રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ

પશ્ચિમના સંશોધકોના મતને ખોટો સાબિત કરનાર પુરાતત્ત્વ સંશોધક પી.પી.પંડયા કોણ હતા?

પુરાતત્ત્વ જેવા ગહન વિષયને પસંદ કરવો, તેમાં પ્રથમ રેંક લઈ ઉચ્ચ અભ્યાસ (MA) કરવો અને તેને જ કારકિર્દી બનાવી આશરે બે હજાર કિમી જેટલો પગપાળા પ્રવાસ કરી હડપ્પા સંસ્કૃતિ (૫૦૦૦ વર્ષ પ્રાચીન)ના લોથલ જેટલાં જ મહત્ત્વનાં સંશોધનો કરવાં અને પશ્ચિમના સંશોધકોના મતે સૌરાષ્ટ્ર વિસ્તારમાં પ્રાચીન સંસ્કૃતિનું અસ્તિત્વ નથી તેવા મતને ખોટો સાબિત કરવો, તે સામાન્ય માનવીનું કામ નથી, પરંતુ આ ભગીરથ કાર્ય કરી દેશના પુરાતત્ત્વીય ઇતિહાસમાં સૌરાષ્ટ્રનું મહત્ત્વનું સ્થાન સાબિત કરનાર પુરાતત્ત્વવિદ્ પી.પી. પંડયાને બહુ ઓછા લોકો ઓળખે છે.

ટાંચાં સાધનોમાં કરેલાં સંશોધનોની મહત્ત્વતા, તેમણે એક દસકામાં પુરાતત્ત્વ ક્ષેત્રે કરેલાં કાર્યો, પોતાની વતનભૂમિમાં શરૂ કરેલ સંશોધનરૂપી મહાયજ્ઞા અધૂરો ન રહે તે માટે ડો. સાંકળિયા જેવા વિદ્વાન અને સિનિયરના અભિપ્રાય મુજબ રાષ્ટ્રીય કક્ષાએ પુરાતત્ત્વ વિભાગમાં મળેલ ઉચ્ચ પગાર સાથેની ઉચ્ચ હોદ્દા પરની નિમણૂકનો અસ્વીકાર કરી સૌરાષ્ટ્રમાં જ પુરાતત્ત્વ વિભાગના વડા તરીકે ચાલુ રહી વતન તરફની જવાબદારી, પ્રેમ-લાગણીને મહત્ત્વ આપી સીમાચિહ્નરૂપ સંશોધનો કર્યાં.

પુરાતત્ત્વવિદ્ પી.પી. પંડયા જેઓ સૌરાષ્ટ્ર રાજ્યમાં પુરાતત્ત્વ અને મ્યુઝિયમ વિભાગના વડા હતા. બાદમાં મુંબઈ રાજ્ય બનતાં હાલના ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ વિસ્તારના આ વિભાગના વડા બન્યા. ત્યારબાદ ૧૯૬૦માં મે મહિનામાં સ્થપાનાર ગુજરાત રાજ્યના પુરાતત્ત્વ વિભાગના પ્રથમ વડા તરીકે ચાર્જ સંભાળે તેના ૭૭ દિવસ પહેલાં જ તા. ૧૨-૨-૧૯૬૦ના રોજ ખૂબ જ ટૂંકી બીમારીમાં તેઓનું ફક્ત ૩૯ વર્ષ ૩ માસ અને ૪ દિવસનું આયુષ્ય ભોગવી અવસાન થયું.

‘મધ્યાહ્ને સૂર્યાસ્ત-એક પુરાતત્ત્વવિદ્ની જીવનયાત્રા’ એ આ વિરલ, વિદ્વાન અને વતનપ્રેમી પુરાતત્ત્વવિદ્નું જીવનચરિત્ર છે. ઘણી વાર પોતાના ઉમદા જીવન આદર્શને પૂરી નિષ્ઠાથી સાકાર કરવા મથનારા અમુક મહાનુભાવો આ વિશ્વમાં વિસરાઈ જતા હોય છે. પી.પી.પંડયા આવા જ એક ઇતિહાસ, સંસ્કૃતિ, પુરાતત્ત્વ જેવા ગહન વિષયોમાં જીવંત રસ લેનારા વિરલ સંશોધક હતા. આ પુસ્તક આજની પેઢીના સંશોધકો, વિદ્વાનો, અભ્યાસીઓ અને વિદ્યાર્થીઓને પ્રેરકબળ બની રહે તેમ છે. આ પુસ્તક લખી તેમના પુત્ર સાહિત્યકાર અને કાયદાવિદ્ પીયૂષભાઈ પંડયાએ મહત્ત્વપૂર્ણ કામગીરી બજાવી છે.

