Devendra Patel

Journalist and Author

Date: May 27, 2013

લુપ્ત થઈ રહેલી નદીઓ, દેશની ૨૭ નદીઓ સુકાઈ રહી છે

લુપ્ત થઈ રહેલી નદીઓ, દેશની ૨૭ નદીઓ સુકાઈ રહી છે
રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ

ગોદાવરી નદીની આ બન્ને તસવીરો છે. એક સમયે ખળખળ વહેતી ગોદાવરી આજે સૂકીભઠ્ઠ છે.

કહેવાય છે કે વિશ્વની સભ્યતાઓ નદીઓના કિનારે જ વિકસી. સિન્ધુ નદીના કિનારે વસેલા આર્યોએ હિન્દુ સંસ્કૃતિ વિકસાવી. નાઈલના કિનારે ઇજિપ્તની સંસ્કૃતિ વિકસી. વોલ્ગાના કિનારે રશિયન સંસ્કૃતિ વિકસી હતી. જોર્ડનના કિનારે હિબ્રુ સંસ્કૃતિ વિકસી. યલો રિવરના કિનારે ચાઇનીઝ સંસ્કૃતિ વિકસી. નદીઓના કિનારે મોટાં મોટાં શહેરો પણ વિકસ્યાં. થેમ્સના કિનારે લંડન અને સીન નદીના કિનારે પેરિસ જેવાં શહેરો વિકસ્યાં. એમેઝોનનાં જંગલોમાં પણ વિશ્વની લાંબામાં લાંબી નદી વહે છે. અમેરિકા અને કેનેડાને બે ભાગમાં વહેંચતી નાયગ્રા નદીનો ધોધ એક જબરદસ્ત પ્રાકૃતિક આકર્ષણ છે. વિશ્વમાં એકમાત્ર ભારત જ એવો દેશ છે કે જે નદીઓને લોકમાતા કહે છે. વિશ્વમાં એકમાત્ર ભારત જ એવો દેશ છે કે જે નદીઓની પૂજા કરે છે. ગંગામાં ડૂબકી મારવાથી પાપનો નાશ થાય છે તેવી માન્યતા એકમાત્ર હિન્દુ સંસ્કૃતિમાં પણ છે. ભારતની ગંગા, યમુના, સરયૂ અને નર્મદા નદીના કિનારે તીર્થસ્થાનો વિકસ્યાં છે, પરંતુ ચોંકાવનારા સમાચાર છે કે ભારતની નદીઓ લુપ્ત થઈ રહી છે. તેમનો જલપ્રવાહ ઘટી રહ્યો છે. એક સમય એવો આવશે કે ભારતની ઘણી નદીઓ સુક્કીભઠ્ઠ હશે.

હમણાં કેટલાક સમય પહેલાં પ્રયાગરાજ ખાતે મહાકુંભ યોજાયો. દેશના તમામ નેતાઓ, અભિનેતાઓ તથા સાધુ-સંતોએ ત્રિવેણીસંગમમાં ડૂબકી લગાવી પવિત્ર સ્નાન કર્યું, પરંતુ તમે જો ધ્યાનથી જોયું હશે તો એ ત્રિવેણીસંગમનાં જળ પશ્ચિમની નદીઓ જેટલાં સ્વચ્છ નહોતાં. પશ્ચિમના દેશો નદીઓને માતા ગણતા નથી, પરંતુ નદીને પ્રદૂષિત પણ કરતા નથી. યુરોપ અન અમેરિકામાં નદીમાં સિગારેટનું ઠૂંઠું નાંખનારને દંડની સજા થાય છે જ્યારે ભારતમાં તમામ પ્રકારની ગંદકી નદીમાં ઠાલવવામાં આવે છે. ગંગામાં મૃતદેહો વહેતા મૂકી દેવાય છે. યમુનામાં ઝેરી રાસાયણિક પ્રવાહી છોડવામાં આવે છે. અમદાવાદની સાબરમતી નદીમાં ખતરનાક કેમિકલ્સ ઠાલવી દેવામાં આવે છે. લોકમાતાના આવા બૂરા હાલ એકમાત્ર ભારત દેશમાં જ જોવા મળે છે.

