એક્ટર જિતેન્દ્રએ તાજેતરમાં ૭૦મો જન્મદિવસ ઊજવ્યો ત્યારે કોઈએ તેમની તંદુરસ્તીનું રહસ્ય પૂછયું : તમે તો હજુ ૧૭ વર્ષના લાગો છો. એનું કારણ શું?
એ પ્રશ્નના જવાબમાં જિતેન્દ્રએ કહ્યું : ” મારી તંદુરસ્તીના રહસ્યની ક્રેડિટ હું મારા જીનને આપું છું. આજે એક્ટર્સ તેમના દેખાવ માટે જેટલા સતર્ક રહે છે તેવું પહેલાં નહોતું. સ્ટારડમ આવ્યું એટલે મેન્ટેનન્સ ખતમ.
આ જગતમાં વસતી દરેક વ્યક્તિની ખ્વાહિશ છે કે ૧૦૦ વર્ષ જીવવું છે. એ એક નોંધનીય બાબત છે કે એક તરફ પૃથ્વી પર જન્મતાં જ મૃત્યુ પામનારાં, જન્મીને તરત જ મૃત્યુ પામનારાં, કુપોષણ અને બીમારીઓથી મૃત્યુ પામનારાં બાળકોનાં અકાળ અવસાનની સંખ્યા વધતી જાય છે ત્યારે બીજી બાજુ ૧૦૦ વર્ષ સુધી જીવનારાં લોકોની સંખ્યા પણ વધતી જાય છે. હવે ૬૦,૭૦, કે ૮૦ વર્ષની વય ધરાવતાં લોકો ઠેર ઠેર જોવા મળે છે. ખાસ કરીને તમે જો સ્વિટર્ઝલેન્ડની મુસાફરી કરશો તો રેલવે સ્ટેશન પર વૃદ્ધોની સંખ્યા વધુ જોવા મળશે. ઈંગ્લેન્ડની નેશનલ સ્ટેટિસ્ટિકસ કંપનીએ તાજેતરમાં એવું તારણ રજૂ કર્યું છે કે ગયા વર્ષે જે બાળકો જન્મ્યાં છે તેમાંથી એક તૃતીયાંશ તો ૨૧૧૨ સુધી જીવશે. ૨૦૫૦ સુધીમાં ઉંમરની શતાબ્દી ધરાવતા લોકોની સંખ્યા પાંચ લાખ હશે.
લાંબું આયુષ્ય પ્રાપ્ત કરનાર શતાયુ લોકો શું કહે છે ?
૧૦૦ વર્ષની વયના આ જાદુઈ આંકડાનો જવાબ વિજ્ઞાન જ આપી શકે છે. પહેલું કારણ તો પેનેસિલિનની શોધ છે. આજથી ૮૦ વર્ષ કે ૧૦૦ વર્ષ પહેલાં ટીબી, કોલેરા, ટાઇફોઈડ, ડિપ્થેરિયા, પ્લેગ અને ડાયેરિયા પણ જીવલેણ રોગ ગણાતા હતા. ઘણાં બેવકૂફો એલોપથીને સમજ્યા વગર ગાળો દે છે, પરંતુ એન્ટિબાયોટિક્સની શોધ થઈ ના હોત તો પૃથ્વીને વસ્તીવધારાની સમસ્યા હલ કરવાના પ્રશ્નો વિચારવા પડયા ના હોત. દીર્ઘ આયુષ્ય માટે પોષણયુક્ત ખોરાક અને લાઈફ સ્ટાઈલને મુખ્ય રીતે જવાબદાર ગણવામાં આવે છે, પરંતુ યુનિર્વસિટી ઓફ બોસ્ટને તાજેતરમાં એક સંશોધન પેપર રજૂ કર્યું છે જેમાં તેણે જણાવ્યું છે કે લાંબા આયુષ્ય માટે જેનેટિક ફેકટર પણ મુખ્ય રોલ ભજવે છે. જેઓ ૮૦ કે ૮૫ વર્ષ સુધી કે તેથી વધુ વર્ષ જીવે છે તેઓ તેમને પ્રાપ્ત થયેલા જીન્સના કારણે એ લાભ પ્રાપ્ત કરે છે. વૈજ્ઞાનિકોએ તાજેતરમાં ૧૦૦ વર્ષ કે તેથી વધુ આયુષ્ય ધરાવતી ૮૦૦ વ્યક્તિઓ પર એક અભ્યાસ કર્યો હતો. તેમનાં તથા બીજાં કંટ્રોલ્ડ ગ્રૂપનાં બ્લડ સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. આ અભ્યાસ પરથી માલુમ પડયું હતું કે ૨૮૧ જેટલાં જીનેટિક તત્ત્વો લાંબા આયુષ્ય માટે જવાબદાર હતાં.
