માત્ર નેતાઓ-બ્યૂરોક્રેટ્સનાં ઘરે દિવાળી પરંતુ પ્રજાનાં ઘરે તો અંધારું જ અંધારું !

વિક્રમ સંવત પ્રમાણે નવા વર્ષનો પ્રારંભ થઈ ચૂક્યો છે. પાછલું વર્ષ દેશવાસીઓ માટે અનેક વિટંબણાઓથી ભરેલું રહ્યું. વિશ્વની આર્થિક મંદી, ડોલર સામે નબળો રૂપિયો, પેટ્રોલ-ડિઝલના ભાવોમાં છાશવારે વધારો, ડુંગળી-ટમેટાંના ભાવોમાં અસહ્ય વધારો, ક્યાંક દુષ્કાળ તો ક્યાંક જરૂર કરતાં વધારે વર્ષાથી ખેતીની બરબાદી અને જીવન જરૂરિયાતની તમામ ચીજોમાં મોંઘવારીના મારથી દેશની આમપ્રજા પીસાતી રહી. ગરીબો અને મધ્યમવર્ગના લોકો માટે જીવન દોહ્યલું રહ્યું.

નેતાઓએ દિવાળી ઊજવી પણ પ્રજાને રામરાજ્ય ક્યારે ?

નેતાઓ-બ્યૂરોક્રેટ્સ

વીતેલા વર્ષનું સરવૈયું જોઈએ તો દેશના નેતાઓએ ગરીબોની મજાક થાય તે રીતે વૈભવી જીવનમાં આળોટવાનું ચાલુ રાખ્યું. નેતાઓ હેલિકોપ્ટર્સ અને ચાર્ટર્ડ વિમાનોમાં ઊડતાં રહ્યાં અને ફાઈવસ્ટાર કલ્ચરનું ઐશ્વર્ય ભોગવતા રહ્યા. અમદાવાદ, ગાંધીનગર, સુરત, દિલ્હી, મુંબઈ, પૂણે, હૈદરાબાદ, ચેન્નઈ જેવાં ઝડપથી વિકસી રહેલાં શહેરોની આસપાસની કરોડોની જમીનોના માલિકો હવે રાજકારણીઓ છે. એવું જ બ્યૂરોક્રેટ્સનું છે. રાજ્યોના ટોચના અધિકારીઓ પૈકી ઘણા બધા અબજોની સંપત્તિના માલિકો છે. કમનસીબે આ દેશની સિસ્ટમ જ એવી ગોઠવાઈ છે કે, નેતાઓ અને બ્યૂરોક્રેટ્સ વધુ ને વધુ પૈસાદાર થતાં જાય છે અને પ્રજા વધુ ને વધુ પીસાતી જાય છે. ખરી દિવાળી તો નેતાઓ અને બ્યૂરોક્રેટ્સના જ ઘરે હતી, બાકી સામાન્ય પ્રજાએ તો નામની જ દિવાળી ઊજવી.

રામરાજ્ય ક્યારે ?

આ દેશની પ્રજાને હંમેશાં રામરાજ્યની અભિપ્સા રહેલી છે. દીપોત્સવી આમેય પ્રકાશનું પર્વ છે. ભગવાન શ્રીરામ તે દિવસે લંકા પર વિજય મેળવીને અયોધ્યા પધાર્યા તે દિવસને આ દેશના લોકો દિવાળી કહે છે, પરંતુ એ ઘટનાના પાંચ હજાર કરતાં વધુ વર્ષો વીતી ગયા બાદ આજે પણ લોકો રામરાજ્યથી દૂર છે. આ દેશમાં જ્યારે રામરાજ્ય હતું ત્યારે કોઈને પણ દૈહિક, દૈવિક અને ભૌતિક તાપ નહોતો. સ્વતંત્રતાની પ્રાપ્તિ બાદ મહાત્મા ગાંધીજીએ ભારતમાં રામરાજ્યની કલ્પના કરી હતી. રામરાજ્યનો એમનો મતલબ કોઈ કટ્ટરવાદનો નહોતો, પરંતુ દરેક ધર્મના લોકોની સુખાકારીનો હતો. આજે દેશના કેટલાક નેતાઓ રામ અને રહીમનો પોતાના રાજકીય સ્વાર્થ ખાતર જ ઉપયોગ કરી રહ્યા છે. જેઓ પોતાની જાતને સેક્યુલર કહે છે તેઓ પણ દંભી છે અને પોતાને નોનસેક્યુલર કહે છે તેઓ પણ દંભી છે. રામમંદિરનો ઉપયોગ એક પક્ષ સત્તા હાંસલ કરવા માટે કરે છે તો બાબરી મસ્જિદનો ઉપયોગ બીજો પક્ષ પણ સત્તા હાંસલ કરવા માટે જ કરે છે. કોઈ હિન્દુઓના મસીહા બનવા નીકળ્યા છે તો કોઈ મુસલમાનોના. કોઈ દલિતોના ઉદ્ધારક હોવાનો દાવો કરે છે તો કોઈ યાદવોના. કોઈ ક્ષત્રિયોના નેતા છે કે તો કોઈ જાટોના. આ બધાએ ભેગા થઈ આખા દેશને રવાડે ચડાવી દીધો છે અને પ્રજામાં કોમવાદ અને જ્ઞાતિવાદની ચિનગારી ચાંપી દેશમાં કોમ કોમ વચ્ચે અને જ્ઞાતિ-જ્ઞાતિની વચ્ચે ભાઈચારાની લાગણીને આગ લગાડી દીધી છે. આવા રાજકારણીઓ બેશક રામ નથી જ.

રામ કેવા હતા ?

