Devendra Patel

Journalist and Author

એક ઋષિના આશીર્વાદથી મત્સ્યગંધા સુગંધા બની ગઈ

આજે અષાઢ સુદ પૂર્ણિમાએ ઉજવાતી ગુરુ પૂર્ણિમા વેદવ્યાસની જન્મતિથિ છે

મહર્ષિ વેદવ્યાસના જન્મની કથા રોચક છે. પૌરાણિક કથાઓ અનુસાર પ્રાચીન કાળમાં સુધન્વા નામનો એક રાજા હતો. તે એક દિવસ શિકાર કરવા જંગલમાં ગયો. એ જ સમયે તેની પત્ની રજસ્વલા થઈ ગઈ. રાણીએ એ સમાચાર તેણે પાળેલા એક શિકારી પક્ષી મારફતે રાજાને મોકલાવ્યા. આ સમાચાર સાંભળતા જ રાજા સુધન્વાએ પોતાનું જીવનતત્ત્વ એક પાત્રમાં ભરી તે પાત્ર શિકારી પક્ષીને આપ્યું. પક્ષી એ પાત્ર લઈ આકાશમાં ઊડવા લાગ્યું. રસ્તામાં તે શિકારી પક્ષીને સામેજ એક બીજું શિકારી પક્ષી મળી ગયું. બંને પક્ષીઓ વચ્ચે યુદ્ધ થયું. આ યુદ્ધ દરમિયાન શિકારી પક્ષીની પકડમાંથી પાત્ર સરકી ગયું અને તે યમુના નદીમાં પડયું. એ વખતે યમુનામાં બ્રહ્માના શ્રાપથી પીડિત એક અપ્સરા માછલી સ્વરૂપે રહેતી હતી. એ માછલીરૂપી અપ્સરા એ જીવન સત્વને પી ગઈ. એના પ્રભાવથી તે ગર્ભવતી બની ગઈ. ગર્ભાધાનનો સમય પૂરો થવા આવ્યો હતો ત્યારે એક માછીમારે પાણીમાં નાંખેલી જાળમાં મત્સરૂપી અપ્સરા ફસાઈ ગઈ. માછીમારે એ માછલીના પેટને ચીર્યું. તો તેમાંથી એક બાળક અને એક બાળકી બહાર આવ્યાં. એ પછી માછીમાર એ બંને નવજાત શિશુઓને લઈ મહારાજા સુધન્વા પાસે ગયો. મહારાજા સુધન્વાને પુત્ર ના હોવાથી પુત્રને પોતાની પાસે રાખી લીધો તેને મત્સ્યરાજ એવું નામ આપવામાં આવ્યું. જ્યારે બાલિકા હવે માછીમાર પાસે જ રહી ગઈ. તેના શરીરમાંથી માછલીની ગંધ આવતી હોવાથી બાળકીનું નામ મત્સ્યગંધા રાખવામાં આવ્યું. પાછળથી એ કન્યા સત્યવતી તરીકે પણ ઓળખાઈ. મત્સ્યગંધા વયસ્ક બનતા તે પણ હવે નદી કિનારે જતી અને નાવ ચલાવતી.

એક ઋષિના આશીર્વાદથી મત્સ્યગંધા સુગંધા બની ગઈ

એક વાર પરાશર મુનિ યમુનાના કિનારે આવી ચડયા. તેઓ યમુના પાર કરવા માંગતા હતા. પરાશર મુનિ મત્સ્યગંધાની નાવમાં જ બેઠા. તેઓ મત્સ્યગંધા અર્થાત્ સત્યવતીના રૂપ-સૌંદર્ય પર આસક્ત થઈ ગયા. પરાશર મુનિએ કહ્યું: ”હે દેવી ! હું તમારી સાથે સહવાસ કરવા માંગુ છું.”

મત્સ્યગંધા અર્થાત્ સત્યવતીએ કહ્યું: ”મુનિવર ! આપ તો બ્રહ્મજ્ઞાની છો અને હું એક માછીમારની દીકરી. આપણો સહવાસ સંભવ નથી.”

પરાશર મુનિ બોલ્યાઃ ”બાલિકે! તું ચિંતા ના કર. પ્રસૂતિ થયા બાદ પણ તું કુમારી જ રહીશ.”

