આ તો અમારી માતાની તસવીર છે, તે ક્યાં છે?એનું નામ દુલાલી સહા.

દુલાલી બે પુત્રોની માતા છે, પરંતુ એની જિંદગીની કહાણી મનમોહન દેસાઈની ‘લોસ્ટ એન્ડ ફાઉન્ડ’ ફોર્મ્યુલા પર આધારિત ફિલ્મો જેવી છે.

દુલાલી સહા મૂળ પશ્ચિમ બંગાળના નાડિયા નગરથી ૫૦ કિલોમીટર દૂર આવેલા એક નાનકડા ગામમાં રહેતી હતી. તેને બે પુત્રો છે, જેમાંથી એકનું નામ પ્રણવ. દુલાલીના ગામનું નામ બોહર. દુલાલીના પતિનું અવસાન થઈ ગયું હતું. તે વિધવા હતી, તેના બંને પુત્રો મોટા થઈ ગયા હતા.

સપ્ટેમ્બર, ૨૦૦૭ની વાત છે.

એ દિવસે દુલાલી કોઈ કામસર બસમાં બેસી બહારગામ જવા નીકળી. એ દિવસે સખ્ત ગરમી હતી. બસ ખીચોખીચ ભરાયેલી હતી. ડ્રાઈવર બસને બેફામ ઝડપે હંકારી રહ્યો હતો. એવામાં સામેથી પૂરઝડપે આવતી એક ટ્રક સાથે બસ અથડાઈ ગઈ. અકસ્માત સર્જાયો. કોઈનું મૃત્યુ ના થયું પણ ઉતારુઓ ગંભીર રીતે ઘવાયા. દુલાલીના માથામાં ઈજા થઈ હતી. કપાળમાંથી લોહી વહી રહ્યું હતું. લોકો ચીસાચીસ કરી રહ્યા હતા. ડ્રાઈવર પણ ગંભીર રીતે ઘવાયો હતો.

હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો. અન્ય વાહનચાલકો પણ થંભી ગયા. પોલીસને જાણ કરવામાં આવી. પોલીસ આવી ગઈ. પોલીસે નજીકની હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સ બોલાવી. થોડીવારમાં એમ્બ્યુલન્સ પણ આવી ગઈ. ઘવાયેલા લોહીલુહાણ ઉતારુઓને નાડિયાની શક્તિનગર હોસ્પિટલમાં દાખલ  કરવામાં આવ્યા. દુલાલી સહાને પણ બેભાન હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. બધાને સારવાર આપવામાં આવી. સદ્ભાગ્યે બધા જ બચી ગયા.

દુલાલી સહા હજુ બેભાન હતી. છેક ત્રણ દિવસ પછી એણે આંખો ખોલી. ડોક્ટરોને ભય હતો કે દુલાલીના માથામાં થયેલા ઘાના કારણે કાયમ માટે કોમામાં જતી રહેશે પણ હવે તે ભાનમાં હતી. દુલાલી સહા ભાનમાં આવતા ડોક્ટરા તથા હોસ્પિટલના સ્ટાફે હાશ અનુભવી.

ડોક્ટરે પૂછયું: ”તમારું નામ શું છે?”
દુલાલી તેનો જવાબ આપી શકી નહીં.
”તમે કયા ગામથી આવો છો?
એ પ્રશ્નનો પણ તે જવાબ આપી શકી નહીં.
”તમારા સગાંસંબંધીઓ ક્યાં રહે છે?”

એ પ્રશ્નનો પણ તે જવાબ આપી શકી નહીં.

ડોક્ટરોને ખ્યાલ આવી ગયો કે માથામાં થયેલા ઘાના કારણે આ મહિલા તેની યાદદાસ્ત ગૂમાવી ચૂકી છે. પોલીસે પણ તેની ઘણી પૂછપરછ કરી પરંતુ દુલાલી કોઈ જવાબ આપી શકી નહીં. દુલાલી પાસે એક થેલી હતી પરંતુ તેમાં તેનું કોઈ આઈડેન્ટિટી કાર્ડ કે એવું બીજું કાંઈ જ નહોતું. તે ક્યાંથી આવતી હતી તેની કોઈને ખબર નહોતી.

