રેડ રોઝ : દેવેન્દ્ર પટેલ
પાકિસ્તાને ભારત સાથે હંમેશાં દગો કર્યો છે. ભારતના એ વખતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી બસમાં બેસી દોસ્તી અને અમન માટે હાથ લંબાવવા લાહોર-પાકિસ્તાન ગયા ત્યારે એ વખતે જ પાકિસ્તાનના લશ્કરે ભારતના કારગિલ ક્ષેત્રમાં ઘૂસણખોરી કરીને એ ક્ષેત્રનો કબજો લઈ લીધો હતો. એ વખતે પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે નવાઝ શરીફ હતા, જ્યારે કારગિલમાં ઘૂસણખોરીનું ષડ્યંત્ર રચનાર પાકિસ્તાન સૈન્યના વડા તરીકે જનરલ પરવેઝ મુશર્રફ હતા.
પાકિસ્તાની સૈન્યનું કૃત્ય
આ ઘટના મે-જુલાઈ, ૧૯૯૯ની છે. કારગિલ એ જમ્મુ અને કાશ્મીર પ્રદેશનો એક જિલ્લો છે. એ વખતે ભારતીય લશ્કરના વડા તરીકે વેદપ્રકાશ મલિક હતા. પાકિસ્તાનના વડાપ્રધાનને અંધારામાં રાખી પાકિસ્તાનની સેના અને કાશ્મીરી ઉગ્રવાદીઓએ ભારત અને પાકિસ્તાન વચ્ચેની નિયંત્રણ રેખા પાર કરીને ભારતની જમીન પર કબજો કરવા કોશિશ કરી હતી. અલબત્ત, પાકિસ્તાને એવો દાવો કર્યો હતો કે, ભારતની ભૂમિ પર કબજો લેવાનો પ્રયાસ કરનારા તમામ ઉગ્રવાદીઓ છે, પરંતુ આ યુદ્ધમાં કબજે કરવામાં આવેલાં દસ્તાવેજો, શસ્ત્રો અને પાકિસ્તાની નેતાઓનાં બયાનો પછી એ સાબિત થઈ ગયું કે કારગિલમાં ઘૂસણખોરી કરવામાં પાકિસ્તાની લશ્કર પ્રત્યક્ષરૃપે સામેલ હતું.
ભારત અને પાકિસ્તાન વચ્ચેના આ સંઘર્ષમાં કારગિલમાંથી પાકિસ્તાનીઓને હટાવવાના લક્ષ્યાંકને ‘ઓપરેશન વિજય’ એવું નામ આપવામાં આવ્યું હતું. આ યુદ્ધ દરમિયાન ભારતે ૩૦,૦૦૦ સૈનિકોને મેદાનમાં ઉતાર્યા હતા. તેની સામે ૫૦૦૦ જેટલા ઘૂસણખોરોને પાકિસ્તાને કારગિલમાં ઘુસાડી દીધા હતા. પાકિસ્તાનના પેરામિલિટરી ફોર્સના વડા અશરફ રશીદની આગેવાની હેઠળ પાકિસ્તાની સૈનિકોએ કારગિલમાં ઘૂસણખોરી કરી હતી. ભારતીય સૈન્યએ ભારતીય વાયુસેનાની મદદથી ઘૂસણખોરોને ખદેડવાની કામગીરી શરૃ કરી હતી. આંતરરાષ્ટ્રીય સમૂહના સહયોગથી પાકિસ્તાનના સૈનિકોએ કારગિલ છોડીને ભાગી જવું પડયું હતું.
આ યુદ્ધ અત્યંત ઊંચી પહાડીઓ પર કાતિલ ઠંડીના યુદ્ધ તરીકે ઓળખાય છે. યુદ્ધ અત્યંત ઊંચી પહાડીઓ પર કરવાનું હોઈ ભારતીય સૈનિકોને જરૃરી શસ્ત્ર-સરંજામ તથા બીજો સામાન મોકલવામાં પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. ભારત અને પાકિસ્તાન બેઉ પરમાણુ આયુધો ધરાવતાં રાષ્ટ્રો હોઈ આ યુદ્ધ પ્રત્યે આખી દુનિયાનું ધ્યાન કેન્દ્રિત થયું હતું. આ યુદ્ધ પહેલાં એટલે કે ૧૯૭૪માં ભારતે પોખરણમાં પહેલો પ્રાયોગિક અણુધડાકો કર્યો હતો તે પછી પાકિસ્તાન ગુપ્ત રીતે ન્યુક્લિઅર બોમ્બ બનાવવાની કામગીરીમાં લાગી ગયું હતું. ૧૯૮૮માં પાકિસ્તાને પણ તેને પહેલો પ્રાયોગિક અણુધડાકો કર્યો હતો.
કારગિલ યુદ્ધ કેમ થયું?
