Devendra Patel

Journalist and Author

Month: January 2014 (Page 2 of 2)

VIP ઓની લાલબત્તી સામે આમઆદમીની ‘લાલબત્તી’

બ્રાઝિલની વર્કસ પાર્ટીમાંથી કેજરીવાલે શોધી કાઢયો મહોલ્લાસભાનો વિચાર

દેશના કદાવર અને હાઈપ્રોફાઈલ નેતાઓની સામે એક આમઆદમી નમ્રતાથી ઊભો છે. કેટલાક નેતાઓ રાખોડી રંગના સ્કાર્ફ અને નેવીબ્લ્યૂ સ્વેટરમાં સ્માર્ટ લાગે છે, ડિઝાઈનર્સ દ્વારા સૂચવાયેલાં સ્પેકટેકલ્સ પહેરે છે, બ્રાન્ડેડ શૂઝ અને વોચ પહેરે છે, પરંતુ અરવિંદ કેજરીવાલ તે પૈકીના એક નથી. તેઓ સાદું શર્ટ, સાદું પેન્ટ અને એનાં એ જ શૂઝ. દિલ્હીના સમાજશાસ્ત્રી શિવ વિશ્વનાથન કહે છે : “એ સામાન્ય માનવી લાગે છે એ જ એનો યુએસપી (યુનિક સેલિંગ પોઈન્ટ) છે.”

VIP ઓની લાલબત્તી સામે આમઆદમીની 'લાલબત્તી'

ડિઝાઈનર્સ શું કહે છે?

ડિઝાઈનર રિતુ કુમાર કહે છે : “સ્ટાઈલિસ્ટ ડ્રેસ એ તમારા વ્યક્તિત્વનું પ્રતિબિંબ છે, પરંતુ અરવિંદ કેજરીવાલનો સામાન્ય માનવી જેવો અતિ સામાન્ય દેખાવ તેની વિચારધારાનું પ્રતિબિંબ છે. એ વર્ષો પહેલાંના-આઝાદ જંગ વખતના ભારતના ખાદી પહેરતાં નેતાઓની યાદ અપાવે છે. અરવિંદ કેજરીવાલ સામાન્ય રીતે ચેક્સનું અડધી બાંયનું શર્ટ પહેરે છે. કાન ઢંકાય તે રીતે માથા સુધી મફલર વીંટાળી રાખે છે. ટોપી પણ નહેરુના જમાનાની પરંપરા છે. સામાન્ય રીતે બ્લ્યૂ કે ગ્રે પુલઓવર પહેરે છે. ભડકીલાં રંગોથી તે દૂર છે. ફ્રેમલેસ ચશ્મા અને સાદી મૂછો એ એમની સામાન્ય માનવી તરીકે અસર સંપૂર્ણ કરે છે. કેજરીવાલ ‘અનબ્રાન્ડેડ ફિચર્સનું કલેક્શન’ છે.” નિષ્ણાતો કેજરીવાલના વ્યક્તિત્વનું વિશ્લેષણ કરતાં કહે છે : “એ એક એવો સામાન્ય માણસ છે કે, એના જેવા સેંકડો લોકોને તમે મળ્યા હશો અને તેમનાં નામ પણ તમને યાદ નહીં હોય. તે પોતાની જાત સાથે અને લોકો સાથે પણ’કમ્ફર્ટેબલ’ છે. દિલ્હીના લેફ્ટ. ગવર્નરને મળવા જતી વખતે પણ એ જ સાદાં વસ્ત્રો પહેરે છે.” તેઓ પોતાના વસ્ત્રોની બહુ દરકાર કરતાં નથી અને તે પણ સ્વાભાવિક રીતે, દિલ્હીના મુખ્યમંત્રી તરીકે તેઓ કેટલું ટકશે તે નક્કી નથી, પરંતુ મુખ્યમંત્રી તરીકે શપથ લેવા માટે તેમણે નવાં વસ્ત્રો સીવડાવ્યા નથી. એક મનોવૈજ્ઞાનિક કહે છે : “તેઓ નેતા જેવા દેખાતા નથી તેથી કોઈ ચિંતા કરવા જેવું નથી, કારણ કે તેઓ જે સ્થળે ઊભા છે તે નેતા તરીકે નહીં, પરંતુ સામાન્ય લોકોના પ્રતિનિધિ તરીકે ઊભા છે અને ઉપસ્યા છે.” આજે નેતાઓ કોઈના લગ્નમાં કે બેસણામાં જાય તો પણ પોલીસ, પાયલોટ કાર, સાયરનોની ચિચિયારી અને લાલબત્તીની કાર વિના જતા નથી ત્યારે કેજરીવાલે લાલબત્તીવાળી કાર, બંગલો અને પોલીસ સલામતીને ફગાવી દીધાં છે. અત્યાર સુધીમાં ભારતના નવા નેતાઓએ જે કર્યું એ બધાથી જ ઊંધું કેજરીવાલ કરી રહ્યા છે. ભારતની પ્રજા પણ આવા વિકલ્પને આલિંગન આપવા તૈયાર હોય એમ લાગે છે. કેજરીવાલ મંત્રીમંડળની યુવા મંત્રી રાખી બિરલા તો આજે રિક્ષામાં બેસી સચિવાલય ગયાં.

કેજરીવાલની કારકિર્દી

અરવિંદ કેજરીવાલ હરિયાણાના સિવાની નામના ગામમાં જન્મેલા છે. તેમનો જન્મ તા. ૧૬ ઓગસ્ટ, ૧૯૬૮ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ ગોવિંદરામ કેજરીવાલ અને માતાનું નામ ગીતાદેવી છે. તેઓ સુખી પરિવારમાંથી આવે છે. કેજરીવાલ હિસારની કેમ્પસ સ્કૂલમાં ભણેલા છે. તે પછી તેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી, ખડગપુર દ્વારા મિકેનિકલ એન્જિનિયર થયા હતા. શરૂઆતમાં તેમણે તાતા સ્ટીલમાં કામ કર્યું હતું. ૧૯૯૨માં તે નોકરી છોડી તેમણે સિવિલ સર્વિસીઝની પરીક્ષાઓ માટે અભ્યાસ શરૂ કર્યો હતો. ૧૯૯૫માં તેઓ ઇન્ડિયન રેવન્યૂ સર્વિસમાં જોડાયા હતા અને આવકવેરા વિભાગમાં જોઈન્ટ કમિશનર બન્યા હતા. ૨૦૦૨માં આવકવેરા ખાતામાંથી રાજીનામું આપી તેમણે દિલ્હીમાં ‘પરિવર્તન’ નામની સ્વૈચ્છિક સંસ્થા શરૂ કરી હતી. દિલ્હીમાં સરકારી વિભાગોમાં ચાલતાં ભ્રષ્ટાચાર સામે તેમણે નાના પાયે ઝુંબેશ શરૂ કરી હતી અને નાના નાના માણસોને મદદ કરવાની શરૂઆત કરી હતી. વીજળીનાં બિલોથી માંડીને રેશનકાર્ડની બાબતોમાં તેઓ મદદ કરતા હતા. તેમણે દિલ્હીમાં માહિતીના અધિકારનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. તે પછી તેઓ અણ્ણા હઝારેના જનલોકપાલ બિલની લડતમાં જોડાયા હતા અને નવેમ્બર, ૨૦૧૨માં તેમણે આમઆદમી પાર્ટી શરૂ કરી.

