ઉત્તરાખંડ પર પ્રકૃતિએ તેના રૌદ્ર સ્વરૂપ દ્વારા આણેલી આફત પસાર થઇ ગઇ, પરંતુ હિમાલયની કંદરાઓ, એની નદીઓ, એનાં વૃક્ષો-વેલાઓ અને ખડકો એક ભયંકર કરુણાન્તિકાનાં મૂક સાક્ષી પણ છે અને સ્વયં પીડિત પણ છે. એક સાથે દસ હજાર માણસોને ભરખી જનાર આ વિભિષિકાએ અનેક પરિવારોને ખંડિત કરી દીધાં છે. કુદરતના આ ખોફ માટે ગમે તે પરિબળો જવાબદાર હશે પણ કેદારનાથ અને બદ્રીનાથની સાથે સંકળાયેલી તેના માહાત્મ્યની કથાઓ જાણવા જેવી છે.
પુરાણકથા અનુસાર હિમાલય પર્વત તે સ્વયં ભગવાન શિવ અને માતા પાર્વતીજીનું અર્ધનારેશ્વર સ્વરૂપ છે. નેપાળમાં ઊભા રહીને જોવામાં આવે તો હિમાલય અલગ દેખાય છે અને ભારતની ભૂમિ પર ઊભા રહી નિહાળવામાં આવે તો હિમાલય જુદો દેખાય છે. નેપાળથી દેખાતા દૃશ્યમાં હિમાલય સખત, રૂખ અને પુરુષ જેવો લાગે છે જ્યારે ભારતમાંથી જોતા મૃદુ, કોમળ અને એક સ્ત્રી જેવો લાગે છે. આ શિવ અને પાર્વતીનું એક્ય થયેલું સ્વરૂપ છે. આ કારણથી આખીયે હિમાલયની પર્વતમાળા શક્તિપીઠોથી ભરેલી છે.
કથા એવી છે કે પૌરાણિક કાળમાં ઉત્તુંગ નામનો અસુર સૂર્યદેવને રિઝવવા આકરું હજારો વર્ષથી તપ કરી રહ્યો હતો. તે સૂર્યદેવતાને રાજી કરી અમરત્વ પ્રાપ્ત કરવા માંગતો હતો. સૂર્ય દેવતા તેના તપથી પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું. અસુર ઉત્તુંગે અમરત્વ માંગ્યું, પરંતુ સૂર્યદેવતાએ કહ્યું; ‘અમરત્વ તો ભગવાન શિવ જ આપી શકે તેથી તું એવું કાંઇક બીજું માંગ.’
અસુરે કહ્યું: ‘તો હે સૂર્યદેવતા! મને એક હજાર પડવાળું સહસ્ત્ર સુરક્ષા કવચ આપો, જેથી મને કોઇ મારી શકે નહીં.’
સૂર્યદેવતાએ તેના શરીર પર સહસ્ત્ર કવચ બક્ષ્યુ. અસુર ઉત્તુંગે એ સહસ્ત્ર કવચની તાકાતથી જગતના ત્રણેય ભુવન જીતી લીધા. એણે જ્યાં જ્યાં આક્રમણો કર્યા ત્યાં ત્યાં ભારે જુલ્મ વરસાવ્યો. એણે ઋષિઓને પણ પરેશાન કરી નાખ્યાં. આ અસુરના ત્રાસથી ત્રસ્ત ઋષિઓ ભગવાન વિષ્ણુ પાસે મદદ માંગવા ગયા. ભગવાન વિષ્ણુએ પણ એ સહસ્ત્ર કવચની શક્તિ સામે પોતાની અસહાયતા રજૂ કરતા કહ્યું: “એ સહસ્ત્ર કવચ એટલું શક્તિશાળી છે કે એ કવચથી સજ્જ અસુર ઉતુંગને મારવા માટે ૧૦,૦૦૦ વર્ષ તપ કરવું પડે.”
