દિલ્હીનું સ્ટેડિયમ ખીચોખીચ ભરેલું છે. રાત્રે વરસાદ થયેલો છે. પીચ ભીની છે. વિકેટ ટ્રિકી છે. કેટલાક સાથીઓ કેચ છોડીને ગમે ત્યારે કેપ્ટનને દગો કરે તેમ છે. ગેઇમ ડર્ટી છે. મેચ ફિક્સ છે. એકમાત્ર કેપ્ટન જ ક્લીન છે. આવી હાલત દિલ્હીના મુખ્યમંત્રી બનેલા અરવિંદ કેજરીવાલની છે. દિલ્હીમાં કેજરીવાલની સરકારનું આયુષ્ય અલ્પ છે પણ સરકાર ટકે કે ન ટકે દિલ્હીમાં તો ફાયદો કેજરીવાલને જ છે. સરકાર ટકે તો લોકોને કરેલા વાયદાઓ પૂરા કરવાની તક મળશે. સરકાર ન ટકે તો તે માટે કોંગ્રેસને જવાબદાર ગણાવી લોકોની સહાનુભૂતિ પ્રાપ્ત કરશે. દિલ્હીનો આ તમાશો જોઈ રહેલો ભાજપ પણ કેજરીવાલ નિષ્ફળ થઈ જાય તે જોવા આતુર છે. કોંગ્રેસ અને કેજરીવાલ એ બેઉ એકબીજા સાથે જ્ઞાનતંતુનું યુદ્ધ લડી રહ્યાં છે. કોંગ્રેસે કેજરીવાલને ટેકો આપી ભાજપને સત્તા પર આવતા રોકી છે. કેજરીવાલને મુખ્યમંત્રી બનાવ્યા છે પણ તેઓ કેટલાંક વચનો પૂરાં ન કરી શકે તેવી તેની યોજના છે. દિલ્હી વિધાનસભાના ફ્લોર પરની આખીયે ગેઇમ ડર્ટી છે. ખુદ કેજરીવાલ પણ શહાદત વહોરી દિલ્હીમાં ફરી ચૂંટણીઓ થાય તો વધુ ને વધુ બેઠકો હાંસલ કરવાની રણનીતિ અપનાવી રહ્યા છે.
આમ આદમીની નજર હવે લાલ કિલ્લા પર પણ છે. વીતેલા વર્ષની આથમતી સંધ્યાએ રાષ્ટ્રની રાજનીતિનાં ઘણાં સમીકરણો બદલાતાં નિહાળ્યાં. ૧૨૮ વર્ષ પુરાણી કોંગ્રેસે પાટનગર દિલ્હીમાં જ ત્રણ ટર્મ ભોગવી ચૂકેલાં શીલા દીક્ષિતની કારમી હાર નિહાળી. પોતાના જ શિષ્ય એવા નરેન્દ્ર મોદી સામે ગુરુ લાલકૃષ્ણ અડવાણી શિકસ્ત પામ્યા. એવા જ બીજા એક ગુરુ અણ્ણા હજારેના ચેલા અરવિંદ કેજરીવાલે ગુરુનો ભ્રષ્ટાચાર વિરોધી મુદ્દો છીનવી લીધો અને દેશની પ્રજાની આંખનો તારો બની ગયા. નરેન્દ્ર મોદીને ભાવિ વડાપ્રધાન તરીકે પેશ કરવાના વિરોધમાં એનડીએ સાથે છેડો ફાડી નાંખનાર બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનો પારો જોઈ પસ્તાવાનો વારો આવ્યો. ૨૦૧૩ના ડૂબતા સૂરજે અને ૨૦૧૪ના ઊગતા પ્રભાતે દેશની રાજનીતિમાં એક નવી જ ક્રાંતિનો દેદીપ્યમાન પ્રકાશપુંજ નિહાળ્યો.
સમયનું ચક્ર ઝડપથી બદલાશે એવું કોઈએ કલ્પ્યું નહોતું. રાજનીતિ અત્યંત પરિવર્તનશીલ છે.
