ગણિતમાં હું કાચો છું, કદી મેનેજમેન્ટ ભણ્યો નથી છતાંએમનું નામ છે જેક મા.

તેઓ થોડા જ વખતમાં વિશ્વભરમાં જાણીતી બની ગયેલી અલીબાબા કંપનીના સંસ્થાપક છે. થોડાક જ સમયમાં તેઓ બેસુમાર દોલત કમાયા છે.

તેઓ ચીનમાં જન્મેલા છે. ચીનના હાંગઝુ વિસ્તારમાં જેક માનું બચપણ વીત્યું હતું. એ મુશ્કેલીઓ ભરેલા દિવસો હતા. તેમના પરિવારમાં એક નાની બહેન અને મોટાભાઈ હતા. પરિવાર આર્થિક સંકટોમાં ઘેરાયેલું હતું. એ કારણે તેમને મર્યાદિત સુવિધાઓ અને સાધનો વચ્ચે જ જીવન જીવતાં શીખવ્યું.

સ્કૂલમાં ભણવામાં તેઓ એક સરેરાશ વિદ્યાર્થી હતા. ગણિત અને વિજ્ઞાાનમાં તો જેકને સમજ જ પડતી નહોતી. ૧૩ વર્ષની વયે જેકને એક વાતની સમજ પડી ગઈ કે અંગ્રેજી ભાષા શીખવી અત્યંત જરૂરી છે. એકવાર અંગ્રેજી ભાષા આવડી જાય તો બેડો પાર થઈ જાય. મુશ્કેલી એ હતી કે એમની આસપાસ અંગ્રેજી શીખવનાર કોઈ નહોતું. અંગ્રેજી શીખવા તેમણે એક યુક્તિ શોધી કાઢી. રોજ સવારે વહેલાં ઊઠીને સવારના પાંચ વાગ્યા સુધીમાં તો જેક તેમના શહેરની એક પાંચ સિતારા હોટેલની સામે પહોંચી જવા લાગ્યા. આ હોટેલમાં વિદેશી પર્યટકો ઊતરતા હતા. તેમણે વિદેશી સહેલાણીઓ સાથે હળવા- મળવાનું ચાલુ કર્યું. તેમની સાથે વાતો કરીને અંગ્રેજી શીખી લેવાનું શરૂ કર્યું. તેઓ ગાઈડ બનીને વિદેશી પ્રવાસીઓને શહેર બતાવવા લાગ્યા. તેમની સાથે અંગ્રેજીમાં વાતો કરવાની કોશિશ કરવા લાગ્યા. પરિણામ એ આવ્યું કે કેટલાક દિવસોમાં તેઓ વિદેશી શૈલીથી અંગ્રેજી બોલવા લાગ્યા. મજાની વાત એ હતી કે એમ કરવાના લીધે તેમને પોકેટ મની પણ મળી જતા. આ ઉપરાંત તેમણે પશ્ચિમી દેશોના લોકોની રીતભાત પણ શીખી લીધી.

શાળાના દિવસોમાં તેઓ તેમના સહાધ્યાયીઓ સાથે આક્રમક રહેતા. સ્કૂલમાં તેઓે તેમના વિરોધીઓથી કદી ડરતા નહીં. તેમનાથી વધુ મજબૂત અને સશક્ત વિદ્યાર્થીઓ સાથે પણ તેઓ સંઘર્ષમાં ઊતરતા.

કોલેજની પ્રવેશ પરીક્ષામાં તેઓ બે વાર નાપાસ થયા. ત્રીજા પ્રયત્નમાં જેકને હાંગઝ ટીચર્સ યુનિવર્સિટીમાં પ્રવેશ મળ્યો. ૧૯૮૮માં તેઓ ગ્રેજ્યુએટ થયા. એ પછી તેમણે નોકરીની શોધ શરૂ કરી. ૧૨ જેટલી કંપનીઓમાં નોેકરી માટે વારાફરતી અરજીઓ કરી. બધે જ નિષ્ફળતા મળી. ખૂબ પ્રયાસ બાદ છેવટે એક સ્કૂલમાં અંગ્રેજીના શિક્ષક તરીકે નોકરી મળી. બાળકો સાથે તેમને ખૂબ ફાવતું,પરંતુ તેમના દિલમાં કાંઈક કરી બતાવવાની ઈચ્છા હતી. તેઓ શિક્ષક તરીકેની નોકરી બહુ લાંબા સમય માટે કરી શક્યા નહીં.