આ વાત સાંભળ્યા બાદ લક્ષ્મીજીએ ભગવાન વિષ્ણુને સલાહ આપી : “તમે હિમાલય પર કેદારખંડ જાવ જ્યાં મહાદેવ શિવ અને પાર્વતી રહે છે ત્યાં એક દિવસની તપસ્યા એ ૧૦૦ વર્ષની તપસ્યા ગણાય છે એવી તે ભૂમિ છે.”
લક્ષ્મીજીની સલાહ બાદ ભગવાન વિષ્ણુ એક બાળકનું સ્વરૂપ લઇ શિવ અને પાર્વતી જ્યાં રહેતાં હતાં તે પર્ણકુટિ આગળ જઈ ઊભાં રહ્યા અને રડવા લાગ્યા. બાળકનો રડવાનો અવાજ સાંભળી પાર્વતીજી બહાર આવ્યાં. જોકે મહાદેવ શિવે પાર્વતીજીને બહાર ના જવા ચેતવ્યાં હતાં કારણ કે તેઓ તો જાણતા જ હતા કે, બાળકના સ્વરૂપમાં દેવી પાર્વતીને રિઝવવા ભગવાન વિષ્ણુ ખુદ આવ્યા છે. છતાં પાર્વતીજી બહાર આવ્યાં અને રડતાં બાળકને માતૃત્વની લાગણીથી અંદર લઇ આવ્યાં એટલે ભગવાન વિષ્ણુએ પોતાનું અસલી સ્વરૂપ ધારણ કરીને અહીં આવવાનો હેતુ કહ્યો : “મારે અસુર ઉત્તુંગને મારવો છે, પણ તેની પાસે સહસ્ત્ર કવચ છે.”
પાર્વતીજી ભગવાન વિષ્ણુને બાળક તરીકે સ્વીકારી અંદર લઇ આવ્યાં હોઇ તેમણે ભગવાન વિષ્ણુને પણ પુત્ર તરીકે ગણી તેમને મદદ કરવા નિશ્ચર્ય કર્યો. પાર્વતીજીએ રસ્તો બતાવ્યો : “તમે આ ભૂમિ પર તપ કરી શકો છો અને અમે કેદારનાથ જઇશું. (જે આજનું કેદારનાથ છે)
એ પછી ભગવાન વિષ્ણુએ તપસ્યા શરૂ કરી એ સ્થળ આજનું બદ્રીનાથ કહેવાય છે. તે નર અને નારાયણનું સ્વરૂપ છે. એ પછી એક દિવસ નારાયણ તપસ્યા કરતા અને નર સહસ્ત્ર કવચ સામે લડતો. બીજા દિવસે નર તપસ્યા કરતો અને નારાયણ સહસ્ત્ર કવચધારી અસુર સામે લડતા. આ રીતે વારાફરતી નર અને નારાયણે યુદ્ધ કરી અસુરના ૯૯૯ સહસ્ત્ર કવચ તોડી નાખવામાં આવ્યા. અસુર ઉત્તુંગ હવે ગભરાયો. તે ફરી સૂર્યદેવતાના શરણમાં ગયો અને વિનંતી કરી કે, ‘ભગવાન વિષ્ણુને કહો કે, હું આપનુ દીધેલુ સુરક્ષા કવચ ધારણ કરતો હોઇ મને હવે જવા દે અને મારી હત્યા ના કરે.”
ભગવાન વિષ્ણુએ સૂર્ય દેવતાની એ વિનંતીને માન્ય રાખી અને તે પછી ભગવાન વિષ્ણુએ અસુર ઉત્તુંગને જવા દીધો, પરંતુ તેને કહ્યું કે, “તારી પાસે હવે એક જ કવચ બચ્યું છે જેને હું બીજા યુગમાં ખતમ કરી નાંખીશ.”
