બરફથી છવાયેલા સમુદ્રની ભીતર ૪૦ ટકા તેલ-ગેસના ભંડાર ધરબાયેલા છે
બાઈબલની કથા છે કે પૃથ્વી પર જન્મેલા પહેલા બે ભાઈઓ પૈકી એકે બીજાની હત્યા કરી નાંખી હતી. ઝઘડો જમીનનો હતો. આખી પૃથ્વી તેમને ખેડવા ઉપલબ્ધ હતી. છતાં શેઢાના ઝઘડે ખૂન થઈ ગયું હતું.
આજે પૃથ્વી પરના વિવિધ દેશો વચ્ચે એવા સ્થળ માટે કોલ્ડવોર ચાલી રહી છે જ્યાં જમીન દેખાતી જ નથી. કરોડો વર્ષોથી બરફ છવાયેલો છે અથવા તો માત્ર દરિયો જ દરિયો છે. માનવ વસતીનું નામોનિશાન નથી.
પૃથ્વી પરનો આર્ક્ટિક વિસ્તાર આવનારાં વર્ષોમાં વિવિધ દેશો વચ્ચે જિયોપોલિટિકલ બેટલ ગ્રાઉન્ડ હશે.
હમણાં થોડા વખત પહેલાં ચીનમાં મળેલી એક રાજકીય પરિષદ દરમિયાન ચીનના એક નિવૃત્ત નેવી કમાન્ડરે કહ્યું કે આર્ક્ટિક વિસ્તાર પર આખી દુનિયાના તમામ દેશોનો અધિકાર છે. તેના પર કોઈ એક દેશનું સાર્વભૌમત્વ હોઈ શકે નહીં. ચીનને પણ આ વિસ્તારમાં રહેલા સ્રોતમાં ભાગીદારીનો અધિકાર છે. ચીનના પૂર્વ નેવી કમાન્ડરના આ નિવેદનથી દુનિયાના કેટલાક માંધાતા દેશોમાં ખળભળાટ મચી ગયો છે.
આર્ક્ટિક સમુદ્રની આસપાસ જે દેશોની રિંગ છે, તેમાં અમેરિકા, કેનેડા, ડેન્માર્ક, નોર્વે અને રશિયા છે. આ બધા જ દેશો એના પર પોતાનો દાવો નોંધાવી રહ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે આ આર્ક્ટિક સર્કલનો ૨૧ મિલિયન ચોરસ કિલોમીટર વિસ્તાર જમીન સ્વરૂપે છે જ્યારે ૧૩ મિલિયન ચોરસ કિલોમીટરનો વિસ્તાર બરફ થઈ ગયેલા સમુદ્રનો છે. તેની સરખામણી કરવી હોય તો જાણ સારુ લખી શકાય કે ભારતનો કુલ જમીન વિસ્તાર ૩.૩ મિલિયન ચોરસ કિલોમીટર છે. એક એવો અંદાજ છે કે આ આર્ક્ટિક વિસ્તારમાં પૃથ્વી પરના કુલ ગેસ અને ક્રૂડનો ૪૦ ટકા ભંડાર ભંડારાયેલો છે. એટલું જ નહીં પણ આ વિસ્તારમાં કોલસો, ઝીંક અને ચાંદી પણ વિપુલ પ્રમાણમાં ધરબાયેલાં છે. ગ્લોબલ ર્વોમિંગના કારણે કરોડો વર્ષોથી છવાયેલો અહીંનો બરફ હવે ધીમે ધીમે ઓગળવા માંડયો છે અને તેના કારણે જ્યાં જ્યાં જમીન ખુલ્લી થાય છે ત્યાં ત્યાં તેલ કે ગેસની ખોજ શક્ય બનતી જાય છે. ૨૦૧૧ના જાન્યુઆરી માસમાં ‘બીપી’ નામની મલ્ટિનેશનલ ઓઈલ કંપનીએ રશિયન આર્ક્ટિક વિસ્તારમાંથી હાઈડ્રોકાર્બનની ખોજ માટે રશિયન સરકારની એક કંપની માટે વ્યૂહાત્મક ભાગીદારી કરાર કર્યા છે.
