રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ
અનેક નેતાઓ સામે એક ‘આમ આદમી‘

અરવિંદ કેજરીવાલે માત્ર દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડીને કોંગ્રેસ અને ભાજપા બેઉ પક્ષો માટે સનસનાટી સર્જી દીધી છે. ભાજપાએ રાજસ્થાન, મધ્યપ્રદેશ, અને છત્તીસગઢમાં સારો દેખાવ કર્યો હોવા છતાં દેશના હાર્દ સમા પાટનગર દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ ભાજપાની લગોલગની બેઠકો હાંસલ કરીને ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓ માટે ભાજપાને વિચારતો કરી દીધો છે. એ વાત સ્પષ્ટ છે કે દેશના લોકો મોંઘવારી અને ભ્રષ્ટાચારથી ત્રસ્ત હતા અને કોંગ્રેસનો વિકલ્પ શોધી રહ્યા હતા ત્યારે લોકો પાસે બે જ વિકલ્પ હતા.

ભાજપા અને આમ આદમી પાર્ટી. જ્યાં આમ આદમી પાર્ટી નહોતી ત્યાં લોકોએ ભાજપાને વિકલ્પ તરીકે પસંદ કર્યો, પરંતુ જ્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો હતા ત્યાં માત્ર ૧૩ જ મહિનામાં બાળક જેવી આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં ૨૮ બેઠકો હાંસલ કરી કોંગ્રેસને તો પરાસ્ત કરી જ પણ સાથે સાથે દિલ્હીમાં ભાજપાના વિજયરથને રોકી દીધો. દિલ્હીમાં આમ આદમી પાર્ટી ભાજપા પછી બીજા નંબરે હોવા છતાં તેણે ૩૦ ટકા મત હાંસલ કરી દીધા છે. દિલ્હીમાં સત્તા હાંસલ કરવા માટે કોઇ જ ઉતાવળ ના કરવાની નીતિ અપનાવીને બીજા પક્ષોને પણ એમ કરવા મજબૂર કરી દીધા છે.

મોટી રેલીઓ નહીં

આમ આદમી પાર્ટીએ કોઈ મોટી રેલીઓ કરી નહોતી. કોઈ મોટાં વિજ્ઞાપનો કર્યાં નહોતાં. ન્યૂઝ ચેનલ્સ પર અરવિંદ કેજરીવાલનાં તમામ ભાષણોનું લાઈવ કવરેજ કરવામાં આવ્યું નહોતું. એથી ઊલટું, દારૂની બોટલો અને પૈસા ના વહેંચાય તે માટે ઠેર ઠેર સીસીટીવી કેમેરા લગાડી દીધા હતા. અરવિંદ કેજરીવાલ સામાન્ય લોકોની વસાહતોના અને ઝૂંપડીઓના વિસ્તારમાં પગે ચાલીને ફર્યા હતા. કેજરીવાલ પાસે નહોતાં ચાર્ટર્ડ વિમાનો કે નહોતાં હેલિકોપ્ટર્સ. કેજરીવાલ પાસે કમાન્ડોઝની કોઈ સુરક્ષા નહોતી. ઝેડ કે વાય કેટેગરીનું સુરક્ષાચક્ર પણ નહોતું. તેઓ નાનકડી અલ્ટો કારમાં જ ફરતા હતા.

કોર્પોરેટ વર્લ્ડનો સાથ નહીં

વસ્ત્રો પણ સાદાં હતાં. પોતાની ડ્રેસ સેન્સ માટે તેઓ જરા પણ સભાન નહોતા. ઇન કરેલા શર્ટની ઉપર એક સાદું સ્વેટર પહેરીને ફરતા હતા. તેમના શર્ટનો એક કોલર સ્વેટરની અંદર જ રહી ગયો હોય અને બીજો કોલર બહાર હોય પણ તેની પરવા કર્યા વિના એક સામાન્ય માનવીની જેમ સામાન્ય માણસોને મળતા હતા. કેજરીવાલને દેશના કોર્પોરેટ વર્લ્ડનો કોઈ જ સાથ નહોતો. અલબત્ત, મીડિયા તેમની નોધ લેતું હતું અને તે પણ પ્રમાણસર. આ બધું હોવા છતાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ એક જ વિધાનસભા ક્ષેત્રની ચૂંટણી લડીને દેશના બે મોટા રાષ્ટ્રીય પક્ષો અને કોમ તથા જ્ઞાતિ આધારિત બીજા પ્રાદેશિક પક્ષોને હચમચાવી દીધા છે.

કોમ-જ્ઞાતિવાદ નહીં.