શિક્ષક તરીકેની નોકરી છોડી દીધા બાદ તેમણે અનુવાદની કંપની બનાવી. ૧૯૯૪માં તેઓ પોતાના ધંધાના કામે અમેરિકા ગયા. અહીં પહેલી જ વાર તેમને ઈન્ટરનેટ વિશે માહિતી મળી. ઈન્ટરનેટની દુનિયા તેમને ચમત્કારિક લાગી. અમેરિકન લોકો તેમના ઘરોમાં બેસીને એકબીજાનો સંપર્ક કરતા હતા. તેમણે જોયું તો અમેરિકનો શોપિંગ અને ભણવાનું કામ પણ ઈન્ટરનેટના માધ્યમથી કરતા હતા. જેક માટે આ એક મોટું આશ્ચર્ય હતું. એ સમયગાળા દરમિયાન ચીનમાં ઈન્ટરનેટ અંગે કોઈ ખાસ જાગૃતિ નહોતી. જેકને ઈન્ટરનેટમાં રસ પડયો. તેમણે ઈન્ટરનેટનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખી લીધું. તેઓ એક મજબૂત ઈરાદા સાથે ચીન પાછા આવ્યા.

ચીન પહોંચતા જ તેમણે ઈન્ટરનેટ પર ‘ચાઈના પેજ’ લોંચ કર્યું. એ ચીનની પહેલી ઓનલાઈન ડિરેક્ટરી હતી. ચીનમાં તેની ખૂબ ચર્ચા થઈ. એમાં સફળતા મળવાના કારણે જેક ચીનમાં ‘મિસ્ટર ઈન્ટરનેટ’ના નામ જાણીતા બની ગયા, પરંતુ મુશ્કેલીઓની શરૂઆત હજુ તો હવે થવાની હતી.   એ દિવસોમાં ચીનમાં બહુ ઓછા લોકોના ઘરોમાં કંમ્પ્યુટર્સ હતા. એ કારણે ‘ચાઈના પેજ’ બધા જ લોકો સુધી પહોંચવામાં મુશ્કેલી હતી. પરિણામે ‘ચાઈના પેજ’ બંધ કરવું પડયું.

જેક નિરાશ થઈ ગયા.

જીવન નિર્વાહ ચલાવવા માટે ચીનના વાણિજ્ય મંત્રાલયમાં નોકરી કરવા લાગ્યા, પણ એ નોકરીમાં તેમનું મન લાગ્યું નહીં. થોડા દિવસો બાદ તેમણે કેટલાક મિત્રોને ઘેર બોલાવ્યા. એમની સંખ્યા ૧૭ જેટલી હતી. તેમની સામે ઓનલાઈન ખરીદી માટે એક કંપની બનાવવાનો વિચાર રજૂ કર્યો. આઈડિયા ગજબનો હતો. મિત્રોને પસંદ આવ્યો. મિત્રો જેકની ઓનલાઈન ખરીદી માટેની કંપનીમાં પૈસા રોકવા રાજી થઈ ગયા. કંપનીને ‘અલીબાબા’ એવું નામ આપવામાં આવ્યું. એક નાનકડા ઓરડામાં કંપની શરૂ કરવામાં આવી. જેકએ એક વેબસાઈટ શરૂ કરી. આ વેબસાઈટ દ્વારા કંપનીના સામાનને ગ્રાહકો સમક્ષ પેશ કરવામાં આવ્યો. તેમણે એક વાતનું ખાસ ધ્યાન રાખ્યું કે, ગ્રાહકો ને લોકો સુરક્ષિત અને સસ્તી ચીજવસ્તુઓ ખરીદી શકે.

