મોદી માટે વારાણસીની બેઠક આસાન પણ છે અને ‘અગ્નિપથ’ જેવી પણ છે
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હવે રાષ્ટ્રીય રાજનીતિમાં વ્યસ્ત છે. ગુજરાતમાંથી વડોદરાની બેઠક ઉપરાંત વારાણસીથી લોકસભાની બેઠક માટે ચૂંટણી લડવાના છે. આ બેઠક પરથી મુરલી મનોહર જોશી ચૂંટણી લડવા માગતા હતા, પરંતુ મોદીની ઇચ્છા આગળ તેમનું કાંઈ ચાલ્યું નથી. એલ. કે. અડવાણી ભોપાલથી ચૂંટણી લડવા માગતા હતા, પરંતુ મોદીની ઇચ્છા આગળ અડવાણીએ પણ ઝૂકી જવું પડયું છે. ભાજપાની આખી રાષ્ટ્રીય નેતાગીરી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પણ મોદીની ઇચ્છાને જ અનુસરે છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં પક્ષમાં જ રહેલા તેમના પ્રતિસ્પર્ધીઓને ઠેકાણે પાડી દીધા તે જ રીતે રાષ્ટ્રીય લેવલે પણ એલ. કે. અડવાણી, મુરલી મનોહર જોશી, લાલજી ટંડન અને જશવંત સિંહને પણ કિનારે કરી રહ્યા છે.
નરેન્દ્ર મોદી પહેલી જ વાર ગુજરાત બહારથી પણ ચૂંટણી લડતા હોઈ આગામી દિવસોમાં વારાણસી ‘હોટ સ્પોટ’ હશે. મોદી માટે વારાણસીની પસંદગી વ્યૂહાત્મક છે. વારાણસી અર્થાત્ કાશી હિન્દુઓનું પવિત્ર યાત્રાધામ છે. મોદી માટે વારાણસી બેઠકની પસંદગી દ્વારા ભાજપા સમગ્ર દેશમાં મોદીના ગુજરાત મોડેલના આવરણ સાથે સખત હિન્દુત્વનો સંદેશ આપવા માગે છે. વારાણસી શહેર ગંગાના કિનારે આવેલું છે. વારાણસીથી ચૂંટણી લડીને મોદી સમગ્ર ઉત્તર પ્રદેશમાં ભાજપને પુનર્જીવિત પણ કરવા માગે છે. ૧૯૯૮ અને ૧૯૯૯માં ઉત્તર પ્રદેશે ભાજપને ૫૦થી વધુ સાંસદો આપ્યા હતા, જેના કારણે અટલ બિહારી વાજપેયી એનડીએના બેનર હેઠળ કેન્દ્રમાં સરકારની રચના કરી શક્યા હતા. મોદી ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી ૮૦ બેઠકો જીતવાની યોજના બનાવીને બેઠા છે.
નરેન્દ્ર મોદી સામે કોંગ્રેસે દિગ્વિજયસિંહને મેદાનમાં ઉતારવા વિચારે છે. દિગ્વિજયસિંહ નરેન્દ્ર મોદીના આકરા ટીકાકાર રહ્યા છે. દિગ્વિજયસિંહ મધ્યપ્રદેશમાં બેવાર મુખ્યમંત્રી અને બે ટર્મ સુધી કોંગ્રેસના સાંસદ રહી ચૂક્યા છે. અગાઉ ચૂંટણી હારી ગયા બાદ દિગ્વિજયસિંહે ૧૦ વર્ષ સુધી ચૂંટણી નહીં લડવાનો નિર્ધાર જાહેર કર્યો હતો. તેમની ૧૦ વર્ષની એ અવધિ હવે પૂરી થાય છે. અલબત્ત, કોંગ્રેસ આ બેઠક જીતી જશે તે માટે આશાવાદી નથી, પરંતુ મોદી માટે વારાણસીની બેઠક આસાન ના રહે તે માટે જ કોંગ્રેસે તેમના એક દિગ્ગજને વારાણસીથી ચૂંટણી લડવા મેદાનમાં ઉતાર્યા છે.
