ગુજરાતના એક ઐતિહાસિક ગામ વડનગરના સામાન્ય પરિવારમાં જન્મેલો, બચપણમાં જ ગૃહત્યાગ કરી હિમાલયમાં ભ્રમણ કરવા જતો રહેલો, રેલવે સ્ટેશન પર ચાય વેચતો, યુવાનીમાં ભીક્ષા માગીને જમતો, સંઘના મેડા પર સૂઈ જતો, વડીલોનાં વસ્ત્રો ધોઈ નાંખતો અને ફાનસ યુગમાં એસટીબસમાં બેસી ગામોગામ હિન્દુત્વ અને રાષ્ટ્રવાદના પ્રચારક તરીકે ફરતો માણસ એક દિવસ ભારતવર્ષનો ચક્રવર્તી બની જશે એની કલ્પના ભાગ્યે જ કોઈએ કરી હશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે યુવાન નરેન્દ્ર મોદીને પ્રચારકનું કામ સોંપ્યું અને ભારતીય જનતા પાર્ટીમાં મહામંત્રી બનાવ્યા ત્યારથી આજ સુધી નરેન્દ્ર મોદીએ કદીયે પાછું વળીને જોયું નથી. તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપને જીત અપાવી, ગુજરાતમાં ભાજપને જીત અપાવી, વનવાસ મળ્યો, ફરી ગુજરાતની ગાદી કબજે કરી, કોમી રમખાણો થયાં, દેશભરનાં અંગ્રેજી અખબારો અને રાષ્ટ્રીય ન્યૂઝ ચેનલોએ ડિક્શનરીમાં હતી તે તમામ ગાળો દીધી છતાં નરેન્દ્ર મોદી સ્થિતપ્રજ્ઞા રહ્યા. અર્જુનની જેમ તેમનું એક જ લક્ષ્ય હતું: પીએમ પદ અને એ મહત્ત્વાકાંક્ષા એમણે કદી છુપાવી નહીં.
એલ.કે. અડવાણી, મુરલી મનોહર જોષી, સુષમા સ્વરાજ, શિવરાજસિંહ ચૌહાણ, યશંવત સિંહા જેવાં પાર્ટીનાં અનેક દિગ્ગજોના અવરોધ છતાં મોદી એક પછી એક અભેદ્ય કિલ્લા સર કરતા ગયા અને
લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ નરેન્દ્ર મોદીએ દેશભરમાં વાવાઝોડું સર્જી દીધું.
વિશાળ ભારતવર્ષની પ્રજા સાથે સીધો સંવાદ સ્થાપવા નરેન્દ્ર મોદીએ ‘વન મેન આર્મી’ બનીને જુલિયસ સિઝરની જેમ એક પછી એક પ્રદેશોના રાજકીય મોરચા સર કરવા માંડયા. સિઝર રોમનો શાસક હતો અને વર્ષો સુધી રોમના સૈન્યના જનરલ તરીકે એક પછી એક રાજ્યો જીતતો તે છેક મિસર(ઈજિપ્ત) સુધી પહોંચી ગયો હતો. જુલિયસ સિઝર સેનાનો જનરલ પણ હતો, સેનેટર પણ હતો અને રાજનીતિજ્ઞા પણ હતો. તે શક્તિશાળી યોદ્ધો અને રાજનીતિના આટાપાટા જાણનાર ચાણક્ય પણ હતો. એ જે પ્રદેશ પર નજર કરતો તેને જીતી લેતો. નરેન્દ્ર મોદી જે દિવસે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા તે દિવસથી જ તેમની નજર ૭, રેસકોર્સ રોડ પર હતી. એ જગાએ પહોંચવા માટે તેમણે જે કરવું પડે તે બધું જ કર્યું. વિરોધીઓ પર આક્રમક પ્રહારો કરીને પ્રજાને તેમની વાણીથી મંત્રમુગ્ધ કરી દીધી. ટીકાકારોએ કહ્યું કે, મોદી વ્યક્તિગત પ્રહારો કરે છે, પરંતુ રાજનીતિ કહે છે. “He came, He saw and he conquered.” યુદ્ધમાં બધું જ યોગ્ય છે. જો જીતા વો હી સિકંદર. પ્રજા તમે કઈ રીતે જીત્યા તે જોતી નથી, તમે જીત્યા એટલું જ જુએ છે અને મોદી એ રોમન એરેનાના ભવ્ય સ્ટેડિયમમાં બેઠેલી હજારોની માનવમેદની સમક્ષ એક પછી એક દિગ્ગજોને પછાડનાર વિજેતા ‘ગ્લેડિએટર’ સાબિત થયા.
