બી.એ., બી.એડ્., એમ.એ., એમ.ફિલ. અને પીએચ.ડી થયેલી ગ્રામ્ય યુવતીની સંઘર્ષ-કથા
નામઃ ડો. કપિલાબેન પટેલ.
વતનઃ લીંબ, તા. બાયડ, જિ. સાબરકાંઠા
પિતાઃ મંગળદાસ પટેલ (ખેતી)
માતાઃ રૂપાબેન (નિરક્ષર- ઘરકામ)
એક દિવસ સાંજે પાતળી દેહલતા ધરાવતાં કપિલાબેન ‘સંદેશ’ કાર્યાલય પર આવી પહોંચે છે. એ શરૂ કરે છેઃ ”સર, મેં બી.એ., એમ.એ., એમ.ફિલ., સી.આઈ.સી., પીએચ.ડી., નેટ, ફેલોશિપ અને સ્પીપા અમદાવાદમાંથી સીસીસી કર્યું છે. મારા ઘરમાં ચાર ભાઈ-બહેનોમાં હું સહુથી મોટી છું. મેં મારા ગામની પ્રાથમિક શાળામાં પ્રાથમિક અભ્યાસ કરેલો છે. મારાં માતા-પિતા ખેતીમાં વ્યસ્ત હોઈ મારાં નાનાં ભાઈ-બહેનોને મેં જ ભણતાં ભણતાં ઉછેર્યાં છે.
માધ્યમિક શિક્ષણ ધો-૮માં ભણવાનું મારા માટે શક્ય જ ન હતું. પિતાની આર્થિક પરિસ્થિતિ સાવ કંગાળ હતી. માંડ ખાવાના દાણા પણ પૂરા ન થાય તેટલું ખેતીમાંથી મળતું. એટલે મને આગળ ભણાવી શકે એવી એમની સ્થિતિ ન હતી. પણ એમના વિચારો બહુ જ ઉચ્ચ હતા. ૮,૯ ધોરણ મેં મારા મોસાળ ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ભોજાના મુવાડા ગામની શ્રેયસ વિદ્યામંદિરમાં ભણી પાસ કર્યું. ૧૦માં ધોરણમાં પ્રવેશતાં જ પિતાએ મને ઘરે બોલાવી લીધી. હવે હું બાજુના ગામ ઉંટરડાની નવચેતન હાઈસ્કૂલમાં રોજના પાંચ કિ.મી. ચાલીને ભણવા જવા લાગી. ગામના તમામ છોકરા બસમાં કે જીપમાં જતા હતા ત્યારે ૫૦ પૈસા ટિકિટભાડુ હતું. જે મારા માટે શક્ય ન હતું. એ વખતે મારી હાઈસ્કૂલના શિક્ષક નંદાસણ, મહેસાણાના બાબુભાઈ પટેલ જે અમારા ગામમાંથી આવજા કરતા હતા. તેમની સાથે રોજ પાંચ કિલોમીટર ચાલીને સ્કૂલે જવા લાગી.ં ધો.૧૨ પાસ કર્યા પછી મારે આગળ ભણવું હતું પરંતુ અમારા સમાજમાં તે સમયે ઘણી ગેરમાન્યતાઓને કારણે છોકરીઓને ખાસ કોઈ ભણાવતું નહીં.
મારું સગપણ પણ હું જ્યારે દોઢ વર્ષની હતી ત્યારે કરી દેવામાં આવ્યું હતું. તે લોકોનો તો સ્પષ્ટ અભિપ્રાય હતો કે તમારે તમારી છોકરીને હવે ભણાવવામાંથી ઉઠાડીને પરણાવી દો. પરંતુ મારાં પિતા મક્કમ હતા. તેમની ઈચ્છા મને આગળ ભણાવવાની હતી. પણ આર્થિક પાસું તેમની મજબૂરી હતી. તેઓ ઈચ્છવા છતાં મારા માટે કશું કરી શકે તેમ ન હતા. તે સમયે મેં મારી જાતે નિર્ણય કર્યો કે ગમે તેટલી તકલીફ પડે પણ આગળ તો ભણવું જ છે. મારી પાસે ભાડાંના પૈસા ન હોવા છતાં હું મારા કાકા પાસેથી ભાડાંના પૈસા માગીને અને ઉછીનો લાવેલો પંજાબી ડ્રેસ પહેરીને તલોદ કોલેજમાં ફોર્મ ભરી આવી. પરંતુ તે વર્ષની ફી નહીં ભરી શકવાના કારણે અને કોલેજમાં પહેરવા માટેના યોગ્ય કપડાંના અભાવના કારણે મારે ઘેર બેસી રહેવું પડયું. કપડાંનો પ્રશ્ન એ હતો કે ૧૨માં ધોરણ સુધીનો પહેરવેશ ચણિયો અને શર્ટ હતો. પરંતુ તે કપડાં કોલેજમાં તે પહેરી શકાય નહીં. કોલેજમાં પંજાબી ડ્રેસ જોઈએ. જે લેવા માટે હું અને મારા પિતા તલોદના વાણિયાની કાપડની દુકાનમાં ગયા. જ્યાં મારા દાદા અને ત્યારબાદ પિતા પણ કપડાં