અજમલ કસાબની ફાંસીની ગુપ્તતા કેવી રીતે જાળવવામાં આવી?
અમેરિકાએ પાકિસ્તાનની ભૂમિમાં પ્રવેશીને ઓસામા બિન લાદેનને ઠાર મારી દીધો એ ઓપરેશન કરતાં એની સિક્રસી વધુ મહત્ત્વની હતી. ઇન્દિરા ગાંધીએ દેશમાં સહુથી પહેલાં પ્રાયોગિક પરમાણુ ધડાકો કર્યો એ કરતાં એની સિક્રસી વધુ મહત્ત્વની હતી. ભારત જેવા વિશાળ દેશના એક ખતરનાક મુજરિમ અજમલ કસાબને ફાંસી આપી તે કરતાં આખુંયે ઓપરેશન જે ગુપ્તતાથી પાર પાડવામાં આવ્યું તે સિક્રસી વધુ મહત્ત્વપૂર્ણ હતી. અમેરિકાની ગુપ્તચર એજન્સીઓ પણ આ ગુપ્ત ઓપરેશનથી સ્તબ્ધ થઈ ગઈ છે.
અજમલ કસાબને ફાંસી આપવાના ચુકાદા બાદ અને રાષ્ટ્રપતિ દ્વારા દયાની અરજી ફગાવી દેવાઈ તે પછી કેન્દ્રના ગૃહખાતાએ મહારાષ્ટ્રના ગૃહખાતાને જે આદેશ આપ્યો તે આદેશનો જે ગુપ્તતાથી અમલ થયો તે આખીયે ઘટના હોલિવૂડની રહસ્યમય ફિલ્મ જેવી છે.
અજમલ કસાબને મુંબઈથી પૂનાની યરવડા જેલમાં લઈ જઈ ફાંસી આપવાના ઓપરેશનને ઓપરેશન-X એવું નામ આપવામાં આવ્યું હતું. તેનું અસલ નામ ઓપરેશન-EX હતું. EXનો મતલબ એક્ઝિક્યુશન અર્થાત્ ફાંસી થાય છે. તે પછી તે ટૂંકું કરી માત્ર ઓપરેશન-X કરી દેવામાં આવ્યું હતું. આ પ્લાન નવેમ્બરના પહેલા અઠવાડિયામાં જ ઘડી કાઢવામાં આવ્યો હતો. આ ઓપરેશન મુંબઈની પોલીસે આઈટીબીપી, કમાન્ડોઝ અને ક્વિક રિસ્પોન્સ ટીમ દ્વારા પાર પાડયું હતું.
તા. ૨૯મી ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે અજમલ કસાબને ફાંસી આપવાનો ચુકાદો માન્ય રાખ્યો તે પછી કસાબે રાષ્ટ્રપતિને દયાની અરજી કરી હતી. રાષ્ટ્રપતિએ દયાની અરજી ફગાવી દીધી હતી. એ ફાઇલ કેન્દ્રના ગૃહમંત્રી સુશીલકુમાર શિંદેના ટેબલ પર ત્યારે ગુપ્તતા સાથે જાળવવામાં આવી હતી. એ વખતે સુશીલકુમાર શિંદે ઇન્ટરપોલ જનરલ એસેમ્બલીમાં હાજરી આપવા રોમ ગયા હતા. તેમણે તરત જ એ ફાઇલ પર સહી કરી ભારે ગુપ્તતા સાથે એક ઉચ્ચ અધિકારી દ્વારા હાથોહાથ તે ફાઇલ મહારાષ્ટ્રના ગૃહમંત્રી આર.આર. પાટિલને પહોંચાડી હતી. કેન્દ્રના ગૃહમંત્રી સુશીલકુમાર શીંદે ખુદ પૂર્વ પોલીસ કોન્સ્ટેબલ છે. તેઓ ગુપ્તતા રાખવા ટેવાયેલા છે. શિંદેએ તેમના જુનિયર મંત્રીઓને પણ આ નિર્ણય અંગે અંધારામાં રાખ્યા હતા. એક માત્ર કેન્દ્રના ગૃહસચિવ આર. કે. સિંહ અને ગૃહમંત્રી સુશીલકુમાર શિંદે જ આ વાત જાણતા હતા. સુશીલકુમાર શિંદેના કહેવા પ્રમાણે તેમણે યુપીએનાં ચેરપરસન સોનિયા ગાંધી તથા વડાપ્રધાન ડો. મનમોહનસિંહને પણ અજમલ કસાબને ફાંસી આપવાના નિર્ણયની જાણ કરી નહોતી.
