જનીતિ આમ તો શુષ્ક વિષય છે પરંતુ તેમાં પ્રણય ભળે તો પાનખરમાં વસંત ખીલી ઊઠી હોય એવું લાગે છે. મધ્યપ્રદેશના રઘુગઢના પૂર્વ જાગીરદાર દિગ્વિજયસિંહ ૬૭ વર્ષની વયના છે પરંતુ તેમનાથી ૨૫ વર્ષ નાની ટીવી એન્કર અમૃતા રાયની જુલ્ફોમાં ઉલઝી ગયા અને સોશિયલ મીડિયામાં ઘમાસાણ મચી ગચું. પાછલા દિવસોમાં તેઓ નરેન્દ્ર મોદીના લગ્ન સંબંધે આકરી ટીકાઓ કરતા હતા પરંતુ તેઓ ભૂલી ગયા કે તેઓ ખુદ કાચના ઘરમાં રહે છે. અમૃતા રાય સાથેના સંબંધો જાહેર થઈ જતાં મોદીના લગ્નજીવન વિશે બકવાશ કરતાં દિગ્ગીરાજા અચાનક જ મૌન થઈ ગયાં.

રૂબીના શું કહે છે ?

દિગ્વિજયસિંહ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેમને પાંચ સંતાનો છે. જે બધાં જ પરણેલા છે. દિગ્વિજયસિંહના પત્ની આશાનું ગયા વર્ષે જ કેન્સરની બીમારીના કારણે અવસાન થયેલું છે. અમૃતા રાય રાજ્યસભાનાં ટીવી એન્કર છે અને એક મુલાકાત બાદ બેઉએ એક બીજાના કાર્ડની આપલે કરી હતી. દિગ્વિજયસિંહના ભાઈ લક્ષ્મણસિંહના પત્ની રૂબીના શર્મા કહે છે : ”અમે અમારા પરિવારમાં અમૃતાને આવકારીએ છીએ પરંતુ લક્ષ્મણ સાથે મારા લગ્ન થવાના હતા તે વખતે દિગ્વિજયસિંહે જ અમારા લગ્નનો વિરોધ કર્યો હતો કારણ કે હું મારા થનાર પતિથી નાની હતી. હવે તેઓ અમારા માટે શું કહેવા માંગે છે ? હું આજ સુધી એ બધાના મહેણાં સાંભળતી રહી છું. દિગ્વિજયસિંહને પણ દીકરીઓ છે અને દિગ્વિજયસિંહની દીકરીઓ તેમની નવી પત્ની અમૃતા કરતાં મોટી છે.”

દિગ્વિજયસિંહની પ્રેયસી અમૃતા રાયના પતિ આનંદ પ્રધાન ટેલિવિઝન પર ચર્ચા માટે આવતી મશહુર હસ્તી છે. પ્રેમ કરવાનો દિગ્ગીબાબુને અધિકાર છે. પરંતુ કોઈની પત્નીને પ્રેમપાશમાં જકડવી તેને શું કહેવાય ?

એન.ટી. રામારાવ ને લક્ષ્મી

બુઢાપામાં પ્રણય પાશમાં ફસાનાર દિગ્વિજયસિંહ એકલા નથી. તેલુગૂ દેશમ્ પાર્ટીના સંસ્થાપક અને લેજન્ડરી એક્ટર એન.ટી. રામારાવ પણ પાછલી વયમાં- ૭૦ વર્ષની ઉંમરે તેમનાથી ૩૦ વર્ષ નાની લક્ષ્મી પાર્વતી નામની મહિલાના પ્રેમમાં પડી ગયા હતા. લક્ષ્મી પાર્વતી એક પ્રોફેસરની પત્ની હતી અને એન.ટી. રામારાવનું જીવન ચરિત્ર્ય લખવાના મામલે એન.ટી. રામારાવને મળી હતી. તે બે સંતાનોની માતા પણ હતી પરંતુ રામારાવના ઈશ્કના જુનૂનથી પ્રભાવિત લક્ષ્મી પાર્વતીએ પતિથી છૂટાછેડા લેવા પડયા અને તેણે એન.ટી.રામારાવ સાથે લગ્ન કરી લીધું હતું. આ લગ્નના કારણે આંધ્રની રાજનીતિમાં ભારે ઊહાપોહ થયો હતો અને રામારાવ તેલુગૂ જનતામાં બેહદ લોકપ્રિય છતાં પ્રજાને તેમનો આ પ્રેમકાંડ પસંદ આવ્યો નહોતો. તેમના જમાઈ ચંદ્રાબાબુ નાયડુએ રામારાવ વિરુદ્ધ બગાવત કરી દીધી હતી અને રામારાવે આંધ્રનું મુખ્યમંત્રીપદ અને પક્ષનું પ્રમુખપદ- બેઉ ગુમાવવા પડયા હતા. લક્ષ્મીપાર્વતી આજે પણ હૈદરાબાદમાં ગુમનામ જીવન વ્યતિત કરી રહ્યા છે.

