ઓઇલ કંપનીઓની ખોટ રૂ. ૧,૩૯,૮૬૯ કરોડ પર પહોંચી

કસભાની ચૂંટણીઓ સમાપ્ત થઈ. તમામ પક્ષોના નેતાઓ ચાર્ટર્ડ વિમાનો અને હેલિકોપ્ટર્સમાં ઊડતા રહ્યા. રાજકીય પક્ષોના કાર્યકરો પક્ષોએ ભાડે લીધેલી જીપો અને મોટરકારોમાં દોડતા રહ્યા. કરોડો રૂપિયાનું પેટ્રોલ-ડીઝલ વપરાયું અને સામાન્ય માનવી રૂ.૩૦ હજાર કરોડના ખર્ચવાળો આ તમાશો સ્તબ્ધ બનીને જોઈ જ રહ્યો. ગરીબ દેશની ‘લક્ઝુરિયસ ચૂંટણી’ લોકશાહી ટકાવવા કેટલી મોંઘી પડે છે તેનો આ નમૂનો છે. નેતાઓનાં વિમાનો અને હેલિકોપ્ટર્સનાં બળતણનું ખર્ચ તો દેશના કોર્પોરેટર જગતના બડાબડા ઉદ્યોગપતિઓએ ઉઠાવ્યું. હવે સામાન્ય માનવીએ કડવા ડોઝ માટે તૈયાર રહેવું પડશે. જેમની પાસે સ્કૂટર છે કે ઈકોનોમી કાર છે તેના પેટ્રોલ કે ડીઝલનો આકરો ભાવવધારો તોળાઈ રહ્યો છે.

બળતણના તેલનો ભાવવધારો આવવાનો છે તેનું કારણ રાજકીય અને આર્થિક એમ બેઉ છે. રાજકીય એટલા માટે કે જે ઉદ્યોગપતિઓએ નેતાઓની ચૂંટણી માટે ફંડ આપીને મૂડીરોકાણ કર્યું છે, તેઓ દેશની કુદરતી સંપદા લૂંટવા અને ભૂગર્ભમાંથી ક્રૂડ બહાર કાઢવાના દરમાં તોતિંગ વધારો મંજૂર કરવા થનગની રહ્યા છે. ફર્ટિલાઈઝર કંપનીઓને અપાતા ગેસના ભાવ તો વધારી દેવાયા છે તેથી ખેડૂતોએ મોંઘા ભાવનું ખાતર ખરીદવાની તૈયારી રાખવી પડશે.

એ જ રીતે બળતણના તેલનો ભાવવધારો આવવાનું બીજું કારણ આર્થિક પણ છે. તાજેતરમાં છેલ્લા કેટલાંક સમયથી ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવ વધ્યા હોવા છતાં યુપીએ સરકારે ચૂંટણીમાં તેને નુકસાન ન થાય તે હેતુથી દેશની ઓઇલ કંપનીઓને મૌખિક આદેશ આપીને પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસનો ભાવવધારો મતદાન સુધી રોકી રાખ્યો હતો. ચૂંટણી વખતે જ પેટ્રોલ – ડીઝલના ભાવ નહીં વધવા દઈને યુપીએ સરકારે પોપ્યુલિસ્ટ કદમ લીધાં હતાં, પરંતુ તેના લીધે ઓઈલ કંપનીઓ પર નુકસાનનો બોજ અકલ્પનીય રીતે વધ્યો છે. ડીઝલ, કેરોસીન અને એલપીજી આમેય ઉત્પાદન ખર્ચ કરતાં નીચા ભાવે વેચવાથી ઓઈલ કંપનીઓ અબજોની ખોટ કરે છે. આ નુકસાન સામાન્ય રીતે કેન્દ્ર સરકાર ઓઈલ કંપનીઓને સબસિડી આપીને ભરપાઈ કરી આપે છે. આની સીધી અસર દેશના અર્થતંત્રને થાય છે.

૨૦૧૩-૧૪ના વર્ષ દરમિયાન રૂ.૬૫,૦૦૦ કરોડની ફ્યુઅલ સબસિડી ફિક્સ કરવામાં આવી હતી. આ જ વર્ષમાં ડીઝલ, કેરોસીન અને એલપીજી પડતર કિંમત કરતાં નીચા ભાવે વેચવાને કારણે રૂ.૧,૩૯,૮૬૯ કરોડનું નુકસાન થયેલું છે. દેશની ત્રણ મુખ્ય જાહેર ક્ષેત્રની કંપનીઓ (૧) ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (૨) હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને (૩) ભારત પેટ્રોલિયમ દર વર્ષે ડોલરમાં વિદેશોમાંથી ક્રૂડ ઓઈલ ખરીદે છે તે બિલ અબજોમાં આવે છે. બહારથી આવતું ક્રૂડ આ કંપનીઓ રિફાઇન્ડ કરી વેચે છે, પરંતુ મુશ્કેલીઓ છે કે ડીઝલ, કેરોસીન અને રાંધણ ગેસ વેચવાના ભાવ પર કેન્દ્ર સરકારનો અંકુશ રહે છે. કોઈ વાર કેન્દ્ર સરકાર રાજકીય કારણોસર પેટ્રોલનો ભાવવધારો પણ રોકી રાખે છે. પરિણામે ૨૦૧૩-૧૪ના વર્ષમાં ઓઈલ કંપનીઓએ રૂ.૧,૩૯,૮૬૯ કરોડની ખોટ કરી છે. હવે નવી આવનારી સરકાર પાસે આ ઓઈલ કંપનીઓની ખોટ પૂરી કરવા બે જ વિકલ્પ છે. એક તો પેટ્રોલ-ડીઝલ વગેરેનો ભાવ વધારવા મંજૂરી આપવી અને બીજો વિકલ્પ છે સબસિડી વધારી આપવી, જેની શક્યતા ઘણી ઓછી છે. વિદાય લેતી સરકાર માટે નવી આવનારી સરકારના હાથમાં સળગતું લાકડું પકડાવી દેવા જેવી પરિસ્થિતિ ઊભી થશે એ નક્કી છે.

