Devendra Patel

Journalist and Author

Month: July 2013 (Page 2 of 2)

ઝૂંપડામાં ઉછરેલો રવિ આઈ.એફ.એસ. થયો

જૂનાં પુસ્તકો વાંચી, ફાનસનાં અજવાળે રવિ કારખાનામાં મજૂરી કરીને ભણ્યો

મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાનું રાંગણા તુળસુળી ગામ. નિગમની એસ.ટી. બસ હજુએ ગામમાં પહોંચી નહોતી. વીજળીના થાંભલા હજુ ઊભા થયા નહોતા. આવા ગામમાં રવિ કિરણનો જન્મ થયો, ઉછર્યો અને કેરોસીનના દીવા નીચે ભણ્યો. કોંકણના એક ઝૂંપડાંમાં રહ્યો. ફાટેલી છતમાંથી ફેલાતાં સૂર્ય કિરણોનું સ્થાન વરસાદી પાણીની ધારાઓ લેતી. ડાળના પાણીને ઝીલવા નીચે વાસણો મૂકવાં પડતાં.

ઝૂંપડામાં ઉછરેલો રવિ આઈ.એફ.એસ. થયો

રવિ કિરણ પહેલા ધોરણમાં હતો ત્યારે એના ઘરથી દૂર બે કિલોમીટર સુધી ચાલીને પ્રાથમિક શાળામાં ભણવા જવું પડતું. બપોરે જમવા ઘરે આવતો. જમીને ફરી સ્કૂલે જતો. એ આ રીતે રોજ એણે આઠ કિલોમીટર ચાલવું પડતું. પાંચમા ધોરણમાં દૂરની સ્કૂલમાં જવા એણે રોજ ૧૪ કિલોમીટર ચાલવું પડતું, જૂનાં પુસ્તકો પણ અડધી કિંમતે બજારમાંથી ખરીદતો છતાં ૭૯ ટકા માર્કસ સાથે પાસ થયો.

રવિ કિરણનો મોટો ભાઈ ઓટોરિક્ષા ચાલક. બીજો ભાઈ ચોકીદાર. ત્રીજો ભાઈ બસ કંડકટર. બધાં જ ભાઈ-બહેનોની ઈચ્છા કે આપણો રવિ ભણે ને મોટો માણસ થાય. ઘરમાં બીજું કોઈ ભણેલું નહોતું. તેના દાદા પણ ઇચ્છતા હતા કે, એક છોકરો તો ભણીને મોટો સાહેબ થાય. કુંડાવની વિજ્ઞાાન કોલેજમાં એણે પ્રવેશ લીધો. આગળ ભણવા એણે ઘર છોડયું. દૂર એક ખાંડનું કારખાનું હતું. ત્યાં ”કમાવ અને ભણો” કાર્યક્રમ ચાલી રહ્યો હતો. રવિએ ઘરમાં કોઈને કહ્યા વગર ખાંડના કારખાનામાં મજૂરી શરૂ કરી અને તેમાંથી જે કમાય તેની તે ફી ભરતો, પણ તે રકમ પર્યાપ્ત નહોતી તેનો ઓટો રિક્ષાચાલકભાઈ તથા કંડકટર ભાઈ પણ પૈસા મોકલતા. ખૂબ પરિશ્રમ કરીને તે બોટની વનસ્પતિ વિજ્ઞાાનમાં બીએસ.સી. થયો. એ જ રીતે મહેનત કરીને શિવાજી યુનિવર્સિટી દ્વારા એણે એમ.એસસી.કર્યું. આ જ ગાળામાં એક વિક્રમ નોંધાયો. પાણીમાં વૃદ્ધિ પામનાર એક દુર્લભ વનસ્પતિ- ”એપોનોજેટોન બ્રુગેની” શોધાઈ. આ દુર્લભ વનસ્પતિની શોધ રવિકિરણના નામે મૂકવામાં આવી.

