મોહનદાસ કરમચંદ ગાંધી પાસે દક્ષિણ આફ્રિકામાં ફર્સ્ટકલાસની ટિકિટ હોવા છતાં તેઓ ગોરા અંગ્રેજ ના હોઈ તેમને ટ્રેનના ડબ્બામાંથી બહાર ફેંકી દેવાયા હતા. એ ઘટનાએ તેમને ‘મહાત્મા’ બનાવી દીધા. તે પછી તેઓ જિંદગીભર રંગભેદની નીતિ સામે લડતા રહ્યા. માર્ટીન લ્યુથર કિંગ અને નેલ્સન મંડેલાએ પણ રંગભેદ અને રેસીઝમ સામે લડત માટે ગાંધીજી પાસેથી પ્રેરણા લીધી પરંતુ એ જ ગાંધીજીના ભારતમાં આજે પણ રેસીઝમનો અગ્લી ચહેરો વિકરાળ બની રહ્યો છે, જેનું છેલ્લું ઉદાહરણ નીડો તાનિયા છે.
મૂળ અરૃણાચલના અને દિલ્હીમાં ભણતા નીડો તાનિયા નામના એક યુવકને તેના ચહેરાના કારણે તા. ૨૯મી જાન્યુઆરીએ તેની પર દિલ્હીના કેટલાક યુવકોએ હુમલો કરી તેની હત્યા કરી નાંખી. આમેય ભારતના નોર્થ ઈસ્ટના રાજ્યો ભારત સરકાર તરફથી ઉપેક્ષીત રાજ્યો હોવાનું તેઓ અનુભવી રહ્યા છે, ત્યારે આ ઘટનાના સેવન સિસ્ટર ગણાતાં આ રાજ્યોમાં તીવ્ર પડઘા પડયા છે. દિલ્હીમાં અને બીજાં અનેક શહેરોમાં રહેતી નોર્થઈસ્ટની સંખ્યા બંધ યુવતીઓ પર બળાત્કાર અને હત્યાના પ્રયાસો થયાની ફરિયાદો ઉઠવા પામી છે.
નીડો તાનિયાની કથા જાણવા જેવી છે. નીડો તાનિયાની માતાનું નામ મરિના નીડો છે. ભારતના બીજા ભાગોમાં રહેતા અન્ય લોકો આસામ, મણીપુર, મેઘાલય, ત્રિપુરા કે અરુણાચલ જેવા પ્રદેશોમાંથી આવતા યુવક- યુવતીઓના ચહેરાના કારણે તેમની ઠેકડી ઉડાવે છે. કેટલાક તેમને ‘ચીના’ કહી ક્રૂર મશ્કરી કરે છે પરંતુ તેઓ નખશીખ ભારતીય છે. તેમની નસોમાં હિન્દુસ્તાની લોહી વહે છે. નીડોની મમ્મી કહે છે,એક વાર મારા પુત્ર નીડોએ મને કહ્યું હતું: મમ્મીઃ ”આઈ એમ ઈન્ડિયા”
૧૯ વર્ષની વયનો નીડો તાનિયા એક વિદ્યાર્થી હતો અને દિલ્હીમાં ભણવા આવ્યો હતો. તે દક્ષિણ દિલ્હીના લાજપતનગર માર્કેટ પાસે એક મિત્રને મળવા ગયો હતો. એના મિત્રનું નામ હતું લાસ્કર દોયે. એણે ત્યાં ઊભેલા કેટલાક યુવાનોને એના મિત્રનું સરનામું પૂછયું. એનો મિત્ર બીમાર હતો અને નીડો તેની ખબર કાઢવા એ વિસ્તારમાં ગયો હતો. એણે ત્યાં ઊભેલા દિલ્હીના છોકરાઓને સરનામું પૂછયું એ જ એનો વાંક નહોતો. એનો ચહેરો એ લોકોને ના ગમ્યો અને એ આઠેય જણે એની પર હુમલો કરી તેની હત્યા કરી નાંખી.
