Devendra Patel

Journalist and Author

મોરારિ બાપુ ને ભાઈશ્રી સત્તાની ગેમ કેમ રમ્યા?

મોરારિ બાપુ ને ભાઈશ્રી સત્તાની ગેમ કેમ રમ્યા? સંતો અને કથાકારોએ ૨૦૧૪ની ચૂંટણી પહેલાં નરેન્દ્ર મોદીની ખુશામત કેમ કરી ?

હરિદ્વારમાં બાબા રામદેવની પતંજલિ યોગ પીઠનાં મળેલા સંત સંમેલને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને દેશના ભાવિ વડાપ્રધાન તરીકે એકદમ યોગ્ય લેખી મોદીના નામ પર થપ્પો મારી દીધો. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, એનડીએના નેતાઓ કે આરએસએસ ભાવિ વડાપ્રધાન પદ માટે કોઈનાયે નામની સત્તાવાર જાહેરાત કરે તે પહેલાં સંતોએ મોદીના નામની જાહેરાત કરી દીધી. નરેન્દ્ર મોદી પણ કોઈનીયે રાહ જોયા વિના દેશના વિવિધ ભાગોમાં ભ્રમણ કરીને એક ભાવિ વડાપ્રધાનપદના ઉમેદવારની અદાથી પ્રવચનો કરી રહ્યા છે. પહેલાં તેમણે દિલ્હીનાં છાત્ર-છાત્રાઓને સંબોધન કર્યું. તે પછી ‘ફિક્કી’ની મહિલા વીંગને સંબોધન કર્યું. તે પછી કોલકાત્તામાં ઉદ્યોગપતિઓને સંબોધન કર્યું. તે પછી કેરલના એક મઠમાં જઈ સંબોધન કર્યું અને હવે હરિદ્વારમાં બાબા રામદેવની પતંજલિ યોગપીઠમાં જઈ સાધુ-સંતોને સંબોધન કર્યું. નરેન્દ્ર મોદી જ્યાં પણ પ્રવચન કરવા જાય છે ત્યાં રાષ્ટ્રીય અખબારો અને રાષ્ટ્રીય તથા પ્રાદેશિક ચેનલો પર મળતી પબ્લિસિટીથી એલ.કે. અડવાણી, સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી, મુરલી મનોહર જોશી જેવા પ્રખર નેતાઓ હવે હાંસિયામાં ધકેલાઈ ગયા છે. એ નેતાઓ મોદીની લોકપ્રિયતાથી અવાક્ પણ છે. મોદી આગળ એ નેતાઓ જ નહીં પરંતુ આખો પક્ષ, આખું એનડીએ, અને સંઘ પણ હને વામણા લાગે છે.

હરિદ્વારમાં ઊલટી ગંગા

હરિદ્વારની પતંજલિ યોગપીઠમાં યોજાયેલી સંતસભામાં જે દૃશ્યો જોવા મળ્યાં તે પણ ખુદ મોદી માટે સુખદ આશ્ચર્ય આપનારાં હતાં. પરંતુ હરિદ્વારમાં ગંગા ઉલટી વહેતી હોય એમ લાગ્યું. સામાન્ય રીતે શાસકો અને રાજાઓ સંતોના આશીર્વાદ લેતા હોય છે પરંતુ બાબા રામદેવના સંમેલનમાં કેટલાંક સંતો, સાધુઓ, કથાકારો પણ નરેન્દ્ર મોદી દેશના ભાવિ વડાપ્રધાન બની જાય તે પહેલાં જ મોદીની કૃપાદૃષ્ટિ મેળવી લેવા માંગતાં હોય તેમ લાગ્યું. જે કામ પહેલાં કેટલાક ઉદ્યોગપતિઓ કરી રહ્યા હતા તે કામ દેશના કેટલાંક સંતો કરી રહ્યા હોય એમ લાગ્યું. ૧૨૦ કરોડના આ વિશાળ દેશના વડાપ્રધાન બનવું એ ઘણી મોટી વાત છે અને દેશના ભાવિ વડાપ્રધાનની અમી દૃષ્ટિ અત્યારથી જ મેળવી લેવા સંતો પણ પોતાના પદનું મહત્ત્વ ભૂલી જઈ રાજ્યાશ્રય મેળવવા તત્પર થઈ ગયા હોય એમ લાગ્યું.