ભારતની નદીઓ પ્રદૂષિત પણ થઈ રહી છે અને લુપ્ત પણ થઈ રહી છે. એની ચિંતા મહાકુંભમાં પણ ના થઈ. તાજેતરમાં થયેલા એક સર્વેક્ષણ અનુસાર ભારતની ૨૭ જેટલી નદીઓ લુપ્ત થઈ જવાની અણી પર છે. આ નદીઓની હાલત એવી છે કે તેમને હવે નદીની વ્યાખ્યામાં મૂકી શકાય તેમ નથી. નદી એને કહેવામાં આવે છે જેનામાં બારે મહિના એક ગતિથી જળ વહેતું હોય. તૃષાતુરને પાણી આપી શકે તેને નદી કહેવામાં આવે છે. દુર્ભાગ્યથી દેશની ઘણી બધી નદીઓ આજે આ શ્રેણીની બહાર આવી ગઈ છે. બંગાળની મહાનંદા નદી ગંગા પછી મોટી નદી ગણાય છે. હજારો ગામોનું જીવન જેની પર નિર્ભર છે તેવી આ નદીનું ભાવિ સંકટમાં છે. અનેક ગ્રામ અને શહેરોનો કચરો આ નદીમાં ફેંકવામાં આવે છે અને તેના પરિણામે આ નદીએ તેનું કદ ગુમાવ્યું છે. આ નદીમાં ભવિષ્યમાં પાણી જ જોવા નહીં મળે. વરસાદના અભાવે આમેય આ નદીમાં પાણીનો અભાવ જોવા મળે છે અને તે સુકાતી જાય છે. મહાનંદા નદી સુકાઈ જશે તો લાખો ખેડૂતો બરબાદ થઈ જશે. પશ્ચિમ બંગાળની બીજી નદીઓની હાલત પણ મહાનંદા નદી જેવી જ છે. કેટલીય નદીઓ દિન-પ્રતિદિન નાની અને સંકોચાતી જાય છે. કેટલીક નદીઓના પટ પર તો ગેરકાયદે બાંધકામો થઈ ગયાં છે. પશ્ચિમ બંગાળની ઢોંક, રમજાન, ડેકન તથા ડાગરા નામની નદીઓની પણ આવી જ હાલત છે. બિહારના પૂર્ણિયા વિસ્તારની મુખ્ય નદીઓ હરદા, કોસી, કરિયાર તથા ગંડગોલા પણ સુકાઈ જવાની તૈયારીમાં છે. ગંડક નદી તો એના ઉદ્ભવસ્થાન પર જ લુપ્ત થતી જોવા મળે છે. આ નદી પર કોઈ જમાનામાં મોટાં જહાજો ફરતાં હતાં. આજે નાનકડી નાવ પણ વહી શકે તેવી પરિસ્થિતિ નથી. આ નદીકિનારે આવેલા અગડિયા ગામના લોકો કહે છે કે કેટલાંક વર્ષો પહેલાં આ નદી પાર કરવી તે એક મુશ્કેલ કામ હતું. આજે તે એક નાળું જ બની ગઈ છે.

ઉત્તર પ્રદેશની નદીઓની હાલત તો એથીયે વધુ ખરાબ છે. વારાણસીની વરુણા તો હવે તે નામને યોગ્ય પણ રહી નથી. શહેરની વચ્ચે થઈને વહેતી આ નદી હવે એક ગંદકીથી ભરેલા નાળા જેવી લાગે છે. અલાહાબાદનો ત્રિવેણીસંગમ હવે પવિત્ર અને શુદ્ધ જળનો સંગમ રહ્યો નથી બલકે તમામ શહેરોના કચરાનો સંગમ બની ગયો છે. આગ્રા, મથુરા અને દિલ્હીને સ્પર્શીને વહેતી યમુના પણ હવે નદી કહેવાને લાયક રહી નથી. દેશની રાજધાની દિલ્હીએ યમુનાને ગંદકીથી તરબતર કરી દીધી છે.