એટલું કહીને મુનિ પરાશરે પોતાના યોગબળથી નાવની ચારે તરફ ગાઢ ધુમ્મસ રચી દીધું. અને મત્સ્યકન્યા સત્યવતી સાથે સહવાસ કર્યો. એ પછી પરાશર મુનિએ સત્યવતીને આશીર્વાદ આપતાં કહ્યું: ”તારા શરીરમાંથી હવે માછલીની ગંધ નહીં આવે, બલ્કે તે ગંધ હવે સુગંધમાં પરિવર્તિત થઈ જશે.”

સમય પૂરો થતાં સત્યવતીના ગર્ભમાંથી એક પુત્ર જન્મ્યો. જન્મતાંની સાથે જ બાળક મોટો થઈ ગયો અને એણે પોતાની માતાને કહ્યું: ”માતા! તું જ્યારે પણ કોઈ મુશ્કેલીમાં હોય ત્યારે મને યાદ કરજે. હું તારી સમક્ષ ઉપસ્થિત થઈ જઈશ.”

એટલું કહીને તે બાળક તપસ્યા કરવા દ્વૈપાયન નામના દ્વીપ પર ચાલ્યો ગયો. આ બાળક રંગે શ્યામ હતો તેથી તે કૃષ્ણ દ્વૈપાયન તરીકે ઓળખાયો. અને એ કૃષ્ણ દ્વૈપાયન એજ મહર્ષિ વેદવ્યાસ. એમણે વેદોની વ્યાખ્યા અને વિભાજન કર્યા તેથી તેઓ વેદવ્યાસ તરીકે ઓળખાયા. હિન્દુ ધર્મશાસ્ત્રો અનુસાર મહર્ષિ વેદવ્યાસ ત્રિકાળજ્ઞાની હતા. તેમણે પોતાની દિવ્ય દૃષ્ટિથી જોઈને જાણી લીધું હતું કે, કળીયુગમાં ધર્મક્ષીણ થઈ જશે. ધર્મક્ષીણ થઈ જતાં લોકો નાસ્તિક, કર્તવ્યહીન અને અલ્પઆયુ વાળા થઈ જશે. એક વિશાળ વેદનું સાંગોપાંગ અધ્યયન કળીયુગના લોકો કરવાનું સામર્થ્ય ધરાવતા નહીં હોય એ હેતુથી મહર્ષિ વેદ વ્યાસે વેદોને ચારભાગોમાં વહેંચી નાખ્યા, જેથી ઓછી બુદ્ધિવાળા અને ઓછી સ્મરણશક્તિવાળા લોકો પણ વેદોનો અભ્યાસ કરી શકશે.” વેદવ્યાસે એક મહાન વેદને ચાર ભાગોમાં વહેંચ્યા તે (૧) ઋગ્વેદ (૨) યજુર્વેદ (૩) સામવેદ અને (૪) અથર્વવેદ તરીકે ઓળખાય છે. વેદોમાં રજૂ થયેલું જ્ઞાન અત્યંત ગૂઢ અને શુષ્ક હોવાના કારણે તેમણે એ જ વેદોને પુરાણોમાં પરિર્વિતત કર્યા. પુરાણોમાં રોચક પ્રસંગો મૂક્યા જેથી કળીયુગના લોકો વેદોના જ્ઞાનને સરળતાથી સમજી શકે.