આ સંશોધનના આધારે વૈજ્ઞાનિકો કહે છે કે ચાલો, તમે યુવાન છો, જિમમાં જાવ છો, સ્વિમિંગ કરો છો કે ચીઝ,બર્ગરથી દૂર રહો છો તે તો એક સારી વાત છે, પરંતુ ૧૦૦ વર્ષ સુધી તમારે જીવવું હોય તો તમારે તમારાં માતા-પિતા કે દાદા-દાદી પર જ આધાર રાખવો પડશે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે વારસામાં કેવા જીન્સ મળ્યા છે તેની પર તમારા લાંબા કે ટૂંકા આયુષ્યનો આધાર છે.
ઇંગ્લેન્ડમાં લાંબા આયુષ્ય પરના સંશોધન માટે ન્યૂ ઇંગ્લેન્ડ સેટરનેરિયન સ્ટડી હાથ ધરવામાં આવ્યો છે. ડો. થોમસ પલ્ઝ તેના વડા છે. આ સંસ્થાને આશ્ચર્ય એ વાતનું પણ છે કે વિશ્વના વિવિધ ભાગોનાં અંતરિયાળ જંગલોમાં અને રણમાં રહેતી કેટલીક જાતિઓ-ટ્રાઈબ્સના લોકો શહેરોમાં વસતા લોકો કરતાં વધુ લાંબું જીવે છે. વિજ્ઞાનીઓનું કહેવું છે કે ૧૦૦ વર્ષ પૂરાં કરનાર દરેક શતાયુ પાસે પોતાના લાંબા આયુષ્ય વિષે કહેવા લાયક કોઈ ને કોઈ સ્ટોરી છે. વળી દરેકની સ્ટોરી અલગ અલગ છે. કોઈ કહે છે કે હું હેલ્ધી લાઇફ જીવું છું. હું કસરત કરું છું. હું રોજ ચાલવા જાઉં છું. હું દારૂ કે સિગારેટ પીતો નથી. હું ઘી-તેલ ખાતો નથી.
પરંતુ ઘણાં એવા લોકો છે કે જેઓ તંદુરસ્ત રહેવાના આ તમામ નિયમોનો ભંગ કરે છે છતાં લાંબું જીવે છે. ઇંગ્લેન્ડના પૂર્વ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ રોજ દોઢ બાટલી સ્કોચ પીતા અને ૨૦ ચિરૂટ પીતા હતા. તેમની ઓળખ જ તેમની ચિરૂટ હતી અને તેમ છતાં ૯૬ વર્ષ જીવ્યા હતા. અલબત્ત, ચર્ચિલનું આ દૃષ્ટાંત વાંચી તેમની નકલ કરવાની જરૂર નથી, કારણ કે ચર્ચિલને વારસામાં લાંબા આયુષ્યનું જીન મળેલું હોવું જોઈએ, જે બધાને પ્રાપ્ય નથી.
