ગેંગરેપનો ભોગ બનેલી પેરા મેડિકલની વિધાર્થિનીના મૃત્યુની ઘટના બાદ પણ દેશભરમાં જનાક્રોશ ભીતરથી ઉકળતા ચરૂ જેવી સ્થિતિમાં છે. ૨૩ વર્ષની એ યુવતી કોણ હતી, એનું નામ શું હતું, કોઈ જાણતું નથી, પરંતુ દેશભરનાં યુવકો અને યુવતીઓએ જે રીતે આ ઘટનાની વિરુદ્ધ પ્રચંડ જનઆંદોલન કર્યું તે આઝાદી પછી પહેલી જ વાર અનેક રીતે ચોંકાવનારું છે. સરકારની અને પોલીસની નીંદર ઊડી છે કે નહીં એ તો ખબર નથી પરંતુ આ એક પહેલું જ જનપ્રદર્શન હતું જેનો કોઈ નેતા નહોતો. અહીં ના તો ગાંધીજી હતા, ના તો જયપ્રકાશ નારાયણ, ના તો અણ્ણા હઝારે કે ના તો અરવિદ કેજરીવાલ. જે નેતાઓ આ ઘટનાનો રાજકીય લાભ ખાટવા આવ્યા તેમને લોકોએ ભગાડી મૂક્યા. હકીકત એ છે કે આ આંદોલન સ્વયંભૂ હતું. હંમેશાં માટે ચિરનિદ્રામાં પોઢી ગયેલી પીડિતાએ આખા ભારતને જગાડી દીધું. મીડિયાએ એને કેટલાંય નામો આપ્યાં. કોઈ એ એને દામિની નામ આપ્યું કોઈએ એને નિર્ભયા નામ આપ્યું. કોઈએ એને અનામિકા નામ આપ્યું. નામ ગમે તે આપો પરંતુ આ દામિનીના મૃત્યુએ દેશમાં એક એવો જનાક્રોશ પેદા કર્યો, જે વર્ષોથી કોઈ પેદા કરી શક્યું નહીં. સવાલ એ છે કે શું હવે કોઈ એવો કોઈ મહામાનવ આવશે જે ભારતની નારીને ભારતીય હવસખોરોથી મુક્તિ અપાવી શકશે?
ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ તો કારાગારમાં થયો હતો. મામા કંસે પોતાના મોતના ભયથી સગી બહેન દેવકીને અને વાસુદેવને મથુરાની જેલમાં બંધ કરી દીધાં હતાં. કૃષ્ણના જન્મ વખતે ઘનઘોર વર્ષા થઈ રહી હતી. ચારે બાજુ અંધકાર હતો. એ વખતે ભગવાનના નિર્દેશ અનુસાર શ્રીકૃષ્ણને જન્મ બાદ રાત્રે જ મથુરાના કારાગારમાંથી ગોકુલ નંદબાબાના ઘેર લઈ જવામાં આવ્યા. તે વખતે કારાગારના બધા જ દરવાજા આપોઆપ ખૂલી ગયા. પહેરેદારો ગહેરી નિદ્રામાં પોઢી ગયા. એ જ વખતે નંદબાબાનાં પત્ની યશોદાએ પણ એક પુત્રીને જન્મ આપ્યો હતો. વાસુદેવ શ્રીકૃષ્ણને યશોદાની બાજુમાં સુવરાવીને એમની કન્યાને પોતાની સાથે મથુરાની જેલમાં લઈ ગયા. કંસ એ વાતથી ભયભીત હતો કે દેવકી અને વાસુદેવનું આઠમું સંતાન એના મોતનું કારણ બનશે. કંસ દેવકીનાં સાત સંતાનોને મોતને ઘાટ ઉતારી ચૂક્યો હતો. હવે તે દેવકીની પાસે સૂતેલી આઠમી કન્યાને ઉઠાવી તેને નીચે પટકી મોતને ઘાટ ઉતારવા માંગતો હતો તે વખતે જ કન્યા તેના હાથમાં સરી પડી અને વીજળી બની આકાશમાં ઊડી ગઈ એ જ વખતે આકાશવાણી થઈ કે “કંસ, તને મારવાવાળો તો ગોકુળમાં યશોદાની બાજુમાં રમી રહ્યો છે. દામિનીનો અર્થ આકાશી વીજળી થાય છે. મરનાર યુવતીને ભલે દામિની એવું કાલ્પનિક નામ અપાયું હોય પરંતુ એક ૨૩ વર્ષની યુવતીએ દેશનાં યુવક યુવતીઓમાં એક નવી શક્તિનો સંચાર કર્યો છે. સમગ્ર દેશ હવે ઇચ્છે છે કે, પાપીઓનો હવે અંત આવવો જોઈએ. આ ઘટનાએ સમગ્ર યુપીએ સરકારને ધ્રુજાવી દીધી છે. હવસખોરોને રાસાયણિક રીતે નિર્બળ બનાવી દેવાથી માંડીને એક જ મહિનામાં તેનો ફેંસલો લાવી દેવાની ઘોષણા કરવી પડી અને રાતોરાત પોલીસે ચાર્જશીટ પણ તૈયાર કરી દેવી પડી તે આ જનાક્રોશની શક્તિનું પરિણામ છે.