ઉનાળાના મહિનાઓમાં આર્ક્ટિક વિસ્તારના દરિયામાં વહાણો પણ લઈ જઈ શકાય છે. કેનેડા, રશિયા, અમેરિકાનાં જહાજો આ વિસ્તારમાં ફરતાં જણાય છે. યુરોપથી એશિયા જવા માટે કેટલાંક જહાજો આર્ક્ટિક રૂટનો પણ હવે ઉપયોગ કરે છે. ૧૮મી કે ૧૯મી સદીમાં આ રૂટ અત્યંત જોખમી હતો. હવે હોલેન્ડના રોટાડેમથી અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો બંદર સુધી જવા જહાજો દરિયાના આ રૂટનો ઉપયોગ કરે છે. આ બે દેશો વચ્ચેનું દરિયાઈ અંતર ૪૦૦૦ કિલોમીટર આ રૂટના કારણે ઘટી જાય છે. આ રૂટ ગયા વર્ષથી શરૂ થયો છે.
બીજી નોંધપાત્ર વાત એ છે કે આર્ક્ટિક વિસ્તાર હવે સહેલાણીઓના પ્રવાસના આકર્ષણનું કેન્દ્ર પણ બન્યો છે. અત્યાર સુધી પ્રતિબંધિત ગણાતા આ વિસ્તારમાં ૨૦૧૦ની સાલમાં ૫૦,૦૦૦ જેટલા સહેલાણીઓ આવ્યા હતા અને ઠંડાગાર સમુદ્રમાં સહેલગાહ માણી હતી.
દરેક શક્તિશાળી દેશને અહીં પોતાનો ઈજારો સ્થાપવો છે. જાણવા જેવી વાત એ છે કે આ વિસ્તારથી વિરુદ્ધ પૃથ્વીના બીજા છેડા પર આવેલા એર્ન્ટાકિટકા વિસ્તારમાં વિવિધ દેશો વચ્ચે એર્ન્ટાકિટકા ટ્રીટી નામનો એક કરાર કરવામાં આવ્યો હતો. તેમાં માત્ર સંશોધન અને વૈજ્ઞાનિક પ્રવૃત્તિની જ કામગીરી બનાવવાની વ્યવસ્થા હતી, હવે એ બધી સંધિઓ અભરાઈ પર ચડાવી દેવામાં આવી છે. એર્ન્ટાકિટકા પણ આર્ક્ટિક જેવો જ બરફાચ્છાદિત દરિયો છે. તેનો ૧૪ મિલિયન ચોરસ કિલોમીટર બરફથી ઢંકાયેલો છે. એર્ન્ટાકિટકા પણ વિવિધ ખનીજોથી માંડીને તેલ અને કોલસાથી ભરેલો વિસ્તાર છે.
હવે આર્ક્ટિક વિસ્તારનાં જળ પણ ઉષ્ણ થતાં તેની આસપાસના દેશો તેમના અર્થતંત્રને મજબૂત બનાવવા અહીં દટાયેલા કુદરતી ભંડારોને શોધી કાઢવા માગે છે. તેમાં અમેરિકા, કેનેડા મોખરે છે, પરંતુ રશિયા તેનો વધુ લાભ લઈ શકે તેમ છે તેનું એક કારણ એ છે કે આ વિસ્તાર રશિયામાં વધુ આવે છે અને રશિયનો કાતિલ ઠંડીમાં પણ કામ કરવા ટેવાયેલા છે.
અહીં શરૂ થયેલા નવા શિપિંગ રૂટનું વ્યૂહાત્મક મહત્ત્વ પણ વધી રહ્યું છે. પનામા અને સુએઝ કેનાલ ઘણી વાર રાજદ્વારી કારણસર ગૂંગળાવવામાં આવે છે ત્યારે આ નવો દોર શરૂ થતાં એ બધી જૂની કેનાલો તેમનું આર્થિક મહત્ત્વ ગુમાવશે.
