રેડ રોઝ – દેવેન્દ્ર પટેલ
૨૦૧૪માં આવી રહેલી લોકસભાની ચૂંટણીનાં દુંદુભિ બજી રહ્યાં છે. ભારતીય જનતા પાર્ટીના ભાવિ વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી છે. તેઓ ૬૦ વટાવી ગયા છે, પરંતુ યુવાનોમાં લોકપ્રિય છે. કોંગ્રેસના ભાવિ વડાપ્રધાનપદના ઉમેદવાર રાહુલ ગાંધી સ્વયં યુવાન અને કુંવારા છે. લોકસભાની ચૂંટણીને હવે લગભગ ૨૦૦ દિવસ બાકી છે. રાજકીય પક્ષો મતદાતાઓને રિઝવવામાં અને નવાં રાજકીય સમીકરણો બનાવવામાં વ્યસ્ત છે. નરેન્દ્ર મોદીએ દેશભરમાં રાજકીય સભાઓ ગુંજવવા માંડી છે. તેઓ આક્રમક છે. રાહુલ ગાંધી પણ સભાઓ સંબોધી રહ્યા છે. તેઓ લો પ્રોફાઇલ છે. લોકસભાની ચૂંટણી આ વખતે એક રીતે અમેરિકાની પ્રમુખશાહી પદ્ધતિની જેમ લડાતી હોય તેમ લાગે છે, કારણ કે રાહુલ ગાંધી વિરુદ્ધ નરેન્દ્ર મોદી વચ્ચેની લડાઈમાં રાજકીય પક્ષો ગૌણ બની ગયા છે. આ ચૂંટણી રાજકીય પક્ષો વચ્ચેની ચૂંટણીના બદલે વૈયક્તિક વધુ લાગે છે.
ચાવી યુવાનો પાસે
લોકસભાની આગામી ચૂંટણીનું મહત્ત્વપૂર્ણ પાસું એ હશે કે આ વખતે સત્તાની ચાવી યુવાનો પાસે હશે. આ પહેલી જ એવી ચૂંટણી છે કે જેમાં ૧૮થી ૩૫ વર્ષની વયના યુવાન મતદારોની બહુમતી હશે. ખાસ કરીને એવાં યુવક-યુવતીઓની ભૂમિકા મહત્ત્વપૂર્ણ હશે કે જેઓ પહેલી વાર મતદાન કરશે. મતદાન કેન્દ્ર પર દર પાંચમો મતદાતા એવો હશે કે જેનું નામ પહેલી જ વાર મતદાર યાદીમાં હશે. વિવિધ સામાજિક અને આર્થિક ભૂમિકામાંથી આવનારા આ યુવા મતદાતાઓને અનેક સ્વપ્નો છે, અનેક ઉમ્મીદો છે અને જે રાજકીય પક્ષો તેમને સમજી શકશે તેમને સત્તા પ્રાપ્ત થશે.
૪૦ કરોડ યુવા મતદાતા
દેશમાં લગભગ ૭૨.૫ કરોડ મતદારો છે. લોકસભાની કુલ બેઠકો ૫૪૩ છે. કોઈ પણ રાજકીય પક્ષે કે ગઠબંધને સરકાર બનાવવા માટે ૨૭૨ બેઠકો હાંસલ કરવી પડશે. અલગ અલગ પૃષ્ઠભૂમિમાંથી આવવાવાળા આ મતદાતાઓમાં કોઈ એક વાત સમાન હોય તો તે એ છે કે લગભગ ૪૦ કરોડ મતદાતાઓની ઉંમર ૧૮થી ૩૫ વર્ષની વચ્ચેની છે. આ આંકડાને બીજી રીતે જોઈએ તો એમ કહી શકાય કે દેશના કુલ મતદાતાઓમાં અડધાથી વધુ મતદાતાઓ યુવાન છે. યુવાન મતદાતાઓની સહુથી વધુ સંખ્યા ઉત્તરપ્રદેશમાં છે. ઉત્તર પ્રદેશમાં ૬.૪૪ કરોડ, મહારાષ્ટ્રમાં ૩.૭૮ કરોડ, બિહારમાં ૩.૦૫ કરોડ અને પશ્ચિમ બંગાળમાં ૩ કરોડ યુવા મતદાતાઓ છે. આ ચાર રાજ્યોમાં લોકસભાની ૨૧૦ બેઠકો છે. જે પક્ષો કે જે નેતાઓ ચાર રાજ્યોના યુવાન મતદારોને આર્કિષત કરવામાં કામયાબ રહેશે. તે દિલ્હીમાં સત્તા પ્રાપ્ત કરી શકશે.
સોશિયલ મીડિયા
૧૮થી ૩૫ વર્ષની વયનો આ નવો યુવા મતદાતા અખબારો કે ટેલિવિઝન કરતાં ફેસબુક, ટ્વિટર, વોટ્સ-એપ, માય સ્પેસ તથા મોબાઇલ પર સહુથી વધુ વ્યસ્ત રહે છે. આ સોશિયલ મીડિયા પર તેના પ્રતિભાવ પણ આપતો રહે છે. પહેલાં એવું માનવામાં આવતું હતું કે સોશિયલ મીડિયાનો સહુથી વધુ ઉપયોગ કરતો યુવાવર્ગ માત્ર શહેરોમાં જ છે, પરંતુ સોશિયલ મીડિયાનો પ્રભાવ હવે ગામડાંઓ સુધી પહોંચી ગયો છે. હા, એ વાત સાચી કે બિહાર, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં ગ્રામીણ ક્ષેત્રના યુવાનો વધુ છે તેથી વિવિધ રાજકીય પક્ષોએ તેમના સુધી પહોંચવા બીજા રસ્તાઓ શોધવા પડશે. ઇલેક્ટ્રોનિક ચેનલો પર અંગ્રેજી અને હિન્દી ભાષાઓમાં ચાલતી ચર્ચાથી કાંઈક જુદી જ અપેક્ષા એ ગ્રામીણ યુવાનોને છે. એ રીતે એ પણ જાણી લેવું જોઈએ કે દેશના નવા અને યુવાન મતદાતાઓને ધર્મ કરતાં સુરક્ષા, રોજી અને સલામતીમાં વધુ રસ છે.