પણ એના પેટની આગ હજુ બુઝાઈ નહોતી. એમએસ.સી કરતાં કરતાં એણે ‘ગેટ’ની પરીક્ષા આપી અને પહેલાં પ્રયાસે પાસ થયો. એણે ‘નેટ- સેટ’ની પરીક્ષાની તૈયારી કરવા પૂણેનો માર્ગ લીધો. શરૂઆતમાં એક મિત્રની રૂમ પર રહ્યો. તે પછી એક મંડપવાળાની ઓફિસમાં રહી ભણવા લાગ્યો. કાર્યાલયમાં કોઈ કાર્યક્રમ હોય કે લગ્નનો સરસામાન પ્રવેશે એટલે રવિકિરણે પુસ્તકોના ઉચાળા સાથે બહાર નીકળી જવું પડતું. મેડિકલ કોલેજની લાઈબ્રેરીના કોઈ ખૂણામાં બેસીને વાંચતો. સાથે એ બીક રહેતી કે કોઈ ગમે ત્યારે બહાર કાઢી મૂકશે. આશ્રય વિનાનો હોવા છતાં રવિ કિરણે બાજી મારી. તે સેટ- નેટની પરીક્ષામાં પાસ થયો.

આ સફળતાથી તેનો આત્મવિશ્વાસ વધ્યો. કોઈ પણ સંસ્થા કે કોલેજમાં તે અરજી કરે એટલે તરત જ નોકરી મળી જાય તેવી આ સફળતા હતી. તેનો ગુણવત્તા ભર્યો બાયોડેટા લઈ ગર્વભેર અનેક સંસ્થાઓમાં ગયો પણ ૪૩ વારના પ્રયાસ છતાં એને કોઈએ પણ નોકરી ના આપી. પોતાને શા માટે નકારવામાં આવે છે એ પ્રશ્નનો જવાબ એને મળતો નહોતો. તે અસ્વસ્થ થઈ જતો. યુજીસીના નિયમો અનુસાર તે એક માત્ર પાત્ર અને લાયક ઉમેદવાર હતો. તેનો બાયોડેટા જોઈ મુલાકાત લેનારા તેના વખાણ કરતા પણ નોકરી બીજાને આપી દેતા. આ બધું રવિકિરણ માટે આઘાત જનક હતું. ઈન્ટરવ્યૂ લેનારા મોટા માણસો હતા. તેમના ચહેરા તેણે અનેકવાર અખબારોમાં જોયા હતા પરંતુ અહીં તેમના મૂલ્યો કોઈ જુદાં જ હતાં.

રવિકિરણ હવે ભાંગી પડયો હતો. નિરાશાથી તે ઘેરાઈ ગયો હતો. તો તણે પીએચ.ડી.નું પણ એક વર્ષ પૂરું કરી દીધું હતું. પીએચ.ડી. કરવા માટે તેને કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચની શિષ્યવૃત્તિ મળી હતી. પીએચ.ડી પૂરું કરવા તે દિલ્હી ગયો. તેણે ભારતીય કૃષિ અનુસંધાન કેન્દ્ર પુસામાં જેનેટિક એન્જિનિયરિંગ પર સંશોધન શરૂ કર્યું. અહીં તેને એક મિત્ર મળી ગયો. જેનું નામ સુભાષ કાલવે. સુભાષ કાલવે યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરતો હતો. રવિકિરણને યાદ આવી ગયું કે તેના દાદાએ એક વખતે પૌત્રને યુપીએસસીની પરીક્ષા આપવા સલાહ આપી હતી. યુપીએસસીની તૈયારી કેવી રીતે કરવી તે વિષય પર છપાયેલા એક લેખની કતરણ પણ તેના દાદાએ રવિને મોકલી આપી હતી. સુભાષ કાલવેએ રવિકિરણને યુપીએસસીની સ્પર્ધાત્મક પરીક્ષા આપવા અને તેની તૈયારી કરવા સલાહ આપી. પરંતુ રવિકિરણ પાસે મોઘાં પુસ્તકો ખરીદવા પૈસાા નહોતા. કલાસીસની મોંઘી ફી માટે પૈસા નહોતા તેમ છતાં સુભાષ કાલવેએ નાણાંની તંગી ભૂલી જઈ રવિકિરણ પાસે જબરદસ્તીથી યુપીએસસીની પરીક્ષાનું ફોર્મ ભરાવરાવ્યું. બજારમાંથી જૂની ચોપડીઓ લઈ આવ્યો. એ વાંચીને બોટનીના વૈકલ્પિક વિષય સાથે રવિકિરણે યુપીએસસીની પૂર્વ પરીક્ષા આપી, અને પાસ થઈ ગયો હવે મુખ્ય પરીક્ષા માટે તૈયારીઓ કરવા માંડયો ૯૫૦ની આસપાસ માર્કસ મળ્યા પણ મુલાકાતનો કોલ ખોવાઈ ગયો હતો. તે ફરી પાછો મુંબઈ પહોંચ્યો.