પહેલાં બાબા રામદેવની વાત. બાબા રામદેવ એક સારા યોગગુરુ છે. લાલુ પ્રસાદ ભલે તેમને પીટી ટિચર કહેતા હોય પરંતુ બાબા રામદેવ ભગવાં વસ્ત્રો પહેરવાના કારણે માત્ર સાધુ- સંત જ નથી. રૂ.૨૦૦૦ કરોડની મિલકતોના ટ્રસ્ટોના તેઓ વડા છે. કહેવાય છે કે તેઓ આસ્થા ચેનલના તેઓ માલિક પણ છે. વિદેશમાં એક આખા ટાપુના માલિક છે. કેન્સરથી માંડીને બીજા અનેક રોગો મટાડવા દાવા સાથે તેઓ ફાર્માસ્યુટિકલ કંપની પણ ચલાવે છે. તેમની સંસ્થાઓ સામે કહેવાતી આર્થિક ગેરરીતિઓની તપાસ ચાલે છે. તેમના નિકટના સાથી બાલકૃષ્ણન્ સામે નાગરિકત્વના મુદ્દે પણ તપાસ ચાલે છે. બાબા રામદેવ સારી રીતે જાણે છે કે,દિલ્હીમાં હાલની સરકાર સામે તેમણે ચલાવેલા આંદોલનના કારણે આજ ગઠબંધન ફરી સત્તા પર આવશે તો બાબા રામદેવની મુશ્કેલીઓ વધશે. આ બધી મુશ્કેલીઓમાંથી બહાર આવવું હોય તો એકમાત્ર યુપીએ સરકારની વિદાય અને નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારનું આગમન જ તેમને બચાવી શકે છે. નરેન્દ્ર મોદી કટ્ટર હિન્દુવાદી છે અને બાબા રામદેવ પણ કટ્ટર હિન્દુવાદી છે,ફરક એટલો છે કે નરેન્દ્ર મોદી રાજનીતિજ્ઞા છે અને તેઓ પોતાના લક્ષ્ય અને ઈરાદાઓમાં પ્રામાણિક છે, જ્યારે બાબા રામદેવ ભગવાં વસ્ત્રોના કારણે બહારથી સાધુ અને ભીતરથી રાજકારણી છે. તેઓ મોદીની લોકપ્રિયતાનો પોતાના પ્રશ્નો હલ કરવાના હેતુથી અત્યારથી જ સોગઠાં ગોઠવી રહ્યાં છે.