ગંગાને બચાવવા કેટલાક લોકો અભિયાન ચલાવી રહ્યા છે, પણ તેનો કોઈ ઝાઝો અર્થ સરતો હોય એમ લાગતું નથી. ચાણક્યે ૧૧મા અધ્યાયના ચોથા શ્લોકમાં કળિયુગનું વર્ણન કરતાં લખ્યું છે કે, કળિયુગનાં ૧૦,૦૦૦ વર્ષ બાદ ભગવાન વિષ્ણુ વિલુપ્ત થઈ જશે અને ૫૦૦૦ વર્ષ બાદ ગંગા પણ વિલુપ્ત થઈ જશે. તેની સાથે ગ્રામદેવતા પણ.

સાચી વાત એ છે કે શાસ્ત્રો અનુસાર કળિયુગનાં ૫૦૦૦ વર્ષ વીતી ચૂક્યાં છે અને ગંગા પણ ઝડપથી વિલુપ્ત થવાના માર્ગે છે. દેશની બીજી નદીઓની હાલત પણ ખરાબ છે. પાર્વતી, ગોદાવરી અને કાવેરીની હાલત આજે છે તેવી જ રહી તો તે પણ કાળની ગર્તામાં વિલુપ્ત થઈ જશે. એ દુઃખની વાત છે કે નદીઓના કિનારે સભ્યતા ખીલી અને માનવીની અસભ્યતાએ નદીઓને જ ખતમ કરી દીધી. નદીઓના અસ્તિત્વને ટકાવી રાખવા માટે હવે બહુ થોડો જ સમય બચ્યો છે. વસ્તી વધી રહી છે, પાણીની માંગ વધી રહી છે, પણ તેની સામે પાણીના કુદરતી સ્રોત સુકાઈ રહ્યા છે. નદીઓ માત્ર સરકારી યોજનાઓથી બચાવી શકાશે નહીં. સમાજે પણ નદીઓને બચાવવા આગળ આવવું પડશે. નદીઓને બચાવવાની જવાબદારી એ કરોડો લોકોની પણ છે જેઓ વર્ષોથી નદીઓનાં જળનો લાભ લેતા રહ્યા છે. નદીઓના ઉદ્ભવસ્થાનથી માંડીને સમુદ્ર સુધી વહેતી નદીઓના કિનારે વસેલા લોકોએ એક સામુહિક ઉત્તરદાયિત્વના રૂપે નદીઓને બચાવવા જવાબદારી સ્વીકારવી પડશે. નદીઓનો અંત એટલે સમગ્ર માનવજાતનો,પ્રકૃતિનો અને પશુ-પક્ષીઓનો પણ અંત એમ સમજી લેવું જોઈએ. www.devendrapatel.in

નાનકડા બાળકે ચાકુથી પોતાના હાથ પર ઘા કર્યો

નાનકડા બાળકે ચાકુથી પોતાના હાથ પર ઘા કર્યો

૧૨ વર્ષનો નાનકડો રાજન આત્મહત્યા કરી તેના પિતાને પાઠ ભણાવવા માંગતો હતો

એક મનોચિકિત્સકનું ક્લિનિક.

મનોચિકિત્સક તબીબની સામે એક મહિલા તેના ૧૨ વર્ષના કિશોર સાથે બેઠેલી હતી. કિશોરનું નામ રાજન છે. મા શરૂ કરે છેઃ ”ડોક્ટર સાહેબ, આ મારો દીકરો છે. તેણે અમારા ઘરની શાંતિ ખતમ કરી નાંખી છે. અમે બધાં એનાથી ખૂબ ત્રાસી ગયા છીએ. અમે ગમે તેટલું કહીએ છીએ પણ તે સુધરતો જ નથી. સુધરવા માંગતો જ નથી.”

ડોક્ટરે પૂછયું: ”શં પ્રોબ્લેમ છે?”

માએ નીચું મોં રાખીને બેઠેલા પુત્રનો હાથ ઊંચો કરીને બતાવ્યોઃ ”જુઓ સાહેબ, આ ઘા તમે જુઓ. ગઈકાલે તેણે જાતે જ તેના હાથે ચાકુથી ઘા કરી દીધો. પોતે જ પોતાની જાતને લોહીલુહાણ કરી નાખી.”

બાળક હજુ મોં ઊંચું કરતો નહોતો. તેના ચહેરા પર કોઈ જ ભાવ નહોતા. તે ચૂપચાપ બેસી રહ્યો હતો.

મનોચિકિત્સકે પૂછયું: ”એણે એમ કેમ કર્યું ?”