નાણાં સંસ્થાને આપ્યાં

દેશની ફેસબૂક અને ટ્વિટર જેવી સોશિયલ નેટર્વિંકગ સાઈટ્સનો સૌથી વધુ ઉપયોગ કરનાર ભારતના પાંચ રાજકારણીઓ પૈકીના એક છે. દિલ્હીની ચૂંટણીમાં પણ તેમણે આ બધાનો ભરપૂર ઉપયોગ કર્યો. દિલ્હીનાં અતિ લોકપ્રિય ‘આન્ટી’ તરીકે ઓળખાતાં શીલા દીક્ષિતને હરાવ્યા બાદ કેજરીવાલ દિલ્હીના સૌથી યુવાન મુખ્યમંત્રી બન્યા છે. ૨૦૦૬માં તેઓ ‘રેમન મેગ્સેસે એવોર્ડ’ પ્રાપ્ત કરી ચૂક્યા છે. આ એવોર્ડથી પ્રાપ્ત થયેલી ધનરાશી તેઓ પબ્લિક કોઝ રિસર્ચ ફાઉન્ડેશન નામની સંસ્થાને કોર્પસ ફંડ તરીકે ભેટ આપી ચૂક્યા છે. એ નાણાં પોતાના ઘરમાં લઈ ગયા નથી. ગુજરાતમાંથી કેન્દ્રમાં ગયેલા કેબિનેટમંત્રી દિનશા પટેલ જ એક એવા મંત્રી છે કે જેઓ છેલ્લા ૪૦ વર્ષથી પહેલાં ધારાસભ્ય તરીકે અને હવે સંસદસભ્ય તરીકે મળતું તમામ વેતન સામાજિક સંસ્થાઓને આપી દે છે. અરવિંદ કેજરીવાલનાં પત્નીનું નામ સુનિતા કે જેઓ ખુદ ઇન્કમટેક્સ કમિશનર છે. તેઓ સાથે જ ભણતાં હતાં. તેમને બે દીકરીઓ અને એક પુત્ર છે. કેજરીવાલ શાકાહારી છે અને વર્ષોથી વિપાસના કરે છે.

પુસ્તક : ‘સ્વરાજ’

અરવિંદ કેજરીવાલે ૨૦૧૨માં એક પુસ્તક લખ્યું હતું, જેનું નામ ‘સ્વરાજ’ છે. આ પુસ્તક તેમણે સ્વરાજની રાહ જોઈ રહેલી દેશની જનતાને અર્પણ કર્યું છે. આ પુસ્તક દ્વારા તેઓ સત્તા નાનામાં નાના માણસ સુધી એટલે કે ‘મહોલ્લા સભા’ને સોંપવાની વાત કરે છે. આ પુસ્તક તેમનો રોડમેપ છે, તેમાં તેમનું સ્વપ્ન છે. આ પુસ્તકમાં તેઓ બ્રાઝિલ, સ્વિત્ઝરલેન્ડ અને અમેરિકાનાં ઉદાહરણો આપે છે. આ પુસ્તકમાં કેજરીવાલ લખે છે : “બ્રાઝિલમાં ૧૩ લાખ લોકોની વસતી ધરાવતું પોર્ટો એલેગ્રે નામનું એક નાનકડું નગર છે. આ નગરમાં ૩૦થી ૪૦ ટકા વસતી ઝૂંપડપટ્ટીમાં રહે છે. ૧૯૯૦માં વર્કર્સ પાર્ટીએ બ્રાઝિલમાં સરકાર રચી. એ વખતે આ ગરીબ વિસ્તારમાં રસ્તા, ગટર, પીવાનું પાણી કે વીજળી જેવી કોઈ સવલતો નહોતી. સ્કૂલો પણ નહોતી. એ કારણથી વર્ક્સ પાર્ટીએ સરકારી કચેરીના બિલ્ડિંગના એક બંધ રૂમમાં બેસી બજેટ બનાવવાના બદલે પ્રધાનો એ ઝૂંપડપટ્ટીની વચ્ચે અને મહોલ્લાઓની વચ્ચે ગયા અને તેમની જરૂરિયાતો પ્રમાણે શેરીઓમાં જ બેસીને બજેટ બનાવ્યું. એ યોજના જબરદસ્ત સફળ રહી. તો પછી ભારત જેવા દેશમાં બજેટ વિધાનસભાના હોલમાં કે બંધ રૂમોમાં શા માટે બનાવવામાં આવે છે ? ખરેખર તો બજેટ લોકોની વચ્ચે શેરીઓમાં જઈ તેમની મુશ્કેલીઓ જાણી, તેમની જરૂરિયાતો પ્રમાણે જ બનાવવું જોઈએ. બ્રાઝિલમાં આ પ્રયોગ સફળ થયો છે અને વર્ક્સ પાર્ટી નામનો રાજકીય પક્ષ એક પણ ચૂંટણી હાર્યા વગર છેલ્લા ૧૫ વર્ષથી સત્તા પર છે.

સ્વિત્ઝરલેન્ડમાં પણ

સ્વિત્ઝરલેન્ડનું ઉદાહરણ ટાંકતા કેજરીવાલ કહે છે : “સ્વિત્ઝરલેન્ડમાં પણ લોકોનો તેના બંધારણ પર સીધો કાબૂ છે. સ્વિત્ઝરલેન્ડમાં ૨૫૦૦૦ લોકો બંધારણમાં કોઈ ફેરફાર માટે લેખિત માગણી કરે તો સરકારે તે ફેરફાર માટે પાર્લામેન્ટમાં બિલ લાવવું જ પડે છે. એટલે ચૂંટાયેલા લોકો જ માગણી કરે તે જરૂરી નથી. લોકો બંધારણમાં ફેરફાર માટે પણ માગણી કરી શકે છે અને પાર્લામેન્ટમાં તે બિલ લાવી, તેની પર ચર્ચા કરવી પડે છે. એથી ઊલટું ભારતમાં છે. ભારતમાં ૫૦,૦૦૦ લોકો પણ કોઈપણ સરકાર સમક્ષ કોઈ લેખિત માગણી કરે તો સરકાર તે કાગળ મળ્યાની રસીદ પણ આપતી નથી.”