નીડોની મમ્મી મરિના કહે છે : ”અમે અરૃણાચલ પ્રદેશમાંથી આવીએ છીએ. ભારતના દરેક શહેરમાં અમારી સાથે ભેદભાવ ભરી વર્તણૂક રાખવામાં આવે છે. પુત્ર અને મારા પતિ અનેકવાર દુર્ગા પૂજા નિમિત્તે કોલકાતા ગયા છીએ. એક માત્ર કોલકાતામાં જ અમારી સાથે કોઈ ભેદભાવભર્યું વર્તન થયું નથી. મારો પુત્ર નીડો ચાર વર્ષ અને આઠ મહિનાનો હતો ત્યારે અમે તેને કોલકાતાની રામક્રિશ્ન મિશન સ્કૂલમાં ભણવા મૂક્યો હતો. એ ઘેર આવતો ત્યારે સ્વામી વિવેકાનંદના પુસ્તકો લઈ આવતો અને અમને કહેતોઃ ”મમ્મી, આઈ એમ ઈન્ડિયા” તે પછી નીડો અરુણાચલના તિરાપ જિલ્લામાં આવેલી નરોત્તમનગર સ્કૂલમાં ભણવા ગયો હતો. અહીં તે ૧૦માં ધોરણ સુધી ભણ્યો હતો. ત્યારબાદ એણે પ્રોફેશનલ યુનિર્વિસટી, જલંધર દ્વારા સમાજશાસ્ત્રના વિષયમાં અભ્યાસ શરૃ કર્યો હતો. શરૃઆતમાં તે કોમ્પ્યુટર સાયન્સના વિષયમાં ભણવા માંગતો હતો પરંતુ પાછળથી તેણે માનવતાવાદ પર ધ્યાન કેન્દ્રીત કરી સમાજશાસ્ત્રનો વિષય પસંદ કર્યો હતો.”
નીડોની મમ્મી મરિના અને તેમના પતિ એમએલએ નીડો ખ્રિસ્તી ધર્મ પાળે છે. મરિના કહે છેઃ ” અમને અમારા દીકરા માટે ગૌરવ હતું. તે એક ચોક્કસ લક્ષ્ય અને કારણ માટે જ જન્મ્યો હતો. તે મોટો થઈ કાંઈક મોટું કામ કરવા માંગતો હતો. બીજી બાજુ તે સાવ સરળ અને શાંત સ્વભાવનો હતો. અમે તેને ખિસ્સાખર્ચ માટે જે પૈસા આપતા તે તેના તકલીફ ભોગવી રહેલા મિત્રોને આપી તેમની મદદ કરતો હતો. નીડો તેના પિતાને પણ કહેતોઃ ”પપ્પા, માનવી જેવા જ બનો. ભલે ડ્રિંક્સ લો કે ધૂમ્રપાન કરો, તેથી કોઈ ફરક પડતો નથી. એમ કરવાથી તમે ખરાબ માનવી થઈ જતા નથી.”
મરિના કહે છેઃ ”દિલ્હીમાં મારા પુત્ર પર કોઈ પણ જાતની ઉશ્કેરણી વગર ઘાતકી હુમલો થઈ ગયો તે પછી તે હોસ્પિટલમાં હતો એ વખતે મરતા પહેલાં એણે એના મિત્રોને કહ્યું હતું : ”હમકો ના મમ્મીને મારા, ના પિતાને પીટા, પહેલી બાર ઝગરા હુઆ.”
