાં હતાં.

એક દિવસ લારા અને ડોક્ટર ઝિવાગોને શોધતો વિક્ટર કોમોરોવસ્કી ફરી અહીં આવી ચડયો. એણે લારાને જાણ કરી : “તારો પતિ પાશા ઉર્ફે કમાન્ડર સ્ટ્રેલનિકોવ મૃત્યુ પામ્યો છે. સરકાર તેનાથી નારાજ હતી. તેને ફાંસી અપાય તે પહેલાં જ તેણે આપઘાત કરી લીધો છે. લારા, તું જનરલ સ્ટ્રેલનિકોવની પત્ની હોઈ એ લોકો તને પણ શોધી રહ્યા છે. તારા જીવન માટે ભય છે.”

ડોક્ટર ઝિવાગોએ લારાને વિક્ટર કોમારોવસ્કી સાથે જવા અને આ સ્થળ છોડી દેવા સલાહ આપી અને કહ્યું : “તું અત્યારે આ સ્થળ છોડી દે, હું પાછળથી તને મળીશ.” લારા અનિચ્છાએ મનમાં ભારોભાર દુઃખ સાથે ડોક્ટર ઝિવાગોને ત્યાં જ રહેવા ગઈ અને તેને ના ગમતા માણસ એવા વિક્ટર કોમારોવસ્કતી સાથે કોઈ અનજાન જગ્યાએ જવા ચાલી ગઈ.

સમય વહેતો રહ્યો.

ડોક્ટર ઝિવાગો પણ હવે મોસ્કોમાં રહેવા ગયા. લારા ક્યાં છે તેની તેમને ખબર નહોતી. પત્ની ક્યાં છે તેની તેમને ખબર નથી. પુત્ર ક્યાં છે તેની તેમને ખબર નહોતી. હતાશ ડોક્ટર ઝિવાગોનું સ્વાસ્થ્ય પણ કથળવા લાગ્યું હતું. મોસ્કોમાં એકલતા દૂર કરવા એક સ્ત્રી સાથે રહેવાનું શરૂ કર્યું, પરંતુ પ્રેયસી લારા અને પત્ની તોન્યા ગુમાવ્યાનું દુઃખ કદી ના ભૂલાયું ! એણે કવિતાઓ લખવાનું ચાલુ રાખ્યું. એ વખતે રશિયામાં સ્ટેલિનના યુગની શરૂઆત થઈ ચૂકી હતી. યુરી ઝિવાગો હજુ લારાને મોસ્કોમાં શોધતાં અહીંતહીં ભટકી રહ્યા હતા. એક દિવસે એમણે મોસ્કોની ટ્રામમાં મુસાફરી દરમિયાન રસ્તા પર ચાલતી જઈ રહેલી લારાને જોઈ. ખરાબ સ્વાસ્થ્ય છતાં તેઓ ટ્રામમાં ઊતરી જઈ તેની પાછળ દોડયા. તેઓ લારાની પાછળ પાછળ જવા લાગ્યા, પરંતુ એ જ વખતે યુરી ઝિવાગોને હૃદયરોગનો હુમલો થયો. તેઓ હૃદયને દબાવી રાખી મોસ્કોના સ્ક્વેરમાં જ પટકાઈ પડયા. દૂરદૂર ચાલી રહેલી લારાને ખબર જ ના પડી કે તેનાથી કેટલાંક પગલાં દૂર તેના પ્રેમી યુરી ઝિવાગોનો મૃતદેહ પડયો છે. લોકો દોડી આવ્યા, પણ આ ઘટનાથી અજાણ લારા ચાલતી જ રહી.

અલબત્ત, ડોક્ટર ઝિવાગોની કવિતાઓ હવે સ્ટેલિન સરકાર આવતાં પ્રગટ થઈ ચૂકી હતી. ઘણા લોકોએ તેમની અંતિમ ક્રિયામાં હાજરી આપી, લારાએ પણ. ડોક્ટર ઝિવાગોના ઓરમાન ભાઈ યેવગ્રોફ ઝિવાગો લશ્કરમાં જનરલ હતા. લારાએ ડોક્ટર ઝિવાગોના ઓરમાન ભાઈને જાણ કરી કે એણે યુરી ઝિવાગોથી થયેલી એક પુત્રીને જન્મ આપ્યો હતો, પણ તે યુરલમાં જ અરાજકતા દરમિયાન તે મારાથી છૂટી પડી ગઈ છે. તેથી મારી અને યુરી ઝિવાગોની દીકરીને શોધવામાં મદદ કરો.”

અલબત્ત, જોસેફ સ્ટેલિનના શાસનકાળ દરમિયાન સાફસૂફીના નામે લારાની ધરપકડ કરવામાં આવી અને તે કોઈ અજાણ્યા સ્થળે લેબર કેમ્પમાં અદૃશ્ય થઈ અથવા મૃત્યુ પામી. આ ઘટનાનાં વર્ષો બાદ યુરી ઝિવાગોના ઓરમાન ભાઈ જનરલ યેવગ્રોફે એક વિશાળ બંદર પર કામ કરતી એક યુવતીને શોધી કાઢી. એને જનરલની ઓફિસમાં બોલાવવામાં આવી. એનું નામ તાન્યા હતું. તે જનરલથી ડરી રહી હતી. જનરલે તાન્યાને તેની માતાનું નામ પૂછયું : તે બોલીઃ “મમ્મી.”

ઉંતારી મમ્મી કેવી લાગતી હતી ?”
“મારાથી મોટી.”

જનરલે તાન્યાને ડોક્ટર ઝિવાગોએ લખેલી કવિતાઓવાળું પુસ્તક બતાવ્યું, જેમાં લારાની તસવીર હતી. તાન્યાના ચહેરાના ભાવ વાંચવા જનરલે પ્રયાસ કર્યો. કાંઈ જ સમજાય તેવું નહોતું, પણ તાન્યા પાસે બેલેલાઈકા નામનુંએક સંગીતવાદ્ય હતું. જનરલે પૂછયું : “તું આ સંગીતવાદ્ય વગાડતાં કેવી રીતે શીખી ?”

“મારી જાતે જ.”

જનરલ યેવગ્રોફને યાદ આવી ગયું કે, “આ એ જ સંગીતવાદ્ય છે જ્યારે તેનો ઓરમાન ભાઈ યુરી ઝિવાગો નાનો હતો ત્યારે માતાએ મૃત્યુ પામતાં પહેલાં આપ્યું હતું અને એ જ સંગીતવાદ્ય લારા પાસે હતું અને હવે તેવું જ સંગીતવાદ્ય તાન્યા પાસે છે.”ળ

જનરલ યેવગ્રોફને ખ્યાલ આવી ગયો કે, ડેમ પર કામ કરતી યુવતી- તાન્યા તેના ભાઈ ડો. યુરી ઝિવાગો અને લારાની જ પુત્રી છે.

જનરલ યેવગ્રોફના ચહેરા પર હવે સ્મિત છે અને તેણે તાન્યાને કામ પર જવાની અનુમતી આપી.

– આ છે બોરિસ પાસ્તરનાકની કૃતિ ‘ડોક્ટર ઝિવાગો’ની કહાણી.
(સંપૂર્ણ)

– દેવેન્દ્ર પટેલ

www.devendrapatel.in

ડો. ઝિવાગો પરિણીત હોવા છતાં લારાને ચાહવા લાગ્યા

૧૯૬૫માં બનેલી સ્પેક્ટેક્યુલર ફિલ્મ ‘ડો. ઝિવાગો’ના લેજન્ડરી અભિનેતા ઓમર શરીફનું ૮૩ વર્ષની વયે અવસાન થયું. આ ઇજિપ્શિયન અભિનેતાએ હોલિવૂડના બડાબડા એક્ટર્સને પણ પોતાના અભિનયથી પ્રભાવિત કરી દીધા હતા. ‘ડો. ઝિવાગો’ ફિલ્મ રશિયન લેખક બોરિસ પાસ્તારનાકની એ જ નામની નવલકથા પરથી બની હતી. આ નવલકથાની કથા અને લેખકના જીવનની કથા એક થ્રિલર જેવી છે.

