દિલ્હીમાં મુખ્યમંત્રી બનનાર કેજરીવાલ વીજળીનાં બિલ હવે અડધાં કરી બતાવે
લોકપાલ બિલ લોકસભા અને રાજ્યસભામાંથી પસાર થઈ ગયું. આઝાદી પછી પહેલી જ વાર લોકપાલની સત્તા સંસદની સમાંતર હશે અને કેટલાક ખાસ મામલાઓને છોડીને વડા પ્રધાનની પણ તે પૂછપરછ કરી શકશે. ભારતનું બંધારણ સંસદને સર્વોચ્ચ માને છે,પરંતુ લોકપાલ બનવાથી કદીક વડા પ્રધાનપદની ગરિમાને પણ અસર થઈ શકે છે. લોકપાલના ફાયદા ઘણા છે, પરંતુ સાથે એ પણ શક્ય છે કે, કોઈપણ સરકારી કર્મચારી કે અધિકારી ક્યારેક સાચો નિર્ણય લેતાં પણ ડરશે. મંત્રીઓ પણ ડરશે અને તેથી અનિર્ણયાત્મકતાનો ભોગ પણ તંત્ર બની શકે છે. કારણ કે અસરગ્રસ્ત કોઈપણ વ્યક્તિ આ લોકોની વિરુદ્ધ ફરિયાદ કરી તપાસ શરૂ કરાવી શકે છે. આજનો અધિકારી વર્ગ આમેય પલાયનવાદી થઈ રહ્યો છે ત્યારે લોકપાલની આડઅસર સૌથી વધુ એવા વર્ગને પ્રભાવિત કરશે.
એક જમાનો હતો જ્યારે ઋષિ-મુનિઓ પોતાના શિષ્યો બનાવતા હતા. આજે યુગ બદલાઈ ગયો છે. આજે ચેલાઓ પોતાના ગુરુ સામેથી બનાવી લે છે. પરિણામ એ આવે છે કે, ગુરુને બાજુમાં રાખી ચેલા આગળ નીકળી જાય છે. ગુરુ ગોળ જ રહી જ જાય છે અને ચેલો સાકર બની જાય છે. અણ્ણા હઝારેએ દેશમાંથી ભ્રષ્ટાચાર હટાવવા માટે લોકપાલ બિલ લાવવા દિલ્હીમાં ઉપવાસ આંદોલન શરૂ કર્યું ત્યારે અણ્ણા હઝારે અરવિંદ કેજરીવાલને શોધવા ગયા નહોતા, પરંતુ કેજરીવાલે સામેથી જ અણ્ણાને પોતાના ગુરુ સ્થાપિત કરી દીધા હતા. બંને ઉપવાસી બની ગયા હતા, પરંતુ અરવિંદ કેજરીવાલનો સક્રિય રાજનીતિમાં જવાનો નિર્ણય અણ્ણા હઝારેને ગમ્યો નહોતો. તેઓ તેમનાથી દૂર થઈ ગયા. અરવિંદ કેજરીવાલ એક ચેક લઈને રાલેગણ સિદ્ધિ ગયા ત્યારે અણ્ણાએ એ ચેક સ્વીકારવા ઇનકાર કરી દીધો હતો. કેજરીવાલે દિલ્હીમાં ચૂંટણી ઝુંબેશ શરૂ કરી ત્યારે પોતાના નામે કોઈ ફંડ નહીં ઉઘરાવવા અણ્ણાએ તાકીદ કરી હતી. અરવિંદ કેજરીવાલે શરૂ કરેલી આમઆદમી પાર્ટીએ દિલ્હીમાં ૨૮ બેઠકો કબજે કરી લીધી તે પછી અણ્ણા પણ વિચારમાં પડી ગયા હતા. અલબત્ત, આ પરિણામો પછી ગુરુ-ચેલા વચ્ચે અંતર વધ્યું. અણ્ણાના એક સાથીદારને અણ્ણાએ રાલેગણ સિદ્ધિમાંથી બહાર રવાના કરી દીધો. હકીકત એ છે કે, અરવિંદ કેજરીવાલ અને તેમના સહયોગી વચ્ચે દિલ્હીમાં ઉપવાસ વખતે જ અંદરોઅંદરના મતભેદ સામે આવી ગયા હતા. કેટલાક લોકો એકબીજાને મંચ પર જોવા માગતા નહોતા. વાસ્તવિકતા એ છે કે, અણ્ણા હઝારેએ એમને ચેલા બનાવ્યા નહોતા, પરંતુ ચેલાઓ તેમને રાલેગણ સિદ્ધિથી પકડીને દિલ્હી લાવ્યા હતા. કહેવત છે કે ગુરુ વિના જ્ઞાન નહીં, પરંતુ આજના જમાનામાં ચેલા વિના કામ નહીં એવી પરિસ્થિતિ છે. ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયાએ અણ્ણાને તેમના કદ કરતાં મોટા આંદોલનકારી બનાવી દીધા. પરિણામ એ આવ્યું કે, ચેલાઓએ અણ્ણાના મહોરાનો ઉપયોગ કર્યો અને ચેલાઓ દેશભરમાં લોકપ્રિય થઈ ગયા. લોકપ્રિયતા હાંસલ થતાં જ ચેલાઓએ રાજકીય પક્ષ બનાવી દીધો અને હવે પરિણામ સૌની સામે છે.
