આજે મકરસંક્રાતિ છે.
આગામી ત્રણથી ચાર મહિના સુધી ચાલનારી નેતાઓની પતંગ સ્પર્ધા અને પેચ કેવા હશે ?
આમ જનતા માટે તો આજે ઉત્તરાયણ અને કાલે વાસી ઉત્તરાયણ છે, પરંતુ દેશના રાજકીય નેતાઓ માટે એપ્રિલ અને મે મહિના સુધી રાજકીય પેચ લડાવવા માટેનો પતંગોત્સવ છે. કોઈની પાસે સાંકળ આઠ દોરી છે, તો કોઈની પાસે ખતરનાક ચાઈનીઝ દોરી છે. કોઈની પાસે ભગવો પતંગ છે, તો કોઈની પાસે લીલો પતંગ છે. કોઈની પાસે ટુક્કલ છે, તો કોઈની પાસે લંગરિયું છે. દરેકની પાસે ફિરકી પકડનારા અને કપાયેલો પતંગ લૂંટનારાઓેની ફોજ પણ છે. આગામી ત્રણ ચાર મહિના રાજકીય પતંગોની કાપાકાપીથી ભરપૂર હશે.
રાહુલનો પતંગ
કોંગ્રેસને લાગેવળગે છે ત્યાં સુધી છેલ્લા ૧૦ વર્ષથી આકાશમાં સ્થિર થયેલો ડો. મનમોહનસિંહનો પતંગ હવે તેઓ ખુદ ઉતારી લેવાના મૂડમાં છે. દિગ્વિજયસિંહ, જનાર્દન દ્વિવેદી અને મધુસૂદન મિસ્ત્રી રાહુલ ગાંધીનો પતંગ ચગાવવા મથી રહ્યા છે. કોઈ કહે છે કે રાહુલ ગાંધી કરતાં પ્રિયંકા ગાંધીનો પતંગ જલ્દી ચડશે . અલબત્ત, પ્રિયંકાને ભાઈનો જ પતંગ ચડે તેમાં રસ છે. કોંગ્રેસમાં રાહુલ ગાંધીની ફિરકી પકડવા માંગતા નેતાઓ દરેક રાજ્યોમાં અલગ અલગ ચોકો જમાવી અંદરોઅંદર લડી રહ્યા છે.કોંગ્રેસને લાગે છે કે હાલ તેમને અનુકૂળ પવન નથી, છતાં ચૂંટણી પહેલાં કોઈ મોટો દાવ ખેલી શકે છે. રાહુલે નિષ્ફળ નેતાઓને સલાહકાર તરીકે રાખીને મોટી ભૂલ કરી છે એમ કેટલાંકને લાગે છે, પરંતુ રાહુલને એ સત્ય વાત કોઈ કહી શક્તું નથી એ એમની કબનસીબી છે.
મોદીનો પેચ
ભાજપાને લાગે વળગે છે ત્યાં સુધી નરેન્દ્ર મોદી હાલ તો લાલકૃષ્ણ અડવાણી, સુષ્મા સ્વરાજ, ડો. મુરલી મનોહર જોશી, રાજનાથસિંહ, શિવરાજસિંહ ચૌહાણ, નીતિન ગડકરી અને અરુણ જેટલી જેવા અનેક સાથીઓના જ પતંગ કાપીને પોતાનો પતંગ મધ્ય આકાશમાં સ્થિર કરી ચૂક્યા છે. તેમણે પોતાની ફિરકી રાજનાથસિંહ, નીતિન ગડકરી અને અરુણ જેટલીને પકડાવી દીધી છે. મોદી જ્યારે પણ કોઈનો પતંગ કાપે છે ત્યારે સ્મૃતિ ઈરાની અને મીનાક્ષી લેખી તમામ તબક્કે તાળીઓ પાડવા અને મોદીના પતંગો સાથે કોઈ પેચ લડાવે ત્યારે વાંધા ઉઠાવવા ધાબા પર હાજર જ છે. મોદી અનેકના પતંગ કાપી રહ્યા છે, પરંતુ સુષ્મા સ્વરાજ અને અડવાણી તાળીઓ પાડવા તૈયાર નથી. હમણાં હમણાં રાજ ઠાકરે લંગસિયું નાંખવા પ્રયાસ કરી રહ્યા છે.
આમ પતંગ
મોદીનો પતંગ મધ્ય આકાશે લહેરાઈ રહ્યો હતો ત્યાં જ અરવિંદ કેજરીવાલનો ‘આમ પતંગ’ દિલ્હીના આકાશ પર લહેરાઈ રહ્યો છે. મોદી તેમના ધાબા પરથી રાહુલના પતંગ પર ગોથા ખવરાવે છે, પરંતુ આમ આદમીના પતંગ સાથે પેચ લડાવતા સાવધાની રાખે છે. કેજરીવાલના પતંગને મીડિયાવાળા વધુ દર્શાવતા હોઈ, મોદીએ મીડિયા પર નારાજગી વ્યક્ત કરી છે. આમ આદમીનો પતંગ પ્રમાણમાં નાનો છે અને સાદો છે, પરંતુ તેની સાથે પેચ લડાવવાથી દૂર રહેવાની કૂટનીતિ મોદીએ અપનાવી છે. કેજરીવાલ પણ ઉસ્તાદ પતંગબાજ લાગે છે. ટોપી પહેરે છે, મફલર કાઢતા નથી, ખાંસતા જાય છે, અને સત્તા જોઈતી નથી એમ કહીને પણ રહસ્યમય રીતે સત્તા હાંસલ કરતા જાય છે. ઘણા તેમને માસ્ટર ટેક્નિશિયન કહે છે. તો પણ તેમને ‘ડોન્ટ કેર માસ્ટર’ કહે છે. મોદીનો પતંગ હાઈપ્રોફાઈલ છે, પણ કેજરીવાલનો પતંગ લો પ્રોફાઈલ છે. મોદીએ વડાપ્રધાન પદના પોતે જ ઉમેદવાર છે તેવી જાહેરાત પક્ષ પાસે કરાવી દીધી, પરંતુ કેજરીવાલ ખુદ પીએમ પદના ઉમેદવાર હોવા છતાં લોકો તેમની પર દબાણ કરે તેવા ખેલ ખેલી રહ્યા છે. રાહુલ ગાંધી અને મોદીના એમ બંનેના પતંગોએ કેજરીવાલના સામ્યવાદી મોડેલના પતંગથી સાવચેતી રાખવાની જરૂર છે.