‘ડોક્ટર ઝિવાગો’ની કથા કાંઈક આ પ્રમાણે છે :

કથાની શરૂઆત ૧૯૦૩ના ઈમ્પીરિયલ રશિયાના કાળથી થાય છે. એ વખતે રશિયામાં ઝારનું શાસન હતું. મોસ્કોથી બહુ દૂરના એક ગામમાં નાનકડા બાળક યુરી ઝિવાગોની માતાનું મૃત્યુ થતાં નાનકડા બાળક યુરી ઝિવાગોને તેના કાકા અને કાકી મોસ્કો લઈ ગયાં.

મોસ્કો લઈ ગયા પછી યુરી ઝિવાગો એક તબીબી કોલેજમાં દાખલ થયો. તે તેના કાકા-કાકી અને પિતરાઈ બહેન તોન્યા સાથે મોસ્કોના જ એક ભવ્ય મકાનમાં રહી ભણતો હતો. તોન્યા ભણવા માટે પેરિસ ગઈ. યુરી ઝિવાગોના કાકાને મોસ્કોના ઉચ્ચ-ભદ્ર પરિવારો સાથે સુંદર સંબંધો હતા. તેમાં એક કોમારોવસ્કી પણ હતો. એક દિવસ યુરી જિગાવોને કહેવામાં આવ્યું કે, “તોન્યા પેરિસથી પાછી આવી રહી છે.” યુરી ખુશ થઈ ગયો. યુરી ઝિવાગો અને તેનાં કાકા-કાકી તોન્યાને લેવા રેલવે સ્ટેશનગયાં. યુરી ઝિવાગોએ વર્ષો બાદ પહેલી જ વાર યુવાન થઈ ગયેલી તોન્યાને જોઈ અને તોન્યાએ પણ યુવાન ઝિવાગોને જોયો. ઝિવાગોની કાકીએ કહ્યું : “આ બંનેની જોડી કેવી સરસ લાગે છે ?” એ ૧૯૨૩ની સાલ હતી અને ઝિવાગોનું તબીબી શિક્ષણ હવે પૂરું થવામાં હતું.

એ વખતે મોસ્કોમાં એક ભ્રષ્ટ ધારાશાસ્ત્રી વિક્ટર કોમારોવસ્કી રહેતો હતો. એ વખતે રશિયામાં રશિયન ક્રાંતિ અને નાગરિક યુદ્ધ છેડાઈ ગયું હતું. એક બાજુ ઝાર અને બીજી બાજુ માર્ક્સવાદીઓ હતા. વિક્ટર બંને સાથે સંબંધો રાખતો હતો. વિક્ટર કોમારોવસ્કી એક બિઝનેસમેન પણ હતો. એક જમાનામાં તે અને યુરી ઝિવાગોના પિતા ધંધામાં ભાગીદાર હતા, પરંતુ યુરી ઝિવાગો પિતાના અચાનક અવસાન બાદ વિક્ટર કોમારોવસ્કીએ ઝિવાગો પરિવારની બધી જ સંપત્તિ હડપ કરી લીધી હતી. તેના રાજકીય સંબંધો સશક્ત હતા. એ સ્ત્રીઓનો પણ શોખીન હતોે. સંબંધો વિકસાવવાનું અને મિત્રો બનાવવાનું કૌશલ્ય તે જાણતો હતો. વેપારધંધામાં ભ્રષ્ટાચારી વિક્ટર કોમારોવસ્કી ફ્રાન્સથી આવેલી અમાલિયા નામની વિધવા સાથે સંબંધ ધરાવતો હતો. અમાલિયાને સોળ વર્ષની એક સુંદર દીકરી હતી, તેનું નામ લારા. વિક્ટરે લારાને જોઈ તે દિવસથી જ તે તરુણી પર તેની કુદૃષ્ટિ હતી. વિક્ટર કોમારોવસ્કીએ લારાને મોસ્કોની ગર્લ્સ સ્કૂલમાં દાખલ કરાવી દીધી. ધીમેધીમે લારાની યુવાની ખીલી ઊઠી.

સમય જતાં લારા પાશા નામના યુવાન ક્રાંતિકારીના પરિચયમાં આવી. પાશા આદર્શવાદી હતો અને ઝારની રાજાશાહી તથા મૂડીપતિઓનો વિરોધી હતો. તે માર્ક્સવાદ પ્રમાણે ચળવળ ચલાવતો હતો. લારા પાશાની મિત્ર હતી. પાશા લારા સાથે પરણવા માગતો હતો. લારા પાશાની વાગ્દત્તા હતી. એ સમયગાળામાં રશિયાના ઈમ્પીરિયલ શાસક સામે કેટલાક લોકો શાંતિપૂર્ણ દેખાવો કરી રહ્યા હતા. તેમાં પાશા મુખ્ય હતો. પાશા ખુદ લારા સાથે લગ્ન કરી લેવા માગતો હતો. દેખાવો દરમિયાન પોલીસ સાથેની અથડામણમાં તે ઘવાયો અને સીધો લારા પાસે પહોંચી ગયો. તેની પાસે છુપાવેલી એક રિવોલ્વર હતી. પાશાએ એ રિવોલ્વર છુપાવી દેવા માટે લારાને સુપરત કરી.

એક દિવસ વિક્ટર કોમારોવ્સકી લારાની માતાને એક સાંજની પાર્ટીમાં લઈ જવા માગતો હતો. લારાની માતા અમાલિયાની તબિયત સારી ના હોવાથી એણે લારાને પાર્ટીમાં લઈ જવા કહ્યું. લારા પાર્ટીમાં ગઈ. મોસ્કોના શ્રીમંતોની વૈભવી પાર્ટી જોઈ લારા પાર્ટીથી અને વિક્ટર કોમારોવસ્કીથી ભારે પ્રભાવિત થઈ. વિક્ટર કોમારોવસ્કી લારાથી મોટી ઉંમરનો પ્રૌઢ હોવા છતાં લારાને પામવા માગતો હતો. પાર્ટીમાંથી પાછા આવતી વખતે મોસ્કોના રસ્તાઓ પર દોડતી ભવ્ય બગીમાં એણે બળજબરીથી લારાને ચુંબન કર્યું. લારા હજુ નક્કી કરી શકતી નહોતી કે વિક્ટર કેવો માણસ છે. લારા તેની તરફ થોડી આકર્ષાઈ પણ ખરી, પણ તે હજુ તેના તાબે થઈ નહોતી.

એક દિવસ લારાની માતા અમાલિયાને ખબર પડી કે તેનો પ્રેમી વિક્ટર હવે પોતાની દીકરી લારા સાથે પણ સંબંધ ધરાવે છે. એણે ઝેર પી લીધું. એ વખતે વિક્ટરે એક ડોક્ટરને તાબડતોબ બોલાવ્યા. તે ફિઝિશિયનની સાથે તેના સહાયક તરીકે ડો. ઝિવાગોને પણ સાથે લેતા આવ્યા. બંનેએ મળીને લારાની માતાને બચાવી લીધી, પરંતુ ડોક્ટર ઝિવાગોએ વિક્ટર કોમારોવસ્કીની લારા પરની નજર ચૂપચાપ નિહાળી લીધી.