આમ આદમી પાર્ટીની દિલ્હીની જીતે એ દર્શાવ્યું છે કે, દેશની કોમ અને જ્ઞાતિ આધારિત રાજકીય પાર્ટીઓની સામે રાષ્ટ્રીય રાજનીતિમાં હવે કોમ અને જ્ઞાતિના આધાર વગરની રાજકીય પાર્ટી માટે પણ હવે જગ્યા છે. આમ આદમી પાર્ટી દિલ્હીનાં પરિણામો બાદ ૨૦૧૪માં આવી રહેલી લોકસભાની ચૂંટણીઓ માટે પણ તૈયારીઓ કરવા માંડી છે. દેશના મોટા અને નાના ૩૮૦ જેટલા જિલ્લાઓમાં પાર્ટી પોતાનું સંગઠન ગોઠવી રહી છે. જો એમ થાય તો ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દેશનાં કેટલાંક શહેરોમાંથી ૪૦ની આસપાસ બેઠકો જીતી શકે તેમ છે. આ રીતે તે કોંગ્રેસને તો નુકસાન કરી શકે છે, પરંતુ ૨૦૧૪માં દિલ્હીની ગાદી સર કરવા માંગતા ભાજપાના ઇરાદાને પણ એટલું જ નુકસાન પહોંચાડી શકે છે. એ વાત નક્કી છે કે ૨૦૧૪માં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભાજપા દેશમાંથી ૨૦૦ બેઠક પર જીતી જાય તો તે સ્થિર સરકાર આપી શકે તેમ છે, પરંતુ તે માટે ભાજપાએ જે બેઠકો દિલ્હીમાં ગુમાવી છે તે ભૂમિ નરેન્દ્ર મોદીએ જીતવી પડે. બીજી શક્યતા એ છે કે ભાજપા જો ૧૫૦થી ૧૬૦ બેઠકો પર જીતે તો તે સરકાર તો રચી શકે, પરંતુ તે પાંચ વર્ષ પૂરાં કરી શકે કે કેમ તે એક પ્રશ્ન છે. ત્રીજી શક્યતા એ છે કે ૨૦૧૪માં ત્રીજો મોરચો ભાજપાના ટેકાથી સરકાર રચે તો તેનું આયુષ્ય અલ્પજીવી જ હશે. તાજેતરમાં નરેન્દ્ર મોદીની જબરદસ્ત મહેનતથી ભાજપાએ સુંદર દેખાવ કર્યો છે, પરંતુ અરવિંદ કેજરીવાલે ભાજપાની એ વિજયપતાકામાં થોડીક ખટાશ ઉમેરી દીધી છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ૨૦૧૪માં દેશમાં સરકારની રચના થશે એવી આશાએ શેરબજાર ઊંચકાયું છે, પરંતુ અરવિંદ કેજરીવાલના પરિબળને ધ્યાનમાં રાખીને તેમણે તેમના ઉત્સાહમાં સંયમિત થવાની જરૂર છે. આમ આદમી પાર્ટીનો રાજકીય ઉદય એ કોંગ્રેસ-ભાજપા અને શેરબજાર માટે સારા સમાચાર નથી, કારણ કે આમ આદમી પાર્ટીના ઉદયના કારણે હવે ભ્રષ્ટાચારને રોકવા માટેના લોકપાલ બિલને અગ્રતા અપાશે. લોકપાલ બિલ વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને તેમને મદદ કરતા ભ્રષ્ટ અધિકારીઓને મદદરૂપ થાય તેવું નહીં હોય.

નેતા નહીં પણ એક્ટિવિસ્ટ

એક વાત નેતાઓ અને અધિકારીઓએ સમજી લેવાની જરૂર છે કે અરવિંદ કેજરીવાલની રાજકીય કારકિર્દીનો જન્મ જ અણ્ણા હજારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાંથી થયો છે. તેઓ કોઈ જમાનામાં ઇન્કમટેક્ષ કમિશનર હતા અને ભ્રષ્ટાચારનો વિરોધ કરવા જ તેઓ રાજનીતિમાં આવ્યા છે. તેઓ ચીલાચાલુ રાજકારણી નથી, બલકે એક્ટિવિસ્ટ છે.

અરવિંદ કેજરીવાલ સ્વયં દિલ્હીના ગાઝિયાબાદ વિસ્તારમાં આવેલા ચાર રૂમના ફ્લેટમાં રહે છે. જ્યાં કોઈ લક્ઝુરિયસ ફર્નિચર નથી. સેન્ટ્રલી એરકંડિશન્ડ આશિયાનો નથી. આ ઘરમાં જ તેમના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનની શરૂઆત થઈ હતી.

