એકમાત્ર ઉત્તર પ્રદેશમાંથી વડા પ્રધાન બનવા માગતા સૌથી વધુ ઉમેદવારો છે
ક્રિકેટની રમતમાં તમે ‘મેચ ફિક્સિંગ’ શબ્દનો ઉપયોગ સાંભળ્યો હશે. નોકરીઓમાં અને સ્કૂલ-કોલેજોમાં પ્રવેશની બાબતમાં ‘રિઝર્વેશન’ શબ્દનો ઉપયોગ સાંભળ્યો હશે, પરંતુ બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે, રાજનીતિમાં પણ ‘મેચ ફિક્સિંગ’ કે ‘રિઝર્વેશન’ હોય છે. ચાલો, આ જ વાતને બીજી રીતે જોઈએ. ગુજરાતમાં નરેન્દ્ર મોદી સામે રાહુલ ગાંધી કે અમેઠીમાં રાહુલ ગાંધી સામે નરેન્દ્ર મોદી ચૂંટણી લડે ખરા ? ઉત્તર પ્રદેશમાં મુલાયમસિંહ સામે એક જ બેઠક પર માયાવતી અને બિહારમાં નીતીશકુમારની સામે એક જ બેઠક પર લાલુ પ્રસાદ ચૂંટણી લડે ખરા ? તમિળનાડુમાં જયલલિતા સામે કરુણાનિધિ ચૂંટણી લડે ખરા ? મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણ સામે દિગ્વિજયસિંહ ચૂંટણી લડે ખરા ?
એમ નહીં થાય, કારણ કે અરવિંદ કેજરીવાલ સિવાયની દેશની તમામ પ્રણાલિકાગત પોલિટિકલ પાર્ટીઓ ભલે આમનેસામને ચૂંટણીઓ લડતી હોય, પરંતુ દરેક પક્ષના દિગ્ગજોની કેટલીક બેઠકો રિઝર્વ્ડ છે અને એ પક્ષો એક દિગ્ગજ સામે પ્રતિસ્પર્ધી પક્ષ બીજો દિગ્ગજ મેદાનમાં ઉતારતો નથી. આ દેશની બડી બડી પોલિટિકલ પાર્ટીઓ વચ્ચે થયેલી અલિખિત સમજૂતી છે. કેજરીવાલની આમઆદમી પાર્ટીને બાદ કરતાં અમેઠીમાં રાહુલ ગાંધી સામે મુલાયમની પાર્ટી કે ભાજપ કદી કદાવર નેતા નહીં મૂકે. એ જ રીતે રાયબરેલીમાં સોનિયા ગાંધી કે સંભવતઃ હવે પ્રિયંકા ગાંધી સામે પણ મુલાયમસિંહ કે ભાજપા કદીયે કદાવર નેતા નહીં મૂકે. હા, ભૂતકાળમાં સોનિયા ગાંધી સામે ભાજપાએ સુષ્મા સ્વરાજને ચૂંટણી લડાવી હતી, પરંતુ સુષ્મા એ વખતે કદાવર નેતા નહોતાં. કદાવર નેતા તો અટલ બિહારી વાજપેયી હતા. વાજપેયીજીએ સોનિયા ગાંધી સામે લડવા કદી વિચાર્યું નહોતું. એ જ રીતે ઉત્તર પ્રદેશમાં મુલાયમસિંહ, તેમના પુત્ર અખિલેશ યાદવ કે પુત્રવધૂ ડિમ્પલ યાદવ સામે પ્રતિસ્પર્ધી પાર્ટીઓ હંમેશાં નબળા ઉમેદવાર મૂકી એમની જીત આસાન કરી આપતાં હોય છે. આને તમે મેચ ફિક્સિંગ પણ કહી શકો.