એક દિવસ વિક્ટર કોમારોવસ્કીએ લારાને મોસ્કોની એક ભવ્ય હોટેલમાં રાતના સમયે ઉત્કૃષ્ટ ભોજન માટે નિમંત્રણ આપ્યું. કોમારોવસ્કીએ પહેલાંથી જ એક રૂમ બુક કરાવી રાખ્યો હતો. કોમારોવસ્કીએ વાઈનનો ઓર્ડર આપ્યો. બંને એકબીજાની સામે બેઠા. કોમારોવસ્કીએ લારાને વાઈનનો ગ્લાસ આપ્યો. લારાએ વાઈન પીધો. વિક્ટર કોમારોવસ્કીએ લારાના ભીના હોઠ પર આંગળીઓ ફેરવી, પણ ગમે તે કારણસર તે હવે આગળ વધવા માગતી નહોતી. એને ખબર હતી કે આ માણસને તેની મા સાથે પણ સંબંધ છે. તે ઊભી થઈ ગઈ અને હોટેલના રૂમમાંથી બહાર નીકળવા બારણા પાસે ગઈ. વિક્ટર કોમારોવસ્કીએ તેને પકડી લીધી. લારાની ઇચ્છા વિરુદ્ધ તેણે જબરદસ્તી કરી અને લારા પર બળાત્કાર કર્યો અને લારાને ક્ષતવિક્ષત હાલતમાં છોડીને ચાલ્યો ગયો. લારાને આ ના ગમ્યું. તે અંદરથી અપમાનિત થઈ હતી. તે હવે વિક્ટર કોમારોવસ્કી સાથે બળાત્કારનો બદલો લેવા માગતી હતી. લારા પાશા નામના ક્રાંતિકારી યુવાન સાથે લગ્ન કરવા માગે છે, તે પણ કોમારોવસ્કીને ગમ્યું નહોતું. એક દિવસ લારાએ તેના મિત્ર પાસાએ આપેલી રિવોલ્વર શોધી કાઢી. રાતનો સમય હતો. મોસ્કોમાં ભયંકર ઠંડી હતી. હળવી બરફવર્ષા થઈ રહી હતી. લારા રિવોલ્વર છુપાવીને કોમારોવસ્કીના ઘરે ગઈ. ખબર પડી કે કોમારોવસ્કી ક્રિસમસની પાર્ટીમાં ગયો છે. લારા પાર્ટીના સ્થળે જવા રવાના થઈ. બેન્કવેટ હોલની બહાર તેને તેનો મિત્ર પાશા મળ્યો, પણ લારા સંદિગ્ધ રીતે મૌન રહી અને પાર્ટી હોલમાં ગઈ. અંદર પાર્ટી ચાલતી હતી. પાશાએ આપેલી રિવોલ્વર છુપાવીને લારા એ પાર્ટીમાં પહોંચી ગઈ હતી અને અનેક લોકોની હાજરીમાં લારાએ વિક્ટર કોમારોવસ્કી પર ગોળી છોડી. વિક્ટર કોમારોવસ્કીનો હાથ ઘવાયો. એણે લારા સામે કોઈ પણ પગલું ના ભરવા હાજર સૌ કોઈને જણાવ્યું. એ વખતે ડો. ઝિવાગો અને તેની વાગ્દત્તા તોન્યા પણ પાર્ટીમાં હાજર હતાં. ડોક્ટર ઝિવાગોએ વિક્ટર કોમારોવસ્કીને સારવાર આપી અને પાટો બાંધી આપ્યો. એ જ રીતે લારાને હવે સમજાઈ ગયું હતું કે, વિક્ટર કોમારોવસ્કીએ જ તેની જિંદગી બરબાદ કરી નાખી છે, પરંતુ બીજી બાજુ વિક્ટરે તેની રાજકીય વગનો ઉપયોગ કરી લારા સામે કોઈ કાનૂની કાર્યવાહી થવા ના દીધી.

વિક્ટર કોમારોવસ્કીથી થાકી ગયેલી લારાએ હવે રશિયન ક્રાંતિકારી પાશા સાથે લગ્ન કરી લીધાં. તેનાથી તેને કાત્યા નામની એક દીકરી થઈ. આ તરફ ડોક્ટર ઝિવાગોને ઉછેરનાર તેની પાલક માતાનું મૃત્યુ થયું. તે પછી ડોક્ટર યુરી ઝિવાગોએ તેની પાલક માતાની દીકરી તોન્યા સાથે લગ્ન કરી લીધું.

એ પછી પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું રશિયન સામ્રાજ્યે જર્મની સાથે યુદ્ધ જાહેર કર્યું. લારા સાથે લગ્ન કરનાર પાશા આમ તો એક રેલવે કર્મચારી હતો અને બોલ્શેવિક સિમ્પેથાઈઝર હતો, પણ પાછળતી તે યુરલ્સની એક સ્કૂલમાં શિક્ષક બની ગયો. તે લારાને બહુ જ ચાહતો હતો, પણ તે લારાના પાશમાંથી છૂટવા પણ માગતો હતો. તેણે લારાથી દૂર જવા માટે તે રશિયન ઈમ્પીરિયલ આર્મીમાં જોડાઈ ગયો. કેટલાક સમય બાદ લેફ્. પાશા યુદ્ધ સમયગાળામાં ગુમ થઈ ગયેલો જાહેર કરાયો. હકીકતમાં તે ઓસ્ટો-હેંગેરિયન લશ્કર દ્વારા પકડાઈ ગયો હતો,પરંતુ એક દિવસ તે યુદ્ધના કેદીઓની જેલમાંથી છટકી ગયો અને રશિયાના નવા રેડ આર્મીમાં જોડાઈ ગયો. હવે તેણે પોતાનું નામ બદલી નાખ્યું તે હવે જનરલ સ્ટ્રેલનિર્કાવ તરીકે જાણીતો બન્યો. એ પછી એણે પકડાયેલા અનેક સૈનિકો અને નાગરિકોની પણ હત્યા કરી હતી.

પરંતુ લારા હજુ તેના પતિ પાશાને શોધી રહી હતી. તેને ખબર નહોતી કે તેનો પતિ હવે નામ બદલીને રશિયાની રેડ આર્મીમાં જનરલ બની ચૂક્યો છે. લારાએ પતિને શોધવા માટે જ યુદ્ધમાં ઘવાયેલા લોકો અને સૈનિકોની યુદ્ધ છાવણીમાં નર્સ તરીકે કામ કરવા માંડયું. એ સમયગાળા દરમિયાન ડોક્ટર ઝિવાગો થકી તેની પત્ની તોન્યા પણ એક સંતાનની માતા બની ચૂકી હતી. ઘરમાં તાજું જ બાળક જન્મ્યું હોવા છતાં ડોક્ટર ઝિવાગોને પણ યુદ્ધભૂમિની ફિલ્ડ હોસ્પિટલમાં ઘવાયેલાઓની સારવાર માટે મોકલી દેવામાં આવ્યો. સંજોગવશાત્ લારા પણ આ જ ફિલ્ડ હોસ્પિટલમાં નર્સ બની ઘવાયેલાઓની સારવાર કરતી હતી. બેઉ પોતપોતાના ઘર-પરિવારથી એક જુદા જ વાતાવરણમાં હતા. બંને સાથે મળીને ઘવાયેલાઓની સારવાર કરવા લાગ્યા. છ મહિના સુધી સાથે કામ કરતાં કરતાં ડોક્ટર ઝિવાગો અને લારા એકબીજાને ચાહવા લાગ્યાં. આ સમયગાળા દરમિયાન રશિયામાં ક્રાંતિકારી ફેરફારો થયા. વ્લાડિમીર લેનિન મોસ્કોમાં આવ્યા. આ તરફ યુદ્ધ શાંત થતાં લારા અને ડોક્ટર ઝિવાગોએ હવે પાછા ફરવાનું હતું. ડોક્ટર ઝિવાગો લારાને ચાહતો હોવા છતાં તે તેની પત્ની તોન્યાને પ્રેમ અને જવાબદારીની બાબતમાં કોઈ જ અન્યાય કરવા માગતો નહોતો. લારા કોઈ ગ્રામ્ય વિસ્તારમાં જઈ જીવન બસર કરવા માગતી હતી. તે ચાલી ગઈ, પણ એ ડોક્ટર ઝિવાગો પ્રત્યેના એના પ્રેમને પોતાના હૃદયમાં સંઘરીને ચાલી ગઈ.