એ પછી દ્વાપર યુગમાં સહસ્ત્ર કવચ અસુર મહાભારતના કર્ણ તરીકે જન્મ્યો. કર્ણના ઇષ્ટદેવ પણ સૂર્યદેવતા જ હતા. મહાભારતના યુદ્ધ વખતે ભગવાન કૃષ્ણને ખબર હતી કે કર્ણ પાસે કવચ ને કુંડળ છે તેથી પાંડવો તેને હણી શકશે નહીં. ભગવાન કૃષ્ણએ કર્ણને છેતરીને કર્ણનું એક માત્ર અને છેલ્લુ કવચ પણ માંગી લીધું. અને યુદ્ધમાં અર્જુને કવચ રહિત થઇ ગયેલા કર્ણને હણ્યો.
– આ કથા છે કેદારનાથ અને બદ્રીનાથની. આ બંને યાત્રાધામો સાથે ભગવાન શિવ અને પાર્વતીજી, ભગવાન વિષ્ણુ અને પાંડવોની કથા સંકળાયેલી છે. મહાભારતના યુદ્ધ પછી પાંડવો પોતાના સ્વજનોને હણવાના કારણે દુઃખી હતા. એ ભયંકર યુદ્ધમાં સ્વજનોને મારી નાખવાના કૃત્યની માંફી માંગવા પાંડવો મહાદેવ શિવ પાસે કેદારનાથ ગયા હતા. બદ્રી વિશાલ પણ પાર્વતીજીના પુત્રનું પવિત્ર સ્થાન છે.
– આવા પવિત્ર સ્થાન પર વિકાસના નામે ગંગા જેવી પવિત્ર નદીઓનાં શ્વાસ રુંધી નાંખી જે ડેમ બનાવવામાં આવ્યા અને જે રીતે હિમાલયની તીર્થ ભૂમીને સુરંગો દ્વારા વિસ્ફોટોનો ભોગ બનાવવામાં આવી તે માત્ર અર્ધાિમક જ નહી પરંતુ અવૈજ્ઞાનિક કૃત્ય પણ હતું.
વાત આટલેથી અટકતી નથી. ચારધામના રક્ષક ગણાતાં ધારા દેવીનું એક મંદિર અલકનંદા નદીનાં કિનારે શ્રીનગર (ગહેરવાલ) ખાતે આવેલું છે. ધારાદેવી (કાલી) તે દેવી પાર્વતી અને ગંગાનું અજોડ સ્વરૂપ છે. આ દેવીનું મંદિર ખુલ્લુ છે. દેવી ભાગવતમાં કરવામાં આવેલા ઉલ્લેખવા ૧૦૮ શક્તિપીઠો પૈકીની તે એક શક્તિપીઠ છે. દેવીનું શરીર શ્રીયંત્ર જેવું છે. કહેવાય છે કે ઇ.સ. ૧૮૮૨માં બ્રિટિશ શાસન દરમિયાન દેવીના આ મંદિરને ખસેડવાની હિલચાલ થઇ હતી. અને કેદારનાથમાં ભયંકર કુદરતી આફત સર્જાઇ હતી. એનાં વર્ષો બાદ એ નદી પર બંધ બાંધવા માટે ધારા દેવીની ર્મૂિતને ખસેડવામાં આવી. સ્થાનિક લોકોએ ઘણો વિરોધ કર્યો અને કહ્યું : “સૂતેલાં દેવીના સ્વરૂપને ખલેલ પહોંચાડશો તો દેવી ક્રોધે ભરાશે.”
પરંતુ વિકાસની આંધળી દોટ લગાવનાર રાજકારણીઓએ અને બ્યૂરોક્રેટસએ કોઇની વાત ના સાંભળી. દેવીની ર્મૂિત હટાવી દેવાઇ અને ડેમ બાંધી દેવાયો.
આ કથા અને માન્યતાને માત્ર ર્ધાિમક લાગણી કહો કે અંધશ્રદ્ધા- પરિણામ નજર સમક્ષ છે. ડેમ બંધાયો અને નદીનો કુદરતી માર્ગ અવરોધાયો- પરિણામ નજર સમક્ષ છે. ભગવાનને પ્રકૃતિને અને વિજ્ઞાનને નારાજ કરવા માટે આપણી પાસે કારણો મોજૂદ છે.

Leave a Reply