તે પછી નેશનલ સિક્યોરિટીના સલાહકાર શિવશંકર મેનન અને ઇન્ટેલિજન્સ બ્યૂરોને વિશ્વાસમાં લેવાયા હતા. કસાબને ફાંસી આપવાની તારીખ વહેલી જાહેર થઈ જાય તો વિશ્વનું ઇલેક્ટ્રોનિક મીડિયા કસાબ પર ચર્ચા કરાવી તેને હીરો બનાવી દે તેવી તેમને દહેશત હતી.
એક વાર મહારાષ્ટ્ર સરકાર પાસે તે ફાઇલ આવી ગઈ પછી કસાબને યરવડા જેલમાં ફાંસી આપવાનો નિર્ણય લેવાયો. મહારાષ્ટ્ર પ્રીઝન એક્ટ પ્રમાણે મહારાષ્ટ્રના કેદીને પૂનાની યરવડા અથવા નાગપુરની સેન્ટ્રલ જેલમાં જ ફાંસી આપી શકાય છે. તા. ૧૨મી નવેમ્બરે યરવડા જેલમાંથી સંદેશો આવી ગયો કે જેલ તૈયાર છે. આ તરફ બાળ ઠાકરેનું અવસાન થતાં મીડિયાનું ફોકસ બાળ ઠાકરે પર જ હતું. તે વખતે જ અજમલ કસાબને મુંબઈની આર્થર રોડ જેલમાંથી પૂના યરવડા ખસેડવાનો પ્લાન બનાવવામાં આવ્યો. ૨૦૦ જેટલા મજબૂત આઈટીબીપી જવાનોના સુરક્ષા ઘેરા હેઠળ તેને બાય રોડ લઈ જવાનો નિર્ણય લેવાયો હતો. અલબત્ત,જે વાહનમાં કસાબને લઈ જવામાં આવ્યો તેમાં બીજા પણ ત્રણ કેદીઓ હતા. જેથી બીજા કોઈને શંકા જાય નહીં. એથી વધુ નોંધપાત્ર વાત એ હતી કે અજમલ કસાબને તેની કોટડીમાંથી બહાર કાઢયો તે પછી પણ પહેલાંની જેમ જ સુરક્ષા જવાનો તેની કોટડીની આસપાસ પહેરો ભરતા રહ્યા, જેથી આર્થર રોડ જેલમાં પણ કોઈને શંકા જાય નહીં.
અજમલ કસાબને જ્યાં ફાંસી આપવામાં આવી, તે થાંભલા પર છેલ્લે ૧૯૯૫માં એક કેદીને ફાંસી આપવામાં આવી હતી. તેથી ફાંસી આપવાના સ્થળને ફરી સાફસૂફ કરવામાં આવ્યું. ખુદ જેલના સ્ટાફને પણ ખબર નહોતી કે આ સ્થળની સાફસૂફી કોના માટે થઈ રહી છે. ફાંસીનો યાર્ડ ૮૦૦૦ ચોરસ ફીટનો વિસ્તાર ધરાવે છે. તેને સફેદ રંગથી રંગવામાં આવ્યો . ફાંસી પામનાર કેદીને માનસિક શાંતિ અને સાંત્વના રહે તે માટે યાર્ડની દીવાલો સફેદ રંગે રંગવામાં આવી હતી. ફાંસીનો એ થાંભલો અને રેમ્પ બ્રિટિશ જમાનાનો છે. તેનું લાકડું સાગનું છે. તે લાકડાને પોલિશ કરવામાં આવ્યું. લિવર અને શિફ્ટિંગ વૂડન પાટ્ર્સ તથા મિકેનિકલ પાર્ટ્સને ગ્રીસિંગ કરવામાં આવ્યું. તેના પ્રવેશદ્વારને ફરી રંગવામાં આવ્યું. ફાંસીના યાંત્રિક ભાગો ઘણા જૂના હોઈ તેને ઓઈલિંગ કરવામાં આવ્યું. રેમ્પની નીચે જે ઘાસ ઊગી નીકળ્યું હતું તે કાઢી નાખવામાં આવ્યું. પેડેસ્ટલની ઉપર પણ રંગ લગાડવામાં આવ્યો. અલબત્ત, આ બધી કામગીરી કરનારાઓને એ વાતની ખબર નથી કે કોને ફાંસી આપવાની છે.