ડોક્ટર ઝિવાગો હવે મોસ્કો પાછા ફર્યા. મોસ્કોમાં બધું બદલાઈ ચૂક્યું હતું. ઝાર હવે જેલમાં હતો. લેનિનનું આગમન થઈ ચૂક્યું હતું. સામ્યવાદીઓએ ડોક્ટર ઝિવાગોના કાકાના વિશાળ નિવાસસ્થાનનો કબજો લઈ લીધો હતો. કમ્યુનિસ્ટોની બનેલી કમિટીએ ડોક્ટર ઝિવાગોને કહ્યું : “જ્યાં તેર પરિવાર રહી શકે છે ત્યાં એક જ કેમ ?”

ઝિવાગો, તોન્યા તેના નાનકડા પુત્ર અને તેના કાકાને ઉપરના માળે એક જ રૂમ ફાળવી આપ્યો. બાકીના ખંડનો સામ્યવાદીઓએ કબજો લીધો. એક સામ્યવાદી અધિકારીએ ડોક્ટર ઝિવાગોને કહ્યું : “અત્યારથી જ નોકરી પર લાગી જાવ. નહીંતર રેશનકાર્ડ નહીં મળે. શહેરમાં ખતરનાક ચેપી રોગ ફેલાયો છે.”

ડોક્ટર ઝિવાગોને એક બીમાર દર્દી પાસે લઈ જવાયા. દર્દીને તપાસીને ડોક્ટર ઝિવાગોએ કહ્યું : “એને કોઈ બીમારી નથી, બીમારી તો છે મોસ્કોમાં ભૂખમરાની.”

સામ્યવાદી અધિકારીને ડોક્ટર ઝિવાગોની વાત ના ગમી. એક અધિકારીએ ડોક્ટર ઝિવાગોને કહ્યું કે, “તમે જે કવિતાઓ લખો છો તે પણ સોવિયેત સામ્યવાદી સરકારને પસંદ નથી.”

(વધુ આવતા સોમવારે)
– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

આ તો અમારી માતાની તસવીર છે, તે ક્યાં છે?’

આ તો અમારી માતાની તસવીર છે, તે ક્યાં છે?એનું નામ દુલાલી સહા.

દુલાલી બે પુત્રોની માતા છે, પરંતુ એની જિંદગીની કહાણી મનમોહન દેસાઈની ‘લોસ્ટ એન્ડ ફાઉન્ડ’ ફોર્મ્યુલા પર આધારિત ફિલ્મો જેવી છે.

દુલાલી સહા મૂળ પશ્ચિમ બંગાળના નાડિયા નગરથી ૫૦ કિલોમીટર દૂર આવેલા એક નાનકડા ગામમાં રહેતી હતી. તેને બે પુત્રો છે, જેમાંથી એકનું નામ પ્રણવ. દુલાલીના ગામનું નામ બોહર. દુલાલીના પતિનું અવસાન થઈ ગયું હતું. તે વિધવા હતી, તેના બંને પુત્રો મોટા થઈ ગયા હતા.

સપ્ટેમ્બર, ૨૦૦૭ની વાત છે.

એ દિવસે દુલાલી કોઈ કામસર બસમાં બેસી બહારગામ જવા નીકળી. એ દિવસે સખ્ત ગરમી હતી. બસ ખીચોખીચ ભરાયેલી હતી. ડ્રાઈવર બસને બેફામ ઝડપે હંકારી રહ્યો હતો. એવામાં સામેથી પૂરઝડપે આવતી એક ટ્રક સાથે બસ અથડાઈ ગઈ. અકસ્માત સર્જાયો. કોઈનું મૃત્યુ ના થયું પણ ઉતારુઓ ગંભીર રીતે ઘવાયા. દુલાલીના માથામાં ઈજા થઈ હતી. કપાળમાંથી લોહી વહી રહ્યું હતું. લોકો ચીસાચીસ કરી રહ્યા હતા. ડ્રાઈવર પણ ગંભીર રીતે ઘવાયો હતો.

હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો. અન્ય વાહનચાલકો પણ થંભી ગયા. પોલીસને જાણ કરવામાં આવી. પોલીસ આવી ગઈ. પોલીસે નજીકની હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સ બોલાવી. થોડીવારમાં એમ્બ્યુલન્સ પણ આવી ગઈ. ઘવાયેલા લોહીલુહાણ ઉતારુઓને નાડિયાની શક્તિનગર હોસ્પિટલમાં દાખલ  કરવામાં આવ્યા. દુલાલી સહાને પણ બેભાન હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. બધાને સારવાર આપવામાં આવી. સદ્ભાગ્યે બધા જ બચી ગયા.

દુલાલી સહા હજુ બેભાન હતી. છેક ત્રણ દિવસ પછી એણે આંખો ખોલી. ડોક્ટરોને ભય હતો કે દુલાલીના માથામાં થયેલા ઘાના કારણે કાયમ માટે કોમામાં જતી રહેશે પણ હવે તે ભાનમાં હતી. દુલાલી સહા ભાનમાં આવતા ડોક્ટરા તથા હોસ્પિટલના સ્ટાફે હાશ અનુભવી.

ડોક્ટરે પૂછયું: ”તમારું નામ શું છે?”
દુલાલી તેનો જવાબ આપી શકી નહીં.
”તમે કયા ગામથી આવો છો?
એ પ્રશ્નનો પણ તે જવાબ આપી શકી નહીં.
”તમારા સગાંસંબંધીઓ ક્યાં રહે છે?”

એ પ્રશ્નનો પણ તે જવાબ આપી શકી નહીં.

ડોક્ટરોને ખ્યાલ આવી ગયો કે માથામાં થયેલા ઘાના કારણે આ મહિલા તેની યાદદાસ્ત ગૂમાવી ચૂકી છે. પોલીસે પણ તેની ઘણી પૂછપરછ કરી પરંતુ દુલાલી કોઈ જવાબ આપી શકી નહીં. દુલાલી પાસે એક થેલી હતી પરંતુ તેમાં તેનું કોઈ આઈડેન્ટિટી કાર્ડ કે એવું બીજું કાંઈ જ નહોતું. તે ક્યાંથી આવતી હતી તેની કોઈને ખબર નહોતી.

થોડા દિવસો બાદ દુલાલીના માથા પરના ઘા રુઝાઈ ગયો, પરંતુ તેની યાદદાસ્ત પાછી આવી નહીં. જો કે ડોક્ટરોને એવી આશા હતી કે એક દિવસ તો આ મહિલાની સ્મૃતિ પાછી આવશે જ. ડોક્ટરો અને પોલીસ માટે એક કોયડો હતો કે આ મહિલાને રાખવી ક્યાં?

તે શારીરિક રીતે સ્વસ્થ થઈ ગઈ હતી, પરંતુ યાદદાસ્ત જતી રહી હોવાથી તેને માનસિક દર્દી સમજીને હોસ્પિટલના માનસિક વોર્ડમાં દાખલ કરવામાં આવી. ડોક્ટરોએ તેને જરૂરી દવાઓ આપતા રહ્યા. તેનું કાઉન્સેલિંગ પણ થતું રહ્યું. સમય વીતતો રહ્યો. એક પછી એક વર્ષો વીતતા ગયા. એમ કરતાં કરતાં આઠ વર્ષ વીતી ગયા પરંતુ દુલાલીને તેની યાદદાસ્ત પાછી ના આવી. હા, એક દિવસ તે બોલીઃ ”મારું નામ દુલાલી સહા છે?”

ડોક્ટરો ખુશ થઈ ગયા. તેમને હવે આશા બેઠી કે આ મહિલાની યાદદાસ્ત કદાચ પાછી આવી શકે છે. દુલાલી સહાને માત્ર તેનું નામ જ યાદ આવ્યું. બીજું કાંઈ નહીં.

આ વાતને કેટલોક સમય વીત્યો.

ફરી એકવાર દુલાલી બોલીઃ ‘હું બર્ડવાન પાસેના બોહર ગામની વતની છું. ગામમાં મારા બે દીકરા રહે છે?

ડોક્ટરો ફરી ખુશ થઈ ગયા.

