મોટા મોટા ઉદ્યોગપતિઓને પણ જ્યારે સરદાર સાહેબે રોકડું પરખાવી દીધું હતું
૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓ માથે ગાજી રહી છે. ૭૦ એમ.એમ.ના સ્પેક્ટેક્યુલર ૩ ડી શો જેવી ચૂંટણીઓના પ્રચાર માટે જંગી રેલીઓ, વિમાન- હેલિકોપ્ટર્સના ઉડ્ડયનો અને વિજ્ઞાાપનો પાછળ થઈ રહેલા કરોડો રૃપિયાના ખર્ચા જોતાં એમ જ લાગે છે કે, જે દેશમાં ૪૦ કરોડથી વધુ લોકો ગરીબી અને ભૂખમરાની સ્થિતિમાં જીવે છે તે દેશના નેતાઓ અને તેમની પોલિટિકલ પાર્ટીઓ જ અમીર છે. આ અબજો રૃપિયા કોણ આપે છે?એ અબજો રૃપિયા આપનાર ઉદ્યોગપતિઓ જે કોઈ પક્ષ સત્તા પર આવશે તેની પાસેથી તે જનતાને લૂંટવાનો ક્યો પરવાનો લઈ લેશે? ચૂંટણી પછી પેટ્રોલ, ડીઝલ, ગેસ કે વીજળીના ભાવો આસમાને તો નહીં પહોંચેને ?
ગાંધીજી અને સરદાર સાહેબ આજે હયાત હોત તો ૨૦૧૪ની ચૂંટણીઓના પ્રચાર પાછળ ખર્ચાતા અબજો રૃપિયાના આંધણને જોઈને આપઘાત જ કરવાનું પસંદ કરત. અહીં એક પ્રસંગ નોંધનીય છે. આઝાદી પહેલાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ખજાનચી તરીકે સરદાર સાહેબ હતા. સામાન્ય જનતા, પક્ષના કાર્યકરો ઉપરાંત ઉદ્યોગપતિઓ સાથે પણ સરદાર સાહેબને નિકટના સંબંધો હતા. ઈ.સ. ૧૯૩૫માં પ્રાંતિય ધારાસભાની ચૂંટણી વખતે ડો. રાજેન્દ્રપ્રસાદે સરદાર સાહેબને કહ્યું કે, ”જે.આર.ડી.તાતા ચૂંટણીફંડ આપવા માગે છે પણ તેની કેટલીક શરતો છે! એ પછી સરદાર સાહેબે જે.આર.ડી.તાતાને બોલાવ્યા. તાતાએ માગણી કરી કે ”ચૂંટણીફંડ તો આપું પરંતુ ઉમેદવારોની પસંદગી સમિતિમાં મારો એક માણસ મૂકો.”
સરદાર સાહેબે એ માગણીને ફગાવી દેતા કહ્યું: ”તમારી કંપનીના મેનેજમેન્ટમાં અમારો કોઈ માણસ મૂકશો ખરા? તેથી તમારી માગણી હું સ્વીકારી શકું તેમ નથી.”
સરદાર સાહેબની આ વાત સાંભળી તાતા ઢીલા પડી ગયા અને સહી કરેલો કોરો ચેક સરદાર સાહેબના ટેબલ પર મૂકી હસતાં હસતાં વિદાય થઈ ગયા હતા.
એક વાર દાલમિયાં શેઠના સેક્રેટરી ધર્મદેવ સરદાર સાહેબના સેક્રેટરીને મળવા ગયા અને તેમણે કહ્યું: ”દાલમિયાં શેઠ બે લાખ રૃપિયાનું ચૂંટણી ફંડ આપવા તૈયાર છે. સરદાર સાહેબ એ રકમ સ્વીકારશે ખરા ?”
સરદાર સાહેબના સેક્રેટરીએ સરદાર સાહેબને પૂછયું તો સરદાર સાહેબે કહ્યું: ”લઈશું.”