ભારતના ભાગલા પડયા પછી જગતની પ્રાચીન સંસ્કૃતિઓ પૈકીની એક સિંધુ ખીણની સંસ્કૃતિ (હડપ્પીય સંસ્કૃતિ)નાં સ્થાનો મોહેં-જો-દડો અને હડપ્પા પાકિસ્તાનમાં ગયાં. આથી ભારતમાં એ સંસ્કૃતિ હતી કે કેમ? એ વિશે ભારતીય પુરાતત્ત્વવિદોએ સંશોધન કાર્ય આરંભ્યું. જેમાં સૌરાષ્ટ્રમાં એ સંશોધન પી.પી. પંડયાએ કર્યું અને હડપ્પીય સંસ્કૃતિનાં અનેક સ્થળો સેંકડો કિમીનો પગપાળા પ્રવાસ કરીને શોધી કાઢયાં.

પી.પી.પંડયાએ ૧૯૫૦થી ૧૯૬૦ના એક દાયકામાં મધ્યકાલીન પાષાણ યુગનાં (આશરે ૫ લાખ વર્ષ પ્રાચીન) પાંચ સ્થાનો,લઘુપાષાણ યુગ (આશરે દોઢ લાખ વર્ષ પ્રાચીન)નાં ૨૦ સ્થળો, હડપ્પા સંસ્કૃતિ (આશરે ૫૦૦૦ વર્ષ પ્રાચીન) ૬૫ ટીંબાઓ, ૧૧૦ જેટલી દોઢ હજાર વર્ષ પ્રાચીન ક્ષત્રપકાલીન વસાહતો, મૈત્રકકાલીન મંદિર, ૧૮૦૦ વર્ષ પ્રાચીન ખંભાલીડા (તા.ગોંડલ,જી.રાજકોટ)ની વિશ્વપ્રસિદ્ધ બૌદ્ધ ગુફાની શોધ કરી, જે સંશોધનથી ભારતના પ્રાગ ઐતિહાસિક, આદ્ય ઐતિહાસિક અને ઐતિહાસિક નકશામાં સૌરાષ્ટ્ર-કચ્છને ગૌરવભર્યું સ્થાન પ્રાપ્ત થયું.

રાજકોટ ખાતેના ગુજરાત રાજ્યના પુરાતત્ત્વ ખાતાના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ આર્િકયોલોજી (સેવા નિવૃત્ત) ફિલ્ડ આર્િકયોલોજિસ્ટ વાય.એમ. ચિતલવાલા લખે છે કે, “સૌરાષ્ટ્રમાં કદાચ આદિમાનવની હયાતી જ ન હતી, કારણ કે પાશ્ચાત્ય પુરાતત્ત્વવિદોએ તેને પુરાતત્ત્વની દૃષ્ટિએ ષ્ઠટ્વઙ્મ-ઙ્ઘી-જટ્વષ્ઠ અથવા બંધિયાર પ્રદેશ ઘોષિત કરેલો. પણ ધીરે ધીરે સૌરાષ્ટ્રમાંથી પણ આ પ્રકારનાં ઓજારો ડો.હસમુખ સાંકળિયા તેમજ અન્ય વિદ્વાનોને મળ્યાં પણ તેનો સમયગાળો અને વ્યાપ નક્કી કરવામાં મુશ્કેલી હતી. આ સંબંધમાં પી.પી. પંડયાએ લોઅર પેલિયોલિથિક, મધ્ય-પેલિયોલિથિક અને કાઈક્રોલિથિક (લઘુ પાષાણ ઓજારો)ની શોધ કરી પાષાણયુગને એક તંતુએ બાંધ્યો અને એ રીતે લગભગ એક લાખ પચાસ હજાર વર્ષ પહેલાંથી લઈને ઈ.સ. પૂર્વે ૫૦૦૦ વર્ષો સુધીના ગાળાની ઐતિહાસિક રૂપરેખા તૈયાર કરવામાં સંશોધનકારોને અતિ મહત્ત્વની મદદ કરી.

હિન્દુસ્તાનના ભાગલા થતાં સિંધુ સભ્યતાની જાણીતી વસાહતો મોહેં-જો-દડો અને હડપ્પા આપણા ભાગે ન આવતા પુરાતત્ત્વવિદોમાં ઘેરી નિરાશાનું મોજું ફરી વળ્યું હતું, પણ ભારતીય પુરાવેત્તાઓ, જેમાં પી.પી. પંડયાનો સમાવેશ થાય છે, હાથ બાંધીને બેસી ન રહેતાં ઘનિષ્ઠ સર્વેક્ષણો હાથ ધર્યાં. રંગપુરની હડપ્પીય વસાહત પર રાવે ઉત્ખનન કર્યું અને હડપ્પીય સંસ્કૃતિના જુદા જુદા તબક્કાની એક સમયસારણી નક્કી કરી. આ સમયપત્રક(periodication)ખૂબ જ ઉપયોગી સાબિત થયું પણ ખરેખર સૌરાષ્ટ્રની કઈ અને કેટલી વસાહતો આ તબક્કાવાર સમયાંકનમાં બંધબેસતી આવે છે તે સ્પષ્ટ ન હતું. પી.પી. પંડયાના પ્રયાસોને કારણે અને તેમનાં સર્વેક્ષણોના ફળસ્વરૂપે હડપ્પીય વસાહતોનું પરિપકવ હડપ્પીય અને અનુહડપ્પીય કાળમાં વિભાજન કરવામાં આવ્યું. જેનો યશ પી.પી. પંડયાને જાય છે. મોટાભાગની હડપ્પીય વસાહતો ભાદર અને અન્ય નાની મોટી નદીઓના કાંઠે વસેલી મળી આવે છે. પંડયાએ આ બધી જ રોઝડી સહિત વસાહતોને નકશા પર ટપકાવી. તેમની ભૌગોલિક પરિસ્થિતિને સ્પષ્ટરૂપે ઉપસાવી. આ પદ્ધતિને સુધરેલી પુરાતત્ત્વીય ભાષામાં સેટલમેન્ટ આર્િકયોલોજી કહે છે.