ભગવાન શ્રીરામ તો આ દેશના સમાજના આદર્શ હતા. એમણે શબરી જેવી પછાત કોમની મહિલાનાં એંઠાં બોર ખાધાં હતાં. કેવટ જેવા ગરીબ નાવવાળાની નૈયામાં બેસી તેની જીવનનૈયા પાર કરાવી હતી. અહલ્યા જેવી પતીતાનો ઉદ્ધાર કરાવ્યો હતો. વચનપાલન માટે તેમણે અયોધ્યાની સત્તા છોડી વનવાસ પસંદ કર્યો હતો. ઋષિ-મુનિઓને રાક્ષસોના ત્રાસમાંથી ઉગાર્યા હતા. રામ ગુણવાન, પરાક્રમી, ધર્મજ્ઞા, ઉપકારી, સત્યવક્તા, એકપત્નીવતા, સમગ્ર પ્રાણીઓના હિતચિંતક, વિદ્વાન, સામર્થ્યવાન, ક્રોધને જીતવાવાળા અને સંગ્રામમાં અજેય યોદ્દા હતા. મહર્ષિ વાલ્મીકિએ આદર્શ રાજવી માટે ગણાવેલી બધી જ યોગ્યતાઓ તેમનામાં હતી. તેઓ આદર્શ રાજા જ નહીં, પરંતુ આદર્શ પતિ, આદર્શ ભાઈ, આદર્શ પિતા અને આદર્શ શિષ્ય પણ હતા. આજના શાસકોમાં આવો એક પણ ગુણ શોધવો મુશ્કેલ છે. ભગવાન રામે પિતાના વચન ખાતર સત્તાનો ત્યાગ કર્યો હતો. આજે સત્તા ખાતર ખોટાં વચનો આપનારા નેતાઓનો તોટો નથી. રામમંદિર બાંધવાનું વચન આપનારા પણ ગુમ છે. આજે પ્રજાની તિજોરીને લૂંટનારા, પ્રજાની જમીનો હડપ કરનાર સાધુ-તાંત્રિકોને બચાવનારા, બળાત્કાર અને સામૂહિક હત્યાઓ પ્રત્યે આંખ મીંચામણા કરનારા અને સાંપ્રદાયિકતાનું ઝેર રેડનારા નેતાઓની દેશમાં ભરમાર છે. રાજકીય મહાત્ત્વાકાંક્ષા સંતોષવા કેટલાક તો એકબીજાના ખૂનના પ્યાસા છે. ક્યાંક ગરીબોની કે દલિતોની વસતીઓ સળગાવી દેવામાં આવે છે તો ક્યાંક સામૂહિક નરસંહાર થઈ રહ્યો છે. માત્ર સત્તા પ્રાપ્તિ માટે કોમી દંગલો કરાવવામાં આવે છે અને નેતાઓ હત્યારાઓને છાવરે છે. મુઝફ્ફરનગરનાં તોફાનો તેનું છેલ્લું ઉદાહરણ છે. દેશમાં આતંકવાદ અને નક્સલવાદ વકર્યો છે. એ બધાંને કોઈનું કોઈ રક્ષણ છે અને સત્તાધીશોની નબળાઈ છે. આ બધામાં રામરાજ્યની કલ્પના જ ક્યાં કરવી ?

પશ્ચિમની આંધળી નકલ

ખરી વાત એ છે કે, ભૌતિકવાદની આંધળી દોટમાં આ દેશ તેના ભવ્ય આધ્યાત્મિક વારસાને ભૂલી ગયો છે. આઝાદી પછી કે પહેલાં આ દેશના લોકોએ રામાયણને આત્મસાત્ કરવાના બદલે પશ્ચિમની આંધળી નકલ કરવાનું પસંદ કર્યું છે. આઝાદી પછી ભારતનું બંધારણ, સંસદીય લોકશાહી પદ્ધતિ અને કાયદા કાનૂનમાં પણ ઇંગ્લેન્ડની આંધળી નકલ કરી છે. બંધારણના ઘડવૈયા શ્રેષ્ઠ હતા અને તેમની નિષ્ઠા પણ સંપૂર્ણપણે રાષ્ટ્રપ્રેમની હતી, પરંતુ અંગ્રેજોની શાસન પ્રણાલિનો પણ આ દેશના તમામ નેતાઓ પર પ્રભાવ હતો. ભારતના નવા શાસકોને દેશની શાસન પ્રણાલિ માટે બ્રિટન, અમેરિકા, ફ્રાન્સ, જર્મની જેવા દેશો નજર સમક્ષ રાખ્યા, પરંતુ ભારતના નેતાઓને રામરાજ્ય કૌટિલ્ય કે વિક્રમાદિત્ય કદી નજર સમક્ષ આવ્યા નહીં. જેનું પરિણામ આપણી નજર સમક્ષ છે. દેશ નેતાઓ ચલાવે છે કે અધિકારીઓ એ જ સમજાતું નથી. ભ્રષ્ટાચાર અને કૌભાંડોથી આખો દેશ અને રાજ્યો ખદબદે છે. રાજનીતિમાં અપરાધીઓ ઘૂસી ગયા છે. કેટલાક નેતાઓ તો જેલમાં જ દિવાળી મનાવતા રહ્યા. હવે તો અદાલતો અને સંસદ એકબીજાની સામે આવી જાયતેવી પરિસ્થિતિ છે. ૬૫ વર્ષ બાદ સીબીઆઈ પોતે જ ગેરકાનૂની છે એવા ચુકાદાએ દેશની સિસ્ટમને હચમચાવી દીધી છે. અનેક કૌભાંડો દ્વારા દેશને લૂંટવાનું કામ જ કેટલાક નેતાઓ કરી રહ્યા છે.

આ બધામાં રામરાજ્યની કલ્પના જ મુશ્કેલ છે.