ભારત-પાક ક્રિકેટ શ્રેણીથી લાખો ક્રિકેટપ્રેમીઓ ખુશ થશે,પરંતુ દેશના રાષ્ટ્રાભિમાનનું શું?
લંડનમાં આ વર્ષે ઓલિમ્પિકનું ભવ્ય આયોજન થયું હતું. મૂળ તો ગ્રીસથી શરૂ થયેલી આ ગેમ્સનો ઉદ્ભવ ગ્રીક્સ, ટ્રોજન્સ, સ્પાર્ટા અને રોમનો વચ્ચે ચાલતી લોહિયાળ જંગ અને ગ્લેડિયેટર્સની જંગલી પ્રથાનો અંત લાવવા શરૂ થઈ હતી. વિશાળ એટેનામાં હજારો લોકોની હાજરીમાં ગુલામોને અંદરોઅંદર લડાવવામાં આવતા અને એકબીજાને ખતમ કરી ન નાંખે ત્યાં સુધી આ લોહિયાળ જંગ ખેલાતો હતો. આનું વાસ્તવિક દૃશ્ય રસેલ ક્રોની મુખ્ય ભૂમિકાવાળી’ગ્લેડિયેટર્સ’ ફિલ્મમાં બહુ જ વાસ્તવિકતા સાથે દર્શાવાયું છે. બાર્બેરિયન શૈલીના મનોરંજનનો અંત લાવવા ઓલિમ્પિક્સની શરૂઆત થઈ હતી, પરંતુ ક્રિકેટની શરૂઆત ઇંગ્લેન્ડમાં થઈ હતી. ઇંગ્લેન્ડના ઉમરાવોએ ક્રિકેટને ગેમ તરીકે નહીં પરંતુ જુગાર અને સટ્ટા બેટિંગ માટે શરૂ કરી હતી. હવે ક્રિકેટ માત્ર સટ્ટા બેટિંગની જ નહીં પરંતુ ચીયરગર્લ્સ સાથેના એન્ટરટેનમેન્ટ અને આંતરરાષ્ટ્રીય ડિપ્લોમસી માટેની ગેમ પણ બની ગઈ છે.
એક લાંબા સમયના વિરામ બાદ ભારતમાં પાકિસ્તાની ક્રિકેટ ટીમ ક્રિકેટ રમવા આવવાની છે. સ્વાભાવિક છે કે આ સમાચારથી ક્રિકેટની પાછળ ક્રેઝી ક્રિકેટરસિકો ખુશ છે. તેઓ ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચેની રોમાંચક ગેમ માણવા ઉત્સુક છે, પરંતુ ભારતની આ ‘ક્રિકેટ ડિપ્લોમસી’થી ભારતના દુશ્મન નંબર-૧ એવા દેશ સાથેના સંબંધો હવે સુધરી જશે એવી આશા રાખવી તે બેવકૂફી છે. દેશની રાજનીતિની રણનીતિ નક્કી કરનારાઓ એ વાત ભૂલી જાય છે કે ૧૯૪૭માં ભારત – પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે જ પાકિસ્તાને ભારત પર હુમલો કરી અડધું કાશ્મીર પડાવી લીધું હતું અને હજુ પણ તે ભાગ ભારતને પાછો સોંપવામાં આવતો નથી. બીસીસીઆઈ એ વાત ભૂલી જાય છે કે તે પછી બે વાર પાકિસ્તાન ભારત પર હુમલો કરી ચૂક્યું છે. પાકિસ્તાનના એક લશ્કરી યુદ્ધ વિમાને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બળવંતરાય મહેતાના વિમાનને તોડી પાડી તેમની હત્યા કરી નાંખી હતી. ક્રિકેટ ગેમના આયોજકો એ વાત ભૂલી જાય છે કે ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી બસમાં બેસીને લાહોર ગયા હતા તે વખતે જ પાકિસ્તાને ભારતની માલિકીના કારગિલમાં ઘૂસણખોરી કરી કારગિલ પર કબજો જમાવી દીધો હતો. પાકિસ્તાની સૈન્યને કારગિલમાંથી ખદેડવાનું બિલ રૂપિયા ૧૦ હજાર કરોડ આવ્યું હતું.
ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચનું આયોજન કરનારા એ વાત ભૂલી જાય છે કે તમે એ દેશ પાસેથી શાંતિ અને સમજની આશા રાખો છો કે જે દેશમાં આતંકવાદ તૈયાર કરવાની ફેક્ટરીઓ છે. ગરીબ યુવાનોને ગુમરાહ કરી ભારત વિરુદ્ધ લડવા તૈયાર કરવામાં આવે છે અને કમરમાં ભયાનક બોમ્બ ભરી આપી કરાચીના બંદરેથી મુંબઈ મોકલી આપવામાં આવે છે. પાકિસ્તાને મોકલેલા અજમલ કસાબ જેવા આતંકવાદીઓ મુંબઈને લોહીલુહાણ કરી નાંખે છે. સેંકડો પરિવારના ચિરાગ છીનવી લે છે. કોઈ પુત્ર ગુમાવે છે તો કોઈ પિતા, કોઈ માતા ગુમાવે છે તો કોઈ ભાઈ. માત્ર મુંબઈ જ નહીં, પરંતુ આવા આતંકવાદીઓ અમદાવાદમાં પણ બોમ્બ વિસ્ફોટ કરી અનેકના જાન લે છે. ગંભીર રીતે ઘવાયેલા દરદીઓને હોસ્પિટલ સારવાર આપી ન શકે એટલા માટે હોસ્પિટલોમાં પણ બોમ્બ વિસ્ફોટ કરવામાં આવે છે. ભારત-પાક ક્રિકેટ મેચના આયોજકો એ વાત ભૂલી જાય છે કે નેપાળના કાઠમંડુ એરપોર્ટ પરથી ભારતીય વિમાનનું અપહરણ કરવાનું કાવતરું પણ પાકિસ્તાનમાં ઘડાયું છે. બદલામાં હાફિઝ સઈદ જેવા ખતરનાક આતંકવાદીને પાક પ્રેરિત આતંકવાદીઓ છોડાવી જાય છે. આ આયોજકો એ વાત પણ ભૂલી જાય છે કે ભારતની લોકશાહીના પવિત્ર મંદિરસમા પાર્લામેન્ટ હાઉસ પર પાકિસ્તાને મોકલેલા આતંકવાદીઓ ગોળીઓ છોડે છે. ક્રિકેટ દ્વારા કરોડો કમાઈ લેવાની લાલચ ધરાવતા ક્રિકેટ માફિયાઓ એ વાત ભૂલી જાય છે કે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ સતત ભારત વિરોધી ષડ્યંત્રો રચ્યા કરે છે. પાકિસ્તાનની ભૂમિ પર ભારતીય ચલણની નકલી નોટો પણ પાકિસ્તાન જ છાપે છે અને નેપાળ તથા બાંગલાદેશના માર્ગે આ નકલી નોટો ભારતમાં ઘુસાડવામાં આવે છે. ભારતના અર્થતંત્રને ખોખલું કરી દેવાની આ ખતરનાક સાજિશ પાકિસ્તાનની જ છે.
સમગ્ર વિશ્વ હવે જાણી ગયું છે કે ભારત એક નબળો દેશ છે. પાકિસ્તાન અને ચીન માટે તો ભારત એક સોફ્ટ ટાર્ગેટ છે. સરદાર સાહેબ, ઇન્દિરા ગાંધી અને લાલબહાદુર શાસ્ત્રીના અવસાન બાદ ભારતને હાંસલ થયેલું નેતૃત્વ નબળું રહ્યું છે. પૂર્વ વડાપ્રધાન આઈ. કે. ગુજરાલ પાકિસ્તાનમાં જન્મ્યા હતા. હાલના વડાપ્રધાન ડો. મનમોહનસિંહ પાકિસ્તાનમાં જન્મ્યા હતા. એ બધાને પાકિસ્તાનમાં આવેલા તેમના જન્મસ્થળ માટે લગાવ હોઈ શકે છે, પરંતુ અટલબિહારી વાજપેયી તો ગ્વાલિયરમાં જન્મ્યા હતા. તેઓ કવિતાઓ ગાતાં ગાતાં પાકિસ્તાન કેમ ગયા હતા, તે ન સમજાય તેવી વાત છે. ભારતના રાજનીતિજ્ઞાોનો આ જ રવૈયો રહ્યો તો બની શકે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તાલિબાનીઓના હૃદયમાં લાગણી અને પ્રેમ પેદા કરવા માટે ભારતીય ટીમને ભવિષ્યમાં અફઘાનિસ્તાન પણ મોકલી દે. ખેલ ખેલ છે અને ક્રિકેટ એ ક્રિકેટ છે. પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાથી પાકિસ્તાન સુધરી જવાનું છે તેવી કલ્પના એબ્સર્ડ છે. એ વાત સમજી શકાય તેમ છે કે ક્રિકેટ સાથે તો આપણી ભાવના જોડાયેલી છે, પરંતુ પાકિસ્તાન સાથે આપણી કઈ લાગણી જોડાયેલી છે? પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાથી બે દેશો વચ્ચે શાંતિ સ્થપાઈ જશે એ વાત કોઈ ડાહ્યો માણસ સ્વીકારશે નહીં.
