બ્રાઝિલની વર્કસ પાર્ટીમાંથી કેજરીવાલે શોધી કાઢયો મહોલ્લાસભાનો વિચાર

દેશના કદાવર અને હાઈપ્રોફાઈલ નેતાઓની સામે એક આમઆદમી નમ્રતાથી ઊભો છે. કેટલાક નેતાઓ રાખોડી રંગના સ્કાર્ફ અને નેવીબ્લ્યૂ સ્વેટરમાં સ્માર્ટ લાગે છે, ડિઝાઈનર્સ દ્વારા સૂચવાયેલાં સ્પેકટેકલ્સ પહેરે છે, બ્રાન્ડેડ શૂઝ અને વોચ પહેરે છે, પરંતુ અરવિંદ કેજરીવાલ તે પૈકીના એક નથી. તેઓ સાદું શર્ટ, સાદું પેન્ટ અને એનાં એ જ શૂઝ. દિલ્હીના સમાજશાસ્ત્રી શિવ વિશ્વનાથન કહે છે : “એ સામાન્ય માનવી લાગે છે એ જ એનો યુએસપી (યુનિક સેલિંગ પોઈન્ટ) છે.”

VIP ઓની લાલબત્તી સામે આમઆદમીની 'લાલબત્તી'

ડિઝાઈનર્સ શું કહે છે?

ડિઝાઈનર રિતુ કુમાર કહે છે : “સ્ટાઈલિસ્ટ ડ્રેસ એ તમારા વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે, પરંતુ અરવિંદ કેજરીવાલનો સામાન્ય માનવી જેવો અતિ સામાન્ય દેખાવ તેની વિચારધારાનું પ્રતિબિંબ છે. એ વર્ષો પહેલાંના-આઝાદ જંગ વખતના ભારતના ખાદી પહેરતાં નેતાઓની યાદ અપાવે છે. અરવિંદ કેજરીવાલ સામાન્ય રીતે ચેક્સનું અડધી બાંયનું શર્ટ પહેરે છે. કાન ઢંકાય તે રીતે માથા સુધી મફલર વીંટાળી રાખે છે. ટોપી પણ નહેરુના જમાનાની પરંપરા છે. સામાન્ય રીતે બ્લ્યૂ કે ગ્રે પુલઓવર પહેરે છે. ભડકીલાં રંગોથી તે દૂર છે. ફ્રેમલેસ ચશ્મા અને સાદી મૂછો એ એમની સામાન્ય માનવી તરીકે અસર સંપૂર્ણ કરે છે. કેજરીવાલ ‘અનબ્રાન્ડેડ ફિચર્સનું કલેક્શન’ છે.” નિષ્ણાતો કેજરીવાલના વ્યક્તિત્વનું વિશ્લેષણ કરતાં કહે છે : “એ એક એવો સામાન્ય માણસ છે કે, એના જેવા સેંકડો લોકોને તમે મળ્યા હશો અને તેમનાં નામ પણ તમને યાદ નહીં હોય. તે પોતાની જાત સાથે અને લોકો સાથે પણ’કમ્ફર્ટેબલ’ છે. દિલ્હીના લેફ્ટ. ગવર્નરને મળવા જતી વખતે પણ એ જ સાદાં વસ્ત્રો પહેરે છે.” તેઓ પોતાના વસ્ત્રોની બહુ દરકાર કરતાં નથી અને તે પણ સ્વાભાવિક રીતે, દિલ્હીના મુખ્યમંત્રી તરીકે તેઓ કેટલું ટકશે તે નક્કી નથી, પરંતુ મુખ્યમંત્રી તરીકે શપથ લેવા માટે તેમણે નવાં વસ્ત્રો સીવડાવ્યા નથી. એક મનોવૈજ્ઞાનિક કહે છે : “તેઓ નેતા જેવા દેખાતા નથી તેથી કોઈ ચિંતા કરવા જેવું નથી, કારણ કે તેઓ જે સ્થળે ઊભા છે તે નેતા તરીકે નહીં, પરંતુ સામાન્ય લોકોના પ્રતિનિધિ તરીકે ઊભા છે અને ઉપસ્યા છે.” આજે નેતાઓ કોઈના લગ્નમાં કે બેસણામાં જાય તો પણ પોલીસ, પાયલોટ કાર, સાયરનોની ચિચિયારી અને લાલબત્તીની કાર વિના જતા નથી ત્યારે કેજરીવાલે લાલબત્તીવાળી કાર, બંગલો અને પોલીસ સલામતીને ફગાવી દીધાં છે. અત્યાર સુધીમાં ભારતના નવા નેતાઓએ જે કર્યું એ બધાથી જ ઊંધું કેજરીવાલ કરી રહ્યા છે. ભારતની પ્રજા પણ આવા વિકલ્પને આલિંગન આપવા તૈયાર હોય એમ લાગે છે. કેજરીવાલ મંત્રીમંડળની યુવા મંત્રી રાખી બિરલા તો આજે રિક્ષામાં બેસી સચિવાલય ગયાં.