કરુણાનિધિ ને દયાલુ

ડીએમકેના સર્વોચ્ચ નેતા એન.કરુણાનિધિ પણ પ્રયણજાળમાં ફસાયા હતા. તેમની બે પત્ની તો પહેલાથી જ મોજૂદ હતી તેમ છતાં પણ ૫૭ વર્ષની વયે તેઓ ૩૫ વર્ષની વયની દયાલુ અમ્મા નામની મહિલાના પ્રેમમાં પડી ગયા હતા અને દયાલુ સાથે પ્રેમલગ્ન કરી તમિલ રાજનીતિમાં તોફાન ઊભું કરી દીધું હતું. કરુણાનિધિથી દયાલુ અમ્માને જે પુત્રી થઈ તેનું નામ કનીમોઝી, જે ૨જી સ્પેક્ટ્રમ ગોટાળામાં જેલ પણ જઈ આવી છે. કરુણાનિધિની બાકીની પત્નીઓથી થયેલા પુત્રો સ્ટાલિન અને અલાગીરી પણ પિતાની રાજકીય વિરાસત માટે એકબીજા સામે તલવારો ખેંચી રહ્યા છે.

નારાયણદત્ત તિવારી

વયોવૃદ્ધ કોંગ્રેસી નેતા નારાયણદત્ત તિવારી તો શરૂઆતથી જ ગોપીઓથી ઘેરાયેલા રહેતા. કનૈયા જેવા રહ્યા છે. એમની તો એક ડઝન જેટલી પ્રેમકથાઓ છે. ૧૯૭૮માં હરિયાણાના એક મંત્રીની વિવાહિત પુત્રીની નજરના તેઓ શિકાર બન્યા. તેનું નામ ઉજવલા શર્મા હતું. તેનો પતિ એક બિહારી હતો પરંતુ તિવારીજી અને તેમની પ્રેમિકા બધી જ સામાજિક મર્યાદાઓનો ભંગ કરી મોજમસ્તી કરતાં રહ્યાં. આ સંબંધોના કારણે તિવારીજી એક બાળક રોહિત શેખરના પિતા પણ બની ગયા પરંતુ તેમણે તેમના ‘લવ ચાઈલ્ડ’ને પિતા-પુત્રનો કાનૂની દરજ્જો આપવા ઈન્કાર કર્યો. નારાયણદત્ત તિવારી ઉત્તરાખંડના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમના તેમની પ્રેમિકા ઉજવલ શર્મા સાથેના સંબંધો બગડયા અને ઉજવલા માટે મુખ્યમંત્રીનિવાસના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા. તેમનો ગેરકાનૂની પુત્ર રોહિત શેખર ૨૮ વર્ષનો થયો ત્યારે તે તેના ૮૯ વર્ષના બાયોલોજિક પિતા તિવારીજીને કોર્ટમાં ઘસડી ગયો. તિવારીજીનો ડીએનએ ટેસ્ટ લેવાયો અને તે પછી ૮૪ વર્ષની વયે ઉજવલા શર્માને પત્ની અને રોહિત શેખરને પુત્રનો કાનૂની દરજ્જો આપવો પડયો. આ ઉંમરે ઉજવલા શર્માને સામાજિક દરજ્જો આપવા માટે તિવારીજીએ ઉજવલા શર્મા સાથે વિધિસરના લગ્ન પણ કરી લીધાં.

ચંદ્રમોહન- અનુરાધા

હરિયાણાના તાકાતવર નેતા ચૌધરી ભજનલાલના મોટા પુત્ર ચંદ્રમોહને પોતાનાથી ૨૦ વર્ષ નાની અનુરાધા બાલીને પ્રેમપાશમાં જકડી લીધી હતી. આ વખતે ચંદ્રમોહનની પત્ની અને તેના ચાર સંતાનો મોજૂદ હતાં. એ વખતે ચંદ્રમોહન હરિયાણાના નાયબ મુખ્યમંત્રી પણ હતા. તેમની પ્રેમિકા અનુરાધા તેમના રાજ્યની સહાયક એડવોેકેટ જનરલના પદ પર નિયુક્ત હતી. પ્રેમમાં આંધળા બની ગયેલા ચંદ્રમોહને પ્રેમિકા સાથે લગ્ન કરવા ધર્મપરિવર્તન કર્યું અને તેઓ ચાંદ મોહમ્મદ બની ગયા. તેમની પ્રેમિકા અનુરાધામાંથી ફિજાં બની ગઈ. આ લગ્નના કારણે ચંદ્રમોહને ઉપમુખ્યમંત્રીપદ ગુમાવ્યું. અનુરાધા બાલીએ સરકાર દ્વારા થયેલી નિયુક્તિ ગુમાવી. કહેવાય છે કે ચૌધરી ભજનલાલે શામ, દામ, દંડ અને ભેદની પ્રયુક્તિનો સહારો લઈ ચંદ્રમોહન ઉર્ફે ચાંદ મોહંમદને અનુરાધા ઉર્ફે ફિજાંથી તલાક લેવરાવ્યા. તેના કેટલાક સમય બાદ અનુરાધા બાલીનું રહસ્યમય મોત નીપજ્યું અને ચાંદ મોહમ્મદ ફરી તેમની અસલ પત્ની પાસે જતા રહ્યા.

