તા જેતરમાં જ મુંબઈ ખાતે છોટા રાજનની માતાનું અવસાન થયું. અંતિમ ક્રિયા વખતે એક હજાર માણસો હાજર રહ્યા પરંતુ છોટા રાજન પોતાની માતાની અંતિમ ક્રિયામાં હાજર રહી શક્યો નહીં. છોટા રાજન મુંબઈની પોલીસ દ્વારા મોસ્ટ વોન્ટેડ ડોન છે. તે ક્યાં છે તે એક રહસ્ય છે. કેટલાકના મતે તે આંતરરાષ્ટ્રીય સરહદની અંદર દરિયામાં કોઈ જહાજમાં છે, તેથી કોઈ પણ દેશની પોલીસ તેને પકડી શકે નહીં.
છોટા રાજનનું અસલી નામ રાજેન્દ્ર નિખાલજે છે. મહારાષ્ટ્રમાં જન્મેલા રાજેન્દ્રને બચપણમાં ‘નાના’ એવું નીકનેમ આપવામાં આવ્યું હતું. એ વખતે એક્ટર મિથુન ચક્રવર્તીનો જમાનો હતો. નાના નાનીવયથી જ મિથુન ચક્રવર્તીનો જબરદસ્ત ફેન હતો. તે મિથુન જેવા વસ્ત્રો પહેરતો અને મિથુન જેવી જ હેરસ્ટાઈલ રાખતો. મિથુનની ‘સુરક્ષા’ , ‘વારદાત’ અને ‘સાહસ’ જેવી ફિલ્મો અનેકવાર જોઈ કાઢી હતી. મુંબઈના સહકાર સિનેમામાં જ્યારે પણ મિથુનની ફિલ્મ આવે ત્યારે નાના તેના મિત્રો સાથે સિનેમાની ટિકિટોને બ્લેકમાં વેચી પૈસા કમાવા લાગ્યો હતો.
મિથુનની ‘સાહસ’ ફિલ્મ રજૂ થઈ ત્યારે ટિકિટોનું બ્લેક માર્કેટિંગ વધી જતાં થિયેટરની બહાર પોલીસ ગોઠવવી પડી હતી. નાનાએ પોલીસથી ગભરાયા વગર ટિકિટોના બ્લેક જારી રાખતાં, લોકોએ બૂમરાણ કરી દીધી. પોલીસે નાનાના સાગરીતો પર લાઠીચાર્જ શરૃ કર્યો. નાનાના છોકરાઓ નાસભાગ કરવા લાગ્યા. એણે પોલીસના હાથમાંથી જ લાઠી ખૂંચવી લીધી અને પોલીસની જ લાઠીથી પાંચ પોલીસ કોન્સ્ટેબલ્સને ઝૂંડી નાખ્યા. પોલીસ ભાગી ગઈ.
નાનાના આ પરાક્રમની નોંધ મુંબઈના અંડરવર્લ્ડએ લીધી. અત્યાર સુધી તિલકનગર ખાતે આવેલા સહકાર પ્લાઝા સિનેમા પર જગદીશ શર્મા નામના ગુંડાના માણસો જ ટિકિટોના કાળા બજાર કરતા હતા. જગદીશ શર્મા થોડોક બહેરો હતો, ‘ગુંગો’ નહોતો, પરંતુ તે ‘ગુંગા’ના નામે જાણીતો હતો. એ ઘટના બાદ નાનાની પણ એક આગવી ઓળખ ઊભી થઈ. એ ઘટના બાદ નાના અને તેના મિત્રોની ધરપકડ થઈ પરંતુ એ સમયના ડોન રાજન નાયરે ગુંગાને કહ્યું કે, ‘એ છોકરાઓની કાળજી લ્યો ? રાજન નાયરના કારણે નાના અને તેના મિત્રોને જામીન મળી ગયા.
હવે આખાયે વિસ્તારમાં નાનાની ગેંગ જાણીતી બની ગઈ. મુંબઈના તિલકનગર અને ચેમ્બુર વિસ્તારમાં નાનાની ગેંગની વાતો ચર્ચાવા લાગી. એ વખતે મુંબઈના નોર્થ ઈસ્ટ સબર્બમાં રાજન નાયરની ગેંગનો પ્રભાવ હતો. નાના જેલમાંથી બહાર આવતાં જ રાજન નાયરે તેને બોલાવી તેની હિંમતની પ્રશંસા કરીઃ ”અચ્છા હીરોગીરી કીયા ઉસ દિન.”