મતદાતાનું પૃથક્કરણ
૨૦૧૪માં આવી રહેલી લોકસભાની ચૂંટણીની તસવીર કાંઈક આવી હશે. દેશના કુલ ૭૨.૫ કરોડ મતદારો પૈકી ૧૦.૩૮ કરોડ મતદારો એવા છે જે પહેલી વાર ગ્રામીણ વિસ્તારોના બનેલા મતદારો છે. તે પૈકી ૫.૪૮ કરોડ મતદારોએ ગ્રામીણ યુવક અને ૪.૯૦ કરોડ મતદારો ગ્રામીણ યુવતીઓ છે. એ જ રીતે ૨.૪૦ કરોડ પહેલી વાર બનેલા શહેરી મતદારો યુવક છે જ્યારે ૨.૧૫ કરોડ પહેલી વાર બનેલા મતદારો શહેરી યુવતીઓ છે. આ યુવા મતદારો આ વખતે દિલ દઈને મતદાન કરશે એમ લાગે છે. ટૂંકમાં,૧૪.૯૩ કરોડ મતદારો એવા છે, જે પહેલી વાર ૨૦૧૪માં મતદાન કરશે. ૭.૮૮ કરોડ યુવકો અને ૭.૦૫ યુવતીઓ પહેલી વાર મતદાન કરશે.
જાગૃત થયેલા યુવાનો
આઝાદીનાં ઘણાં વર્ષો બાદ દેશના યુવાનો પહેલી જ વાર રાજકીય અને ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનોની બાબતમાં જાગૃત બની મેદાનમાં આવ્યા છે. દિલ્હીમાં જંતરમંતરથી માંડીને મુંબઈ જેવાં શહેરોમાં યુવાનો ભારે દેખાવો કરી ચૂક્યા છે. ખાસ કરીને બળાત્કારના મામલાઓના યુવક-યુવતીઓનો જબરદસ્ત આક્રોશ જોવા મળ્યો છે. ઠેર ઠેર કેન્ડલ માર્ચ અને ધરણાં જોવા મળેલાં છે. દિલ્હીમાં સામૂહિક બળાત્કારની ઘટના બાદ સ્કૂલ અને કોલેજનાં હજારો યુવક-યુવતીઓ સડક પર ઊતરી આવ્યાં હતાં.
ટૂંકમાં, એમ કહી શકાય કે રાજકીય મામલાઓમાં પણ યુવાનો હવે અભિપ્રાય આપતા થયા છે.
૨૦૦૯માં શું થયું?
લોકસભાની છેલ્લી ચૂંટણી ૨૦૦૯માં થઈ હતી. તે વખતે માત્ર ૫૮.૧૯ ટકા મતદાન થયું હતું. તેમાંથી ૨૮.૫૫ ટકા મત કોંગ્રેસને મળ્યા હતા. જ્યારે ભારતીય જનતા પાર્ટીને ૧૮.૮ ટકા, બહુજન સમાજ પાર્ટીને ૬.૧૭ ટકા અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીને ૫.૩૩ ટકા મત મળ્યા હતા.
સ્ટાર નેતાઓ કોણ?
દેશના નવા યુવા મતદારોને આકર્ષવા ભારતીય જનતા પાર્ટી પાસે સ્વયં નરેન્દ્ર મોદી છે. યુવાનોને નરેન્દ્ર મોદીનું વસ્ત્રપરિધાન તથા તેમની વક્તૃત્વ કળા પસંદ છે. તેમની સામે કોંગ્રેસ પાસે હેન્ડસમ રાહુલ ગાંધી છે. રાહુલ ગાંધીની સાદગી અને નહેરુ-ગાંધી પરિવારનો વારસો પણ એક પરિબળ છે. ભાજપ પાસે સુષ્મા સ્વરાજ જેવાં સૌમ્ય વ્યક્તિત્વવાળાં રાજકારણી સામે કોંગ્રેસ પાસે સીધી સત્તાથી દૂર છતાં શક્તિશાળી રાજકારણી સોનિયા ગાંધી છે. ભાજપ પાસે ઉગ્ર નેતા વરુણ ગાંધી છે તો કોંગ્રેસ પાસે સદાયે હસતાં રહેતાં પ્રિયંકા ગાંધી છે. ભાજપ પાસે સ્મૃતિ ઇરાની, મીનાક્ષી લેખી તથા નિર્મલા સીતારમન જેવાં આકર્ષક ચહેરા છે, જ્યારે કોંગ્રેસ પાસે અજય માકન અને મનીષ તિવારી જેવા તર્કસંગત જવાબો આપતાં નેતાઓ છે. અરુણ જેટલી માસ લીડર નથી,પરંતુ સુંદર અંગ્રેજી જાણતા સોફિસ્ટિકેટેડ નેતા છે. તેની સામે કોંગ્રેસ પાસે જ્યોતિરાદિત્ય સિંધિયા તથા મિલિન્દ દેવરા જેવા યુવા ચહેરા પણ છે. જોઈએ દેશના ૪૦ કરોડ યુવા મતદારો કોના મસ્તક પર સત્તાનો તાજ પહેરાવે છે.
www.devendrapatel.in

Leave a Reply