ફિલ્મ ‘ગોડફાધર’ની બીજી અને ત્રીજી શૃંખલા જેમણે જોઈ હશે તેઓ જાણે છે કે અંડર વર્લ્ડના ડોન વિટ્ટો કોર્લિયોનનો પુત્ર તેની પાછલી વયમાં ગેરકાયદે એકત્ર કરેલી સંપત્તિને કાયદેસરનું સ્વરૂપ આપવા માગતો હોય છે. એવું જ કાંઈક ડોન દાઉદ ઇબ્રાહીમની બાબતમાં છે. છેલ્લા સમાચાર પ્રમાણે ડોન દાઉદ ઇબ્રાહીમે તેના માણસોને સૂચના આપી છે કે ‘ગોલી સે નહીં, અબ બોલી સે કામ ચલાવો’. છેલ્લા કેટલાક સમયથી ડોન દાઉદ ઇબ્રાહીમ તેની અબજોની સંપત્તિને કાયદેસરનું સ્વરૂપ આપવા આયોજન કરી રહ્યો છે. ગુનાખોરીથી એકત્ર કરેલાં અબજોનાં નાણાં તે ભારતમાં જ કોર્પોરેટ વર્લ્ડમાં ફેરવવા ગોઠવણ કરી રહ્યો છે.
મુંબઈની ક્રાઈમ બ્રાન્ચ અને એન્ટિ ટેરરિઝમ સ્ક્વોર્ડે દાઉદ ઈબ્રાહીમ અને તેના સાગરીતોના ફોન આંતરીને જે માહિતી એકત્ર કરી છે તે મુજબ દાઉદ ઇબ્રાહીમ તેના બે નાના ભાઈઓને ભારતમાં તેનાં નાણાં કાયદેસર રીતે ઠેકાણે પાડવા મુંબઈ મોકલી રહ્યો છે.તેના બે નાના ભાઈઓનાં નામ મુસ્તકીન અને હુમાયુ છે. આ બંને જણ પર કોઈ જ આરોપ ન હોઈ તેમની સામે કોઈ કેસ નથી. કાયદાની દૃષ્ટિએ તેઓ ક્લીન છે તેથી મુંબઈ, બેંગલુરુ, અને દિલ્હીના એનસીઆર એરિયામાં છેલ્લા કેટલાક વખતથી ડોન દાઉદ નિયમિત રીતે રિઅલ એસ્ટેટમાં નાણાં રોકી રહ્યો છે. તે ધંધાની દેખરેખ રાખવાનું કામ તેના બંને નાના ભાઈઓ કરશે.
ભારતના ગુપ્તચર તંત્રના મત મુજબ પાકિસ્તાનમાં ડોન દાઉદ ઇબ્રાહીમની પરિસ્થિતિ પહેલાં જેવી સારી અને દોર-દમામથી ભરેલી નથી. એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોર્ડનું માનવું છે કે દાઉદ ઇબ્રાહીમ પહેલાં આઈએસઆઈ અને તાલિબાનોની મદદથી પાકિસ્તાનમાં મોટો બિઝનેસ કરતો હતો. હવે એની અંદર જૂથબંધી ઊભી થઈ છે. તાલિબાનો અને આઈએસઆઈ પણ અંદરોઅંદર લડે છે. તેથી અરાજકતા જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. વળી, દાઉદ આજકાલ કરાંચીમાં રહેતો નથી. બે દાયકાથી તે કરાંચીમાં રહેતો હતો પણ હવે તે પાકિસ્તાનની સ્વાત ખીણમાં કોઈ છૂપા સ્થળે રહ્યો છે. પાકિસ્તાનની પીએમએલ-એન કે જે નવાઝ શરીફની પાર્ટી છે, તેના હેલિકોપ્ટરનો તે ઉપયોગ કરે છે. તેની તમામ ગતિવિધિ પર આઈએસઆઈની નજર છે. આ સંજોગોમાં તેને પાકિસ્તાન હવે રહેવા જેવું ન લાગતાં તે ‘સેફ હેવન’ ની શોધ કરી રહ્યો છે. અને તે અને તેનો પરિવાર હવે તેનાં નાણાંના સલામત રોકાણ માટે ભારત અને આફ્રિકા તરફ નજર દોડાવી રહ્યાં છે. ભારતમાં તો તેનું નેટવર્ક આજે પણ મજબૂત છે.
