મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણીનાં પરિણામોએ રાજનીતિનાં સમીકરણો બદલી નાખ્યા છે. દેશની તમામ રાજકીય પાર્ટીઓએ એમાંથી શીખવાની જરૂર છે. ખુદ ભાજપના નેતાઓ, કોંગ્રેસના નેતાઓ, પ્રાદેશિક પક્ષોના નેતાઓએ એ વાત સમજી લેવાની જરૂર છે કે, મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણીમાં જ્ઞાાતિવાદ, જાતિવાદ, કોમવાદ, દલિતવાદ, સવર્ણવાદ, મરાઠાવાદ, ચૌધરીવાદ,જાટવાદ બિલકુલ ચાલ્યા નથી. એક અને માત્ર એક જ વાદ ચાલ્યો છે અને તે છે ‘એક નેતાવાદ.’ લોકોને એક સશક્ત નેતા જોઈએ છે અને નરેન્દ્ર મોદીની આંધી હેઠળ બધા જ વાદ ભૂલાઈ ગયા છે. દેશની રાજનીતિ હવે બદલાઈ રહી છે. લોકોની અપેક્ષાઓ પરિપૂર્ણ કરવામાં તમામ ‘વાદ’ નિષ્ફળ ગયા છે ત્યારે લોકોએ એક નેતાને સ્વીકારી તેમની અપેક્ષાઓ સંતોષવા એક નેતામાં વિશ્વાસ મૂક્યો છે.

એકડા વિનાના મીંડાં

આ ચૂંટણીઓમાં કોંગ્રેસ, એનસીપી, આઈએનએલડી, મનસેનો તો સફાયો થયો જ છે, પરંતુ સાથે સાથે ભાજપાનો પણ એક પક્ષ તરીકે સફાયો થયો છે. નરેન્દ્ર મોદી પક્ષના નેતા ના હોય તો ભાજપા પાસે એકડા વિનાના મીંડાં જ છે. ભાજપા માઈનસ મોદી એટલે ઝીરો. આ કડવું સત્ય ભાજપાએ પણ સ્વીકારવું પડશે. આરએસએસ અને તેના જેવી ભગિની વિચારધારા ધરાવતી શિવસેના પહેલાં દિલ્હીમાં, પછી મહારાષ્ટ્ર અને હરિયાણા જેવાં રાજ્યમાં જે ધ્વજ લહેરાવવા માગતી હતી તે ધ્વજ આજે માત્ર અને માત્ર મોદી થકી જ શક્ય બન્યો છે. એલ. કે. અડવાણી, મુરલી મનોહર જોશી, રાજનાથસિંહ, અરુણ જેટલી, સુષ્મા સ્વરાજ, વૈંકેયા નાયડુ, ઉદ્ધવ ઠાકરે, રાજ ઠાકરે એ બધા હાંસિયામાં ધકેલાઈ ગયા છે.

બધા જ વાદ ગયા

 ડ્રોઇંગ રૂમમાં બેસીને રાજનીતિ કરવાનો સમય હવે સમાપ્ત થઈ ગયો છે. તમારે ચૂંટણીના રણમેદાનમાં પરફોર્મ કરવું જ પડે છે. ગોવિંદાચાર્ય અને ઉમા ભારતીનો કટ્ટરવાદ કે માત્ર વિચારવાદ હવે ચાલવાનો નથી. હિંદુઓને કે મુસલમાનોને માત્ર ઉશ્કેરવાથી જ વોટબેંક છલકાતી નથી. દેશના મુસલમાનોનો યુવા વર્ગ પણ હવે બદલાઈ રહ્યો છે. તેઓ હવે ‘મેઈન સ્ટ્રીમ’માં આવવા માગે છે. તેમને જોબ જોઈએ છે, બહેતર જીવન જોઈએ છે, ઉત્કૃષ્ટ કારકિર્દી જોઈએ છે અને ઓફકોર્સ સલામતી પણ જોઈએ છે. દલિતોનો મસીહા દલિત નેતા જ હોવો જોઈએ અને જાટનો નેતા જાટ જ હોવો જોઈએ તે દિવસો હવે ગયા. હરિયાણા જેવા પ્રદેશમાં જાટ-મતદારોનું પ્રભુત્વ હોવા છતાં એક બિનજાટ મુખ્યમંત્રી બની શકે છે એ દેશની રાજીનીતિમાં આવેલો જબરદસ્ત બદલાવ છે. જાટોના નામે ચૌટાલા એન્ડ કંપનીએ હરિયાણાને લૂંટયું જ છે એ વાતની પ્રતીતિ હવે હરિયાણાના જાટોને થઈ ચૂકી છે.