વારાણસીની બેઠક પર ચૂંટણી લડવા માટે આમઆદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે પણ જાહેરાત કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી તરીકે ૪૯ દિવસના શાસન અને ધરણાં સહિત અનેક વિવાદોના કારણે કેજરીવાલની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે. અલબત્ત, મોદીને પડકારવાની અને મોદી સામે આકરા પ્રહારો કરવાની જે તાકાત કેજરીવાલે દર્શાવી છે તે કક્ષાએ કોંગ્રેસ પહોંચી શકી નથી. વારાણસીમાંથી કેજરીવાલ જ એકમાત્ર ઉમેદવાર નથી. વારાણસી ઉત્તર પ્રદેશમાં છે અને ઉત્તર પ્રદેશના નેતા મુલાયમસિંહની સમાજવાદી પાર્ટીએ પણ વિજય જયસ્વાલને મોદી સામે મેદાનમાં ઉતારવા નિર્ણય કર્યો છે. સમાજવાદી પાર્ટી પછાત વર્ગના મતદાતાઓ અને મુસ્લિમ મતો પર મદાર રાખે છે. નરેન્દ્ર મોદીને ઘેરવા માટે મુલાયમસિંહે વારાણસીની નજીક આવેલી આઝમગઢની બેઠક પરથી ચૂંટણી લડવા વિચાર્યું છે. આ વિસ્તાર પૂર્વાંચલ તરીકે ઓળખાય છે અને તેની ૩૨ બેઠકો પર મુસ્લિમ મતો નોંધપાત્ર સંખ્યામાં છે. અલબત્ત, કહેવાય છે કે, ઉત્તર પ્રદેશના મુસલમાનો મુલાયમસિંહથી સંતુષ્ટ નથી. મુઝફ્ફરનગરનાં કોમી તોફાનો બાદ ઉલેમા કાઉન્સિલના અધ્યક્ષ મૌલાના અમીર રાશિદે એક શેર સંભળાવ્યો હતો ઃ “તેરી ચાહત મેં એ મુલાયમ, હમ દરબદર હો ગયે અપની હસ્તી સે હી બેખબર હો ગયે. તુમ સંવર કર સૈફઈ હો ગયે, ઔર હમ ઉજડકર મુઝફ્ફરનગર હો ગયે.”
નરેન્દ્ર મોદી માટે બસ આટલા જ ઉમેદવારો છે તેવું નથી. વારાણસીની બેઠક પર ચોથા એક ઉમેદવાર પણ છે અને તેમનું નામ છે ઃ મુખ્તાર અન્સારી. તેઓ કયામી એકતા દળના નેતા છે અને ૨૦૦૯માં આ જ બેઠક પર ભાજપાના ઉમેદવાર મુરલી મનોહર જોષી સામે ચૂંટણી લડયા હતા. મુખ્તાર અન્સારીની છાપ દબંગ નેતાની છે અને મુસ્લિમ મતો પર તેમનો જબરદસ્ત પ્રભાવ છે. તેમની સામે મુરલી મનોહર જોશી માંડ ૧૭ હજાર મતની નજીવી સરસાઈથી જ જીતી શક્યા હતા. મુખ્તાર અન્સારી ‘ડોન’ છે. હાલ તેઓ આગ્રાની જેલમાં છે. અનેક લોકોના અપહરણ અને હત્યાઓના તેમની પર આરોપ છે. અલબત્ત, તેમની છાપ આખાયે વિસ્તારમાં ‘રોબિનહૂડ’ તરીકેની છે. મુખ્તાર અન્સારીના ભાઈ અફ્ઝલ અન્સારી તેમની પાર્ટીના પ્રમુખ છે. અન્સારીબંધુઓ મૂળ ગાઝીપુરના છે અને દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયાની સ્થાપના કરનાર સ્થાપકના સંબંધી પણ છે. ઉત્તર પ્રદેશમાં રેલવે કોન્ટ્રાક્ટરથી માંડીને બીજા નફાકારક સરકારી કોન્ટ્રાક્ટનાં કામો તેમના સિવાય બીજું કોઈ લઈ શકતું નથી. તેઓ પહેલાં મખાનુસિંહ ગેંગના સભ્ય હતા, પરંતુ પાછળથી પોતાની આગવી ગેંગ ઊભી કરેલી છે. યુ.પી.ની બીજી એક ગેંગ બ્રિજેશ સિંહની છે. તે ગેંગ મુખ્તાર અન્સારીની પ્રતિસ્પર્ધી ગેંગ છે. બંને ગેંગના માણસોની એકબીજાઓને હત્યાઓ કરી નાખવાની ફરિયાદો થયેલી છે. આ બંને ડોન જેલમાં છે અને જેલમાં બેઠાં બેઠાં જ કોલસાની ખાણો, રેલવે કોન્ટ્રાક્ટ તથા શરાબનો ધંધો ચલાવે છે.