વિચિત્રતા એ છે કે એક તરફ ગ્લોબલ ર્વોમિંગ સામે આખી દુનિયાના પર્યાવરણવાદીઓ બૂમો પાડી રહ્યા છે ત્યારે આ વિસ્તારમાં ગ્લોબલ ર્વોમિંગને કારણે બરફ પીગળી રહ્યો છે, તેની સામે વિશ્વના સમૃદ્ધ દેશો આંખમીંચામણાં કરી રહ્યા છે, કારણ કે બરફ ઓગળે તો જ તેલ અને ગેસ શોધી શકાય અને શિપિંગ પણ થઈ શકે. કેટલાક સમૃદ્ધ દેશો ગ્લોબલ ર્વોમિંગને તેમના આર્થિક સ્વાર્થ માટે ફાયદાકારક સમજે છે. આ કારણથી ગ્લોબલ ર્વોમિંગ ઘટે તેવા પ્રયાસોથી પણ તેઓ દૂર રહે છે. ગ્લોબલ ર્વોમિંગના કારણે વિશ્વભરના હવામાનમાં પલટા આવી રહ્યા છે. ભારતના ચોમાસાને પણ અસર થઈ છે, પરંતુ તેલ અને ગેસની લાયમાં પશ્ચિમના દેશોને ગ્લોબલ ર્વોમિંગ અટકાવવામાં કોઈ જ રસ નથી. આ બધા સમૃદ્ધ દેશો આંતરરાષ્ટ્રીય પરિષદો વખતે માત્ર ભાષણો જ આપે છે અને ઘરઆંગણે તેનો કોઈ જ અમલ કરતા નથી. હા, વિશ્વમાં સહુથી વધુ ઔદ્યોગિકીકરણ ધરાવતા દેશો ભારત જેવા વિકસતા દેશોને ઔદ્યોગિકીકરણ કાબૂમાં રાખવા સલાહો જરૂર આપે છે.
દુનિયાના કેટલાંક રેઈન ફોરેસ્ટને ગ્લોબલ કોમન્સ તરીકે જાહેર કરવામાં આવ્યાં છે. એર્ન્ટાકિટકાને પણ અગાઉ ગ્લોબલ કોમન્સ એટલે કે સહુની ભાગીદારી તરીકે ગણવામાં આવ્યાં છે. ભારત જેવા બિનઆર્ક્ટિક દેશોએ પણ આર્ક્ટિક વિસ્તારમાં તેની ભાગીદારી નોંધાવવા આર્ક્ટિક પ્રદેશોને ગ્લોબલ કોમન્સ તરીકે જાહેર કરવાની માગણી કરવી હવે જરૂરી છે.
ભારતને પણ આર્ક્ટિકના મેનેજમેન્ટમાં ભાગીદાર બનવાનો અધિકાર છે. આ માટે ભારતે વિશ્વના બીજા નોનઆર્ક્ટિક દેશોને ભેગા કરી પબ્લિક ઓપિનિયન ઊભો કરવો જોઈએ. ૧૯૫૯માં એર્ન્ટાકિટકાની બાબતમાં આવી સંધિ થયેલી જ છે. તેવી જ સંધિ આર્ક્ટિક વિસ્તાર માટે પણ થવી જોઈએ તેમ નિષ્ણાતો માને છે.
અલબત્ત, ભારતે ચીનની જેમ આ પ્રદેશ પર સીધો અધિકાર જમાવવાની વાત કરવાને બદલે આર્ક્ટિક કાઉન્સિલના નિરીક્ષક તરીકે તેના કાયમી સભ્ય બનવા પ્રયાસ કરવો જોઈએ.
ભારત પાસે આર્ક્ટિક વિસ્તારમાં તેલ કે ગેસનું સંશોધન કરવાની ટેક્નિકલ જાણકારી કે નાણાં નથી. ૧૯૯૬ની સાલમાં એક આર્ક્ટિક કાઉન્સિલની રચના થયેલી છે. તેમાં અમેરિકા, કેનેડા, રશિયા, નોર્વે, ડેન્માર્ક, સ્વિડન, ફિનલેન્ડ અને નેધરલેન્ડ જેવા સભ્ય દેશો છે. આ કાઉન્સિલે પાંચ દેશોને કાયમી નિરીક્ષક તરીકે નીમ્યા છે, તેમાં યુકે, ફ્રાન્સ, નેધરલેન્ડ, પોલેન્ડ અને ઇટાલી છે. જ્યારે બ્રાઝિલ, ચીન, જાપાન અને દક્ષિણ કોરિયાએ તેમાં નિરીક્ષક તરીકે જોડાવા અરજી કરેલી છે. ભારતે પણ એ કાઉન્સિલના કાયમી ઓબ્ઝર્વર તરીકે જોડાઈને તે દ્વારા તેનો લાભ ઉઠાવવા પ્રયાસ કરવો જોઈએ. આર્ક્ટિક પ્રદેશ પર સીધો કબજો કે ભાગીદારી નોંધાવવાની તાકાત ભારત પાસે નથી. ભારતે એક જવાબદાર ગ્લોબલ પાવર ક્ષેત્રે પોતાનો જવાબદારીપૂર્વકનો ફાળો આપવો જોઈએ.

Leave a Reply