બીજા દિવસે દાલમિયા શેઠના સેક્રેટરી ફરી પાછા આવ્યા અને સરદાર સાહેબના સેક્રેટરીને કહેવા લાગ્યાઃ ”દાલમિયાં શેઠ ઈચ્છે છે કે, સરદાર સાહેબ તેમના ઘેર ચા પીવા આવે એ સમયે તેઓ રકમ સુપરત કરશે.”
સરદાર સાહેબના સેક્રેટરીએ આ વાત સરદાર સાહેબને કરી. વાત સાંભળતા જ સરદાર સાહેબ તાડૂક્યાઃ ”દાલમિયાં શેઠને કહેરાવી દો કે, ચૂંટણી ફંડ આપવંુ હોય તો આપે. બે લાખ રૃપિયા આપીને તેઓ મારી પર કે કોંગ્રેસ પર કોઈ ઉપકાર કરતા નથી. એમને સ્પષ્ટ કહી દો કે ચૂંટણીફંડ આપવું હોય તો આપે. ના આપવું હોય તો ના આપે. હું બે લાખ રૃપિયા માટે તેમના ઘેર ચા પીવા જઈશ નહીં !”
સરદાર સાહેબનો આ સંદેશો મળતાં જ દાલમિયાં શેઠે રૃ. બે લાખની રકમમાં રૃ. ૨૫ હજારની રકમ ઉમેરી સવા બે લાખ રૃપિયાનો ચેક સરદાર સાહેબને મોકલી આપ્યો હતો.
શેઠ વાલચંદ હીરાચંદ સરદાર સાહેબના નિકટના મિત્ર હતા. ધંધાકીય અને સામાજિક બાબતોમાં પણ તેઓ સરદાર સાહેબની સલાહ લેતા. ૧૯૩૪માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી આવી. સરદાર સાહેબે એક બેઠક માટે વી.એન. ગાડગીલ પર પસંદગી ઉતારી હતી. વાલચંદ શેઠને પણ આ જ બેઠક પરથી ચૂંટણી લડવી હતી. વી.એન. ગાડગીલ સરદાર સાહેબના વિશ્વાસુ સાથીદાર હતા, જ્યારે વાલચંદ શેઠને ધનિકોનો ટેકો હતો. કેટલાક ઉદ્યોગપતિઓ વાલચંદ શેઠની વકીલાત કરવા સરદાર સાહેબ પાસે આવ્યા અને એવી રજૂઆત કરી કે ”જો તમે વાલચંદ શેઠને ટિકિટ આપશો તો અમે મોટી રકમ ચૂંટણી ફંડમાં આપીશું.”
આ વાત સાંભળ્યા બાદ સરદાર સાહેબે કહ્યું: ”હું આવી સોદાબાજી સ્વીકારતો નથી. વાલચંદ શેઠને કહી દો કે હું તેમને ટિકિટ આપતો નથી. તે પછી પણ તેઓ બીજા કોઈ પણ પક્ષ તરફથી કે અપક્ષ તરીકે ચૂંટણી લડશે તેઓ પરાજિત થશે.”
અને એમ જ થયું: સરદાર સાહેબની ચેતવણી છતાં વાલચંદ શેઠ બીજા પક્ષ તરફથી ચૂંટણી લડયા અને હાર્યા, જ્યારે વી.એન. ગાડગીલ ચૂંટણી જીતી ગયા. સરદાર સાહેબે ચૂંટણી ફંડના બદલામાં ટિકિટ આપવાની ઓફર કદી સ્વીકારી નહીં.
એ પછીના વર્ષોમાં ભારતમાં આઝાદી આવી તે પછી એક તબક્કે મોરારજી દેસાઈ કોંગ્રેસ પક્ષના ખજાનચી હતી. એક વાર જે.આર.ડી. તાતા તેમને મળવા આવ્યા. ચૂંટણી ફંડ એકત્ર કરવાની જવાબદારી મોરારજી દેસાઈના માથે હતી. મોરારજીભાઈએ જે.આર.ડી. તાતાને કહ્યું: ”કોંગ્રેસ પક્ષને નાણાંની જરૃર છે. તમને અમારા પક્ષની નીતિઓમાં વિશ્વાસ હોય તો જ ચૂંટણી ફાળો આપજો.”