પ્રફુલ્લ મોહંતા

આસામના પૂર્વ મુખ્યમંત્રી અને આસામ ગણ પરિષદના પ્રમુખ પ્રફુલ્લ મોહંતા પણ ૫૩ વર્ષની વયે તેમનાથી ૨૫ વર્ષ નાની જોરહાટની એક અધ્યાપક યુવતીના પ્રેમમાં પડી ગયા અને તેની સાથે કોલકાતામાં ગુપ્ત રીતે લગ્ન કરી લીધા. આ સમાચાર અખબારોમાં પ્રગટ થતાં હંગામો થયો. પ્રફુલ્લ મોહંતાની પત્ની જયશ્રીએ તોફાન મચાવી દીધું. દિવસો સુધી મોહંતા પરિવારની ભીતર ચાલેલા સંઘર્ષે અખબારોને રસપ્રદ મસાલો પૂરો પાડયો.

મદરેણા- ભંવરીદેવી

રાજસ્થાનના પૂર્વ મંત્રી મહિપાલ મદરેણા અને ભંવરીદેવીની પ્રણયકથા એક થ્રીલર જેવી છે. ભંવરીદેવી સાથેના તેમના પ્રેમપ્રકરણના કારણે તેમણે મંત્રીપદ તો ગુમાવ્યું પરંતુ જેલની હવા ખાવી પડી. ભંવરીદેવી તેમને બ્લેક મેલ કરતી હોવાની કથાઓ પણ પ્રગટ થતી રહી અને એક દિવસ ભંવરીદેવી ગૂમ થઈ ગઈ. કેનાલમાંથી તેના અવશેષો જ મળ્યા. ભંવરીદેવીની કોઈએ રહસ્યમય હત્યા કરી નાંખી હતી.

મુલાયમ-સાધના

પાછલી ઉંમરમાં કોઈને દિલ દઈ દેવાવાળા નેતા એક માત્ર દિગ્ગીરાજા જ નથી. સામ્યવાદીપક્ષના પૂર્વ નેતા ઈન્દ્રજીત ગુપ્તા યુવાનીમાં સુરૈયા નામની યુવતીને પ્રેમ કરતા હતા પરંતુ સુરૈયા સાથે તેમણે છેક ૬૦માં વર્ષે લગ્ન કર્યું. યુવાનીમાં તેઓ સુરૈયાને પ્રપોઝ કરી શક્યા નહીં અને ૪૦ વર્ષ બાદ જ તેમનામાં હિંમત આવી. ૬૦માં વર્ષે લગ્ન કર્યા. ગાંધી પરિવારના વિશ્વાસુ આર.કે.ધવન ૭૪ વર્ષની વય સુધી કુંવારા રહ્યા અને ૭૪માં વર્ષે તેમનાથી ૧૫ વર્ષ નાની અચલા સાથે તેમણે લગ્ન કર્યા. સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમસિંહ યાદવ માલતીદેવી સાથે પરણેલા હતા. ૨૦૦૩માં માલતીદેવીનું અવસાન થયા બાદ ૭૪ વર્ષના મુલાયમસિંહ યાદવે તેમની પ્રેમિકા સાધના યાદવ સાથે લગ્ન કરી લીધું. આ લગ્નના પાંચ વર્ષ સુધી કોઈને મુલાયમ- સાધનાના લગ્નની ખબર જ નહોતી. સમાજવાદી પૂર્વ નેતા ડો. રામમનોહર લોહિયાની અનેક સ્ત્રી મિત્રો હતી પરંતુ લોહિયાજી આખી જિંદગી અવિવાહિત જ રહ્યા. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહના પાકિસ્તાની બહુ ર્ચિચત પત્રકાર આરુષી આલમ સાથેના સંબંધોની માદક હવા પણ અખબારોને મંદ મંદ ખુશ્બુ બક્ષતી રહી છે. પંજાબના પૂર્વ રાજા ભૂપેન્દ્રસિંહને ૩૬૬ રાણીઓ હતી.

બોલો, છે ને મજા !
 
– દેવેન્દ્ર પટેલ