વર્ષોથી કહેવાતું આવ્યું છે કે ઃ “દિલ્હી જવાના બધા જ રસ્તાઓ ઉત્તર પ્રદેશ થઈને જાય છે.” ઉત્તર પ્રદેશે આજ સુધીમાં દેશને આઠ વડા પ્રધાન આપ્યા છે. આજે પણ વડા પ્રધાન બનવાની અભિપ્સા ધરાવતા કેટલાક ઉમેદવારો ઉત્તર પ્રદેશમાંથી જ મેદાનમાં છે. રાહુલ ગાંધી અને મુલાયમસિંહ તો એ યાદીમાં છે જ, પરંતુ કેટલાક લોકો માને છે કે, નરેન્દ્ર મોદી પણ યુ.પી.ની કોઈ બેઠક લોકસભાની ચૂંટણી માટે પસંદ કરી શકે છે. એ ત્રણ ઉપરાંત યુ.પી.માંથી જ આવતા રાજનાથસિંહ પણ ખાનગીમાં વડા પ્રધાનપદના ડાર્ક હોર્સ છે. યુ.પી.નાં જ દલિત ક્વીન માયાવતી પણ વડાં પ્રધાનપદની રેસ છે. માયાવતી હાલ રાજ્યસભામાંથી ચૂંટાયેલાં છે. આ બધામાં અમેઠી અને રાયબરેલીની બેઠકો ‘હોટ લિસ્ટ’ ગણાય છે. આ બંને બેઠકો ગાંધી પરિવાર માટે રિઝર્વ્ડ છે. આ બંને લોકસભાની બેઠકો નીચે દસ વિધાનસભાની બેઠકો આવે છે. તેમાંથી સાત બેઠકો સમાજવાદી પાર્ટી જીતી ગઈ છે, પરંતુ લોકસભામાં રાહુલ ગાંધી કે સોનિયા ગાંધીને જીતવામાં તકલીફ ના પડે તેનો ખ્યાલ મુલાયમસિંહની સમાજવાદી પાર્ટી, માયાવતીની બહુજન પાર્ટી અને સંભવતઃ ભાજપા પણ રાખશે. બદલામાં મુલાયમસિંહને લોકસભાની ચૂંટણી જીતવામાં તકલીફ ના પડે તે માટે કોંગ્રેસ અને ભાજપા બેઉ નબળા ઉમેદવાર મૂકશે. ચૂંટણી પછી તડજોડ કરવામાં કડવાશ ના રહે તે માટે આવી છૂપી મદદ કરવામાં આવતી હોય છે.
દેશની રાજકીય પાર્ટીઓના મેચ ફિક્સિંગ બાદ કેટલીક પ્રતિષ્ઠાપૂર્ણ બેઠકોનું પૃથ્ક્કરણ જોઈએ. અમેઠીની બેઠક રાહુલ ગાંધી માટે સલામત અને સાફ બેઠક ગણાતી રહી છે, પરંતુ આમઆદમી પાર્ટીના ઉમેદવાર કુમાર વિશ્વાસે રાહુલ ગાંધી સામે લડવાનું જાહેર કર્યા બાદ તેમાં રસપ્રદ વળાંકો આવ્યા છે. કુમાર વિશ્વાસે છેલ્લા એક મહિનાથી અહીં અડ્ડો જમાવ્યો છે. તેઓ કહે છે કે, ‘રાહુલ ગાંધીને પરાજિત કર્યા બાદ જ હું અમેઠી છોડીશ.’ અમેઠીમાં સવર્ણો, દલિતો, અન્ય પછાતો અને મુસ્લિમોની વસતી છે. અહીં ૬૦.૧૭ ટકા સાક્ષરતા છે. આ બેઠક પરંપરાગત રીતે કોંગ્રેસની બેઠક છે. લોકો માટે ભ્રષ્ટાચાર અને વિકાસ એ મુદ્દા છે. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીનો અહીં પ્રભાવ છે. જે ચહેરાઓ મતદારોને પ્રભાવિત કરી શકે તેમ છે તેમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કુમાર વિશ્વાસ છે.
