૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓનાં પરિણામો ખુદ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એમ બેઉ પક્ષો માટે આશ્ચર્યજનક છે. ભાજપ માટે એટલે કે તેણે પોતે પણ વિચાર્યું નહોતું કે પક્ષને સ્પષ્ટ બહુમતી કરતાં પણ બેઠકો મળશે. ૩૦ વર્ષ બાદ દેશની લોકસભાના ઇતિહાસમાં કોઈ એક જ પાર્ટીને આટલી સ્પષ્ટ બહુમતી મળી હોય તો તે પહેલી વાર બન્યું છે. એ સારું થયું કે હવે ગઠબંધનની મજબૂરીમાંથી ભાજપ બહાર આવી શકશે. ભાજપના નેતૃત્વવાળી એનડીએની સરકાર પાસે હવે સ્પષ્ટ બહુમતી છે તેથી દેશનાં વિકાસનાં જે કામો કરવાં હશે તે નિર્ણયો સરકાર લઈ શકશે. પ્રજાને અપાયેલાં વચનો પૂરાં નહીં કરવા માટે ભાજપ-એનડીએ કોઈ બહાનું કાઢી શકશે નહીં.વર્ષો પહેલાં એક નવલકથા લખાઈ હતી. ‘Great expectations’અર્થાત્ દેશની પ્રજાએ હવે ખોબલે ખોબલે નરેન્દ્ર મોદીના નામે જ મત આપ્યા છે તો લોકોની અપેક્ષાઓ પણ પારાવાર છે. આ સમસ્યાઓ પણ એટલી જ છે જેટલી એની વસ્તી છે, જેટલાં એનાં ગામો છે, જેટલાં એનાં નગરો અને ઉપનગરો છે.

જેટલી એની સરહદો અને જેટલો એનો દરિયાકિનારો છે. દેશની ૪૦ કરોડની વસ્તી હજુ ગરીબીરેખાની નીચે જીવે છે. બિહાર અને ઝારખંડ જેવા વિસ્તારોમાં કેટલાંક અંતરિયાળ વિસ્તારો એવા છે કે જ્યાં લોકો કીડી-મંકોડા જેવાં જીવજંતુ ખાઈને જીવે છે. દેશનાં લાખો ગામોમાં વીજળી નથી. સ્કૂલો નથી. દવાખાનાં નથી. સ્કૂલો છે તો ટોઇલેટ્સ નથી. ટોઇલેટ ન હોવાને કારણે વિદ્યાર્થીઓ પારાવાર પીડા ભોગવે છે. દેશનાં કેટલાંક મોટાં શહેરોમાં ૬૦૦૦ લોકોની વસ્તીવાળી ઝૂંપડપટ્ટીઓમાં ૬૦ શૌચાલયો છે અને સવારે લાંબી કતારો હોઈ કેટલીક યુવતીઓ રાતના ભોજનનો ત્યાગ કરે છે, તેથી સવારે કતારમાં ઊભા રહી કલાકો સુધી ઈન્તઝાર કરવો ન પડે. એશિયાની મોટામાં મોટી ઝૂંપડપટ્ટી ધારાવી મુંબઈમાં છે. અહીં સેંકડો શ્રમજીવીઓ, સેંકડો કારીગરો, સેંકડો વેપારીઓ, સેંકડો રૂપજીવિનીઓ, સેંકડો બાર ગર્લ્સ, સેંકડો અશિક્ષિત બાળકો, સેંકડો અસામાજિક તત્ત્વો રહે છે. આખોયે વિસ્તાર નર્કાગાર જેવો છે. વિદેશી ફિલ્મમેકર્સે આ વિસ્તારમાં રહેતાં લોકોને સ્લમડોગ્સ એવું અપમાનજનક નામ આપેલું છે. એવી કેટલીયે ઝૂંપડપટ્ટીઓ આખા દેશનાં તમામ નગરો અને ઉપનગરોમાં છે એ બધાને જીવતાં નર્કાગારમાંથી બહાર કાઢવાની જરૂર છે. ‘સ્લમ્સ’ એ ગુનેગારો પેદા કરવાનું ઉદ્ગમસ્થાન ન બની જાય તે જોવાનું છે.

