અમેરિકાની સંસ્કૃતિ એક અલગ પ્રકારની છે. અમેરિકાના પ્રેસિડેન્ટનું જેટલું રાજકીય મહત્ત્વ છે તેટલું જ સામાજિક મહત્ત્વ ‘ફર્સ્ટ લેડી’અર્થાત્ પ્રેસિડેન્ટનાં પત્નીનું હોય છે. પ્રેસિડેન્ટ જ્યારે પણ બહાર જાય છે ત્યારે ફર્સ્ટ લેડીને હંમેશાં સાથે લઈને જાય છે. પ્રેસિડેન્ટ કેનેડીનાં પત્ની જેક્વેલીન કેનેડી, પૂર્વ પ્રેસિડેન્ટ રેગનનાં પત્ની નેન્સી રેગન,પૂર્વ પ્રેસિડેન્ટ બુશનાં પત્ની બાર્બરા બુશથી માંડીને પ્રેસિડેન્ટ બરાક ઓબામાનાં પત્ની શ્રીમતી મિશેલ અમેરિકન સમાજમાં મહત્ત્વપૂર્ણ કામગીરી નિભાવતાં રહ્યાં છે. અમેરિકન સમાજને માત્ર પ્રેસિડેન્ટનાં પત્નીમાં જ નહીં, પરંતુ તેમના આખા પરિવારમાં રસ અને કુતૂહલતા રહે છે. ભારતના નેતાઓને લાગેવળગે છે ત્યાં સુધી વડા પ્રધાન જવાહરલાલ નહેરુ તેમનાં પત્નીને જાહેરમાં કદીયે ક્યાંય લઈ જતા નહોતા, પરંતુ પુત્રી ઈન્દિરાને તેઓ જાહેર કાર્યક્રમો તથા વિદેશ પ્રવાસ વખતે સાથે રાખતા હતા. એ જ રીતે પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટો પણ સિમલા કરાર વખતે ભારત આવ્યા ત્યારે નાનકડી પુત્રી બેનઝીરને સાથે લઈને આવ્યા હતા.
આજે અહીં વાત અમેરિકાના પ્રેસિડેન્ટની પુત્રી સાશા ઓબામાની છે. જ્યારે એના પિતા અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા ત્યારે સાશા માત્ર સાત વર્ષની હતી. એ વખતે બ્લેક પાર્ટી ફ્રોક પહેરતી હતી અને માથા પર મોટી બો રાખતી હતી. આજે સાશા ૧૨ વર્ષની થઈ ગઈ છે. બરાક ઓબામાની બે દીકરીઓ પૈકીની તે સૌથી નાની છે. માત્ર ૧૨ વર્ષની વયે જ સાશા હવે તેની મમ્મીની જેમ એક ફેશન આઈકોન તરીકે ઊભરી રહી છે.
‘છર્જીંજી’ બ્રિટનની એક ઓનલાઈન ફેશન રિટેઈલર કંપની છે, તેને સાશામાં રસ પડયો છે. આ કંપની ટીન બાળકો અને સ્ત્રીઓ પર સાશાની સ્ટાઈલ અપનાવવા અને સાશા ઇફેક્ટ ઊભી કરવા પ્રયાસ કરી રહી છે.
તાજેતરમાં સાશા કોલેજમાં ભણતી મહિલાઓ માટેની એક બાસ્કેટ બોલ ગેમ વખતે હાજરી આપવા ગઈ ત્યારે એણે ૬૩ ડોલરનું ફ્રંટ પર યુનિકોન સાથે બ્લેક સ્વેટર પહેર્યું હતું. એ છર્જીંજી કલેક્શનનાં વસ્ત્રો હતાં. તે પછી કંપનીની વેબસાઈટે તેની પાસે હતો તે તમામ સ્ટોક ઓનલાઈન વેચી નાખ્યો હતો. ફરીથી નવો સ્ટોક ઊભો કરવો પડે તેવી પરિસ્થિતિ પેદા થઈ હતી.
એ પછી સાશા એની મમ્મી મિશેલ, બહેન માલિયા અને પાળેલા બે કૂતરા સાથે વ્હાઈટ હાઉસ ખાતે આવેલા જાયન્ટ ક્રિસમસ ટ્રીને સત્કારવા ગઈ ત્યારે તેણે છર્જીંજીની લંડન ટીમે તૈયાર કરેલાં સિલ્વર કટ-આઉટ ઓક્સફર્ડ શૂઝ પહેરીને ગઈ ત્યારે પણ એ જૂતાનું ધૂમ વેચાણ થયું.
અમેરિકાનું ફેશનજગત સાશા ઓબામાને હવે એક નવી ફેશન મોડેલ તરીકે સ્ટેટસ બક્ષી રહ્યું છે. સાશાએ ફરી એકવાર વોશિંગ્ટનમાં તેમના પિતા બરાક ઓબામાએ નેશનલ થેંક્સ ગિવિંગ ટર્કીના કાર્યક્રમ વખતે ચમકતી પીળી દોરીવાળાં જૂતાં પહેર્યાં હતાં. તે પણ હવે એક ફેશન બની ગયાં છે.