લાગે છે કે, અરવિંદ કેજરીવાલ દેશના હાલના તમામ નેતાઓ માટે એક પડકાર છે. આમઆદમી પાર્ટીની દિલ્હીની સફળતા બાદ તેની અસર આખા દેશમાં થઈ છે અને બીજા હજારો કેજરીવાલ પેદા થવાની તૈયારીમાં છે. લાલબત્તીના શોખીન નેતાઓ માટે કેજરીવાલ જ એક લાલબત્તી છે.

અણ્ણાને ‘ગાંધીજી’ કહેનારા ચેલા જ ગુરુની સામે પડયા !

દિલ્હીમાં મુખ્યમંત્રી બનનાર કેજરીવાલ વીજળીનાં બિલ હવે અડધાં કરી બતાવે

લોકપાલ બિલ લોકસભા અને રાજ્યસભામાંથી પસાર થઈ ગયું. આઝાદી પછી પહેલી જ વાર લોકપાલની સત્તા સંસદની સમાંતર હશે અને કેટલાક ખાસ મામલાઓને છોડીને વડા પ્રધાનની પણ તે પૂછપરછ કરી શકશે. ભારતનું બંધારણ સંસદને સર્વોચ્ચ માને છે,પરંતુ લોકપાલ બનવાથી કદીક વડા પ્રધાનપદની ગરિમાને પણ અસર થઈ શકે છે. લોકપાલના ફાયદા ઘણા છે, પરંતુ સાથે એ પણ શક્ય છે કે, કોઈપણ સરકારી કર્મચારી કે અધિકારી ક્યારેક સાચો નિર્ણય લેતાં પણ ડરશે. મંત્રીઓ પણ ડરશે અને તેથી અનિર્ણયાત્મકતાનો ભોગ પણ તંત્ર બની શકે છે. કારણ કે અસરગ્રસ્ત કોઈપણ વ્યક્તિ આ લોકોની વિરુદ્ધ ફરિયાદ કરી તપાસ શરૂ કરાવી શકે છે. આજનો અધિકારી વર્ગ આમેય પલાયનવાદી થઈ રહ્યો છે ત્યારે લોકપાલની આડઅસર સૌથી વધુ એવા વર્ગને પ્રભાવિત કરશે.

અણ્ણાને 'ગાંધીજી' કહેનારા ચેલા જ ગુરુની સામે પડયા !

ગુરુ-ચેલો
હવે વાત ગુરુ-ચેલાની.

એક જમાનો હતો જ્યારે ઋષિ-મુનિઓ પોતાના શિષ્યો બનાવતા હતા. આજે યુગ બદલાઈ ગયો છે. આજે ચેલાઓ પોતાના ગુરુ સામેથી બનાવી લે છે. પરિણામ એ આવે છે કે, ગુરુને બાજુમાં રાખી ચેલા આગળ નીકળી જાય છે. ગુરુ ગોળ જ રહી જ જાય છે અને ચેલો સાકર બની જાય છે. અણ્ણા હઝારેએ દેશમાંથી ભ્રષ્ટાચાર હટાવવા માટે લોકપાલ બિલ લાવવા દિલ્હીમાં ઉપવાસ આંદોલન શરૂ કર્યું ત્યારે અણ્ણા હઝારે અરવિંદ કેજરીવાલને શોધવા ગયા નહોતા, પરંતુ કેજરીવાલે સામેથી જ અણ્ણાને પોતાના ગુરુ સ્થાપિત કરી દીધા હતા. બંને ઉપવાસી બની ગયા હતા, પરંતુ અરવિંદ કેજરીવાલનો સક્રિય રાજનીતિમાં જવાનો નિર્ણય અણ્ણા હઝારેને ગમ્યો નહોતો. તેઓ તેમનાથી દૂર થઈ ગયા. અરવિંદ કેજરીવાલ એક ચેક લઈને રાલેગણ સિદ્ધિ ગયા ત્યારે અણ્ણાએ એ ચેક સ્વીકારવા ઇનકાર કરી દીધો હતો. કેજરીવાલે દિલ્હીમાં ચૂંટણી ઝુંબેશ શરૂ કરી ત્યારે પોતાના નામે કોઈ ફંડ નહીં ઉઘરાવવા અણ્ણાએ તાકીદ કરી હતી. અરવિંદ કેજરીવાલે શરૂ કરેલી આમઆદમી પાર્ટીએ દિલ્હીમાં ૨૮ બેઠકો કબજે કરી લીધી તે પછી અણ્ણા પણ વિચારમાં પડી ગયા હતા. અલબત્ત, આ પરિણામો પછી ગુરુ-ચેલા વચ્ચે અંતર વધ્યું. અણ્ણાના એક સાથીદારને અણ્ણાએ રાલેગણ સિદ્ધિમાંથી બહાર રવાના કરી દીધો. હકીકત એ છે કે, અરવિંદ કેજરીવાલ અને તેમના સહયોગી વચ્ચે દિલ્હીમાં ઉપવાસ વખતે જ અંદરોઅંદરના મતભેદ સામે આવી ગયા હતા. કેટલાક લોકો એકબીજાને મંચ પર જોવા માગતા નહોતા. વાસ્તવિકતા એ છે કે, અણ્ણા હઝારેએ એમને ચેલા બનાવ્યા નહોતા, પરંતુ ચેલાઓ તેમને રાલેગણ સિદ્ધિથી પકડીને દિલ્હી લાવ્યા હતા. કહેવત છે કે ગુરુ વિના જ્ઞાન નહીં, પરંતુ આજના જમાનામાં ચેલા વિના કામ નહીં એવી પરિસ્થિતિ છે. ઇલેક્ટ્રોનિક્સ અને પ્રિન્ટ મીડિયાએ અણ્ણાને તેમના કદ કરતાં મોટા આંદોલનકારી બનાવી દીધા. પરિણામ એ આવ્યું કે, ચેલાઓએ અણ્ણાના મહોરાનો ઉપયોગ કર્યો અને ચેલાઓ દેશભરમાં લોકપ્રિય થઈ ગયા. લોકપ્રિયતા હાંસલ થતાં જ ચેલાઓએ રાજકીય પક્ષ બનાવી દીધો અને હવે પરિણામ સૌની સામે છે.

