સોનિયા ગાંધીએ પ્રમુખપદનાં ૧૫ વર્ષ પૂરાં કર્યાં પણ રાહુલ ગાંધીનાં નિવેદનોનો મતલબ શું ?
શ્રીમતી સોનિયા ગાંધીએ આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું પ્રમુખપદ સંભાળ્યાને ૧૫ વર્ષ પૂરાં કર્યાં. ૧૯૯૮માં કોંગ્રેસ એક હતાશ અને ભાંગી પડવાની અણી પર આવી ગયેલી પાર્ટી હતી તથા દેશનાં મધ્યપ્રદેશ, ઓરિસ્સા, મિઝોરોમ અને નાગાલેન્ડ જેવાં ચાર જ રાજ્યોમાં શાસન કરતી હતી તેવા સમયે તા.૧૪ માર્ચ, ૧૯૯૮ના રોજ તેમણે કોંગ્રેસ પાર્ટીનું સુકાન સંભાળ્યું. એ વખતે લોકસભામાં કોંગ્રેસના માત્ર ૧૪૧ સભ્યો જ હતા. ૧૯૯૬, ૧૯૯૮ અને ૧૯૯૯માં સતત પરાજ્ય પામી રહેલી કોંગ્રેસને ફરી તાકાતવર પાર્ટી બનાવવા માટે સોનિયા ગાંધીનું નેતૃત્વ જ કામ આવ્યું. પૂરા છ વર્ષના પરિશ્રમ બાદ ૨૦૦૪માં કોંગ્રેસને ફરી સત્તા પર લાવવાનું કામ કર્યું. આજે દેશનાં ૧૩ રાજ્યોમાં કોંગ્રેસ સત્તા પર છે.
સોનિયા ગાંધી હવે ૬૬ વર્ષનાં થયાં છે. છેલ્લા ૧૫ વર્ષ દરમિયાન પક્ષમાં તેમનું નેતૃત્વ અસ્ખલિત અને અવિરત રહ્યું છે. પક્ષમાંથી કોઈએ પણ તેમને ચેલેન્જ કરવાની હિંમત કરી નથી. પક્ષનું નેતૃત્વ સંભાળ્યા બાદ તેઓ અમેઠીમાંથી ચૂંટણી લડયાં. તેમની સામે સુષ્મા સ્વરાજ હતાં. વિપક્ષે દેશી વહુ સામે વિદેશી વહુનો નારો ચલાવ્યો પણ અમેઠીના લોકોએ સોનિયા ગાંધીને જ પસંદ કર્યા. સુષ્મા સ્વરાજ હારી ગયાં. સુષ્મા સ્વરાજ જેવા સન્નારીને તો બલીનો બકરો બનાવવા જ અમેઠીમાં ઉતારવામાં આવ્યાં હતાં. થોડોક ફલેશ બેક જોઈએ તો ૧૯૯૧માં તેમના પતિ રાજીવ ગાંધીની હત્યા બાદ ૧૯૯૭ સુધી સોનિયા ગાંધીએ કોંગ્રેસમાં જોડાવાની તમામ અપીલો નકારી કાઢી હતી. કોંગ્રેસની કથળતી જતી હાલત જોયા બાદ જ તેઓ ૧૪- માર્ચ, ૧૯૯૮માં કોંગ્રેસના પ્રમુખ બન્યાં. ૨૦૦૪ની ચૂંટણીઓ વખતે તેમની ચૂંટણી ઝૂંબેશનું પહેલું વાક્ય હતું: ”હમેં બીજેપી ઔર ઈનકે સાથીયોં કો ધ્વસ્ત કરના હૈ.” અને તેઓ સફળ નીવડયા.
ભાજપ દ્વારા કરાયેલ ”ફીલ ગુડ ફેક્ટર” અને ”ઈન્ડિયા શાઈનિંગ” જેવા નારાઓનો જબરદસ્ત પ્રચાર અને ખર્ચ પાણીમાં ગયાં. સોનિયા ગાંધીએ નેતૃત્વ સંભાળ્યું ત્યારે કોંગ્રેસ પાર્ટી વેરવિખેર હતી. સોનિયા ગાંધીએ પક્ષમાં યુનિટી અને ઓથોરિટી એમ બેઉની સ્થાપના કરી. બિનસાંપ્રદાયિક પરિબળોને એક સાથે લાવવાનું કામ પણ તેમણે જ કર્યું. એમના કારણે જ ”યુપીએ”નું ગઠબંધન થયું. સોનિયા ગાંધી સિવાય બીજી કોઈ પણ વ્યક્તિ પાસે કોંગ્રેસનું નેતૃત્વ હોત તો આ શક્ય ના બનત. યુપીએની બહુમતીથી ડઘાઈ ગયેલા ભાજપાએ સોનિયા ગાંધી માટે વિદેશીકુળનો પ્રશ્ન ઊભો કર્યો, પરંતુ ભાજપાના નેતાઓની ધારણા વિરુદ્ધ સોનિયા ગાંધીએ વડાપ્રધાનપદ ઠુકરાવી દઈને ભાજપાને જ નહીં પરંતુ ભારત પર નજર રાખી રહેલા સમગ્ર વિશ્વને સ્તબ્ધ કરી દીધું. એ વખતે તેઓ બોલ્યા હતાઃ ”સત્તાનું આકર્ષણ મને કદી રહ્યું નથી અને એ હોદ્દોએ મારું લક્ષ્યાંક નથી.”