દુલાલી સહાએ પોતાના બંને પુત્રોના નામ પણ આપ્યા. એ નામોના આધારે હોસ્પિટલના વડાએ દુલાલીના મોટા પુત્ર પ્રણબ સહાના નામે દુલાલીએ વર્ણવેલા ગામ- સરનામા પ્રમાણે એક પત્ર લખ્યો. તેમાં જણાવવામાં આવ્યું કે દુલાલી સહા નામની એક મહિલા અમારી હોસ્પિટલમાં છે. જો તમે તેના પુત્રો હોય તો હોસ્પિટલમાં આવીને તમારી માતાને લઈ જાવ!

પરંતુ એ પત્રનો કોઈ જવાબ આવ્યો નહીં.

આ વાતને એક મહિનો વીતી ગયો. કેટલાક સમય બાદ માનવ કલ્યાણ સંસ્થા નામની એક સ્વૈચ્છિક સંસ્થાના કેટલાક કાર્યકરો હોસ્પિટલના દર્દીઓને મદદરૂપ થવા આવ્યા. દર્દીઓની મુલાકાત લેતાં તેઓ દુલાલી સહા પાસે આવ્યા. દુલાલી સહાની જતી રહેલી યાદદાસ્ત પાછી આવી અને છતાં યે તે તેનાં બે યુવાન પુત્રોથી દૂર છે તે જાણી તેમને અનુકંપા થઈ. આ સંસ્થાના કાર્યકરો તો દર્દીઓને વસ્ત્રો અને ભોજન આપવા ગયા હતા. દુલાલી સહાએ બે હાથ જોડી એમને કહ્યું: ”હું મારા બે પુત્રોથી વિખૂટી પડી ગઈ છું. મને મારા દીકરાઓ સાથે મિલન કરાવી આપો”

માનવ કલ્યાણ સંસ્થાના અગ્રણી દેબદુલાલ વિશ્વાસે તે મહિલાની તસવીર લીધી. દુલાલી સહા પાસેથી એના પુત્રોના નામ અને ગામનંુ સરનામું લીધું. એ માહિતીના આધારે તેઓ દુલાલીએ આપેલા સરનામાવાળા ગામ ગયા. તેઓ બોહર ગામ પહોંચ્યા. ગામમાં જઈ દુલાલીના પુત્રો પ્રણવ સહા અને તેમનો ભાઈ માનબ ક્યાં રહે છે તે પૂછયું. લોકોએ પ્રણબ અને માનબનું ઘર બતાવ્યું. માનવ કલ્યાણ સંસ્થાના કાર્યકરોએ પ્રણવ અને માનવને દુલાલી સહાની તસવીર દર્શાવી. તેઓ બોલી ઊઠયા : ”આ તો અમારી મમ્મીની તસવીર છે, તે ક્યાં છે? અમારી મા આઠ વર્ષથી ગુમ છે અમે તેને શોધીએ છીએ ?

માનવ કલ્યાણ સંસ્થાના કાર્યકરોએ કહ્યું: ”આ તસવીરમાં મહિલા જો તમારી મા હોય તો તે નાડિયાના ક્રિશ્નનગરમાં આવેલી શક્તિનગર હોસ્પિટલમાં છે.”

પુત્રોના ચહેરા પર ચમક આવી ગઈ. તેઓ બધા જ તાબડતોબ શક્તિનગર હોસ્પિટલ પહોંચ્યા. પ્રણવ અને માનવે માને ઓળખી કાઢી. માએ બંને પુત્રોને ઓળખી કાઢયા. માએ બંને દીકરાઓ પોતાના સાનિધ્યમાં લઈ લીધા. માની આંખોમાં આંસુ હતા. પુત્રોની આંખમાં પણ આંસુ હતા. હોસ્પિટલના સ્ટાફની આંખમાં પણ આંસુ હતા. અત્યંત હૃદયગમ દૃશ્ય હતું. એે હોસ્પિટલના સ્ટાફ માટે દુલાલી સહા એક પરિવારના સભ્ય જેવી બની ગઈ હતી. આજે તે હોસ્પિટલમાંથી વિદાય લઈ રહી હતી. માનવ કલ્યાણ સંસ્થાના વડાએ દુલાલી સહાના પુત્રોને પૂછયું: ”હોસ્પિટલના વડાએ મહિના અગાઉ તમને એક પત્ર લખ્યો હતો. તેનો કોઈ જવાબ કેમ ના આપ્યો?”

પ્રણબે કહ્યું: ”હજુ સુધી અમને એવો કોઈ પત્ર મળ્યો જ નથી!”
ખેર!

પત્ર ભલે ના મળ્યો પણ દીકરાઓને મા મળી ગઈ અને માને તેના પુત્રો, આશ્ચર્યની વાત એ હતી કે, દુલાલી સહાના બે પુત્રો જે ગામમાં રહેતા હતા તે ગામ અને દુલાલી જ્યાં સારવાર લેતી હતી તે હોસ્પિટલ વચ્ચે માત્ર ૫૦ કિલોમીટરનું અંતર હતું. માતા અને પુત્રો વચ્ચેના ૫૦ કિલોમીટર દૂર રહેલા મિલનનો ફાંસલો કાપતા આઠ વર્ષ લાગ્યા. ખેર! જેનો અંત સારો એનું બધું જ સારું. માતા-પુત્રોના આ સુખદ મિલનના આનંદમાં આપણે પણ સહભાગી બનીએ. આપણે તેમનું શેષજીવન સુખમય રહે તેવી શુભેચ્છા પાઠવીએ. (તસવીર અને સ્ત્રોત : સૌજન્ય ‘ધી ટેલિગ્રાફ’)

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

જે રસ્તે મા ગઈ હતી તે જ રસ્તે હવે દીકરી પણ ગઈ !

જે રસ્તે મા ગઈ હતી તે જ રસ્તે હવે દીકરી પણ ગઈશિવાની હવે ૨૦ વર્ષની થઈ ગઈ હતી. તે શિવમ ત્રિપાઠી નામના યુવાનને ચાહતી હતી. પિતાનો સખ્ત વિરોધ હતો પણ શિવાની શિવમ ત્રિપાઠી સાથે છેવટે ભાગીને લગ્ન કરવા માગતી હતી.

શિવાની કોણ હતી?

દરઅસલ તે પોસ્ટ વિભાગમાં કામ કરતા મનોહર ખન્નાની દીકરી હતી. મનોહર પોસ્ટમેન હતો. તેના લગ્ન મંજુ નામની યુવતી સાથે થયા હતા. મંજુ ચંચળ હતી. મનોહર સાંજે ઘેર આવતો અને રોજ રાત્રે મિત્રો સાથે ઘરમાં જ મહેફિલ જમાવતો. એને શરાબની લત હતી. તેના મિત્રોમાં એક નારાયણ પણ હતો. પાર્ટી પતી ગયા પછી પણ તે ઘરમાં બેસી રહેતો અને મનોહરની પત્ની સાથે મોડી રાત સુધી વાતો કર્યા કરતો.

એક દિવસ તબિયત બગડતા મનોહર રજા મૂકી અચાનક બપોરના સમયે ઘેર આવી ગયો. બારણું બંધ હતું. મનોહરે ડોર બેલનું બટન દબાવ્યું. એણે જોયું તો પત્ની મંજુ અને નારાયણ ઘરમાં એકલાં જ હતા. તેમના વસ્ત્રો પણ અસ્તવ્યસ્ત હતા. મનોહર સમજી ગયો. એણે નારાયણને ગાળો બોલી ઘરમાંથી ભગાડી મૂક્યો અને પત્ની મંજુને તમાચો ફટકારી દીધો. મનોહરને હતું કે, થોડા દિવસોમાં મંજુ સુધરી જશે. પણ તેમ થયું નહીં. મંજુ બે બાળકોની માતા બની ચૂકી હતી. એક પુત્રીનું નામ શિવાની અને પુત્રનું નામ શુભમ.