સહુથી નોંધનીય વાત એ છે કે, વર્ષોથી ભારત તેની સંસ્કૃતિની દુહાઈ માટે ગર્વ લેતું રહ્યું અને ભારતમાં નારીની પણ પૂજા થાય છે તેવાં સોનેરી સૂત્રો બોલતું રહ્યું, પરંતુ ભારતનો નારી પ્રત્યેનો ક્રૂર અભિગમ અને ભારતનો બીભત્સ-વરવો ચહેરો આખી દુનિયા સમક્ષ ખુલ્લો પડી ગયો. વિશ્વભરનાં ગ્લોબલ મીડિયામાં પણ દિલ્હીની છાત્રાના ગેંગરેપની ઘટના દર્શાવાતી રહી. ઇજિપ્તના પાટનગર કેરોમાં પણ તહેરીર સ્કવેર ખાતે હજારો લોકોએ પીડિતાને ન્યાય અપાવવા માટે શાંત દેખાવો કર્યા. અમેરિકાના જાણીતા અખબાર ‘ધી ન્યૂ યોર્ક ટાઈમ્સ’ એ લખ્યું ‘દિલ્હીની ૨૩ વર્ષની વિધાર્થિની સાથે થયેલો અત્યાચાર દર્શાવે છે કે ભારતમાં
સ્ત્રીઓ સાથે કેવો ક્રૂર વ્યવહાર કરવામાં આવે છે. ભારત કે જે તેના ઔદ્યોગિક વિકાસ માટે ગર્વ લે છે ત્યાં ભારતીય સ્ત્રીઓની દુર્દશા પણ કેવી છે તે પણ દર્શાવે છે. ભારત માટે આ એક ખતરાભર્યો અભિગમ છે.’ ધી ન્યૂ યોર્ક ટાઇમ્સે એથીય આગળ વધીને લખ્યું છે કે ‘ભારતમાં પુરુષોના અધિપત્યવાળું સત્તા માળખું છે. ભારત એક આર્થિક મહાસત્તા તરીકે ઉભરી રહ્યું છે, પરંતુ તેની અડધો અડધ વસ્તી જો ભયના ઓથાર હેઠળ જીવતી હોય તો તે આર્થિક વિકાસનો કોઈ અર્થ નથી.’
ફ્રાન્સથી પ્રગટ થતા અખબાર ‘ધી ફ્રેન્ચ લા મોન્ડે’ લખે છેઃ “દિલ્હીમાં લાગણીઓ અને આક્રોશની ગર્જના થઈ રહી છે. લોકો શેરીઓમાં આવી ગયા છે. કોઈના હાથમાં મીણબત્તી છે તો કોઈ રડી રહ્યું છે.”
એ જ રીતે બ્રિટિશ અખબાર ‘ર્ગાિડયન લખે છેઃ “દિલ્હીની શેરીઓમાં જોવા મળતાં દૃશ્યો પરથી લાગે છે કે, સરકાર સામાન્ય લોકોથી વિમુખ થઈ ગઈ છે. સરકારને સામાન્ય લોકોની લાગણીઓનો હજુ અહેસાસ થયો નથી. ‘ડેનિશ રેડિયોએ પણ એવો અહેવાલ પ્રસારિત કર્યો. રેડિયોએ તેના અહેવાલમાં જણાવ્યું કે, ભારતમાં સ્ત્રીઓ સાથે ભેદભાવ રાખવામાં આવે છે, ભારતમાં સ્ત્રીઓને પરેશાન કરવામાં આવે છે અને તેમની હત્યા પણ કરી દેવામાં આવે છે.”
સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવ બાન કી મૂને પણ ભારતીય પીડિતા સાથે અત્યાચાર કરનાર અપરાધીઓને કડક સજા કરવા આગ્રહ કર્યો.
ઓસ્ટ્રેલિયામાં પણ પીડિત યુવતીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. અમેરિકામાં વસતા ભારતીય અમેરિકનોએ કહ્યું કે, “દિલ્હીની ઘટના અમારા માટે રોજા પાર્કસ જેવી ઘટના છે. ૧૯૫૫માં એક અશ્વેત અમેરિકન મહિલાને સીટ છોડવા માટે કહેવામાં આવ્યું હતું,પરંતુ તેમણે તેમ કરવા ઇનકાર કરી દીધો હતો અને રંગભેદની નીતિ સામે જબરદસ્ત ઝુંબેશ ચલાવી હતી.”