મુંબઈ પહોંચી એસઆઈ એસીમા પ્રવેશ મેળવ્યો. ટયૂશન કરતો રહ્યો અને બાકીના સમયમાં યુપીએસસીની ફરીથી પરીક્ષા આપવાની તૈયારી કરતો રહ્યો. દરમિયાન મહારાષ્ટ્ર સરકારના જાહેર સેવા આયોગની પરીક્ષા પણ તેણે પાસ કરી લીધી. તેને મામલતદારની નોકરી મળી પણ રવિની આ સફળતા ઈચ્છિત નહોતી.

એ જ વર્ષે એણે ફરી યુપીએસસીની પરીક્ષા આપી. મુખ્ય પરીક્ષામાં પાસ થયો પણ મૌખિક ઈન્ટરવ્યૂમાં ફાવ્યો નહીં! એ દરમિયાન યુપીએસસીની વનસેવા માટેની જાહેરાત પ્રસિદ્ધ થઈ. વન અને વનસ્પતિને તો તે પહેલાંથી તે જાણતો હતો. એણે ધ્યાનપૂર્વક ફોર્મ ભર્યું. એણે પૂરી તૈયારીઓ કરી લીધી. લેખિત મુખ્ય પરીક્ષામાં પાસ થઈ ગયો. મૌખિક મુલાકાતનો કોલ આવ્યો. મૌખિક ઈન્ટરવ્યૂમાં પણ પાસ થઈ ગયો. રવિકિરણની ગોવેકરની ભારતીય વનસેવા આઈ.એફ.એસ. માટે પસંદગી થઈ. એને કેડર પણ મળી મહારાષ્ટ્ર. સફળતાનું પરિણામ આવ્યું ત્યારે તે ખૂબ નાચ્યો. સફળ થતાં થતાં સંઘર્ષ પણ એટલો જ એના ભાગે આવ્યો હતો. પરિવારની ઈચ્છા હતી કે તેમનો રવિકિરણ એક દિવસ ‘સરકારી સાહેબ’ થઈ જાય અને રવિકિરણ તે થઈ ગયો. ખૂબીની વાત એ છે કે રવિકિરણ એના સંઘર્ષની વાત ક્યારેય કોઈને કરતો નહીં.

ભારતીય વનસેવા અધિકારીઓનું પ્રશિક્ષણ ત્રણ વર્ષનું હોય છે તે માટે મસૂરી, દહેરાદૂન જઈ અભ્યાસ અને તાલીમ લેવાના હોય છે. તેમાં વન, વન્યજીવન, વન્યજળ સંબંધી, કાયદા, વનસંવર્ધન, અર્થશાસ્ત્ર, ભૂવિજ્ઞાન, વનસ્પતિશાસ્ત્રથી માંડીને કુલ ૩૩ વિષયોનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. ઘોડેસવારી અને તરવાનું પણ શીખવું પડે છે. આંદામાનથી લડાખ સુધી અને કચ્છથી માંડીને અરુણાચલ સુધીના પ્રદેશો પ્રશિક્ષણ દરમિયાન ખૂંદવા પડે છે. યુપીએસસી દ્વારા આઈ.એફ.એસ. થવું એક સન્માનપાત્ર હોદ્દો છે અને રવિકિરણે એ મેળવી લીધો.

આમેય તે વનમાં ઉછરેલો માણસ છે. એક ઝૂંપડાંમાં તે ઉછર્યો છે. ઝૂંપડામાં નીતરતા વરસાદનાં પાણી એણે વાસણોમાં ઝીલ્યાં છે. ફાનસના અજવાળે તે ભણ્યો છે પરંતુ હવે વન, વન્ય જીવન અને વનસ્પતિ નષ્ટ થઈ રહ્યાં છે અને વન પ્રદેશમાં નકસલવાદ વકરી રહ્યો છે ત્યારે આઈ.એફ.એસ. રવિકિરણ આ બધા પ્રશ્નો માટે સાથે જ આશાનું એક કિરણ છે.

ફારુક નાઈકવાડે લિખિત અને મોહન મંદાની અનુવાદિત પુસ્તક ”સ્ટીલ ફ્રેમ’માં સંઘર્ષ કરીને આઈ.એફ.એસ. થયેલા રવિકિરણની વાત સુંદર રીતે કંડારવામાં આવી છે.

