ડોક્ટરોએ અત્યાર સુધીમાં કેટલીક પ્રકારનાં કેન્સર માટે સિગારેટ અને આલ્કોહોલને જવાબદાર ઠેરવ્યાં છે, પરંતુ હવે બીજાં પરિબળો પણ ગળાના કેન્સર માટે જવાબદાર હોવાનું બહાર આવ્યું છે.
દિલ્હીમાં રહેતી માન્યતા હજુ ૨૧ વર્ષની વયની છે. હમણાં સુધી તે આરામદાયક જિંદગી જીવતી હતી. એક કોર્પોરેટ કંપનીમાં રૂપિયા ૬૦ હજારનું વેતન ધરાવતી સારી નોકરી કરે છે. એક દિવસ તેના ગળામાં કોઈ તકલીફ થઈ. તે ડોક્ટરની પાસે ગઈ. એન્ટિ બાયોટિક્સ દવાઓ પછી પણ તેને સારું ન થયું. એ ડોક્ટરો બદલતી રહી. અવનવા ટેસ્ટ કરાવતી રહી.
છેવટે ડોક્ટરોએ શોધી કાઢયું કે તેને ગળાનું કેન્સર છે. માન્યતા પોતાના શરીરની અત્યંત કાળજી રાખતી હતી. તે સિગારેટ પીતી નહોતી. ડ્રિંક્સ પણ લેતી ન હતી. ડોક્ટરોની પૂછપરછ બાદ બહાર આવ્યું કે તેને ઓરલ સેક્સની ટેવ હતી. તેને અનેક સાથીઓ હતા.તે રેગ્યુલર ઓરલ સેક્સ કરતી હતી. ડોક્ટરોએ તેને કહ્યું કે ઓરલ સેક્સ પણ મોં અને ગળાના કેન્સરનું એક કારણ હોઈ શકે છે. કેટલાક મહિનાઓ અગાઉ હોલિવૂડના સુપ્રસિદ્ધ એક્ટર માઈકલ ડગ્લાસે પણ જાહેર કર્યું કે તેને મોઢાનું કેન્સર છે અને તેને પણ ઓરલ સેક્સની ટેવ હતી.
ભારતના તબીબો પણ એ વાત સારી રીતે જાણે છે કે ધૂમ્રપાન ન કરતાં અને શરાબ ન પીતાં લોકોને પણ મોઢાનું અને ગળાનું કેન્સર થતું હોય છે અને તેનું કારણ ઓરલ સેક્સ છે. તબીબી પરિભાષામાં તેને ‘ઓરોફ્રેટીન્જિયલ કેન્સર’ કહે છે. ઓરલ સેક્સ દરમિયાન એક ખતરનાક વાઇરસ મોંની અંદરના નાજુક ભાગોમાં કે ગ્રંથિઓમાં પ્રવેશે છે. ગળામાં અનેક ગ્રંથિઓ આવેલી છે. આ વાઇરસ લાંબો સમય સુધી ગ્રંથિઓમાં પડયો રહે છે, પરંતુ તે ગમે ત્યારે સક્રિય થઈ શકે છે અને તેના કારણે કેન્સર થઈ શકે છે. પશ્ચિમના દેશોના હ્યુમન પેપિલોમા વાઇરસ(HPV) ટાઈપ નામનો વાઇરસ મોઢાની અંદર અથવા ગળામાં કેન્સર સર્જતો હોવાનું શોધી કાઢવામાં આવ્યું છે.
‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’માં તાજેતરમાં પ્રગટ થયેલ એક અહેવાલ અનુસાર અમેરિકન લોકોને થતા મોઢાની અંદરનાં અને ગળાનાં કેન્સર પૈકી ૭૦ ટકા કેન્સર એચપીવી વાઇરસને કારણે થાય છે. ત્રણ દાયકા પહેલાં આ આંકડો માત્ર ૧૫ ટકા હતો. હવે અમેરિકામાં ઓરલ સેક્સ વધતાં આ ટકાવારી વધવા પામી છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન પણ વ્હાઈટ હાઉસમાં કામ કરતી મોનિકા લેવિન્સ્કી નામની એક આસિસ્ટન્ટ સાથે પણ ઓરલ સેક્સ કરતા હોવાની વાત બહાર આવી હતી. ડોક્ટરો માને છે કે પોર્ન ફિલ્મો અને ઇન્ટરનેટ પર સેક્સનાં દૃશ્યોના ખુલ્લાં પ્રદર્શનને કારણે ભારતનાં યુવક અને યુવતીઓ પણ ઓરલ સેક્સની બદીમાં વધુ ને વધુ સંડોવાતાં જાય છે. ખાસ કરીને યુવતીઓમાં ઓરલ સેક્સની ઘેલછા વધતી જાય છે.
ન્યૂ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિન ૨૦૦૭માં ડો. મૌરા ગિલીસન અને તેમના સાથીએ કરેલા એક સંશોધનાત્મક અભ્યાસનો અહેવાલ પ્રગટ કરવામાં આવ્યો છે. તે અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે જે લોકો એચપીવી-૧૬ વાઇરસથી સંક્રમિત થાય છે તેમને બીજા લોકો કરતાં ગળાનું કેન્સર થવાની શક્યતા ૩૨ ગણી વધુ રહે છે.
