કારકૂનો પેદા કરવા અંગ્રેજોએ આપેલી શિક્ષણ-પરીક્ષા પદ્ધતિ ક્યારે બદલાશે ?

ગુજરાતમાં ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓનો આરંભ થઈ ચૂક્યો છે. આઝાદીના છ કરતાં વધુ દાયકા પૂરા થયાં તે પછી પણ ભારતની શિક્ષણ પદ્ધતિ, પરીક્ષા પદ્ધતિ અને તંત્ર અંગ્રેજોએ કારકુનો પેદા કરવા માટે આપેલી સિસ્ટમમાંથી હજુ બહાર આવ્યાં નથી. બોર્ડની પરીક્ષાનો હાઉ એવો ને એવો જ છે. પરીક્ષા તો વિદ્યાર્થી આપે છે પરંતુ તેની સાથે તેના માતા-પિતા પણ પરીક્ષા આપવા જતાં હોય તેટલા ચિંતાતુર રહે છે. પરીક્ષામાં ઊંચા માર્કસ આવે તે માટે બાધાઓ રાખવામાં આવે છે. વિદ્યાર્થીને ‘ઓલ ધ બેસ્ટ’ કહેવું પડે છે. સગાં-સંબંધીઓ દૂર હોય તો ફોન કરી બાળકને કહે છે : “બેટા, ચિંતા ના કરીશ. શાંતિથી પરીક્ષા આપજે.” નજીકના સગાં-સંબંધીઓ પરીક્ષાર્થીને રૂબરૂ મળી શુભેચ્છા પાઠવે છે. આ બધુ ગંભીર વાતાવરણ જોઇ બાળક સ્વસ્થતાથી પરીક્ષા આપવા જવાના બદલે ડરીને તે જતો હોય છે.

માત્ર મેમરી ટેસ્ટ

વળી આજે પણ જે પરીક્ષા લેવાય છે. તે એક રીતે તો મેમરી ટેસ્ટ જ છે. વિદ્યાર્થીને કેટલું યાદ રહ્યું છે તેની જ પરીક્ષા છે. તે કેટલું સમજ્યો છે અને તેનામાં કેટલી સર્જનાત્મક શક્તિ છે તેનો તો ટેસ્ટ લેવાતો જ નથી. વિદ્યાર્થી કાંઇક શીખવા નહીં પરંતુ માત્ર પરીક્ષા માટે જ ભણતો હોય એવું લાગે છે. શિક્ષણ, ટયૂશન્સ, ગાઇડસ અને સ્યોર સજેશન્સ પણ પરીક્ષા લક્ષી જ થઇ રહ્યાં છે. જૂન માસમાં શાળાઓ શરૂ થાય ત્યારથી વાલીઓ વિદ્યાર્થીની પાછળ પડી જાય છે. સ્પર્ધાના કારણે મોંઘાદાટ ટયૂશનો રાખવાં પડે છે. તેનો મતલબ જ એ છે કે સ્કુલમાં વિદ્યાર્થીને બરાબર ભણાવવામાં આવતું નથી અને તે ખામી ટયૂશન દ્વારા પૂરી કરવામાં આવે છે. તેના પરિણામે જેમની પાસે પૈસા છે તે વાલીઓ જ હજારોની ફી ચૂકવી બાળકને ટયૂશનમાં મોકલે છે.

ગુજરાતનો વિદ્યાર્થી

આશ્ચર્યની વાત એ છે કે દેશમાં જાહેર પરીક્ષાઓને જ મહત્ત્વ અપાય છે. જ્યારે શાળાકીય પરીક્ષાઓનું અગાઉ જેટલું મહત્ત્વ નથી. વિદ્યાર્થી જ્યારે પરીક્ષા આપે છે ત્યારે વિદ્યાર્થીઓ પણ એ જ છે, પરીક્ષા ખંડ પણ એ જ છે અને પેપરો તપાસનારા શિક્ષકો પણ એના એ જ હોય છે તો એમાં સરકારે કામે લાગી જવાની ક્યાં જરૂર છે? સરકારે તો અભ્યાસક્રમ, તેના ધારાધોરણો, અને એક સિસ્ટમ આપવાની હોય છે. આઝાદી પછી બંધારણમાં શિક્ષણ એ રાજ્યોને અપાયેલો વિષય છે તેથી એક ભારતનાં જુદા જુદા રાજ્યોમાં દરેક રાજ્ય મરજી પડે તે રીતે શિક્ષણ વ્યવસ્થા ગોઠવે છે. દા.ત. ગુજરાતમાં ઘણા વર્ષો પહેલાં ફરજિયાત અંગ્રેજીની હકાલપટ્ટી થઇ તે કારણે ગુજરાતનો વિદ્યાર્થી હોશિયાર હોવા છતાં અંગ્રેજીના જ્ઞાનના અભાવના કારણે પાછો પડે છે, લઘુતાગ્રંથિથી પીડાય છે અને યુપીએસસીની નવી પેટર્નમાં તો ગુજરાતના વિદ્યાર્થીએ નાહી નાંખવાનું જ આવ્યું છે. ગુજરાતના પૂર્વ રાજકારણીઓએ જેટલું નુકસાન ગુજરાતના વિદ્યાર્થીઓને પહોંચાડયું છે તેટલું કોઇએ પહોંચાડયું નથી. અને એ કારણે જ ગુજરાતના સચિવાલયમાં યુ.પી., બિહાર, પંજાબ, હરિયાણા અને દક્ષિણ ભારતનાં રાજ્યોમાંથી આવતા આઇ.એ.એસ. અધિકારીઓ શાસન ચલાવતા જણાય છે. એવું જ ગુજરાતમાં આઇપીએસ અધિકારીઓનું છે.

