રાજનીતિ જેવો કોઈ ખેલ નથી. રાજનીતિ જેવી કોઈ શતરંજ નથી. રાજનીતિ જેવો કોઈ ધંધો નથી. રાજનીતિ જેવી કોઈ લાલસા નથી. રાજનીતિ જેવો કોઈ મોહ નથી. રાજનીતિ જેવી કોઈ આસક્તિ નથી. રાજનીતિની રમતનો કોઈ અંત નથી. રાજનીતિ જેવી લપસણી કોઈ ચીજ નથી. રાજનીતિને કોઈ ઉંમર નડતી નથી. રાજનીતિ કોઈ બંધન નથી. રાજનીતિના કોઈ નિયમો નથી. રાજનીતિમાં વ્યસ્ત લોકો ઘરમાં હોય કે વનમાં, મહેલમાં કે જેલમાં – તેમની પ્રવૃત્તિ ચાલુ જ રહે છે.
જેલમાં રહીને પણ રાજનીતિ કરાવવાળા નેતાઓમાં ભારતના નેતાઓ મોખરે છે. તમિળનાડુનાં પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાને આવક કરતાં વધુ સંપત્તિ માટે જ્યારે જેલની સજા સંભળાવવામાં આવી ત્યારે ઘણાં બધાંને લાગ્યું કે તેમની પાર્ટીનો અને તેમની કારકિર્દીનો હવે અંત આવી ગયો છે, પરંતુ જયલલિતા જેલમાં રહીને પણ બડા આરામથી પક્ષનું સંચાલન કરતા રહ્યાં. નોંધનીય વાત એ છે કે, જયલલિતાને સજા સંભળાવ્યા બાદ બેંગલુરની સેન્ટ્રલ જેલમાં એક હેલિકોપ્ટર દ્વારા લઈ જવામાં આવતાં હતાં ત્યારે લોકો તેમના હેલિકોપ્ટરને પણ પ્રણામ કરતા હતા. જે રસ્તા પર તેઓ ચાલીને ગયાં હતાં તે રસ્તાને પણ લોકો સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરતાં હતાં. ૨૦૦૧માં પણ તેઓ ત્રણ મહિના માટે જેલમાં ગયાં ત્યારે પણ તેમની પાર્ટી અને તેમના સચિવાલયમાં લશ્કર જેવું શિસ્ત જોવા મળતું હતું. આજે પણ એ જ સ્થિતિ જોવા મળે છે.
બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ ઘાસચારા કૌભાંડમાં સૌથી પહેલાં ૧૯૯૬માં ગિરફ્તાર થયા હતા. એ વખતે તેઓ બિહારના મુખ્યમંત્રી હતા. એ સમયે તેમણે તેમનાં પત્ની રાબડીદેવીને મુખ્યમંત્રીનો કાર્યભાર સોંપ્યો હતો, પરંતુ પરોક્ષ રીતે બધું જ રાજ-કામકાજ તેઓ જેલમાંથી જ સંભાળતા હતા. જેલમાં તેમની સેવામાં કોઈ કસર રાખવામાં આવી નહોતી. જેલમાં પણ તેમના ઠાઠમાઠમાં કોઈ ફરક પડયો નહોતો. જેલની અંદર જ ઉચ્ચ અધિકારીઓ તેમને મળવા આવતા હતા અને તેમને પૂછીને જ રાજનો વહીવટ કરતા હતા. બીજી વખત તેઓ જેલમાં ગયા ત્યારે પણ જેલમાં જ દરબાર લાગતો રહ્યો. જેલમાંથી જ પક્ષની રણનીતિ નક્કી થતી રહી. આવનારી ચૂંટણીઓમાં પછાત વર્ગોની અને મુસ્લિમોની વોટબેંક અંકે કરવાની રણનીતિ ઘડાતી રહી. લાલુ પ્રસાદ જેલમાં જ રોજ માલિશ કરાવતા હતા અને તેમના વાળ કાપવાવાળો માણસ જેલમાં જતો હતો. તેઓ જેલમાં તૈયાર થતા ભોજનની લુફ્ત પણ ઉઠાવતા હતા અને જેલની બહાર તેમના સમર્થકો અનેક પ્રકારની ભેટ સાથે ભીડ જમાવતા. જાણે કે જેલની ચાર દીવાલોનો કોઈ મતલબ જ નહોતો.