એ ૮૦નો દાયકો હતો. એ વખતે નીચલા મધ્યમ વર્ગમાંથી આવતા છોકરાઓને નોકરી મળતી નહોતી. એ વખતે નાનાની વય ૨૫ વર્ષની હતી. ધીમે ધીમે સિનેમાની ટિકિટોના કાળા બજાર કરી તેણે સારી કમાણી કરી લીધી હતી. કેટલાક સમય બાદ ”ગુંગા’ એ નાનાને બ્લેક માર્કેટ ટિકિટ સેલર્સ ટીમનો વડો બનાવ્યો. નાનાએ છબીઘરોના માલિકોને જ ટિકિટોના કાળાબજારમાં ભાગીદાર બનાવી દીધા. થોડી જ ટિકિટો બારી પર વેચાતી. બાકીની ટિકિટોના બ્લેક થતાં અને તેમાં છબીઘરના માલિકોનો પણ ભાગ રહેતો. નાના હવે જાણીતો બની ગયો હતો.
એ સમયગાળા દરમિયાન એ સમગ્ર વિસ્તારના ડોન રાજન નાયરની એસ્પ્લાનેડ કોર્ટ પાસે એક રિક્ષાવાળાએ હત્યા કરી નાંખી. આ હત્યા અબ્દુલ કુંજુ નામના પ્રતિસ્પર્ધી મોટા ગુંડાએ કરાવી નાંખી હતી. નાના અને ગુંગો એ બેઉ રાજન નાયરના માણસો હતા. રાજન નાયરનું ખૂન થઈ જતાં નાના વિચલિત થઈ ગયો. એણે એના બોસ રાજન નાયરની હત્યાનો બદલો લેવા મનોમન નિર્ણય કરી લીધો. રાજન નાયર બડા રાજન તરીકે પણ ઓળખાતો હતો. બોસના મૃત્યુ બાદ નાનાએ તેનો કારભાર સંભાળી લીધો અને બોસની હત્યા કરાવનાર અબ્દુલ કુંજુંને પતાવી દેવાનો નિર્ધાર જાહેર કર્યા બાદ નાના હવે ‘છોટા રાજન’ તરીકે ઓળખાવા લાગ્યો.
નાના ઉર્ફે છોટા રાજનનો આ નિર્ધાર જાહેર થતાં એ વખતના મુંબઈના માફિયા બોસ ડોન દાઉદ ઈબ્રાહીમ પણ પ્રભાવિત થયો. મુંબઈના નોર્થઈસ્ટની બધી જ ગેંગો હવે છોટા રાજન તેમની સાથે જોડાય તેવું ઈચ્છતી હતી. છોટા રાજન અબ્દુલ કુંજુને ઉડાડી દેવાની યોજના બનાવી રહ્યો હતો. દાઉદ ઈબ્રાહીમ બીજી બધી જ પશ્ચાદભૂમિકાઓ ધરાવતા લોકો તેની ગેંગમાં સામેલ કરવા માંગતો હતો. દાઉદને હતું કે હાજી મસ્તાન કે કેટલાક પઠાણ છોટા રાજનને તેમની ગેંગમાં સામેલ કરી લે તે પહેલાં તે પોતાની ગેંગમાં આવી જાય તો વધુ સારું.
ખૂબ જ ત્વરાથી એક દિવસ દાઉદ ઈબ્રાહીમે છોટા રાજનને પોતાના હેડક્વાર્ટર પર મળવા બોલાવ્યો. એવું કહેવાતું હતું કે મુંબઈનો કોઈ પણ માણસ દાઉદના આવા નિમંત્રણનો અસ્વીકાર કરી શકે નહીં. છોટા રાજનનું એવું સ્વપ્ન હતું કે એક દિવસ દાઉદ ઈબ્રાહીમ સાથે કામ કરવું અને તે આજે સાચું પડતું લાગ્યું. દાઉદ ઈબ્રાહીમ છોટા રાજનના બોસ બડા રાજન કરતાં પણ મોટો ડોન હતો. દાઉદનો અંડરવર્લ્ડમાં એક કરિશ્મા હતો.
દાઉદે છોટા રાજનને તેના ઘેર બોલાવ્યો હતો, તેના એક પણ સાગરીતને આમંત્રણ નહોતું. છોટા રાજનનું દાઉદે ભવ્ય સ્વાગત કર્યું. છોટા રાજન દાઉદ ગેંગમાં સામેલ થવા સંમત થયો પરંતુ છોટા રાજનનો આ નિર્ણય તેના સાગરીતોને ગમ્યો નહીં. સાથીઓએ કહ્યું: ”દાઉદ સાથે સીધા જોડાયા વગર પણ આપણું નામ છે જ. દાઉદ સાથે જોડાવાથી આપણું નામ નાનું થઈ જશે.”
ભારે પરિશ્રમ બાદ છોટા રાજને પોતાના સાગરીતોને સમજાવી લીધા. છોટા રાજને કહ્યું, ”અત્યાર સુધી આપણે શેરીઓના ગુંડા હતા હવે સાચા માફિયા બની જઈશું. આપણો પ્રભાવ વધશે.”