૨૦૧૪ની લોકસભાની ચૂંટણીના મહાયુદ્ધમાં ૪૭૭ રેલીઓ સંબોધી. રેલીઓ અને બીજા કાર્યક્રમો દ્વારા તેમણે ૫૮૦૦ લોકેશન્સ પર સંબોધન કર્યું. થોડા જ સમયમાં ત્રણ લાખ કિલોમીટરની હવાઈ સફર કરી. રોજ ૧૩ કલાક વિમાનમાં ઊડયા. થ્રીડી ટેક્નોલોજી દ્વારા સેંકડો લોકેશન્સ પર દેવતાની જેમ પ્રગટ થઇ હજારો લોકોને અભિભૂત કરી દીધા. ચાય પે ચર્ચા દ્વારા તેમણે દેશના સામાન્ય લોકોને પણ ‘મોદી અભિયાન’ માં જોડી દીધા. સોશિયલ મીડિયા, વોઈસ કોલ અને એસએમએસ દ્વારા કાશ્મીરથી કન્યાકુમારી સુધીના યુવાનોમાં તેઓ પ્રિય નેતા બની ગયા. તેમણે એવાં ક્ષેત્રોમાં પ્રચાર કર્યો જ્યાં ખુદ ભાજપ જ અગાઉ કદી ગયું નહોતું. રોજ સવારથી રાતના ૧૦ વાગ્યા સુધી વિમાનમાં જ રહ્યા અને રોજ ચારથી પાંચ રેલીઓ સંબોધિત કરતા રહ્યા. બપોરનું ભોજન પણ પ્લેનમાં જ લીધું. રાતના પાંચ કલાક જ આરામ કર્યો. દેશભરમાં લાખો ર્હોિંડગ્સ પર મોદીનો જ ચહેરો લોકો સમક્ષ દેખાતો રહ્યો.’અબ કી બાર મોદી સરકાર’ અને ‘અચ્છે દિન આને વાલે હૈ’ સૂત્ર કામિયાબ નીવડયું. ૫૦થી વધુ આઈટી નિષ્ણાતોનું તંત્ર કમ્પ્યુટર સ્ક્રીન પર દેશભરની પરિસ્થિતિ, પ્રતિસ્પર્ધીઓનાં પ્રવચનો અને તેમના આક્ષેપો પર બાજનજર રાખતું રહ્યું. મોદી જે વિસ્તારમાં પ્રવચન કરવાના હોય તે વિસ્તારની રાજનીતિ, સમસ્યાઓ અને પ્રજાની સંવેદનાઓથી નિષ્ણાતો મોદીને વાકેફ રાખતા રહ્યા. વિરોધીએ કોઈ સભામાં કોઈ પ્રહાર કર્યા હોય તો તેની નોંધ અને વળતો જવાબ ૧૦ જ મિનિટમાં મોદી આપી શકે તેવી સજ્જતા અને આઈટી નેટવર્ક તેમને સહાયભૂત થતાં રહ્યાં. દા.ત. એક સભામાં કોંગ્રેસના નેતાઓ દ્વારા મોદી પર ઝેરની ખેતી કરતા નેતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. આ આક્ષેપની થોડી જ પળો બાદ મોદીએ વળતો પ્રહાર કર્યાે. “તમે જ (રાહુલ ગાંધીએ) કહ્યું હતું કે સત્તા ઝેર છે. પાછલાં ૬૦ વર્ષથી ઝેરની ખેતી કોણ કરી રહ્યું છે?”