પૌરાણિક મહાકાવ્ય યુગની આ મહાન વિભૂતિએ મહાભારત, અઢાર પુરાણ, શ્રીમદ્ ભગવદ્ગીતા, મીમાંસા જેવાં અદ્વિતીય સાહિત્યનું સર્જન કર્યું. તેમનો જન્મ ઈસુના જન્મના ૩૦૦૦ વર્ષ અગાઉ થયો હતો. એટલે કે આજથી ૫૦૦૦ વર્ષ પહેલાં અષાઢ માસની પૂર્ણિમાએ જન્મ્યા હતા. આજે ભારતભરમાં જે ગુરુપૂર્ણિમાની ઉજવણી થાય છે તે મહર્ષિ વેદવ્યાસની જન્મતિથિ સાથે સંકળાયેલી છે. હિન્દુ ધર્મના તમામ સંતો અને કથાકારો ગુરુપૂર્ણિમાના દિવસે સહુ પ્રથમ મહર્ષિ વેદવ્યાસની પૂજા કરે છે. વેદવ્યાસ તમામ સંતો- કથાકારોના સદ્ગુરુ ગણાય છે. વેદવ્યાસનું એક મંદિર કાશીથી પાંચ માઈલ દૂર વ્યાસપુરીમાં વિદ્યમાન છે. મહારાજા કાશી નરેશના રામનગર દુર્ગમાં પણ વ્યાસેશ્વરની ર્મૂિત બિરાજમાન છે. વાસ્તવમાં વેદવ્યાસની સહુથી પ્રાચીન ર્મૂિત એ જ છે. મહર્ષિ વેદવ્યાસ ભગવાન વિષ્ણુના અવતાર જ ગણાય છે. મહર્ષિ વેદવ્યાસને ભગવાન વેદવ્યાસ તરીકે પણ ઓળખવામાં આવે છે.મહર્ષિ વેદવ્યાસ ‘મહાભારત’ના રચયિતા છે. વેદવ્યાસ ‘મહાભારત’ના રચયિતા જ નહીં પરંતુ મહાભારતની ઘટનાઓના સાક્ષી પણ છે. વેદવ્યાસ કૃષ્ણ દ્વૈૈપાયન તરીકે પણ ઓળખાય છે. કહેવાય છે કે પ્રત્યેક દ્રાપર યુગમાં ભગવાન વિષ્ણુ જ વેદવ્યાસના રૂપમાં અવતર્યા હતા અને ચાર વેદોને વર્ગીકૃત કર્યા હતા. પહેલા દ્વાપર યુગમાં સ્વયં બ્રહ્મા વેદવ્યાસ થયા. બીજામાં પ્રજાપતિ, ત્રીજામાં શુક્રાચાર્ય અને ચોથામાં બ્રહસ્પતિ વેદવ્યાસ થયા. હિન્દુઓની પરંપરાગત માન્યતા અનુસાર આ વિશ્વમાં જે આઠ વ્યક્તિઓ આજે પણ હયાત છે- અમર છે તેમાંના એક મહર્ષિ વેદવ્યાસ પણ છે.