આમને સામને

બાકી એ વાત સ્પષ્ટ છે કે, જે ચેલાઓએ તેમના ગુરુ અણ્ણાને જયપ્રકાશ નારાયણ અને ગાંધીજીની ઉપમા આપી હતી તે ચેલાઓ જ આજે ગુરુની વિરુદ્ધ છે. ગુરુ અને ચેલાઓએ હવે એકબીજા સામે તલવારો ખેંચી લીધી છે. અણ્ણા હઝારેએ રાહુલ ગાંધીને, સુષ્મા સ્વરાજને તથા અરુણ જેટલીને લોકપાલ બિલ પસાર કરવા માટે અભિનંદન આપ્યાં છે. તેની સામે આમઆદમી પાર્ટીએ અણ્ણા હઝારેના બદલાયેલા વલણ પ્રત્યે અસંતોષ અને નારાજગી વ્યક્ત કરી છે. અણ્ણા અને તેમના ચેલાઓ વચ્ચે જ્ઞાનતંતુઓનું છૂપું યુદ્ધ ક્યારનુંયે છેડાઈ ગયું હતું. અણ્ણા શરૂઆતથી જ પોતાની બિનરાજકીય છબી જાળવી રાખવા માગતા હતા. અણ્ણાએ પોતાના ચેલાઓને બાજુમાં રાખી મુંબઈમાં ઉપવાસ આંદોલન શરૂ કર્યું, પરંતુ માનવી ભીડ એકત્ર કરી શક્યા નહીં. બીજી બાજુ દિલ્હીમાં તેમના ચેલાઓ સરકાર વિરુદ્ધ આક્રોશ-આંદોલન ચલાવતાં રહ્યાં. એ આંદોલન પછી જ સત્તા માટે જંગ શરૂ થી ગયો. એ પછી આમઆદમી પાર્ટી ભારતમાં રાજનૈતિક પાર્ટીના સ્વીકૃત અને પ્રચલિત સિદ્ધાંતો પર અતિક્રમણ કરી અસ્તિત્વમાં આવી. કોઈ સામાજિક આંદોલનના ગર્ભમાંથી રાજનૈતિક પાર્ટીનો જન્મ એ એક અપવાદ છે. આંદોલન કરવાવાળા હવે રાજનીતિ કરવા લાગ્યા. સત્તા પર આવતાં જ વીજળીના બિલ અડધા કરી દેવાનો વાયદો કરીને આમઆદમી પાર્ટી દિલ્હીમાં ૨૮ બેઠકો લઈ આવી. રાજનીતિ એક ખતરનાક અને લપસણી રમત છે. અણ્ણા તો બચી ગયા, પરંતુ કેજરીવાલ એ રમતનો એક ભાગ બની ગયા છે. હવે બીજીવાર ચૂંટણી થાય તો દિલ્હીની જનતા ૨૮થી વધુ બેઠકો આપે છે કે તેથી ઓછી તે તો આવનારો સમય જ કહેશે.

લપસણી છે રાજનીતિ

એ વાત સાચી છે કે, સારા માણસોએ રાજનીતિમાં આવવું જોઈએ, પરંતુ રાજનીતિ એક ડેન્જરસ ગેમ છે. ઇતિહાસ ગવાહ છે કે,સત્તા હાંસલ કરવા ઔરંગઝેબે પોતાના પિતાને કેદખાનામાં નાખ્યા હતા. ઇતિહાસ ગવાહ છે કે, સિંહાસન કબજે કરવા પુત્રએ પિતાની હત્યા કરી હતી. (રેફ. ફિલ્મ ગ્લેડિયેટર્સ). સિંહાસન કબજે કરવા ક્લિયોપેટ્રાએ પોતાના સગા ભાઈની જુલિયસ સિઝરના હાથે હત્યા કરાવી હતી. રાજનીતિ ભલભલા માણસોને બગાડે છે. પાણીમાં હોવું અને ના ભીંજાવું એ શક્ય નથી. આજે વ્યક્તિગત રીતે સ્વચ્છ હોવા છતાં અરવિંદ કેજરીવાલ એવા જ સ્વચ્છ અણ્ણા હઝારે સામે તીર ફેંકી રહ્યા છે. એ જ રીતે અણ્ણા હઝારે પણ કહી ચૂક્યા છે : “મને તો આ લોકપાલ બિલથી સંતોષ છે જેમને એનાથી અસંતોષ હોય તે હવે ઉપવાસ કરે અને આંદોલન ચલાવે.” ટૂંકમાં અરવિંદ કેજરીવાલ અને તેમના સાથીઓએ હવે નક્કી કરવાનું છે કે, દિલ્હીમાં તેમની ઇચ્છા મુજબના લોકપાલ બિલ માટે તેમણે આરમણાંત આંદોલન કરવું કે રાજનીતિ કરવી ?

વચનો પૂરાં કરો

વિશ્વના કેટલાક અન્ય દેશોમાં પણ આમઆદમી જેવી પાર્ટીઓ બનેલી છે. અમેરિકામાં એક ‘ટી-પાર્ટી’ બની હતી. એ વાત સાચી છે કે, અરવિંદ કેજરીવાલની આમઆદમી પાર્ટી શહેરી, મધ્યમ વર્ગ અને યુવાનોની અવધારણા છે, જે પરંપરાગત રાજનીતિથી નારાજ છે, પરંતુ કડવું સત્ય એ છે કે, આમઆદમી પાર્ટી પરંપરાગત રાજનીતિ નહીં શીખે તો જે લોકોની ભાવનાઓ પર એ પાર્ટી બની છે તે લોકો જ તેમનાથી દૂર થઈ જશે. આમઆદમી પાર્ટીએ દિલ્હીમાં સત્તા પર બેસી તેમણે આપેલાં વચનો પૂરાં કરી તેમની સચ્ચાઈની ખાતરી પ્રજાને કરાવવી પડશે અને તેમાં પહેલું કામ છે વીજળીનાં બિલ અડધા કરી દેવાનું. પ્રજાને ૭૦૦ લીટર પાણી મફત આપવાનું વચન પણ તેમણે પૂરું કરવું પડશે. ઝૂંપડપટ્ટીને રેગ્યુલાઈઝ કરવાનું પણ તેમણે વચન આપ્યું છે. વીજળીના બિલ અડધા કરી દેવાની વાતમાં જ કેજરીવાલનો ટેસ્ટ થઈ જવાનો છે. કારણ કે વીજળીનું અંકગણિત તેઓ જાણતા નથી. ઝૂંપડપટ્ટીને નિયમસર કરવાનું શક્ય નથી, કારણ કે દિલ્હીની જમીન અને બાંધકામ કેન્દ્ર સરકાર હસ્તક છે, દિલ્હી સરકાર હેઠળ નહીં, જેના કેજરીવાલ મુખ્યમંત્રી બનવાના છે.

અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી બન્યા પછી વિજળીના બીલમાં ૫૦ ટકા ઘટાડો કરાવી શકશે અને દિલ્હીની જનતાને ૭૦૦ લીટર પાણી મફત આપી શકશે તો દેશના વડાપ્રધાન તરીકે તેઓ પણ એક ઉમેદવાર હશે અને તેઓ નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી માટે પણ એક પડકાર હશે.

સેક્સ અને વાઇરસ

રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ

ડોક્ટરોએ અત્યાર સુધીમાં કેટલીક પ્રકારનાં કેન્સર માટે સિગારેટ અને આલ્કોહોલને જવાબદાર ઠેરવ્યાં છે, પરંતુ હવે બીજાં પરિબળો પણ ગળાના કેન્સર માટે જવાબદાર હોવાનું બહાર આવ્યું છે.

માન્યતાનો કેસ

દિલ્હીમાં રહેતી માન્યતા હજુ ૨૧ વર્ષની વયની છે. હમણાં સુધી તે આરામદાયક જિંદગી જીવતી હતી. એક કોર્પોરેટ કંપનીમાં રૂપિયા ૬૦ હજારનું વેતન ધરાવતી સારી નોકરી કરે છે. એક દિવસ તેના ગળામાં કોઈ તકલીફ થઈ. તે ડોક્ટરની પાસે ગઈ. એન્ટિ બાયોટિક્સ દવાઓ પછી પણ તેને સારું ન થયું. એ ડોક્ટરો બદલતી રહી. અવનવા ટેસ્ટ કરાવતી રહી.

છેવટે ડોક્ટરોએ શોધી કાઢયું કે તેને ગળાનું કેન્સર છે. માન્યતા પોતાના શરીરની અત્યંત કાળજી રાખતી હતી. તે સિગારેટ પીતી નહોતી. ડ્રિંક્સ પણ લેતી ન હતી. ડોક્ટરોની પૂછપરછ બાદ બહાર આવ્યું કે તેને ઓરલ સેક્સની ટેવ હતી. તેને અનેક સાથીઓ હતા.તે રેગ્યુલર ઓરલ સેક્સ કરતી હતી. ડોક્ટરોએ તેને કહ્યું કે ઓરલ સેક્સ પણ મોં અને ગળાના કેન્સરનું એક કારણ હોઈ શકે છે. કેટલાક મહિનાઓ અગાઉ હોલિવૂડના સુપ્રસિદ્ધ એક્ટર માઈકલ ડગ્લાસે પણ જાહેર કર્યું કે તેને મોઢાનું કેન્સર છે અને તેને પણ ઓરલ સેક્સની ટેવ હતી.

ખતરનાક વાઇરસ

ભારતના તબીબો પણ એ વાત સારી રીતે જાણે છે કે ધૂમ્રપાન ન કરતાં અને શરાબ ન પીતાં લોકોને પણ મોઢાનું અને ગળાનું કેન્સર થતું હોય છે અને તેનું કારણ ઓરલ સેક્સ છે. તબીબી પરિભાષામાં તેને ‘ઓરોફ્રેટીન્જિયલ કેન્સર’ કહે છે. ઓરલ સેક્સ દરમિયાન એક ખતરનાક વાઇરસ મોંની અંદરના નાજુક ભાગોમાં કે ગ્રંથિઓમાં પ્રવેશે છે. ગળામાં અનેક ગ્રંથિઓ આવેલી છે. આ વાઇરસ લાંબો સમય સુધી ગ્રંથિઓમાં પડયો રહે છે, પરંતુ તે ગમે ત્યારે સક્રિય થઈ શકે છે અને તેના કારણે કેન્સર થઈ શકે છે. પશ્ચિમના દેશોના હ્યુમન પેપિલોમા વાઇરસ(HPV) ટાઈપ નામનો વાઇરસ મોઢાની અંદર અથવા ગળામાં કેન્સર સર્જતો હોવાનું શોધી કાઢવામાં આવ્યું છે.

‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’માં તાજેતરમાં પ્રગટ થયેલ એક અહેવાલ અનુસાર અમેરિકન લોકોને થતા મોઢાની અંદરનાં અને ગળાનાં કેન્સર પૈકી ૭૦ ટકા કેન્સર એચપીવી વાઇરસને કારણે થાય છે. ત્રણ દાયકા પહેલાં આ આંકડો માત્ર ૧૫ ટકા હતો. હવે અમેરિકામાં ઓરલ સેક્સ વધતાં આ ટકાવારી વધવા પામી છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન પણ વ્હાઈટ હાઉસમાં કામ કરતી મોનિકા લેવિન્સ્કી નામની એક આસિસ્ટન્ટ સાથે પણ ઓરલ સેક્સ કરતા હોવાની વાત બહાર આવી હતી. ડોક્ટરો માને છે કે પોર્ન ફિલ્મો અને ઇન્ટરનેટ પર સેક્સનાં દૃશ્યોના ખુલ્લાં પ્રદર્શનને કારણે ભારતનાં યુવક અને યુવતીઓ પણ ઓરલ સેક્સની બદીમાં વધુ ને વધુ સંડોવાતાં જાય છે. ખાસ કરીને યુવતીઓમાં ઓરલ સેક્સની ઘેલછા વધતી જાય છે.

મેડિકલ જર્નલ

ન્યૂ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિન ૨૦૦૭માં ડો. મૌરા ગિલીસન અને તેમના સાથીએ કરેલા એક સંશોધનાત્મક અભ્યાસનો અહેવાલ પ્રગટ કરવામાં આવ્યો છે. તે અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે જે લોકો એચપીવી-૧૬ વાઇરસથી સંક્રમિત થાય છે તેમને બીજા લોકો કરતાં ગળાનું કેન્સર થવાની શક્યતા ૩૨ ગણી વધુ રહે છે.