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

ભટીંડાથી ઊપડતી ટ્રેન કેન્સર એક્સપ્રેસ

રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ.
રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગથી પંજાબ વિનાશના માર્ગે

પંજાબમાં ભટીંડા નામનું એક રેલવે સ્ટેશન છે. રાતના નવ વાગ્યાનો સમય છે. રેલવે સ્ટેશન પર સંખ્યાબંધ મુસાફરો ટ્રેન આવવાની રાહ જોઈ રહ્યા છે. રેલવે સ્ટેશન પર બેઠેલાં મોટા ભાગના ઉતારુઓની આંખોમાં મોતના ઓછાયા છે. કોઈનાયે ચહેરા પર નૂર નથી. કોઈ ઊભા થઈ શકતા નથી. કોઈ ચાલી શકતા નથી. કોઈ બાંકડા પર જ ફરતા છે. કોઈ નીચે સૂતા છે. એ બધા માનવદેહો જીવતી લાશો છે. એ લોકો જે ટ્રેનની રાહ જુએ છે તે ટ્રેનનું નામ કેન્સર એક્સપ્રેસ છે.

ભટીંડાથી ઊપડતી ટ્રેન કેન્સર એક્સપ્રેસ

આ વર્ણન આલ્ફ્રેડ હિચકોકની કોઈ સસ્પેન્સ ફિલ્મનું નથી. પંજાબ કે જે જળ, ઘઉં અને બીજી બધી જ રીતે સમૃદ્ધિથી છલકાતો પ્રાંત છે તે આજે દેશમાં સહુથી વધુ કેન્સરના દર્દીઓનો પ્રદેશ બની ગયો છે. ભટીંડાથી એક ટ્રેન ૩૨૬ કિલોમીટરનું અંતર કાપીને રાજસ્થાનના બિકાનેર સુધી પહોંચે છે. બિકાનેર પહોંચતા આ ટ્રેનને સવારના પાંચ વાગી જાય છે. આ ટ્રેનનું અધિકૃત નામ કેન્સર એક્સપ્રેસ નથી, પરંતુ તેમાં મુસાફરી કરતાં ૭૦ ટકા મુસાફરો કેન્સરના દર્દી હોઈ એ ટ્રેનનું નામ કેન્સર એક્સપ્રેસ પડી ગયું છે.

બિકાનેર તરફ

ભટીંડા-પંજાબથી ઊપડતી આ ટ્રેન બિકાનેર પહોંચે છે અને તેમાં ઊતરતાં મોટાભાગના ઉતારુઓ બિકાનેરની એક કેન્સર હોસ્પિટલ ભણી પ્રયાણ કરે છે. એ હોસ્પિટલનું નામ આચાર્ય તુલસી રિજિયોનલ કેન્સર ટ્રીટમેન્ટ એન્ડ રિસર્ચ સેન્ટર છે. આ ટ્રેનમાં બેસતાં ઉતારુઓ માત્ર ભટીંડા વિસ્તારના જ હોતા નથી. તેમાં પંજાબના માલવા વિસ્તારના ૨૦ જેટલા જિલ્લાઓમાંથી આવતા કેન્સરના દર્દીઓ હોય છે. આ વિસ્તાર પંજાબનો ૬૦ ટકા વિસ્તાર આવરી લે છે. આ બધા ઉતારુઓ માટે આ ટાળી ના શકાય તેવો પ્રવાસ છે, કારણ કે પંજાબ માટે કેન્સરની શ્રેષ્ઠ સારવાર માટે બિકાનેરની આ કેન્સર હોસ્પિટલ જ નજીકનું ડેસ્ટિનેશન છે.

આચાર્ય તુલસી એક જૈન ધર્મગુરુ હતા અને આખા દેશના જૈનો તેમના પ્રત્યે આદર ધરાવતા હતા. તેમના નામ સાથે આ કેન્સર હોસ્પિટલનું નામ જોડવામાં આવેલું છે. આ હોસ્પિટલને અપાતી સારવાર સામાન્ય અને ગરીબ દર્દીઓને પોસાય તેવી હોઈ અહીં આવતા દર્દીઓની સંખ્યા વધુ છે.

