જમ્મુ અને કાશ્મીરની બર્ફિલી હવાઓથી શ્રીનગર થરથરતું હતું. અહીંથી પસાર થતી જેલમ નદીના કિનારે એક મસ્જિદ આવેલી છે. આ મસ્જિદમાં અનેક મુસ્લિમો નમાજ પઢવા આવતા હતા. મસ્જિદના ઈમામ અહીં આવતા લોકોને પવિત્ર કુઆર્નનું સુંદર જ્ઞાન બક્ષતા હતા અને લોકોને અલ્લાહે બતાવેલા માર્ગ પર ચાલવાનો રોજેરોજ ઉપદેશ આપતા હતા. તેમાં તેમનો એક શિષ્ય શાહનવાઝ અહેમદ દાર પણ હતો. શાહનવાઝ અહેમદ દાર બડગામનો નિવાસી હતો. તે અવારનવાર મસ્જિદના ઈમામ મૌલવી અબ્દુલ ગની નાઈકને મળતો હતો. નમાજ પૂરી થઈ ગયા પછી પણ તે મૌલવી પાસે સલાહ સૂચન મેળવતો હતો.
શાહનવાઝે કહ્યું: ”મેં અકેલેમેં બાત કરના ચાહતા હું.”
બધાંના જતા રહ્યા બાદ શાહનવાઝે એકાંતમાં ઈમામને કહ્યું: ”મેરી શાદી હો ચુકી હૈં. લેકિન મેરી બીબી અપને માતા-પિતા કે પાસ ચલી ગઈ હૈ. મૈંને ઉસે સમજાને કી બહોત કોશિશ કી, લેકિન વહ હમારે ઘર આને કો તૈયાર નહીં હૈ. મૈં ક્યા કરું ?
ઈમામે કહ્યું: ”ચિંતા મત કરો. મૈં ઉપાય બતાતા હું.”
”ક્યા ?”
”દેખો કલ શામ કો તુમ મેરે પાસ આ જાવ. હમ જેલમ નદી કે કિનારે જાયેંગે. નદી કે કિનારે શામકો મૈં તુમ્હે કુછ બોલને કા કહુંગા. મૈં જૈસા કહું યૈસા કરના. મૈં જો કહું વહી આંખે બંધ કર કે તીનસો બાર બોલના. દો દિન મેં તુમ્હારી બીબી વાપસ આ જાયેગી.”
બીજા દિવસે શાહનવાઝ અહેમદ દાર મસ્જિદ પહોંચી ગયો. અંધારું થવાના સમયે તે અને ઈમામે નદી તરફ પ્રયાણ કર્યું. નદીના કિનારે બેઉ ઊભા રહ્યા. ઊંડી ખીણમાં જેલમ નદીનો પ્રવાહ જબરદસ્ત હતો. ઈમામે શાહનવાઝને નદી તરફ મોં રાખી આંખો બંધ કરી દેવા કહ્યું. શાહનવાઝે આંખો બંધ કરી દીધી. તે પછી ઈમામે કેટલાંક શબ્દોનું ઉચ્ચારણ શરૂ કર્યું. શાહનવાઝે પણ તેનું પુનઃઉચ્ચારણ શરૂ કર્યું અને એકાએક ઈમામે શાહનવાઝને પાછળથી ધક્કો મારી દીધો. શાહનવાઝ ઊંડી ખીણમાં વહેતી નદીમાં પડી ગયો. નદીના ધસમસતા પૂરમાં તે તણાવા લાગ્યો. એ પછી ઈમામ ચૂપચાપ પાછો ઘેર આવી ગયો. એક ખતરનાક કૃત્ય કર્યા પછી તે શાંતિથી ઘેર આવી સૂઈ ગયો.
આ તરફ શાહનવાઝ મોડી રાત સુધી ઘેર ના આવતાં તેનાં માતા-પિતાએ તેની શોધખોળ શરૂ કરી. બીજા દિવસે પણ તે ઘેર ના આવ્યો. કેટલાક દિવસો બાદ શાહનવાઝનો મૃતદેહ દૂર દૂરના એક ગામ લોકોએ નદીના કિનારે પડેલો જોયો. આ તરફ શાહનવાઝ ગૂમ થયાની પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને ખબર પડી કે કોઈ અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો છે એટલે તે ઘટના સ્થળે પહોંચી. મૃતદેહનો કબજો લીધો. શાહનવાઝના માતા-પિતાને બોલાવવામાં આવ્યા. તેઓ ઓળખી ગયા કે, આ મૃતદેહ તેમનાં પુત્ર શાહનવાઝનો છે. ફરિયાદમાં પણ લખાવવામાં આવ્યું હતું કે, ”તા. ૨૮મી સપ્ટેમ્બરની સાંજે તે મસ્જિદમાં નમાઝ પઢવા ગયો હતો તે પછી તે ઘેર પાછો ફર્યો નથી.”