મોરારજી દેસાઈને અનેક ઉદ્યોગપતિ ઓળખતા પરંતુ સત્તા પર આવ્યા બાદ ચૂંટણીફંડના બદલામાં ઋણ ચૂકવવાની કોઈ ખાતરી આપતા નહીં. બીજા એક કિસ્સામાં મોરારજીભાઈ વડાપ્રધાન થયા ત્યારે ઉદ્યોગપતિ રામનાથ ગોએંકા તેમને મળવા આવ્યા. તેમણે એવી રજૂઆત કરી કે, ”ઈન્દિરા ગાંધીના શાસનકાળ દરમિયાન મારી સામે કેટલાક આર્િથક ગુના નોંધાયેલા છે. એ કારણે મારે ભારે નુકસાન વેઠવું પડે તેમ છે. આ કેસો પાછા ખેંચી લો તો સારું.”
કટોકટીકાળ દરમિયાન જનતા પાર્ટીના નેજા હેઠળ રામનાથ ગોએકાએ જુદાં જુદાં જૂથોને એકત્ર કરવાનું ભગીરથ કાર્ય કર્યું હતું. તે વાત મોરારજી દેસાઈ સારી રીતે જાણતા હતા. તેથી તેમને થયેલો અન્યાય દૂર થાય તેવું રામનાથ ગોએંકા ઈચ્છતા હતા. મોરારજીભાઈના અંગત સચિવ રહી ચૂકેલા હસમુખ શાહ ”દીઠુ મેં” પુસ્તકમાં નોંધે છે કે, ”આ કેસો બંધ થાય તેવું ખુદ મોરારજીભાઈ ઈચ્છતા હતા. આ કેસોની મૂળ તપાસ સીબીઆઈએ કરી હતી. તેમણે સીબીઆઈના ડાયરેક્ટરને બોલાવ્યા. અને કેસો બંધ કરવા કહ્યું. સીબીઆઈના ડાયરેક્ટ એક તટસ્થ, પ્રામાણિક અને બાહોશ અધિકારી હતા. વડાપ્રધાનની ખફગી વહોરીને પણ એક કલાક સુધી તેઓ દલીલો કરતા રહ્યા. તેમનું કહેવું હતું કે, રામનાથ ગોએંકા સામે થયેલા કેસોના તથ્યો અને હકીકતો જોતાં કાયદાની દૃષ્ટિએ આ કેસો પાછા ખેંચી શકાય તેવા નથી. રામનાથજી કોઈ નવી માહિતી કે તથ્યો આપશે તો તેમના કેસો જરૃર તપાસી શકાશે.”
અને કલાક બાદ બધી જ વાત સાંભળ્યા પછી વડાપ્રધાન મોરારજી દેસાઈએ સીબીઆઈના ડાયરેક્ટરની નિષ્પક્ષતા અને હિંમતને દાદ આપતાં કહ્યું: ”કાયદા પ્રમાણે જ કરો.”
મોરારજીભાઈના આ નિર્ણયના કારણે ઘણા સિનિયર પ્રધાનો નારાજ થયા હતા. પણ મોરારજી દેસાઈએ તેમના શાસન દરમિયાન તેમના જ પક્ષને ટેકો આપનાર રામનાથ ગોએંકા સામેના કેસો કદી પાછા ના ખેંચ્યા. અલબત્ત, મોરારજી દેસાઈએ વડાપ્રધાનપદ છોડયું તે પછી તે કેસો બંધ કરવામાં આવ્યા હતા.
આજે આવું શક્ય છે ખરું ?

What readers say
Narendra Patel
"Really nice story, "
pinal
"heart touch story. "
pinal
"very nice and heart touch story sir. "
purvi
"હૃદયસ્પર્શી વાત. ઘણા સમય પછી એક સુંદર વાર્તા વાંચી. "
nilehs pandya
"shri dongreji maharaj nijay "