માએ ઊંચા સ્વરે કહ્યું: ”એણે એના પિતાના પાકીટમાંથી ૫૦૦ રૂપિયા ચોર્યા હતા એ વાતની ખબર પડતાં એના પપ્પાએ તેને ફટકાર્યો હતો.”

મનોચિકિત્સે રાજનની મમ્મીને થોડીવાર બહાર બેસવા કહ્યું. પહેલા દિવસે મનોચિકિત્સકે રાજન સાથે વાતચીત કરવા પ્રયાસ કર્યો પરંતુ બાળકે કોઈ જ સહકાર ના આપ્યો. તે પછી તેની મમ્મીને અંદર બોલાવી અને મમ્મી વધુ શું કહેવા માગે છે તે પૂછયું.

રાજનની મમ્મીએ કહ્યું: ”ડોક્ટર સાહેબ, મારો છોકરો બગડી ગયો તે માટે મારા હસબન્ડ મને જ દોષ દે છે. તેની તમામ ખરાબ વર્તણૂક માટે તેઓ મને જ જવાબદાર ઠેરવે છે. એણે એના પિતાના પાકીટમાંથી ૫૦૦ રૂપિયા ચોર્યા હતા બે દિવસ પછી તેમાંથી વધેલા ૧૫૦ રૂપિયા તેની નોટબુકમાં સંતાડેલા મળ્યા ત્યારે જ અમને ખબર પડી કે રાજને એના પર્સમાંથી પૈસા ચોર્યા હતા. અમે તેને પૂછયં કે, તું આ પૈસા ક્યાંથી લાવ્યો ?” ત્યારે શરૂઆતમાં તે જુઠ્ઠુ બોલ્યો પણ તેના પપ્પાએ એક જોરદાર તમાચો ફટકાર્યો અને માર સહન ન થતાં એણે કબૂલ કરી લીધું. મારા બાળકના આ વર્તાવ માટે તેઓ મને જ જવાબદાર ઠેરવે છે.”: એટલું બોલતા બોલતાં રાજનની મમ્મી રડી પડી.

એ દિવસે મનોચિકિત્સકે વાત આટલેથી જ પતાવી તેમણે બાળકને લઈ તેની પાસે આવવા બદલ આભાર માન્યો અને થોડા દિવસ પછી રાજનના પિતાને તેમના કિલનિક પર લઈ આવવા કહ્યું. બે દિવસ પછી રાજનના પિતા મનોચિકિત્સકને મળવા ગયા. મનોચિકિત્સકે તેમને પૂછયું : ”તમે તમારા દીકરાને માર કેમ માર્યો ?”

રાજનના પિતાએ સખ્તાઈપૂર્વક કહ્યું ”તેને પ્રામાણિક થવાનું કહો. હું આખો દિવસ ઓફિસમાં તેમજ મજૂરી કરીને આવું છું. હું જે કમાઉં છું તે તેના માટે છે અને તે ચોરી કરતા શીખી ગયો છે. તે ફરીથી ચોરી કરશે તો હું તેને ફરી મારીશ.”

મનોચિકિત્સકે તેમને બાળક પ્રત્યે પ્રેમથી વર્તવા સલાહ આપી પરંતુ રાજનના માતા-પિતાએ બાળક પ્રત્યે કૂણી લાગણી રાખવા સાવ ઈનકાર કરી દીધો. એથી યે આગળ વધીને બાળકના પિતાએ એમ કહ્યું કે, ”હવે એ ભૂલ કરશે તો હું તેને ઘરની બહાર ફેંકી દઈશ.”

મનોચિકિત્સકે બાળકની આત્મહત્યા કરવાની લાગણી જોઈ તેને ઘેર જવા દેવામાં જરાક ભીતિ અનુભવી છતાં તેઓ પીઢ તબીબ હતા. તેમણે બાળકનો હાથ પકડયો. તેની આંખોમાં આંખો પરોવી. અને ધીમેથી કહ્યું: ”બેટા આઈ નો, યુ આર અ ગુડ બોય. કાલે આપણે બે એકલા વાતો કરીશું.”

