કોંગ્રેસ પાસે શ્રેષ્ઠ પ્રવકતા મનિષ તિવારી અને ભાજપા પાસે નિર્મલા સિતારમન છે
૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓ હજુ તો દૂર છે, પરંતુ દેશની ટેલિવિઝન ન્યૂઝ ચેનલો પર જાણે કે પંદર-વીસ દિવસ બાદ જ ચૂંટણીઓ હોય તેવો ચૂંટણી-જ્વર જોવા મળે છે. છેલ્લા એક મહિનાથી વિવિધ રાજકીય પક્ષોના પ્રવકતાઓ જે રીતે બેફામ આક્ષેપો અને પ્રતિઆક્ષેપો કરી રહ્યા છે તે જોયા બાદ એન્ટરટેઈનમેન્ટ ટી.વી. ચેનલો પર મેલોડ્રામાથી ભરપૂર સાસુ-વહુના ઝઘડા અને કાવતરાંઓથી ભરેલી સિરિયલો જોવાની જરૂર લાગતી નથી.
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને જે દિવસે ભાજપાની ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવાયા તે દિવસે જૈફ વયે પહોંચેલા એલ. કે. અડવાણી રિસાયા અને ગોવા ના ગયા. તેમના ઘર આગળ સૂત્રોચ્ચાર થયો એટલે તેમણે તમામ પદો પરથી રાજીનામાં આપી દીધાં. સંઘના વડાએ દંડો બતાવ્યો એટલે અડવાણીએ રાજીનામાં પાછાં ખેંચ્યા, પણ ચહેરો અસ્મિત રાખ્યો. એ પછી નરેન્દ્ર મોદીએ રોઈટરને આપેલા એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું કે, કારની નીચે કૂતરાનું બચ્ચું પણ આવી જાય તો દુઃખ થાય છે. મોદીના આ વિધાન સામે કોંગ્રેસ અને લઘુમતી કોમના નેતાઓ તૂટી પડયા. ઉર્દૂ દૈનિકોએ હેડલાઈન કરી : “મોદી કો કૂત્તે કી મૌત જૈસા અફસોસ.” એ પછી નરેન્દ્ર મોદીએ પૂણેમાં પ્રવચન કરતાં કહ્યું : “કોંગ્રેસ તેની નબળાઈઓ છુપાવવા સેક્યુલરિઝમનો બુરખો ઓઢી ટનલમાં છુપાઈ જાય છે.” ‘બુરખો’ શબ્દ પ્રતીકાત્મક સમજી મોદીને જવાબ આપવા કોંગ્રેસે અજય માકન, મનિષ તિવારી, દિગ્વિજયસિંહ, શકીલ અહમદ અને શશિ થરૂર જેવાઓની ફોજ ઉતારી દીધી. મોદીના વિધાનનો જવાબ આપતાં કોંગ્રેસના અજય માકને કહ્યું : “સાંપ્રદાયિકતાની નગ્નતાના મુકાબલે ધર્મનિરપેક્ષતાનો બુરખો વધુ બહેતર છે.” તેથી આગળ મોદીએ વડા પ્રધાન ડો. મનમોહનસિંહને અનર્થશાસ્ત્રી કહ્યા. આ તો છેલ્લા સપ્તાહમાં ભજવાયેલા મેલોડ્રામાની એક ઝાંખી જ છે. લાગે છે કે, ૨૦૧૪ની ચૂંટણી પૂર્વે અત્યારે ટેલિવિઝન ચેનલો પર વાક્યુદ્ધ ફાટી નીકળ્યું છે. વિવિધ પક્ષોના પ્રવકતાઓ જે રીતે ટેલિવિઝન ચેનલો પર બોલી રહ્યા છે તે જોતાં લાગે છે કે, આવનારા દિવસોમાં છૂટા હાથની મારામારીનાં જીવંત દૃશ્યો પણ જોવા મળશે. ટેલિવિઝનની ચેનલો પર તમામ પક્ષોએ રોમન સમયના હિંસક મારામારી કરતાં ગ્લેડિયેટર્સ મેદાનમાં ઉતાર્યા હોય તેમ લાગે છે.