ઉધાર લાવતા હતા અને દર વર્ષે ખાતું સરભર કરતાં હતા. ત્યાં દેવું વધી ગયેલ હોવાથી તેમણે અમને ચોખ્ખી ના પાડી દીધી. પણ મેં હિંમત કરીને રડતાં રડતાં તેમને કહ્યું કે મારા પિતાની શાખ પર નહીં તમે મને મારી પોતાની શાખ પર એક જોડી ડ્રેસનું કાપડ આપો. કારણ કે ડ્રેસના કારણે મારું એક વર્ષ બગડયું છે. મારે આગળ ભણવું છે અને તેમણે મને એ આપ્યું. ડ્રેસ તૈયાર કરાવી દીધો અને ફરીથી બીજા વર્ષે મેં કોલેજનું ફોર્મ ભર્યું અને કોલેજ શરૂ કરી. કોલેજમાં માત્ર બસમાં પાસના પૈસાનો જ ખર્ચ થતો હતો જે હું ખેત-મજૂરી કરીને પૂરો કરતી હતી. અને પુસ્તકો કોલેજની લાઈબ્રેરીમાંથી મળતા હતા. આ રીતે મેં કોલેજનું પ્રથમ વર્ષ પૂરું કર્યું અને બીજા વર્ષમાં આવી. કોલેજના આ અભ્યાસ દરમિયાન હું સામાજિક વિરોધોના વંટોળમાં એટલી તો ફંગોળાઈ કે મને ઘણીવાર ખૂબ જ લાગી આવતું. આ બે વર્ષ દરમિયાન હું ભણતી હતી એ કારણસર મારી પ્રથમ સગાઈ તૂટી અને બીજી જગ્યાએ સગાઈ થઈ. તે પણ તૂટી ગઈ, પરંતુ હું અને મારા પિતાજી મક્કમ હતા. આ દરમિયાન મારા પિતાને એવા ટોણા સાંભળવા પડેલા કે ભણાવવાનું બંધ કરીને છોકરીને પરણાવી દો. નહીં તો કોલેજના કોઈ છોકરાને લઈને ભાગી જશે. આ બધું સહન કરીને પણ મેં ટી.વાય.બી.એ.માં પ્રવેશ લીધો. આ દરમિયાન હાલ જ્યાં મારું લગ્ન થયેલ છે. ત્યાં મારી સગાઈ થઈ અને એમ.એ. અડધું પૂરું થયું ત્યાં મારા લગ્ન પણ થયા. મારા સાસુ-સસરા અને પતિ ખૂબ જ સંસ્કારી અને ઉચ્ચ વિચારોના હોવાથી સમાજે મને કારણ વગર બદનામ કરી દેવા છતાં મને ખૂબ જ માન અને ઈજ્જતથી સ્વીકારી. સમાજમાં એક અપૂર્વ દાખલો બેસાડયો.
એમ.એ. પાર્ટ-૨ પૂરું કર્યા બાદ મેં મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાં ઉચ્ચ અભ્યાસ (એમ.ફિલ) માટે પ્રવેશ લીધો. પ્રવેશ દરમિયાન હું ગર્ભવતી હતી. મેં ફરીથી પ્રવેશ પ્રક્રિયા પૂરી કરી એમ.ફિલ. ડિગ્રી લીધી હતી ત્યારબાદ ૧ વર્ષનો બી.એડ્.નો કોર્સ કર્યો. લગ્ન પછીની તમામ ડિગ્રીઓનો ખર્ચ મેં પશુપાલનનો વ્યવસાય કરી પાર પાડયો. મને સ્વાવલંબનના પાઠ ગાંધીજીની સંસ્થામાંથી શીખવા મળ્યા હતા.
બી.એડ્. પૂરું કર્યા બાદ તલોદમાં જ પ્રાથમિક શિક્ષણ ટ્રેનિંગ કોલેજમાં મને આઠ હજાર પગારની નોકરી મળી ગઈ. આ નોકરી દરમિયાન મેં પીએચ.ડી.ની પદવી ગૂજરાત વિદ્યાપીઠમાંથી લીધી. જેમાં દર શનિવારે કોલેજની નોકરી પૂરી થયા બાદ હું (ઘરે નાનાં બાળકો હોવા છતાં) ગૂજરાત વિદ્યાપીઠના ગ્રંથાલયમાં અને માર્ગદર્શકશ્રીને મળવા જાઉં. આ રીતે મેં પીએચ.ડી. પૂરું કર્યું. ત્યારબાદ કોલેજમાં વ્યાખ્યાતા બનવા માટેનું મેરિટ બનાવવા માટે મેં મારા વિષયમાં યુજીસી નેટ (નેશનલ એલિજીબિટી ટેસ્ટ ફોર લેક્ચરરશિપ) સખત મહેનત કરીને પાસ કરી. આર્થિક પાસું હજુ એટલું સબળ ન હોવા છતાં મેરિટ માટે પાંચ પુસ્તકો લખ્યા અને સંશોધનાત્મક લેખો લખ્યા અને મારા વિષયમાં ગુજરાતમાં પ્રથમ નંબરનું મેરિટ વર્ષ ૨૦૦૮-૦૯માં મેળવ્યું.