એક વાર પકડાઈ ગયા બાદ પણ મંજુ ખાનગીમાં નારાયણને બહાર મળતી રહી. એક દિવસ તે પતિ તથા બંને બાળકોને મૂકીને નારાયણ સાથે ભાગી ગઈ. મનોહરે પણ આવી બદચલન પત્નીને શોધવા કોઈ કોશિશ ના કરી. ઊલટું એણે ચારિત્ર્યહીન પત્નીથી છુટકારો પામ્યાની હાશ અનુભવી. મનોહર હવે તેની બદલી કરાવીને બરેલી પાસે આવેલા તેના ગામ જતો રહ્યો. એ વખતે શિવાની પાંચ વર્ષની અને શુભમ પણ ત્રણ વર્ષનો હતો. તે હવે ગામમાં જ રહેવા લાગ્યો. શિવાની અને શુભમે પિતાને પૂછયું:”પપ્પા, મમ્મી ક્યાં છે?”

મનોહરે કહ્યું: ”એક અકસ્માતમાં મમ્મી મૃત્યુ પામી છે.’

હકીકતમાં મનોહર તેના બાળકોને એ કહેવા માંગતો નહોતો કે તેમની મા બદચલન હતી.

મનોહર બે બાળકો સાથે એક નાના ઘરમાં રહેતો હતો. આખો દિવસ નોકરી કરી સાંજે ઘેર પહોંચતો, બાળકોએ કેટલું વાંચ્યું તે અંગે પૂછપરછ કરતો. તે બાળકો પર પૂરતું ધ્યાન આપતો હતો, પરંતુ શિવાનીને ભણવામાં બહુ રસ નહોતો. આખો દિવસ મોબાઈલ લઈને બેસી રહેતી. ટી.વી. જોયા કરતી. પિતાએ તેને સખ્ત ઠપકો આપ્યો, પરંતુ તેણે ભણવામાં રસ લીધો નહીં. જેમ જેમ તે મોટી થઈ ગઈ તેમ તેને વધુ બિનધાસ્ત થતી રહી. જે ઘરમાં મા ના હોય ત્યાં દીકરી પર નિયંત્રણો રહેતાં નથી.

શિવાની હવે યુવાનીના ઉંબરે ઊભી હતી. એક દિવસ તે ઘેર ડીવીડી પર કોઈ ફિલ્મ જોવા બજારમાં ડીવીડીની દુકાને ગઈ. એ દુકાન શિવમ ત્રિપાઠી નામનો એક યુવક ચલાવતો હતો. તેના પિતા પોલીસ કોન્સ્ટેબલ હતા. શિવમ ત્રિપાઠીને પહેલી નજરે જ શિવાની ગમી ગઈ. શિવમે કહ્યું: ”હાલ તો તમારે જે સીડી જોઈએ છે તે હાલ મારી પાસે નથી. હું સાંજે તમારા ઘેર આપી જઈશ. તમારું સરનામું આપો.”

શિવાનીને શિવમનું સ્મિત ગમ્યું. એણે પોતાનું સરનામું આપ્યું. એ સાંજે જ શિવમ બજારમાંથી શિવાનીને જોઈતી સીડી લઈ એના ઘેર પહોંચ્યો. શિવાનીએ તેને ચા પીવરાવી. તે પછી શિવમ ચાલ્યો ગયો. એ પછી તેઓ નિયમિત મળતા રહ્યા. ખૂબ વાતો કરતાં સમય જતાં બેઉ એકબીજાના પ્રેમમાં પડી ગયા. શિવાની અઢાર વર્ષની થઈ ગઈ હતી. હવે તેણે ભણવાનું પણ છોડી દીધું હતું. પિતા અને ભાઈ ઘરમાં ન હોય ત્યારે શિવાની તેના મિત્ર શિવમ ત્રિપાઠીને ઘેર બોલાવી લેતી. ફરી એક વાર તેના પિતા મનોહર અચાનક બપોરના સમયે ઘેર આવી ગયા. ઘરનું બારણું બંધ હતું. તેમણે દરવાજો ખટખટાવ્યો. શિવાનીએ બારણું ખોલ્યું. એમણે જોયું તો પુત્રી શિવાની કોઈ અજાણ્યા યુવક સાથે ઘરનું બારણું બંધ કરીને અંદર સંદેહપૂર્ણ હાલતમાં હતી. મનોહર આ રીતે જ તેની પત્ની મંજુને ગુમાવી ચૂક્યો હતો. હવે તે એજ રીતે પુત્રી ગુમાવવા માંગતો નહોતો.

મનોહરે સખ્તાઈથી શિવાનીને પૂછપરછ કરીઃ ‘આ છોકરો કોણ છે?’
શિવાની જુઠું બોલીઃ ‘ભાઈ શુભમનો મિત્ર છે. તે શુભમને મળવા આવ્યો હતો.’

મનોહરે શંકાનો લાભ આપી શિવમ ત્રિપાઠીને જવા દીધો. સાંજે પુત્ર શુભમ ઘેર આવ્યો અને પિતાએ તેને તેના મિત્ર શિવમ ત્રિપાઠી વિશે પૂછપરછ કરી તો શુભમે કહ્યું: ‘મારે શિવમ ત્રિપાઠી નામનો કોઈ દોસ્ત જ નથી!’ પિતાને ખબર પડી ગઈ કે કાંઈક ગરબડ છે. પુત્રી શિવાની જૂઠું બોલી હતી તે વાતની તેમને સમજણ પડી ગઈ. તેમણે શિવાનીને એેક તમાચો ફટકારી દીધો. શિવાની બીજા રૂમમાં ચાલી ગઈ. આ ઘટના બાદ મનોહરે વિચાર્યું કે શિવાનીને હવે જલ્દી પરણાવી દેવી જોઈએ. એમ કરતાં કરતાં બીજું એક વર્ષ વીતી ગયું. સમય વહેતો ગયો તેમ તેમ શિવાની અને શિવમ બેખોફથી એકબીજાને મળતા રહ્યા. હવે તે વધુ આઝાદ વિચારોની થતી ગઈ. મનોહર તો આખો દિવસ નોકરી કરી ઘેર આવતો અને રાત્રે દારૂ- પી- જમી સૂઈ જતો. બીજી તરફ શિવાની અને શિવમ ત્રિપાઠી બહારની હોટલમાં મળતા. આ વાતની પણ ખબર પડી જતાં મનોહરે ફરી એક વાર લાફો ઝીંકી દીધો પણ શિવાની હવે બળવાના મૂડમાં હતી. એણે કહ્યું: ‘હું શિવમ સાથે લગ્ન કરવા માંગુ છું!’

મનોહરે કહ્યું: ‘મેં તપાસ કરી છે. તે એક રખડેલ છોકરો છે. હવે તે અહીં આવશે તો હું તેને મારી નાખીશ!’

શિવાની ડરી ગઈ.

હવે મનોહર અને શુભમ બહાર જાય તો શિવાનીને ઘરમાં પૂરી બહારથી તાળું મારીને જતા. શિવાની હવે ઘરમાં કેદ થઈ ગઈ. અલબત્ત, તે મોબાઈલથી શિવમ ત્રિપાઠીના સંપર્કમાં રહેવા લાગી. એણે કહી દીધું: ‘શિવમ હું મારા પપ્પા સાથે એક દિવસ પણ રહેવા માંગતી નથી. તું મને અહીંથી લઈ જા!’

શિવાનીને ઘરમાં જ કેદ કરવામાં આવી હોવાથી તેને હવે તેના પિતા માટેની નફરત આસમાને હતી. એક દિવસ મનોહરે વિચાર્યું કે ઘર બદલી નાંખીએ તો આ છોકરી પેલા રખડેલ છોકરાથી દૂર રહેશે. શિવાનીને ખબર પડી કે પિતા ઘર બદલવાની તજવીજ કરી રહ્યા છે એટલે શિવાનીએ કહ્યું: ‘પપ્પા, તમે આ ઘર બદલી નહીં શકો.’