 તેમનું ઘર જ તેમની એનજીઓ-પરિવર્તનની કચેરી હતું. શરૂઆતમાં તેઓ અણ્ણા હજારે સાથે જોડાયા હતા. કેજરીવાલને લાગ્યું કે રાજનીતિમાં ગયા વિના પરિવર્તન લાવી શકાશે નહીં તેથી તેમણે આમ આદમી પાર્ટી શરૂ કરી. એ વખતે અણ્ણા હજારેએ પણ તેમનો સાથ છોડી દીધો હતો, પરંતુ હવે કેજરીવાલ એ સામાન્ય લોકોની પસંદગીના માણસ બની ગયા છે. ૨૦૧૧માં કોમનવેલ્થ ગેઇમ્સ અને ટુજી સ્પેક્ટ્રમનાં કૌભાંડો પ્રકાશમાં આવ્યા બાદ ભ્રષ્ટાચાર વિરોધી એક્ટિવિસ્ટ તરીકે કેજરીવાલ ઉપસી આવ્યા છે. કેજરીવાલે આ કક્ષા સુધી પહોંચવા સખત પરિશ્રમ કર્યો છે. રાત-દિવસના ઉજાગરા કર્યા છે. દેશમાં વધતી મોંઘવારી અને ભાવવધારાએ તેમને મદદ કરી છે. ઝાડુનું ચૂંટણી પ્રતીક મેળવીને તેઓ ગરીબોના માણસ તરીકે ખ્યાતિ પામ્યા છે. તેમના કેટલાક સાથીઓ સાથે સ્ટિંગ ઓપરેશન થયું તે જ દર્શાવે છે કે અન્ય પક્ષો અને તેમના હરીફોએ તેમને ગંભીરતાથી લીધા છે. અરવિંદ કેજરીવાલના ઉદયે નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીને પણ વિચારતા કરી દીધા છે. તેઓ વિચારતા થયા ના હોત તો તેમણે અરવિંદ કેજરીવાલના રાજકીય ઉદય અંગે વધુ ગંભીરતાથી વિચારવું પડશે. જેને પદની મહત્ત્વાકાંક્ષા હોતી નથી તે સહુથી વધુ ડેન્જરસ માણસ હોય છે. અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રીપદની કે વડાપ્રધાન પદની કોઈ મહત્ત્વાકાંક્ષા નથી. તેઓ તડજોડના રાજકારણ નથી. સત્તા માટે કાંઈ પણ કરવા તૈયાર નથી. તેઓ વિચારક છે અને બાઈબલની એક કહાણીમાં ક્વીન શીબા કહે છે શસ્ત્ર ધારણ કરનાર વ્યક્તિ કરતાં ચોક્કસ વિચારધારા ધરાવતો માણસ વધુ શક્તિશાળી હોય છે. તેને હંફાવી શકાય નહીં. ગાંધીજી વિચારધારાના માણસ હતા. અબ્રાહમ લિંકન વિચારધારાના માણસ હતા. માર્ટિન લ્યુથર વિચારધારાના હતા. કાર્લ માર્ક્સ વિચારધારાના માણસ હતા. જયપ્રકાશ નારાયણ વિચારધારાના માણસ હતા. એ બધાની સરખામણીમાં અરવિંદ કેજરીવાલ ભલે નાના હોય પરંતુ વિચારધારાના માણસ છે. આવા લોકોને હંફાવવા મુશ્કેલ હોય છે.

તૂં તૂં મૈં મૈં નહીં

છેલ્લી ચૂંટણીઓમાં દેશના મોટા મોટા પક્ષના નેતાઓ વચ્ચે જે તૂં તૂં મૈં મૈં જોવા મળ્યું તે કલ્ચર અરવિંદ કેજરીવાલનું નથી. વ્યક્તિગત આક્ષેપો થયા એ કલ્ચર અરવિંદ કેજરીવાલનું નથી. માનવ ભીડ એકત્ર કરવા માટે જે પ્રયાસો થયા તે કલ્ચર કેજરીવાલનું નથી. લોકોએ સ્વયંભૂ રીતે કેજરીવાલને સાથ આપ્યો છે એમાં કોઈ શંકા નથી કે અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટી એ સાચા અર્થમાં પાર્ટી વિથ ડિફરન્સ છે.

અને બીજું સત્ય એ પણ છે કે અરવિંદ કેજરીવાલની પાર્ટીમાં બધા જ કેજરીવાલ નથી. 
www.devendrapatel.in