ગૂંચવાડા ઊભા કરે છે

સરકાર જ્યારે પણ ક્યાંય માથું મારે છે ત્યારે ગુંચવાડા જ ઊભા કરે છે. ગાંધીનગર સચિવાલયમાં બેઠેલા સચિવો, ઉપસચિવો, શિક્ષણ નિયામક, શિક્ષણ કમિશનર જેવા કેટલાયે ઉચ્ચ અધિકારીઓ હોવા છતાં પરીક્ષાની તારીખોમાં ઘણીવાર ગુંચવાડા ઊભા કરી દે છે. તાજેતરમાં ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ગઇ દિવાળીનું વેકેશન તા.૮-૧૧-૧૨થી પડવાનં હતું પરંતુ ધો.૧૧ સાયન્સના સેમેસ્ટરની પરીક્ષાઓના કારણે તા.૧૨-૧૧-૧૨ના રોજ જાહેર કર્યું. પરીક્ષાની તારીખો જાહેર કરી ત્યારથી વિદ્યાર્થી પાસે માત્ર ૨૦ જ દિવસો હોય છે. તેવી રીતે શિક્ષકો પાસે પણ ૨૦ જ દિવસો રહે છે. બાકીનો અભ્યાસક્રમ કેવી રીતે પૂરો કરવાનો? દિવાળી વેકેશન બાદ કામના દિવસો માત્ર ૮૭ જ રહે છે. એટલા સમયમાં બીજા સેમેસ્ટરનો અભ્યાસક્રમ કેવી રીતે પૂરો કરી શકાય? એ ઉપરાંત ૨૦ વિદ્યાર્થીના સર્વગ્રાહી મૂલ્યાંકન પદ્ધતિના ગુણ પણ ઉમેરવાના હોય છે. જેમાં વિદ્યાર્થીના કૌશલ્ય અને વલણોનું માપદંડ નક્કી કરવાનું હોય છે.

આ કેવું કેલેન્ડર?

બીજી નોંધપાત્ર વાત એ છે કે જે શાળામાં પરીક્ષા કેન્દ્ર હશે અથવા જે શાળામાંથી શિક્ષકો પરીક્ષાની કામગીરીમાં જોડાશે તે શાળાના વિદ્યાર્થીઓનું શું? બોર્ડની પરીક્ષા બાદ શાળાકીય પરીક્ષાઓ શરૂ થશે તો તેમાં વિદ્યાર્થીને કેટલો ન્યાય મળશે? આ બધા ફેરફારો માત્ર જાહેર પરીક્ષાઓને જ મહત્ત્વ આપવા કરવામાં આવ્યા છે. અને શાળાકીય પરીક્ષાઓને ગૌણ બનાવી દેવામાં આવી છે. તા.૮-૪-૧૩થી ધો.૧૧ વિજ્ઞાનપ્રવાહ સેમિસ્ટર-૨ની પરીક્ષાઓ શરૂ થાય છે. શું આ પરીક્ષાઓ એપ્રિલની ૨૦ તારીખ પછી ન લેવાય? જૂન માસમાં શાળા શરૂ થાય ત્યારેજ શાળાકીય કેલેન્ડર બહાર પાડે છે. જે સચિવો કેલેન્ડર લગાવે છે તેજ શાળાકીય તથા બોર્ડની તથા વેકેશનની તારીખો નક્કી કરે છે તો શું તે સમયે તેમને સમજ નથી પડતી? સેલ્સ ફાઇનાન્સમાં જે પી.ટી.સી.બી.એડ્ કોલેજો ચાલે છે. તેના જેવી જ દશા માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓની થવા બેઠી છે. શાળાકીય પરીક્ષાઓ તા.૬-૪-૧૩ના રોજ પૂરી થશે ત્યારબાદ નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં પહેલા વિદ્યાર્થીને ૬૫થી ૭૦ દિવસનું વેકેશન મળશે. એકબાજુ શૈક્ષણિક અભ્યાસના દિવસો ઘટી રહ્યાં છે ત્યારે બીજી તરફ આટલા લાંબા વેકેશનના કારણે વિદ્યાર્થીને જ નુકસાન થશે. શાળાકીય પરીક્ષાને જ આધારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજાય છે. શાળાકીય પરીક્ષા માટે વિદ્યાર્થી જો પૂરતી તૈયારી નહીં કરી શકે તો જાહેર પરીક્ષાઓમાં તેનું ભવિષ્ય કેવું હશે?