૧૨૮ વર્ષ જૂની કોંગ્રેસ અને હવે અનેક આટાપાટા ખેલીને પીઢ બની ગયેલી ભારતીય જનતા પાર્ટીને ૧૩ મહિના પહેલાં જ જન્મેલી એક નવજાત શિશુ જેવી આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં પરિણામો દ્વારા સ્તબ્ધ કરી દીધી છે. દિલ્હીમાં શીલા દીક્ષિતે અત્યંત સુંદર કામો કર્યાં હોવા છતાં આન્ટીની જ હાર થઈ. નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનો રથ બધે ચાલ્યો પણ દિલ્હી આવીને અટકી ગયો અને તે પણ એક સામાન્ય માનવી દ્વારા. અરવિંદ કેજરીવાલ કોઈ રાજનીતિજ્ઞા પરિવારનું ફરજંદ નથી. કોઈ રાજવી પરિવારમાંથી આવતા નથી. કોર્પોરેટ વર્લ્ડના પ્રિય પાત્ર નથી. સંઘ જેવી સખ્ત વિચારધારાનો તેમને સહારો નથી. તેઓ નથી તો માત્ર હિન્દુઓના નેતા કે નથી તો માત્ર મુસ્લિમોના નેતા. તેઓ નથી તો માત્ર સવર્ણોના નેતા કે નથી તો માત્ર પછાતોના નેતા. નથી તો તેમને મંદિર જોઈતું કે નથી તો તેમને મસ્જિદ. નથી તો તેમને જોઈતી મોટરકાર કે નથી જોઈતી લાલબત્તી. નથી તો જોઈતો બંગલો કે નથી તો પોલીસ. નથી તો તેમને કોઈ ઘમંડ કે નથી તો વેર વાળવાની વૃત્તિ. નથી તો તેમનું વૈભવી જીવન કે નથી તો કોઈ ભપકો. ન ગાળાગાળી કે ન કોઈ વ્યક્તિગત આક્ષેપ. દિલ્હીમાં કોંગ્રેસના ટેકાથી રચેલી સરકાર કેટલું ટકશે એ એક પ્રશ્ન છે,પરંતુ એક વાત નક્કી છે કે અરવિંદ કેજરીવાલે રાજનીતિના તમામ નિયમો બદલી નાંખ્યા છે. પોલિટિકલ ગેઇમની ફેસબુક તેમણે બદલી નાંખી છે.
દિલ્હીના રામલીલા મેદાનમાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ કેજરીવાલે કરેલું પ્રવચન સરળ અને હૃદયસ્પર્શી હતું એ સીધું તેમના દિલમાં જ પ્રગટેલી એક વાસ્તવિકતા હતી. એમના પ્રવચનમાં લોકોની અપેક્ષાઓનો રણકો હતો. એમના વક્તૃત્વમાં કોઈ નાટયાત્મક શૈલી નહોતી, ભાષાનો વ્યભિચાર નહોતો. ઘમંડનો કોઈ અણસાર નહોતો. સત્તાની કોઈ લાલસા નહોતી. હા,પરંપરાગત રાજનીતિ અને જ્ઞાતિ તથા કોમવાદના સહારે ચૂંટણી જીતવા માગતા રાજકારણીઓથી અલગ થવાનો પ્રયાસ હતો. દિલ્હીના રામલીલા મેદાને જયપ્રકાશ નારાયણથી માંડીને અણ્ણા હજારે જેવા અનેક લોકનાયકોને પ્લેટફોર્મ પૂરું પાડયું છે, પરંતુ અરવિંદ કેજરીવાલની શપથવિધિ વખતે રામલીલા મેદાન પર સફેદ ટોપીઓનો જે મહાસાગર ઉમટયો હતો તે ફરી વાર ગાંધી ટોપીના જમાનાની યાદ અપાવી દે તેવો હતો. આઉટ ઓફ ડેટ થઈ ગયેલી ગાંધી ટોપીને દિલ્હીની આમ આદમી પાર્ટીએ ફરી લોકપ્રિય બનાવી દીધી છે. નરેન્દ્ર મોદીના અડધી બાંયના ઝભ્ભા અને પંડિત જવાહરલાલ નહેરુની બંડીની જેમ આવનારા દિવસોમાં દેશના લાખો બેકાર અને સંઘર્ષ કરી રહેલા યુવાનોમાં ફરી એક વાર નવા અવતારવાળી ગાંધી- આમ આદમી ટોપી લોકપ્રિય થઈ જાય તો નવાઈ નહીં.
સામાન્ય રીતે માનવભીડ એ નેતાઓની લોકપ્રિયતાની પારાશીશી ગણાય છે. શરૂઆતમાં લોકો સ્વયંભૂ આવતા હતા, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષથી લોકોની ભીડ એકત્ર કરવા બસો મૂકવી પડે છે. ખાસ ટ્રેનો દોડાવવી પડે છે, તૈયાર ભોજન પીરસવું પડે છે અને આ બધા પાછળ કરોડોનો ખર્ચ આવે છે, પરંતુ રામલીલા મેદાનમાં કેજરીવાલની શપથવિધિ વખતે આવેલી માનવભીડ સ્વયંભૂ હતી. એ માનવસમૂહમાં એક બે સૂત્રો ધ્યાન ખેંચે તેવાં હતાં. તેમાં લખ્યું હતું કે ‘આજ કા સીએમ કલ કા પીએમ.’ દેખીતી રીતે જ આમ આદમી પાર્ટીની નજર હવે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓ પર છે. રામલીલા મેદાન પર બેઠેલા આમ આદમીની નજર પણ હવે લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવવાની છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીની સફળતાએ આમ આદમી પાર્ટીનો આત્મવિશ્વાસ વધાર્યો છે. અલબત્ત, આ દેશનું રાજકારણ અત્યંત જટિલ છે. માત્ર દિલ્હી એ દેશ નથી અને આખો દેશ એ માત્ર દિલ્હી નથી. દિલ્હીમાં જે કારણસર અને જે પેટર્નથી લોકો મતદાન કરે છે એ પેટર્ન પર દક્ષિણનાં રાજ્યો કે નોર્થ ઈસ્ટનાં રાજ્યો કે ગ્રામ્ય વિસ્તારો મતદાન કરતાં નથી. આમ આદમી પાર્ટી હજુ શહેરો અને ઉપનગરોની જ પાર્ટી બની શકી છે તે એની મર્યાદા હશે.હા, તે ગેઇમ ચેન્જર જરૂર બની શકે છે. દેશની ચીલાચાલુ ૧૧ જેટલી રાષ્ટ્રીય અને બીજી ૧૦૦ જેટલી નાની અને પ્રાદેશિક પાર્ટીઓનો વિકલ્પ જરૂર બની શકે છે. આ દેશને માત્ર હિન્દુઓની, માત્ર સવર્ણોની, માત્ર લઘુમતીઓની કે માત્ર પછાત વર્ગોની પાર્ટીની જરૂર નથી. આમ આદમીમાં બધાં જ આવી જાય છે. હિન્દુઓમાં પણ ગરીબી છે. મુસલમાનોમાં પણ ગરીબી છે. સવર્ણોમાં પણ ગરીબી છે અને પછાત વર્ગોમાં પણ ગરીબી છે. એ બધાં જ બેકારી અને ભ્રષ્ટાચારનો ભોગ બનેલા છે. બધાંને મોંઘવારી નડે છે. મોંઘીદાટ વીજળી અને પેટ્રોલ પરવડતાં નથી. થોડાક ધનાઢયો અને અમીરોના પ્રતિનિધિ તરીકે લોકસભામાં કે વિધાન સભામાં બિરાજતા રાજકારણીઓની હવે જરૂર નથી. લોકોને દેશમાં અમીર આદમીની પાર્ટીઓ નહીં, પરંતુ આમ આદમીની પાર્ટીની જરૂર છે. એ અપેક્ષાએ જ દિલ્હીની જનતાએ એક આમ આદમી પર ભરોસો મૂક્યો છે. એ વાત સાચી કે એક અરવિંદ કેજરીવાલ આવનારા દિવસોમાં હજારો કેજરીવાલ પેદા કરશે. આવનારા દિવસોમાં એક જબરદસ્ત રાજકીય ક્રાંતિ જોવા મળશે, પરંતુ એ યાદ રહે કે અરવિંદ કેજરીવાલનો માર્ગ કઠિન છે. રસ્તામાં અનેક કાંટા અને પથ્થરો છે. તેમણે આપેલાં વચનોમાં વાસ્તવિકતા ઓછી અને સ્વપ્નાંઓ વધુ છે. એ સ્વપ્નાંઓ પૂરાં કરવાનું કામ અત્યંત મુશ્કેલ છે. દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો નથી. દિલ્હીના મુખ્યમંત્રીઓ પાસે પોલીસ કે ગૃહખાતું નથી. દિલ્હીની જમીનો પણ તેમને હસ્તક નથી. પાઈ પાઈ માટે તેમણે કેન્દ્ર સરકાર સમક્ષ જવું પડશે.વીજળી પેદા કરતી પ્રાઈવેટ કંપનીઓના માલિકોનો તેમને સાથ નહીં હોય. દિલ્હીમાં પાણીનું વિતરણ જલ માફિયાઓના હાથમાં છે. વળી કોંગ્રેસે માત્ર વ્યૂહાત્મક ટેકો જ આપ્યો છે. ભાજપ કે કોંગ્રેસ એમ બેઉ રાજકીય પક્ષો માટે અરવિંદ કેજરીવાલ એક આડખીલી છે. એ બંને તેમને નિષ્ફળ બનાવવા પ્રયાસ કરશે. એ જ રીતે કેજરીવાલના બધા જ સાથીઓ કેજરીવાલ જેવા સ્વચ્છ રહેશે કે કેમ તેની ખબર નથી. કુમાર વિશ્વાસે તો અત્યારથી જ રાહુલ ગાંધીને હરાવી દીધા હોય તેવા મિજાજથી વાતો કરે છે. કોંગ્રેસ ભલે અત્યારે બેકફૂટ પર હોય પરંતુ નહેરુ-ગાંધી પરિવારનો પણ એક ચાહકવર્ગ છે. રાજનીતિમાં કોંગ્રેસ એક પીઢ અને ઓલ્ડ પ્લેયર છે. નરેન્દ્ર મોદી એટલા જ મોટા ખેલાડી છે, એટલે કેજરીવાલના સહયોગીઓએ ઉન્માદમાં આવી જવાના બદલે લોકોને આપેલાં વચનો પૂરાં કરવા ભગીરથ કામગીરી શરૂ કરવી પડશે. ૨૦ મિનિટની મુલાકાત બદલ લાખોની ફી વસૂલતા ધારાશાસ્ત્રીઓથી દૂર રહેવું પડશે.
હા, એટલું તો કહી શકાય કે ૨૦૧૪ના પ્રભાતે દૂર ક્ષિતિજમાં એક નવો તારો જરૂર જન્મ્યો છે.

Comments are closed.