બાકી એ વાત સ્પષ્ટ છે કે, જે ચેલાઓએ તેમના ગુરુ અણ્ણાને જયપ્રકાશ નારાયણ અને ગાંધીજીની ઉપમા આપી હતી તે ચેલાઓ જ આજે ગુરુની વિરુદ્ધ છે. ગુરુ અને ચેલાઓએ હવે એકબીજા સામે તલવારો ખેંચી લીધી છે. અણ્ણા હઝારેએ રાહુલ ગાંધીને, સુષ્મા સ્વરાજને તથા અરુણ જેટલીને લોકપાલ બિલ પસાર કરવા માટે અભિનંદન આપ્યાં છે. તેની સામે આમઆદમી પાર્ટીએ અણ્ણા હઝારેના બદલાયેલા વલણ પ્રત્યે અસંતોષ અને નારાજગી વ્યક્ત કરી છે. અણ્ણા અને તેમના ચેલાઓ વચ્ચે જ્ઞાનતંતુઓનું છૂપું યુદ્ધ ક્યારનુંયે છેડાઈ ગયું હતું. અણ્ણા શરૂઆતથી જ પોતાની બિનરાજકીય છબી જાળવી રાખવા માગતા હતા. અણ્ણાએ પોતાના ચેલાઓને બાજુમાં રાખી મુંબઈમાં ઉપવાસ આંદોલન શરૂ કર્યું, પરંતુ માનવી ભીડ એકત્ર કરી શક્યા નહીં. બીજી બાજુ દિલ્હીમાં તેમના ચેલાઓ સરકાર વિરુદ્ધ આક્રોશ-આંદોલન ચલાવતાં રહ્યાં. એ આંદોલન પછી જ સત્તા માટે જંગ શરૂ થી ગયો. એ પછી આમઆદમી પાર્ટી ભારતમાં રાજનૈતિક પાર્ટીના સ્વીકૃત અને પ્રચલિત સિદ્ધાંતો પર અતિક્રમણ કરી અસ્તિત્વમાં આવી. કોઈ સામાજિક આંદોલનના ગર્ભમાંથી રાજનૈતિક પાર્ટીનો જન્મ એ એક અપવાદ છે. આંદોલન કરવાવાળા હવે રાજનીતિ કરવા લાગ્યા. સત્તા પર આવતાં જ વીજળીના બિલ અડધા કરી દેવાનો વાયદો કરીને આમઆદમી પાર્ટી દિલ્હીમાં ૨૮ બેઠકો લઈ આવી. રાજનીતિ એક ખતરનાક અને લપસણી રમત છે. અણ્ણા તો બચી ગયા, પરંતુ કેજરીવાલ એ રમતનો એક ભાગ બની ગયા છે. હવે બીજીવાર ચૂંટણી થાય તો દિલ્હીની જનતા ૨૮થી વધુ બેઠકો આપે છે કે તેથી ઓછી તે તો આવનારો સમય જ કહેશે.