મરિના કહે છેઃ ”અમે ખુદ એક રાજદ્વારી પરિવારમાંથી આવીએ છીએ પણ અમે ઈશ્વરમાં પણ ખૂબ શ્રદ્ધા રાખીએ છીએ. અમારો દીકરો જન્મ્યો ત્યારે અમને એવી શ્રદ્ધા ઊભી થઈ છે કે એનો જન્મ કોઈ ચોક્કસ હેતુસર જ થયો છે.” મરિનાની વાત સાચી છે નીડો તાનિયા પર થયેલા ઘાતકી હુમલા અને તેના મૃત્યુ બાદ દેશમાં ફરી જાતિવાદ અને રંગભેદની નીતિ સાથે બંડ પેદા થયું છે. નીડોની મમ્મી કહે છેઃ ”અમારા વિસ્તારના લોકો જ્યારે ભારતના બીજા પ્રદેશોમાંથી પાછા ફરે છે ત્યારે તેઓ કોઈને કોઈ ખરાબ અનુભવ લઈને જ પાછાં ફરે છે. એ અનુભવ એટલા તો બિહામણા હોય છે કે તેનું વર્ણન કરવું મુશ્કેલ છે. અમે રસ્તા પરથી પસાર થતાં હોઈએ તો લોકો અમને જોઈ વ્યંગ કરે છે. કોઈ અમને ચીના કહે છે કોઈ અમને અડપલાં કરે છે. કોઈ અમારી છેડતી કરે છે અને કોઈ અમારા લોકોની હત્યા કરી નાંખે છે. અમે પણ બીજા જેવા જ ભારતીય છીએ છતાં અમારા ચહેરા અને દેખાવના કારણે જ અમારી સાથે ભેદભાવ રાખવામાં આવે છે. મને લાગે છે કે વિશ્વમાં ભારત જ સહુથી વધુ રેસિસ્ટ દેશ છે, અને તેમાં દિલ્હી સહુથી વધુ રેસીસ્ટ છે.
મરિના કહે છેઃ ”મારી પણ દિલ્હીમાં દિલ્હીના લોકોએ અનેકવાર મશ્કરી કરી છે. મેં તેની સામે એ જ વખતે સખ્ત વિરોધ પણ ઉઠાવ્યો હોત તો શાયદ આજે મારો પુત્ર જીવતો હોત. આવો જાતિભેદ એક ગલત વર્તણૂક છે અને ભારતના લોકોને આ શોભતું નથી. એક વાર દિલ્હીના જ એક માર્કેટમાં અમને જોઈ કેટલાંક સ્થાનિક લોકો બોલ્યા હતાઃ ”આ લોકો દેખાય છે ચીનાઓ જેવા અને ભાષા હિન્દી બોલે છે.” અમને જોઈને એ લોકોએ એક દુકાનદાર સામે વાસણો ફેંક્યા હતા અને અમને જોયા બાદ થૂંક્યા હતા.”
મરિના કહે છે : ”કોલકાતાની પોલીસ બહુ જ સારી છે. અમારી મશ્કરી ત્યાં કદી થઈ નથી, કારણ કે એ લોકો સામ્યવાદી છેને ! તેની સામે દિલ્હી પોલીસની વર્તણૂક સહાનુભૂતિભરી નથી.”
મરિનાએ એમના પુત્રના મૃત્યુ બાદ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુલાકાત લીધી હતી અને તેમને કહ્યું હતું: ” મને મારા પુત્રના મોત બદલ યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી હું જંપીને બેસીશ નહીં. આ સમસ્યા હવે મારા એકલાના પરિવારની નહીં પરંતુ આખાયે ઉત્તરપૂર્વ રાજ્યોના લોકોની છે.”
નીડો તાનિયાની ઘટના બાદ ભારતીયોએ ‘મેરા ભારત મહાન’ કહી ગર્વ લેવા જેવું હવે કાંઈ રહ્યું નથી, દેશમાં ધર્મ, કોમ, પ્રાંત, ભાષા અને જાતિ તથા રંગના કારણે અલગતા ભારતીયો જ પેદા કરી રહ્યા છે. અખંડ ભારત Devided states of india બની જાય તો નવાઈ નહીં.
– દેવેન્દ્ર પટેલ

Comments are closed.