ખરી વાત એ છે કે બીસીસીઆઈના કેટલાક લોકો ક્રિકેટના ખેલાડીઓને પોતાનું રમકડું સમજે છે કે જેનો રિમોટ દબાવવાથી ટીમ બોલિંગ કે બેટિંગ શરૂ કરી દેશે અને રિમોટ દબાવવાથી બોલિંગ બેટિંગ બંધ કરી દેશે. આ દેશમાં એ ભાવના કેળવવાની જરૂર છે કે દરેક ખેલાડી પહેલાં ભારતીય છે પછી ક્રિકેટર છે. કોઈ પણ ક્રિકેટરની પ્રતિબદ્ધતા પહેલાં રાષ્ટ્ર પ્રત્યે હોવી જોઈએ પછી ક્રિકેટ પ્રત્યે. જે દેશ વર્ષોથી ભારત સાથે ખૂની ખેલ ખેલે છે તેની સાથે ક્રિકેટનો ખેલ ખેલવા આમંત્રણ કેવી રીતે આપી શકાય? બીજા દેશોમાં રમવું પડે તે એક વાત છે પણ ભારતમાં તેમને રમવા બોલાવવા તે અલગ વાત છે.
અભિનંદન તો સુનિલ ગાવસ્કરને આપવાં જોઈએ કે જે એક જ એવી વ્યક્તિ છે જેમણે ભારત-પાક શ્રેણીનો વિરોધ કરતાં કહ્યું કે ભારતમાં શાંતિ માટે પાકિસ્તાન તરફથી કોઈ સહયોગ મળતો નથી તો તેની સાથે ક્રિકેટ રમવાની શી જરૂર છે?
પાકિસ્તાનના ક્રિકેટ ખેલાડીઓ ચોક્કસપણે સારા છે, પ્રોફેશનલ છે, તેમના કૌશલ્યની કદર કરવી જોઈએ, પરંતુ જ્યારે ૧૨૫ કરોડના રાષ્ટ્રના સ્વાભિમાનનો પ્રશ્ન આવે ત્યારે ભારતે પાકિસ્તાન સાથે ક્રિકેટ નહીં રમીને પાકિસ્તાનને અને આખી દુનિયાને ભારતની નારાજગીનો સ્ટ્રોંગ મેસેજ આપવો જોઈતો હતો. આંતરરાષ્ટ્રીય ડિપ્લોમસીની બાબતમાં ભારત પાકિસ્તાન સાથે હંમેશાં માર ખાતું આવ્યું છે. ભૂતકાળમાં ક્રિકેટની કૂટનીતિના ભાગરૂપે જનરલ ઝિયા ઉલ હક જલંધર આવ્યા હતા. પરવેઝ મુશર્રફ પણ ભારત આવ્યા હતા. ગિલાની પણ મેચ જોવા ભારત આવ્યા હતા, પરંતુ ભારતનું અપમાન કરીને જ જતા રહ્યા હતા. પાકિસ્તાનનાં વિદેશમંત્રી હીના રબ્બાનીના ખૂબસૂરત હોઠોની મુસ્કાન પર ભારતના કેટલાક નેતાઓ ખુશ છે પણ એ લોકો એ વાત ભૂલી જાય છે કે ભારત પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો ભોગ બન્યું છે તેના પુરાવા પણ માનવા તેઓ તૈયાર નથી. લાગે છે કે કેન્દ્રમાં બેઠેલા કેટલાક ક્રિકેટપ્રેમી નેતાઓ અને બીસીસીઆઈએ રાષ્ટ્રના સ્વાભિમાનને વેચવા કાઢયું છે. ભારત-પાક ક્રિકેટ સિરીઝ એ ગેમ નહીં પરંતુ સાજિશ છે. પાકિસ્તાનને ઘરઆંગણે બોલાવવાથી ક્રિકેટની ઘેલછા ધરાવતા લાખ્ખો ક્રિકેટચાહકો સ્ટેડિયમો છલકાવી દેશે. બાકીના લોકો ટીવી સામે ચોંટી જશે. અખબારોમાં હેડલાઇન્સ છપાશે, પરંતુ આંતરરાષ્ટ્રીય કૂટનીતિની બાબતોમાં ભારતની કાયરતા જ બહાર આવશે તે સમજી લેવાની જરૂર છે.

Leave a Reply