નરેન્દ્ર મોદીએ ગુજરાતનું સુકાન સંભાળ્યું તે પછી ગુજરાતને તો ચોવીસ કલાક વીજળી મળી, પરંતુ દેશના પાટનગર દિલ્હીમાં દિવસમાં અનેક વાર વીજળી જતી રહે છે. દરેક દુકાનદારે જનરેટર રાખવું પડે છે. મુંબઈ, પૂના કે બેંગલુરુ જેવાં શહેરોને બાદ કરતાં દેશનાં સેંકડો નગરો અને મહાનગરોમાં પણ એ જ પરિસ્થિતિ છે. જ્યાં વીજળી છે ત્યાં મોંઘા ભાવે અપાય છે. લોકોનું કલ્યાણ કરવું જ હોય અને દેશમાંથી અંધકાર દૂર કરવો જ હોય તો મોદી સરકારે દેશ આખા દેશને ૩૬૫ દિવસ ૨૪ કલાક વીજળી આપીને રાષ્ટ્રને ઝળહળતું કરવું પડશે. ઘરવપરાશના વીજળી દર રૂ.૩ પ્રતિ યુનિટ અને કોર્મિશયલ વપરાશકારોને રૂ. ૫ પ્રતિ યુનિટથી વધુ વીજદર પોસાય તેમ નથી.

આઝાદીના સાડા છ દાયકા બાદ પણ દેશનાં હજારો ગામડાંઓમાં પીવાનું સ્વચ્છ પાણી ઉપલબ્ધ નથી. દિલ્હીમાં તો પાણી વેચવાનો ધંધો કરતા માફિયાઓનું રાજ ચાલે છે. પાણીનું ટેન્કર આવે તો મહિલાઓ વચ્ચે રોજ સંઘર્ષ થાય છે. દેશની તમામ નદીઓ પ્રદૂષિત છે. પીવાના પાણીની તંગીની સાથે સાથે દેશના કિસાનો પણ સિંચાઈના પાણી માટે વલખાં મારે છે. ખેડૂતો બેહાલ છે. કૃષિ વીજ જોડાણ મારે લાખ્ખો ખેડૂતો વર્ષોથી ઈન્તઝાર કરી રહ્યા છે. પોષણક્ષમ ભાવો ન મળવાને કારણે અને દેવાને કારણે દર વર્ષે સેંકડો ખેડૂતો દેશમાં આપઘાત કરી રહ્યા છે. ભારત દેશ કહેવાય છે કૃષિપ્રધાન પણ લોકસભામાં બેસતા મોટાભાગના સાંસદો ઔદ્યોગિક ગૃહોનું જ પ્રતિનિધિત્વ કરતા આવ્યા છે. દેશમાં ખેડૂતોની સરકાર બને તેનો ઈન્તઝાર છે.

નરેન્દ્ર મોદી ઉત્તરપ્રદેશ અને બિહારમાં પ્રવચન કરતા હતા ત્યારે હજારો લોકો ‘મોદી-મોદી’ એવી ગર્જના કરતા હતા. યાદ રહે કે એ હજારો યુવાનોને નોકરી-ધંધો જોઈએ. વિશાળ સભામાં મોદીના નામના પોકારો કરતાં યુવાનો પૈકી મોટા ભાગના બેરોજગાર હતા. એ બધાને મોદીમાં એક ‘મસીહા’નાં દર્શન થયાં છે. એ બધાને એવો વિશ્વાસ છે કે મોદી આવશે એટલે યુપી-બિહારમાં નવાં કારખાનાં સ્થપાશે અને તેમને નોકરી મળશે. કમાવા માટે મુંબઈ જવું નહીં પડે અને રાજ ઠાકરેની ગાળો ખાવી નહીં પડે. યુપી, બિહાર, ઝારખંડ, રાજસ્થાન અને ઉત્તરાખંડ જેવા વિસ્તારોમાં નવા ઉદ્યોગો સ્થપાય તો જ એ યુવાનોને રોજી મળશે અને એ રાજ્યોને પણ ગુજરાતની જેમ વિકાસ મોડલ આપી એમને વાઇબ્રન્ટ બનાવવાં પડશે.

ગુજરાત સિવાયનાં રાજ્યોમાં પાકી સડકો નથી. સારા રસ્તા ન હોવાને કારણે લોકો ત્રાહિમામ્ પોકારી ગયા છે. દેશને માત્ર વર્લ્ડ ક્લાસ રસ્તા જ નહીં, પરંતુ આરામદાયક સ્પીડ ટ્રેન્સની પણ જરૂર છે. દેશમાં સારી સરકારી હોસ્પિટલ્સ નથી. આખા દેશના તમામ વર્ગોને વર્લ્ડ ક્લાસ તબીબી સેવાઓ મળવી જોઈએ અને ગરીબોને તો મફત. આજે દૂર દૂરના વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્યનાં કેન્દ્રો જ નથી અને છે તો ડોક્ટર જ નથી. ડોક્ટર છે તો દવાઓ નથી. સમગ્ર દેશને શ્રેષ્ઠ તબીબી સેવાઓથી સજ્જ કરવો પડશે.