એ વાત જાણી લેવી જોઈએ કે દેશના કુલ વપરાશનું ૮૦ ટકા ક્રૂડ ઓઈલ બહારથી આયાત કરવામાં આવે છે. દેશમાં કુલ વપરાશનું ૨૦ ટકા ક્રૂડ જ ઉત્પાદન થાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધારા કે ઘટાડા પ્રમાણે જ ભારતની કંપનીઓ ખુલ્લા માર્કેટમાંથી ક્રૂડ ખરીદે છે. તેની સીધી અસર ડોમેસ્ટિક પ્રાઈસ પર થાય છે. એકમાત્ર પેટ્રોલ પર જ કેન્દ્ર સરકારે ઓઈલ કંપનીઓને ગ્લોબલ માર્કેટના ભાવ પ્રમાણે ડોમેસ્ટિક ભાવમાં વધઘટ કરવાની છૂટ આપી છે, પરંતુ ચૂંટણી ચાલતી હોય ત્યારે મૌખિક સૂચનાથી કેન્દ્રની સરકાર કેટલીક વાર પેટ્રોલ પરનો ભાવવધારો રોકી રાખે છે, પરંતુ હવે પેટ્રોલના ભાવવધારાનો બોમ્બ ફૂટવાની તૈયારીમાં છે. ડીઝલ એ ટ્રક અને સાર્વજનિક પરિવહનનું મુખ્ય બળતણ હોઈ કેન્દ્ર સરકારના આદેશથી એક લિટર ડીઝલ પર ઓઈલ કંપનીઓ રૂ. ૬.૮૦નું નુકસાન કરે છે. રાંધવાનો ગેસ સિલિન્ડર જે સામાન્ય રીતે ૧૪.૨ કિલોગ્રામ વજનનો હોય છે તેની પર ઓઈલ કંપનીઓ પ્રતિ સિલિન્ડર રૂ.૪૪૯.૧૩ પૈસાનું નુકસાન કરે છે. કેરોસીન પર પ્રતિ લિટર ઓઈલ કંપનીઓ રૂ.૩૩.૮૫ પૈસાનું નુકસાન કરે છે. તા.૧૬મી એપ્રિલ, ૨૦૧૪થી અસર ગણવામાં આવે તો ડીઝલ, કેરોસીન અને એલપીજી પર ઓઈલ કંપનીઓ રોજ રૂ.૩૪૨ કરોડની ખોટ કરે છે. હવે એટલું વિચારો કે રોજ આટલું નુકસાન ઓઈલ કંપનીઓ ભોગવતી હોય તો એક દિવસ એવો આવશે કે દેશની ઓઈલ કંપનીઓ પાસે વિદેશથી ક્રૂડ ઓઈલ ખરીદવા વિદેશી હૂંડિયામણ જ નહીં હોય.

ઓઈલ કંપનીઓ બળતણના તેલ પર આટલું બધું નુકસાન કરતી હોવા છતાં તેઓ નફો કરતી હોવાનું દર્શાવાય છે તેનું કારણ એ છે કે, આ નુકસાન કેન્દ્ર સરકાર બેલ આઉટ પેકેજ તરીકે સબસિડી પેટે ભરપાઈ કરી આપવામાં આવે છે. આ પૈસા ખરેખર તો કેન્દ્ર સરકારે લોકો પાસેથી ટેક્સ રૂપે જ ઉઘરાવ્યા હોય છે તેમાંથી જ ઓઈલ કંપનીઓને તેમની ખોટ ભરપાઈ કરી આપવા માટે અપાય છે. એ ખોટ ભરપાઈ કરવામાં ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન તથા ઓઈલ ઇન્ડિયા જેવાં જાહેર નિગમો પણ આ કંપનીઓને એક યા બીજી રીતે સબસિડી આપે છે.

નોંધપાત્ર વાત એ છે કે, ડોલરની સામે રૂપિયો ગગડે તો તેની અસર પણ ક્રૂડની આયાત પર થાય છે. અમેરિકન ડોલર સામે માત્ર એક જ રૂપિયો ગગડે તો ઓઈલ કંપનીઓને રૂ. ૯૧૦૦ કરોડનું પ્રતિ વર્ષ નુકસાન થાય છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે કેન્દ્ર સરકારે એટલી જ રકમની વધુ સબસિડી ઓઈલ કંપનીઓને આપવી પડે છે. હવે લોકસભાની ચૂંટણીઓ સમાપ્ત થઈ ગઈ છે અને ક્રૂડ ઓઈલના વૈશ્વિક ભાવ વધ્યા છે તથા ડોલર સામે રૂપિયો નબળો પડયો છે ત્યારે આ બન્ને પરિબળોની અસરના કારણે ટૂંક સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધાર્યા સિવાય ઓઈલ કંપનીઓને છૂટકો નથી. નવી આવનારી સરકાર જલદી અપ્રિય ન થઈ જાય તે માટે શાયદ તે હમણાં ડીઝલનો ભાવવધારો કરવાનું ટાળશે, પરંતુ પેટ્રોલ પર તો ભાવવધારો તોળાઈ જ રહ્યો છે.

www. devendrapatel.in