બ્રિટનના વડાપ્રધાન ડેવિડ કેમરોન ટ્રેનમાં જગ્યા ન મળતાં ઊભા ઊભા મુસાફરી કરી રહ્યા છે.
બ્રિટનના વડા પ્રધાન પણ ક્યારેક ટ્રેનમાં જગા ના મળતાં ઊભા ઊભા મુસાફરી કરે છે
આ દેશના નેતાઓ તો તમામ પ્રકારની સુવિધાઓ અને વીઆઈપી કલ્ચર ભોગવે છે,પરંતુ ધર્મગુરુઓને પણ કમાન્ડોઝ અને એરપોર્ટ્સ પર તમામ પ્રકારની વીઆઈપી સુવિધાઓ જોઈએ છે. કેટલાક ધર્મગુરુઓ, બાપુઓ, બાવાઓ અને તાંત્રિકોએ એરપોર્ટ્સ પર સલામતી પ્રક્રિયાઓમાંથી પસાર થવાનો ઈનકાર કરીને ભૂતકાળમાં બખેડાઓ પણ કરેલ છે, પણ હવે કેટલાક ધર્મગુરુઓને સત્તાવાર કેટલીક સુવિધાઓ જોઈએ છે.
એરપોર્ટ પર કોઈ પણ જાતની તપાસ વગર પ્રવેશતાં જ સીધા વિમાનમાં બેસી જવાની સુવિધાને ‘ફ્રીસ્કિંગ’ કહે છે. આવી સુવિધા ધરાવનાર મુસાફરે કોઈ પણ પ્રકારની લાઈનમાં ઊભા રહેવું પડતું નથી. આવી સુવિધા રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, ચીફ જસ્ટિસ, લશ્કરી વડા જેવાઓને અપાતી હોય છે. ભૂતકાળમાં રોબર્ટ વાડરાને આવી સુવિધા અપાઈ હતી. વાડરાએ આ સુવિધા પાછી ખેંચી લેવા વિનંતી કરી હોવા છતાં એ સુવિધા પાછી ખેંચવામાં આવી ના હોવાનો રોબર્ટ વાડરાએ આક્ષેપ કર્યો છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામને એ સુવિધા ઉપલબ્ધ હોવા છતાં તેઓ અન્ય સામાન્ય ઉતારુની જેમ બોર્ડીંગ કાર્ડ લેવા, સિક્યોરિટી ચેક માટે તથા વિમાનમાં બોર્ડીંગ માટે લાઈનમાં જ ઊભા રહેતા હતા.
હવે યોગગુરુ બાબા રામદેવ અને બાબા ગુરમીત રામ રહીમને પણ એરપોર્ટ પર સલામતી પ્રક્રિયાની તમામ વિધિઓમાંથી બાકાત રાખવા વિચારણા થઈ રહી છે. બાબા રામદેવ હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થક છે. ૨૦૧૪ની ચૂંટણી પહેલાં તેમણે ભાવિ વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના નામને ખુલ્લું સમર્થન આપ્યું હતું. એ જ રીતે બાબા રામ રહીમે પણ હરિયાણાની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને વિજય અપાવવામાં મદદ કરી હતી. ભારત સરકારના નાગરિક ઉડ્ડયન ખાતાનાં સૂત્રોના જણાવ્યા મુજબ આ બંને ધર્મગુરુઓએ એરપોર્ટ્સ પર સલામતી ચેકિંગની પ્રક્રિયામાંથી તેમને બહાર રાખવા સરકારનો સંપર્ક કર્યો છે. જુનિયર એવિએશન મિનિસ્ટર મહેશ શર્માએ પણ એ વાતની પુષ્ટી કરેલી છે કે, કેટલાક સંતોએ એરપોર્ટ્સ પર ફાસ્ટ પેસેજ માટે વિનંતી કરેલી છે. આ સંતોની માગણી અંગે અમે કોઈ પણ જાતના પૂર્વગ્રહ વિના એવી સુવિધા આપવી કે કેમ તે અંગેની શક્યતા તપાસી રહ્યા છીએ.
કહેવાય છે કે, એ સિવાયના પણ કેટલાક સંતોએ ત્રિશૂળ સાથે વિમાનમાં બેસવા માગણી કરી છે. કેટલાક સંતોએ લાકડી સાથે વિમાનમાં બેસવા માગણી કરી છે. આ સંદર્ભમાં મંત્રીએ જણાવ્યું છે કે, એવી છૂટ આપવામાં મુશ્કેલી સર્જાઈ શકે છે, પરંતુ કેટલાક ધર્મગુરુઓને આવી છૂટ આપવી કે કેમ તે માટે મંત્રાલય વિચારણા કરી રહ્યું છે.