અમેરિકાના મેરીલેન્ડ ખાતે આવેલી જ્હોન હોપકિન્સ બ્લૂમબર્ગ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના એસોસિએટ પ્રોફેસર જિપ્સીમ્બર ડી’સોઝા પણ આ વાતની પુષ્ટિ આપતાં કહે છે કે અમેરિકામાં એચપીવી-૧૬ સાથે સંકળાયેલા ઓરલ કેન્સરના પ્રમાણમાં અચાનક જ વધારો થયો છે. નિષ્ણાતો કહે છે કે ઓરલ સેક્સ સિવાય પણ એચપીવી-૧૬ વાઇરસ ત્વચાના સંપર્કથી પણ સંક્રમિત થઈ શકે છે. એટલે કે ઇન્દ્રિય ટ્રેકમાં રહેલા મ્યુક્સ, સલાઇવા, સિમેન તથા યુરિન મારફતે પણ આ ખતરનાક વાઇરસ સંક્રમિત થઈ શકે છે. સેક્સ્યુઅલી એક્ટિવ પુખ્તોમાં આ વાઇરસ કોમન જ છે. ઘણા લોકોમાં તેનો સામનો કરવાની હિંમત હોય છે, પરંતુ કેટલાક લોકો એચપીવી-૧૬ વાઇરસને કારણે ઓરલ, વજાઈનલ, સર્વિકલ, પેનાઈલ તથા વલ્વર કેન્સરનો ભોગ બને છે. એમાં સ્ત્રી અને પુરુષો એમ બંનેનો સમાવેશ થાય છે.

૧૦ લાખ અસરગ્રસ્ત

ભારતમાં દર વર્ષે લગભગ ૧૦ લાખ લોકોને કેન્સર થાય છે. તેમાં હાલ તો બે ટકા લોકોને ઓરલ એટલે કે મોઢાની અંદરનું કે ગળાનું કેન્સર થાય છે. એ બે ટકામાંથી ૬૦૦૦ દરદીઓ એચપીવી-૧૬ વાઇરસનો ભોગ બનેલા હોય છે. સહુથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે કેટલાક દાયકાઓ પૂર્વે માત્ર ઉંમરલાયક અને વૃદ્ધોને જ કેન્સર થતું હતું, પરંતુ હવે ૧૯થી ૪૦ વર્ષની વયના લોકો પણ કેન્સરનો ભોગ બનવા લાગ્યા છે. આ નવું વય જૂથ મોટેભાગે ઓરલ કેન્સરમાં સંડોવાયેલું જણાયું છે. એટલે કે અંગત જિંદગીમાં પોર્નોગ્રાફીએ લોકોની સેક્સની આદતો પણ બદલી નાંખી છે.

ઓરલ કેન્સરનાં લક્ષણો

ઓરલ કેન્સરનાં લક્ષણો દર્શાવતાં ડોક્ટરો કહે છે કે તમારા મોઢાની અંદર કે ગળામાં કોઈ ફોરેન બોડી છે એવું સતત લાગતું હોય અને તે મરતું જ ન હોય તો તે પણ ઓરલ કેન્સરનું એક લક્ષણ છે. એ જ રીતે ગળફામાં સતત લોહી આવતું હોય તો તે પણ મોઢાની અંદર કે ગળાના ઓરલ કેન્સરનું એક લક્ષણ છે. આવું કંઈ પણ જણાય તો વહેલી તકે તબીબી પરીક્ષણ કરાવી લેવું જોઈએ. જેટલું વહેલું નિદાન થાય તેટલી ઝડપથી રિકવરી આવી શકે છે. કોલકાતા અને બેંગલુરુમાં તાજેતરમાં કરાયેલા એક અભ્યાસમાં જણાયું હતું કે આ શહેરની હોસ્પિટલમાં દર મહિને આવા પાંચથી દસ કેસ આવે છે. ડોક્ટરો કહે છે કે એચપીવી-૧૬ ટેસ્ટ મોંઘો છે તેથી ઘણાં તબીબોને લેબોરેટરીમાં આવું પરીક્ષણ કરાવવાનું ગમે છે, પરંતુ હવે જાગૃતિ આવતી જાય છે અને આવતા વર્ષથી ગળા અને મોઢાનું કેન્સર તથા ડોકનું કેન્સર ધરાવતા તમામ દરદીઓ માટે એચપીવી-૧૬ ટેસ્ટ ફરજિયાત બનાવવામાં આવશે. ભારતમાં સામાન્ય રીતે ડોક્ટરો દરદીને ઓરલ સેક્સ અંગે પૂછવાનું ટાળે છે, પરંતુ નિષ્ણાતો કહે છે કે ભારતીય સ્ત્રી-પુરુષોની બદલાતી સેક્સ આદતોને કારણે ડોક્ટરોએ આવા દરદીઓને ઓરલ સેક્સ અંગે પણ પ્રશ્નો પૂછવાની જરૂર છે. ખાસ કરીને શહેરી વિસ્તારમાં રહેલાં યુવક યુવતીઓ ઓરલ સેક્સની આદત વધુ ધરાવે છે. કોલકાતાની એમી વુડલેન્ડ્સ એન્ડ બોલેવ્યુ ક્લિનિકના ડો. અનિલ પોદ્દાર કહે છે કે ભારતમાં ઓરલ સેક્સનુ ચલણ વધવાનું એક કારણ એ પણ છે કે તે ત્વરિત આનંદ આપે છે. તેમાં કોન્ટ્રાસેપ્ટિવની જરૂર રહેતી નથી અને પ્રેગ્નેન્સીની પણ ચિંતા રહેતી નથી, પરંતુ આ આદત ભયાનક સાબિત થઈ રહી છે. યુવક યુવતીઓ તેને સલામત સેક્સ સમજે છે, પરંતુ હકીકતમાં તે ડેન્જરસ સાબિત થઈ શકે છે.

કોલકાતાની પ્રેસિડેન્સી કોલેજની સંજિની બિશ્વાસ નામની ફર્સ્ટ યરની વિધ્યાર્થિની કહે છે હું ઓરલ સેક્સ એટલા માટે પસંદ કરું છું કે તેના કારણે મારો કૌમાર્ય પડદો અતૂટ રહે. મારા માટે કુંવારિકા રહેવું જરૂરી છે જેથી લગ્ન સમયે વાંધો ન આવે.

કેવી ખોટી માન્યતા અને કેવો વિકૃત આનંદ? ઓરલ સેક્સથી દૂર રહેવામાં જ ડહાપણ અને સલામતી છે. 

www.devendrapatel.in

‘રાજનીતિ’ વિથ રિઅલ ડિફરન્સ

રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ
અનેક નેતાઓ સામે એક ‘આમ આદમી‘

અરવિંદ કેજરીવાલે માત્ર દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડીને કોંગ્રેસ અને ભાજપા બેઉ પક્ષો માટે સનસનાટી સર્જી દીધી છે. ભાજપાએ રાજસ્થાન, મધ્યપ્રદેશ, અને છત્તીસગઢમાં સારો દેખાવ કર્યો હોવા છતાં દેશના હાર્દ સમા પાટનગર દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ ભાજપાની લગોલગની બેઠકો હાંસલ કરીને ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓ માટે ભાજપાને વિચારતો કરી દીધો છે. એ વાત સ્પષ્ટ છે કે દેશના લોકો મોંઘવારી અને ભ્રષ્ટાચારથી ત્રસ્ત હતા અને કોંગ્રેસનો વિકલ્પ શોધી રહ્યા હતા ત્યારે લોકો પાસે બે જ વિકલ્પ હતા.