મોરારિ બાપુ-રમેશભાઈ ઓઝા

હવે મોરારિબાપુ અને રમેશભાઈ ઓઝાની વાત. મોરારિબાપુ દેશના લોકપ્રિય કથાકાર છે. લાખો લોકો તેમને આદરપૂર્વક સાંભળે છે. રમેશભાઈ ઓઝા પણ દેશના સર્વશ્રેષ્ઠ ભાગવતાચાર્ય છે. આ બંને કથાકારો સન્માનીય છે. પરંતુ ”દેશના વડાપ્રધાન કોને બનાવવા ?” એવા રાજકીય હેતુથી પ્રેરિત બાબા રામદેવની રાજકીય સભામાં નરેન્દ્ર મોદીની બાજુમાં બેઠેલા જોઈને આશ્ચર્ય થયું. કારણ કે આ સંમેલન આધ્યાત્મિક નહીં પરંતુ રાજકીય હેતુવાળું સમેલન હતું. આ બંને કથાકારોએ દેશના તમામ રાજકારણીઓના નામ પર ચોકડી મારી દીધી અને મોદી જ વડાપ્રધાન બનવા જોઈએ એમ કહી દીધું. મોરારિબાપુએ દેશના તમામ સંતો વતી જાહેરાત કરી દીધી કે સંતોએ તેમનું કામ કરી દીધું, હવે બાકીનું કામ પૂરું કરવાની જવાબદારી દેશની છે. મોરારિબાપુ અને રમેશભાઈ ઓઝા પ્રત્યે સંપૂર્ણ આદર સાથે એ કહેવું પડે છે કે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓ સત્તા કબજે કરવા માટે છે. આ બંને મહાનુભાવો સત્તા માટે ખેલાતી ખતરનાક રાજરમતમાં કેમ કૂદી પડયા ? નરેન્દ્ર મોદી તો નખશીખ રાજકારણી છે. તેમને રાજનીતિ કરવાનો અધિકાર છે. તેઓ વડાપ્રધાન બનશે તો તેમાં ગુજરાતનું ગૌરવ વધશે. પરંતુ આ કથાકારો એ વાત ભૂલી જાય છે કે, અંગ્રેજીમાં એક ઉક્તિ છેઃ ‘‘Power currupts and absolute power currupts absolutely’’ અર્થાત્ સત્તા,ભ્રષ્ટાચાર પ્રેરે છે અને અસાધારણ સત્તા અસાધારણ ભ્રષ્ટાચાર પ્રેરે છે. દેશની સત્તા કબજે કરવા પૈસા, દારૂ, લોભ- લાલચ અને બીજા અનેક કાવાદાવા ૨૦૧૪માં તમામ પક્ષો અને ઉમેદવારો તરફથી ખેલાવાના છે. તો આ બે કથાકારો સત્તાની ગંદી રાજનીતિમાં કેમ ખરડાયા? હા, બની શકે કે તેમની પણ કોઈ મજબૂરી હશે. બાબા રામદેવ આસ્થા ચેનલના માલિક છે અને આ બંને કથાકારોને તેમની કથાઓના જીવંત પ્રસારણ માટે બાબા રામદેવને રાજી રાખવાની લાલચથી રાજકીય હેતુ પ્રેરિત એ જાનમાં જોડાવું પડયું હશે એમ લાગે છે.

ચેનલનો લાભ

 સામાન્ય રીતે લોકોની અપેક્ષાઓ એવી હોય છે કે ધર્મ-ગુરુ અને સંતોએ તેમની ધર્મ અને આધાત્મ્ય આધારિત પવિત્ર ભૂમિ અને મર્યાદા છોડી સત્તા માટેની ખતરનાક રમતના મેદાનમાં પ્રવેશવું ના જોઈએ. ભારતમાં આવા શ્રેષ્ઠ અને રાજનીતિથી દૂર રહેલા અનેક શ્રેષ્ઠ ઋષિમુનિઓ અને સંતોના પ્રમાણો છે. રાજા પરિક્ષીતને સહુ પ્રથમવાર શ્રીમદ્ભાગવત સંભળાવનાર શુકદેવજી શુદ્ધ કથાકાર હતા. શ્રીમદ્ ભગવદ ગીતા પર પોતાની મીમાંસા સાથે તેનું અર્થઘટન કરનાર સંત જ્ઞાનેશ્વર કદીયે રાજકારણના ખેલમાં પ્રવેશ્યા નહોતા. ગુજરાતના સર્વશ્રેષ્ઠ સંત ડોંગરેજી મહારાજ તો રાજકારણ તો જોજનો દૂર અત્યંત પવિત્ર અને અકિંચન કથાકાર હતા. આજે તો મોટા કથાકારોને બોલાવવા હોય તો ૫૦ લાખની રકમ ના હોય તો કથાનું આયોજન ના થઈ શકે. કેટલાક કથાકારો તો પ્રોફેશનલ છે. કેટલાક પોતાના સાજ સાજિન્દાઓને લઈને જાય છે. કેટલાંક આસ્થા કે સંસ્કાર ચેનલ પર પોતાની કથાઓનું જીવંત પ્રસારણ થાય તે માટે વિશ્વના લેટેસ્ટ કેમેરા, કેમેરામેન, કંટ્રોલ પેનલ અને નિષ્ણાત ટેક્નિશિયનોને લઈને જ કથા કરવા જાય છે. કેટલાંક કથાકારોએ અને એક તાંત્રિક બાપુએ કરોડોના આશ્રમો ઊભાં કરી દીધાં છે. આ એક પ્રકારનો ધર્મનો મૂડીવાદ છે. આવા કથાકારોની કથાઓનું આયોજન પણ બે નંબરીયા કે પૈસાદારો જ પોતાના પાપ છૂપાવવા કરે છે. કલબોની ચૂંટણીઓમાં ગેરરીતિઓ કરી કરોડો કમાનારા બાપુઓ અને કથાકારોના યજમાન બને છે. મોરારિબાપુ કોઈ દિવસ વિમાનમાં કથા કરે છે તો કોઈ દિવસ દરિયામાં તરતી આલિશાન ક્રૂઝમાં કથા કરે છે. પુછીએ તો કહેવામાં આવે છે કે અમે આકાશ- વાયુ અને દરિયાને કથા સંભળાવીએ છીએ. કેવી એબ્સર્ડ વાત ? ઈશ્વર તો સર્વવ્યાપી છે. આ સૃષ્ટિમાં એવી કોઈ જગા નથી કે જ્યાં ઈશ્વર વસતો ના હોય! બે લાખની ટિકિટ ખર્ચવા વાળા જ આવી કથા ચાર્ટર્ડ વિમાનમાં બેસી ઊડતાં ઊડતાં સાંભળી શકે છે.