એ વાત સાચી છે કે, સારા માણસોએ રાજનીતિમાં આવવું જોઈએ, પરંતુ રાજનીતિ એક ડેન્જરસ ગેમ છે. ઇતિહાસ ગવાહ છે કે,સત્તા હાંસલ કરવા ઔરંગઝેબે પોતાના પિતાને કેદખાનામાં નાખ્યા હતા. ઇતિહાસ ગવાહ છે કે, સિંહાસન કબજે કરવા પુત્રએ પિતાની હત્યા કરી હતી. (રેફ. ફિલ્મ ગ્લેડિયેટર્સ). સિંહાસન કબજે કરવા ક્લિયોપેટ્રાએ પોતાના સગા ભાઈની જુલિયસ સિઝરના હાથે હત્યા કરાવી હતી. રાજનીતિ ભલભલા માણસોને બગાડે છે. પાણીમાં હોવું અને ના ભીંજાવું એ શક્ય નથી. આજે વ્યક્તિગત રીતે સ્વચ્છ હોવા છતાં અરવિંદ કેજરીવાલ એવા જ સ્વચ્છ અણ્ણા હઝારે સામે તીર ફેંકી રહ્યા છે. એ જ રીતે અણ્ણા હઝારે પણ કહી ચૂક્યા છે : “મને તો આ લોકપાલ બિલથી સંતોષ છે જેમને એનાથી અસંતોષ હોય તે હવે ઉપવાસ કરે અને આંદોલન ચલાવે.” ટૂંકમાં અરવિંદ કેજરીવાલ અને તેમના સાથીઓએ હવે નક્કી કરવાનું છે કે, દિલ્હીમાં તેમની ઇચ્છા મુજબના લોકપાલ બિલ માટે તેમણે આરમણાંત આંદોલન કરવું કે રાજનીતિ કરવી ?
વિશ્વના કેટલાક અન્ય દેશોમાં પણ આમઆદમી જેવી પાર્ટીઓ બનેલી છે. અમેરિકામાં એક ‘ટી-પાર્ટી’ બની હતી. એ વાત સાચી છે કે, અરવિંદ કેજરીવાલની આમઆદમી પાર્ટી શહેરી, મધ્યમ વર્ગ અને યુવાનોની અવધારણા છે, જે પરંપરાગત રાજનીતિથી નારાજ છે, પરંતુ કડવું સત્ય એ છે કે, આમઆદમી પાર્ટી પરંપરાગત રાજનીતિ નહીં શીખે તો જે લોકોની ભાવનાઓ પર એ પાર્ટી બની છે તે લોકો જ તેમનાથી દૂર થઈ જશે. આમઆદમી પાર્ટીએ દિલ્હીમાં સત્તા પર બેસી તેમણે આપેલાં વચનો પૂરાં કરી તેમની સચ્ચાઈની ખાતરી પ્રજાને કરાવવી પડશે અને તેમાં પહેલું કામ છે વીજળીનાં બિલ અડધા કરી દેવાનું. પ્રજાને ૭૦૦ લીટર પાણી મફત આપવાનું વચન પણ તેમણે પૂરું કરવું પડશે. ઝૂંપડપટ્ટીને રેગ્યુલાઈઝ કરવાનું પણ તેમણે વચન આપ્યું છે. વીજળીના બિલ અડધા કરી દેવાની વાતમાં જ કેજરીવાલનો ટેસ્ટ થઈ જવાનો છે. કારણ કે વીજળીનું અંકગણિત તેઓ જાણતા નથી. ઝૂંપડપટ્ટીને નિયમસર કરવાનું શક્ય નથી, કારણ કે દિલ્હીની જમીન અને બાંધકામ કેન્દ્ર સરકાર હસ્તક છે, દિલ્હી સરકાર હેઠળ નહીં, જેના કેજરીવાલ મુખ્યમંત્રી બનવાના છે.
અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી બન્યા પછી વિજળીના બીલમાં ૫૦ ટકા ઘટાડો કરાવી શકશે અને દિલ્હીની જનતાને ૭૦૦ લીટર પાણી મફત આપી શકશે તો દેશના વડાપ્રધાન તરીકે તેઓ પણ એક ઉમેદવાર હશે અને તેઓ નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી માટે પણ એક પડકાર હશે.

Comments are closed.