આજે ૮૦ વર્ષ વટાવી ગયેલા એલ.કે. અડવાણી પણ વડાપ્રધાન થવા વલખાં મારે છે.મુરલી મનોહર જોશીને પણ વડાપ્રધાન થવું છે. સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી, વેંકૈયા નાયડુ અને નીતિન ગડકરી પણ વડાપ્રધાન થવા આંતરિક રાજનીતિ ખેલી રહ્યા છે ત્યારે વર્ષો પહેલાં સોનિયા ગાંધીના વડાપ્રધાન પદ જતું કરવાના માસ્ટર સ્ટ્રોક એ તેમના સ્થાનને વધુ મજબૂત બનાવ્યું. એમના જ નેતૃત્વ હેઠળ ૨૦૦૯માં યુપીએ-૨ ફરી સત્તા પર આવ્યું. લોકસભામાં કોગ્રેસે ૨૦૬ બેઠકો મેળવીને ૧૯૯૧ પછી બીજી કોઈ પણ પાર્ટીની બેઠકો કરતાં વધુ હતી. અલબત્ત ૨૦૧૪માં આવી રહેલી લોકસભાની ચૂંટણીઓ તેમના માટે એક મોટો પડકાર હશે. ભ્રષ્ટાચાર, ફુગાવો, મોંઘવારીથી ત્રસ્ત દેશના મધ્યમવર્ગને રાજી કરવા તેમની પાસે હજુ એક વર્ષ છે.
અલબત્ત, ગયા વર્ષે અમેરિકામાં તેમની ઉપર સર્જરી કરવામાં આવી. તે પછી પણ તેઓ કાર્યરત છે પરંતુ ગઈ તા. ૧૯ જાન્યુઆરીના રોજ રાહુલ ગાંધીએ પક્ષનું ઉપપ્રમુખ પદ સંભાળ્યું. વડાપ્રધાન બનવા અધીરા બનેલા ઘણા લોકો રાહુલ ગાંધીને’યુવરાજ’ કહી તેમની મજાક કરવા કોશિશ કરી રહ્યા છે પંડિત જવાહરલાલ નહેરુએ ઈન્દિરા ગાંધીને પહેલી જ વાર કોંગ્રેસના પ્રમુખ બનાવ્યા ત્યારે લોકસભામાં બેસતાં ત્યારે કોંગ્રેસના અને વિપક્ષનાં ધુરંધરો ઈન્દિરા ગાંધીની આવી જ ઠેકડી ઉડાડતા હતા. પરંતુ ઈન્દિરા ગાંધીએ કોંગ્રેસના અને વિપક્ષનાં કદાવર નેતાઓને ધુળ ચાટતા કરી દીધાં હતાં. મોરારજી દેસાઈ, સદોબા પાટિલ અને અતુલ્ય ઘોષ જેવા શક્તિશાળી નેતાઓને કોંગ્રેસની બહાર ધકેલી દીધાં હતા અને એ જ ઈન્દિરા ગાંધી દેશના શક્તિશાળી વડાપ્રધાન તરીકે ઉપસી આવ્યા હતા. યાદ રહે કે રાહુલ ગાંધી એ જ પરિવારનું ફરજંદ છે. રાહુલ ગાંધીએ તાજેતરમાં કરેલાં બે નિવેદનોએ ઘણાંને વિચારતા કરી મૂક્યાં છે. એક તો તેમણે એમ કહ્યું કે, ”હું રાજનીતિમાં સત્તા ભોગવવા માટે આવ્યો નથી અને વડાપ્રધાન બનવું તે મારી પ્રાથમિક્તા નથી. જ્યારે પણ મને કોઈ આ સવાલ કરે છે ત્યારે મને લાગે છે કે, કેટલો ખોટો પ્રશ્ન મને પૂછવામાં આવી રહ્યો છે.” એ પછી રાહુલ ગાંધીએ બીજી વાત પણ કરી. તેમણે કહ્યું કે,” હું લગ્ન કરવાનો નથી. હું લગ્ન કરીને બાળકો જ પેદા કરવાનો હોઉં તો હું પણ બીજાઓની જેમ યથાસ્થિતિવાદી બની જઈશ અને મારા સ્થાન પર મારાં જ સંતાનો આવે તેમ ઈચ્છીશ.” રાહુલ ગાંધીના આ બે વિધાન કોંગ્રેસ માટેતો ઠીક પણ વિપક્ષ માટે એલિમેન્ટ ઓફ સર્પરાઈઝ જેવાં છે. દેશમાં તો ઠીક પણ ખુદ ભાજપામાં અને એનડીએમાં વડાપ્રધાન બનવાને આંતરિક યુદ્ધ ફાટી નીકળ્યું છે ત્યારે એમ કહેવું કે વડાપ્રધાન બનવું તે મારી પ્રાથમિક્તા નથી- એ વિધાન આશ્ચર્યજનક છે.