‘કેમ?’
‘બસ એમ જ. હું બીજા ઘરમાં નહીં આવું.’

પુત્રીની આ વાત સાંભળી પિતાએ ફરી તેને ફટકારી. શિવાની ઠંડા કલેજે બોલીઃ ‘પપ્પા, મને લાગે છે કે હવે તમને તમારી જિંદગી વહાલી નથી?

મનોહર કાંઈ સમજી શક્યો નહીં.
શિવાની બીજા રૂમમાં જતી રહી.

આ વાતને થોડા દિવસો વીત્યા. એક દિવસ સાંજે મનોહર ડયૂટી બજાવીને સાંજે ઘેર આવ્યો. રોજની જેમ આજે પણ એેણે દારૂ પીધો એણે પુત્રી શિવાની સાથે થોડી વાતો કરી. શિવાની હવે પિતા સાથે નમ્રતાથી વાતો કરતી હતી. શિવાની અંદરના રૂમમાં ગઈ. એણે ટીવીનો અવાજ એકદમ વધારી દીધો હતો. એણે મોબાઈલ ફોન પરથી એક મેસેજ મોકલ્યો. અગાઉની યોજના મુજબ બહાર અંધારામાં ઊભેલા શિવાનીનો પ્રેમી શિવમ ત્રિપાઠી અંદર આવ્યો. તેના હાથમાં લોખંડનો રોડ હતો. મનોહર કાંઈ વિચારે તે પહેલાં શિવમે શિવાનીના પિતા મનોહરના માથામાં લોખંડનો રોડ ફટકાર્યો. શિવાની પ્રેમમાં આંધળી થઈ ગઈ હતી. તે પણ પિતા પર તૂટી પડી. મનોહર લોહી લુહાણ થઈ ગયો. તે જીવ બચાવવા ચીસો પાડવા લાગ્યો. ટીવીનો અવાજ તેજ હતો. છતાં એની ચીસો સાંભળી બહારથી કેટલાક લોકો દોડી આવ્યા. અવાજ સાંભળી શિવાનીનો ભાઈ શુભમ બીજા રૂમમાંથી દોડી આવ્યો. શિવમે શુભમના માથા પર પણ લોખંડનો રોડ ફટકારી દીધો. લોકો ગભરાઈ ગયા, આ દરમિયાન શિવાની એક બેગ ઉઠાવી શિવમ સાથે ભાગી ગઈ. અલબત્ત હાલ તો શિવાનીના પિતા મનોહરને બચાવવો તે મહત્ત્વનું હતું. લોકોએ પોલીસને જાણ કરી. એમ્બ્યુલન્સ આવી. મનોહરે હોસ્પિટલમાં જ દમ તોડી દીધો.

થોડા દિવસ બાદ શિવાની અને શિવમ ત્રિપાઠી પકડાઈ ગયા. પિતાની હત્યા માટે શિવાની અને તેના પ્રેમીની ધરપકડ કરવામાં આવી.

પણ આ કહાણીમાં ટ્વિસ્ટ તો ત્યારે આવ્યો જ્યારે તેમના જામીન થવા મંજુ નામની એક મહિલા આવી. મંજુ એટલે બીજું કોઈ નહીં પરંતુ શિવાની અને શુભમની મમ્મી, જેના નારાયણ સાથેના અનૈતિક સંબંધો હતા અને પ્રેમી સાથે ૨૦ વર્ષ પહેલાં ભાગી ગઈ હતી. શિવાની અને શુભમ એમ માનતા હતા કે તેમની મા મૃત્યુ પામી છે, પણ આજે તે શિવાનીની જમાનત માટે આવી હતી. મનોહરે જે કલંકને પોતાના બાળકોથી છુપાવ્યું હતું તે તેના મોત બાદ બાળકોની સામે આવી ગયું.

જે રસ્તે મા ગઈ હતી, તે રસ્તે જ તેની દીકરી પણ ગઈ.
– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

ગણિતમાં હું કાચો છું, કદી મેનેજમેન્ટ ભણ્યો નથી છતાં

ગણિતમાં હું કાચો છું, કદી મેનેજમેન્ટ ભણ્યો નથી છતાંએમનું નામ છે જેક મા.

તેઓ થોડા જ વખતમાં વિશ્વભરમાં જાણીતી બની ગયેલી અલીબાબા કંપનીના સંસ્થાપક છે. થોડાક જ સમયમાં તેઓ બેસુમાર દોલત કમાયા છે.

તેઓ ચીનમાં જન્મેલા છે. ચીનના હાંગઝુ વિસ્તારમાં જેક માનું બચપણ વીત્યું હતું. એ મુશ્કેલીઓ ભરેલા દિવસો હતા. તેમના પરિવારમાં એક નાની બહેન અને મોટાભાઈ હતા. પરિવાર આર્થિક સંકટોમાં ઘેરાયેલું હતું. એ કારણે તેમને મર્યાદિત સુવિધાઓ અને સાધનો વચ્ચે જ જીવન જીવતાં શીખવ્યું.

સ્કૂલમાં ભણવામાં તેઓ એક સરેરાશ વિદ્યાર્થી હતા. ગણિત અને વિજ્ઞાાનમાં તો જેકને સમજ જ પડતી નહોતી. ૧૩ વર્ષની વયે જેકને એક વાતની સમજ પડી ગઈ કે અંગ્રેજી ભાષા શીખવી અત્યંત જરૂરી છે. એકવાર અંગ્રેજી ભાષા આવડી જાય તો બેડો પાર થઈ જાય. મુશ્કેલી એ હતી કે એમની આસપાસ અંગ્રેજી શીખવનાર કોઈ નહોતું. અંગ્રેજી શીખવા તેમણે એક યુક્તિ શોધી કાઢી. રોજ સવારે વહેલાં ઊઠીને સવારના પાંચ વાગ્યા સુધીમાં તો જેક તેમના શહેરની એક પાંચ સિતારા હોટેલની સામે પહોંચી જવા લાગ્યા. આ હોટેલમાં વિદેશી પર્યટકો ઊતરતા હતા. તેમણે વિદેશી સહેલાણીઓ સાથે હળવા- મળવાનું ચાલુ કર્યું. તેમની સાથે વાતો કરીને અંગ્રેજી શીખી લેવાનું શરૂ કર્યું. તેઓ ગાઈડ બનીને વિદેશી પ્રવાસીઓને શહેર બતાવવા લાગ્યા. તેમની સાથે અંગ્રેજીમાં વાતો કરવાની કોશિશ કરવા લાગ્યા. પરિણામ એ આવ્યું કે કેટલાક દિવસોમાં તેઓ વિદેશી શૈલીથી અંગ્રેજી બોલવા લાગ્યા. મજાની વાત એ હતી કે એમ કરવાના લીધે તેમને પોકેટ મની પણ મળી જતા. આ ઉપરાંત તેમણે પશ્ચિમી દેશોના લોકોની રીતભાત પણ શીખી લીધી.

શાળાના દિવસોમાં તેઓ તેમના સહાધ્યાયીઓ સાથે આક્રમક રહેતા. સ્કૂલમાં તેઓે તેમના વિરોધીઓથી કદી ડરતા નહીં. તેમનાથી વધુ મજબૂત અને સશક્ત વિદ્યાર્થીઓ સાથે પણ તેઓ સંઘર્ષમાં ઊતરતા.

કોલેજની પ્રવેશ પરીક્ષામાં તેઓ બે વાર નાપાસ થયા. ત્રીજા પ્રયત્નમાં જેકને હાંગઝ ટીચર્સ યુનિવર્સિટીમાં પ્રવેશ મળ્યો. ૧૯૮૮માં તેઓ ગ્રેજ્યુએટ થયા. એ પછી તેમણે નોકરીની શોધ શરૂ કરી. ૧૨ જેટલી કંપનીઓમાં નોેકરી માટે વારાફરતી અરજીઓ કરી. બધે જ નિષ્ફળતા મળી. ખૂબ પ્રયાસ બાદ છેવટે એક સ્કૂલમાં અંગ્રેજીના શિક્ષક તરીકે નોકરી મળી. બાળકો સાથે તેમને ખૂબ ફાવતું,પરંતુ તેમના દિલમાં કાંઈક કરી બતાવવાની ઈચ્છા હતી. તેઓ શિક્ષક તરીકેની નોકરી બહુ લાંબા સમય માટે કરી શક્યા નહીં.