મોદી પર જેટલા પ્રહારો થયા તેનો લાભ મોદીએ ચાલાકીપૂર્વક ઉઠાવી લીધો. દા.ત. કોંગ્રેસના નેતા મણિશંકર અય્યરે કોંગ્રેસના અધિવેશન દરમિયાન કહ્યું કે, “મોદી અહીં આવીને ચાયની હોટેલ ચાલુ કરી શકે છે અમે તેમને જગા આપીશું.” કોંગ્રેસના નેતાને આ મૂર્ખામીભર્યા અને નિમ્નકક્ષાના આરોપના વળતા પ્રહાર તરીકે મોદીએ ‘ચાય પે ચર્ચા’નો કાર્યક્રમ ગોઠવી આખા દેશના ચાયવાળાઓના મત અંકે કરી લીધા. પ્રિયંકા ગાંધીએ મોદીની રાજનીતિ માટે ‘નીચ રાજનીતિ’ શબ્દપ્રયોગ કર્યો. મોદીએ ચાલાકીપૂર્વક પોતાની જાતને નીચલી જ્ઞાાતિનાં કહી પ્રિયંકા દેશની નીચલી જ્ઞાાતિઓ પ્રત્યે સૂગ ધરાવે છે તેવું અર્થઘટન કરી દેશના પછાત વર્ગોનું દિલ જીતી લીધું. યુપી અને બિહારની પછાત જાતિઓને લાગ્યું કે, ‘આ આપણો જ માણસ છે.’ પછાત જાતિનાં સમીકરણો મોદીતરફી થઈ ગયાં અને માયાવતી તથા મુલાયમનાં પછાત જાતિનાં સમીકરણો ઊંધાં પડયાં.
મોદીએ પોતાની ચૂંટણી ઝુંબેશ દરમિયાન ‘ગુજરાત મોડલ’નું જબરદસ્ત માર્કેટિંગ કર્યું. ગુજરાતનાં તમામ ગામોને અને શહેરોને ચોવીસ કલાક વીજળી મળે છે. અહીં કોઈ ભય નથી, કોઈ કોમી તોફાનો થતાં નથી કે કોઈ કરફ્યુ પડતો નથી એ વાતની જબરદસ્ત અસર બીજા પ્રદેશોની પ્રજા પર પડી. બિહાર અને યુપીને ગુજરાત બનાવી દેવાશે અને ગંગાને સાબરમતી જેવી સ્વચ્છ બનાવી દેવાની વાતનો જબરદસ્ત પ્રભાવ પડયો. મોદીની આ જબરદસ્ત સુનામીમાં બિહારના નીતીશકુમાર, યુપીના મુલાયમસિંહ, અખિલેશ યાદવ, માયાવતી, એનસીપીના શરદ પવાર, કોંગ્રેસનાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલની રાજકીય મહત્ત્વાકાંક્ષાઓ પર પાણી ફરી વળ્યું. એનડીએને પૂર્ણ બહુમતી નહીં મળે તો અમે વડાપ્રધાન બનીશું એવી છૂપી મહત્ત્વાકાંક્ષા રાખનાર રાજનાથસિંહ, એલ.કે.અડવાણી, સુષમા સ્વરાજ, નીતિન ગડકરી અને શિવરાજસિંહ ચૌહાણ જેવાં ડાર્ક હોર્સની રાજકીય મહત્ત્વાકાંક્ષાની નૈયા ડૂબી ગઈ.
ભારતીય જનતા પાર્ટી ધોતિયાવાળા વૃદ્ધ નેતાઓના નેતૃત્વ હેઠળ સમેટાઈ રહી હતી ત્યારે નરેન્દ્ર મોદીના આકર્ષક વ્યક્તિત્વ, વેશભૂષા, વાણી, વર્તન અને આક્રમકતાએ ભાજપને ટોચની પાર્ટી બનાવી દીધી છે. મોદીએ ધોતિયાબ્રાન્ડ નેતાઓના પરંપરાગત રાજકારણને બદલે ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કર્યો. વક્તૃત્વ શૈલીમાં મોદીએ દેશના તમામ નેતાઓને પાછળ પાડી દીધા. આકર્ષક વ્યક્તિત્વની છટા દ્વારા મોદીએ દેશના તમામ અભિનેતાઓને ઝાંખા પાડી દીધા.