એરપોર્ટ પર આવી ફ્રીસ્કીંગની સુવિધા ધરાવતા મહાનુભાવોની ૩૧ કેટેગરીઝ નક્કી કરવામાં આવી છે. તેમાં ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડા પ્રધાન, કેન્દ્રના કેબિનેટ મંત્રીઓ, સંસદમાં વિપક્ષના નેતા, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો, વિવિધ હાઈકોર્ટ્સના મુખ્ય ન્યાયાધીશો, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને તેમના ડેપ્યુટીઝ, રાજ્યપાલોે, રાજદૂતો, દલાઈ લામા, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા વાડરા અને રોબર્ટ વાડરા વગેરેનો સમાવેશ થાય છે.
કેન્દ્ર સરકારે બાબા રામદેવને ઝેડ કેટેગરીની સલામતી આપેલી છે. એટલે કે બાબા રામદેવની સુરક્ષા માટે ૨૫ જેટલા સેન્ટ્રલ રિઝર્વ પોલીસના કર્મીઓ આપવામાં આવેલા છે. અલબત્ત, બાબા રામદેવાના પ્રવકતા કહે છે કે, બાબા રામદેવને એરપોર્ટ્સ પર સમય બચાવવા ફ્રિસ્કિંગની વિનંતી કરવામાં આવી નથી, પરંતુ બાબા રામદેવ એક ધર્મગુરુ છે અને તેમના કેટલાક પ્રોટોકોલ્સ પણ છે. બાબા રામદેવને એરપોર્ટ્સ પર ફ્રિસ્કિંગનો વિશેષાધિકાર આપવો કે કેમ તે સરકારે નક્કી કરવાનું છે. બાબા રામદેવને દેશના એરપોર્ટ્સ પર ભલે લાઈનમાં ના ઊભા રહેવાની છૂટ મળે, પરંતુ ચૂંટણી પહેલાં તેમણે ‘કાલા ધન વાપસ લાયેંગે’ અને ‘પંદરા લાખ આપ કે ખાતે મેં જમા હોંગે’ તેવી આપેલી ખાતરી તેઓ ભૂલી ન જાય તો સારું. બાબા પાસે યાદશક્તિ વધારવાની જડીબુટ્ટીઓ તેમના ઔષધાલયમાં ઉપલબ્ધ છે જ.
બાબા રામ રહીમના પ્રવકતા કહે છે કે, ‘બાબા રામ રહીમને અનેક ધમકીઓ મળેલી છે.’ અલબત્ત, તેમણે એરપોર્ટ્સ પર આવી સુવિધા માગી છે કે નહીં તે વાતને હજુ સમર્થન મળતું નથી. સિવિલ એવિએશનના નિષ્ણાતો એરપોર્ટ્સ પર આવી છૂટછાટો માટેની ભલામણોને વિચિત્ર ગણે છે. નિષ્ણાતો કહે છે કે, વિશ્વના કોઈપણ દેશમાં ધર્મગુરુઓ કે પાદરીઓને આવી વિશેષ છૂટછાટો નથી.
અત્રે એ નોંધવું જરૂરી છે કે, અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખો અને બ્રિટિશ વડા પ્રધાન ડેવિડ કેમરુનને પણ લોકોએ ટ્રેનમાં અન્ય મુસાફરોની સાથે મુસાફરી કરતાં જોયા છે. સોશિયલ મીડિયા પર ફરતી એક જાણીતી તસવીરમાં તો બ્રિટિશ વડા પ્રધાન ડેવિડ કેમરુન એક ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છે. તેમને બેસવાની જગા ના મળતા તેઓ ટ્રેનમાં ઊભા ઊભા કાંઈક વાંચીને ટ્રેનની સફર માણતા જણાય છે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલય આ પ્રકારની ફાસ્ટ પેસેજ સુવિધામાંથી કેટલાક નામો અને કેટલીક કેટેગરીઝ પડતી મૂકવા પણ વિચારી રહ્યું છે. એવું બની શકે કે,એરપોર્ટ્સ પર આવી વિશેષ સુવિધા ધરાવતા વીઆઈપીઓના લિસ્ટમાંથી રાજ્યસભાના નાયબ અધ્યક્ષ, લોકસભાના નાયબ સ્પીકર, અટોર્ની જનરલ અને રોબર્ટ વાડરાને પડતાં મૂકે તેવી સંભાવના છે.

Comments are closed.