ઋષિ વેદવ્યાસે શ્રીગણેશની સહાયતાથી ધર્મગ્રંથોને પહેલીવાર ભોજપત્ર પર લખ્યા. એટલા માટે જ તેમણે એકાંત સ્થળને પસંદ કર્યું. ત્યારબાદ તેમણે દિવ્ય જ્ઞાન અને ભગવાન શ્રીગણેશ સાથે ધર્મ અને જીવન સાથે સંકળાયેલી વાતોને ધર્મગ્રંથોમાં ઉતાર્યા. જે પૂર્વમાં માત્ર સાંભળવામાં આવતી હતી. ઋષિ વેદવ્યાસ, વેદ અને ધર્મના રહસ્યોને પહેલી વાર લેખિત સ્વરૂપે જગત સામે લાવ્યા. જેનાથી જગતના ધર્મો અને બ્રદ્મદર્શનને ઊંડાઈએથી સમજી શકાય. તેમના દ્વારા દર્શાવવામાં આવ્યું કે ધર્મ દર્શન અમર અને ઉન્નતિ પ્રેરક છે. જે પુરાતન કાળથી જ જીવનમાં ધર્મનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. મહાગ્રંથ મહાભારતના રચયિતા મહર્ષિ વેદવ્યાસને આપણા પૌરાણિક ગ્રંથોમાં ભગવાન વેદવ્યાસ તરીકે પણ સંબોધવામાં આવેલ છે. જેમ આ સૃષ્ટિના સર્જનહાર ઈશ્વર સર્વ તત્ત્વોમાં સમાયેલા છે તેમ સમગ્ર સૃષ્ટિનું એવું એક પણ તત્ત્વસ્થાન નથી જે મહાભારતમાં ન હોય એટલે જે જે મહાભારતમાં નથી તે ક્યાંય નથી એ ઉક્તિ જાણીતી છે. આ મહાભારત એક મહાન જ્ઞાનકોશ પણ છે જેને ભારતીય સંસ્કૃતિમાં પાંચમો વેદ પણ કહેવામાં આવે છે. મહાભારત દ્વારા મહર્ષિ વેદવ્યાસે માણસે કેવું આચરણ કરવું જોઈએ તે દર્શાવવા પાંડવો તેમજ કૃષ્ણનું ચરિત્ર આપણી સમક્ષ રજૂ કર્યું અને કેવું આચરણ ન કરવું જોઈએ તે દર્શાવવા માટે કૌરવોનું ચરિત્ર આલેખ્યું છે. મહર્ષિ વેદવ્યાસ મહાભારતના જે કથાનકનું ઉદ્બોધન આપતા જે પીઠ ઉપરથી આપતા તે પીઠ વ્યાસપીઠ તરીકે ઓળખાય છે. આ વ્યાસપીઠ ઉપર બેસીને સંસ્કૃતિની ઉપાસના અને સેવા કરનાર વ્યાસની પૂજા એટલે કે વ્યાસપીઠની પૂજા અષાઢ સુદ પૂનમને દિવસે કરવામાં આવે છે. મહામુનિ વેદવ્યાસના જ્ઞાનનો જોટો ભારતીય સંસ્કૃતિમાં ઠીક વૈશ્વિક સ્તરે પણ મળવો મુશ્કેલ છે. કોઈ પણ સાહિત્યકારોની રચનાઓ જોઈએ તો જીવન પ્રત્યેનો એક જ પ્રકારનો દૃષ્ટિકોણ જોવા મળશે, હકારાત્મક અથવા નકારાત્મક વ્યક્તિના સદ્ગુણો અથવા દુર્ગુણો. પરંતુ વ્યાસજીએ તેમની રચનાઓમાં જીવનમાં રહેલ દરેક પાસાઓ વણી લીધેલ છે. પ્રકાશ અંધકાર, ભરતી, ઓટ, સુખ-દુઃખ અને આ બંને વચ્ચે રહેલું પરિવર્તન વેદ વ્યાસે મહાભારતની પોતાની રચનામાં યુધિષ્ઠિર, ભીમ, અર્જુન વગેરે હકારાત્મક બાજુએ હોવા છતાં તેઓમાં રહેલી ત્રુટીઓ દર્શાવી છે તે જ રીતે દુર્યોધન, દુઃશાસન કે કર્ણ જેવા નકારાત્મક પાત્રોમાં રહેલ સદ્ગુણો બતાવવાનું પણ ચૂક્યા નથી. બીજી બાજુ ભીષ્મ પિતામહ જેવા વિદ્વાન, હંમેશાં સત્યનો પક્ષ લેનાર પ્રતાપી પુરુષ નકારાત્મક બાજુએ હોઈ તેની સામે અર્જુનને યુદ્ધ કરવા જણાવે છે. આમ દરેક વ્યક્તિ માત્રના જીવનમાં રહેલી સંપૂર્ણતા અને અપૂર્ણતાનું આપણને દર્શન કરાવે છે. જે રીતે ન્યાયાલયમાં ન્યાય આપનાર ન્યાયાધિશને ચોક્કસ યોગ્યતા હોય તો જ ન્યાયની ગાદી ઉપર બેસી શકે તેવું જ સ્થાન વ્યાસપીઠનું છે. કોઈપણ વ્યક્તિએ જે સાહિત્યનું વ્યાસપીઠ ઉપર બેસીને જ્ઞાન આપવાનું છે તે સાહિત્ય વિશે તેને સંપૂર્ણ જ્ઞાન હોવું તે વ્યાસપીઠ ઉપર બેસવાની પહેલી યોગ્યતા છે. કથામાં રહેલા પાત્રો સાથે તેને વ્યક્તિગત રીતે કોઈ પ્રિયભાવ કે દ્વેષભાવ ન હોવા જોઈએ. કથા ઉદ્બોધનનો એક માત્ર હેતુ સમાજનું હિત હોવું જોઈએ. મહર્ષિ વેદવ્યાસ સર્વોગુણસંપન્ન ગુરુ હતા.

– દેવેન્દ્ર પટેલ
www.devendrapatel.in

Previous

ગાડાના પૈડા જેવો રૂપિયો કેમ ઘસાયો?

Next

ટેલિવિઝન ન્યૂઝ ચેનલો પર સાસુ-વહુના ઝઘડા!

1 Comment

  1. Rakesh Patel

    Very good article Devendra.

Leave a Reply

Powered by WordPress & Theme by Anders Norén