અણ્ણાનો અસલી રંગ
રાલેગાંવ સિદ્ધી ખાતે બેઠેલા અણ્ણા હઝારે પણ આ પતંગસ્પર્ધામાં રસ લઈ રહ્યા છે. તેમની જ ટીમના પૂર્વ સદસ્ય કેજરીવાલનો પતંગ ચડેલો જોઈ અણ્ણાએ પણ હવે કિરણ બેદીને મોદીના પતંગની ફિરકી પકડવા મોકલી આપ્યાં છે. ઘણા વખતથી કહેવાતું હતું કે અણ્ણા ભાજપના સમર્થક છે, તે હવે તેમણે કિરણ બેદીના ભાજપમાં મોકલી સિદ્ધ કરી દીધું છે. અણ્ણા સફેદ ટોપી પહેરે છે પરંતુ તેની ભીતરનો અસલી રંગ ભગવો છે. કેજરીવાલના શાયર સાથી કુમાર વિશ્વાસ રાહુલ ગાંધી તો પતંગ કાપવા અત્યારથી જ ઠુમકા મારી રહ્યા છે, અલબત, તેમને કોણ કહે કે, માત્ર કવિતાઓ કે શેરો શાયરી બોલવાથી રાજકીય પતંગ ના ચગે. કુમાર વિશ્વાસની ભાષામાં દિલ્હીના પરિણામોનું ગુમાન વધુ અને નમ્રતા ઓછી છે. તેમને આજે નહીં સમજાય કે રાજનીતિ કેટલી અનિર્ણાયકતાથી ભરપૂર છે.
કોંગ્રેસના દાવપેચ
આ પતંગોત્સવમાં બહારથી હતાશ દેખાતી કોંગ્રેસ પાસે અંદરથી ગજબના વ્યૂહરચના ખેલી રહ્યા છે. દિલ્હીમાં જેમ તેણે ભાજપાને સત્તા પર આવતાં રોકવા પોતાને જ ગાળો દેનાર આમ આદમી પાર્ટીને ટેકો આપી દીધો, તે રીતે નરેન્દ્ર મોદીને સત્તા પર આવતાં રોકવાની રણનીતિ બનાવી લીધી છે. નરેન્દ્ર મોદીનો પતંગ કાપવા કોંગ્રેસે તામિલનાડુના જયલલિથા, પશ્ચિમ બંગાળના મમતા બેનરજી અને ઉત્તરપ્રદેશના માયાવતીને તેમનો પતંગ ચગાવવા દોરી અને ફિરકી બધું જ બક્ષવાની ઓફર કરી છે. મમતા દીદી,બહેન માયાવતી અને અમ્મા જયલલીથા એ બધાં જ વડાપ્રધાન બનવા માંગે છે. કોગ્રેસને પોતાનો પતંગ ના ચગે તો પોતાની પાસે વધેલી દોરી આ ત્રણેય જણને આપવા ગોઠવણ કરવા માંડી છે. કહેવાય છે કે બુટાસિંહ, ગુલામનબી આઝાદ અને અહેમદ પટેલ પહેલાંથી જ આ એજન્ડા પર કામ કરી રહ્યા છે. ગુલામનબી આઝાદ અને અહેમદ પટેલ મમતાના સંપર્કમાં છે. અને માયાવતીના પણ સંપર્કમાં છે. તે બધાં જયલલીથા સાથે પણ બેક ચેનલ વાતચીત કરી રહ્યા હોવાનું કહેવાય છે. આ ત્રણેય સન્નારીઓ ભાજપાને સમર્થન ના કરે અને તેઓ કોંગ્રેસના સમર્થનથી ‘સામ્રાજ્ઞાી’ બની શકે છે તેવું તેમને સમજાવવામાં આવી રહ્યું છે. ત્રણેય મહિલાઓ મહત્ત્વાકાંક્ષી છે. મે- મહિનામાં કોનો પતંગ સ્થિર થાય છે તે જોવું રહ્યું.
બાકી, બિહારમાં નીતિશકુમારનો પતંગ ગોથા ખાઈ રહ્યો છે. લાલુનો પતંગ ચગશે ખરો પણ એટલો ઊંચે નહીં. ઉત્તરપ્રદેશમાં અખિલેશ અને મુલાયમનો પતંગ ચગેલો ગોથાં ખાય છે અને તે ગમે ત્યારે નીચે આવી જશે. બિહાર અને ઉત્તરપ્રદેશમાં મોદીનો પતંગ ચગશે, પણ કેજરીવાલ, માયા, મમતા અને જયલલીથાના પતંગોથી તેમણે કાળજી લેવી પડશે.
બાકી, આજના અને કાલના પતંગપર્વ કરતાં મોટું અને રાજનીતિના દાવપેચથી ભરપૂર પતંગપર્વ ત્રણ- ચાર મહિના ચાલવાનું છે.

Comments are closed.