કોંગ્રેસના પ્રવકતા
કોંગ્રેસને લાગેવળગે છે ત્યાં સુધી દિલ્હીમાં અજય માકનને મુખ્ય પ્રવકતા બનાવવામાં આવ્યા છે. અજય માકનની પસંદગી થઈ તે પહેલાં ગુલામનબી આઝાદ અને સી. પી. જોષીના નામો વિચારણા હેઠળ હતાં, પણ ગુલામનબી આઝાદ ઝેડ-પ્લસ સલામતી હેઠળ હોઈ મીડિયા માટે તેઓ સહેલાઈથી ઉપલબ્ધ કરવામાં મુશ્કેલી જણાય છે. એ જ રીતે સી. પી. જોષી બહુ સારું બોલી શકતા ના હોઈ અને રાજસ્થાનમાં ચૂંટણીઓ આવતી હોઈ તેમને પડતા મૂકાયા. છેવટે દિલ્હીમાં જ મજબૂત મૂળ ધરાવતા અજય માકનની પસંદગી થઈ. અજય માકને મોદીના વડા પ્રધાન માટેના અનર્થશાસ્ત્રી તરીકેના શબ્દપ્રયોગનો જવાબ ગુજરાત સરકારની નિષ્ફળતાઓના આંકડાઓ દ્વારા આપ્યો. કોંગ્રેસના શ્રેષ્ઠ પ્રવકતા કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ ખાતાના મંત્રી મનિષ તિવારી છે. તેઓ વ્યવસાયે ધારાશાસ્ત્રી છે. તેઓ પ્રભાવશાળી હિન્દી અને અંગ્રેજીમાં તર્કબદ્ધ રીતે બોલી શકે છે. જેઓ અધિકૃત પ્રવકતા નથી છતાં હંમેશાં ટૂંકી પણ અસરકારક પ્રતિક્રિયા આપે છે તેમાં દિગ્વિજયસિંહ મોખરે છે . તેઓ આખાબોલા અને સ્પષ્ટ વક્તા લાગે છે. ઘણાને તેઓ બફાટ કરતાં લાગે છે, પરંતુ હકીકત એ છે કે, કોંગ્રેસની લાઈન ગમે તે હોય તેઓ ૧૦,જનપથની લાઈન પ્રમાણે બોલે છે. કોંગ્રેસમાં બીજાં એક મહિલા પ્રવકતા રેણુકા ચૌધરી છે. તેઓ પણ થોડાં આખાબોલા છે. કોંગ્રેસમાં જરા પણ ગુસ્સે થયા વગર શાંતિથી જે જવાબ આપે છે તેમાં રાશીદ અલવી પ્રથમ નંબરે છે. શકીલ અહેમદ આંખો બંધ કરીને ઊંઘતાં ઊંઘતાં પણ મુદ્દાસર જવાબ આપે છે. તેમને પરાણે આ કામ સોંપ્યું હોય તેમ લાગે છે.
ભાજપાના ચહેરા
ભાજપાને લાગેવળગે છે ત્યાં સુધી ભાજપાના શ્રેષ્ઠ પ્રવકતાઓમાં નિર્મલા સિતારમન નંબર વન છે. તેઓ તમિળ બેકગ્રાઉન્ડ ધરાવે છે. લંડનમાં જોબ કરી ચૂક્યાં છે. આર્િટક્યૂલેટ અંગ્રેજી બોલે છે. તેમની વોઈસ ક્વોલિટી અસરકારક છે. પક્ષની નબળાઈઓનો ડિફેન્સ સરસ રીતે કરી શકે છે. એ પછી મિનાક્ષી લેખી પણ ભાજપાનાં જાણીતાં મહિલા પ્રવકતા છે. તેઓ પહેલેથી જ લડવા આવ્યાં હોય તેવું મોં ફુલાવીને બેસે છે. આમ તો તેઓ વ્યવસાયથી ધારાશાસ્ત્રી છે. દેખાવમાં સારાં છે. તેમની પાસે તર્કશક્તિ પણ છે, પરંતુ બોલતી વખતે સૌમ્યતા અને જીભની તાકાતનું પ્રમાણભાન સાચવતાં નથી. નિર્મલા સિતારમન જેટલાં ગૌરવપૂર્ણ લાગે છે એટલાં ગૌરવપૂર્ણ બોલતી વખતે મીનાક્ષી લેખી લાગતાં નથી. એ સિવાય મુસ્લિમ હોવા છતાં ભાજપામાં રહેલા બે પ્રવકતાઓ મુક્તાર અબ્બાસ નક્વી અને શહેનવાઝ હુસેન પણ મુશ્કેલ રોલ નિભાવી રહ્યા છે. શહેનવાઝ હુસેન ખૂબ જ સ્વસ્થતાથી તર્કબદ્ધ જવાબો આપે છે. મુક્તાર અબ્બાસ માત્ર બચાવ પ્રક્રિયા જ કરતાં હોય તેમ લાગે છે. સ્મૃતિ ઇરાની પણ કોઈ કોઈવાર ટી.વી. પર આવે છે, પરંતુ તેમની ભાષા અને આક્રમકતા સાસુ-વહુની સિરિયલની યાદ અપાવી દે છે. પ્રકાશ જાવડેકર એક સારા પ્રવકતા છે. ભાજપા પાસે સાત જેટલા રાષ્ટ્રીય પ્રવકતાઓ છે જેમને પક્ષ તરફથી બોલવાની પરવાનગી છે. એ સિવાય બીજા ૨૬ નાનાં પ્રવકતાઓ પણ છે. એક જમાનામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પોતાની બધી જ વાતો ગુપ્ત રાખવામાં માનતું હતું, પરંતુ સમયના વહેણની સાથે સંઘે પણ રામ માધવ નામના પ્રવકતાની નિમણૂક કરી છે. “ભાજપામાં અમારો કોઈ રોલ નથી” એ સિવાય એ કંઈ બોલતા નથી.