કેન્સર બેલ્ટ

પંજાબનું ભટીંડા એ માલવાનું હૃદય ગણાય છે. કમનસીબી એ છે કે પંજાબ સમૃદ્ધ છે પણ ભટીંડા ગરીબ છે. આ વિસ્તાર કેન્સર બેલ્ટ તરીકે ઓળખાય છે. પોસ્ટ ગેજ્યુએટ ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ચંદીગઢે કરેલા એક સંશોધનાત્મક અભ્યાસ અનુસાર પંજાબના બીજા બધા વિસ્તારો કરતાં ભટીંડા માલવા વિસ્તારમાં કેન્સરના દર્દીઓનું પ્રમાણ ઘણું વધારે છે. પંજાબના બીજા વિસ્તારોના કેન્સરથી થતાં મૃત્યુનું પ્રમાણ દર એક લાખની વસતીએ ૩૦ વ્યક્તિઓનું છે. જ્યારે માલવા ભટીંડા વિસ્તારમાં કેન્સરથી થતા મૃત્યુનું પ્રમાણ દર એક લાખની વસતીએ ૫૧ વ્યક્તિઓનું છે.

પંજાબના ભટીંડાથી ઊપડતી આ ટ્રેન ૩૩૯ જેટલા ઉતારુઓને અપહૃત થયેલી વ્યક્તિઓની જેમ બિકાનેર લઈ જતી હોય તેમ લાગે છે. તેમાં ૭૦ ટકા ઉતારુઓ કેન્સરના હોઈ ડોક્ટરોએ ટ્રેનને સ્વચ્છ રાખવા તથા ટ્રેનમાં ઉતારુઓને સ્વચ્છ પાણી પૂરું પાડવા સલાહ આપી છે.

હવે લાલ ક્રાંતિ

છેક ૧૯૬૦ની સાલથી પંજાબમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ હતી. એ પછી પંજાબ આખા દેશને ઘઉં પૂરું પાડનાર બ્રેડ બાસ્કેટ સેટ બની ગયું હતું. પંજાબે લેટેસ્ટ ટેકનોલોજી અપનાવી હતી. મોટાં ટ્રેક્ટરો, દવાઓ, ખાતર, ઘઉં લણવાનાં થ્રેસર્સથી માંડીને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો. દેશને જોઈતું ૯૫ ટકા અનાજ એકમાત્ર પંજાબ પૂરું પાડનાર સ્ટેટ બની ગયું હતું, પરંતુ હરિયાળી ક્રાંતિની અંધારી બાજુ વધુ ખતરનાક સાબિત થઈ. પંજાબના ખેડૂતોએ પાણીનો બેફામ ઉપયોગ કર્યો. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો બેફામ ઉપયોગ કર્યો. એના કારણે તેનું ભૂગર્ભજળ ઝેરી બની ગયું. અનાજ ઝેરી બની ગયું.

પશુઓ માટેનું ઘાસ પણ ઝેરી બની ગયું. એક સર્વેક્ષણ મુજબ એકમાત્ર માલવા વિસ્તાર જ આખા પંજાબમાં વપરાતા જંતુનાશકોનો ૭૫ ટકા જથ્થો વાપરી નાંખે છે. એટલું જ વધુ પડતું રાસાયણિક ખાતર વાપરે છે. હરિયાળી ક્રાંતિમાં આટલું બધું પાણી વાપરવાનું હોતું નથી. પાણીનો પણ સંયમપૂર્વક ઉપયોગ કરવાનો હોય છે. અમેરિકાની ઓહાયો યુનિવર્સિટીના સોઈલ સાયન્ટિસ્ટ રતનલાલે પંજાબ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં જઈ અભ્યાસ કરી એવું તારણ કાઢયું છે કે પંજાબના ખેડૂતોએ બેફામ પાણી, રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કરી જમીન અને માનવીઓ માટે મોત નોતર્યું છે.