પ્રથમ નંબરનું મેરિટ મેળવવા મેં નવ વર્ષ સંઘર્ષ કર્યા. કોલેજ કક્ષાએ વ્યાખ્યાતાઓની નિમણૂક બે રીતે થતી. એક તો ગ્રાન્ટેડ કોલેજોની ભરતી અગાઉનાં વર્ષોમાં મેરિટના ધોરણે નહીં પણ પૈસા અને લાગવગથી થતી. એટલે પ્રામાણિક અને હોશિયાર ઉમેદવારને તક મળતી નહીં. ગુજરાતની સરકારી કોલેજોમાં વ્યાખ્યાતાઓ જેની ભરતી જે ગુજરાત જાહેર સેવા આયોગ કરે છે. આ ભરતી ૧૯૯૮માં થયેલ. ત્યારબાદ અને આટલા વર્ષો યોગ્યતા મેળવીને આ ભરતીની કાગડોળે, ચાતક નજરે રાહ જોઈને બેઠા હતા અને ભરતી ૧૩ વર્ષ બાદ (૨૦૧૧-૧૨માં) આવી. જેમાં વયમર્યાદા અગાઉ ૧૯૯૮માં થયેલ આ ભરતીમાં લઘુતમ વયમર્યાદા ૩૫ વર્ષ હતી. જ્યારે તેર વર્ષ બાદ ભરતી આવી હોવા છતાં અત્યારે વયમર્યાદા ઘટાડીને ૩૦ વર્ષ કરી દેવામાં આવી છે. જેના કારણે મને જ નહીં ગુજરાતમાં મારા જેવા તો ૨૦૦ થી ૩૦૦ ઉમેદવારોની કારકિર્દી ખતમ થઈ ગઈ. આ માટે મેં ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી, શિક્ષણ સચિવશ્રી સમક્ષ આ પ્રશ્નની રજૂઆત કરી, પણ કોઈ કંઈ જ સાંભળવા તૈયાર નથી. છેલ્લે મેં મુખ્યમંત્રીને આ બાબતે રૂબરૂ મળીને સઘળી હકીકત સમજાવવાનું વિચારી મેં તેમની રૂબરૂ મુલાકાત માટે પ્રયત્ન કર્યો. ઓગસ્ટ-૨૦૧૨થી મેં અનેક રૂબરૂ મુલાકાત માટે પ્રયત્ન કર્યો છે પણ હજુ સુધી કોઈ જ જવાબ મળ્યો નહીં.
ડો. કપિલાબેન પટેલ કહે છેઃ ”મેં. ભણતાં ભણતાં ખેતરમાં જઈ ઘાસ વાઢી ઘાસના ભારા ઊંચક્યા છે. કેટલાયે દિવસો સુધી ચા અને રોટલો ખાઈ ચલાવ્યું છે. ભણવા માટે મારી બે સગાઈ તૂટી છે. આજે મારી પાસે બી.એ, એમ.એ., એમ.ફિલ., બી.એડ્., પીએચ.ડી, નેટ, ફેલોશીપ અને સીસીઆઇ કર્યું હોવા છતાં મને એક પણ કોલેજ ભરતીના નવા નિયમોને કારણે મને કોઈ નોકરી આપતું નથી. હિન્દી ભાષામાં મારાં પાંચ પુસ્તકો પ્રગટ થયાં છે. નાટકો અને સામાજિક ચેતનાથી માંડીને હિન્દી કહાનીઓ અને હિન્દી ઉપન્યાસ પણ લખ્યાં છે, પરંતુ આટઆટલી ડિગ્રીઓ છતાં ૩૫ વર્ષની વયે મને વ્યાખ્યાતાની નોકરી ના મળવાથી સમાજ ફરી એકવાર વિચારવા લાગ્યો છે કે આટલું બધું ભણીને મેં શું મેળવ્યું? હું તો હજુ ૩૫ વર્ષની વયની જ છું. સર, ઘાસના ભારા ઊંચકીને, ભૂખમરો વેઠીને, ઉછીનો ડ્રેસ પહેરીને તથા સમાજ સામે બંડ પોકારીને હું ભણી છું. હવે ફરી એક વાર સમાજ મારી સામે પ્રશ્નાર્થ ભરી નજરે જોઈ રહ્યો છે.”
અને ડો.કપિલાબેનનો અવાજ રુંધાય છે, આંખમાં ઝળઝળિયાં દેખાય છે. આશા રાખીએ કે આપમેળે આગળ આવેલી એક અતિ શિક્ષીત ગ્રામ્ય યુવતીની વેદના મુખ્યમંત્રી સુધી જરૂર પહોંચશે.



What readers say
Narendra Patel
"Really nice story, "
pinal
"heart touch story. "
pinal
"very nice and heart touch story sir. "
purvi
"હૃદયસ્પર્શી વાત. ઘણા સમય પછી એક સુંદર વાર્તા વાંચી. "
nilehs pandya
"shri dongreji maharaj nijay "