શિક્ષક તરીકેની નોકરી છોડી દીધા બાદ તેમણે અનુવાદની કંપની બનાવી. ૧૯૯૪માં તેઓ પોતાના ધંધાના કામે અમેરિકા ગયા. અહીં પહેલી જ વાર તેમને ઈન્ટરનેટ વિશે માહિતી મળી. ઈન્ટરનેટની દુનિયા તેમને ચમત્કારિક લાગી. અમેરિકન લોકો તેમના ઘરોમાં બેસીને એકબીજાનો સંપર્ક કરતા હતા. તેમણે જોયું તો અમેરિકનો શોપિંગ અને ભણવાનું કામ પણ ઈન્ટરનેટના માધ્યમથી કરતા હતા. જેક માટે આ એક મોટું આશ્ચર્ય હતું. એ સમયગાળા દરમિયાન ચીનમાં ઈન્ટરનેટ અંગે કોઈ ખાસ જાગૃતિ નહોતી. જેકને ઈન્ટરનેટમાં રસ પડયો. તેમણે ઈન્ટરનેટનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખી લીધું. તેઓ એક મજબૂત ઈરાદા સાથે ચીન પાછા આવ્યા.

ચીન પહોંચતા જ તેમણે ઈન્ટરનેટ પર ‘ચાઈના પેજ’ લોંચ કર્યું. એ ચીનની પહેલી ઓનલાઈન ડિરેક્ટરી હતી. ચીનમાં તેની ખૂબ ચર્ચા થઈ. એમાં સફળતા મળવાના કારણે જેક ચીનમાં ‘મિસ્ટર ઈન્ટરનેટ’ના નામ જાણીતા બની ગયા, પરંતુ મુશ્કેલીઓની શરૂઆત હજુ તો હવે થવાની હતી.   એ દિવસોમાં ચીનમાં બહુ ઓછા લોકોના ઘરોમાં કંમ્પ્યુટર્સ હતા. એ કારણે ‘ચાઈના પેજ’ બધા જ લોકો સુધી પહોંચવામાં મુશ્કેલી હતી. પરિણામે ‘ચાઈના પેજ’ બંધ કરવું પડયું.

જેક નિરાશ થઈ ગયા.

જીવન નિર્વાહ ચલાવવા માટે ચીનના વાણિજ્ય મંત્રાલયમાં નોકરી કરવા લાગ્યા, પણ એ નોકરીમાં તેમનું મન લાગ્યું નહીં. થોડા દિવસો બાદ તેમણે કેટલાક મિત્રોને ઘેર બોલાવ્યા. એમની સંખ્યા ૧૭ જેટલી હતી. તેમની સામે ઓનલાઈન ખરીદી માટે એક કંપની બનાવવાનો વિચાર રજૂ કર્યો. આઈડિયા ગજબનો હતો. મિત્રોને પસંદ આવ્યો. મિત્રો જેકની ઓનલાઈન ખરીદી માટેની કંપનીમાં પૈસા રોકવા રાજી થઈ ગયા. કંપનીને ‘અલીબાબા’ એવું નામ આપવામાં આવ્યું. એક નાનકડા ઓરડામાં કંપની શરૂ કરવામાં આવી. જેકએ એક વેબસાઈટ શરૂ કરી. આ વેબસાઈટ દ્વારા કંપનીના સામાનને ગ્રાહકો સમક્ષ પેશ કરવામાં આવ્યો. તેમણે એક વાતનું ખાસ ધ્યાન રાખ્યું કે, ગ્રાહકો ને લોકો સુરક્ષિત અને સસ્તી ચીજવસ્તુઓ ખરીદી શકે.

શરૂઆત શાનદાર રહી. ધંધો વધારવા ફરી વધુ મૂડીની જરૂર પડી. જેકએ એક જાપાનની સોફટવેર કંપની સોફટ બેંક દ્વારા ધિરાણ મેળવવામાં સફળ રહ્યા. એ બેંકે ‘અલીબાબા’ કંપનીને લોન આપી. ‘અલીબાબા’ કંપનીમાં મૂડી રોકાણ કરનાર એક નિવેશક વુ ચિંગ કહે છેઃ ‘એક જૂનું જેકેટ અને હાથમાં કાગળ લઈને જેક અમારી પાસે આવ્યા હતા. માત્ર છ જ મિનિટમાં તેમણે અમારામાં વિશ્વાસ જગાડયો કે અમે બધાએ તેમના બે કરોડ ડોલરની લોન આપવા તૈયાર થઈ ગયા.

ધંધો કરવા માટે માત્ર લોકોનો વિશ્વાસ જ જીતવો પૂરતો નથી. ચીનમાં સૌથી મોટી મુશ્કેલી સરકારને પણ વિશ્વાસમાં લેવી. જેક ચીનના નેતાઓને મળ્યા અને તેમને ખાતરી આપી કે તેમની કંપની કોઈ પણ રાજકીય પાર્ટી કે સરકારની વિરુદ્ધ નથી. ચીનની સરકારને પણ જેકની વાતમાં ભરોસો બેઠો.

કંપનીએ પૂરજોશમાં કામ શરૂ કર્યું. ધંધો વધવા લાગ્યો. આ બધામાં રસપ્રદ વાત એ હતી કે અબજોનો ધંધો શરૂ કરનાર જેક માએ કદીયે મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો નહોતો. એ જ રીતે તેમણે કદીયે કોઈ ધંધાની તાલીમ લીધી નહોતી. આમ છતાં તેમણે તેમની કંપનીનું મેનેજમેન્ટ કુશળતાથી નિભાવ્યું. એ તેમની કોઠાસૂઝ હતી.

જેક કહે છેઃ ‘હું ગણિતમાં કાચો છું, મેં મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો નથી. મને એકાઉન્ટસના રિપોર્ટ જરા પણ સમજમાં આવતા નથી. પણ કંપની ચલાવતા શીખી ગયો.’

જોતજોતામાં ‘અલીબાબા’ કંપની આગળ નીકળી ગઈ અને જેક મા એશિયાના બીજા નંબરના ધનવાન બિઝનેસમેન બની ગયા. ચીનની સોશિયલ નેટવર્કિંગ સાઈટ ‘વિબો’ પર તેમને ૧.૫ કરોડથી વધુ ફોલોઅર છે. આજે ‘અલીબાબા’ દુનિયાના ઈ-કોમર્સ બજારની મોટી કંપનીઓ પૈકીની એક ગણાય છે.

‘અલીબાબા’ કંપનીના સંસ્થાપક જેક મા ચીનના સૌથી ધનવાન વ્યક્તિ તરીકે જાહેર થયા છે. આ ઘોષણા બાદ જેક માએ કહ્યું કે, ‘મેં તો કાંઈ કરી બતાવવા માટે કંપની બનાવી હતી, પણ દોલત કમાયા બાદ જ મને માલૂમ પડયું કે અમીર બન્યા પછી જીવવું કેટલું મુશ્કેલ છે, જ્યારે તમે શ્રીમંત બની જાવ છો ત્યારે લોકો તમારી સાથે માત્ર પૈસા માટે જોડાય છે. આ બરાબર નથી. હું ઈચ્છું છું કે, લોકો મને એક ઉદ્યમીના રૂપમાં ઓળખે, એક દૌલતમંદ વ્યક્તિના રૂપમાં નહીં?’

ગણિત કાચું હોય તો ચિંતા કરશો નહીં તમે પણ એક દિવસ જેક માની જેમ પૈસાદાર બની શકો છો.

– દેવેન્દ્ર પટેલ

Page 7 of 43

Powered by WordPress & Theme by Anders Norén