ભાજપા અને આમ આદમી પાર્ટી. જ્યાં આમ આદમી પાર્ટી નહોતી ત્યાં લોકોએ ભાજપાને વિકલ્પ તરીકે પસંદ કર્યો, પરંતુ જ્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો હતા ત્યાં માત્ર ૧૩ જ મહિનામાં બાળક જેવી આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં ૨૮ બેઠકો હાંસલ કરી કોંગ્રેસને તો પરાસ્ત કરી જ પણ સાથે સાથે દિલ્હીમાં ભાજપાના વિજયરથને રોકી દીધો. દિલ્હીમાં આમ આદમી પાર્ટી ભાજપા પછી બીજા નંબરે હોવા છતાં તેણે ૩૦ ટકા મત હાંસલ કરી દીધા છે. દિલ્હીમાં સત્તા હાંસલ કરવા માટે કોઇ જ ઉતાવળ ના કરવાની નીતિ અપનાવીને બીજા પક્ષોને પણ એમ કરવા મજબૂર કરી દીધા છે.

મોટી રેલીઓ નહીં

આમ આદમી પાર્ટીએ કોઈ મોટી રેલીઓ કરી નહોતી. કોઈ મોટાં વિજ્ઞાપનો કર્યાં નહોતાં. ન્યૂઝ ચેનલ્સ પર અરવિંદ કેજરીવાલનાં તમામ ભાષણોનું લાઈવ કવરેજ કરવામાં આવ્યું નહોતું. એથી ઊલટું, દારૂની બોટલો અને પૈસા ના વહેંચાય તે માટે ઠેર ઠેર સીસીટીવી કેમેરા લગાડી દીધા હતા. અરવિંદ કેજરીવાલ સામાન્ય લોકોની વસાહતોના અને ઝૂંપડીઓના વિસ્તારમાં પગે ચાલીને ફર્યા હતા. કેજરીવાલ પાસે નહોતાં ચાર્ટર્ડ વિમાનો કે નહોતાં હેલિકોપ્ટર્સ. કેજરીવાલ પાસે કમાન્ડોઝની કોઈ સુરક્ષા નહોતી. ઝેડ કે વાય કેટેગરીનું સુરક્ષાચક્ર પણ નહોતું. તેઓ નાનકડી અલ્ટો કારમાં જ ફરતા હતા.

કોર્પોરેટ વર્લ્ડનો સાથ નહીં

વસ્ત્રો પણ સાદાં હતાં. પોતાની ડ્રેસ સેન્સ માટે તેઓ જરા પણ સભાન નહોતા. ઇન કરેલા શર્ટની ઉપર એક સાદું સ્વેટર પહેરીને ફરતા હતા. તેમના શર્ટનો એક કોલર સ્વેટરની અંદર જ રહી ગયો હોય અને બીજો કોલર બહાર હોય પણ તેની પરવા કર્યા વિના એક સામાન્ય માનવીની જેમ સામાન્ય માણસોને મળતા હતા. કેજરીવાલને દેશના કોર્પોરેટ વર્લ્ડનો કોઈ જ સાથ નહોતો. અલબત્ત, મીડિયા તેમની નોધ લેતું હતું અને તે પણ પ્રમાણસર. આ બધું હોવા છતાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ એક જ વિધાનસભા ક્ષેત્રની ચૂંટણી લડીને દેશના બે મોટા રાષ્ટ્રીય પક્ષો અને કોમ તથા જ્ઞાતિ આધારિત બીજા પ્રાદેશિક પક્ષોને હચમચાવી દીધા છે.

કોમ-જ્ઞાતિવાદ નહીં.

આમ આદમી પાર્ટીની દિલ્હીની જીતે એ દર્શાવ્યું છે કે, દેશની કોમ અને જ્ઞાતિ આધારિત રાજકીય પાર્ટીઓની સામે રાષ્ટ્રીય રાજનીતિમાં હવે કોમ અને જ્ઞાતિના આધાર વગરની રાજકીય પાર્ટી માટે પણ હવે જગ્યા છે. આમ આદમી પાર્ટી દિલ્હીનાં પરિણામો બાદ ૨૦૧૪માં આવી રહેલી લોકસભાની ચૂંટણીઓ માટે પણ તૈયારીઓ કરવા માંડી છે. દેશના મોટા અને નાના ૩૮૦ જેટલા જિલ્લાઓમાં પાર્ટી પોતાનું સંગઠન ગોઠવી રહી છે. જો એમ થાય તો ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દેશનાં કેટલાંક શહેરોમાંથી ૪૦ની આસપાસ બેઠકો જીતી શકે તેમ છે. આ રીતે તે કોંગ્રેસને તો નુકસાન કરી શકે છે, પરંતુ ૨૦૧૪માં દિલ્હીની ગાદી સર કરવા માંગતા ભાજપાના ઇરાદાને પણ એટલું જ નુકસાન પહોંચાડી શકે છે. એ વાત નક્કી છે કે ૨૦૧૪માં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભાજપા દેશમાંથી ૨૦૦ બેઠક પર જીતી જાય તો તે સ્થિર સરકાર આપી શકે તેમ છે, પરંતુ તે માટે ભાજપાએ જે બેઠકો દિલ્હીમાં ગુમાવી છે તે ભૂમિ નરેન્દ્ર મોદીએ જીતવી પડે. બીજી શક્યતા એ છે કે ભાજપા જો ૧૫૦થી ૧૬૦ બેઠકો પર જીતે તો તે સરકાર તો રચી શકે, પરંતુ તે પાંચ વર્ષ પૂરાં કરી શકે કે કેમ તે એક પ્રશ્ન છે. ત્રીજી શક્યતા એ છે કે ૨૦૧૪માં ત્રીજો મોરચો ભાજપાના ટેકાથી સરકાર રચે તો તેનું આયુષ્ય અલ્પજીવી જ હશે. તાજેતરમાં નરેન્દ્ર મોદીની જબરદસ્ત મહેનતથી ભાજપાએ સુંદર દેખાવ કર્યો છે, પરંતુ અરવિંદ કેજરીવાલે ભાજપાની એ વિજયપતાકામાં થોડીક ખટાશ ઉમેરી દીધી છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ૨૦૧૪માં દેશમાં સરકારની રચના થશે એવી આશાએ શેરબજાર ઊંચકાયું છે, પરંતુ અરવિંદ કેજરીવાલના પરિબળને ધ્યાનમાં રાખીને તેમણે તેમના ઉત્સાહમાં સંયમિત થવાની જરૂર છે. આમ આદમી પાર્ટીનો રાજકીય ઉદય એ કોંગ્રેસ-ભાજપા અને શેરબજાર માટે સારા સમાચાર નથી, કારણ કે આમ આદમી પાર્ટીના ઉદયના કારણે હવે ભ્રષ્ટાચારને રોકવા માટેના લોકપાલ બિલને અગ્રતા અપાશે. લોકપાલ બિલ વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને તેમને મદદ કરતા ભ્રષ્ટ અધિકારીઓને મદદરૂપ થાય તેવું નહીં હોય.