દાઉદ ઈબ્રાહીમ વિશ્વનો ત્રીજા નંબરનો મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ છે. તેણે છેલ્લાં બે વર્ષથી આફ્રિકામાં વિશાળ જમીનો ખરીદી છે. એ બધી જ જમીનો ખેતીની છે. તેનો પુત્ર મોઈન નૈરોબીમાં રહે છે અને આફ્રિકાનો બિઝનેસ સંભાળે છે. કહેવાય છે કે જો દાઉદ ઇબ્રાહીમે પાકિસ્તાન છોડવું હશે તો તે આફ્રિકામાં છુપાવાનું પસંદ કરશે, પરંતુ તેની મુશ્કેલી એ છે કે આઈએસઆઈ તેને પાકિસ્તાનમાંથી બહાર જવાની પરવાનગી આપતું નથી. આઈએસઆઈએ દાઉદ ઇબ્રાહીમ પાસે ભારતમાં ઘણાં ખોટાં કામો કરાવેલાં છે તેથી તે બહાર જાય અને પકડાઈ જાય તો આઈએસઆઈનાં બધાં જ કાવતરાં ઉઘાડાં પડી જવાનો આઈએસઆઈને ભય છે.
આ કારણથી દાઉદ પાકિસ્તાનની સ્વાત ખીણમાં લગભગ નજરકેદ જેવી પરિસ્થિતિમાં છે. એ જ રીતે દાઉદ હવે સંયુક્ત આરબ અમીરાતમાં પણ જઈ શકે તેમ નથી, કારણ કે ભારત અને યુએઈ વચ્ચે હવે પ્રત્યાર્પણ સંધિ થઈ ગઈ છે. આ સંધિ હેઠળ યુએઈએ અબુ જિન્દાલને ભારતને સોંપી દીધો હતો. તેના વિકલ્પે દાઉદનો આફ્રિકા સાથેનો સંબંધ જૂનો છે. છેક ૧૯૯૮માં દાઉદ અલ કાયદા મારફતે અફઘાનિસ્તાનમાં ડ્રગ્સ મેળવતો હતો. અહીં જ તેના અલ કાયદા, તાલિબાન અને લશ્કરે તોઈબા સાથેના સંબંધો વિકસ્યા હતા. તે અફઘાનિસ્તાનમાં ગેરકાયદે સ્કોચ વ્હિસ્કી પણ ઘુસાડતો હતો અને અફઘાનિસ્તાનમાંથી તે ડ્રગ્સ અને વ્હિસ્કી દુબઈ અને આફ્રિકાના દેશોમાં કરાંચી બંદર મારફતે મોકલતો હતો.
સંયુક્ત આરબ અમીરાતમાં તેણે કન્સ્ટ્ર્ક્શનના ધંધામાં, મોલ્સમાં, હોટેલ્સમાં, સિમેન્ટ કંપનીઓમાં અને ઓઈલ કંપનીઓમાં મૂડીરોકાણ કરેલું છે. દુબઈ અને કરાંચીસ્થિત તેની એક કંપની ભારતીય ફિલ્મોની પાયરેટેડ કોપીઓ વેચવાનો ધંધો પણ કરે છે. આ ધંધો આખા એશિયા, યુરોપ અને છેક અમેરિકા સુધી ફેલાયેલો છે. કરાંચીમાં આવેલી તેની કંપની ભારતીય ફિલ્મોની પાયરેટેડ કોપીઝ ભારતમાં વેચે છે. ભારતમાં પાયરેટેડ ફિલ્મોની સીડી વેચવાનો ધંધો એક બિલિયન ડોલર્સનો છે. જેનું ૭૦ ટકા માર્કેટ દાઉદ ઇબ્રાહીમ પાસે છે. એ જ પ્રમાણે નેપાળ અને ચીનમાં પણ તે ધંધો કરે છે. નેપાળમાં કાઠમંડુ પાસે થયેલ અને સોંધારા ખાતે તેના ૧૦૦૦ જેટલા ડાન્સબાર છે. નેપાળના પોખરા ખાતે તેનાં કેસિનોઝ પણ છે. નેપાળના સ્ટોક એક્સચેન્જમાં પણ તેનું રોકાણ છે. ચીનમાં દાઉદે ૨૦૧૦માં શાંઘાઈ પાસે ગારમેન્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટ નાખ્યું હતું. દાઉદની કંપનીમાં બનેલાં વસ્ત્રો ભારતમાં વેચાય છે.