શરૂઆત શાનદાર રહી. ધંધો વધારવા ફરી વધુ મૂડીની જરૂર પડી. જેકએ એક જાપાનની સોફટવેર કંપની સોફટ બેંક દ્વારા ધિરાણ મેળવવામાં સફળ રહ્યા. એ બેંકે ‘અલીબાબા’ કંપનીને લોન આપી. ‘અલીબાબા’ કંપનીમાં મૂડી રોકાણ કરનાર એક નિવેશક વુ ચિંગ કહે છેઃ ‘એક જૂનું જેકેટ અને હાથમાં કાગળ લઈને જેક અમારી પાસે આવ્યા હતા. માત્ર છ જ મિનિટમાં તેમણે અમારામાં વિશ્વાસ જગાડયો કે અમે બધાએ તેમના બે કરોડ ડોલરની લોન આપવા તૈયાર થઈ ગયા.

ધંધો કરવા માટે માત્ર લોકોનો વિશ્વાસ જ જીતવો પૂરતો નથી. ચીનમાં સૌથી મોટી મુશ્કેલી સરકારને પણ વિશ્વાસમાં લેવી. જેક ચીનના નેતાઓને મળ્યા અને તેમને ખાતરી આપી કે તેમની કંપની કોઈ પણ રાજકીય પાર્ટી કે સરકારની વિરુદ્ધ નથી. ચીનની સરકારને પણ જેકની વાતમાં ભરોસો બેઠો.

કંપનીએ પૂરજોશમાં કામ શરૂ કર્યું. ધંધો વધવા લાગ્યો. આ બધામાં રસપ્રદ વાત એ હતી કે અબજોનો ધંધો શરૂ કરનાર જેક માએ કદીયે મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો નહોતો. એ જ રીતે તેમણે કદીયે કોઈ ધંધાની તાલીમ લીધી નહોતી. આમ છતાં તેમણે તેમની કંપનીનું મેનેજમેન્ટ કુશળતાથી નિભાવ્યું. એ તેમની કોઠાસૂઝ હતી.

જેક કહે છેઃ ‘હું ગણિતમાં કાચો છું, મેં મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો નથી. મને એકાઉન્ટસના રિપોર્ટ જરા પણ સમજમાં આવતા નથી. પણ કંપની ચલાવતા શીખી ગયો.’

જોતજોતામાં ‘અલીબાબા’ કંપની આગળ નીકળી ગઈ અને જેક મા એશિયાના બીજા નંબરના ધનવાન બિઝનેસમેન બની ગયા. ચીનની સોશિયલ નેટવર્કિંગ સાઈટ ‘વિબો’ પર તેમને ૧.૫ કરોડથી વધુ ફોલોઅર છે. આજે ‘અલીબાબા’ દુનિયાના ઈ-કોમર્સ બજારની મોટી કંપનીઓ પૈકીની એક ગણાય છે.

‘અલીબાબા’ કંપનીના સંસ્થાપક જેક મા ચીનના સૌથી ધનવાન વ્યક્તિ તરીકે જાહેર થયા છે. આ ઘોષણા બાદ જેક માએ કહ્યું કે, ‘મેં તો કાંઈ કરી બતાવવા માટે કંપની બનાવી હતી, પણ દોલત કમાયા બાદ જ મને માલૂમ પડયું કે અમીર બન્યા પછી જીવવું કેટલું મુશ્કેલ છે, જ્યારે તમે શ્રીમંત બની જાવ છો ત્યારે લોકો તમારી સાથે માત્ર પૈસા માટે જોડાય છે. આ બરાબર નથી. હું ઈચ્છું છું કે, લોકો મને એક ઉદ્યમીના રૂપમાં ઓળખે, એક દૌલતમંદ વ્યક્તિના રૂપમાં નહીં?’

ગણિત કાચું હોય તો ચિંતા કરશો નહીં તમે પણ એક દિવસ જેક માની જેમ પૈસાદાર બની શકો છો.

– દેવેન્દ્ર પટેલ