ભારતમાં હાલ જે કર પદ્ધતિ છે તે જટિલ અને અટપટી છે. વિવિધ રાજ્યો વચ્ચે એકસૂત્રતા નથી. આવકવેરા ખાતાની તથા બીજાં ખાતાંઓ તરફથી ઉઘરાવવામાં આવતા કરની પદ્ધતિ જરીપુરાણી છે. દેશમાં ટેક્સ માળખું સુધારવું હોય તો સિંગલ ટેક્સ સિસ્ટમ દાખલ કરવી જોઈએ અને હિસાબી ચોપડા જ રાખવા ન પડે તે માટે ટેક્સ એટ સોર્સ અથવા તો ટર્નઓવર ટેક્સ દ્વારા આ પદ્ધતિ સરળ બનાવી શકાય તેમ છે. હાલની કર પદ્ધતિથી વેપાર ધંધાવાળા ત્રાહિમામ્ છે. આવકવેરા ખાતાની દરોડા પાડવાની પદ્ધતિ પણ અત્યંત ખરાબ છે. જેમના ઘરે દરોડા પાડયા હોય તેમને નજરકેદ કર્યા હોય તેવી પદ્ધતિ જંગલિયાતભરી લાગે છે. અમેરિકા કે યુરોપમાં પણ ભારે કરવેરા છે પણ આવી ત્રાસ આપતી દરોડા પદ્ધતિ નથી. વેપાર-ધંધાવાળા લોકો પ્રામાણિકતાથી પૂરો કર ભરે તેવી સરળ અને નક્કર પદ્ધતિ આપવી પડશે.ભ્રષ્ટાચાર અને મોંઘવારી આ દેશના મૂળભૂત અને વણઉકેલ્યા પ્રશ્નો છે. સરકારી કામકાજના તમામ તબક્કે  ભ્રષ્ટાચાર છે. રેશનકાર્ડ કે આરટીઓનું લાઇસન્સ લેવાથી માંડીને ઉચ્ચ કક્ષા સુધી વ્યાપક ભ્રષ્ટાચાર છે. યુપીએ સરકાર કોમનવેલ્થ કૌભાંડ અને ટુજી સ્પેક્ટ્રમ જેવા ગોટાળાને કારણે જ ગઈ છે. દેશના રાજકારણીઓ સાથેની સાંઠગાંઠને કારણે ઔદ્યોગિક ગૃહો દેશની સંપદાને લૂંટી રહ્યાં છે. આ સાંઠગાંઠ ખતમ કરવી પડશે. મોંઘવારી ઘટાડવા દેશના અર્થતંત્રમાં નાણાકીય શિસ્ત લાવવી પડશે. સરકારે પોતે જ પોતાના બેફામ ખર્ચ બંધ કરી સરકારી તિજોરીને ખાલી થતી અટકાવવી પડશે. એ માટે કઠોર કદમ ઉઠાવવાં પડશે. નરેન્દ્ર મોદી એક કર્મઠ રાજનીતિજ્ઞા છે. એક્શન ઓરિએન્ટેડ લીડર છે અને તેઓ કઠોર કદમ ઉઠાવવા સક્ષમ છે. યાદ રહે કે તેમની પાસે લોકોની અપેક્ષાઓ અસાધારણ છે. નરેન્દ્ર મોદી હવે દેશમાં સત્તાના સર્વોચ્ચ સિંહાસન પર બિરાજ્યા છે ત્યારે બચપણમાં તેમણે ભોગવેલી તકલીફોને યાદ કરી બીજા લાખ્ખો ‘બાલ નરેન્દ્ર’ને પૌષ્ટિક ખોરાક મળી રહે, બાળમજૂરી કરવી ન પડે, શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે અને રોજી મળી રહે તે માટે જબરદસ્ત યોજનાઓ તૈયાર કરી તેનો અમલ શરૂ કરવો પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધારે તો તે કરી શકે તેમ છે.

www. devendrapatel.in