બાળક એક જુદા જ ભાવથી મનોચિકિત્સક સામે જોઈ રહ્યો. તે પછી મનોચિકિત્સકે રાજનની મમ્મીને તેની હાજરીમાં જ કહ્યું: ”મારી ડિક્શનેરીમાં કોઈ બાળક જુઠ્ઠું બોલે છે તેવો શબ્દપ્રયોગ જ નથી. અસત્યનો બીજો અર્થ છે કે સત્યને કેટલાંક સમય માટે મુલતવી રાખવામાં આવ્યું છે કે વિલંબીત રાખવામાં આવ્યું છે.”

ડોક્ટરે બાળક જુઠ્ઠું બોલતો જ નથી એવું ર્સિટફિકેટ આપી બીજા દિવસે ક્લિનિક પર નહીં પરંતુ એક કોફી શોપમાં મળવાનું નક્કી કર્યું. બીજા દિવસે રાજનને લઈ તેની મમ્મી નક્કી કરેલા કોફીશોપ પર પહોંચી ગઈ. મનોચિકિત્સક પહેલેથી જ ત્યાં પહોંચી ગયા હતા. નાનકડા રાજને આજે બ્રાઈટ શર્ટ પહેર્યું હતું. એના ચહેરા પર સ્મિત હતું. મનોચિકિત્સકે રાજનની મમ્મીને કહ્યું: ”તમે થોડીવાર બાજુના મોલમાં જઈ શોપિંગ કરી આવો. હું અને રાજન એકલા જ વાત કરવા માંગીએ છીએ.

રાજનની મમ્મી બેઉને એકલાં છોડી બહાર ચાલી ગઈ. હવે ૧૨ વર્ષનો રાજન અને મનોચિકિત્સક એ બે એકલાં જ હતા. મનોચિકિત્સકે બહુ જ પ્રેમથી નાનકડા કિશોરના ખભે હાથ મૂક્યો. તે પછી બાળક સાથે વાતચીત શરૂ કરી, તેને શું ભાવે છે? શું કરવું ગમે છે ? કેવાં કપડાં પહેરવાં ગમે છે? કઈ ગેમ્સ ગમે છે ત્યાંથી માંડીને ક્યાં કાર્ટૂન્સ ગમે છે તે બધી હળવી વાતો કરી. સ્કૂલમાં ભણવું ગમે છે કે નહીં તે પણ તેમણે પૂછયું, પૂરી ૬૦ મિનિટ સુધી તેઓ બીજા જ વિષયો પર વાત કરતા રહ્યા. એ બધું જ પૂછી લીધા બાદ ડોક્ટરે ધીમેથી પૂછયું: ”બેટા, તું આટલો બધો હોશિયાર છે તો પછી તો તારા હાથ પર ચાકુથી ઘા કેમ કરી દીધો?”

નાનકડા રાજને કહ્યું: ”હું મરી જવા માંગતો હતો.”

”પણ કેમ?”

રાજન કંઈ બોલ્યો નહીં. મનોચિકિત્સકે તેમના બેઉ માટે સોફટડ્રિંક્સ અને સેન્ડવીચનો ઓર્ડર આપ્યો.

થોડીવાર પછી બાળક રિલેક્સ થયો. બાળકને હળવો થયેલો જોઈ મનોચિકિત્સકે પૂછયુઃ ”તારી નોટમાંથી પૈસા ક્યાંથી આવ્યા ?”

બાળકને આશ્ચર્ય થયું પરંતુ એ બોલ્યોઃ ”હું તમને બધું જ કહી દઈશ પણ તમે મારા ડેડને કાંઈ ના કહેશો.”