છોટા રાજનની આ દલીલની ભારે અસર થઈ. છોટા રાજન હવે દાઉદ ઈબ્રાહીમ સાથે જોડાઈ ગયો. દાઉદ ઈબ્રાહીમની ગેંગ સાથે જોડાયા બાદ તેણે પહેલું કામ તેના અસલી બોસ બડા રાજનની હત્યા કરાવનાર અબ્દુલ કુંજાને પતાવી દેવાનું કર્યું. કુંજા ઘાટકોપરમાં ક્રિકેટ રમતો હતો તે વખતે જ તેની હત્યા કરી દેવાઈ. આ ઘટના બાદ છોટા રાજનનો મુંબઈના અંડરવર્લ્ડમાં દબદબો વધ્યો.
થોડાક જ સમયમાં છોટા રાજન ડોન દાઉદ ઈબ્રાહીમનો જમણો હાથ બની ગયો. દાઉદનો વિશ્વાસુ બની ગયા પછી દાઉદનું બ્રેઈન પણ છોટા રાજન જ બની ગયું. ૧૯૮૬ની ઘટનાઓ બાદ દાઉદ ઈબ્રાહીમ મુંબઈથી ભાગી ગયો ત્યારે તેનાં તમામ કારોબાર છોટા રાજન સંભાળવા લાગ્યો. દાઉદની ગેરહાજરીમાં આખીયે ગેંગ, વહીવટ અને નાણાકીય બાબતો તેણે ભારે કુશળતાથી સંભાળ્યાં. છોટા રાજન એક સરળ અને નમ્ર સ્વભાવનો વ્યક્તિ હોઈ તે અનેક સાગરીતોને સાથે રાખી શક્યો. અહંકાર અને ઘમંડથી દૂર હોઈ તેણે ગેંગને વધુ સબળ અને સક્ષમ બનાવી.
દાઉદ હવે દુબઈમાં રહેતો હતો. તેને છોટા રાજન જેવી વ્યક્તિની દુબઈમાં જરૃર હતી. આ તરફ મુંબઈની પોલીસે મુંબઈમાં દાઉદનાં અડ્ડાઓ અને ધંધાના સ્થળો પર ત્રાટકવાનું શરૃ કર્યું હતું. દાઉદના માણસો પણ પકડાવા લાગ્યા હતા. દુબઈમાં બેઠેલા દાઉદને લાગ્યું કે છોટા રાજન પણ જેલમાં જાય તે તેને પરવડે તેમ નથી. યોજનાપૂર્વક ૧૯૮૭માં છોટા રાજન પોલીસની આંખમાં ધૂળ નાંખી દુબઈ જતો રહ્યો અને ફરી તેના બોસ દાઉદ ઈબ્રાહીમ સાથે જોડાઈ ગયો.
દુબઈમાં પણ તેણે પોતાની વહીવટી કુશળતાનો લાભ દાઉદને આપ્યો. દુબઈમાં રહીને પણ તેણે મુંબઈના દાઉદનો ધંધો વિકસાવી આપ્યો.
પરંતુ છોટા રાજન માટે એક્ટર મિથુન ચક્રવર્તી હંમેશા તેનો પ્રિય અભિનેતા જ રહ્યો. એકવાર મિથુન ચક્રવર્તી દુબઈ આવ્યો ત્યારે એક કાર્યક્રમમાં છોટા રાજનનો અચાનક જ મિથુન સાથે ભેટો થઈ ગયો. મિથુનને જોતાં જ છોટા રાજન અભિભૂત થઈ મૂંગો થઈ ગયો. એ મિથુનને ભેટી પડયો. વારંવાર ભેટયો અને કેટલાયે સમય માટે એણે મિથુનને બાહુપાશમાં જકડી રાખ્યો. આ દૃશ્ય સાક્ષાત્કાર કરનારા લોકો પણ વિચારમાં પડી ગયા કે છોટા રાજનને આવો ભાવવિભોર થતાં અમે કદી જોયો નથી. છોટા રાજનના બાહોપાશમાં જકડાયેલા મિથુન પણ સ્તબ્ધ થઈ થોડીવાર માટે ક્ષોભ અનુભવી રહ્યો. નાના ઉર્ફે છોટા રાજને તેની સાથે તસવીરો પણ પડાવી અને એણે કહ્યું: ”મુંબઈ તિલકનગર ખાતે તમારી ફિલ્મોના ટિકિટોના હું બ્લેક કરતો હતો, અને એ રીતે જ મેં મારી કારકિર્દીની શરૃઆત કરી હતી.”
એસ. હુસૈન ઝૈદી દ્વારા લિખિત ”મ્અષ્ઠેઙ્મટ્વ ર્ મ્ટ્વહર્ખ્તા” નામના તાજેતરમાં પ્રગટ થયેલા પુસ્તકના આ કેટલાક અંશ છે. આ પુસ્તક હાર્પર કોલીન્સે પ્રગટ કર્યું છે.
આજે છોટા રાજન ક્યાં છે તેની કોઈને ખબર નથી.

Comments are closed.