અમેરિકાના મેરીલેન્ડ ખાતે આવેલી જ્હોન હોપકિન્સ બ્લૂમબર્ગ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના એસોસિએટ પ્રોફેસર જિપ્સીમ્બર ડી’સોઝા પણ આ વાતની પુષ્ટિ આપતાં કહે છે કે અમેરિકામાં એચપીવી-૧૬ સાથે સંકળાયેલા ઓરલ કેન્સરના પ્રમાણમાં અચાનક જ વધારો થયો છે. નિષ્ણાતો કહે છે કે ઓરલ સેક્સ સિવાય પણ એચપીવી-૧૬ વાઇરસ ત્વચાના સંપર્કથી પણ સંક્રમિત થઈ શકે છે. એટલે કે ઇન્દ્રિય ટ્રેકમાં રહેલા મ્યુક્સ, સલાઇવા, સિમેન તથા યુરિન મારફતે પણ આ ખતરનાક વાઇરસ સંક્રમિત થઈ શકે છે. સેક્સ્યુઅલી એક્ટિવ પુખ્તોમાં આ વાઇરસ કોમન જ છે. ઘણા લોકોમાં તેનો સામનો કરવાની હિંમત હોય છે, પરંતુ કેટલાક લોકો એચપીવી-૧૬ વાઇરસને કારણે ઓરલ, વજાઈનલ, સર્વિકલ, પેનાઈલ તથા વલ્વર કેન્સરનો ભોગ બને છે. એમાં સ્ત્રી અને પુરુષો એમ બંનેનો સમાવેશ થાય છે.
ભારતમાં દર વર્ષે લગભગ ૧૦ લાખ લોકોને કેન્સર થાય છે. તેમાં હાલ તો બે ટકા લોકોને ઓરલ એટલે કે મોઢાની અંદરનું કે ગળાનું કેન્સર થાય છે. એ બે ટકામાંથી ૬૦૦૦ દરદીઓ એચપીવી-૧૬ વાઇરસનો ભોગ બનેલા હોય છે. સહુથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે કેટલાક દાયકાઓ પૂર્વે માત્ર ઉંમરલાયક અને વૃદ્ધોને જ કેન્સર થતું હતું, પરંતુ હવે ૧૯થી ૪૦ વર્ષની વયના લોકો પણ કેન્સરનો ભોગ બનવા લાગ્યા છે. આ નવું વય જૂથ મોટેભાગે ઓરલ કેન્સરમાં સંડોવાયેલું જણાયું છે. એટલે કે અંગત જિંદગીમાં પોર્નોગ્રાફીએ લોકોની સેક્સની આદતો પણ બદલી નાંખી છે.
ઓરલ કેન્સરનાં લક્ષણો દર્શાવતાં ડોક્ટરો કહે છે કે તમારા મોઢાની અંદર કે ગળામાં કોઈ ફોરેન બોડી છે એવું સતત લાગતું હોય અને તે મરતું જ ન હોય તો તે પણ ઓરલ કેન્સરનું એક લક્ષણ છે. એ જ રીતે ગળફામાં સતત લોહી આવતું હોય તો તે પણ મોઢાની અંદર કે ગળાના ઓરલ કેન્સરનું એક લક્ષણ છે. આવું કંઈ પણ જણાય તો વહેલી તકે તબીબી પરીક્ષણ કરાવી લેવું જોઈએ. જેટલું વહેલું નિદાન થાય તેટલી ઝડપથી રિકવરી આવી શકે છે. કોલકાતા અને બેંગલુરુમાં તાજેતરમાં કરાયેલા એક અભ્યાસમાં જણાયું હતું કે આ શહેરની હોસ્પિટલમાં દર મહિને આવા પાંચથી દસ કેસ આવે છે. ડોક્ટરો કહે છે કે એચપીવી-૧૬ ટેસ્ટ મોંઘો છે તેથી ઘણાં તબીબોને લેબોરેટરીમાં આવું પરીક્ષણ કરાવવાનું ગમે છે, પરંતુ હવે જાગૃતિ આવતી જાય છે અને આવતા વર્ષથી ગળા અને મોઢાનું કેન્સર તથા ડોકનું કેન્સર ધરાવતા તમામ દરદીઓ માટે એચપીવી-૧૬ ટેસ્ટ ફરજિયાત બનાવવામાં આવશે. ભારતમાં સામાન્ય રીતે ડોક્ટરો દરદીને ઓરલ સેક્સ અંગે પૂછવાનું ટાળે છે, પરંતુ નિષ્ણાતો કહે છે કે ભારતીય સ્ત્રી-પુરુષોની બદલાતી સેક્સ આદતોને કારણે ડોક્ટરોએ આવા દરદીઓને ઓરલ સેક્સ અંગે પણ પ્રશ્નો પૂછવાની જરૂર છે. ખાસ કરીને શહેરી વિસ્તારમાં રહેલાં યુવક યુવતીઓ ઓરલ સેક્સની આદત વધુ ધરાવે છે. કોલકાતાની એમી વુડલેન્ડ્સ એન્ડ બોલેવ્યુ ક્લિનિકના ડો. અનિલ પોદ્દાર કહે છે કે ભારતમાં ઓરલ સેક્સનુ ચલણ વધવાનું એક કારણ એ પણ છે કે તે ત્વરિત આનંદ આપે છે. તેમાં કોન્ટ્રાસેપ્ટિવની જરૂર રહેતી નથી અને પ્રેગ્નેન્સીની પણ ચિંતા રહેતી નથી, પરંતુ આ આદત ભયાનક સાબિત થઈ રહી છે. યુવક યુવતીઓ તેને સલામત સેક્સ સમજે છે, પરંતુ હકીકતમાં તે ડેન્જરસ સાબિત થઈ શકે છે.
કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજની સંજિની બિશ્વાસ નામની ફર્સ્ટ યરની વિધ્યાર્થિની કહે છે હું ઓરલ સેક્સ એટલા માટે પસંદ કરું છું કે તેના કારણે મારો કૌમાર્ય પડદો અતૂટ રહે. મારા માટે કુંવારિકા રહેવું જરૂરી છે જેથી લગ્ન સમયે વાંધો ન આવે.
www.devendrapatel.in

Comments are closed.