પી.પી. પંડયાએ અનેક હડપ્પીય અને બિનહડપ્પીય વસાહતોનાં ઉત્ખનન કાર્યો કરી તેમની એક ફિલ્ડ આર્િકયોલોજિસ્ટ તરીકેની વિદ્વત્તા અને કાર્યક્ષમતા બતાવી આપી. એક જ ટીંબાનું લાંબા સમય સુધી ઉત્ખનન કાર્ય કરવાને બદલે તેમણે ટ્રાયલ ઉત્ખનનો લેવાની પ્રણાલી અપનાવી જેમાં રોઝડી અપવાદરૂપ ગણી શકાય. આ પ્રકારના ખોદકાર્યના કેટલાંક દેખીતા ફાયદા હતા. પ્રથમ તો ટૂંકા સમયમાં કોઈ પણ પ્રાચીન સ્થળનું પ્રાથમિક પ્રકારનું ચિત્ર સ્પષ્ટ થઈ શકતું. બીજું, સ્તર પ્રમાણે કરાયેલ ઉત્ખનનથી સમયાંકન ઉપરાંત સંસ્કૃતિના વિકાસના તબક્કા પણ નક્કી કરી શકાતા. પરિણામે સૌરાષ્ટ્રની હડપ્પીય અને અનુહડપ્પીય સંસ્કૃતિ વિશેની જાણકારીમાં વધારો થયો. રોઝડીના ઉત્ખનનથી મધ્ય સૌરાષ્ટ્રમાં હડપ્પાને લગતી સંસ્કૃતિનું ચિત્ર વધારે સ્પષ્ટ બન્યું.સૌરાષ્ટ્રમાં હડપ્પા સંસ્કૃતિનો પ્રવેશ, પ્રસાર અને લક્ષણો અંગે પી.પી. પંડયાએ કરેલાં સંશોધનથી જાણવા મળે છે કે હડપ્પા સંસ્કૃતિ સિંધમાંથી કચ્છમાં થઈને સૌરાષ્ટ્રના હાલાર જિલ્લામાં પ્રવેશી હતી. શરૂઆતમાં ટૂંકા સમયની નાની વસાહતો સ્થાપવામાં આવી હતી. ફળદ્રુપ પ્રદેશની શોધમાં આગળ ધપતાં આ લોકો ભાદર નદીના બંને કાંઠા ઉપર વસ્યા અને છેવટે રંગપુર થઈને ગુજરાતમાં ભોગાવા-સાબરમતીના સંગમસ્થાન નજીક લોથલમાં સ્થિર થયા હતા.

માર્ચ ૧૯૫૮માં ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન એન્ડ સાયન્ટિફિક રિસર્ચના અન્ડર સેક્રેટરીએ મુંબઈ રાજ્યના કેળવણી ખાતાના સેક્રેટરીને પત્ર લખી જણાવ્યું કે “યુનિયન પબ્લિક ર્સિવસ કમિશનની ભલામણથી ભારતના રાષ્ટ્રપતિએ પી.પી. પંડયાને ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ આર્િકયોલોજીમાં આસિ.સુપરિન્ટેન્ડન્ટની જગ્યા માટે નિમણૂક માટેની ઓફરનો સ્વીકાર કરે તો ભારત સરકારને તાત્કાલિક જાણ કરવામાં આવે એવું જણાવવાનો મને આદેશ કરવામાં આવ્યો છે.” પરંતુ વિશ્વપ્રસિદ્ધ પુરાતત્ત્વવિદ્ ડો. સાંકળિયાની સલાહ મુજબ પોતાના વતન માટે આ જ કામગીરી કરવાનું તેમણે પસંદ કર્યું, મોટા હોદ્દા કે મોટા પગારને અવગણીને.

આવા પ્રાચીન ઇતિહાસને સજીવન કરનાર વિદ્વાનને સમાજ અને સરકાર ભૂલી ગયાં છે.પી.પી. પંડયાના પરિવારે એક ફાઉન્ડેશનની સ્થાપના કરીને તેમણે કરેલાં સંશોધનોનો પ્રચાર અને પ્રસાર થાય તે માટે પ્રયાસો આદર્યા છે. ખંભાલીડાની બૌદ્ધ ગુફા અને રોઝડી ખાતેની હડપ્પન સાઈટ તેનાં ઉદાહરણ છે.

 
www.devendrapatel.in