કારગિલ યુદ્ધ કેમ થયું તેનાં કારણ પણ જાણવાં જેવાં છે. એ વખતના પાકિસ્તાનના
વડાપ્રધાન નવાઝ શરીફ અને પાકિસ્તાની સૈન્યના વડા કરામાત વચ્ચે ૧૯૯૮માં મતભેદો વધી ગયા હતા. કરામાતની નિવૃત્તિ બાદ કોને સૈન્યના પ્રમુખ બનાવવામાં આવે તે વાત પાકિસ્તાનમાં ચર્ચાતી હતી. તે વખતના વડાપ્રધાન નવાઝ શરીફે એક જાહેર સભામાં કેટલીક ટીકા કરી. એ વાત સાંભળીને ગુસ્સે થયેલા સેનાના વડા કરામાતે સૈન્યના વડા તરીકે રાજીનામું આપી દીધું હતું. એ પછી નવાઝ શરીફે જનરલ પરવેઝ મુશર્રફને પાકિસ્તાની લશ્કરના વડા બનાવી દીધા હતા. આ ઘટના બાદ ફરી એક વાર પાકિસ્તાની સૈન્ય અને લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકાર વચ્ચે મતભેદો શરૃ થયા હતા અને જનરલ પરવેઝ મુશર્રફની રાજકીય મહત્ત્વાકાંક્ષાને લીધે પરવેઝ મુશર્રફે જ કારગિલમાં ઘૂસણખોરી કરવાનું કાવતરું રચ્યું હતું. આ યુદ્ધને કારણે પાકિસ્તાનમાં રાજકીય અને આર્િથક અસ્થિરતા વધી ગઈ હતી અને નવાઝ શરીફને હટાવીને પરવેઝ મુશર્રફ પાકિસ્તાનના સરમુખત્યાર-પ્રેસિડેન્ટ બની ગયા હતા.
ઇતિહાસ એવો છે કે, ૧૯૪૭ પહેલાં કારગિલ લડાખના બાલિસ્તાન જિલ્લાનો એક હિસ્સો હતું. અહીં અનેક ભાષા, ધર્મો અને જાતિઓના લોકો છૂટાછવાયા રહેતા હતા. કારગિલ શ્રીનગરથી ૨૦૫ કિલોમીટર દૂર આવેલું નગર છે. તેની નજીકમાં જ લાઈન ઓફ કંટ્રોલ છે. તે હિમાલયના બીજા ઊંચા ભાગ જેવું જ છે. ત્યાં ઉનાળામાં પણ કાતિલ ઠંડી હોય છે. શિયાળામાં કારગિલનું તાપમાન માઈનસ ૪૮ ડિગ્રી સુધી પહોંચી જાય છે. ભારતનો નેશનલ હાઈવે(એનએચ૧ડી)કે તે શ્રીનગરથી લેહ જાય છે તે વાયા કારગિલ થઈને જ જાય છે. પાકિસ્તાને જ્યાં ઘૂસણખોરી કરી તે ૧૬૦ કિલોમીટર જેટલો પથરાયેલો રોડ છે. કારગિલની નજીકમાં જ દ્રાસ અને મુશ્કોવેલી આવેલાં છે. કારગિલ એ પાકિસ્તાનના અંકુશ હેઠળના સ્કર્દુ નગરથી માત્ર ૧૭૩ કિલોમીટર દૂર આવેલું છે. કારગિલના પર્વતો એટલા દુર્ગમ છે કે જ્યાં ભારતીય ચોકીઓ ન હોઈ પાકિસ્તાને ત્યાં ઘૂસવાની હિમ્મત કરી હતી.
કારગિલના યુદ્ધ દરમિયાન ભારતના અધિકૃત આંકડા પ્રમાણે ૫૨૭ જવાનો શહીદ થયા હતા. ૧૩૬૩ જવાનો ઘાયલ થયા હતા. એક સૈનિક યુદ્ધના સૈનિક તરીકે પકડાયો હતો. ભારતે એક ફાઈટર જેટ ગુમાવ્યું હતું. એક ફાઈટર જેટ તૂટી પડયું હતું. ભારતે એક હેલિકોપ્ટર પણ ગુમાવ્યું હતું. પાકિસ્તાને કરેલા દાવા પ્રમાણે ૧૬૦૦ ભારતીય જવાનો શહીદ થયા હતા. એ જ રીતે પાકિસ્તાને આપેલા આંકડા પ્રમાણે પાકિસ્તાને ૩૫૭થી ૪૫૬ સૈનિકો ગુમાવ્યા હતા. ૬૬૫ ઘવાયા હતા. પાકિસ્તાનના આઠ સૈનિકો યુદ્ધના કેદી તરીકે પકડાયા હતા. કેટલાંક માને છે કે પાકિસ્તાનના ૧૦૦૦થી ૪૦૦૦ જેટલાં સૈનિકો માર્યા ગયા હતા. ભારતે આપેલા આંકડા પ્રમાણે ૭૦૦થી વધુ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા.