જે દોરડાથી ફાંસી આપવાની હતી તે દોરડું પાંચ દિવસ પહેલાં તૈયાર કરવામાં આવ્યું હતું. કસાબને ફાંસી અપાઈ તે એક ઈંચ જાડા દોરડાની લંબાઈ ૧૯ ફૂટની હતી. તેની વજન ઊંચકવાની ક્ષમતા ૧૨૭ કિલોગ્રામની હતી. પાંચ દિવસ પહેલાં જ તે દોરડાની ક્ષમતા જેલ સુપરિન્ટેન્ડેન્ટે ચકાસેલી. તે પછી ફરી એક વાર તેની ચકાસણી થઈ હતી. એ દોરડાને ઘીમાં રાખવામાં આવ્યું હતું જેથી તે સુંવાળું રહે. ફાંસી આપતી વખતે એક લેધર બેલ્ટનો પણ ઉપયોગ થાય છે. તે લેધર બેલ્ટને પણ પોલિશ કરવામાં આવ્યું હતું.
સામાન્ય રીતે ફાંસીના લીવરને ખેંચનાર વ્યક્તિ માટે જલ્લાદ શબ્દ વપરાય છે. યરવડા જેલ માટે જલ્લાદનું કામ કરતી વ્યક્તિ તો આઠ વર્ષ પહેલાં નિવૃત્ત થઈ ગઈ હોઈ કોઈ જલ્લાદ નહોતો. આ કામ હવે જેલના અધિકારીઓએ જ કરવાનું હતું. કસાબને સવારે ૭ વાગ્યે ફાંસીના યાર્ડમાં લાવવામાં આવ્યો ત્યારે યાર્ડમાં ૨૮ વ્યક્તિઓ હાજર હતી. તેમાં જેલના અધિકારીઓ ડિસ્ટ્રિક્ટ જજ, તબીબી અધિકારીઓ અને રેવન્યુ અધિકારીઓ પણ હતા. સહુથી પહેલાં તેની તબીબી ચકાસણી કરવામાં આવી. તે શાંતિપૂર્ણ રીતે ચાલતો હતો. કસાબના મોં પર કાળું કપડું પહેરાવવામાં આવ્યું. ફાંસીનો ગાળિયો બાંધવામાં આવ્યો અને લીવર ખેંચી લેવામાં આવ્યું. કહેવાય છે કે લીવર ખેંચી લેવાનું કામ જેલના સિનિયર ઓફિસર અથવા જેલ સુપરિન્ટેન્ડેન્ટે કર્યું હતું, પરંતુ એ કામ ખરેખર કોણે કર્યું, તે અંગે પણ ગુપ્તતા સેવવામાં આવે છે. અલબત્ત, ફાંસી આપવાના સમયે મહારાષ્ટ્રની જેલોના એડિશનલ ડાયરેક્ટર જનરલ મીરાં પણ હાજર હતાં. તેઓ રાત્રે ૩ વાગ્યે જેલ પર પહોંચી ગયાં હતાં અને બીજા દિવસે સવારે ૧૦-૩૦ વાગ્યા સુધી યરવડા જેલમાં રોકાયાં હતાં. તેઓ જેલમાં બેઠાં બેઠાં જ મહારાષ્ટ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓને પળપળની માહિતી આપતાં હતાં. આ આખુંયે ઓપરેશન ગુપ્ત રાખવામાં આવ્યું હતું.
આખીયે વિધિ પૂરી કરવામાં યરવડા જેલના તંત્રને ત્રણ કલાક લાગ્યા હતા. તે પછી જેલના સત્તાવાળાઓએ મહારાષ્ટ્રના ગૃહમંત્રી આર.આર. પાટીલને ટૂંકો સંદેશો મોકલ્યો. ઓપરેશન X સક્સેસફુલી એક્ઝિક્યુટેડ.

Leave a Reply