પાકિસ્તાનની રેલવે ભારે ખોટ કરવા લાગી હોવાથી પાકિસ્તાનની સરકારની વિનંતીથી દાઉદે પાકિસ્તાનની રેલવેને નાણાકીય કટોકટીમાંથી બચાવવા ૨૦૧૧માં તેણે રોકાણ કર્યું હોવાનું કહેવાય છે. અનાજ અને સિમેન્ટ ભરીને જઈ રહેલી પાકિસ્તાનની રેલવે પાસે બળતણના પૈસા ન હોઈ દાઉદે બળતણ ખરીદવા પૈસા આપ્યા હતા. દાઉદ કરાંચીમાં ગુટકા પણ બનાવે છે. અને તે ગુટકા રશિયા, પશ્ચિમ એશિયા અને અફઘાનિસ્તાનમાં વેચાય છે. દાઉદે કરાંચીના શેરબજારમાં પણ રોકાણ કરેલું છે. હવે તે ટેલિવિઝનની ન્યૂઝ અને એન્ટરટેઈનમેન્ટ ચેનલના ધંધામાં પણ પૈસા રોકી રહ્યો છે. તે અંગ્રેજી અખબાર પણ બહાર પાડવા માગે છે.
આ બધું જ હોવા છતાં હવે પાકિસ્તાનનાં ત્રાસવાદી જૂથોના આંતરવિગ્રહના કારણે હવે મુશ્કેલીમાં છે. તેને પાકિસ્તાનમાં રહેવું સલામત લાગતું નથી. તેણે પાકિસ્તાનમાંથી બહાર નીકળવા મળે તો નવા મુકામ તરીકે પાંચ વિકલ્પો વિચાર્યા છે. જેમ (૧) સોમાલિયા(૨) ઝિમ્બાબ્વે (૩) કેન્યા (૪) કોંગો અને (૫) સુદાનનો સમાવેશ થાય છે. દાઉદનો પુત્ર મોઈન નૈરોબીમાં બિઝનેસમેન છે અને તે કેનેડાસ્થિત એક બિઝનેસમેનની પુત્રીને પરણેલો છે. દાઉદની એક બહેન હસીના પારકર મુંબઈના ડોંગરી વિસ્તારમાં રહે છે. તેનો એક ભાઈ ઈકબાલ કાસ્કર દાઉદના કહેવાથી ભારત આવ્યો હતો, પરંતુ પોલીસે તેની ધરપકડ કરી હતી. જોકે, પુરાવાના અભાવે કોર્ટે તેને છોડી મૂક્યો હતો. તે પછી ભીંડી બજારમાં તેની પર ગોળીબાર થયો હતો. ઇકબાલ બચી ગયો હતો, પરંતુ તેનો બોડીગાર્ડ માર્યો ગયો હતો. આ ગોળીબાર છોટા રાજને કરાવ્યો હોવાનું પોલીસ માની રહી છે. ઈકબાલના ભારત આવ્યા બાદ ધંધાને તે વિકસાવી શક્યો ન હોઈ દાઉદ હવે તેના બે નાના ભાઈઓ કે જે હાલ દુબઈ રહે છે તેમને ભારત મોકલી રહ્યો છે. દાઉદનું ટર્નઓવર રૂ.૨૦ હજાર કરોડનું ગણાય છે.
www. devendrapatel.in

What readers say
Narendra Patel
"Really nice story, "
pinal
"heart touch story. "
pinal
"very nice and heart touch story sir. "
purvi
"હૃદયસ્પર્શી વાત. ઘણા સમય પછી એક સુંદર વાર્તા વાંચી. "
nilehs pandya
"shri dongreji maharaj nijay "