૧૯૭૧ના ભારત-પાક યુદ્ધ પછી ભારત-પાક સરહદ પર અવારનવાર છમકલાં ચાલુ જ હતાં. સિયાચીન ગ્લેશિયર પર અંકુશ જમાવવો બન્ને દેશો માટે એક વ્યૂહાત્મક જરૃરિયાત હતી. ૧૯૯૦ સુધીમાં કાશ્મીરમાં અલગતાવાદીઓ વધુ સક્રિય બન્યા હતા. વળી અત્યાર સુધીમાં બંને દેશો અણુપ્રયોગ કરી ચૂક્યા હતા. બન્ને દેશો વચ્ચેના તનાવને ઘટાડવા માટે ફેબ્રુઆરી ૧૯૯૯માં લાહોર ડેક્લેરેશન પર બંને દેશોએ દસ્તખત કર્યા હતા. તેમાં કાશ્મીરનો પ્રશ્ન બન્ને દેશોએ વાટાઘાટ દ્વારા શાંતિથી ઉકેલવાની વાત હતી,પરંતુ ૧૯૯૮-૧૯૯૯ના ગાળામાં પાકિસ્તાન લશ્કરનાં કેટલાંક તત્ત્વોએ એલઓસી નજીક કેટલાંક મુજાહિદ્દીનોને લશ્કરી તાલીમ આપવાની શરૃઆત કરી દીધી હતી. તેમનો ઈરાદો ભારતીય એલઓસીને ક્રોસ કરી ભારતમાં ઘૂસણખોરી કરવાનો હતો અને એમ કરી ભારત અને લડાખ વચ્ચેની લિંક કાપી નાખવાનો તેમનો ઈરાદો હતો. કારગિલમાં ઘૂસણખોરી કરવાના આ મિશનને’ઓપરેશન બદ્ર’ એવું સાંકેતિક નામ આપવામાં આવ્યું હતું. ભારત અને લડાખ વચ્ચેનો સેતુ તૂટી જાય તો તેઓ ભારતે સિયાચીન ગ્લેશિયર પરથી પણ હટી જવું પડે. જો એમ થાય તો ભારતે પાકિસ્તાન સાથે કાશ્મીરના મુદ્દે ચર્ચા કરવાની ફરજ પડે તેવો ખતરનાક ઈરાદો પાકિસ્તાનનાં કેટલાંક તત્ત્વોનો હતો. પાકિસ્તાન એમ પણ માનતું હતું કે, આ વિસ્તારમાં કોઈ પણ તનાવ ઊભો થશે તો કાશ્મીરના પ્રશ્નનું આંતરરાષ્ટ્રીયકરણ થઈ જશે અને કાશ્મીરનો પ્રશ્ન પાકિસ્તાનને જોઈએ છે તે રીતે હલ થઈ જશે. આ કાવતરામાં આઈએસઆઈ પણ સામેલ હતું. કેટલાક નિષ્ણાતો માને છે કે ૧૯૮૪માં ભારતે સિયાચીન ગ્લેશિયર માટે કરેલાં’ઓપરેશન મેઘદૂત’નો જવાબ આપવા પાકિસ્તાને કારગિલમાં ઘૂસવા માટે ‘ઓપરેશન બદ્ર’ હાથ ધર્યું હતું. એક માહિતી એવી પણ છે કે, ૧૯૮૦થી ૧૯૯૦ દરમિયાન પાકિસ્તાન લશ્કરે પાકિસ્તાનના વડા ઝિયા-ઉલ-હક્ક અને બેનઝીર ભુટ્ટોના શાસન વખતે પણ કારગિલમાં ઘૂસણખોરી કરવાની યોજના રજૂ કરી હતી, પરંતુ એ શાસકોએ મોટા યુદ્ધના ભયે એ યોજના અભરાઈ પર ચડાવી દીધી હતી.
પરવેઝ મુશર્રફ પાકિસ્તાનના લશ્કરી વડા બન્યા તે પછી કારગિલમાં ઘૂસણખોરી કરવાની બ્લૂપ્રિન્ટ રજૂ કરવામાં આવી હતી અને તે યોજનાને પુનર્જીવિત કરવામાં આવી હતી. એક અભિપ્રાય પ્રમાણે પાકિસ્તાનના એ વખતના વડાપ્રધાન નવાઝ શરીફને અંધારામાં રાખવામાં આવ્યા હતા અને ભારતના એ વખતના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને ફોન કરીને જાણ કરી ત્યારે જ નવાઝ શરીફને કારગિલમાં ઘૂસણખોરીની જાણ થઈ હતી. નવાઝ શરીફે સ્પષ્ટતા કરી હતી કે આ કાવતરું પરવેઝ મુશર્રફનું છે જ્યારે મુશર્રફના કહેવા પ્રમાણે પાકિસ્તાનના લશ્કરે એ વખતના વડાપ્રધાન નવાઝ શરીફને કારગિલમાં ઘૂસણખોરીની યોજનાની અગાઉથી જાણ કરેલી જ હતી. અટલ બિહારી વાજપેયી લાહોર આવવાના હતા તેના ૧૫ દિવસ પહેલાં નવાઝ શરીફને આ ષડ્યંત્રની જાણ કરી દેવામાં આવી હતી.

Comments are closed.