સોનિયા ગાંધી વડાપ્રધાન પદ ઠુકરાવી ચૂક્યાં છે. ગાંધી પરિવાર સામે વિપક્ષો વંશવાદનો આરોપ સતત મૂક્તા આવ્યા છે. ત્યારે વંશવાદ આગળ ના વધે તે માટે લગ્ન ના કરવું અને ચૂંટણી પૂર્વસંધ્યાએ વડાપ્રધાનપદ એ પ્રોયોરિટી નથી તેમ કહેવું એ દૂરોગામી પરિવર્તનના સંકેત તો નથી ને? સોનિયા ગાંધી પછી એક માત્ર રાહુલ ગાંધી જ એવી વ્યક્તિ છે કે જેને દેશના ટોચના પદની લાલચ નથી એવું જાહેરમાં કહ્યું છે. જે રીતે તેમણે નહેરુ-ગાંધી પરિવારના રાજકીય વંશવાદને સમાપ્તિનો સંકેત આપ્યો અને સત્તા કે હોદ્દાની પ્રાપ્તિની લાલચ નથી તેવો ઈશારો કર્યો છે તે કોઈને પણ વિચારતા કરી દે તેમ છે. ભારતમાં આ પ્રકારની આત્મચિંતનયુક્ત ઈમાનદારી અસાધારણ હદ સુધી દુર્લભ છે. પરંતુ રાહુલ ગાંધી ઈચ્છે તે પ્રમાણે તેમની પ્રતિભા સત્તાથી દૂર રહેવા માંગતી વ્યક્તિ તરીકે ઉપસાવવા પ્રયાસ થશે તો કોંગ્રેસને નુકસાન પણ પહોંચી શકે છે. જો રાહુલ ગાંધી કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકારમાં વડાપ્રધાન બનવા ઈનકાર કરી દેશે તો તેમણે એક નવા ‘મનમોહનસિંહ’ની ખોજ કરવી પડશે.”
આજેય સત્તાની અસલી કમાન સોનિયા ગાંધી પાસે છે તો ભવિષ્યમાં પણ શું વડાપ્રધાન કોઈ હશે અને સત્તાની અસલી કમાન પક્ષના ભાવિ પ્રમુખ તરીક રાહુલ ગાંધી પાસે હશે ? શું ખરેખર રાહુલ ગાંધી નહેરુ- ગાંધી પરિવારના વંશવાદની સમાપ્તિ ચાહે છે ? અને જો એમ થશે તો ભવિષ્યમાં કોંગ્રેસ શું ફરી વેરવિખેર થઈ જશે ? કોઈને ગમે કે ના ગમે નહેરુ-ગાંધી પરિવાર જ કોંગ્રેસને જીવતી રાખવા અનિવાર્ય છે તેવું કોગ્રેસીઓ જ માની રહ્યા છે. શું ૨૦૧૪ની ચૂંટણીમાં રાહુલ ગાંધી મીરાંકુમાર જેવા દલિત મહિલાને વડાપ્રધાન તરીકે પ્રોજેક્ટ કરી દલિતકાર્ડ ખેલવા માંગે છે? અથવા તો એ.કે. એન્ટની જેવી સ્વચ્છ વ્યક્તિને આગળ ધરી તેઓ સ્વચ્છ રાજનીતિનું અને લઘુમતી કાર્ડ ખેલવા માંગે છે ? કે પછી ચિદમ્બર્મને આગળ કરી દક્ષિણ ભારતીયોને રાજી રાખવા માંગે છે ? રાહુલ ગાંધીના દિમાગમાં શું ચાલી રહ્યું છે તે સમજવું મુશ્કેલ છે. તેમના વિધાનોને ડિ-કોડ કરવા મુશ્કેલ છે. ૨૦૧૪ની ચૂંટણી પહેલાં વિપક્ષોએ ધાર્યાં ના હોય તેવાં કોઈ સર્પરાઈઝ આપી શકે છે.
nalin patel
Devendrabhai I am always fan of yours! your article are very much reality and give correct picture of India but people like me who settle overseas look at India.from different way because for us which ever country we are living we think we should improve our shelef more than what we think what we are!! we living in society wre honesty hardwork rule law and order is everything in India money is everything that we even have goddess I am thinking we are most moneyminded people in world