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધી આ બેઠક પરથી લોકસભામાં ચૂંટાતાં આવ્યાં છે. ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન આ લોકસભા બેઠક હેઠળ આવતી બધી જ પાંચેય વિધાનસભાની બેઠકો કોંગ્રેસે ગુમાવી છે. એ પરાજય બાદ પ્રિયંકા ગાંધીએ આ બેઠક પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી ખાસ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. ખરાબ સ્વાસ્થ્યના કારણે સોનિયા ગાંધી ચૂંટણી ના લડે તો પ્રિયંકા ગાંધી આ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. સમાજવાદી પાર્ટી અમેઠી અને રાયબરેલીમાં પોતાના ઉમેદવાર નહીં મૂકે. આ બેઠકમાં સવર્ણો, દલિતો, અન્ય પછાતો અને મુસ્લિમોની વસતી છે. સાક્ષરતા ૫૮.૦૬ ટકા છે. રાજકીય રીતે લોકસભાની આ બેઠક કોંગ્રેસને માટે સલામત બેઠક છે. લોકો માટે વિકાસ એ મુખ્ય મુદ્દો છે. આ બેઠક પર કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીનો પ્રભાવ છે. સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી મતદારોને પ્રભાવિત કરી શકે તેવા ચહેરા છે.
સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમસિંહ યાદવ ૨૦૦૯માં આ બેઠક પરથી લોકસભાની ચૂંટણી જીત્યા હતા. વડા પ્રધાનપદ માટે ત્રીજો મોરચો શરૃ કરનાર મુલાયમસિંહ સંભવતઃ આ બેઠક પરથી ચૂંટણી લડશે. ભાજપા, બહુજન સમાજ પાર્ટી અને આમઆદમી પાર્ટી તેમની સામે ઉમેદવારો ઉતારશે. કોંગ્રેસ તેમને સાચવી લેશે. આ બેઠકમાં પછાત વર્ગો, દલિતો અને સવર્ણોની વસતી છે. સાક્ષરતા ૬૮.૩૫ ટકા છે. મતદારોનો ઝુકાવ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી તરફનો છે, પરંતુ સમાજવાદી પાર્ટી માટે તે સલામત બેઠક છે. લોકો માટે વિકાસ તે મુખ્ય મુદ્દો છે. અહીં લોકોને પ્રભાવિત કરી શકે તેવા ચહેરા મુલાયમસિંહ યાદવ, અખિલેશ યાદવ તથા માયાવતી છે.
લખનૌ તે ઉત્તર પ્રદેશનું પાટનગર છે. દેશના પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી અહીંથી ચૂંટાઈને લોકસભામાં જતા હતા. આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો જબરદસ્ત પ્રભાવ છે, અને ભાજપાના રાષ્ટ્રીય પ્રમુખ રાજનાથસિંહ આ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડે તેવી શક્યતા છે. આ બેઠકમાં સવર્ણો, દલિતો, અન્ય પછાત વર્ગો અને મુસ્લિમોની વસતી છે. સાક્ષરતા ૭૩.૮૮ ટકા છે. લોકોનો ઝુકાવ ભારતીય જનતા પાર્ટી તરફનો છે. લોકો માટે ભ્રષ્ટાચાર અને વહીવટ એ મુખ્ય મુદ્દા છે. આ બેઠક પર ભાજપા, સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસની અસર છે. મતદારો પર પ્રભાવ પાડી શકે તેવા ચહેરા નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલ છે.
૨૦૦૯માં ઉત્તર પ્રદેશમાંથી માત્ર ૧૦ બેઠક જીતેલી ભાજપા આ વખતે ૩૫ જેટલી બેઠકો જીતવાનું લક્ષ્ય બનાવીને કામ કરી રહી છે. ઉત્તર પ્રદેશમાં નરેન્દ્ર મોદીના કારણે ભાજપા તરફી હવામાન બંધાયું છે. મુઝફ્ફરનગરનાં રમખાણો બાદ અહીં મતોનું ધ્રૂવીકરણ થશે. મુસ્લિમો એકજૂથ થઈ ભાજપા સિવાયની કોઈ એક પાર્ટી તરફ ઝૂકશે. મુલાયમસિંહ ખુદ વડા પ્રધાન પદના ઉમેદવાર છે, પરંતુ માયાવતી તેમનાં સમીકરણો બગાડી શકે તેમ છે. યુ.પી.માં સૌથી વધુ બેઠકો ભાજપાની હશે. બહુજન સમાજ પાર્ટી બીજા નંબરે જશે અને મુલાયમસિંહની પાર્ટી તેની નજીક હશે.
ચાલો, થોભો અને રાહ જુઓ.દિગ્ગજોની રિઝર્વ્ડ બેઠકો અને તેમનું મેચ ફિક્સિંગ

Comments are closed.