માત્ર લૂંટ જ ચલાવી

મોટાભાગના પ્રાંતવાદ કે જાતિવાદ આધારિત નેતાઓએ આ ધંધો જ કર્યો છે. તમિળનાડુમાં કાળાં ચશ્માંવાળા કરુણાનિધિએ તમિળોના નામે તમિળનાડુને લૂટી ડીએમકેને પ્રાઈવેટ લિમિટેડ કંપની જ બનાવી દીધી છે. જયલલિતા પણ વનમેન કંપની છે. એ કારણોસર કરુણાનિધિની પુત્રી કનીમોઝી અને જયલલિતાને જેલની હવા ખાવી પડી છે. બિહારમાં પછાત વર્ગો અને યાદવોના નામે રાજનીતિ કરીને લાલુ-રબડીએ બિહારને લૂંટયું છે અને અદાલતોના કડક વલણના કારણે લાલુપ્રસાદે પણ જેલની હવા ખાધી છે. હા, બિહારના નીતિશકુમાર એક પ્રામાણિક વ્યક્તિ છે એ જ રીતે મહારાષ્ટ્રમાં એનસીપીના શરદ પવારે લાંબા સમય સુધી મરાઠાવાદ ચલાવ્યો અને રાજ્ય તથા દિલ્હીમાં સત્તાની ભાગીદારી કરી વર્ષો સુધી સત્તા ભોગવી અઢળક સંપત્તિ એકત્ર કરી. પરંતુ હવે તેમના મરાઠાવાદનો પણ અંત આવ્યો છે. શરદ પવારે કૃષિમંત્રી તરીકે રહી વેપારીઓને ન્યાલ કરવા દેશના ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા હતા.

શિવસેનાની દાદાગીરી

હવે શિવસેનાની વાત.

આ ચૂંટણીમાં શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેનું મુખ્યમંત્રી બનવાનું સ્વપ્નું રોળાઈ ગયું છે. તેઓ સમય પારખી શક્યા નહીં. હવેનો સમય બાલાસાહેબ ઠાકરેનો સમય નથી, જ્યારે ગમે ત્યારે મુંબઈમાં રહેતા મહારાષ્ટ્રીયનોને ઉશ્કેરી દાદાગીરી કરી શકાતી હતી. શિવસેનાના નામે કેટલાક શિવસૈનિકોએ દુકાનદારોને હેરાન-પરેશાન કરવામાં કાંઈ બાકી રાખ્યું નહોતું. એક જમાનામાં મુંબઈના વેપારીઓએ દાઉદ ઇબ્રાહિમને હપતા ચૂકવવા પડતા હતા તે જ કામ શિવસેનાના નામે કેટલાક ગુંડાઓ બાલાસાહેબના નામે કરતા હતા. મરાઠી અસ્મિતા, હિેંદુવાદ અને મહારાષ્ટ્રવાદના નામે શિવસેનાના સર્વોચ્ચ પરિવારે કેટલી સંપત્તિ એકત્ર કરી છે તે તો મુંબઈની પ્રજા બરાબર જાણે છે. મુંબઈની પ્રજા એ વાત પણ જાણે છે કે, પાછલા વર્ષોમાં મુંબઈને દાવાનળમાં કોણે ફેરવી નાખ્યું હતું. ફિલ્મોથી માંડીને ઉદ્યોગક્ષેત્રમાં બેફામ અને અદૃશ્ય માફિયાઓનું વર્ચસ્વ કેવું હતું એ વાત પણ મુંબઈની પ્રજા સારી રીતે જાણે છે. મુંબઈના ભૂમાફિયાઓ હકીકતમાં કોણ હતા તે મુંબઈના લોકો બરાબર જાણે છે.

વનમેન ઇન્ડસ્ટ્રી

શિવસેના કોઈ રાજનૈતિક દળ હોવાના બદલે મહારાષ્ટ્રીયનોના નામે ચાલતો ‘વનમેન ઇન્ડસ્ટ્રી’ વધુ હતો. આ ચૂંટણીમાં તેમની તાકાતનું માપ નીકળી ગયું. વધુ સીટો લેવા માટે ભાજપા સાથે દાદાગીરી કરી, ‘સામના’માં ભાતભાતનાં લખાણો લખવામાં આવ્યાં, નરેન્દ્ર મોદી માટે ‘અફઝલખાન’ જેવા શબ્દો વાપરવામાં આવ્યા અને છેલ્લે ભાજપાના જ ખોળામાં બેસી જવાનો સમય આવ્યો. ઠાકરે પરિવાર સમય જોઈને રંગ બદલવામાં માને છે. પૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશમાં ઇમરજન્સી જાહેર કરી જનસંઘ અને આરએસએસના અનેક કાર્યકર્તાઓને જેલમાં મોકલવા માંડયા હતા ત્યારે બાલ ઠાકરેએ ઇન્દિરા ગાંધીની પ્રશસ્તિ કરી હતી. સમય જોઈને રંગ બદલવામાં નિષ્ણાત ઠાકરે પરિવાર પહેલાં નરેન્દ્ર મોદીને ગાળો દેતું હતું અને હવે પ્રશસ્તિગાન ગાવું પડે તેવી સ્થિતિ છે.

એ જે હોય તે, સંકુચિત માનસ ધરાવતા દેશના પ્રાદેશિક નેતાઓ એક વાત સમજી લે કે, દેશની રાજનીતિમાં આમૂલ પરિવર્તન આવી રહ્યું છે.

હિંદુવાદ, મુસ્લિમવાદ, મરાઠાવાદ, દલિતવાદ, ચૌધરીવાદ, પ્રાંતવાદની રાજનીતિની વિદાય !