કેજરીવાલની કારકિર્દી

અરવિંદ કેજરીવાલ હરિયાણાના સિવાની નામના ગામમાં જન્મેલા છે. તેમનો જન્મ તા. ૧૬ ઓગસ્ટ, ૧૯૬૮ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ ગોવિંદરામ કેજરીવાલ અને માતાનું નામ ગીતાદેવી છે. તેઓ સુખી પરિવારમાંથી આવે છે. કેજરીવાલ હિસારની કેમ્પસ સ્કૂલમાં ભણેલા છે. તે પછી તેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી, ખડગપુર દ્વારા મિકેનિકલ એન્જિનિયર થયા હતા. શરૂઆતમાં તેમણે તાતા સ્ટીલમાં કામ કર્યું હતું. ૧૯૯૨માં તે નોકરી છોડી તેમણે સિવિલ સર્વિસીઝની પરીક્ષાઓ માટે અભ્યાસ શરૂ કર્યો હતો. ૧૯૯૫માં તેઓ ઇન્ડિયન રેવન્યૂ સર્વિસમાં જોડાયા હતા અને આવકવેરા વિભાગમાં જોઈન્ટ કમિશનર બન્યા હતા. ૨૦૦૨માં આવકવેરા ખાતામાંથી રાજીનામું આપી તેમણે દિલ્હીમાં ‘પરિવર્તન’ નામની સ્વૈચ્છિક સંસ્થા શરૂ કરી હતી. દિલ્હીમાં સરકારી વિભાગોમાં ચાલતાં ભ્રષ્ટાચાર સામે તેમણે નાના પાયે ઝુંબેશ શરૂ કરી હતી અને નાના નાના માણસોને મદદ કરવાની શરૂઆત કરી હતી. વીજળીનાં બિલોથી માંડીને રેશનકાર્ડની બાબતોમાં તેઓ મદદ કરતા હતા. તેમણે દિલ્હીમાં માહિતીના અધિકારનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. તે પછી તેઓ અણ્ણા હઝારેના જનલોકપાલ બિલની લડતમાં જોડાયા હતા અને નવેમ્બર, ૨૦૧૨માં તેમણે આમઆદમી પાર્ટી શરૂ કરી.

નાણાં સંસ્થાને આપ્યાં

દેશની ફેસબૂક અને ટ્વિટર જેવી સોશિયલ નેટર્વિંકગ સાઈટ્સનો સૌથી વધુ ઉપયોગ કરનાર ભારતના પાંચ રાજકારણીઓ પૈકીના એક છે. દિલ્હીની ચૂંટણીમાં પણ તેમણે આ બધાનો ભરપૂર ઉપયોગ કર્યો. દિલ્હીનાં અતિ લોકપ્રિય ‘આન્ટી’ તરીકે ઓળખાતાં શીલા દીક્ષિતને હરાવ્યા બાદ કેજરીવાલ દિલ્હીના સૌથી યુવાન મુખ્યમંત્રી બન્યા છે. ૨૦૦૬માં તેઓ ‘રેમન મેગ્સેસે એવોર્ડ’ પ્રાપ્ત કરી ચૂક્યા છે. આ એવોર્ડથી પ્રાપ્ત થયેલી ધનરાશી તેઓ પબ્લિક કોઝ રિસર્ચ ફાઉન્ડેશન નામની સંસ્થાને કોર્પસ ફંડ તરીકે ભેટ આપી ચૂક્યા છે. એ નાણાં પોતાના ઘરમાં લઈ ગયા નથી. ગુજરાતમાંથી કેન્દ્રમાં ગયેલા કેબિનેટમંત્રી દિનશા પટેલ જ એક એવા મંત્રી છે કે જેઓ છેલ્લા ૪૦ વર્ષથી પહેલાં ધારાસભ્ય તરીકે અને હવે સંસદસભ્ય તરીકે મળતું તમામ વેતન સામાજિક સંસ્થાઓને આપી દે છે. અરવિંદ કેજરીવાલનાં પત્નીનું નામ સુનિતા કે જેઓ ખુદ ઇન્કમટેક્સ કમિશનર છે. તેઓ સાથે જ ભણતાં હતાં. તેમને બે દીકરીઓ અને એક પુત્ર છે. કેજરીવાલ શાકાહારી છે અને વર્ષોથી વિપાસના કરે છે.