ચાલો, બીજા રસપ્રદ દાખલા જોઈએ. અમેરિકાના વિખ્યાત કોમેડિયન બોબ હોપ ૨૦૦૩માં ૧૦૦ વર્ષના થયા. શતાબ્દી પૂરા થયાનાં થોડાં અઠવાડિયાં બાદ મૃત્યુ પામ્યા હતા, પરંતુ મૃત્યુ પામતાં પહેલાં તેમણે રમૂજ કરી હતી : હું એટલો બધો વૃદ્ધ થઈ ગયો છું કે તેઓએ મારું બ્લડ ગ્રૂપ કેન્સલ કરી નાંખ્યું છે. બ્રિટિશ બોર્ન આ કલાકાર છેલ્લી ઘડી સુધી શારીરિક રીતે ફિટ હતા. જવાબ આપવામાં ઝડપી હતા અને વુમનાઈઝર પણ હતા. બોબ હોપ એક ફેન્ટાસ્ટિક ગોલ્ફ પ્લેયર હતા અને ૯૦મા વર્ષ સુધી ગોલ્ફ રમતા હતા. તેમના લાંબા આયુષ્યનું રહસ્ય શું છે તે તો ખબર નથી, પરંતુ તેમનું લાંબું આયુષ્ય તેમનાં પત્ની માટે પણ ઇન્ફેક્શિયસ હતું. તેમનાં પત્ની ૧૦૨ વર્ષ જીવ્યાં હતા.
ઇંગ્લેન્ડનો રાજવી પરિવાર મૂળ જર્મન છે અને લાંબું જીવે છે. પૂર્વ ક્વીન એલિઝાબેથ ૧૦૧ વર્ષ જીવ્યાં હતાં અને લાંબું જીવવા માટે તબીબી વિજ્ઞાને નક્કી કરેલા તમામ નિયમોનો તેમણે ભંગ કર્યો હતો. તેઓ અઠવાડિયામાં ૭૦ યુનિટ્સ શરાબ પીતાં હતાં. સ્ત્રીઓ માટે તબીબી વિજ્ઞાને માન્ય કરેલાં ધોરણો કરતાં તેઓ પાંચ ગણો વધુ દારૂ પીતાં હતાં. તેમના ફેવરિટ શરાબમાં જીન, ડયુબોનેટ, ક્લેરેટ અને શેમ્પેઇનનો સમાવેશ થાય છે. તેઓ તેમની સેન્સ ઓફ મિસ્ચિફ માટે જાણીતાં હતાં. તેઓ સામાજિક મેળાવડાઓમાં બહુ જતાં અને એકલાં હોય ત્યારે નવલકથાઓ વાંચતાં.
જીની કેલ્મેન્ટ એક ફ્રેન્ચ મહિલા હતાં. ૧૯૯૭માં તેઓ મૃત્યુ પામ્યાં ત્યારે તેમની ઉંમર ૧૨૯ વર્ષની હતી. આ જગતમાં જેઓ ૧૧૦ વર્ષ કે તેથી વધુ જીવ્યા. તેઓ સુપર સેન્ચ્યુરિયન ગણાય છે. જીની કેલ્મેન્ટ પણ સુપર સેન્ચ્યુરિયન ગણાય છે. જીની કેલ્મેન્ટ જીવતાં હતાં ત્યારે તેમણે તેમના લાંબા આયુષ્ય માટે ઓલિવ ઓઈલને જવાબદાર ગણાવ્યું હતું. તેઓ હંમેશાં ઓલિવ ઓઈલમાં જ તેમની રસોઈ બનાવતાં. તેઓ સતત એક્ટિવ રહેતાં અને ૯૦મા વર્ષ પછી પણ સાઇકલ ચલાવતાં રહેતાં. અલબત્ત, થોડાં વ્યસનો પણ હતાં. તેઓ શરાબ પીતાં હતાં અને એક અઠવાડિયામાં એક કિલો ચોકલેટ ખાઈ જતાં હતાં. ૧૧૭ વર્ષની વય સુધી માફકસરનું ધૂમ્રપાન પણ કરતાં હતાં.