ડોંગરેજી મહારાજ જેવા બનો

 આજના કથાકારોનું આ ફાઈવસ્ટાર કલ્ચર જોઈ ડોંગરેજી મહારાજ કે કૃષ્ણશંકર શાસ્ત્રીનું સ્મરણ કરવું પડે છે. પૂજ્ય ડોંગરેજી મહારાજ સાક્ષાત શુકદેવજીના અવતાર હતા. તેઓ કથા કરવાના કોઈ જ પૈસા લેતા નહોતા.કથા કરવા ગમે ત્યાં જાય પણ પતરાંની એક પેટીમાં બે જોડી વસ્ત્રો, માળા અને ગીતાજીને સાથે રાખતા હતા. કથા કરવા ગયા બાદ પોતાના ઉતારે પોતે જ ખીચડી જેવું સાદું ભોજન બનાવી લેતા હતા. બીજાના હાથનું બનેલું જમતા પણ નહોતા. વીડિયોગ્રાફી પણ કરવા દેતા નહોતા. અત્યંત પવિત્ર એવા પૂજ્ય ડોંગરેજી મહારાજ દેશના વડાપ્રધાનની તો શું પણ ગામના સરપંચની ચૂંટણીથી જોજનો દૂર હતા. કોઈ પણ રાજકારણીની બાજુમાં તેઓ બેસતા નહોતા. પરંતુ સાચી વાત એ છે કે સમય બદલાઈ ગયો છે. તાંત્રિકો, બાપુઓ અને કથાકારોને પણ હવે રાજકારણીઓની જરૂર છે.

Previous

મંદબુદ્ધિની પ્રિયા પ્રેગ્નન્ટ હતી, પણ એનો પિતા કોણ?

Next

સ્વર્ગમાં ગંગાજી નથી અને સ્વર્ગમાં નર્મદાજી પણ નથી

1 Comment

  1. SANKET UPADHYAY

    MR. PATEL,WELL DONE.. MORARI BAPU & RAMESH OZA HAS MUCH PROPERTY,AND THEY ARE NOT KATHAKAR, THEY ARE LIKE BUSINESSMAN.THEY ADMINISTRATE THIS PROPERTY LIKE CEO OF COMPANY.

    MR.PATEL, KINDLY EXPOSE THIS TYPE OF SADHUS & SAINTS. LIKE ASHARAM,SWAMI SACHIDANAND

    I M WITH U.

    SANKET UPADHYAY
    ADVOCATE.

Leave a Reply

Powered by WordPress & Theme by Anders Norén