વિશ્વભરમાં ભારત બદનામ થઈ રહ્યું હતું ત્યારે ભારતના કેટલાક નેતાઓ જન આક્રોશને સમજવાના બદલે બેજવાબદાર નિવેદનો કરી રહ્યા હતા. રાજસ્થાનના એક ધારાસભ્યએ કહ્યું કે, “સ્કૂલમાં છોકરીઓએ સ્કર્ટ પહેરીને આવવું જોઈએ નહીં.” હરિયાણાના એક નેતાએ કહ્યું કે, “છોકરીઓને વહેલી પરણાવી દો.” બીજા એક નેતાએ કહ્યું કે. “બળાત્કારનું કારણ છોકરીઓના જિન્સ અને મોબાઈલ ફોન છે.” બીજા એક નેતાએ કહ્યું કે, “ચાઉમીન ખાવાથી બળાત્કાર થાય છે.” પશ્ચિમ બંગાળમાં એક મહિલા પર બળાત્કાર થયો તો મુખ્યમંત્રી મમતા બેનરજી બોલ્યાં કે, “મીડિયા અને વિરોધ પક્ષ મારી સરકારને બદનામ કરવા કોશિશ કરી રહ્યાં છે અને બળાત્કારનો આક્ષેપ સાવ જુઠ્ઠો છે.” એક મહિલા પોલીસ અધિકારીએ બળાત્કારના આરોપીઓને પકડી લીધા તો મુખ્યમંત્રીએ તેની બદલી કરી નાંખી. તૃણમૂલ કોંગ્રેસનાં એક મહિલા સાંસદે તો એવું નિવેદન કર્યું કે, “એ મહિલા તો પહેલેથી જ સેક્સવર્કર છે.” દિલ્હીના ગેંગરેપની ઘટના બાદ પ્રદર્શન કરતી દિલ્હીની મહિલાઓ અંગે બફાટ કરવામાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના પુત્ર અભિજિત મુખરજી પણ બાકાત રહ્યા નહીં!
ખરી વાત એ છે કે દિલ્હીમાં થયેલા ગેંગરેપની ઘટના બાદ ફાટી નીકળેલો સ્વયંભૂ જનાક્રોશ દેશની તમામ પોલિટિકલ પાર્ટીઓ માટે ખતરાની ઘંટી છે. દેશના લોકોને હાલના એક પણ નેતામાં એક પણ રાજકીય પક્ષમાં કે પોલીસમાં હવે વિશ્વાસ નથી. રાહુલ ગાંધી પણ આ બસ ચૂકી ગયા છે. દિલ્હીની ગેંગરેપની ઘટના બાદ તેમણે જ જનાક્રોશની આગેવાની લઈ લેવાની જરૂર હતી. બળાત્કારીઓને ફાંસીની સજાની માંગણી તેમણે જ કરવાની જરૂર નથી. પહેલાં તેઓ દેશને મજબૂત લોકપાલ આપવાની ઝુંબેશ હાથમાં લેવાની તક ચૂકી ગયા અને હવે દેશને ગેંગરેપ સામે સખ્ત કાનૂન અપાવવાની આગેવાની લેવાની તક ચૂકી ગયા. દિલ્હીની પીડિતાને ન્યાય અપાવવા તેઓ ખુલ્લા મેદાનમાં આવ્યા હોત તો તેઓ હીરો બની જાત. તેમના બદલે સોનિયા ગાંધી વધુ ડાહ્યાં સાબિત થયાં. તેઓ લોકોની વચ્ચે જઈને બેઠાં અને પીડિતાના દુઃખ દર્દમાં સહભાગી બન્યાં લાગણી વ્યક્ત કરી. ખેર!
લોકોને હવે એક મહાનાયકની તલાશ છે. ગાંધીજીએ જેમ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ અપાવી તેમ હવે ભારતની નારીઓને ભારતના હવસખોરોમાંથી અને પ્રજાને ભષ્ટાચારમાંથી મુક્તિ અપાવે તેવા એક મહાનાયકની તલાશ છે. આજે તો જ્યાં જુઓ ત્યાં કંસ જ કંસ દેખાય છે. રોજ અનેક દ્રૌપદીનાં ચીરહરણ થાય છે. ચારે બાજુ દુર્યોધન જ દુર્યોધન દેખાય છે. આજે ના તો કોઈ અર્જુન છે કે ના તો કોઈ યુધિષ્ઠિર, ના કોઈ ભીષ્મ કે ના કોઈ દ્રોણ.

Leave a Reply