કેટલાક સમય પહેલાં યુ.પી.ના એક ધનાઢય બિઝનેસમેનનું અને કેટલાક ડોક્ટરોનું અપહરણ કરનાર અપહરણકર્તાઓને મુખ્તાર અન્સારીએ આશ્રય આપ્યો હોવાનું કહેવાય છે, પણ તે ક્રિમિનલ પ્રવૃત્તિ હવે બંધ કરી દીધી હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. ૨૦૦૧માં બ્રિજેશ સિંહની ગેંગે મુખ્તાર અન્સારીની ગેંગના ત્રણ માણસોની હાઈવે પર હત્યા કરી નાખી હતી. એ કાફલામાં મુખ્તાર અન્સારી પણ હતો, પણ તે બચી ગયો હતો. તે પછી બ્રિજેશ સિંહ છુપાઈ ગયો હતો. એ લોહિયાળ ઘટના બાદ બ્રિજેશ સિંહ ઓરિસ્સા જતો રહ્યો હતો અને ત્યાં ગેરકાનૂની ધંધો ચાલુ કર્યો હતો. ૨૦૦૨ની ચૂંટણીમાં મુખ્તાર અન્સારીના ભાઈ અફ્ઝલ સામે બ્રિજેશ સિંહનો ખાસ માણસ ક્રિશ્નાનંદ રાવ યુ.પી. વિધાનસભામાં ચૂંટાઈ આવતાં મુખ્તાર અન્સારીને ફટકો પડયો હતો. એ પછી અન્સારીબંધુઓએ ગાઝીપુર અને મઉ-ગોશી વિસ્તાર પર પોતાનો પ્રભાવ વધાર્યો હતો. એ પછી અફ્ઝલ અન્સારી સામે જીતનાર ક્રિશ્નાનંદ રાવની હત્યા થઈ ગઈ હતી. આ ઘટનાના આખા દેશમાં પડઘા પડયા હતા. એ પછી મુખ્તાર અન્સારી ખુદ મઉમાંથી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયો હતો. જ્યારે અફ્ઝલ અન્સારી ગાઝીપુરમાંથી સમાજવાદી પક્ષના સાંસદ તરીકે ચૂંટાયો હતો. હવે તેમની પોતાની પોલિટિકલ પાર્ટી છે.
આ સિવાય વારાણસીથી બહુજન સમાજવાદી પાર્ટી પણ પોતાનો ઉમેદવાર મૂકશે. ટૂંકમાં, મોદી માટે વારાણસીની બેઠક જીતવી આસાન પણ છે અને અગ્નિપથ પણ છે. અગ્નિપથ એટલા માટે કે સામેના ઉમેદવારોમાં એક ડોન છે અને આસાન એટલા માટે કે સામે પાંચ ઉમેદવારો હોઈ પછાતો અને મુસ્લિમોના મત પાંચ ભાગોમાં વહેંચાઈ જશે. નરેન્દ્ર મોદીએ ચૂંટણી દરમિયાન મુખ્તાર અન્સારીથી ચેતવું પડશે, કારણ કે તેમની સામે ‘રિયલ ડોન’ મેદાનમાં આવી શકે તેમ છે. હજી તેની સત્તાવાર જાહેરાત થવાની બાકી છે.

What readers say
Narendra Patel
"Really nice story, "
pinal
"heart touch story. "
pinal
"very nice and heart touch story sir. "
purvi
"હૃદયસ્પર્શી વાત. ઘણા સમય પછી એક સુંદર વાર્તા વાંચી. "
nilehs pandya
"shri dongreji maharaj nijay "