૨૦૦૧માં ડીએમકેના પ્રમુખ એમ. કરુણાનિધિની અડધી રાતે તેમના ઘરમાંથી ધરપકડ થઈ હતી. ચેન્નાઈમાં બાંધવામાં આવેલા દસ ફ્લાય ઓવર્સમાં કહેવાતા ભ્રષ્ટાચારના મામલે તેમની ધરપકડ થઈ હતી. તેમના પુત્ર અને તેમના રાજનૈતિક વારસદાર સ્ટેલિનને પણ જેલમાં પૂરવામાં આવ્યા હતા. વિપક્ષોને લાગ્યું કે, હવે તેમની રાજનીતિ ખતમ થઈ ગઈ, પરંતુ થયું ઊલટું. એમ. કરુણાનિધિની ધરપકડથી લોકોમાં તેમના પ્રત્યે સહાનુભૂતિ વધી. ખરેખર તો કેટલાક સમય પહેલાં થયેલી ચૂંટણીમાં લોકોએ તેમને નકારી દીધા હતા, પરંતુ જેલવાસના કારણે તેમની રાજનીતિ જીવતી થઈ ગઈ. કરુણાનિધિની ધરપકડનો વિરોધ કરવા લગભગ ૩૨,૦૦૦ કાર્યકર્તાઓએ ધરપકડો વહોરી. લોકોનો આ મૂડ જોઈને કરુણાનિધિએ પણ જામીન પર છૂટવા ઇનકાર કરી દીધો. જેલયાત્રાનો જ તેમણે ભરપૂર લાભ ઉઠાવ્યો. પરિણામ એ આવ્યું કે માત્ર ૧૦ જ દિવસમાં તેઓ જેલમાંથી બહાર આવી ગયા. જે રીતે તેમની ધરપકડ થઈ હતી તેની ઉપર કેન્દ્ર સરકાર અને જનતા બેઉ રોષમાં હતા. ધરપકડ પણ તેમના માટે રાજનીતિક લાભ ઉઠાવવાનું કારણ બની ગઈ.
સીબીઆઈ કોર્ટે ૨૨ જાન્યુઆરી, ૨૦૧૩ના રોજ ઇન્ડિયન નેશનલ લોકદળના સુપ્રીમો અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલા તથા તેમના પુત્ર અજય ચૌટાલાની ૩૦૦૦ શિક્ષકોની ગેરકાનૂની ભરતી કૌભાંડમાં ધરપકડ કરી હતી. આ ગિરફ્તારી બાદ પણ તેઓ જેલમાં બેઠાબેઠા રાજનીતિ કરતા રહ્યા. તેમની સાથે બીજા આઠ નેતાઓને પણ પકડવામાં આવ્યા હતા. કેટલાક બીમારીનું કારણ બતાવી ફાઈવસ્ટાર હોસ્પિટલમાં દાખલ થઈ ગયા હતા. પક્ષના અન્ય નેતાઓ જરૂરી સૂચનાઓ લેવા અહીં આવવા લાગ્યા હતા. આ બધું એટલું બધું વ્યવસ્થિત રીતે ચાલ્યું કે, હરિયાણામાં તાજેતરમાં થયેલી ચૂંટણી માટે ચૌટાલાએ રાજ્યની કુલ ૯૦ બેઠકો પૈકી ૮૮ બેઠકોની ટિકિટો હોસ્પિટલમાં બેઠાબેઠા જ વહેંચી. વચ્ચે અલગ અલગ કારણો દર્શાવી તેઓ જામીન પર બહાર પણ આવતા રહ્યા અને પ્રશાસનને બેવકૂફ બનાવી સભાઓ પણ સંબોધી આવ્યા, પરંતુ તરત જ આ બધું સીબીઆઈની નજરમાં આવી ગયું. પરિણામે ચૌટાલાએ ફરી ૧૧ ઓક્ટોબરના રોજ જેલ અધિકારીઓ સમક્ષ સમર્પણ કરવું પડયું. ઓમપ્રકાશ ચૌટાલા હવે જેલમાં છે.
જેલમાં રહેતા રાજકારણીઓ-નેતાઓની જે રીતે માગો પૂરી કરવામાં આવે છે તે જોતાં કેટલીયે વાર જેલના નિયમોનું ઉલ્લંઘન થયું છે. કારવાસ અધિનિયમ-૧૮૯૪ (પ્રિઝન્સ એક્ટ ૧૮૯૪) મુજબ “રાજનૈતિક કેદી” જેવો કોઈ અલગ વર્ગ છે જ નહીં. રાજ્ય સરકારોએ રાજનૈતિક પૃષ્ઠભૂમિના કેદીઓના અધિકારો માટે નિર્દેશો જાહેર કરવા જોઈએ. જે રાજ્યોમાં ગુનેગારોને ‘એ’ અથવા ‘બી’વર્ગ આપવામાં આવે છે ત્યાં રાજનૈતિક પૃષ્ઠભૂમિ ધરાવતા કેદીઓએ એ સાબિત કરવું જોઈએ કે તે ‘એ’ વર્ગમાં આવે છે. સજા પ્રાપ્ત રાજનૈતિક પૃષ્ઠભૂમિ ધરાવતી વ્યક્તિ પોતાના અધિકાર માટે ન્યાયાલયની સહાયતા લઈ શકે છે.
જયલલિતા, લાલુ પ્રસાદ યાદવ, એમ.કરુણાનિધિ, ચૌટાલા જેલમાં રહીને પણ રાજનીતિ કરતાં રહ્યાં
Comments are closed.