એ પછી સાશા વોશિંગ્ટનમાં નેશનલ મોલ ખાતે ક્રિસમસ કોન્સર્ટના ટેલિવાઈઝ શોમાં હાજરી આપવા ગઈ ત્યારે અમેરિકન ડિઝાઈનર ટ્રેસી રીસ દ્વારા તૈયાર કરેલો ડિઝાઈનર કોટ પહેરીને ગઈ હતી અને આખાયે શોનું તે કેન્દ્રબિંદુ બની ગઈ. એ તેમનાં ડિઝાઈનર ટ્રેસી રીસે અગાઉ મિશેલ ઓબામાનો સ્લીવલેસ ડ્રેસ તૈયાર કર્યો હતો, જે તેમણે ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં ઓબામાના પ્રવચન વખતે પહેર્યો હતો. અમેરિકન મહિલાઓમાં અત્યાર સુધી મિશેલ ઓબામાના વસ્ત્રો એક ફેશન બની જતાં હતાં, હવે તેમની પુત્રી વસ્ત્ર-પરિધાન અને ફેશનની બાબતમાં ફેશન બની રહ્યાં છે.
બરાક ઓબામાની બંને પુત્રીઓ કદમાં ઊંચી છે, તેમનાં માતા-પિતા જેવી જ. હમણાં જ બરાક ઓબામા એક કાર્યક્રમ દરમિયાન બોલ્યા હતા : “મારી દીકરીઓ ઝડપથી મોટી થઈ રહી છે. માલિયા તો ૧૫ વર્ષની થઈ ગઈ છે.”
આ બંને દીકરીઓ હમણાં સુધી પિતા સાથે ઝૂ જોવા જતી હતી, આઈસક્રીમ ખાવા જતી હતી, પરંતુ હમણાં પરિવાર સાથે વેકેશન ગાળવા હવાઈ ટાપુ પર પણ ગઈ ત્યારે ફરક એ પડયો છે કે હવાઈ ટાપુ પર પ્રેસિડેન્ટ બરાક ઓબામા બપોર પછી મોટેભાગે ગોલ્ફ જ રમતા રહ્યા જ્યારે બંને દીકરાઓ પોતાના જ કાર્યક્રમોમાં વ્યસ્ત રહી. તાજેતરમાં જ એક કાર્યક્રમ દરમિયાન બરાક ઓબામાએ કહ્યું : “મારી દીકરીઓ હવે મોટી થઈ રહી હોઈ તે મારી સાથે વધુ સમય ગાળવા માગતી નથી.”
બરાક ઓબામાએ ‘પીપલ’ મેગેઝિનને તાજેતરમાં જ આપેલી એક મુલાકાત દરમિયાન કહ્યું કે, મારા ઘરમાં ત્રણ ઊંચી, અભિપ્રાય આપતી અને મજબૂત મહિલાઓ (મિશેલ, માલિયા અને સાશા) છે. એ ત્રણેય ભેગી થઈ જાય તો મારે કેવાં વસ્ત્રો પહેરવાં જોઈએ તેની સલાહ આપે છે અથવા તો મારા કામની મજાક કરે છે અથવા તો મારાં પ્રવચનોની આલોચના કરે છે.”
બરાક ઓબામાએ તાજેતરમાં જ એમ કહ્યું હતું કે, “અમારી દીકરીઓ મિશેલને પણ ફેશન અંગે સલાહ આપે છે અને મને મોબાઈલ પર લેટેસ્ટ એપ્લિકેશન્સની સમજનો ક્રેશ કોર્સ કરાવે છે.”
ઓબામાની મોટી પુત્રી માલિયાને ઘણા મિત્રો છે, પરંતુ તે ભાગ્યે જ તેમની ઓળખાણ તેમના માતા-પિતા સાથે કરાવે છે. આ સંબંધમાં મિશેલ કહે છે : “માલિયા કોઈની પણ ઓળખાણ કરાવે એટલે બરાક તરત જ તે કેટલું શું ભણે છે અને તેની સ્કૂલ કઈ છે તે પૂછવા માંડે છે, તેમને કયો શોખ છે- એવું બધું પૂછવા માંડે છે.” પરંતુ મેં મારી જાતને સમય સાથે બદલી નાખી છે. હું મારી દીકરીને ક્ષોભ થાય એવું કાંઈ કરતી નથી.”
દેખીતી રીતે જ દીકરી મોટી થાય એટલે માતા-પિતાને એની વધતી વયની પણ ચિંતા હોય છે. એવી જ ચિંતા વિશ્વના સૌથી શક્તિશાળી રાષ્ટ્રના શક્તિશાળી પ્રેસિડેન્ટને અને તેમનાં પત્ની પણ હોઈ શકે છે, પરંતુ તેમણે સમય પ્રમાણે પોતાની જાતનું અનુકૂલન સાધી લીધું છે. દીકરીઓને પૂરતી સ્વતંત્રતા બક્ષી છે. અમેરિકામાં દીકરીને સાપનો ભારો ગણવામાં આવતી નથી. અમેરિકામાં પુત્રી જન્મે એટલે દૂધ પીતી કરવાનો કુરિવાજ નથી. અમેરિકામાં ભારતની જેમ બાળકી જન્મે તે પહેલાં લાખોની સંખ્યામાં ભ્રૂણહત્યા કરી દેવામાં આવતી નથી. ભારતમાં જેટલા પ્રમાણમાં યુવતીઓ પર બળાત્કાર થાય છે એટલા પ્રમાણમાં અમેરિકામાં બળાત્કાર થતાં નથી. ભારતમાં રહેતા નરપિશાચો બે વર્ષની બાળકીને પણ છોડતા નથી, છતાંયે એક સૂત્ર પોકારવામાં આવે છે : “મેરા ભારત મહાન.”

Comments are closed.