શાહનવાઝનો મૃતદેહ મસુરા ગામ નજીકની નદીના કિનારેથી મળી આવ્યો હતો. સિનિયર સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ આશિક હુસેન બુખારીએ શાહનવાઝના રહસ્યમય મૃત્યુ- અકસ્માતની તપાસ શરૂ કરી. મરનાર શાહનવાઝે જે લાંબો કાશ્મીરી ઝભ્ભો- ‘ફેરન’ પહેરેલો હતો તેના ખિસ્સામાંથી એક આઈડેન્ટિટી કાર્ડ મળી આવ્યું. એ કાર્ડ શાહનવાઝનું નહીં, પરંતુ મૌલવી અબ્દુલગની નાઈકનું હતું.
પોલીસ મૌલવી પાસે ગઈ અને મરનારના ખિસ્સામાંથી તેનું આઈડેન્ટિરી કાર્ડ ક્યાંથી આવ્યું તે મતલબનો સવાલ કર્યો. મૌલવીએ કહ્યું: ”શાહનવાઝને મેરા હી ફેરન પહના હુઆથા. વહ ફેરન મેરા થા. મૈને ઉસે દીયા થા.”
પોલીસે હવે ઈમામ મૌલવી અબ્દુલ ગની નાઈકના અન્ય સંપર્કો અને સંબંધોની તપાસ શરૂ કરી. પોલીસને ખબર પડી કે મૌલવી અવારનવાર શાહનવાઝના સસરાના ઘેર જતો હતો. મોડે સુધી ત્યાં રોકાતો હતો. કેટલાક લોકોએ એથી પણ આગળ વધીને કહ્યું કે, તેમણે મૌલવી અને મરનાર શાહનવાઝની બીબીને અનેકવાર સાથે જોયા હતા. પોલીસને હવે શંકા પડી કે મૌલવી અબ્દુલ ગની નાઈક જ શંકાસ્પદ વ્યક્તિ છે. પોલીસે એને પોલીસ સ્ટેશનમાં બોલાવી કડકાઈથી પૂછપરછ કરી. પોલીસની લાલ આંખ અને શાહનવાઝની પત્નીના પિયરિયાની બાજુમાં રહેતા લોકોના નિવેદનોના આધારે કેટલાક નાજુક પ્રશ્નો પૂછયા અને મૌલવી અબ્દુલગની નાઈક ગભરાઈ ગયો. એણે કબૂલ કરી લીધું કે શાહનવાઝની પત્ની સાથે તેને આડા સંબંધો હતા અને શાહનવાઝ વચ્ચે એક કાંટો હતો. એ કાંટો દૂર કરવા માટે જ એણે એક ભયંકર યોજના બનાવી હતી. બિચારા શાહનવાઝને ખબર જ નહોતી કે તેની પત્ની તેના ઘેર આવતી નહોતી તેનું કારણ જ મૌલવી અબ્દુલ ગની નાઈક હતું અને પોતાની સમસ્યા દૂર કરવા તે જેની મદદ લેવા ગયો તે જ તેની પત્નીનો પ્રેમી હતો. મૌલવીએ કબૂલ કરી લીધું: ”હા… મૈં હી શાહનવાઝ કો શામ કે વક્ત નદી કે કિનારે લે ગયા થા. મૈંને હીં ઉસે આંખે બંધ કરને કો કહા થા. મૈંને હી ઉસે ઉસકી બીબી વાપસ લાને કે લિયે કુછ લબ્ઝ બોલને કો કહા થા. ઔર મૈંને હી ઉસે પીછે સે ધક્કા માર કર નદી મેં ફેંક દીયા થા.”
પોલીસ પણ એ કૈફિયત સાંભળી સ્તબ્ધ થઈ ગઈ. શાહનવાઝ જેની મદદ લેવા ગયો હતો તે જ તેની પત્નીનો આશિક હતો અને એ જ એનો હત્યારો પણ સાબિત થયો. પોલીસે મૌલવી અબ્દુલ ગની નાઈકની ધરપકડ કરી. મૌલવી અબ્દુલ ગની નાઈક કુલગામ બેલ્ટનો નિવાસી છે. હવે તે જેલના સળિયા પાછળ છે.
કાશ્મીરની ખીણમાં પ્રણય સંબંધો અને યૌનઉત્પિડનના કિસ્સામાં અચાનક વધારો થવા પામ્યો છે. નેશનલ ક્રાઈમ બ્યૂરોના આંકડા પ્રમાણે ૨૦૧૨માં જ આ પ્રકારના મર્ડરના ૨૧ કિસ્સા નોંધાયા છે. ૨૦૧૧ કરતાં આ પ્રકારના કિસ્સામાં ૩૭.૫ ટકાનો વધારો થયો છે. ૨૦૧૨માં આવા આઠ જ મર્ડર થયાં હતાં. લાગે છે કે કાશ્મીરના સૌંદર્યને પણ હવે ખૂનથી લાલ કરવામાં આવી રહ્યું છે.

What readers say
Narendra Patel
"Really nice story, "
pinal
"heart touch story. "
pinal
"very nice and heart touch story sir. "
purvi
"હૃદયસ્પર્શી વાત. ઘણા સમય પછી એક સુંદર વાર્તા વાંચી. "
nilehs pandya
"shri dongreji maharaj nijay "