થોડા દિવસો બાદ દુલાલીના માથા પરના ઘા રુઝાઈ ગયો, પરંતુ તેની યાદદાસ્ત પાછી આવી નહીં. જો કે ડોક્ટરોને એવી આશા હતી કે એક દિવસ તો આ મહિલાની સ્મૃતિ પાછી આવશે જ. ડોક્ટરો અને પોલીસ માટે એક કોયડો હતો કે આ મહિલાને રાખવી ક્યાં?

તે શારીરિક રીતે સ્વસ્થ થઈ ગઈ હતી, પરંતુ યાદદાસ્ત જતી રહી હોવાથી તેને માનસિક દર્દી સમજીને હોસ્પિટલના માનસિક વોર્ડમાં દાખલ કરવામાં આવી. ડોક્ટરોએ તેને જરૂરી દવાઓ આપતા રહ્યા. તેનું કાઉન્સેલિંગ પણ થતું રહ્યું. સમય વીતતો રહ્યો. એક પછી એક વર્ષો વીતતા ગયા. એમ કરતાં કરતાં આઠ વર્ષ વીતી ગયા પરંતુ દુલાલીને તેની યાદદાસ્ત પાછી ના આવી. હા, એક દિવસ તે બોલીઃ ”મારું નામ દુલાલી સહા છે?”

ડોક્ટરો ખુશ થઈ ગયા. તેમને હવે આશા બેઠી કે આ મહિલાની યાદદાસ્ત કદાચ પાછી આવી શકે છે. દુલાલી સહાને માત્ર તેનું નામ જ યાદ આવ્યું. બીજું કાંઈ નહીં.

આ વાતને કેટલોક સમય વીત્યો.

ફરી એકવાર દુલાલી બોલીઃ ‘હું બર્ડવાન પાસેના બોહર ગામની વતની છું. ગામમાં મારા બે દીકરા રહે છે?

ડોક્ટરો ફરી ખુશ થઈ ગયા.

દુલાલી સહાએ પોતાના બંને પુત્રોના નામ પણ આપ્યા. એ નામોના આધારે હોસ્પિટલના વડાએ દુલાલીના મોટા પુત્ર પ્રણબ સહાના નામે દુલાલીએ વર્ણવેલા ગામ- સરનામા પ્રમાણે એક પત્ર લખ્યો. તેમાં જણાવવામાં આવ્યું કે દુલાલી સહા નામની એક મહિલા અમારી હોસ્પિટલમાં છે. જો તમે તેના પુત્રો હોય તો હોસ્પિટલમાં આવીને તમારી માતાને લઈ જાવ!

પરંતુ એ પત્રનો કોઈ જવાબ આવ્યો નહીં.

આ વાતને એક મહિનો વીતી ગયો. કેટલાક સમય બાદ માનવ કલ્યાણ સંસ્થા નામની એક સ્વૈચ્છિક સંસ્થાના કેટલાક કાર્યકરો હોસ્પિટલના દર્દીઓને મદદરૂપ થવા આવ્યા. દર્દીઓની મુલાકાત લેતાં તેઓ દુલાલી સહા પાસે આવ્યા. દુલાલી સહાની જતી રહેલી યાદદાસ્ત પાછી આવી અને છતાં યે તે તેનાં બે યુવાન પુત્રોથી દૂર છે તે જાણી તેમને અનુકંપા થઈ. આ સંસ્થાના કાર્યકરો તો દર્દીઓને વસ્ત્રો અને ભોજન આપવા ગયા હતા. દુલાલી સહાએ બે હાથ જોડી એમને કહ્યું: ”હું મારા બે પુત્રોથી વિખૂટી પડી ગઈ છું. મને મારા દીકરાઓ સાથે મિલન કરાવી આપો”