મુશ્કેલ કામગીરી
સમયની માંગ પ્રમાણે દરેક પક્ષને પોતાના પ્રવકતા જોઈએ છે. દરેક સવારે વહેલા ઊઠીને બધાં જ અખબારો વાંચી લેવાં પડે છે. આખો દિવસ ટી.વી. ન્યૂઝ ચેનલો સર્ફ કર્યા કરવી પડે છે. કોંગ્રેસના મુખ્ય પ્રવકતા બનેલા અજય માકન હોઈ દેશભરના તેમના ૩૬ જેટલા નાનાં-મોટાં મીડિયા પ્રવકતાઓ સાથે વાતચીત કરે છે. કયા મુદ્દા પર શું બોલવું તે શીખવે છે. આ પૈકી આઠ મુખ્ય પ્રવક્તાઓ છે. રેણુકા ચૌધરીથી માંડીને સંદીપ દિક્ષીત જેટલા સાત પ્રવકતાઓને ખાદ્ય સુરક્ષા બિલના ફાયદાથી લોકોને ટી.વી.ના માધ્યમ દ્વારા વાકેફ કરવાની કામગીરી સોંપવામાં આવી છે. એક જમાનામાં એટલે કે ૮૦ના ગાળામાં કોંગ્રેસના એકમાત્ર જાણીતા પ્રવકતા વી. એન. ગાડગીલ હતા. તેઓ સાંજે પત્રકારોને મળે તે પહેલાં સીધા જ વડા પ્રધાન સાથે પ્રેસ મેટર અંગે વાત કરી શકતા હતા. હવે એવું રહ્યું નથી. ભાજપામાં પ્રમોદ મહાજન મીડિયાના પ્રિય પ્રવકતા હતા. તેઓ સ્વયં કોઈ જમાનામાં પત્રકાર હતા. તેમનો ચહેરો હંમેશાં સ્મિતભર્યો રહેતો. કોંગ્રેસને લાગેવળગે છે ત્યાં સુધી હમણાં જ તેણે ડેલ કાર્નેગી નામની કોર્પોરેટ પેઢીને પ્રવકતાઓને તાલીમ આપવા માટે કરારબદ્ધ કરી છે. આ કંપની કયા મુદ્દા માટે કયો શબ્દ વાપરવો તે શીખવે છે. દા.ત. તાજેતરમાં જ કોંગ્રેસે એક પત્રકાર પરિષદમાં ભાજપા માટે લખ્યું હતું : ” “Call center of the RSS for product Modi”-આ અર્થશાસ્ત્રની ભાષા છે.
સજ્જતા જરૂરી
ભાજપાનાં સોફિસ્ટિકેટેડ પ્રવકતા નિર્મલા સિતારમન કહે છે : “તમે જ્યારે પ્રવકતા હો ત્યારે મીડિયા સમક્ષ કોઈપણ સમયે ઉપસ્થિત થવા અને કોઈપણ પ્રશ્ન પર પ્રતિક્રિયા આપવા તૈયાર રહેવું પડે છે.”
ઘણા ઓછા લોકોને એ વાતની ખબર છે કે, દરેક મોટી પાર્ટીઓ પાસે હવે એ રિસર્ચ ટીમ હોય છે. દા.ત. મોદીએ યુપીએ સરકારની રમતગમતથી માંડીને શિક્ષણની બાબતમાં આકરી ટીકાઓ કરી ત્યારે કોંગ્રેસની સંશોધક ટીમે તૈયાર રાખેલા આંકડા રજૂ કરતાં અજય માકને કહ્યું : “વિશ્વ ઓલિમ્પિકની વાત કરતાં મોદીના ગુજરાત પાસે ખેલાડીઓ જ નથી અને રાષ્ટ્રીય ખેલસ્પર્ધા વખતે ગુજરાતને ઝીરો મેડલ મળ્યા હતા.”
દેશમાં આજે ૧૦૦ જેટલી ન્યૂઝ ચેનલ્સ છે અને ૨૦૧૪ની ચૂંટણીઓ પહેલાં બીજી ઉમેરાશે ત્યારે સમાચારો કરતાં સમાચારો પરના વિશ્લેષણને વધુ જોરદાર અને આક્રમક બનાવવામાં આવશે. હા, અત્યારે તો કેટલાક પ્રવકતાઓ ગૌરવપૂર્ણ ચર્ચા કરવાના બદલે ઝઘડા કરતાં હોય તેમ લાગે છે.

Leave a Reply