જ્યોર્જ બર્ન્સ અમેરિકન કોમેડિયન હતા. ૧૯૯૬માં ૧૦૦ વર્ષ પૂરાં કર્યા બાદ મૃત્યુ પામ્યા. તેઓ ૧૦૦મા વર્ષમાં પ્રવેશ્યા ત્યાં સુધી રોજની ૧૦થી ૧૫ જેટલી તેમની ટ્રેડમાર્ક સિગાર પીતા હતા. સાથે ર્માિટનીનો ગ્લાસ તો ખરો જ. તેમણે એક પુસ્તક લખ્યું હતું. અને એ પુસ્તક તેમની સારવાર કરનાર ડોક્ટરોની વિધવાઓને અર્પણ કરતાં લખ્યું હતું કે to the widows of Last six, my doctors, ટૂંકમાં જ્યોર્જ બર્ન્સનું સ્વાસ્થ્ય સારું રહે તે માટેની સલાહ અને સારવાર આપનાર છ ડોક્ટરો તેમના પહેલાં મૃત્યુ પામ્યા હતા. ટૂંકમાં આ બધા જિંદગીને ચાહનારા હતા.
૧૯૯૮માં ૧૧૫ વર્ષની વયે મૃત્યુ પામનાર કેલિકોર્નિયાના ક્રિસ્ટીયન મોર્ટેન્સને તેમના લાંબા આયુષ્ય માટે મિત્રો, સારી સિગાર, ખૂબ પાણી પીવું, નો આલ્કોહોલ, પોઝિટિવ થિંકિંગ અને પુષ્કળ ગીતો ગાવાની ટેવને જવાબદાર ગણાવ્યાં હતાં. જાપાનનાં તાનેઈકાઈ ૧૧૬ વર્ષ જીવ્યાં હતાં અને દિવસમાં ત્રણ વાર જમતાં હતાં. ઓક્સફર્ડશાયરનાં ગ્રેટ ગ્રેટ ગ્રાન્ડ મધર આવાં મારલી ૧૦૦મા વર્ષમાં પ્રવેશ્યાં છે. તેઓ કહે છે : મેં કદી ધૂમ્રપાન કર્યું નથી. કદી દારૂ પીધો નથી પણ હું મારી જાતને સતત પ્રવૃત્તિમય રાખું છું. આખો દિવસ સોય લઈને કાંઈક ને કાંઈક સીવું છું અને એમ્બ્રોઇડરી કામ કરું છું. તે પછી નવરાશના સમયમાં ક્રોસવર્ડ પઝલ્સ ઉકેલવામાં સમય પસાર કરું છું.
મિનેસોટાનો રેલવે ક્લાર્ક વોલ્ટર બ્રનિંગ ૨૦૧૧માં ૧૧૪મા વર્ષમાં પ્રવેશ્યા પછી મૃત્યુ પામ્યો. તે ૧૧૪ વર્ષની વય સુધી કેલિસ્થેનિક્સ કસરત કરતો હતો. આ શરીરની તાકાત વધારવા માટેની એક કસરત છે. તે સવારે હેવી બ્રેકફાસ્ટ લેતો. હળવું ભોજન લેતો. પાછલી વયે રાતનું ભોજન ત્યાગ કરતો. લાંબું આયુષ્ય ભોગવનારા શતાયુ લોકોની આવી અનેક કથાઓ છે. દરેકને પોતાનાં આગવાં કારણો છે, પરંતુ સારો પોષક ખોરાક, સતત પ્રવૃત્તિમય જીવન, વ્યસનોથી દૂરી, નિયમિત વ્યાયામ, પોઝિટિવ થિંકિંગ, મા બાપનો જીન વારસો, પ્રભુમય જીવન અને ઈશ્વરની કૃપા એ જ લાંબા આયુષ્યનાં સાચુકલાં રહસ્ય છે.

Leave a Reply