માનવ કલ્યાણ સંસ્થાના અગ્રણી દેબદુલાલ વિશ્વાસે તે મહિલાની તસવીર લીધી. દુલાલી સહા પાસેથી એના પુત્રોના નામ અને ગામનંુ સરનામું લીધું. એ માહિતીના આધારે તેઓ દુલાલીએ આપેલા સરનામાવાળા ગામ ગયા. તેઓ બોહર ગામ પહોંચ્યા. ગામમાં જઈ દુલાલીના પુત્રો પ્રણવ સહા અને તેમનો ભાઈ માનબ ક્યાં રહે છે તે પૂછયું. લોકોએ પ્રણબ અને માનબનું ઘર બતાવ્યું. માનવ કલ્યાણ સંસ્થાના કાર્યકરોએ પ્રણવ અને માનવને દુલાલી સહાની તસવીર દર્શાવી. તેઓ બોલી ઊઠયા : ”આ તો અમારી મમ્મીની તસવીર છે, તે ક્યાં છે? અમારી મા આઠ વર્ષથી ગુમ છે અમે તેને શોધીએ છીએ ?

માનવ કલ્યાણ સંસ્થાના કાર્યકરોએ કહ્યું: ”આ તસવીરમાં મહિલા જો તમારી મા હોય તો તે નાડિયાના ક્રિશ્નનગરમાં આવેલી શક્તિનગર હોસ્પિટલમાં છે.”

પુત્રોના ચહેરા પર ચમક આવી ગઈ. તેઓ બધા જ તાબડતોબ શક્તિનગર હોસ્પિટલ પહોંચ્યા. પ્રણવ અને માનવે માને ઓળખી કાઢી. માએ બંને પુત્રોને ઓળખી કાઢયા. માએ બંને દીકરાઓ પોતાના સાનિધ્યમાં લઈ લીધા. માની આંખોમાં આંસુ હતા. પુત્રોની આંખમાં પણ આંસુ હતા. હોસ્પિટલના સ્ટાફની આંખમાં પણ આંસુ હતા. અત્યંત હૃદયગમ દૃશ્ય હતું. એે હોસ્પિટલના સ્ટાફ માટે દુલાલી સહા એક પરિવારના સભ્ય જેવી બની ગઈ હતી. આજે તે હોસ્પિટલમાંથી વિદાય લઈ રહી હતી. માનવ કલ્યાણ સંસ્થાના વડાએ દુલાલી સહાના પુત્રોને પૂછયું: ”હોસ્પિટલના વડાએ મહિના અગાઉ તમને એક પત્ર લખ્યો હતો. તેનો કોઈ જવાબ કેમ ના આપ્યો?”

પ્રણબે કહ્યું: ”હજુ સુધી અમને એવો કોઈ પત્ર મળ્યો જ નથી!”
ખેર!

પત્ર ભલે ના મળ્યો પણ દીકરાઓને મા મળી ગઈ અને માને તેના પુત્રો, આશ્ચર્યની વાત એ હતી કે, દુલાલી સહાના બે પુત્રો જે ગામમાં રહેતા હતા તે ગામ અને દુલાલી જ્યાં સારવાર લેતી હતી તે હોસ્પિટલ વચ્ચે માત્ર ૫૦ કિલોમીટરનું અંતર હતું. માતા અને પુત્રો વચ્ચેના ૫૦ કિલોમીટર દૂર રહેલા મિલનનો ફાંસલો કાપતા આઠ વર્ષ લાગ્યા. ખેર! જેનો અંત સારો એનું બધું જ સારું. માતા-પુત્રોના આ સુખદ મિલનના આનંદમાં આપણે પણ સહભાગી બનીએ. આપણે તેમનું શેષજીવન સુખમય રહે તેવી શુભેચ્છા પાઠવીએ. (તસવીર અને સ્ત્રોત : સૌજન્ય ‘ધી ટેલિગ્રાફ’)

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in