ડોક્ટરે પ્રોમિસ કર્યું. બાળકે સોફટડ્રિંક્સ પીતાં પીતાં વાત શરૂ કરી : ”મેં મારા ડેડના પાકીટમાંથી ૫૦૦ રૂપિયા લીધા હતા. કારણ કે મારે મારા ફ્રેન્ડસને પાર્ટી આપવી હતી. મારા દોસ્તો મને કાયમ ટ્રીટ કરે છે. સોફટડ્રિંક્સ પીવડાવે છે. પીઝા ખવરાવે છે પરંતુ મને ઘરમાં કોઈ પૈસા આપતું ના હોઈ હું તેમ કરી શકતો નહોતો. અને એટલે જ મેં મારા ડેડના પાકીટમાંથી ૫૦૦ રૂપિયા લીધા હતા. મને ખબર હતી કે એ મારા ડેડના પૈસા છે અને એક દિવસ હું તેમને કહીશ પણ ખરો કે મેં ૫૦૦ રૂપિયા મારા દોસ્તોને ટ્રીટ કરવા લીધા છે. પણ હું તેમને કહું તે પહેલાં પકડાઈ ગયો. મને સખ્ત માર મારવામાં આવ્યો. એ કારણે મને મારા ડેડ સામે સખ્ત ગુસ્સો આવ્યો. હું તેમને પાઠ ભણાવવા માંગતો હતો તેથી મેં મરી જવાનું નક્કી કર્યું અને ચાકુથી મેં ઘા કર્યો પરંતુ હું ગભરાઈ ગયો અને ચીસ પાડી ઉઠયો. મારે તો મારા મિત્રોને રાજી કરવા હતા. પરંતુ હું તેમ ના કરી શકતો હોઈ મારા દોસ્તો આગળ મારે શરમાવવું પડતું હતું. તેથી જ મેં આમ કર્યું. મારા ડેડને મારી સાથે બેસવાનો કે વાત કરવાનો સમય જ નથી.”

અને કલાક સુધી વાતો ચાલતી રહી. મનોચિકિત્સકે બસ એને સાંભળ્યા જ કર્યો. વળી આ તો કોફીશોપ હતી. બધું જ અનૌપચારિક હતું. ક્લિનિક ના હોઈ તબીબ અને દર્દીનો માહોલ નહોતો. મનોચિકિત્સકે તેને કોઈ જ ઉપદેશ આપ્યો નહીં. કોઈ જ લેક્ચર આપ્યું નહીં.રાજનને એટલું જ કહ્યું: ”બેટા, હજી આપણે ફરી મળીશું ત્યારે બર્ગર ખાઈશું, પણ તું મને પ્રોમિસ કર કે તું તારા શરીરને કોઈ જ નુકસાન નહીં પહોંચાડે.”

બાળકે પ્રોમિસ કર્યું.

થોડીવારમાં રાજનની મમ્મી આવી ગઈ અને બાળકના ચહેરા પર આનંદ જોઈ તેને રાહત થઈ.

મનોચિકિત્સકને લાગ્યું કે બાળક કોઈ પણ જાતની માનસિક બીમારી ધરાવતો નથી. તેમને લાગ્યું કે ખરેખર તો તેના માતાપિતાને કાઉન્સેલિંગની જરૂર છે. બીજા દિવસે તેમણે રાજનના માતા-પિતાને એકલાં બોલાવી બાળકના તેના મિત્રો આગળના આત્મસન્માનની જરૂરિયાતની વાત કરી. બાળક તેના મિત્રો આગળ કેવો શરમાતો હતો એની વાત કરી. રાજનના મમ્મી-પપ્પા પોતે જ સમજી ગયાં કે તેમણે નાનકડા રાજન પ્રત્યે કેવો વ્યવહાર રાખવો અને તેની નાની નાની જરૂરિયાતોને કેવી રીતે સંતોષવી. મનોચિકિત્સકે તેમને કહ્યું: ”રાજને જે કર્યું તેમાંથી તમારે શીખવાનું છે.”

એક અઠવાડિયા પછી રાજનના મમ્મી-પપ્પા ફરી મનોચિકિત્સક પાસે આવ્યાં. તેમના ચહેરા પર સ્મિત હતું. તેમણે કહ્યું: ”હવે બધું બરાબર છે.”

મનોચિકિત્સકે પણ વળતું સ્મિત આપ્યું. રાજનના પિતાએ કહ્યું: ”સર, અમે તો અમારો દીકરો ડાહ્યો થઈ જાય તે માટે જ્યોતિષીને બતાવ્યું હતું અને જ્યોતિષીએ કહ્યું હતું કે, રાજન પંદર વર્ષનો થશે ત્યાં સુધી આવી હરક્તો કરશે. પણ આ તો બધું અઠવાડિયામાં જ પતી ગયું.

મનોચિકિત્સકે કહ્યું: ”મને જ્યોતિષી કરતાં તમારામાં વધુ વિશ્વાસ હતો.”

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

Powered by WordPress & Theme by Anders Norén