નેતા નહીં પણ એક્ટિવિસ્ટ

એક વાત નેતાઓ અને અધિકારીઓએ સમજી લેવાની જરૂર છે કે અરવિંદ કેજરીવાલની રાજકીય કારકિર્દીનો જન્મ જ અણ્ણા હજારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાંથી થયો છે. તેઓ કોઈ જમાનામાં ઇન્કમટેક્ષ કમિશનર હતા અને ભ્રષ્ટાચારનો વિરોધ કરવા જ તેઓ રાજનીતિમાં આવ્યા છે. તેઓ ચીલાચાલુ રાજકારણી નથી, બલકે એક્ટિવિસ્ટ છે.

અરવિંદ કેજરીવાલ સ્વયં દિલ્હીના ગાઝિયાબાદ વિસ્તારમાં આવેલા ચાર રૂમના ફ્લેટમાં રહે છે. જ્યાં કોઈ લક્ઝુરિયસ ફર્નિચર નથી. સેન્ટ્રલી એરકંડિશન્ડ આશિયાનો નથી. આ ઘરમાં જ તેમના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનની શરૂઆત થઈ હતી.

 તેમનું ઘર જ તેમની એનજીઓ-પરિવર્તનની કચેરી હતું. શરૂઆતમાં તેઓ અણ્ણા હજારે સાથે જોડાયા હતા. કેજરીવાલને લાગ્યું કે રાજનીતિમાં ગયા વિના પરિવર્તન લાવી શકાશે નહીં તેથી તેમણે આમ આદમી પાર્ટી શરૂ કરી. એ વખતે અણ્ણા હજારેએ પણ તેમનો સાથ છોડી દીધો હતો, પરંતુ હવે કેજરીવાલ એ સામાન્ય લોકોની પસંદગીના માણસ બની ગયા છે. ૨૦૧૧માં કોમનવેલ્થ ગેઇમ્સ અને ટુજી સ્પેક્ટ્રમનાં કૌભાંડો પ્રકાશમાં આવ્યા બાદ ભ્રષ્ટાચાર વિરોધી એક્ટિવિસ્ટ તરીકે કેજરીવાલ ઉપસી આવ્યા છે. કેજરીવાલે આ કક્ષા સુધી પહોંચવા સખત પરિશ્રમ કર્યો છે. રાત-દિવસના ઉજાગરા કર્યા છે. દેશમાં વધતી મોંઘવારી અને ભાવવધારાએ તેમને મદદ કરી છે. ઝાડુનું ચૂંટણી પ્રતીક મેળવીને તેઓ ગરીબોના માણસ તરીકે ખ્યાતિ પામ્યા છે. તેમના કેટલાક સાથીઓ સાથે સ્ટિંગ ઓપરેશન થયું તે જ દર્શાવે છે કે અન્ય પક્ષો અને તેમના હરીફોએ તેમને ગંભીરતાથી લીધા છે. અરવિંદ કેજરીવાલના ઉદયે નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીને પણ વિચારતા કરી દીધા છે. તેઓ વિચારતા થયા ના હોત તો તેમણે અરવિંદ કેજરીવાલના રાજકીય ઉદય અંગે વધુ ગંભીરતાથી વિચારવું પડશે. જેને પદની મહત્ત્વાકાંક્ષા હોતી નથી તે સહુથી વધુ ડેન્જરસ માણસ હોય છે. અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રીપદની કે વડાપ્રધાન પદની કોઈ મહત્ત્વાકાંક્ષા નથી. તેઓ તડજોડના રાજકારણ નથી. સત્તા માટે કાંઈ પણ કરવા તૈયાર નથી. તેઓ વિચારક છે અને બાઈબલની એક કહાણીમાં ક્વીન શીબા કહે છે શસ્ત્ર ધારણ કરનાર વ્યક્તિ કરતાં ચોક્કસ વિચારધારા ધરાવતો માણસ વધુ શક્તિશાળી હોય છે. તેને હંફાવી શકાય નહીં. ગાંધીજી વિચારધારાના માણસ હતા. અબ્રાહમ લિંકન વિચારધારાના માણસ હતા. માર્ટિન લ્યુથર વિચારધારાના હતા. કાર્લ માર્ક્સ વિચારધારાના માણસ હતા. જયપ્રકાશ નારાયણ વિચારધારાના માણસ હતા. એ બધાની સરખામણીમાં અરવિંદ કેજરીવાલ ભલે નાના હોય પરંતુ વિચારધારાના માણસ છે. આવા લોકોને હંફાવવા મુશ્કેલ હોય છે.

તૂં તૂં મૈં મૈં નહીં

છેલ્લી ચૂંટણીઓમાં દેશના મોટા મોટા પક્ષના નેતાઓ વચ્ચે જે તૂં તૂં મૈં મૈં જોવા મળ્યું તે કલ્ચર અરવિંદ કેજરીવાલનું નથી. વ્યક્તિગત આક્ષેપો થયા એ કલ્ચર અરવિંદ કેજરીવાલનું નથી. માનવ ભીડ એકત્ર કરવા માટે જે પ્રયાસો થયા તે કલ્ચર કેજરીવાલનું નથી. લોકોએ સ્વયંભૂ રીતે કેજરીવાલને સાથ આપ્યો છે એમાં કોઈ શંકા નથી કે અરવિંદ કેજરીવાલ અને તેમની પાર્ટી એ સાચા અર્થમાં પાર્ટી વિથ ડિફરન્સ છે.

અને બીજું સત્ય એ પણ છે કે અરવિંદ કેજરીવાલની પાર્ટીમાં બધા જ કેજરીવાલ નથી. 
www.devendrapatel.in

Page 2 of 2

Powered by WordPress & Theme by Anders Norén