જમીન પણ ખતમ

હવે પરિસ્થિતિ એવી થઈ છે કે પંજાબની જમીનને રાસાયણિક ખાતરોનું એડિક્શન થઈ ગયું છે. એ જમીનમાં રાસાયણિક ખાતરો નાંખો તો કાં પાકે જ નહીં. એ જમીનમાં કુદરતી તત્ત્વો ખતમ થઈ ચૂક્યાં છે. રાસાયણિક ખાતર કેટલું વાપરવું જોઈએ તે માટે રાષ્ટ્રીય કક્ષાએ એક ધોરણ નક્કી કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય માનસ અનુસાર રાસાયણિક ખાતર એક હેક્ટરે ૯૦ કિલોગ્રામ છે,પરંતુ પંજાબમાં તેનો વપરાશ પ્રતિ હેક્ટર ૧૭૭ કિલોગ્રામ છે. પરિણામે પરિસ્થિતિ હવે એવી ઊભી થઈ છે કે અનાજની વાત તો બાજુએ રાખો, પંજાબમાં પશુઓનું ઘાસ પણ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ વિના ઊગતું નથી. આ એક ભયાનક પરિસ્થિતિ છે. અભણ અને ઓછું ભણેલા ખેડૂતોના હાથમાં લેટેસ્ટ ટેકનોલોજી મૂકી દેવાથી પ્રમાણભાન સચવાયું નથી. વિશ્વભરમાં પ્રતિબંધ છે તેવી ખતરનાક દવાઓ ભારતનાં બજારોમાં આસાનીથી ઉપલબ્ધ છે. કેટલીયે મલ્ટિનેશનલ કંપનીઓ ભારત દ્વારા જ અબજો ડોલર કમાય છે. ઇંગ્લેન્ડ યુનિવર્સિટી ઓફ ઓકસ્ટરના વૈજ્ઞાનિક રેઝ તિરાડો કહે છે કે રાસાયણિક ખાતરોમાં રહેલા નાઈટ્રેટ પોલ્યુશનની બાળકોને સહુથી વધુ અસર થાય છે. બાળકો નવ વર્ષની વયના થતાં જ અશક્ત થવા લાગે છે. પંજાબના ઝાંઝલ નામના ગામની ૩૫૦૦ની વસતીમાં ૨૦ બાળકો જન્મતાં જ આવી બીમારીનો ભોગ બન્યાં છે.

દવા છાંટતાં જ મૃત્યુ

નિષ્ણાતો કહે છે કે કેન્સરને કોઈ એક પરિબળ સાથે જોડી શકાય નહીં, પરંતુ કેટલાંક રાસાયણિક ખાતરો અને રાસાયણિક જંતુનાશકોના ક્રોનિક ટોક્સિન્સ ઉપલબ્ધ હોય છે. ભટીંડાની એક હોસ્પિટલના આંકડા અનુસાર અહીંની એક સ્થાનિક હોસ્પિટલમાં જ ૨૦૦૪થી ૨૦૦૮ સુધીમાં જંતુનાશક દવાઓ છાંટતી વખતે જ ૬૧ જેટલાં લોકો મૃત્યુ પામ્યા હતા. હવે આ જંતુનાશકો અનાજમાં પ્રવેશી ચૂક્યા છે. પંજાબમાં વપરાતા જંતુનાશકોમાંથી કેન્સરજન્ય તત્ત્વો મળ્યાં છે. આ તત્ત્વો હેપ્ટાક્લોરા અને ઇથિયોન તરીકે ઓળખાય છે. હવે આ તત્ત્વો અનાજ ઉપરાંત પશુઓ માટેનાં ઘાસ, પશુઓનાં દૂધ, શાકભાજી અને સ્ત્રીના દૂધમાં પણ પ્રવેશી ચૂક્યાં છે. ૨૦૦૭ની સાલમાં આ ગંભીર પરિસ્થિતિના અભ્યાસ માટે એક નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી હતી, પરંતુ એણે કાંઈ જ ફલશ્રુતિ આપી નથી.

દેશની સરકાર, પંજાબની સરકાર અને બધી જ પોલિટિકલ પાર્ટીઓને સત્તા કબજે કરવાની રમતોમાંથી આ ગંભીર પરિસ્થિતિ પ્રત્યે ધ્યાન આપવાનો સમય જ નથી. ભટીંડાથી ઊપડતી ટ્રેન કેન્સર એક્સપ્રેસમાં ચઢતાં કેન્સરના દર્દથી પીડાતા દર્દીઓની સંખ્યા વધતી જાય છે. હવે જે કાંઈ ઘટતું હોય તો તે પંજાબમાં અનાજનું ઉત્પાદન પ્રતિવર્ષ ઘટી રહ્યું છે. એક દિવસ એવો આવશે કે પંજાબનું અનાજ ઉત્પાદન ઝીરો થઈ જશે અને કેન્સર એક્સપ્રેસમાં મુસાફરી કરતા કેન્સરના દર્દીઓનું પ્રમાણ ૧૦૦ ટકા થઈ જશે. ગુજરાત ચેતે.

www.devendrapatel.in

Page 2 of 2

Powered by WordPress & Theme by Anders Norén