હિન્દુત્વના વિકાસના અને ભષ્ટાચારમુક્ત ભારતના તેમના એજન્ડાનો અલગ અલગ જગાએ અલગ અલગ રીતે પ્રચાર કર્યો. વારાણસીમાંથી ઉમેદવારી કરીને હિન્દુત્વનું પ્રવચન આપ્યા વિના જ તેઓ પ્રખર હિન્દુત્વવાદી છે તેવો છૂપો સંદેશ આખા યુપી, બિહારને અને દેશને આપ્યો. યુપી, બિહાર, ઝારખંડથી માંડીને કાશ્મીરથી કન્યાકુમારી સુધીના દુર્ગમ વિસ્તારોમાં રસ્તા, વીજળી,પાણી અને રોજગારી આપવાની વાતથી યુવાનોને પ્રભાવિત કર્યા. મજબૂત અર્થતંત્ર આપવાની વાત દ્વારા તેમણે બુદ્ધિજીવી વર્ગ,વેપાર-ઉદ્યોગ અને કોર્પોરેટ વર્લ્ડ સાથે સંકળાયેલા સહુ કોઈમાં ઊંડો વિશ્વાસ જગાવ્યો. હવે કામ કરતી અને નિર્ણયો લેતી સરકાર આવશે એવી હૈયાધારણથી દિલ્હીના બ્યૂરોક્રેટ્સને પણ લાગવા માંડયું. સરહદોને સખત અને સલામત બનાવવામાં આવશે તેવી મજબૂત ખાતરી લશ્કરને પણ પ્રાપ્ત થઈ. સમાજનો કોઈ એવો વર્ગ નહોતો કે જેને મોદી માટે પ્રીતિ થઈ ન હોય. મુસ્લિમોના પણ યુવાનો હવે મોદી માટે નવેસરથી પોઝિટિવ વિચારતા થયા એ નોંધપાત્ર પરિવર્તન છે.
મોદીના આ મહાવિજયમાં નોંધપાત્ર ભૂમિકા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પણ રહી. એલ.કે. અડવાણીના અનેક ધમપછાડા છતાં સંઘના નેતાઓએ મોદીના જ હાથમાં ભાજપની અસલ કમાન સોંપી અને મોદીને જ ભાવિ વડાપ્રધાન તરીકે પ્રોજેક્ટ કરવા આદેશ આપ્યો. ચૂંટણી દરમિયાન સંઘે તેના લાખો કાર્યકરોને ભાજપને વિજયી બનાવવા સક્રિય કર્યા. એકમાત્ર ઉત્તર પ્રદેશમાં જ સંઘના ૮૦ હજાર સ્વયંસેવકોને કામે લગાડયા. દરેક બૂથ પર સંઘના ૧૦ સ્વયંસેવકોને ફરજ સોંપવામાં આવી. આટલું સૂક્ષ્મ માઈક્રો પ્લાનિંગ ભાગ્યે જ કોઈ પાર્ટીએ કર્યું હશે. પ્રચારમાં મોદી ‘વનમેન આર્મી’ હોવા છતાં તેમને લોજિસ્ટિક સપોર્ટ સંઘના હજારો કાર્યકરો, પક્ષના નાનામાં નાના અનેક કાર્યકરો, મેનેજમેન્ટ નિષ્ણાતો તથા આઈટી ટીમે પૂરો પાડયો. ૨૦૧૪ની ચૂંટણીના આ મહાયુદ્ધમાં મહાનાયક તરીકે મોદીને વિજયી બનાવવામાં તેમનો વ્યક્તિગત પરિશ્રમ એક સાધના અને ઉગ્ર તપ બની રહ્યો. એ તપના પરિણામે જ નરેન્દ્ર મોદી આજે ભારતના વડાપ્રધાન છે.

Comments are closed.