પુસ્તક : ‘સ્વરાજ’

અરવિંદ કેજરીવાલે ૨૦૧૨માં એક પુસ્તક લખ્યું હતું, જેનું નામ ‘સ્વરાજ’ છે. આ પુસ્તક તેમણે સ્વરાજની રાહ જોઈ રહેલી દેશની જનતાને અર્પણ કર્યું છે. આ પુસ્તક દ્વારા તેઓ સત્તા નાનામાં નાના માણસ સુધી એટલે કે ‘મહોલ્લા સભા’ને સોંપવાની વાત કરે છે. આ પુસ્તક તેમનો રોડમેપ છે, તેમાં તેમનું સ્વપ્ન છે. આ પુસ્તકમાં તેઓ બ્રાઝિલ, સ્વિત્ઝરલેન્ડ અને અમેરિકાનાં ઉદાહરણો આપે છે. આ પુસ્તકમાં કેજરીવાલ લખે છે : “બ્રાઝિલમાં ૧૩ લાખ લોકોની વસતી ધરાવતું પોર્ટો એલેગ્રે નામનું એક નાનકડું નગર છે. આ નગરમાં ૩૦થી ૪૦ ટકા વસતી ઝૂંપડપટ્ટીમાં રહે છે. ૧૯૯૦માં વર્કર્સ પાર્ટીએ બ્રાઝિલમાં સરકાર રચી. એ વખતે આ ગરીબ વિસ્તારમાં રસ્તા, ગટર, પીવાનું પાણી કે વીજળી જેવી કોઈ સવલતો નહોતી. સ્કૂલો પણ નહોતી. એ કારણથી વર્ક્સ પાર્ટીએ સરકારી કચેરીના બિલ્ડિંગના એક બંધ રૂમમાં બેસી બજેટ બનાવવાના બદલે પ્રધાનો એ ઝૂંપડપટ્ટીની વચ્ચે અને મહોલ્લાઓની વચ્ચે ગયા અને તેમની જરૂરિયાતો પ્રમાણે શેરીઓમાં જ બેસીને બજેટ બનાવ્યું. એ યોજના જબરદસ્ત સફળ રહી. તો પછી ભારત જેવા દેશમાં બજેટ વિધાનસભાના હોલમાં કે બંધ રૂમોમાં શા માટે બનાવવામાં આવે છે ? ખરેખર તો બજેટ લોકોની વચ્ચે શેરીઓમાં જઈ તેમની મુશ્કેલીઓ જાણી, તેમની જરૂરિયાતો પ્રમાણે જ બનાવવું જોઈએ. બ્રાઝિલમાં આ પ્રયોગ સફળ થયો છે અને વર્ક્સ પાર્ટી નામનો રાજકીય પક્ષ એક પણ ચૂંટણી હાર્યા વગર છેલ્લા ૧૫ વર્ષથી સત્તા પર છે.

સ્વિત્ઝરલેન્ડમાં પણ

સ્વિત્ઝરલેન્ડનું ઉદાહરણ ટાંકતા કેજરીવાલ કહે છે : “સ્વિત્ઝરલેન્ડમાં પણ લોકોનો તેના બંધારણ પર સીધો કાબૂ છે. સ્વિત્ઝરલેન્ડમાં ૨૫૦૦૦ લોકો બંધારણમાં કોઈ ફેરફાર માટે લેખિત માગણી કરે તો સરકારે તે ફેરફાર માટે પાર્લામેન્ટમાં બિલ લાવવું જ પડે છે. એટલે ચૂંટાયેલા લોકો જ માગણી કરે તે જરૂરી નથી. લોકો બંધારણમાં ફેરફાર માટે પણ માગણી કરી શકે છે અને પાર્લામેન્ટમાં તે બિલ લાવી, તેની પર ચર્ચા કરવી પડે છે. એથી ઊલટું ભારતમાં છે. ભારતમાં ૫૦,૦૦૦ લોકો પણ કોઈપણ સરકાર સમક્ષ કોઈ લેખિત માગણી કરે તો સરકાર તે કાગળ મળ્યાની રસીદ પણ આપતી નથી.”

લાગે છે કે, અરવિંદ કેજરીવાલ દેશના હાલના તમામ નેતાઓ માટે એક પડકાર છે. આમઆદમી પાર્ટીની દિલ્હીની સફળતા બાદ તેની અસર આખા દેશમાં થઈ છે અને બીજા હજારો કેજરીવાલ પેદા થવાની તૈયારીમાં છે. લાલબત્તીના શોખીન નેતાઓ માટે કેજરીવાલ જ એક લાલબત્તી છે.